મુખ્ય સરકારી યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા માટે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો શુભારંભ કર્યો
રૂ. 24, 000 કરોડનાં બજેટ સાથે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન-પીએમ-જનમનનો શુભારંભ કર્યો
પીએમ-કિસાન હેઠળ આશરે રૂ. 18,000 કરોડના 15મા હપ્તાની રકમ જારી કરી
ઝારખંડમાં આશરે 7,200 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો
વિકસિત ભારત સંકલ્પની પ્રતિજ્ઞાનું નેતૃત્વ કર્યું
“ભગવાન બિરસા મુંડાનાં સંઘર્ષો અને બલિદાન અગણિત ભારતીયોને પ્રેરણા આપે છે”
“બે ઐતિહાસિક પહેલ-'વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અને ‘પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન’ આજે ઝારખંડથી શરૂ થઈ રહી છે”
"ભારતમાં વિકાસનું સ્તર અમૃત કાળના ચાર સ્તંભો-મહિલા શક્તિ, યુવા શક્તિ, કૃષિ શક્તિ અને આપણા ગરીબ અને મધ્યમ વર્ગની શક્તિને મજબૂત કરવાની ક્ષમતા પર નિર્ભર કરે છે"
“મોદીએ વંચિત લોકોને પોતાની પ્રાથમિકતા બનાવી છે”
"હું ભગવાન બિરસા મુંડાની આ ભૂમિ પર વંચિતોનું મારું ઋણ ચૂકવવા આવ્યો છું"
"સાચી બિનસાંપ્રદાયિકતા ત્યારે જ આવે છે જ્યારે દેશના કોઈ પણ નાગરિક સામેના ભેદભાવની તમામ શક્યતાઓ નાબૂદ થાય છે"
"'વિકસીત ભારત સંકલ્પ યાત્રા' જે ભગવાન બિરસા મુંડાની જયંતીથી આજથી શરૂ થઈને આવતા વર્ષે 26 જાન્યુઆરી સુધી ચાલશે”

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જય,

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જય,

ઝારખંડના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનજી, મુખ્યમંત્રી શ્રીમાન હેમંત સોરેનજી, કેન્દ્ર સરકારમાં મારાં મંત્રીમંડળીમાં સહયોગી અર્જુન મુંડાજી, અન્નપૂર્ણા દેવીજી, અમારા બધાના વરિષ્ઠ માર્ગદર્શક શ્રીમાન કરિયા મુંડાજી, મારાં પરમ મિત્ર બાબુલાલ મરાંડીજી, અન્ય મહાનુભાવો અને ઝારખંડના મારાં પ્રિય પરિવારજનો,

તમને બધાને જોહાર! તમને બધાને નમન!

આજનો દિવસ મારાં માટે સૌભાગ્યનો દિવસ છે. હું હમણાં જ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થાન ઉલિહાતુથી પરત ફર્યો છું. હું ત્યાં બિરસા મુંડાજીના પરિવારજનોને મળ્યો. તેમની સાથે બહુ સુખદ મુલાકાત થઈ અને એ પવિત્ર માટીને માથા પર ચઢાવવાનું પરમ સૌભાગ્ય મને મળ્યું છે. મને ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને ફ્રીડમ ફાઇટર સંગ્રહાલય જોવાની પણ તક મળી છે. બે વર્ષ અગાઉ આજના દિવસે જ મને આ સંગ્રહાલય દેશને સમર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. હું તમામ દેશવાસીઓને જનજાતિય ગૌરવ દિવસની અનેક-અનેક શુભકામનાઓ આપું છું, પોતાની શુભેચ્છાઓ આપું છું. અને દેશના સેંકડો સ્થળો પર દેશના તમામ વરિષ્ઠજન આજે ઝારખંડના સ્થાપિત દિવસ પણ ઉજવી રહ્યાં છે. અટલજીના પ્રયાસોથી જ આ રાજ્યની રચના થઈ હતી. દેશને, ખાસ કરીને ઝારખંડને આજે 50 હજાર કરોડ રૂપિયાની અલગ-અલગ યોજનાઓ ભેટમાં મળી છે. આજે ઝારખંડમાં રેલવેની માળખાગત સુવિધા અને જોડાણના વિસ્તાર અંતર્ગત ઘણી રેલવે યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તમને આ જાણીને આનંદ થશે કે ઝારખંડ પણ દેશની 100 ટકા વીજળીકૃત રેલવે રુટ ધરાવતું રાજ્ય બની ગયો છે. આ યોજનાઓ માટે હું તમને બધાને મારા ઝારખંડવાસીઓને અનેક શુભેચ્છાઓ આપું છું.

