Releases commemorative stamp in honor of Late Shri Arvind Bhai Mafatlal
“Coming to Chitrakoot is a matter of immense happiness for me”
“Glory and importance of Chitrakoot remains eternal by the work of saints”
“Our nation is the land of several greats, who transcend their individual selves and remain committed to the greater good”
“Sacrifice is the most effective way to conserve one’s success or wealth”
“As I came to know Arvind Bhai’s work and personality I developed an emotional connection for his mission”
“Today, the country is undertaking holistic initiatives for the betterment of tribal communities”

જય ગુરુદેવ! મધ્યપ્ર દેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ભાઈ શિવરાજજી, સદ્‌ગુરુ સેવા સંઘ ટ્રસ્ટના તમામ સભ્યો, દેવીઓ અને સજ્જનો!

આજે મને ફરીથી ચિત્રકૂટની આ પાવન પૂણ્યભૂમિની મુલાકાત લેવાની તક મળી છે. આ તે અલૌકિક વિસ્તાર છે, જેના વિશે આપણા સંતોએ કહ્યું છે – ચિત્રકૂટ સબ દિન બસત, પ્રભુ સિય લખન સમેત! અર્થાત્‌ ચિત્રકૂટમાં પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે નિત્ય નિવાસ કરે છે. અહીં આવતા પહેલા, હમણાં મને શ્રી રઘુબીર મંદિર અને શ્રી રામ જાનકી મંદિરના દર્શન કરવાનો લહાવો મળ્યો હતો અને હૅલિકોપ્ટરમાંથી જ મેં કામદગિરિ પર્વતને પણ પ્રણામ કર્યા હતા. હું આદરણીય રણછોડદાસજી અને અરવિંદ ભાઈની સમાધિ પર પુષ્પ અર્પણ કરવા ગયો હતો. પ્રભુ શ્રીરામ જાનકીના દર્શન, સંતોનું માર્ગદર્શન અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વેદમંત્રોનું આ અદ્‌ભૂત ગાન, આ અનુભવને, આ અનુભૂતિને વાણીથી વ્યક્ત કરવો મુશ્કેલ છે. માનવ સેવાના મહાન યજ્ઞનો ભાગ બનાવવા બદલ આજે, તમામ પીડિત, શોષિત, ગરીબ અને આદિવાસીઓ વતી, હું શ્રી સદ્‌ગુરુ સેવા સંઘનો આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખ જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે તે લાખો દર્દીઓને નવું જીવન આપશે. આવનારા સમયમાં, સદ્‌ગુરુ મેડિસિટીમાં ગરીબોની સેવાના આ અનુષ્ઠાનને નવું વિસ્તરણ મળશે. આજે આ પ્રસંગે ભારત સરકારે અરવિંદભાઈની સ્મૃતિમાં એક ખાસ ટિકિટ પણ બહાર પાડી છે. આ ક્ષણ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે, સંતોષની ક્ષણ છે, આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.

