કેન્દ્રીય મંત્રીમંડળના મારા વરિષ્ઠ સાથી, દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહજી, ડીજી એનસીસી, શિક્ષકો, અતિથિઓ, મારા આંતરિક મંત્રી પરિષદના અન્ય તમામ સાથીઓ, અન્ય મહેમાનો, પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લઈ રહેલા વિવિધ કલાકારો, એનસીસી અને એનએસએસના મારા યુવાન સાથીઓ!
હું જોઈ રહ્યો હતો કે, આજે પહેલી જ વાર નેતાજીની વેશભૂષામાં આટલા બધા બાળ અવતાર પ્રધાનમંત્રી આવાસ પર આવ્યા છે. સૌથી પહેલાં તો હું તમને બધાને સલામ કરું છું. જય હિન્દનો મંત્ર દરેક વખતે આપણને પ્રેરણા આપે છે.
સાથીઓ,
છેલ્લાં થોડાં અઠવાડિયાંઓથી મને યુવાન મિત્રોને વારંવાર મળવાની તક મળી છે. એક મહિના પહેલાં આપણે 'વીર બાલ દિવસ' ઉજવ્યો, આપણને વીર સાહેબજાદાઓનાં શૌર્ય અને બલિદાનને નમન કરવાનો અવસર મળ્યો. ત્યાર બાદ કર્ણાટકમાં 'નેશનલ યૂથ ફેસ્ટિવલ'માં સામેલ થયો. તેના બે દિવસ બાદ જ દેશના યુવા અગ્નિવીરો સાથે વાતચીત થઈ. પછી યુપીમાં ખેલ મહાકુંભના એક કાર્યક્રમમાં યુવા ખેલાડીઓ સાથે સંવાદ થયો. આ પછી, મને આજે, સંસદમાં અને પછી પ્રધાનમંત્રી નિવાસસ્થાને નો યોર લીડર પ્રોગ્રામમાં ભાગ લેનારા દેશભરના વિદ્યાર્થીઓને મળવાનો અવસર મળ્યો. ગઈકાલે જ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જીતનારા દેશના આશાસ્પદ બાળકો સાથે મુલાકાત થઈ. આજે આ ખાસ કાર્યક્રમમાં આપને મળી રહ્યો છું. થોડા જ દિવસોમાં હું 'પરીક્ષા પર ચર્ચા'નાં માધ્યમથી દેશભરના લાખો નવયુવાનો, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો છું. દર વર્ષની જેમ આ વખતે પણ મને એનસીસીના કાર્યક્રમનો હિસ્સો બનવાની તક મળવાની છે.
સાથીઓ,
આ યુવા સંવાદ મારા માટે બે કારણોથી વિશેષ મહત્વ ધરાવે છે. એક કારણ તો એ છે કે યુવાનોમાં ઊર્જા હોય છે, તાજગી હોય છે, ઉત્સાહ હોય છે, જુસ્સો હોય છે, નવીનતા હોય છે. તમારા દ્વારા આ બધી હકારાત્મકતા મને સતત પ્રેરણા આપતી રહે છે, દિવસ-રાત સખત મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બીજું, આપ સૌ આઝાદીના આ અમૃતકાળમાં દેશની આકાંક્ષાઓનું, દેશનાં સપનાઓનું પ્રતિનિધિત્વ કરો છો. વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી પણ આપ બનવા જઈ રહ્યા છો અને તેનાં નિર્માણની સૌથી મોટી જવાબદારી પણ તમારા જ ખભા પર છે. જે રીતે વિવિધ કાર્યક્રમોમાં યુવાનોની ભાગીદારી વધી રહી છે, તે પ્રોત્સાહક છે. પરાક્રમ દિવસ પર એક મોટા સંદેશ સાથે આયોજિત સ્પર્ધાઓમાં તમારાં જેવાં બાળકોની ભાગીદારી તેનું જ એક ઉદાહરણ છે. આવાં કેટલાંય આયોજનો, અમૃત મહોત્સવને લગતા કાર્યક્રમો અને સ્પર્ધાઓ દેશમાં સતત થઈ રહી છે. લાખો-કરોડો યુવાનો તેની સાથે જોડાઈ રહ્યા છે. તે નાની વયમાં દેશ માટે મોટાં સપના અને સમર્પણનું પ્રતીક છે. તે એ વાતનો પુરાવો છે કે ભારતની યુવા પેઢી દેશની જવાબદારીઓ માટે તૈયાર પણ છે, અને પોતાની જવાબદારી નિભાવવા માટે તત્પર પણ છે. કવિતા, ડ્રોઇંગ, ડ્રેસિંગ, નિબંધ લેખનની આ સ્પર્ધાઓમાં જીતેલા આપ તમામ નવયુવાનોને પણ હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. દર વખતની જેમ આ વખતે પણ આપણા એનસીસી અને એનએસએસના કૅડેટ્સ, વિવિધ કલાકારો મોટી સંખ્યામાં પ્રજાસત્તાક દિનની પરેડમાં જોડાવાના છે. આપ સહુને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે.