મારા પરિવારજનો,

આદિવાસીઓના ગૌરવ અને સંઘર્ષના પ્રતીક સમાન ભગવાન બિરસા મુંડાની ગાથા દરેક દેશવાસીને પ્રેરણાથી ભરી દે છે. ઝારખંડનો ખૂણેખૂણો આવી જ મહાન વિભૂતીઓ, તેમના જુસ્સાઓ અને અથક પ્રયાસોથી સંબંધિત છે. તિલકા માંઝી, સિદ્ધુ કાન્હૂ, ચાંદ ભૈરવ, ફૂલો ઝાનો, નીલામ્બર, પીતામ્બર, જતરા તાના ભગત અને આલ્બર્ટ એક્કા જેવા અનેક વીરોએ આ ધરતીનું ગૌરવ વધાર્યું છે. જો આપણે આઝાદીના આંદોલન પર દ્રષ્ટિપાત કરીએ, તો દેશનો એક પણ ખૂણો એવો નહીં હોય, જ્યાં આદિવાસી યોદ્ધાઓ, આદિવાસી વીરોએ મોરચો સંભાળ્યો ન હોય. માનગઢ ધામમાં ગોવિંદ ગુરુના યોગદાનને કોણ ભૂલાવી શકે છે? મધ્યપ્રદેશમાં તાંત્યા ભીલ, ભીમા નાયક, છત્તિસગઢના શહીદ વીર નારાયણ સિંહ, વીર ગુંડાધુર, મણિપુરની રાણી ગાઈડિન્લ્યૂ...તેંલગાણાના વીર રામજી ગોંડ, આદિવાસીઓ માટે પ્રેરિત કરનાર આંધ્રપ્રદેશના અલ્લૂરી સીતારામ રાજૂ, ગોંડ પ્રદેશની રાણી દુર્ગાવતી – આ તમામ એવી વિભૂતિઓ છે, જેમનો દેશ આજે પણ ઋણી છે, જેમના પ્રત્યે આજે પણ દેશ કૃતજ્ઞ છે. આ દેશનું દુર્ભાગ્ય છે, દેશની કમનસીબી છે કે આઝાદી પછી આ વીરો સાથે ન્યાય ન થયો. મને સંતોષ છે કે, આઝાદીના 75 વર્ષ થવા પર અમૃત મહોત્સવ દરમિયાન અમે આવી વીર-વીરાંગનાઓને યાદ કર્યા, જેમની સ્મૃતિઓને આગામી પેઢી સુધી પહોંચાડી છે.

 

સાથીદારો,

ઝારખંડ આવવું મને જૂની યાદોને તાજાં કરવાનો પ્રસંગ કે તક પણ આપે છે. ગરીબોની સૌથી મોટી તાકાત આયુષ્માન યોજનાની શરૂઆથ પણ ઝારખંડથી જ થઈ હતી. થોડાં વર્ષ અગાઉ ખૂંટીમાં મેં સૌર પાવરથી સંચાલિત જિલ્લા અદાલતનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આજે ઝારખંડની આ પાવન ભૂમિથી એક નહીં, પણ બે-બે ઐતિહાસિક અભિયાનોની શરૂઆત થઈ રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ યોજનાઓને તમામ લાભાર્થાઓ સુધી પહોંચાડવાના લક્ષ્યાંકને હાંસલ કરવાનું સશક્ત માધ્યમ બનશે. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન, વિલુપ્ત થવાની અણી પર પહોંચેલી જનજાતિઓ, જેને આપણે અત્યાર સુધી પ્રાચીન આદિવાસીઓ તરીકે ઓળખીએ છીએ, તેમનું રક્ષણ કરશે, તેમને સશક્ત બનાવશે. આ બંને અભિયાન અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રાને નવી ઊર્જા આપશે.

મારા પરિવારજનો,

મને સરકારના વડા તરીકે, સરકારનાં અધ્યક્ષ તરીકે હવે બે દાયકાથી પણ વધારે સમય થઈ ગયો છે. દેશવાસીઓની આકાંક્ષાઓને જાણવાની, સમજવાની, મને બહુ નજીકથી તક મળી છે. પોતાના એ અનુભવોને આધારે હું આજે એક અમૃત મંત્ર તમારી સામે રજૂ કરી રહ્યો છું. અને ભગવાન બિરસા મુંડાની ધરતી પર તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. આગામી 25 વર્ષના અમૃતકાળ દરમિયાન જો આપણે વિકસિત ભારતની ભવ્ય અને દિવ્ય ઇમારતનું નિર્માણ કરવું હોય, તો આપણે એનાં ચાર અમૃતસ્તંભોને વધારે મજબૂત કરવા પડશે, સતત મજબૂત કરવા રહેવું પડશે. અમારી સરકારે જેટલી કામગીરી છેલ્લાં 10 વર્ષમાં કરી છે, હવે એનાથી પણ વધારે ઊર્જા સાથે આપણે એ ચાર અમૃતસ્તંભો પર પોતાની સંપૂર્ણ તાકાત લગાવવાની છે. અને વિકસિત ભારતના આ ચાર સ્તંભ હું તમને જણાવવા ઇચ્છું છું. આ ચાર અમૃતસ્તંભ કયા છે? પહેલો અમૃતસ્તંભ – ભારતની આપણી મહિલાઓ, આપણી માતાઓ-બહેનો, આપણી નારીશક્તિ. બીજો અમૃતસ્તંભ છે – આપણા ભારતનાં ખેડૂત ભાઈબહેન અને ખેતીવાડી સાથે જોડાયેલા જે વેપારધંધા છે, પછી એ પશુપાલક હોય, પછી એ મત્સ્યપાલકો હોય, આ તમામ આપણા અન્નદાતા છે. ત્રીજો અમૃતસ્તંભ છે – ભારતનાં નવયુવાન, આપણા દેશની યુવાશક્તિ, જે આગામી 25 વર્ષમાં દેશને નવી ઊંચાઈ પર લઈ જનારી સૌથી મોટી શક્તિ છે. અને ચોથો અમૃતસ્તંભ છે – ભારતનો મધ્યમ વર્ગ, નીયો મિડલ ક્લાસ અને ભારતનાં મારાં ગરીબ ભાઈઓ-બહેનો. આ ચાર સ્તંભોને આપણે જેટલા મજબૂત કરીશું, વિકસિત ભારતની ઇમારત એટલી જ વધારે ઊંચી બનશે. મને સંતોષ છે કે, છેલ્લાં 10 વર્ષ દરમિયાન મેં આ ચાર અમૃતસ્તંભોને સશક્ત કરવા માટે જેટલું કામ કર્યું છે, એટલું અગાઉ ક્યારેય કર્યું નથી.