સાથીઓ,

કોઈપણ વ્યક્તિ તેના જીવનકાળમાં જે ઉત્તમ કામ કરે છે તેની પ્રશંસા તો થાય છે. સમકાલીન લોકો પ્રશંસા પણ કરે છે, પરંતુ, જ્યારે સાધના અસાધારણ હોય છે, ત્યારે તેમનાં જીવન પછી પણ કાર્યોનો વિસ્તાર થતો રહે છે. મને આનંદ છે કે અરવિંદભાઈનો પરિવાર તેમની પરમાર્થિક પૂંજીને સતત સમૃદ્ધ કરી રહ્યો છે. ખાસ કરીને, ભાઈ ‘વિશદ’ અને બહેન ‘રૂપલ’ જે રીતે નવી ઊર્જા સાથે તેમના આ સેવા અનુષ્ઠાનોને ઊંચાઇ આપી રહ્યા છે તે બદલ હું તેમને અને પરિવારના તમામ સભ્યોને ખાસ અભિનંદન પાઠવું છું. હવે અરવિંદ ભાઈ તો ઉદ્યોગ જગતના વ્યક્તિ હતા. મુંબઈના હોય કે ગુજરાતના, તેમના આટલા મોટા ઔદ્યોગિક કોર્પોરેટ જગતમાં બહુ મોટી પ્રતિભા, પ્રતિષ્ઠા અને વિશદ ઇચ્છતે તો તેઓ મુંબઈમાં આ જન્મ શતાબ્દી કાર્યક્રમનું આયોજન કરી શક્યા હોત. મોટી આન બાન અને શાનથી થતે, પરંતુ સદ્‌ગુરુ પ્રત્યેનું સમર્પણ જુઓ કે જે રીતે અરવિંદભાઈએ અહીં પોતાનું જીવન ત્યાગ્યું હતું, તે જ રીતે શતાબ્દી માટે પણ આ સ્થાન પસંદ કરવામાં આવ્યું હતું, અને આ માટે સંસ્કાર પણ હોય છે, વિચાર પણ હોય છે અને સમર્પણ પણ હોય છે, ત્યારે જઈને થાય છે. પૂજ્ય સંતો આપણને આશીર્વાદ આપવા અહીં મોટી સંખ્યામાં અહીં આવ્યા છે. પરિવારના ઘણા સભ્યો પણ અહીં બેઠા છે. ચિત્રકૂટ વિશે કહેવામાં આવ્યું છે - કામદ ભે ગિરિ રામ પ્રસાદ। અવલોકત અપહરત વિષાદા॥ અર્થાત્‌ ચિત્રકૂટનો પર્વત, કામદગિરિ, ભગવાન રામના આશીર્વાદથી તમામ કષ્ટો અને પરેશાનીઓને હરનારો છે. ચિત્રકૂટનો આ મહિમા અહીંના સંતો-ઋષિઓનાં માધ્યમથી જ અક્ષુણ્ણ રહી છે. અને, પૂજ્ય શ્રી રણછોડદાસજી એવા જ મહાન સંત હતા. તેમના નિષ્કામ કર્મયોગે હંમેશા મારા જેવા લક્ષાવધી લોકોને પ્રેરણા આપી છે. અને જેમ બધાએ ઉલ્લેખ કર્યો છે તેમ, તેમનો ધ્યેય અને ખૂબ જ સરળ શબ્દોમાં ભૂખ્યાને ભોજન, વસ્ત્રહીનને વસ્ત્ર, દ્રષ્ટિહીનને દ્રષ્ટિ. આ સેવા મંત્ર સાથે, પૂજ્ય ગુરુદેવ 1945માં પ્રથમ વખત ચિત્રકૂટ આવ્યા હતા, અને 1950માં તેમણે અહીં પ્રથમ નેત્ર યજ્ઞનું આયોજન કર્યું હતું. આમાં સેંકડો દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી, તેમને નવી રોશની મળી હતી.

 

આજના સમયમાં આપણને આ વાત સામાન્ય લાગતી હશે. પરંતુ, 7 દાયકા પહેલા, આ સ્થળ લગભગ સંપૂર્ણપણે વનક્ષેત્ર હતું. અહીં રસ્તાની કોઈ સગવડ નહોતી, વીજળી નહોતી, જરૂરી સંસાધનો નહોતાં. ત્યારે આ વનવિસ્તારમાં આટલા મોટા સંકલ્પ લેવા માટે કેટલું સાહસ, કેટલું આત્મબળ અને સેવા ભાવનાની શું પરાકાષ્ઠા હશે ત્યારે આ સંભવ બન્યું હશે. પરંતુ જ્યાં પૂજ્ય રણછોડદાસજી જેવા સંતની સાધના હોય છે ત્યાં સંકલ્પોનું સર્જન જ સિદ્ધિ માટે થાય છે. આજે આપણે આ તપોભૂમિ પર સેવાના આ મોટા મોટા પ્રકલ્પ જોઈ રહ્યા છીએ તે જ ઋષિના સંકલ્પનું પરિણામ છે. તેમણે અહીં શ્રીરામ સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના કરી. થોડાં વર્ષો પછી શ્રી સદ્‌ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની રચના કરી. જ્યાં પણ કોઈ આપત્તિ આવે ત્યાં પૂજ્ય ગુરુદેવ ઢાલની જેમ તેની સામે ઊભા રહી જતા. ભૂકંપ હોય, પૂર હોય કે દુષ્કાળ, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં તેમના પ્રયત્નો અને આશીર્વાદથી ઘણા ગરીબોને નવજીવન મળ્યું. આ જ આપણા દેશની વિશેષતા છે, જે સ્વથી ઉપર ઉઠીને સમષ્ટિ માટે સમર્પિત રહેતા મહાત્માઓને જન્મ આપે છે.