સાથીઓ,
એનસીસી અને એનએસએસ એવી સંસ્થાઓ છે જે યુવા પેઢીને રાષ્ટ્રીય લક્ષ્યો, રાષ્ટ્રીય નિસ્બત સાથે જોડે છે. કોરોના કાળમાં એનસીસી અને એનએસએસના સ્વયંસેવકોએ કેવી રીતે દેશની તાકાત વધારી તેનો અનુભવ આખા દેશે કર્યો છે. તેથી, આ સંગઠનોને પ્રોત્સાહિત કરવામાં આવે અને તેને વિસ્તૃત કરવાનો સરકારનો સતત પ્રયાસ રહ્યો છે. અત્યારે જેમ કે, આપણા સરહદી અને સાગર તટીય જિલ્લાઓમાં અનેક પ્રકારના પડકારો આવ્યા કરે છે. સરકાર તમારા જેવા યુવાનોને પણ તેનો સામનો કરવા માટે તૈયાર કરી રહી છે. દેશના આવા ડઝનેક જિલ્લાઓમાં એનસીસીના વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, સેના, નૌકાદળ અને વાયુસેનાનાં માધ્યમથી વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આનાથી યુવા સાથી ભવિષ્ય માટે તૈયાર પણ થશે અને જરૂર પડ્યે ફર્સ્ટ રિસ્પોન્ડરની ભૂમિકા પણ અદા કરી શકશે. હવે અમે વાઇબ્રન્ટ બોર્ડર એરિયા પ્રોગ્રામ પર પણ કામ કરી રહ્યા છીએ. આ અંતર્ગત સરહદી ગામોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, ત્યાં તમામ પ્રકારની સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે. પ્રયાસ એ જ છે કે સરહદી વિસ્તારોમાં યુવાનોની તાકાત વધે, પરિવારો તેમનાં ગામો તરફ રહેવાનું પસંદ કરે, ત્યાં જ શિક્ષણ અને રોજગારની વધુ સારી તકો ઊભી થાય.