સાથીદારો,

અત્યાર સુધી અને આજકાલ દરેક તરફ, દરેક દિશામાં ભારતની આ સફળતાની ચર્ચા છે કે, અમારી સરકારે પાંચ વર્ષમાં 13 કરોડથી વધારે લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢ્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં એવું શું થયું કે આટલું મોટું પરિવર્તન જમીન પર જોવા મળ્યું છે? વર્ષ 2014માં જ્યારે તમે બધાએ અમને દિલ્હીની ગાદી પર બેસાડ્યાં, સરકાર ચલાવવાની જવાબદારી સુપરત કરી, એ જ દિવસથી અમારો સેવાકાળ શરૂ થઈ ગયો છે. અમે સેવા કરવા માટે સત્તામાં આવ્યાં છીએ. અને એ સેવાકાળની વાત કરું ત્યારે એ સમયે અમે સરકારમાં આવ્યા અગાઉ ભારતની એક બહુ મોટી વસ્તી મૂળભૂત સુવિધાઓથી વંચિત હતી. દેશના કરોડો ગરીબોએ એ વાતની આશા પણ છોડી દીધી હતી કે, ક્યારેક તેમનું જીવન બદલાશે. અને સરકારનું વલણ પણ એવું જ હતું કે તે પોતાને જનતાની મા-બાપ સમજતી હતી. અમે મા-બાપની ભાવનાથી લઈને પણ સેવકની ભાવનાથી તમારા સેવકની જેમ કામ કરવાની શરૂઆત કરી. જે વંચિત હતા, તેમને અમને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું. જેમને સૌથી દૂર સમજવામાં આવતાં હતાં, સરકાર પોતે સામે ચાલીને તેમની પાસે ગઈ. જે દાયકાઓથી ઉપેક્ષિત હતા, અમારી સરકાર તેમની સાથી બની, તેમને તમામ પ્રકારનો સાથસહકાર આપ્યો. અધિકારીઓ એ જ હતા, લોકો એ જ હતા, ફાઇલે પણ એ જ હતી, કાયદા અને નિયમો પણ એ જ હતા. પણ વિચારસરણી બદલી અને વિચાર બદલી નાંખ્યો. તો જુઓ, પરિણામ પણ બદલાઈ ગયું. વર્ષ 2014 અગાઉ દેશના ગામડાઓમાં સ્વચ્છતા 40 ટકાથી ઓછા વિસ્તારમાં હતી. અત્યારે આપણે 100 ટકાના લક્ષ્યાંક પર પહોંચી રહ્યાં છીએ. અમારી સરકાર સત્તામાં આવી એ અગાઉ એલપીજી જોડાણ ફક્ત 50થી 55 ટકા ઘરોમાં હતું. અત્યારે લગભગ 100 ટકા ઘરોમાં મહિલાઓને ધુમાડાઓમાંથી મુક્તિ મળી ગઈ છે. અગાઉ દેશના ફક્ત 55 ટકા બાળકોને જ જીવનરક્ષક રસી મળતી હતી, અડધાં બાળકો તેનાથી વંચિત રહી જતાં હતાં. અત્યરે લગભગ સો ટકા બાળકોનું રસીકરણ થઈ રહ્યું છે. આઝાદી પછી સાત દાયકાઓમાં દેશમાં ફક્ત 17 ટકા ગ્રામીણ પરિવારો સુધી નળથી જળની સુવિધા હતી, 20 ટકા પણ નહોતી. જળ જીવન અભિયાનને કારણે આજે આ પ્રમાણ 70 ટકા સુધી પહોંચી ગયું છે.

 

અને સાથીદારો,

તમે જાણો છો કે, સમાજમાં જેમને એ સમયે મલાઈ મળી હતી તેઓ કોણ હતાં? શરૂઆતમાં જ મલાઈ મેળવનાર લોકો કોણ હતા? આ તમામ વગદાર લોકો હતા. જે સાધનસંપન્ન લોકો હતા, જેમની સરકારમાં પહોંચ હતી, ઓળખાણ હતી, તે સુવિધાઓ અને વ્યવસ્થાઓ સરળતાથી મેળવતાં હતાં અને સરકારનું મગજ પણ એ જ રીતે કામ કરતું હતું કે તેમને જ વધારે મલાઈ આપતું હતું. પણ જે લોકો સમાજમાં પાછળ રહી ગયા હતા, જેઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત હતા, તેમના પર ધ્યાન આપવાનું કોઈ નહોતું. તેઓ અસુવિધાઓ વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહ્યાં હતાં. મોદીએ સમાજના આ પ્રકારનાં વંચિતોને પોતાની પ્રાથમિકતા આપી છે, કારણ કે તેઓ એવા લોકો છે, જેમની વચ્ચે હું જીવન જીવ્યો છું, મેં ક્યારેય એવા પરિવારોની રોટલી જમી છે, મેં ક્યારેક સમાજના છેવડાનાં વ્યક્તિનું અન્ન ગ્રહણ કર્યું છે, હું આજે ભગવાન બિરસા મુંડાની આ ધરતી પર એ ઋણ ઉતારવા આવ્યો છું.  

