સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારના વિજેતાઓનું સન્માન કર્યું
"તુર્કિયે અને સીરિયામાં ધરતીકંપ પછી, વિશ્વએ ભારતના આપત્તિ વ્યવસ્થાપન પ્રયત્નોની ભૂમિકાને સ્વીકૃતિ આપી છે અને તેની પ્રશંસા કરી છે"
"ભારતે જે રીતે આપત્તિ વ્યવસ્થાપન સાથે સંબંધિત ટેક્નૉલોજી અને માનવ સંસાધનોનું વિસ્તરણ કર્યું છે તેનાથી દેશને સારી રીતે સેવા મળી છે"
"આપણે સ્થાનિક સ્તરે આવાસો અથવા ટાઉન પ્લાનિંગનાં મૉડલ્સ વિકસાવવાં પડશે. આપણે આ ક્ષેત્રોમાં અદ્યતન ટેક્નૉલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જરૂર છે."
"સમજણ અને સુધારા આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટેના બે મુખ્ય ઘટકો છે"
"તમે સ્થાનિક સહભાગિતા દ્વારા સ્થાનિક સ્થિતિસ્થાપકતાના મંત્રને અનુસરીને જ સફળતા મેળવી શકશો"
"ઘરોની આવરદા, ગટરવ્યવસ્થા, આપણી વીજળી અને પાણીનાં માળખાની સ્થિતિસ્થાપકતા જેવાં પાસાંઓ પર જાણકારી, સક્રિય-તકેદારીનાં પગલાં લેવામાં મદદ કરશે"
ઍમ્બ્યુલન્સ નેટવર્કને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે "એઆઈ, 5જી અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી)ના ઉપયોગનું અન્વેષણ કરો"
"પરંપરા અને ટેક્નૉલોજી આપણી તાકાત છે અને આ જ તાકાત સાથે આપણે માત્ર ભારત માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે આપત્તિ સામેની સ્થિતિસ્થાપકતા સાથે સંબંધિત શ્રેષ્ઠ મૉડલ તૈયાર કરી શકીએ છીએ"

સૌ પ્રથમ, હું આપત્તિ સ્થિતિસ્થાપકતા અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ સાથીઓને અભિનંદન આપું છું. કારણ કે કામ એવું છે કે ઘણી વખત તમે તમારા જીવને જોખમમાં મૂકીને પણ બીજાના જીવ બચાવવા માટે ખૂબ જ શાનદાર કામ કરો છો. તાજેતરમાં, સમગ્ર વિશ્વએ તુર્કી અને સીરિયામાં ભારતીય ટીમના પ્રયાસોની પ્રશંસા કરી છે અને આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ભારતે જે રીતે રાહત અને બચાવ સંબંધિત તેના માનવ સંસાધન અને ટેક્નૉલોજિકલ ક્ષમતામાં વધારો કર્યો છે, તેનાથી દેશમાં પણ વિવિધ આપત્તિઓ દરમિયાન પણ ઘણા લોકોનાં જીવન બચાવવામાં મદદ મળી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી સિસ્ટમ વધુ મજબૂત બને, તેને માટે પ્રોત્સાહન મળે અને સમગ્ર દેશમાં તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ પણ ઊભું થાય એ કાર્ય માટે અને એટલે એક વિશેષ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આજે અહીં બે સંસ્થાઓને આપવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી ચક્રવાતથી લઈને સુનામી સુધીની વિવિધ આપત્તિઓ દરમિયાન ઉત્તમ કામગીરી કરતી આવી છે. એ જ રીતે, મિઝોરમના લુંગલેઈ ફાયર સ્ટેશને જંગલની આગને કાબૂમાં લેવા અથાક મહેનત કરી, સમગ્ર વિસ્તારને બચાવ્યો અને આગને ફેલાતી અટકાવી. હું આ સંસ્થાઓમાં કામ કરતા તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

