મધ્ય પ્રદેશના રાજયપાલ અને મારા ખૂબ જૂના પરિચિત શ્રી મંગુભાઈ પટેલ કે જેમણે પોતાનું સમગ્ર જીવન આદિવાસીઓના કલ્યાણ માટે અને જનજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે વિતાવી દીધુ છે એવા મધ્ય પ્રદેશના રાજયપાલ શ્રીમાન મંગુભાઈ, મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ સિંહ, રાજય સરકારના અન્ય તમામ મંત્રીગણ, સંસદગણ, ધારાસભ્ય સાથીઓ, અને મધ્ય પ્રદેશના અલગ અલગ ભાગમાંથી જોડાયેલા મારા તમામ બહેનો અને ભાઈઓ!
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ થઈ રહેલા અન્ન વિતરણ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે મધ્ય પ્રદેશમાં આશરે પાંચ કરોડ લાભાર્થીઓને એક સાથે આ યોજના પહોંચાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એક- સવા વર્ષ પહેલાં કોરોના જ્યારે શરૂ થયો ત્યારથી દેશમાં 80 કરોડથી વધુ ગરીબોના ઘરમાં મફત અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ મને ક્યારેય ગરીબોની વચ્ચે જઈને, તેમની સાથે બેસીને વાત કરવાની તક મળી ન હતી. આજે મધ્ય પ્રદેશ સરકારે મને આપ સૌના દર્શન કરવાની તક આપી છે. આજે હું દૂરથી પણ મારા ગરીબ ભાઈ બહેનોનાં દર્શન કરી રહ્યો છું, તેમના આશીર્વાદ મેળવી રહ્યો છું અને તેને કારણે મને ગરીબો માટે કશુંક ને કશુંક કરવાની તાકાત મળી રહે છે. તમારા આશીર્વાદથી મને ઉર્જા મળે છે. આ માટે કાર્યક્રમ તો ભલે એક સવા વર્ષથી ચાલી રહ્યો હોય, પણ આજે તમારા દર્શન કરવાની મને તક મળી છે. હમણાં હું આપણા મધ્ય પ્રદેશના કેટલાક ભાઈઓ- બહેનો સાથે વાત કરતો હતો કે આજે આ સંકટના સમયમાં સરકાર પાસેથી જે મફત અનાજ મળે છે તે દરેક પરિવાર માટે મોટી રાહત બનીને આવ્યું છે. તેમની વાતોમાં એક સંતોષ વર્તાતો હતો, વિશ્વાસ નજરે પડી રહ્યો હતો. જો કે એ બાબત દુઃખદ છે કે આજે મધ્ય પ્રદેશના અનેક જીલ્લાઓમાં પૂર અને વરસાદની સ્થિતિ ઉભી થયેલી છે. અનેક સાથીઓના જીવન અને આજીવિકા બંનેને અસર થઈ છે. મુશ્કેલીના આ સમયમાં ભારત સરકાર અને સમગ્ર દેશ મધ્ય પ્રદેશની પડખે ઉભી છે. શિવરાજજી અને તેમની સમગ્ર ટીમ જાતે જ જે તે સ્થળે જઈને રાહત અને બચાવની કામગીરીમાં ઝડપ લાવી રહ્યા છે. એનડીઆરએફ હોય, કેન્દ્રિય દળો હોય કે પછી આપણા વાયુદળના જવાનો હોય, દરેક પ્રકારની મદદ , આ સ્થિતિ સાથે કામ પાર પાડવા માટે રાજ્ય સરકારને જે કાંઈ પણ જરૂર હશે તે તમામ સહાય ઉપલબ્ધ કરવામાં આવશે.