મારા પરિવારજનો,

સંતોનો સ્વભાવ હોય છે કે જેને તેમનો સંગ મળે છે અને તેમનું માર્ગદર્શન મળે છે, તે પોતે સંત બની જાય છે. અરવિંદભાઈનું સમગ્ર જીવન આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે. અરવિંદજી, વેશભૂષાથી ભલે એક બિલકુલ સામાન્ય જીવન જીવતા હતા. સામાન્ય વ્યક્તિ દેખાતા હતા, પણ અંદરથી તેમનું જીવન એક તપસ્વી સંત જેવું હતું. બિહારમાં ભારે દુષ્કાળ દરમિયાન પૂજ્ય રણછોડદાસજીની અરવિંદભાઈ સાથે મુલાકાત થઈ. સંતના સંકલ્પ અને સેવાની શક્તિ, આ સંગમ દ્વારા સિદ્ધિના કેવા આયામો પ્રસ્થાપિત થયા તે આજે આપણી સામે છે.

આજે જ્યારે આપણે અરવિંદભાઈની જન્મશતાબ્દી ઉજવી રહ્યા છીએ ત્યારે તેમની પ્રેરણાઓને આત્મસાત કરવી જરૂરી છે. તેમણે જે પણ જવાબદારી લીધી તે સો ટકા નિષ્ઠા સાથે પૂર્ણ કરી. તેણે આટલું વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કર્યું. મફતલાલ ગ્રૂપને એક નવી ઊંચાઈ આપી. એ અરવિંદભાઈ જ હતા જેમણે દેશના પ્રથમ પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સની સ્થાપના કરી હતી. આજે, દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય માનવીનાં જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી ઘણી કંપનીઓના પાયામાં તેમની જ દ્રષ્ટિ, તેમની જ વિચારસરણી અને તેમનો જ પરિશ્રમ છે. ત્યાં સુધી કે કૃષિ ક્ષેત્રે પણ તેમનાં કાર્યની ખૂબ પ્રશંસા થાય છે. ઇન્ડિયન એગ્રો-ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકેના તેમનાં કામને લોકો આજે પણ યાદ કરે છે. ટેક્સ્ટાઈલ જેવા ભારતના પરંપરાગત ઉદ્યોગનું ગૌરવ પરત કરવામાં પણ તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે દેશની મોટી બૅન્કો અને મોટી મોટી સંસ્થાઓને પણ નેતૃત્વ આપ્યું. તેમનું કાર્ય, તેમનો પરિશ્રમ અને પ્રતિભાએ ઔદ્યોગિક જગતની સાથે સાથે સમાજ પર એક અલગ છાપ છોડી છે. અરવિંદભાઈને દેશ અને દુનિયાના અનેક મોટા પુરસ્કારો અને સન્માનો મળ્યા. ધ લાયન્સ હ્યુમેનિટેરિયન એવોર્ડ, સિટીઝન ઑફ બૉમ્બે એવોર્ડ, સર જહાંગીર ગાંધી ગોલ્ડ મેડલ ફોર ઈન્ડસ્ટ્રીયલ પીસ, આવાં અનેક સન્માનો અરવિંદભાઈના દેશ માટેનાં યોગદાનનાં પ્રતિક છે.

મારા પરિવારજનો,

આપણે ત્યાં કહેવાય છે- ઉપાર્જિતાનાં વિત્તાનાં ત્યાગ એવ હિ રક્ષણમ્‌॥ અર્થાત્‌, આપણી સફળતાનું અને આપણે જે સંપત્તિ કમાઈએ છીએ તેનું સૌથી અસરકારક રક્ષણ ત્યાગ દ્વારા જ થાય છે. અરવિંદભાઈએ આ વિચારને પોતાનું મિશન બનાવ્યું અને આજીવન કામ કર્યું. આજે શ્રી સદ્‌ગુરુ સેવા ટ્રસ્ટ, મફતલાલ ફાઉન્ડેશન, રઘુબીર મંદિર ટ્રસ્ટ, શ્રી રામદાસ હનુમાનજી ટ્રસ્ટ જેવી ઘણી સંસ્થાઓ આપના ગ્ર્રૂપ દ્વારા કાર્ય કરી રહી છે. જે જે ગ્રૂપ ઑફ હૉસ્પિટલ્સ, બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન, ચારુતર આરોગ્ય મંડળ જેવાં જૂથો અને સંસ્થાઓ સેવાના અનુષ્ઠાનને આગળ લઈ જઈ રહ્યા છે. તમે જુઓ, રઘુબીર મંદિર અન્નક્ષેત્રમાં લાખો લોકોની અન્નસેવા, અહીં લાખો સંતોને માસિક રાશન કીટની વ્યવસ્થા, ગુરુકુળમાં હજારો બાળકોનું શિક્ષણ-દીક્ષા, જાનકીકુંડ હૉસ્પિટલમાં લાખો દર્દીઓની સારવાર, આ કોઇ સામાન્ય પ્રયાસો નથી.

