કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રીમાન રાજનાથ સિંહજી, હિમાચલ પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ જયરામ ઠાકુરજી, કેન્દ્રમાં મારા સાથી મંત્રી, હિમાચલનો છોકરો ભાઈ અનુરાગ ઠાકુર, હિમાચલ સરકારના મંત્રી પરિષદના સભ્યો, સ્થાનિક લોક પ્રતિનિધીઓ અને લાહૌલ-સ્પિતિના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
આજે એક લાંબા સમય પછી આપ સૌની વચ્ચે આવવાનો સુખદ અનુભવ થઈ રહ્યો છે. અટલ ટનલ માટે આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
“જુલે દિ કેન્હિંગ અટલ જીઉ તરફે તોહફા શુ”
સાથીઓ,
વર્ષો પહેલાં હું જ્યારે એક કાર્યકર્તા તરીકે તમારી વચ્ચે આવતો હતો ત્યારે રોહતાંગની લાંબી સફર અને લાંબી યાત્રા કરીને અહીં તમારા સુધી પહોંચતો હતો. અને શિયાળામાં જ્યારે રોહતાંગ પાસ બંધ થઈ જતો હતો ત્યારે દવા, કમાણી અને ભણતરના પણ તમામ રસ્તા બંધ થઈ જતા હતા. આ બધું મેં અનુભવ્યુ છે, જાતે જોયુ છે. એ સમયના મારા અનેક સાથીદારો આજે પણ સક્રિય છે. એમાંના કેટલાક સાથી હવે આપણી વચ્ચે નથી રહ્યા.
મને બરાબર યાદ છે કે આપણી આપણા કિન્નૌરના ઠાકુર સેન નેગીજીની સાથે મને ઘણી વાતો કરવાની તક મળી હતી. ઘણું બધું જાણવાની તક પ્રાપ્ત થઈ હતી. નેગીજીએ એક અધિકારી તરીકે અને એક લોક પ્રતિનિધી તરીકે હિમાચલની ઘણી સેવા કરી છે, કદાચ તેમણે 100 વર્ષ પૂરાં કર્યાં હતાં. કે પછી થોડાં બાકી રહી ગયાં હતાં ? પણ જીવનના અંતિમ સમય સુધી તે સક્રિય રહ્યા હતા. તેમનુ વ્યક્તિત્વ ખૂબ જ ઉર્જાવાન હતું. ખૂબ જ પ્રેરણાદાયક હતું. હું તેમને ઘણું બધુ પૂછતો રહેતો હતો. તે ઘણી બધી માહિતી આપતા હતા. તે એક લાંબા ઈતિહાસના સાક્ષી હતા. અને તેમણે આ સમગ્ર ક્ષેત્ર બાબતે જાણવા સમજવામાં મને ઘણી મદદ કરી હતી.
સાથીઓ,
આ વિસ્તારની તમામ મુશ્કેલીઓ અંગે અટલજી પણ ખૂબ જ માહિતગાર હતા. આ પહાડ તો હંમેશાં અટલજીને ખૂબ જ પ્રિય હતા. તમારા લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તે માટે તેમણે વર્ષ 2000માં જ્યારે અટલજી કેલોંગ આવ્યા હતા ત્યારે તેમણે આ ટનલના નિર્માણ માટેની ઘોષણા કરી હતી. તે સમયે ઉત્સવ જેવું જે વાતાવરણ ઉભુ થયું હતું તે મને આજે પણ યાદ છે. જનસેવક ટશી દાવા અહિંના સપૂત હતા, જેમના સંકલ્પને આજે સિધ્ધિ હાંસલ થઈ છે. તેમના અને તેમના જેવા બીજા અનેક સાથીઓના આશિર્વાદને કારણે આ બધું શક્ય બની શકયું છે.
સાથીઓ,
અટલ ટનલ (સુરંગ) ના નિર્માણને કારણે લાહૌલના લોકો માટે એક નવા પ્રભાતનું નિર્માણ થયું છે. પાંગીના લોકોનું જીવન પણ બદલાવાનું છે. 9 કી.મી.ની આ સુરંગના કારણે સીધુ 45 થી 46 કી.મી.નું અંતર ઓછુ થઈ ગયું છે. આ વિસ્તારમાં અનેક સાથીઓએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તેમના જીવનકાળ દરમ્યાન તેમને આ અવસર મળશે. તે એવા લોકો હતા કે જેમણે ન જાણે કેટલા બધા દર્દીઓ કોઈ સાધનની પ્રતિક્ષા કરી રહ્યા હોય ત્યારે, પીડામાં જોયા છે અને જાતે પણ આ પીડાનો અનુભવ કર્યો છે. આજે તેમને સંતોષ છે કે તેમના બાળકોએ, દિકરા- દિકરીઓએ મુશ્કેલ દિવસો હવે નહીં જોવા પડે.