મારા પરિવારજનો,

સામાન્ય રીતે સરકારોનું વલણ એવું હોય છે કે, જે સરળતાપૂર્વક હાંસલ થઈ જાય, એ લક્ષ્યાંકને અગાઉ પ્રાપ્ત કરો. પણ અમે બીજી જ વ્યૂહરચના પર કામ કર્યું છે. હું તો જ્ઞાનીઓને કહીશ કે આનો અભ્યાસ કરો, તમને યાદ હશે, આઝાદીના આટલાં દાયકાઓ પછી પણ 18 હજાર ગામડાઓ એવા રહી ગયા હતા, જ્યાં વીજળી પણ પહોંચી નહોતી, અંધકારનું સામ્રાજ્ય હતું. તેઓ 18મી સદીમાં જીવવા માટે, અંધકાર વચ્ચે જીવન પસાર કરવા માટે વિવિશ હતા. તેમને અંધકારમાં જીવવા માટે છોડી દેવામાં આવ્યાં હતાં, કારણ કે ત્યાં વીજળી પહોંચાડવા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓનો અને અવરોધોનો સામનો કરવો પડે એમ હતો. પણ જ્યારે કામ મુશ્કેલ હોય, ત્યારે જ સરકારે કરવાનું હોય છે. સહેલું કામ તો દરેક કરી શકે છે, પણ મુશ્કેલ કામ કરી દેખાડે એ સાચો મરદ, એ સાચી સરકાર. અને મેં લાલ કિલ્લા પરથી દેશને, દેશવાસીઓને એક વચન આપ્યું હતું કે, હું એક હજાર દિવસમાં આ 18 હજાર ગામડાઓ સુધી વીજળી પહોંચાડવાનો મુશ્કેલ સંકલ્પ જાહેરમાં લઈ રહ્યો છું અને આજે મારે અતિ નમ્રતાપૂર્વક, માથું ઝુકાવીને તમને કહેવું છે કે, એ કામને સમયસર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

સાથીદારો,

આપણાં દેશમાં 110થી વધારે જિલ્લાઓ એવા હતા, જે વિકાસના દરેક માપદંડ પર પછાત હતા, વિકાસની દ્રષ્ટિએ બહુ પાછળ હતા. આ જિલ્લાઓ પર જૂની સરકારોએ છાપ લગાવી દીધી હતી કે આ તો પછાત જિલ્લાઓ છે. અને અગાઉની સરકારોએ તેમની ઓળખ કરી લીધી, આ બેકાર છે, પછાત છે, આગળ કશું થઈ શકે નહીં અને સરકાર પછી સૂતી રહી. આ જિલ્લાઓમાં શિક્ષણ, આરોગ્ય, સુવિધાઓ – દાયકાઓ સુધી દયનીય સ્થિતિ જળવાઈ રહી હતી. અને સંયોગ જુઓ કે આ જ પછાત જિલ્લાઓમાં દેશમાં સૌથી વધુ મારા આદિવાસી પરિવારોની આબાદી વસતી હતી. જ્યારે અધિકારીઓને સજા સ્વરૂપે પોસ્ટિંગ આપવાનું થતું, ત્યારે તેમને આ જિલ્લાઓમાં મોકલવામાં આવતાં હતાં. થાકેલો હારેલો, બેકાર, કામ ન કરી શકે એવો અધિકારી હોય, તેને કહેતા – જા ભાઈ, યાર તું જા, તારું ત્યાં જ કામ છે. હવે એ આ જિલ્લાઓમાં જઈને શું કરવાનો હતો? આ 110થી વધારે જિલ્લાઓને તેમના હાલ પર છોડીને ભારત ક્યારેય વિકસિત રાષ્ટ્ર ન બની શકે. એટલે વંચિતોને પ્રાથમિકતા આપવાના સિદ્ધાંત પર ચાલીને અમારી સરકારે આ જિલ્લાઓને વિકાસની આકાંક્ષા ધરાવતા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ એટલે આકાંક્ષી જિલ્લાઓ તરીકે જાહેર કર્યા. અમે આ જિલ્લાઓમાં સરકારોને વિશ્વાસમાં લઈને સૌથી કુશળ અધિકારીઓની નિમણૂક કરવા પર ભાર મૂક્યો. આ જિલ્લાઓમાં અમે શિક્ષણ, આરોગ્ય, માર્ગ – આ પ્રકારનાં અનેક વિષયો પર શૂન્યથી કામ શરૂ કરીને સફળતાનાં નવા શિખર પર પહોંચી રહ્યાં છીએ. અહીં ઝારખંડમાં પણ આ આ આપણાં ખૂંટી સહિત એવા ઘણાં જિલ્લાઓ એ યાદીમાં સામેલ છે. આ આકાંક્ષી જિલ્લા અભિયાનની આ સફળતાને જ આકાંક્ષી બ્લોક કાર્યક્રમ મારફતે, એની કામગીરી વધારવામાં આવી રહી છે.