ભાઈઓ અને બહેનો,
આફત કોઈ પણ હોય, તેની અસર ઘણી વ્યાપક રહેતી હોય છે. દૂરગામી હોય છે. કોરોના સ્વરૂપે સમગ્ર માનવ જાત ઉપર સો વર્ષની સૌથી મોટી આફત આવી પડી છે. ગયા વર્ષની શરૂઆતમાં જ્યારે દુનિયાના કોઈપણ દેશે આવી મુસીબત જોઈ ન હતી. ગયા વર્ષની શરૂઆતમાં જયારે કોરોનાનુ સંક્રમણ ફેલાવાની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની આરોગ્યની સુવિધાઓ તરફ ગયુ હતું. તમામે તમામ લોકો પોતાની આરોગ્ય સેવાઓને સશક્ત બનાવવાની કામગીરીમાં લાગી ગયા હતા, પણ આટલી મોટી વસતી ધરાવતા આપણા ભારતમાં તો આ પડકારને બાકીની દુનિયાથી ઘણો મોટો માનવામાં આવી રહ્યો હતો, કારણ કે આપણી વસતી પણ ઘણી મોટી છે. આપણે કોરોનાથી બચવા માટે અને તેના ઈલાજ માટે તબીબી માળખાકીય સુવિધાઓ તો તૈયાર કરવાની જ હતી અને આ સંકટને કારણે પેદા થયેલી અન્ય મુશ્કેલીઓ પણ દૂર કરવાની હતી. કોરોનાથી બચવા માટે સમગ્ર દુનિયામાં કામ રોકી દેવામાં આવ્યું, આવવા- જવા ઉપર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા. આ ઉપાયને કારણે ભારત સામે અનેક સંકટ ઉભા થવાનાં જ હતાં. આ સંકટો વચ્ચે પણ ભારતે, આપણે સૌએ એક સાથે મળીને કામ કર્યુ. આપણે કરોડો લોકો સુધી રેશન પહોંચાડવાનું હતું કે જેથી ભૂખમરાની સ્થિતિ ઉભી થાય નહી. આપણાં ઘણાં બધા સાથીઓ કામ કરવા માટે ગામડેથી શહેરમાં આવે છે. આપણે તેમના માટે ખાવા-પીવાની અને રોકાવા માટેની વ્યવસ્થા પણ કરવાની હતી. અને ગામમાં પાછા ફર્યા પછી તેમના માટે રોજગારીની વ્યવસ્થા પણ કરવાની હતી. આ બધી સમસ્યાઓ એક સાથે ભારતના દરેક ખૂણામાં આપણી સામે હતી. તેમણે બાકીની દુનિયાની સરખામણીમાં ભારતની લડાઈને, અને ભારતની સામે ઉભા થયેલા પડકારોને અનેક ગણા વધારે પડકારજનક બનાવી દીધા હતા.
પરંતુ સાથીઓ,
પડકાર ગમે તેટલો મોટો કેમ ના હોય, જ્યારે દેશ સંગઠીત થઈને તેનો સામનો કરે છે તો રસ્તા મળી જ આવે છે. સમસ્યાનો ઉકેલ પણ મળી આવે છે. કોરોનાથી ઉભા થયેલા સંકટ સામે કામ પાર પાડવા માટે, ભારતે પોતાની નીતિમાં ગરીબોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હોય કે પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજના હોય, પ્રથમ દિવસથી જ ગરીબો માટે ભોજન અને રોજગારીની ચિંતા કરવામાં આવી. આ સમગ્ર ગાળા દરમિયાન 80 કરોડથી વધુ દેશવાસીઓને મફત અનાજ પહોંચાડવામાં આવ્યુ. માત્ર ઘઉં, ચોખા અને દાળ જ નહી, પણ લૉકડાઉન દરમિયાન આપણા 8 કરોડથી વધુ ગરીબ પરિવારોને ગેસ સિલિન્ડર પણ મફત પહોંચાડવામાં આવ્યા. 80 કરોડ લોકોને અનાજ અને 8 કરોડ લોકોને ગેસ પણ આપ્યો. અને આટલુ જ નહીં, આશરે 20 કરોડથી વધુ બહેનોના જનધન બેંક ખાતામાં 30 હજાર કરોડ રૂપિયા સીધા રોકડા જમા કરાવવામાં આવ્યા. શ્રમિકો અને ખેડૂતોના બેંકના ખાતામાં પણ હજારો કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. હમણાં બે દિવસ પછી 9 ઓગસ્ટના રોજ આશરે 10 થી 11 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં ફરીથી હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર થવાના છે.
સાથીઓ,
આ બધી વ્યવસ્થાઓની સાથે-સાથે ભારતે મેઈડ ઈન ઈન્ડીયા રસી પર પણ ખૂબ જોર લગાવ્યુ અને આ કારણે જ ભારતની પાસે તેની પોતાની રસી છે. આ રસી અસરકારક પણ છે, સુરક્ષિત પણ છે. હજુ ગઈ કાલે જ ભારતે રસીના 50 કરોડ ડોઝ લગાડવાની મહત્વની કામગીરી પૂરી કરી છે. દુનિયામાં એવા અનેક દેશ છે કે જેની કુલ વસતિ કરતાં પણ વધુ રસી ભારતે એક સપ્તાહમાં લગાવી રહ્યું છે. આ નૂતન ભારતના, આત્મનિર્ભર બનતા ભારતનું નવુ સામર્થ્ય છે. ક્યારેક આપણે બાકીની દુનિયાથી પાછળ પડી જતા હતા. આજે આપણે દુનિયાથી અનેક કદમ આગળ છીએ. આવનારા દિવસોમાં આપણે રસીકરણની આ ગતિને બાકીની દુનિયાથી વધુ ઝડપી બનાવવાની છે.