 

આ પોતે જ ભારતની એ આત્માશક્તિનો પુરાવો છે, જે આપણને નિષ્કામ કર્મની ઊર્જા આપે છે, જે સેવાને જ સાધના માનીને સિદ્ધિના અનુપમ અનુષ્ઠાન કરે છે. આપના ટ્રસ્ટ દ્વારા અહીં ગ્રામીણ મહિલાઓને ગ્રામીણ ઉદ્યોગોની તાલીમ પણ આપવામાં આવી રહી છે. આનાથી મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ માટે દેશના પ્રયાસોને વેગ આપવામાં મદદ મળી રહી છે.

સાથીઓ,

મને એ જાણીને આનંદ થાય છે કે સદ્‌ગુરુ નેત્ર ચિકિત્સાલય આજે દેશ અને વિશ્વની શ્રેષ્ઠ આંખની હૉસ્પિટલોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ક્યારેક આ હૉસ્પિટલ માત્ર 12 બેડ સાથે શરૂ થઈ હતી. આજે અહીં દર વર્ષે લગભગ 15 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. હું ખાસ કરીને સદ્‌ગુરુ આંખની હૉસ્પિટલનાં કાર્યથી એટલા માટે પણ પરિચિત છું કારણ કે મારી કાશીને પણ તેનો લાભ મળ્યો છે. કાશીમાં તમારા દ્વારા ચલાવવામાં આવી રહેલું “સ્વસ્થ વિઝન-સમૃદ્ધ કાશી અભિયાન” એનાથી ઘણા વૃદ્ધોની સેવા થઈ રહી છે. સદ્‌ગુરુ નેત્ર ચિકિત્સલયે અત્યાર સુધીમાં બનારસ અને તેની આસપાસના લગભગ 6.5 લાખ લોકોનું ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ કર્યું છે! 90 હજારથી વધુ દર્દીઓને સ્ક્રીનીંગ બાદ કૅમ્પમાં રીફર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં દર્દીઓની સર્જરી પણ થઈ છે. થોડા સમય પહેલા મને કાશીમાં આ અભિયાનના લાભાર્થીઓને મળવાની તક પણ મળી હતી. મારા કાશીના તમામ લોકો વતી હું ટ્રસ્ટ, સદ્‌ગુરુ નેત્ર ચિકિત્સા અને તમામ ડૉક્ટરો અને તેમના સહયોગીઓનો, આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું ત્યારે, ખાસ કરીને આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.