મારા પરિવારજનો,

આપણાં દેશમાં દાયકાઓ સુધી સોશિયલ જસ્ટિસ એટલે કે સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતાના ગીતો દરરોજ, સવારસાંજ સંભળાતા હતા, એનાં નામની માળાઓ જપવામાં આવતી હતી, બહુ નિવેદનો કરવામાં આવતા હતા. જ્યારે દેશના કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, ભેદભાવની તમામ શક્યતાઓનો અંત આવી જાય, ત્યારે સાચી ધર્મનિરપેક્ષતા સ્થાપિત થાય છે. જ્યારે બધા નાગરિકોને સમાન ભાવના સાથે, તમામને એકસમાન રીતે સરકારી યોજનાઓનો લાભ મળે છે, ત્યારે સામાજિક ન્યાયનો ભરોસો ઊભો થાય છે. કમનસીબે આજે પણ ઘણા રાજ્યોમાં લાખો ગરીબો છે, જેમની પાસે યોજનાઓની પૂરી જાણકારી પણ નથી. વળી અનેક ગરીબો એવા પણ છે, જેઓ યોજનાઓનો લાભ લેવા માટે ભાગદોડ કરવામાં સક્ષમ નથી. છેવટે ક્યાં સુધી આપણે તેમને તેમના હાલ પર છોડતાં રહીશું. આ જ વેદનામાંથી, દુઃખમાંથી, આ જ પીડામાંથી, આ જ સંવેદનામાં એક વિચારે આકાર લીધો છે. અને આ જ વિચાર સાથે હવે આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા આજે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર 15 નવેમ્બરના રોજ શરૂ થઈ છે, જે આગામી વર્ષમાં 26 જાન્યુઆરી સુધી ચાલશે. આ યાત્રામાં સરકાર યુદ્ધના ધોરણે, એક અભિયાનની જેમ દેશના દરેક ગામમાં પહોંચશે, દરેક ગરીબ સુધી, વંચિત વ્યક્તિ સુધી સરકારી યોજનાઓના હકદાર છે, તેમના અધિકાર માટે તેમને લાભાર્થી બનાવવામાં આવશે. તેમના સુધી આ યોજના પહોંચે, તેની વ્યવસ્થા કરવામાં આવશે. અને તમને યાદ હશે – મીડિયામાં મારાં કેટલાંક મિત્રો પાસે જાણકારી હોતી નથી. વર્ષ 2018માં પણ મેં એક પ્રયોગ કર્યો હતો. કેન્દ્ર સરકારે આ જ રીતે એક ગ્રામ સ્વરાજ અભિયાન ચલાવ્યું હતું. અને મેં ભારત સરકારના એક હજાર અધિકારીઓને ગામડાંઓમાં મોકલ્યાં હતાં. વાતાનુકૂલિત (એર કન્ડિશન) ઓરડાઓમાંથી બહાર કાઢીને એક હજાર અધિકારીઓને ગામડાઓમાં મોકલ્યાં હતાં. આ અભિયાનમાં પણ અમે સાત મુખ્ય યોજનાઓ લઈને દરેક ગામ સુધી પહોંચ્યા હતા. મને ખાતરી છે કે, ગ્રામ સ્વરાજ અભિયાનની જેમ અમે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ દરેક ગામમાં જઈને, આ પ્રકારનાં દરેક હકદારને મળીને આ યોજનાને સફળ બનાવવાની પ્રતિજ્ઞા લઈને નીકળ્યાં છીએ તથા જ્યારે ભગવાન બિરસાની ધરતીમાંથી નીકળી રહ્યાં છીએ, ત્યારે સફળતા જરૂર મળવાની છે. હું એ દિવસ નજીકમાં આવશે એવું માનું છું – જ્યારે દરેક ગરીબ પાસે મફત અનાજ મેળવવા માટે રાશન કાર્ડ હશે. જ્યારે દરેક ગરીબની પાસે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસનું જોડાણ હશે, સૌભાગ્ય યોજના અંતર્ગત વીજળીનું જોડાણ હશે અને હર ઘર નલ યોજના અંતર્ગત નળમાંથી પાણી મળતું હશે. હું એ દિવસ નજીકમાં છે એવું માનું છું – જ્યારે દરેક ગરીબ પાસે પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર આપતું આયુષ્માન કાર્ડ હશે. જ્યારે દરેક ગરીબ પાસે પોતાનું પાકું મકાન હશે. મને ખાતરી છે કે એ દિવસ નજીક છે, જ્યારે દરેક ખેડૂત કેન્દ્ર સરકારની પેન્શન યોજના સાથે જોડાઈ જશે. જ્યારે દરેક મજૂર, પેન્શન યોજનાઓનો લાભાર્થી બની જશે. જ્યારે દરેક લાયકાત ધરાવતો નવયુવાન મુદ્રા યોજનાનો લાભ મેળવી શકશે અને એક ઉદ્યોગસાહસિક બનવાની દિશામાં ડગલું માંડશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક રીતે દેશના ગરીબોને, દેશની માતાઓ-બહેનો, દેશના નવયુવાનોને, દેશના ખેડૂતોને મોદીની ખાતરી છે. જ્યારે મોદી ખાતરી આપે છે, ત્યારે તમને ખબર છે, તમે જાણો છો કે એ ખાતરી શું હોય છે? મોદીની ખાતરી હોય છે – વચન પૂરું થવાની પણ ખાતરી.

 