તમે આ સત્ર માટે થીમ રાખી છે – “બદલાતી આબોહવામાં સ્થાનિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ”. આ વિષય સાથેનો ભારતનો પરિચય એક રીતે જૂનો છે કારણ કે તે આપણી જૂની પરંપરાનો તે એક અભિન્ન ભાગ પણ રહ્યો છે. આજે પણ જ્યારે આપણે આપણા કુવાઓ, વાવ, જળાશયો, સ્થાનિક સ્થાપત્ય, પ્રાચીન શહેરો જોઈએ છીએ, ત્યારે આ તત્વ સ્પષ્ટપણે દેખાય છે. ભારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી સિસ્ટમ હંમેશા સ્થાનિક રહી છે, ઉકેલો પણ સ્થાનિક રહ્યા છે, વ્યૂહરચના પણ સ્થાનિક રહી છે. હવે જેમ કે કચ્છના લોકો જે ઘરોમાં રહે છે તેને ભૂંગા કહેવામાં આવે છે. માટીનાં મકાનો હોય છે. આપણે જાણીએ છીએ કે આ સદીની શરૂઆતમાં આવેલા પ્રચંડ ભૂકંપનું કેન્દ્ર કચ્છ હતું. પરંતુ આ ભૂંગા મકાનો પર કોઈ અસર થઈ ન હતી. કદાચ એક ખૂણામાં ક્યાંક માંડ માંડ જ કોઈ સમસ્યા આવી હશે. ચોક્કસપણે તેમાં ટેક્નૉલોજી સંબંધિત ઘણા પાઠ છે. સ્થાનિક સ્તરે હાઉસિંગ કે ટાઉન પ્લાનિંગના જે મૉડલ્સ રહ્યા છે, એને શું આપણે નવી  ટેક્નૉલોજી અનુસાર વિકસિત ન કરી શકીએ? સ્થાનિક કન્સ્ટ્રક્શન મટિરિયલ હોય કે કન્સ્ટ્રક્શન ટેક્નૉલોજી, તેને આપણે આજની જરૂરિયાત, આજની ટેક્નોલોજીથી સમૃદ્ધ કરવા એ સમયની માગ છે. જ્યારે આપણે ફ્યુચર ટેક્નૉલોજીને સ્થાનિક સ્થિતિસ્થાપકતાનાં આવાં ઉદાહરણો સાથે જોડીશું, તો જ આપણે આપત્તિ સામેની સ્થિતિસ્થાપકતાની દિશામાં વધુ સારું કરી શકીશું.

સાથીઓ,

પહેલાની જીવનશૈલી ખૂબ જ સહજ હતી અને અનુભવે આપણને વધુ વરસાદ, પૂર, દુષ્કાળ, આફતોનો સામનો કેવી રીતે કરવો તે શીખવ્યું હતું. તેથી જ સ્વાભાવિક રીતે, સરકારોએ પણ આપણે ત્યાં આપત્તિ રાહતને કૃષિ વિભાગ સાથે જ જોડી રાખી હતી. ભૂકંપ જેવી ગંભીર આફતો આવતી હતી ત્યારે પણ સ્થાનિક સંસાધનોની મદદથી જ આવી આફતોનો સામનો કરવામાં આવતો હતો. હવે દુનિયા નાની થઈ રહી છે. એકબીજાના અનુભવોમાંથી શીખીને બાંધકામની તકનીકોમાં નવા નવા પ્રયોગો પણ થઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ આપત્તિઓનો પ્રકોપ પણ વધી રહ્યો છે. જૂના જમાનામાં એક વૈદ્યરાજ આખાં ગામમાં બધાની સારવાર કરતા અને આખું ગામ સ્વસ્થ રહેતું હતું. હવે દરેક રોગ માટે અલગ-અલગ ડૉક્ટર હોય છે. તેવી જ રીતે, આપત્તિ માટે પણ ગતિશીલ સિસ્ટમ વિકસાવવી પડશે. ઉદાહરણ તરીકે, છેલ્લાં સો વર્ષની આપત્તિઓનો અભ્યાસ કરીને ઝોનિંગ કરી શકાય છે કે પૂરનું સ્તર ક્યાં સુધી હોઇ શકે છે અને તેથી ક્યાં સુધી નિર્માણ કરવાનું છે. સમય સાથે આ પરિમાણોની સમીક્ષા પણ થવી જોઈએ, પછી ભલે તે સામગ્રીની વાત હોય કે વ્યવસ્થાની બાબત હોય.