સાથીઓ,
સરકારના આ પ્રયાસો વચ્ચે તમને તમારાં જીવનમાં એક વાત જરૂરથી કામ લાગશે. જ્યારે તમે જીવનમાં કંઈક સારું કરો છો, કોઈ પણ સફળતા પ્રાપ્ત કરો છો, ત્યારે તેની પાછળ તમારી સાથે, તમારાં માતાપિતા, તમારા પરિવારની પણ તેની પાછળ મોટી ભૂમિકા હોય છે. આમાં તમારા શિક્ષકોની, શાળાની અને તમારા મિત્રોની પણ મોટી ભૂમિકા હોય છે. એટલે કે, તમને દરેકનો સાથ મળે છે અને તે જ પ્રગતિનું કારણ હોય છે. સૌએ તમારી ક્ષમતા અને નિર્ણયો પર વિશ્વાસ મૂક્યો હશે. તમારા આ પ્રયાસમાં સૌ સામેલ થયા હશે. અને આજે જ્યારે તમે પ્રજાસત્તાક દિનની પરેડમાં જોડાઈ રહ્યા છો, ત્યારે તેનાથી તમારા પરિવાર, શાળા-કૉલેજ અને વિસ્તારનું સન્માન પણ વધ્યું છે. એટલે કે, આપણી સફળતાઓ માત્ર આપણા પ્રયત્નોથી જ નથી મળતી. અને, આપણી સફળતાઓ ક્યારેય આપણા એકલાની નથી હોતી. આ જ દૃષ્ટિકોણ તમારે તમારાં જીવનમાં સમાજ અને દેશને લઈને પણ રાખવાનો છે.તમને જે પણ ક્ષેત્રમાં રસ હોય, તેમાં તમારે આગળ વધવાનું છે. પરંતુ, લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે ઘણા બધા લોકોને તમારી સાથે લેવા પડશે. તમારે ટીમ સ્પિરિટ સાથે કામ કરવું પડશે. તેથી, જ્યારે તમે તમારાં લક્ષ્યો, તમારા ગોલ્સને દેશનાં ગોલ્સ સાથે જોડીને જોશો, ત્યારે તમારી સફળતાનો અવકાશ વિસ્તૃત થશે. તમારી સફળતાને દુનિયા ભારતની સફળતા તરીકે જોશે. ડૉ. એપીજે અબ્દુલ કલામ, હોમી જહાંગીર ભાભા અને ડૉ. સી.વી.રમન જેવા વૈજ્ઞાનિકો હોય કે પછી મેજર ધ્યાનચંદથી માંડીને આજના મોટા ખેલાડીઓ સુધી, તેમનાં જીવનમાં તેમણે જે કામ કર્યું છે, જે સીમાચિન્હો હાંસલ કર્યાં છે, સમગ્ર વિશ્વ તેને ભારતની સફળતા તરીકે જુએ છે. અને તેનાથી પણ આગળ ભારતની આ સફળતાઓમાં દુનિયા પોતાનું એક નવું ભવિષ્ય જુએ છે. એટલે કે, ઐતિહાસિક સફળતાઓ એ હોય છે જે સમગ્ર માનવજાતના વિકાસ માટેનાં પગથિયાં બની જાય છે. આ જ સબકા પ્રયાસની ભાવનાની અસલી તાકાત છે.
સાથીઓ,
આજે તમે જે સમયગાળામાં છો તેની એક બીજી ખાસ વાત પણ છે. આજે દેશમાં યુવાનો માટે જેટલી નવી તકો છે એ અભૂતપૂર્વ છે. આજે દેશ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવાં અભિયાનો ચલાવી રહ્યો છે. અંતરિક્ષ ક્ષેત્રથી લઈને પર્યાવરણ અને આબોહવાથી લઈને તેની સાથે જોડાયેલા પડકારો સુધી, ભારત આજે સમગ્ર વિશ્વનાં ભવિષ્ય માટે કામ કરી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી જેવાં ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં દેશ મોખરે છે. દેશે રમતગમત અને સર્જનાત્મકતા માટે પણ એક સારી ઇકોસિસ્ટમ તૈયાર કરી ચૂક્યો છે. તમારે તેનો ભાગ બનવું પડશે. તમારે નહીં દેખાતી શક્યતાઓ શોધવી પડશે, ન સ્પર્શાયેલા વિસ્તારોનું અન્વેષણ કરવું પડશે અને અકલ્પનીય ઉકેલો શોધવાના છે.