મારા પરિવારજનો,

વિકસિત ભારતનાં સંકલ્પનો એક મુખ્ય આધાર છે – પ્રધાનમંત્રી જનમન...એટલે કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. સામાજિક ન્યાય જનરલ-જનરલ વાતો થઈ, મોદી સાહસ કરીને આદિવાસી ન્યાય અભિયાન લઈને નીકળ્યાં છે. આઝાદી પછી અનેક દાયકાઓ સુધી આદિવાસી સમાજને સતત નજરઅંદાજ કરવામાં આવ્યો, એની ઉપેક્ષા થતી રહી. મારે તેમને યાદ અપાવું છે કે, એ અટલજીની સરકાર હતી, જેણે આદિવાસી સમાજના ઉત્થાન માટે, વિકાસ માટે એક અલગ મંત્રાલયની રચના કરી હતી, એનાં માટે અલગથી બજેટ ફાળવવાની શરૂઆત કરી હતી. અમારી સરકારના કાર્યકાળ દરમિયાન હવે આદિવાસી કલ્યાણ બજેટ, અગાઉની સરખામણીમાં છ ગણા સુધી વધી ગયું છે. પ્રધાનમંત્રી જનમન યોજનાનું નામ રાખ્યું છે – પ્રધાનમંત્રી જનમન. પ્રધાનમંત્રી જનમન એટલે કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. આ અભિયાન અંતર્ગત હવે અમારી સરકારે એ આદિવાસી ભાઈ-બહેનો સુધી પહુંચશે, જેમના સુધી હજુ સુધી પહોંચી શકાયું નહોતું. આ એ જનજાતિ કે આદિવાસી સમૂહો છે, આપણે કહી તો દીધું કે તેઓ પ્રાચીન જનજાતિઓ છે, જેમાંથી મોટા ભાગનાં સમુદાયો આજે પણ જંગલોમાં રહેવા વિવિશ છે, મજબૂર છે. તેમને રેલવે જોવાની વાત તો છોડો, તેમનો અવાજ પણ સાંભળ્યો નથી. દેશના 22 હજારથી વધારે ગામડાઓમાં આવા 75 જનજાતિ સમુદાયો વસે છે, આ 75 જનજાતિ સમુદાયોની ઓળખ અમારી સરકારે પ્રાચીન જનજાતિ સમુદાયો સ્વરૂપે કરી છે. જેમ પછાત જાતિઓમાં પણ અતિ પછાત જાતિઓ હોય છે, તેમ આદિવાસી સમુદાયોમાં પણ આ સૌથી પછાત આદિવાસી સમુદાયો છે. દેશમાં તેમની સંખ્યા કે વસ્તી લાખોમાં છે. આ સૌથી વધારે પછાત આદિવાસીઓને મૂળભૂત સુવિધાઓ પણ મળતી નથી, આઝાદીના 75 વર્ષ પછી પણ મળતી નથી. આ આદિવાસી સમાજના લોકોને ક્યારેય પાકું મકાન મળ્યું નથી. તેમની અનેક પેઢીઓમાં બાળકોએ શાળાઓ પણ જોઈ નથી. આ સમાજના લોકોનાં કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. એટલે અત્યારે આ જનજાતિઓ સુધી ભારત સરકાર વિશેષ અભિયાન ચલાવવા પહોંચવાની છે. અગાઉની સરકારોએ આંકડાઓને જોડવાનું કામ કરી લીધું, જે નજીક છે, જે ઉપર પહોંચી ગયા છે તેમની પાસે કામ કરાવી લેવું, પણ મારે ફક્ત આંકડા જોડીને બેસવાનું નથી, મારે તો જીવનને જોડાવાનું છે, જિંદગીઓને જોડવાની છે, દરેક જિંદગીમાં જીવ ભરવાનો છે, દરેક જિંદગીમાં નવો જુસ્સો પેદા કરવાનો છે. આ જ લક્ષ્યાંક સાથે આજે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જન મન, આપણે જન ગણ મન તો ગાઈએ છીએ, આજે હું પીએમ જન મન સાથે આ મહાન અભિયાનની શરૂઆત કરી રહ્યો છું. આ મહાઅભિયાન પર ભારત સરકાર 24 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

સાથીદારો,

આ મહાઅભિયાન માટે હું વિશેષ કરીને આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીનો આભાર વ્યક્ત કરવા ઇચ્છું છું. આપણે હમણા તેમનો વીડિયો સંદેશ પણ સાંભળ્યો છે. જ્યારે તેઓ ઝારખંડમાં રાજ્યપાલ હતાં અને એ અગાઉ જ્યારે ઓડિશામાં પણ તેઓ મંત્રી સ્વરૂપે કાર્યરત હતા, સામાજિક કાર્યકર્તા સ્વરૂપે પણ કાર્યરત રહેતા હતા, ત્યારે તેઓ છેવાડાનાં, હાંસિયામાં ધકેલાઈ ગયેલા આદિવાસી સમૂહોને આગળ લાવવા માટે રાતદિવસ પ્રયાસ કરતાં રહેતાં હતાં. રાષ્ટ્રપતિ બન્યાં પછી પણ તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રકારનાં સમૂહોને સન્માન સાથે બોલાવે છે, તેમની સમસ્યાઓ સમજીને તેમના ઉપાયની ચર્ચા કરતા રહે છે. મને ખાતરી છે કે, તેમણે આપણને જે માર્ગદર્શન આપ્યું છે, તેમણે આપણને જે પ્રેરણા આપી છે, તેમની જ આ પ્રેરણા સાથે આપણે આ પ્રધાનમંત્રી જનમન, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનમાં જરૂર સફળતા મેળવીશું.