સાથીઓ,

આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે સમજણ અને સુધારા ખૂબ જ જરૂરી છે. સમજણનો અર્થ એ સમજવાનું છે કે આપત્તિની આશંકા ક્યાં છે અને ભવિષ્યમાં કેવી રીતે થઈ શકે છે? સુધારાનો અર્થ એ છે કે આપણે એવી સિસ્ટમ વિકસાવવી જોઈએ જે આપત્તિની સંભાવનાને ઘટાડે. આપત્તિની આશંકા ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે આપણે સિસ્ટમમાં સુધારો કરીએ. તેને સમયસર વધુ કાર્યક્ષમ બનાવીએ અને આ માટે શૉર્ટકટ અભિગમને બદલે લાંબા ગાળાના વિચારની જરૂર છે. હવે જો આપણે ચક્રવાત વિશે વાત કરીએ, તો ચક્રવાત સમયે ભારતની સ્થિતિ જોઈએ તો તે ધ્યાનમાં આવે છે. એક સમય હતો જ્યારે ભારતમાં ચક્રવાત ત્રાટકે ત્યારે લાખો લોકો અકાળે મૃત્યુ પામતા હતા. આપણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણી વખત આવું થતું જોયું છે. પરંતુ સમય બદલાયો, વ્યૂહરચના બદલાઈ, તૈયારીઓમાં સુધારો થયો અને એટલે ચક્રવાતનો સામનો કરવાની ભારતની ક્ષમતા પણ વધી. હવે જ્યારે ચક્રવાત આવે છે, ત્યારે ઓછામાં ઓછું જાન-માલનું નુકસાન થાય છે. એ વાત સાચી છે કે આપણે કુદરતી આફતોને અટકાવી શકતા નથી, પરંતુ તે આફતથી થતું નુકસાન ઓછાંમાં ઓછું હોય, એ માટે વ્યવસ્થા ચોક્કસ કરી શકીએ છીએ. અને તેથી તે જરૂરી છે કે પ્રતિક્રિયાશીલ બનવાને બદલે, આપણે સક્રિય રહેવું જોઈએ.

સાથીઓ,

હું તમને એ પણ જણાવવા માગું છું કે સક્રિય રહેવાની બાબતમાં આપણા દેશમાં અગાઉ શું સ્થિતિ હતી અને હવે શું સ્થિતિ છે, હું એનો ઉલ્લેખ પણ આપની સમક્ષ કરવા માગું છું. ભારતમાં આઝાદી મળ્યાને 5 દાયકા વીતી ગયા હતા, અડધી સદી વીતી ગઈ, પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે કોઈ કાયદો નહોતો. 2001માં કચ્છના ભૂકંપ પછી, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ ઘડનાર પ્રથમ રાજ્ય હતું. આ જ કાયદાના આધારે વર્ષ 2005માં કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પણ બનાવ્યો હતો. આ પછી જ ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીની રચના થઈ.