સાથીઓ,
અટલ ટનલના નિર્માણથી લાહૌલ- સ્પિતિ અને પાંગીના ખેડૂત હોય, બાગાયતની કામગીરી સાથે જોડાયેલ લોકો હોય, પશુપાલકો હોય, વિદ્યાર્થીઓ હોય, નોકરી કરનારા લોકો કે વેપારી કે કારોબારી હોય. આ તમામ લોકોને લાભ થવાનો છે. હવે લાહૌલના ખેડૂતોની દૂધી, બટાકા અને વટાણાંનો પાક બરબાદ નહીં થાય, પણ ઝડપથી બજાર સુધી પહોંચશે.
લાહૌલની ઓળખ બની ચૂકેલા ચંદ્રમુખી બટાકા- તેનો સ્વાદ તો મેં પણ માણ્યો છે. ચંદ્રમુખી બટાકાને પણ હવે નવું બજાર પ્રાપ્ત થશે. નવા ગ્રાહકો મળવાના છે. આખુ નવું બજાર મળી જશે. હવે નવી શાકભાજી અને નવા પાકની જેમ આ ક્ષેત્રમાં તેજી રહેવાની ગણતરી છે.
એક રીતે કહીએ તો લાહૌલ-સ્પિતિ તો ઔષધિય છોડ અને હીંગ, કુઠ, મનુ, કાળી જીરૂ, કડુ, કેસર, પતિસ જેવી અનેક જડીબુટ્ટીઓનો પણ ખૂબ મોટો ઉત્પાદક પ્રદેશ છે. આ ઉત્પાદનો માત્ર દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં લાહૌલ-સ્પિતિ ની, હિમાચલની, ભારતની ઓળખ બની શકે તેમ છે.
અટલ ટનલનો એક લાભ એ પણ થવાનો છે કે હવે આપણાં બાળકોએ અન્ય સ્થળે જવાની જરૂર નહીં પડે. આ ટનલને કારણે માત્ર જવાનો જ નહીં, પાછા ફરવાનો માર્ગ પણ આસાન થઈ ગયો છે.
સાથીઓ,
આ સમગ્ર ક્ષેત્રમાં પર્યટન બાબતે અનેક સંભાવનાઓ ઉભી થઈ છે. અહિંયા પ્રકૃતિની પણ અપાર કૃપા છે અને આધ્યાત્મ સાથે, આસ્થા સાથે જોડાયેલા પર્યટન માટે અહિંયા અદ્દભૂત સંભાવનાઓ છે. પર્યટકો માટે હવે ચંદ્રતાલ દૂર નથી, કે સ્પિતિ ઘાટી સુધી પહોંચવાનું પણ મુશ્કેલ નથી. તુપચીલિંગ ગોંપા હોય કે ત્રિલોકનાથ હોય, દેવ દર્શન અને બુધ્ધ દર્શનના સંગમ સ્વરૂપ લાહૌલ સ્પિતિને હવે નવું પરિમાણ પ્રાપ્ત થવાનું છે. આમ તો આ એ રૂટ છે કે જ્યાં થઈને બૌદ્ધ મઠ અને તિબેટ સુધી તથા અન્ય દેશો સુધી પ્રચાર અને પ્રસારનો વધારો થયો છે, વિસ્તાર થયો છે.
સ્પિતી ઘાટીમાં વસવાટ કરતાં બૌધ્ધ શિક્ષણના એક મહત્વના કેન્દ્ર તાબો મઠ સુધી દુનિયાનું અંતર હવે ખૂબ જ સરળ બની રહેવાનું છે. આનો અર્થ એ થયો કે એક રીતે કહીએ તો આ સમગ્ર વિસ્તાર, પૂર્વ એશિયા સહિત વિશ્વના અનેક દેશોમાં વસવાટ કરતા બૌધ્ધ અનુયાયીઓ માટે પણ એક મોટું કેન્દ્ર બનવાનો છે.
એ બાબત જગજાહેર છે કે આ ટનલને કારણે સમગ્ર વિસ્તારના યુવાનો માટે રોજગારીની અનેક તકો ઉભી થશે. કોઈ વ્યક્તિ ઘરે રોકાણની વ્યવસ્થા કરશે કે કોઈ ગેસ્ટ હાઉસ ચલાવશે. કોઈનું ધાબુ હશે તો કોઈને દુકાન હશે. અનેક લોકોને ગાઈડ તરીકે પણ રોજગારી હાંસલ થવાની છે. અહીંની હસ્તકલા, અહીંના ફળ, દવાઓ અને ઘણું બધુ પ્રચલિત થવાનું છે.