મારા પરિવારજનો,

સંસાધન સેવાની આવશ્યકતા છે, પરંતુ સમર્પણ તેની પ્રાથમિકતા છે. અરવિંદભાઈની સૌથી ખાસ વાત એ હતી કે તેઓ પોતે વિષમમાં વિષમ પરિસ્થિતિઓમાં પણ જાતે જમીન પર ઉતરીને કામ કરતા હતા. રાજકોટ હોય, અમદાવાદ હોય, મેં ગુજરાતના ખૂણે ખૂણે તેમનું કામ જોયું છે. મને યાદ છે, હું બહુ નાનો હતો. મને સદ્‌ગુરુજીના દર્શનનો લહાવો તો નથી મળ્યો, પણ અરવિંદભાઈ સાથે મારો સંબંધ હતો. જ્યાં હું અરવિંદભાઈને પહેલીવાર મળ્યો હતો તે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર ભિલૌડા, ત્યાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને અમારા એક ડૉક્ટર હતા, મણિકરજી, જેઓ અરવિંદભાઈને સારી રીતે ઓળખતા હતા. અને હું ત્યાં દુષ્કાળનો ભોગ બનેલાં આદિવાસી ભાઈ-બહેનોની સેવામાં કામ કરતો. એ વિસ્તારમાં એટલી ભયંકર ગરમી હતી, અરવિંદભાઈ ત્યાં આવ્યા, આખો દિવસ રોકાયા અને પોતે જઈને સેવા યજ્ઞમાં ભાગ લીધો અને કામ વધારવા માટે જે કંઈ જરૂરી હતું તેની જવાબદારી પણ લીધી. ગરીબો પ્રત્યેની તેમની સંવેદના અને કામ કરવાની તેમની ધગસ મેં જાતે જોયા છે અને અનુભવ્યા છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તાર દાહોદમાં આદિવાસી સમાજનાં કલ્યાણ માટે કરેલાં કાર્યોને આજે પણ લોકો યાદ કરે છે. અને તમને આશ્ચર્ય થશે, સામાન્ય રીતે ગુજરાતમાં પણ અને અન્ય સ્થળોએ પણ જ્યાં ખેતી કરવામાં આવે છે તેને ખેત કહેવામાં આવે છે. પરંતુ દાહોદના લોકો તેને ફુલવાડી કહે છે. કારણ કે સદ્‌ગુરુ ટ્રસ્ટ દ્વારા, ત્યાંના ખેડૂતોને ખેતીનું નવું સ્વરૂપ શીખવવામાં આવ્યું, તેઓએ ફૂલોની ખેતી કરવાનું શરૂ કર્યું, અને તે ફૂલવાડી તરીકે ઓળખાય છે. અને આજે તેમની ફૂલની ઊપજ મુંબઈ જાય છે. આ બધામાં અરવિંદ ભાઈના પ્રયત્નોની બહુ મોટી ભૂમિકા છે. મેં જોયું હતું કે તેમનામાં સેવા પ્રત્યે એક અલગ જ જુસ્સો હતો. તેઓ ક્યારેય પોતાની જાતને દાતા કહેવડાવવાનું પસંદ કરતા ન હતા, અને ન તો એ જણાવવા દેતા કે તેઓ કોઇના માટે કંઈક કરી રહ્યા છે. અન્ય કોઈ પણ તેમની સાથે સહયોગની ઈચ્છા વ્યક્ત કરે તો તેઓ કહેતા કે તમારે પહેલા કામ જોવા માટે ત્યાં રૂબરૂ આવવું પડશે. તે પ્રોજેક્ટ ગમે તેટલી મુશ્કેલી કેન હોય, તમારે આવવું પડશે. અને પછી જ આપ સહયોગ માટે વિચારો, તે પહેલાં નહીં. મેં તેમનાં કામને અને તેમનાં વ્યક્તિત્વ વિશે જેટલું જાણ્યું છું, તેનાથી મારાં મનમાં તેમનાં મિશન માટે એક ભાવનાત્મક જોડાણ બની ગયું છે. તેથી, હું મારી જાતને આ સેવા અભિયાનના એક સમર્થક, એક પુરસ્કૃત કરનારા અને એક રીતે આપના સહયાત્રી તરીકે જોઉં છું.

 

મારા પરિવારજનો,

ચિત્રકૂટની ધરતી આપણા નાનાજી દેશમુખની કર્મભૂમિ પણ છે. અરવિંદભાઈની જેમ જ આદિવાસી સમાજની સેવા કરવાના તેમના પ્રયાસો પણ આપણા બધા માટે મોટી પ્રેરણા છે. આજે તે આદર્શોને અનુસરીને આદિવાસી સમાજનાં કલ્યાણ માટે દેશ પ્રથમ વખત આટલા વ્યાપક પ્રયાસો કરી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાના જન્મદિવસે દેશમાં આદિવાસી ગૌરવ દિવસની પરંપરા શરૂ થઈ છે. આદિવાસી સમાજનાં યોગદાનને, તેમના વારસાને ગૌરવ આપવા માટે દેશભરમાં આદિવાસી સંગ્રહાલયો પણ બનાવવામાં આવી રહ્યાં છે. આદિવાસી બાળકો સારું શિક્ષણ મેળવી શકે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે એકલવ્ય નિવાસી શાળાઓ ખોલવામાં આવી રહી છે. વન સંપદા કાયદા જેવા નીતિવિષયક નિર્ણયો પણ આદિવાસી સમાજના અધિકારોનું રક્ષણ કરવાનું માધ્યમ બની ગયા છે. અમારા આ પ્રયાસોથી આદિવાસી સમાજને ભેટવા અને આપણા બધા માટે પ્રેરણારૂપ આદિવાસીઓને ભેટનારા એવા ભગવાન શ્રી રામના આશીર્વાદ પણ તેની સાથે જોડાયેલા છે. આ જ આશીર્વાદ આપણને સમરસ અને વિકસિત ભારતનાં લક્ષ્ય તરફ માર્ગદર્શન આપશે. ફરી એકવાર, આ શતાબ્દીના પાવન અવસર પર, હું અરવિંદભાઈની મહાન તપસ્યાને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. તેમનું કાર્ય, તેમનું જીવન આપણને બધાને પ્રેરણા આપતું રહે, સદ્‌ગુરુના આશીર્વાદ આપણા પર બની રહે એ જ એક ભાવ સાથે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian Markets Outperformed With Positive Returns For 9th Consecutive Year In 2024

Media Coverage

Indian Markets Outperformed With Positive Returns For 9th Consecutive Year In 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India