સાથીઓ,

આપણે આપણી સ્થાનિક સંસ્થાઓ, શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગવર્નન્સને મજબૂત બનાવવું જ પડશે. આફત આવે ત્યારે જ શહેરી સ્થાનિક સંસ્થાઓ પ્રતિક્રિયા આપે, એનાથી હવે કામ ચાલવાનું નથી. આપણે આયોજનને સંસ્થાકીય બનાવવું પડશે. આપણે સ્થાનિક આયોજનની સમીક્ષા કરવી પડશે. આપણે આપત્તિ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને ઇમારતોનાં નિર્માણ માટે, નવા માળખાકીય પ્રોજેક્ટ્સ માટે નવી માર્ગદર્શિકા બનાવવી પડશે. એક રીતે, સમગ્ર સિસ્ટમમાં ધરમૂળ ફેરફારો જરૂરી છે. આ માટે આપણે બે સ્તરે કામ કરવાની જરૂર છે. સૌપ્રથમ, અહીં જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંબંધિત નિષ્ણાતો છે તેમણે લોકભાગીદારી-સ્થાનિક સહભાગિતા પર મહત્તમ ધ્યાન આપવું જોઈએ. આપણે બધા જોઈ રહ્યા છીએ કે કેવી રીતે ભારત સ્થાનિક ભાગીદારીથી મોટાં લક્ષ્યો હાંસલ કરી રહ્યું છે. તેથી, જ્યારે આપત્તિ વ્યવસ્થાપનની વાત આવે છે, ત્યારે તે પણ જનભાગીદારી વિના શક્ય નથી. તમે સ્થાનિક સહભાગિતા દ્વારા સ્થાનિક સ્થિતિસ્થાપકતાના મંત્રને અનુસરીને જ સફળતા મેળવી શકો છો. ભૂકંપ, ચક્રવાત, આગ અને અન્ય આપત્તિઓ સાથે સંકળાયેલાં જોખમો વિશે નાગરિકોને જાગૃત કરવા તે સતત પ્રક્રિયા હોવી જોઈએ. તેની સાથે સંકળાયેલા યોગ્ય નિયમો, કાયદાઓ અને ફરજોને લગતા આ તમામ વિષયોનો બોધ સતત જગાવવો જરૂરી છે. આપણે આપણા યુવા સાથીઓનું યુવા મંડળ, સખી મંડળ અને અન્ય જૂથોને ગામ, શેરી અને વિસ્તારનાં સ્તરે રાહત અને બચાવની તાલીમ આપવી જ પડશે. આપત્તિ મિત્રો, એનસીસી-એનએસએસ,  ભૂતપૂર્વ સૈનિકોની તાકાત, તેને પણ ડેટા બૅન્ક બનાવીને આપણે તેમની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે માટે સંદેશાવ્યવહારની વ્યવસ્થા બનાવવી પડશે. સામુદાયિક કેન્દ્રોમાં પ્રથમ પ્રતિસાદ માટે જરૂરી સાધનોની વ્યવસ્થા, તેને ચલાવવા માટેની તાલીમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મારો અનુભવ છે કે ક્યારેક ક્યારેક ડેટા બૅન્ક પણ એટલી સારી રીતે કામ કરે છે. હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે અમારે ત્યાં ખેડા જિલ્લામાં એક નદી છે. તેમાં 5-7 વર્ષમાં એકવાર પૂર આવતું હતું. એકવાર એવું બન્યું કે એક વર્ષમાં પાંચ વખત પૂર આવ્યું, પરંતુ તે સમયે આ આફતને લઈને ઘણી પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવી હતી. દરેક ગામમાં મોબાઈલ ફોન ઉપલબ્ધ હતા. હવે એ સમયે તો કોઈ સ્થાનિક ભાષામાં મેસેજ કરવાની સિસ્ટમ નહોતી. પરંતુ અંગ્રેજીમાં જ ગુજરાતીમાં લખીને મેસેજ કરતા હતા, ગામના લોકોને સંદેશો મોકલાતો કે જુઓ સ્થિતિ આવી છે, આટલા કલાકો પછી પાણી આવવાની શક્યતા છે. અને મને બરાબર યાદ છે કે 5 વખત પૂર આવ્યા પછી પણ માણસનો તો સવાલ જ નથી, એક પણ પશુનું મૃત્યુ થયું ન હતું. કોઈ વ્યક્તિ મર્યો નહીં, પશુ ન મર્યાં. કારણ કે સંદેશાવ્યવહાર સમયસર થયો અને તેથી આપણે આ વ્યવસ્થાઓનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. જો બચાવ અને રાહત કાર્ય સમયસર શરૂ થાય તો આપણે જાનહાનિ ઘટાડી શકીશું. બીજું, ટેક્નૉલોજીનો ઉપયોગ કરીને, આપણે દરેક ઘર અને દરેક શેરીનું રિયલ ટાઇમ રજિસ્ટ્રેશન અને દેખરેખની સિસ્ટમ બનાવવી પડશે. કયું ઘર, કેટલું જૂનું છે, કઈ શેરી, કઈ ગટરની શું હાલત છે? વીજળી, પાણી જેવા આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિસ્થાપકતા શું છે? હવે જેમ કે હું થોડા દિવસો પહેલા મીટિંગ કરી રહ્યો હતો અને મારી મીટિંગનો વિષય એ જ હતો કે ભાઇ હીટ વેવ પર ચર્ચા છે, તો ઓછામાં ઓછું ગયા વખતે આપણે જોયું બે વાર આપણી હૉસ્પિટલોમાં આગ લાગી અને તે ખૂબ જ પીડાદાયક હોય છે. દર્દી લાચાર હોય છે. હવે આખી હૉસ્પિટલની વ્યવસ્થાને એક વાર ઝીણવટથી જોશો તો કદાચ મોટી દુર્ઘટનામાંથી આપણને બચાવી શકાશે. મને લાગે છે કે ત્યાંની વ્યવસ્થાઓ વિશે આપણી પાસે જેટલી સચોટ માહિતી હશે, તો જ આપણે સક્રિય પગલાં લઈ શકીશું.