સાથીઓ,
ભવિષ્યનાં મોટાં લક્ષ્યો અને મોટા સંકલ્પો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ સાથે સાથે આપણે વર્તમાનની નાની-મોટી પ્રાથમિકતાઓને પણ એટલું જ મહત્વ આપવું પડશે. એટલા માટે હું તમને બધાને આગ્રહ કરીશ કે, દેશમાં થઈ રહેલાં દરેક પરિવર્તનથી તમે વાકેફ રહો. દેશમાં જે નવાં અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે તેમાં તમારે ભાગ લેવો જોઈએ. 'સ્વચ્છ ભારત અભિયાન'નું ઉદાહરણ આપણી સામે છે. તમે યુવાનોએ તેને તમારાં જીવનનું મિશન બનાવવું જોઈએ. તમારામાં સર્જનાત્મકતા પણ છે અને જોશ પણ છે. તમે સંકલ્પ લઈ શકો છો કે અમે અમારા મિત્રોની એક ટીમ બનાવીને અમારા મહોલ્લાને, ગામ-શહેર-કસ્બાને સ્વચ્છ બનાવવાનું કામ સતત કરતા રહીશું. જ્યારે તમે સ્વચ્છતા માટે બહાર નીકળશો, ત્યારે મોટા લોકો પર તેની વધુ અસર પડશે. એ જ રીતે અમૃત મહોત્સવમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે જોડાયેલું ઓછામાં ઓછું એક પુસ્તક વાંચવાનો સંકલ્પ તમારે અવશ્ય લેવો જોઈએ. તમારામાંથી ઘણા લોકો કવિતા અને વાર્તાઓ લખશે, વ્લોગિંગ જેવી બાબતોમાં પણ રસ ધરાવતા હશો. સ્વાતંત્ર્ય સંગ્રામ અને કોઇ સ્વાતંત્ર્ય સેનાનીનાં જીવન પર આવું કોઇ સર્જનાત્મક કાર્ય કરો. તમે તમારી શાળાને આ વિષય પર કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજવા માટે પણ કહી શકો છો. આપ સૌના જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરો પણ બનાવવામાં આવી રહ્યાં છે. તમે તમારા પડોશનાં અમૃત સરોવરમાં તમારા મિત્રો સાથે મળીને ઘણું યોગદાન આપી શકો છો. જેમ કે અમૃત સરોવર પાસે વૃક્ષારોપણ કરી શકાય છે. તેની જાળવણી અંગે લોકોને જાગૃત કરવા માટે તમે રેલી કાઢી શકો છો. દેશમાં ચાલી રહેલાં ફિટ ઇન્ડિયા આંદોલન વિશે પણ તમે સાંભળ્યું જ હશે. યુવાનો માટે આ ખૂબ જ આકર્ષક અભિયાન છે. તેમાં તમે જાતે તો જોડાવ જ, સાથે તમારા પરિવારના સભ્યોને પણ જરૂરથી જોડો. તમારાં ઘરમાં રોજ સવારે થોડા સમય માટે સાથે મળીને બધા લોકો યોગ કરે, તમે ઘરે જ આ સંસ્કૃતિની શરૂઆત કરી શકો છો. તમે સાંભળ્યું જ હશે, આ વર્ષે આપણું ભારત જી-20ની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. ભારત માટે આ એક મોટી તક છે. તમે એના વિશે પણ જરૂરથી વાંચો. શાળા અને કૉલેજમાં પણ તેની ચર્ચા કરો.
સાથીઓ,
હાલ દેશ પોતાના ‘વારસાનું ગૌરવ' અને 'ગુલામીની માનસિકતાથી મુક્તિ'ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. આ સંકલ્પો પણ દેશના યુવાનો માટે એક જવાબદારી છે. ભવિષ્ય માટે આપણા વારસાને જાળવવાની અને તેનું જતન કરવાની જવાબદારી તમારી છે. તમે આ કામ ત્યારે જ કરી શકશો જ્યારે તમે દેશની ધરોહરને જાણશો અને સમજશો. મારું સૂચન છે કે જ્યારે તમે ફરવા જાવ, ત્યારે તમારે હૅરિટેજ સાઇટ્સની પણ મુલાકાત લેવી જ જોઇએ. તેને જુઓ, તેને જાણો. તમે યુવાન છો, તમારા માટે તે ભવિષ્યનાં વિઝનનાં નિર્માણનો સમય છે. તમે નવા વિચારોના, નવા માપદંડોના સર્જક છો. તમે એ લોકો છો જે નવા ભારત માટે નવા માર્ગોનું નિર્માણ કરી રહ્યા છો. મને વિશ્વાસ છે કે તમે હંમેશાની જેમ દેશની અપેક્ષાઓ અને દેશની આકાંક્ષાઓ પર ખરા ઉતરશો. આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ.