નમસ્કાર, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઇ, રાજ્ય સરકારના મંત્રીઓ, IFSCAના ચેરમેન કે. રાજારામણજી, દુનિયાની આદરણીય નાણાકીય સંસ્થાઓ અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, બહેનો અને સજ્જનો,
ઇન્ફિનિટી ફોરમના બીજા સંસ્કરણમાં આપ સૌને અભિનંદન. મને યાદ છે કે, જ્યારે ડિસેમ્બર 2021માં આપણે પ્રથમ ઇન્ફિનિટી ફોરમ દરમિયાન મળ્યા હતા, ત્યારે મહામારીને કારણે દુનિયામાં કેટલી અનિશ્ચિતતા પ્રવર્તેલી હતી. દરેક વ્યક્તિ વૈશ્વિક આર્થિક વૃદ્ધિને અંગે ચિંતિત હતા. અને આ ચિંતાનો આજે પણ અંત આવ્યો નથી. ભૌગોલિક રાજકીય તણાવો, ઉચ્ચ મોંઘવારી અને દેવાના સ્તરની મુશ્કેલીઓ વિશે આપ સૌ સારી રીતે જાણો જ છો.
આવા સમયમાં, ભારત લવચિકતા અને પ્રગતિના એક ઉજ્જવળ દૃષ્ટાંત તરીકે ઉભરી આવ્યું છે. આવા મહત્વના સમયગાળામાં ગિફ્ટ સિટીમાં 21મી સદીની આર્થિક નીતિઓ પર મંથન થાય તેનાથી ગુજરાતને ગૌરવ મળવાનું છે. આમ તો, આજે હું ગુજરાતની જનતાને બીજી એક વાત માટે અભિનંદન આપીશ. તાજેતરમાં જ, ગુજરાતના પરંપરાગત નૃત્ય ગરબાને યુનેસ્કો દ્વારા સાકાર સાંસ્કૃતિક વારસામાં સામેલ કરવામાં આવ્યા છે. આ પોતાની રીતે એક ઘણી મોટી સિદ્ધિ છે. ગુજરાતની સફળતા એ દેશની સફળતા છે.
મિત્રો,
આજે ભારતની વિકાસગાથાએ વિશ્વને બતાવી દીધું છે કે, જ્યારે નીતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે, જ્યારે સુશાસન માટે પૂરેપૂરી તાકાત કામે લગાડી દેવામાં આવે છે, જ્યારે દેશ અને દેશના લોકોનું હિત જ આર્થિક નીતિઓનો આધાર બની જાય છે ત્યારે કેવા પરિણામો પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થતંત્ર આ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં 7.7 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં IMFએ કહ્યું હતું કે 2023માં સોળ ટકા વૈશ્વિક વૃદ્ધિ ભારતને કારણે જ થશે. અગાઉ જુલાઇ 2023માં, વિશ્વ બેંકે કહ્યું હતું કે, વૈશ્વિક પડકારો વચ્ચે ભારત અને તેની અર્થવ્યવસ્થા પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવે છે. આ વર્ષે માર્ચમાં, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત ગ્લોબલ સાઉથને નેતૃત્વ પૂરું પાડવા માટે મજબૂત સ્થિતિમાં છે. થોડા મહિના પહેલાં જ વિશ્વ આર્થિક મંચે પણ કહ્યું હતું કે ભારતમાં લાલ ફિતાશાહીમાં ઘટાડો થયો છે અને રોકાણ માટેનો સારો માહોલ ઊભો થયો છે.