મારા પરિવારજનો,

આપણાં દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજી, મહિલાની આગેવાનીમાં કે મહિલા સંચાલિત વિકાસનું પણ પ્રેરક પ્રતીક છે. છેલ્લાં થોડાં વર્ષોમાં જે રીતે ભારતે સમગ્ર દુનિયાને નારીશક્તિના વિકાસનો જે માર્ગ દર્શાવ્યો છે, જે માર્ગ પ્રદર્શિત કર્યો છે, તે ખરાં અર્થમાં અભૂતપૂર્વ છે. આ વર્ષો માતાઓ-બહેનો-દિકરીઓની સુવિધા, સુરક્ષા, સન્માન, સ્વાસ્થ્ય અને સ્વરોજગારીનાં બની રહ્યાં છે. આ આપણાં ઝારખંડની દિકરીઓ રમતગમતમાં દેશનું નામ, પોતાના રાજ્યનું નામ રોશન કરી રહી છે, તેને જોઈને આપણી છાતી ફુલાઈ જાય છે. અમારી સરકારે મહિલાઓના જીવનનાં દરેક તબક્કાને ધ્યાનમાં રાખીને તેમના માટે યોજનાઓ બનાવી છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનને પગલે કુલ વસતીમાં દિકરીઓનું પ્રમાણ વધ્યું છે અને શાળાઓમાં વિદ્યાર્થીનીઓની નોંધણીમાં પણ વધારો થયો છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલયનું નિર્માણ થવાથી શાળાનો અભ્યાસ અધવચ્ચે છોડવાની લાચારી કે વિવશતા પણ ઓછી થઈ છે. પ્રધાનમંત્રી રહેણાક યોજના અંતર્ગત આપણા દેશની બહેનો કરોડો ઘરની માલિકો બની છે, બહેનો નામે ઘરની નોંધણી થઈ છે, પહેલી વાર તેમના નામે કોઈ સંપત્તિ ઊભી થઈ છે. સૈનિક શાળા, ડિફેન્સ એકેડમીને દિકરીઓના પ્રવેશ માટે પહેલી વાર ખોલવામાં આવી છે. મુદ્રા યોજના અંતર્ગત લગભગ 70 ટકા લોન કોઈ પણ પ્રકારની ગેરન્ટી વિના મારા દેશની મહિલાઓને, મારી દિકરીઓને આપવામાં આવી છે. મહિલા સ્વયં સહાયતા સમૂહોને પણ અત્યારે સરકારે વિક્રમી ઊંચી આર્થિક મદદ કરી રહી છે. અને લખપતિ દીદી અભિયાન ચાલી રહ્યું છે – કેટલાંક લોકોને મારી વાતો સાંભળીને ચક્કર આવી જાય છે. મારું સ્વપ્ન છે – બે કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવીને રહીશ, બે કરોડ મહિલાઓને. સ્વયં સહાયત સમૂહ ચલાવતી બે કરોડ મહિલાઓ લખપતિ બનશે, તમે જોજો. થોડા મહિના અગાઉ જ અમારી સરકારે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને અનામત આપતું નારીશક્તિ વંદન અધિનિયમ પણ અપનાવ્યું છે. આજે ભાઈબીજનું પાવન પર્વ છે. દેશની તમામ બહેનોને તેમનો આ ભાઈ ખાતરી આપે છે કે, બહેનોના વિકાસ આડે આવતા દરેક પ્રકારનાં અવરોધને તમારો આ આ ભાઈ આ જ રીતે દૂર કરતો રહેશે, તમારો ભાઈ તમને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવા તન-મનથી લાગેલો રહેશે. નારીશક્તિનો અમૃતસ્તંભ, વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

મારા પરિવારજનો,

કેન્દ્ર સરકાર વિકસિત ભારતની સફરમાં દરેક વ્યક્તિના સામર્થ્યનો, તેમની શક્તિનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે. બે મહિના અગાઉ જ અમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પણ શરૂ કરી છે. સરકારે એ લોકોને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે, જે પોતાના પરંપરાગત કૌશલ્ય માટે સમાજમાં ઓળખાય છે. કુંભાર હોય, લુહાર હોય, સુથાર હોય, સોની હોય, રાજમિસ્ત્રી હોય, વણકાર હોય, ધોબી હોય, દરજી હોય, મોચી હોય – આ આપણા તમામ સાથીદારોને, આપણાં વિશ્વકર્મા સાથીદારોને, આ યોજના અંતર્ગત વિશ્વકર્મા સાથીદારોને આધુનિક તાલીમ મળશે અને તાલીમ દરમિયાન તેમને રૂપિયા પણ મળશે. તેમને શ્રેષ્ઠ અને નવી ગુણવત્તાયુક્ત સાધનસામગ્રી મળશે, નવી ટેકનોલોજી મળશે અને આ માટે સરકાર 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

 

મારા પરિવારજનો,

અત્યારે દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પ્રધાનમંત્રી ખેડૂત સન્માન ભંડોળ)નો 15મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. હવે દેશના કરોડો ખેડૂતોનાં બેંક ખાતાઓમાં સરકારે કુલ જમા કરેલી રકમ 2 લાખ 75 હજાર કરોડ રૂપિયાથી વધી ગઈ છે. તમારામાંથી જે કોઈ ખેડૂત અહીં આ સભામાં ઉપસ્થિત છે, તેમના મોબાઇલ પર મેસેજ કે સંદેશ આવી ગયો હશે કે સરકારે બે હજાર રૂપિયા તમારા બેંક ખાતાઓમાં જમા કરી દીધા છે. કોઈ વચેટિયા નહીં, કોઈ કટકી નહીં, મોદી સીધો તમારી સાથે સંબંધ ધરાવે છે. આ એ જ ખેડૂતો છે, જેમનો ભાવ અગાઉ કોઈ પૂછતું પણ નહોતું. હવે અમારી સરકાર આ ખેડૂતોની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. આ અમારી જ સરકાર છે, જેણે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ (ખેડૂત ધિરાણ પત્ર)ની સુવિધા સાથે જોડી દીધા છે. પશુધનનું મફત રસીકરણ કરવા માટે અમારી સરકારે 15 હજાર કરોડનો ખર્ચ કર્યો છે. તમારા દરેક પરિવારજનને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં હવે 15 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મફતમાં પશુનું રસીકરણ પણ થઈ રહ્યું છે, તમે પણ એનો ફાયદો ઉઠાવો. મત્સ્ય કે માછલીના પાલનને પ્રોત્સાહન આપવા માટે કામ થઈ રહ્યું છે. હજુ હમણાં હું આવ્યો છું. મેં જોયું છે કે, એક પ્રદર્શન લાગ્યું છે. તેમાં દોઢ-દોઢ લાખ રૂપિયાની એક-એક માછલી અને તેમાંથી મોતી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મત્સ્ય સંપદા યોજના અંતર્ગત આર્થિક મદદ આપવામાં આવી રહી છે. અત્યારે દેશમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદન સંઘ – એફપીઓ બની રહ્યાં છે. તેના પગલે ખેડૂતોનો ખર્ચ ઓછો થયો છે અને બજાર સુધી પહોંચ સરળ થઈ છે. અમારી સરકારના વિવિધ પ્રયાસોને પગલે આ વર્ષને સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જાડા અનાજને શ્રીઅન્ન તરીકે ઓળખાવીને, નવી ઓળખ આપીને દુનિયાના વિવિધ દેશોના બજાર સુધી પહોંચાડવાની સંપૂર્ણ તૈયારી થઈ રહી છે. તેનો લાભ પણ આપણા આદિવાસી ભાઈ-બહેનોને થશે.

 

સાથીદારો,

સરકારના આ ચોતરફી પ્રયાસોથી, તમામ દિશાઓમાં અને તમામ સ્તરના પ્રયાસોથી ઝારખંડ જેવા રાજ્યોમાં નક્સલવાદી હિંસાની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. એકથી બે વર્ષમાં અલગ રાજ્ય તરીકે ઝારખંડ રાજ્યની રચનાને 25 વર્ષ પૂર્ણ થઈ જશે. આ ગાળો ઝારખંડ માટે ખરેખર બહુ પ્રેરણાદાયક સમય રહ્યો છે. આ સીમાચિહ્ન પર, આ ઉપલબ્ધિ પર, ઝારખંડમાં સરકારની વિવિધ 25 યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓને આપવાના લક્ષ્યાંકને પાર પાડવાનું કામ શરૂ કરી શકાય છે. હું ઝારખંડ સરકારને પણ આગ્રહણ કરીશ, હું ઝારખંડના તમામ નેતાઓને આગ્રહ કરીશ કે અલગ રાજ્ય તરીકે ઝારખંડની રચનાના 25 વર્ષના ઉપલક્ષ્યમાં વિવિધ લક્ષ્યાંકને નિર્ધારિત કરવા એક બહુ મોટું અભિયાન શરૂ કરવામાં આવે, એનાથી રાજ્યનો વિકાસને નવી ઊર્જા મળશે, નવો વેગ મળશે અને આ રાજ્યનાં લોકોનું જીવન પણ વધારે સરળ બનશે. અમારી સરકાર શિક્ષણના વિસ્તરણ અને યુવાઓને તક આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં અત્યારે આધુનિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની છે. હવે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષાઓમાં મેડિકલ (તબીબી) અને એન્જિનીયરિંગ (ઇજનેરી) શાખાઓનો અભ્યાસ કરવાનો વિકલ્પ મળી રહ્યો છે. છેલ્લાં નવ વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં 300થી વધારે વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટી)ની રચના થઈ છે, સાડા પાંચ હજારથી વધારે નવી કૉલેજો સ્થાપિત થઈ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત યુવા પેઢી માટે નવી તકોનું સર્જન થયું છે. ગામડે-ગામડે સામાન્ય સેવા કેન્દ્રો (કૉમન સર્વિસ સેન્ટર્સ)માં હજારો યુવાનોને રોજગારી મળી છે. એક લાખથી વધારે સ્ટાર્ટઅપની સાથે ભારત હાલ દુનિયામાં ત્રીજી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા કે ઇકોસિસ્ટમ ધરાવે છે. આજે રાંચીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)નું કેમ્પસ અને આઇઆઇટી-આઇએસએમ, ધનબાદમાં એક નવી હૉસ્ટેલનો પણ લોકાર્પણ થયું છે.

 

સાથીદારો,

અમૃતકાળના ચાર અમૃત સ્તંભ – આપણી નારીશક્તિ, આપણી યુવાશક્તિ, આપણી કૃષિશક્તિ અને આપણા ગરીબો અને મધ્યમ વર્ગની સામર્થ્યશક્તિ – ચોક્કસ ભારતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જશે, વિકસિત ભારતનું નિર્માણ કરશે. હું આ તમામ યોજનાઓ માટે, રાષ્ટ્રનિર્માણના આ વિવિધ અભિયાનોમાં સામેલ થવા માટે એક વાર ફરી તમને બધાને આમંત્રણ આપું છું, તમને બધાને તેમાં સામેલ થવા બદલ શુભેચ્છા પાઠવું છું. મારી સાથે બોલો – હું કહીશ – ભગવાન બિરસા મુંડા – તમે કહેજો – અમર રહે.

 

ભગવાન બિરસા મુંડા - અમર રહે, અમર રહે.

ભગવાન બિરસા મુંડા - અમર રહે, અમર રહે.

ભગવાન બિરસા મુંડા - અમર રહે, અમર રહે.

ભગવાન બિરસા મુંડા - અમર રહે, અમર રહે.

તમારો બધાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 ડિસેમ્બર 2024
December 25, 2024

PM Modi’s Governance Reimagined Towards Viksit Bharat: From Digital to Healthcare