સાથીઓ,
અટલ ટનલ એ કેન્દ્ર સરકારના એ સંકલ્પનો હિસ્સો છે કે જેના કારણે દેશના દરેક ભાગમાં, દેશની દરેક વ્યક્તિ સુધી વિકાસનો લાભ પહોંચતો રહેવો જોઈએ. તમને પણ યાદ હશે કે આ પહેલાં કેવી સ્થિતિ હતી.
દેશના અનેક વિસ્તારોની લાહૌલ સ્પિતી જેવી સ્થિતિ હતી. આ વિસ્તારોએ અનેક સમસ્યાઓના કારણે સંઘર્ષ કરવો પડતો હતો અને પોતાની જાતને નસીબ પર છોડી દેવી પડતી હતી. તેનું કારણ એ હતું કે આ વિસ્તારના લોકો રાજનીતિક સ્વાર્થને સિધ્ધ કરતા ન હતા.
સાથીઓ,
વિતેલા વર્ષોમાં હવે દેશમાં નવી વિચારધારા સાથે કામ થઈ રહ્યું છે. તમામ લોકોના સાથ અને તમામ લોકોના વિશ્વાસ સાથે સૌનો વિકાસ થઈ રહ્યો છે. સરકારના કામકાજની પધ્ધતિમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. હવે યોજનાઓ એવી ધારણાથી નથી બનતી કે ત્યાં કેટલા મત છે, હવે એ રીતે પ્રયાસ કરવામાં આવે છે કે કોઈ ભારતીય વંચિત રહી જાય નહીં, પાછળ રહી જાય નહીં.
પરિવર્તનનું આ એક ખૂબ મોટું ઉદાહરણ લાહૌલ-સ્પિતિ છે. દેશના એવા પ્રથમ જીલ્લાઓમાં તેનો સમાવેશ થાય છે કે, જ્યાં ઘરે-ઘરે પાઈપથી પાણી આપવાની વ્યવસ્થા થઈ ચૂકી છે. જળ જીવન મિશનને કારણે લોકોનું જીવન કેટલું આસાન થઈ ગયું છે તે બાબત સ્પષ્ટ થાય છે અને આ જિલ્લો તેનું પ્રતીક છે.
સાથીઓ,
અમારી સરકાર દલિત- પીડિત- શોષિત- આદિવાસી વગેરે તમામને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાના સંકલ્પ સાથે કામ કરી રહી છે. આજે દેશના 15 કરોડ કરતાં વધુ ઘરોમાં પીવાનું શુધ્ધ પાણી પાઈપ મારફતે પહોંચાડવાનું ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશના 18,000 કરતાં પણ વધુ ગામડાંઓ અંધારામાં જીવવા મજબૂર બનેલા હતા, પરંતુ હવે તે ગામોમાં રોશની પહોંચી રહી છે.
આઝાદીના દાયકાઓ પછી આ વિસ્તારોમાં ટોયલેટની સુવિધા પણ મળી શકી છે. અને એટલું જ નહીં, રસોઈ બનાવવા માટે એલપીજી ગેસ કનેક્શન પણ ઉપલબ્ધ થઈ ચૂક્યું છે.
હવે પ્રયાસ એ કરવામાં આવી રહ્યો છે કે દેશના દૂર-દૂરના વિસ્તારોમાં વસવાટ કરતા દરેક ક્ષેત્રના લોકોને સારામાં સારી સારવાર મળી શકે. આયુષમાન ભારત યોજના હેઠળ ગરીબોને રૂ.5 લાખ સુધી મફત સારવાર માટેની સુવિધા પૂરી પાડવામાં આવી છે. અહિંયા હિમાચલ પ્રદેશમાં 22 લાખ કરતાં વધુ ગરીબ ભાઈ- બહેનોને નિશ્ચિતપણે તેનો લાભ મળ્યો છે. આ તમામ અભિયાનને કારણે દેશના દૂર દૂરના વિસ્તારોમાં અનેક લોકો માટે રોજગારની તકો પણ પેદા થઈ છે. નવયુવાનોને તેનો લાભ મળ્યો છે.
સાથીઓ,
ફરી એક વાર અટલ ટનલ સ્વરૂપે વિકાસના નવા દ્વાર માટે લાહૌલ-સ્પિતિ અને પાંગી ઘાટીને, આપ સૌ ભાઈઓ- -બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું અને હું આગ્રહ કરૂં છું અને આ વાતને દેશના દરેક નાગરિકને વારંવાર કહી રહ્યો છું કે કોરોનાના આ મુશ્કેલ સમયમાં પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો. માસ્કનો ઉપયોગ કરો. હાથની સાફ- સફાઈ પર વિશેષ ધ્યાન આપો. મને આ ઐતિહાસિક કાર્યક્રમનો હિસ્સો બનાવવા માટે, હું ફરી એક વાર આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.
ધન્યવાદ !