આજે સમગ્ર દુનિયા ભારત પાસેથી અપેક્ષા રાખીને બેઠી છે. અને આ બધું એમ જ નથી થઇ ગયું. આ ભારતની મજબૂત બની રહેલી અર્થવ્યવસ્થા અને છેલ્લાં 10 વર્ષમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓનું પ્રતિબિંબ છે. આ સુધારાઓએ દેશનો આર્થિક પાયો મજબૂત બનાવ્યો છે. મહામારી દરમિયાન, જ્યારે મોટાભાગના દેશો માત્ર આર્થિક અને નાણાકીય રાહત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, ત્યારે અમે લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક સામર્થ્યના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
મિત્રો,
અમારા સુધારાનું એક મહત્વપૂર્ણ લક્ષ્ય વૈશ્વિક અર્થતંત્ર સાથે એકીકરણ વધારવાનું છે. અમે ઘણા ક્ષેત્રોમાં FDI નીતિને લવચિક બનાવી છે, અમે અનુપાલનના ભારણમાં ઘટાડો કર્યો છે, અમે 3 FTA પર હસ્તાક્ષર કર્યા છે અને આજે પણ અમે ઘણા મહત્વપૂર્ણ પગલાં લઇ રહ્યા છીએ. આ ગિફ્ટ IFSCA એ ભારતીય નાણાકીય બજારોને વૈશ્વિક નાણાકીય બજારો સાથે એકીકૃત માટેના અમારા મોટા સુધારાઓનો જ એક ભાગ છે. ગિફ્ટ સિટીની પરિકલ્પના એક ગતિશીલ ઇકો-સિસ્ટમ તરીકે કરવામાં આવી છે જે આંતરરાષ્ટ્રીય આર્થિક પરિદૃશ્યને ફરીથી પરિભાષિત કરશે. તે આવિષ્કાર, કાર્યક્ષમતા અને વૈશ્વિક સહયોગના નવા ધોરણો સ્થાપિત કરશે. 2020માં એકીકૃત નિયમનકાર તરીકે આંતરરાષ્ટ્રીય આર્થિક સેવા કેન્દ્ર સત્તામંડળની સ્થાપના કરવામાં આવી હતી જે આ સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આર્થિક ઉથલપાથલના આ મુશ્કેલી ભર્યા સમયમાં પણ, IFSCA એ 27 નિયમનો અને 10થી વધુ ફ્રેમવર્ક તૈયાર કર્યા છે. તેનાથી રોકાણના નવા માર્ગો પણ ખુલ્યા છે.
તમને જાણીને આનંદ થશે કે તમે ઇન્ફિનિટી ફોરમના પ્રથમ સંસ્કરણ આપેલા સૂચનોના આધારે ઘણી પહેલ શરૂ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, એપ્રિલ 2022માં, IFSCA એ ફંડ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે એક વ્યાપક માળખાની રચના કરવાનું સૂચિત કર્યું હતું. આજે IFSCA સાથે નોંધાણી થયેલી 80 ફંડ મેનેજમેન્ટ સંસ્થાઓ છે, જેમની પાસે 24 અબજ અમેરિકી ડૉલર કરતાં વધુ મૂલ્યના ફંડ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ બે અગ્રણી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓને 2024થી ગિફ્ટ IFSCમાં તેમના અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી મેળવી છે. એરક્રાફ્ટ લીઝિંગ માટેનું માળખું IFSCA દ્વારા મે 2022માં બહાર પાડવામાં આવ્યું હતું, આજે 26 એકમોએ IFSCA સાથે કામગીરી શરૂ કરી દીધી છે.
મિત્રો,
પ્રથમ સંસ્કરણને મળેલી જબરદસ્ત સફળતા પછી અને તમારા સૂચનો પર આટલું કામ કરવામાં આવ્યું છે તે પછી, હવે સવાલ એ છે કે આગળ શું? શું ગિફ્ટ IFSCAનો અવકાશ આટલો જ રહેશે? તો મારો જવાબ હશે, ના. સરકાર ગિફ્ટ IFSCAને પરંપરાગત ફાઇનાન્સ અને સાહસોથી આગળના સ્તરે લઇ જવા લેવા માંગે છે. અમે ગિફ્ટ સિટીને નવા જમાનાની વૈશ્વિક નાણાકીય અને તકનીકી સેવાઓનું વૈશ્વિક ચેતા કેન્દ્ર બનાવવા માંગીએ છીએ. મને પૂરો વિશ્વાસ છે કે ગિફ્ટ સિટીના ઉત્પાદનો અને સેવાઓ વિશ્વની સમક્ષ રહેલા પડકારોનો ઉકેલ લાવવામાં મદદ કરશે. અને આપ સૌ હિતધારકોની આમાં ઘણી મોટી ભૂમિકા છે.
મિત્રો,
આજે વિશ્વની સમક્ષ સૌથી મોટા પડકારો પૈકી એક પડકાર છે આબોહવા પરિવર્તનની સમસ્યા. ભારત સમગ્ર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પૈકી એક હોવાને કારણે, આ ચિંતાઓને ઓછી આંકતું નથી, આ બાબતે અમે ખૂબ જ સચેત છીએ. થોડા દિવસો પહેલાં COP સંમેલનમાં પણ ભારતે વિશ્વ સમક્ષ નવી પ્રતિબદ્ધતાઓ રજૂ કરી છે. ભારત અને વિશ્વનાં વૈશ્વિક લક્ષ્યોને હાંસલ કરવા માટે, આપણે સસ્તા ફાઇનાન્સની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી પડશે.
G-20ની અધ્યક્ષતા દરમિયાન અમારી પ્રાથમિકતાઓમાંની એક એ હતી કે વૈશ્વિક વૃદ્ધિ અને સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે ટકાઉક્ષમ ફાઇનાન્સની જરૂરિયાતને દરેક વ્યક્તિ સમજી શકે. આનાથી હરિયાળા, સ્થિતિસ્થાપક અને સમાવેશી સમાજો અને અર્થતંત્રો તરફના સ્થાનાંતરણને પ્રોત્સાહન મળશે. કેટલાક અનુમાન મુજબ, ભારતને 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય પ્રાપ્ત હાંસલ કરવા માટે ઓછામાં ઓછા 10 ટ્રિલિયન અમેરિકી ડૉલરની પણ જરૂર પડશે. આ રોકાણની ચોક્કસ રકમ વૈશ્વિક સ્રોતો દ્વારા પણ ફાઇનાન્સ કરવાની રહેશે. તેથી, અમે IFSC ને ટકાઉક્ષમ ફાઇનાન્સનું વૈશ્વિક કેન્દ્ર પણ બનાવવા માંગીએ છીએ.
ભારતને એક લો કાર્બન અર્થતંત્ર બનાવવા માટે જરૂરી હરિત મૂડી પ્રવાહ માટે ગિફ્ટ IFSC એક કાર્યક્ષમ ચેનલ છે. હરિત બોન્ડ્સ, ટકાઉક્ષમ બોન્ડ્સ, ટકાઉક્ષમતા સાથે સંકળાયેલા બોન્ડ્સ જેવા નાણાકીય ઉત્પાદનોનો વિકાસ થવાથી, સમગ્ર વિશ્વનો માર્ગ સરળ બની જશે. તમે જાણો છો કે COP28માં ભારતે ગ્રહ તરફી પહેલ તરીકે 'વૈશ્વિક હરિત ઋણ પહેલ'ની જાહેરાત કરી છે. હું ઇચ્છું છું કે અહીં ઉપસ્થિત તમામ અનુભવી લોકો હરિત ઋણ માટેનું બજાર વ્યવસ્થાતંત્ર વિકસાવવા અંગે પોતાના વિચારો જરૂરથી રજૂ કરે.
મિત્રો,
ભારત આજે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા ફિનટેક બજારો પૈકી એક છે. ફિનટેકમાં ભારતની તાકાત ગિફ્ટ IFSCની દૂરંદેશી સાથે જોડાયેલી છે, જેના કારણે આ જગ્યા ફિનટેકનું ઉભરતું કેન્દ્ર બની રહી છે. 2022માં, IFSCA એ ફિનટેક માટે પ્રગતિશીલ નિયમનકારી માળખું બહાર પાડ્યું હતું. આવિષ્કાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે, IFSCA પાસે ફિનટેક પહેલ યોજના પણ છે, જે ભારતીય અને વિદેશી ફિનટેકને અનુદાન પૂરું પાડે છે. ગિફ્ટ સિટીમાં દુનિયા માટે વૈશ્વિક ફિનટેક વર્લ્ડનું પ્રવેશદ્વાર બનવાનું અને ફિનટેક લેબોરેટરી બનવાનું સામર્થ્ય છે. હું આપ સૌને આગ્રહપૂર્વક તેનો મહત્તમ લાભ ઉઠાવવાનો અનુરોધ કરું છું.
મિત્રો,
ગિફ્ટ-IFSCની સ્થાપના કરવામાં આવી તેના થોડાં વર્ષોમાં, જે રીતે વૈશ્વિક મૂડીના પ્રવાહ માટે તે એક અગ્રણી પ્રવેશદ્વાર બની ગયું છે તે પોતાની રીતે એક અભ્યાસનો વિષય છે. ગિફ્ટ સિટીએ એક અનોખી ‘ટ્રાઇ-સિટી’ પરિકલ્પના વિકસાવી છે. ઐતિહાસિક શહેર અમદાવાદ અને પાટનગર ગાંધીનગર વચ્ચે સ્થિત, ગિફ્ટ સિટીની કનેક્ટિવિટી અસાધારણ છે. ગિફ્ટ IFSCનું અદ્યતન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક એવો મંચ પૂરો પાડે છે જે વ્યવસાયોની ગતિ અને કાર્યક્ષમતા વધારે છે. તેની વૈશ્વિક કનેક્ટિવિટી વિશે તમે સારી રીતે જાણો છો. ગિફ્ટ IFSC એક એવા મેનેજમેન્ટ તરીકે ઉભરી આવ્યું છે જે નાણાકીય અને તકનીકી વિશ્વના સૌથી મોટા નિષ્ણાતોને આકર્ષે છે.
આજે IFSCમાં, 580 કાર્યરત સંસ્થાઓ છે. આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ સહિત 3 એક્સચેન્જો, 9 વિદેશી બેંકો સહિત 25 બેંકો, 29 વીમા સંસ્થાઓ, 2 વિદેશી યુનિવર્સિટીઓ, તેમજ સલાહકાર કંપનીઓ, કાનુની સવા આપતી કંપનીએ, CAની પેઢીઓ સહિત 50 કરતાં વધુ વ્યાવસાયિક સેવાઓ પ્રદાતાઓનો તેમાં સમાવેશ થાય છે. મને વિશ્વાસ છે કે, આવનારાં કેટલાંક વર્ષોમાં ગિફ્ટ સિટી વિશ્વના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાંનું એક બની જશે.
મિત્રો,
ભારત એક એવો દેશ છે જ્યાં લોકશાહી મૂલ્યો ખૂબ જ ઊંડા છે અને વેપાર તેમજ વાણિજ્યની ઐતિહાસિક પરંપરા છે. ભારતમાં દરેક રોકાણકાર અથવા કંપની માટે તકોની સૌથી વધુ વૈવિધ્યસભર શ્રેણી ઉપસ્થિતમાં છે. ગિફ્ટ સંબંધિત અમારી દૂરંદેશી ભારતની વૃદ્ધિની ગાથા સાથે જોડાયેલી છે. હું તમારી સમક્ષ કેટલાક ઉદાહરણો રજૂ કરું. આજે દરરોજ 4 લાખ હવાઇ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. 2014માં અમારે ત્યાં દેશમાં મુસાફરોનું વહન કરતા વિમાનોની સંખ્યા 400 હતી જે આજે વધીને 700 કરતાં વધારે થઇ ગઇ છે. છેલ્લાં 9 વર્ષમાં ભારતમાં વિમાનોની સંખ્યા બમણી થઇ ગઇ છે. અમારી એરલાઇન્સ આગામી વર્ષોમાં લગભગ 1000 વિમાનો ખરીદવા જઇ રહી છે.
આવી પરિસ્થિઓમાં ગિફ્ટ સિટી દ્વારા વિમાનો ભાડાપટ્ટે લેનારાઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ ખૂબ જ નોંધપાત્ર છે. ભારતમાં, જળમાર્ગો દ્વારા માલસામાનના આવાગમનમાં વધારો થઇ રહ્યો છે, જહાજોની સંખ્યા પણ વધારો થઇ રહ્યો છે. IFSCAનું શિપ લીઝિંગ ફ્રેમવર્ક આ વલણનો સંપૂર્ણ લાભ લેવાની તક પૂરી પાડે છે. તેવી જ રીતે, ભારતની મજબૂત IT પ્રતિભા, ડેટા સંરક્ષણ કાયદા અને ગિફ્ટની ડેટા એમ્બેસી પહેલ તમામ દેશો અને વ્યવસાયોને ડિજિટલ કનેક્ટિવિટી માટે સુરક્ષિત સુલભતા પૂરી પાડે છે. ભારતની યુવા પ્રતિભાને કારણે અમે તમામ મોટી કંપનીઓના વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોનો આધાર બની ગયા છીએ.
મિત્રો,
આગામી થોડાં વર્ષોમાં ભારત સમગ્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે. મૂડી અને ડિજિટલ તકનીકોના નવા સ્વરૂપો તેમજ નવા જમાનાની નાણાકીય સેવાઓ આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેના કાર્યક્ષમ નિયમનો, ઉપયોગ માટે તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિરાટ ભારતીય અંતરિયાળ અર્થતંત્ર સુધીની પહોંચ, પરિચાલનમાં લાભદાયી ખર્ચ અને પ્રતિભાના લાભના કારણે, ગિફ્ટ સિટી એવી તકો ઊભી કરી રહી છે જેની સાથે કોઇની સરખામણી થઇ શકે નહીં.
આવો, આપણે ગિફ્ટ IFSC સાથે મળીને વૈશ્વિક સપનાંઓને સાકાર કરવાની દિશામાં આગેકૂચ કરીએ. ટૂંક સમયમાં જ વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર સંમેલનનું આયોજન પણ થવા જઇ રહ્યું છે. હું તેના માટે પણ તમામ રોકાણકારોને આમંત્રિત કરું છું અને તમારા આ પ્રયાસો બદલ તમને અનેક અનેક શુભેચ્છા પાઠવું છું. આવો, આપણે સાથે મળીને દુનિયાની ગંભીર સમસ્યાઓના ઉકેલો શોધવા માટે આવિષ્કારી વિચારોનું અન્વેષણ કરીએ અને તેને આગળ વધારીએ.
ખૂબ ખૂબ આભાર.