સાથીઓ,

આજકાલ આપણે જોઈએ છીએ કે ગીચ શહેરી વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ પાછલાં વર્ષોમાં ઘણી વધી ગઈ છે. જ્યારે ગરમી વધે છે ત્યારે ક્યારેક હૉસ્પિટલમાં, કોઇ કારખાનામાં, કોઇ હોટલમાં કે કોઇ બહુમાળી રહેણાંક મકાનમાં વિકરાળ આગ જોવા મળે છે. આનો સામનો કરવા માટે, આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કરવું પડશે, પછી ભલે તે માનવ સંસાધન વિકાસ હોય, ટેક્નૉલોજી હોય, સંસાધનો હોય કે સિસ્ટમ હોય, આપણે સંપૂર્ણ સરકારી અભિગમ સાથે સંકલિત રીતે કામ કરવું પડશે. ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં, જ્યાં કાર દ્વારા પણ પહોંચવું મુશ્કેલ હોય છે, ત્યાં આગ બુઝાવવા માટે પહોંચવું એક મોટો પડકાર બની જાય છે. આ માટે આપણે ઉકેલ શોધવો પડશે. ઊંચી ઇમારતોમાં લાગતી આગ ઓલવવા માટે, આપણે આપણા સાથી અગ્નિશામકોનાં કૌશલ્ય સમૂહને સતત વધારવો પડશે. આપણે એ પણ જોવું પડશે કે આ જે ઔદ્યોગિક આગ લાગે છે એને ઓલવવા માટે પૂરતા સંસાધનો છે.

સાથીઓ,

આ આપત્તિ વ્યવસ્થાપનના પ્રયાસો વચ્ચે, સ્થાનિક સ્તરે કૌશલ્ય અને જરૂરી સાધનો બંને આધુનિક કરતાં રહેવું પણ ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, આજકાલ આવાં ઘણાં સાધનો આવી ગયા છે, જે જંગલના કચરાને જૈવ બળતણમાં રૂપાંતરિત કરે છે. શું આપણે આપણા મહિલા સ્વસહાય જૂથમાં એ બહેનોને જોડીને તેમને જો આવાં સાધનો આપી શકીએ તો તેઓ આપણાં જંગલનો જે પણ કચરો પડ્યો છે એને એકઠો કરે, તેની પ્રક્રિયા કરે, તેમાંથી વસ્તુઓ બનાવી આપી દે જેથી જંગલમાં આગ લાગવાની સંભાવના ઘટી જાય. અને તેનાથી તેમની આવકમાં પણ વધારો થશે અને જંગલોમાં આગ લાગવાના બનાવો પણ ઘટશે. ઉદ્યોગો અને હૉસ્પિટલો જેવી સંસ્થાઓ, જ્યાં આગ, ગેસ લીક ​​જેવાં જોખમો વધુ હોય છે, તેઓ સરકાર સાથે ભાગીદારી કરીને નિષ્ણાત લોકોનું દળ બનાવી શકે છે. આપણે આપણાં ઍમ્બ્યુલન્સ નેટવર્કને પણ વિસ્તારવું પડશે અને તેને ભવિષ્ય માટે તૈયાર પણ કરવું પડશે. 5G, AI અને IoT જેવી ટેક્નૉલોજી વડે આપણે તેને વધુ પ્રતિભાવશીલ અને અસરકારક કેવી રીતે બનાવી શકીએ તેના પર પણ વ્યાપક ચર્ચા કર્યા પછી રોડમેપ પણ તૈયાર કરવો જોઈએ. રાહત અને બચાવમાં આપણે ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકીએ? શું આપણે એવાં ગેજેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, જે આપણને આપત્તિ વિશે ચેતવણી આપી શકે? આવાં અંગત ગેજેટ્સ જે કાટમાળ નીચે દટાઈ જવાના કિસ્સામાં લોકેશનની માહિતી આપી શકે છે, તે વ્યક્તિની સ્થિતિ વિશે માહિતી આપી શકે? આપણે આ પ્રકારની નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દુનિયાના ઘણા દેશોમાં એવી સામાજિક સંસ્થાઓ છે, જે ટેક્નૉલોજીની મદદથી નવી નવી સિસ્ટમ બનાવી રહી છે. આપણે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ, ત્યાંની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવી જોઈએ.

સાથીઓ,

ભારત આજે વિશ્વભરમાં આવતી આપત્તિઓનો ઝડપથી જવાબ આપવાનો પ્રયાસ કરે છે અને સ્થિતિસ્થાપક માળખાકીય સુવિધાઓ માટે પહેલ પણ કરે છે. આજે વિશ્વના 100થી વધુ દેશો ભારતનાં નેતૃત્વ હેઠળ રચાયેલાં આપત્તિ સ્થિતિસ્થાપક માળખાકીય સુવિધા માટેનાં ગઠબંધનમાં જોડાયા છે. પરંપરા અને ટેક્નૉલોજી આપણી તાકાત છે. આ તાકાતથી આપણે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આપત્તિ સ્થિતિસ્થાપકતા સંબંધિત શ્રેષ્ઠ મૉડલ તૈયાર કરી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે આ ચર્ચા સૂચનો અને ઉકેલોથી ભરપૂર હશે, ઘણી નવી બાબતો માટે આપણા માટે રસ્તા ખુલશે. મને પાક્કો વિશ્વાસ છે કે આ બે દિવસીય સમિટમાં પગલાં લેવા યોગ્ય મુદ્દાઓ બહાર આવશે. મને ખાતરી છે કે અને સમય પણ યોગ્ય છે વરસાદના દિવસો પહેલા આ પ્રકારની તૈયારી અને તે પછી, રાજ્યોમાં, રાજ્યો પછી મહાનગર અને નગરોમાં આ વ્યવસ્થાને આપણે આગળ વધારીએ, એક ઉપક્રમ ચલાવીએ તો બની શકે કે, વરસાદ પહેલાં જ આપણે ઘણી બધી બાબતો પ્રત્યે એક રીતે સમગ્ર વ્યવસ્થાને સંવેદનશીલ બનાવી શકીએ છીએ, જ્યાં તેની જરૂર છે, આપણે તેને પૂરી પણ કરી શકીએ છીએ અને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે તૈયાર રહી શકીએ છીએ. હું તમને આ સમિટ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in Veer Baal Diwas programme on 26 December in New Delhi
December 25, 2024
PM to launch ‘Suposhit Gram Panchayat Abhiyan’

Prime Minister Shri Narendra Modi will participate in Veer Baal Diwas, a nationwide celebration honouring children as the foundation of India’s future, on 26 December 2024 at around 12 Noon at Bharat Mandapam, New Delhi. He will also address the gathering on the occasion.

Prime Minister will launch ‘Suposhit Gram Panchayat Abhiyan’. It aims at improving the nutritional outcomes and well-being by strengthening implementation of nutrition related services and by ensuring active community participation.

Various initiatives will also be run across the nation to engage young minds, promote awareness about the significance of the day, and foster a culture of courage and dedication to the nation. A series of online competitions, including interactive quizzes, will be organized through the MyGov and MyBharat Portals. Interesting activities like storytelling, creative writing, poster-making among others will be undertaken in schools, Child Care Institutions and Anganwadi centres.

Awardees of Pradhan Mantri Rashtriya Bal Puraskar (PMRBP) will also be present during the programme.