સાથીઓ,
કોરોનાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ભારત આજે જેટલા મોરચા ઉપર એક સાથે કામ પાર પાડી રહ્યું છે, તે આપણા દેશનું સામર્થ્ય બતાવે છે. આજે બીજા રાજ્યોમાં કામ કરી રહેલા શ્રમિકોની સગવડ માટે વન નેશન, વન રેશન કાર્ડની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. મોટા શહેરના શ્રમિકોએ ઝૂંપડાંમાં ના રહેવુ પડે તે માટે વાજબી ભાડાની યોજના લાગુ કરી દેવામાં આવી છે. આપણા લારી-ફેરી કરતા કે ઠેલા ચલાવનારા ભાઈ બહેનો, આપણા આ સાથીઓ ફરીથી કામ શરૂ કરી શકે તે માટે પીએમ સ્વનિધી યોજના હેઠળ તેમને બેંકમાંથી સસ્તુ અને આસાન ધિરાણ પૂરૂ પાડવામાં આવી રહ્યુ છે. આપણું બાંધકામ ક્ષેત્ર, આપણી માળખાકીય સુવિધાઓનું ક્ષેત્ર રોજગારીનુ એક ખૂબ મોટુ માધ્યમ છે. એટલા માટે દેશમાં માળખાકીય સુવિધાઓના પ્રોજેકટ ઉપર ઝડપથી લગાતાર કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
રોજગારી ઉપર દુનિયાભરમાં આવી પડેલા સંકટના સમયમાં એ બાબતનો સતત ખ્યાલ રાખવામાં આવ્યો છે કે ભારતમાં ઓછામાં ઓછુ નુકશાન થાય અને એ માટે વિતેલા વર્ષમાં ઘણાં કદમ ઉઠાવવામાં આવ્યાં છે અને સતત ઉઠાવવામાં આવી રહ્યાં છે. નાના, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને પોતાનું કામ ચાલુ રાખવા માટે લાખો કરોડો રૂપિયાની રકમ ઉપલબ્ધ કરવામાં આવી છે. સરકારે એ બાબતનું પણ ધ્યાન રાખ્યુ છે કે ખેતી અને તેની સાથે જોડાયેલાં કામો સારી રીતે ચાલતાં રહે. આપણે ખેડૂતોને મદદ પહોંચાડવા માટે નવા નવા ઉપાયો શોધી કાઢયા છે. મધ્ય પ્રદેશે આ બાબતે પ્રશંસાજનક કામગીરી બજાવી છે. મધ્ય પ્રદેશના ખેડૂતોએ વિક્રમ પ્રમાણમાં ઉત્પાદન પણ કર્યું છે, તો સરકારે વિક્રમ પ્રમાણમાં લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી થાય તે પણ સુનિશ્ચિત કર્યુ છે. મને કહેવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશમાં આ વર્ષે ઘઉંની ખરીદી માટે સૌથી વધુ ખરીદ કેન્દ્રો ઉભાં કરવામાં આવ્યાં હતાં. મધ્ય પ્રદેશે તેના 17 લાખથી વધુ ખેડૂતો માટે ઘઉં ખરીદ્યા છે અને તેમના સુધી રૂપિયા 25 કરોડથી વધુ રકમ પહોંચાડી છે.
ભાઈઓ અને બહેનો,
ડબલ એંજિન સરકારનો સૌથી મોટો લાભ એ છે કે કેન્દ્ર સરકારની યોજનાઓની રાજય સરકાર વધુ સારી રીતે સંભાળ લે છે. તેની શક્તિમાં વધારો કરે છે. મધ્ય પ્રદેશના યુવાનોમાં કૌશલ્યનો વિકાસ થાય તે માટે, આરોગ્યની માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની હોય કે, ડિજિટલ માળખાકીય સુવિધા હોય, રેલવે અને રોડની કનેક્ટિવિટીની કામગીરી હોય, તમામ યોજનાઓની કામગીરી ઝડપી ગતિથી ચાલી રહી છે. શિવરાજજીના નેતૃત્વમાં મધ્ય પ્રદેશે બિમારૂ રાજ્ય તરીકેની ઓળખને ઘણી પાછળ છોડી દીધી છે. મને યાદ છે કે મધ્ય પ્રદેશની સડકોની હાલત કેવી થતી હતી, અહીંથી કેટલા મોટા ગોટાળા થયાના સમાચાર આવતા હતા. આજે મધ્ય પ્રદેશના શહેરો સ્વચ્છતા અને વિકાસના નવા માપદંડ ઘડી રહ્યા છે.
ભાઈઓ અને બહેનો,
આજે જો સરકારની યોજનાઓ જમીન પર ઝડપથી પહોંચી રહી છે, લાગુ થઈ રહી છે તો તેની પાછળ સરકારની કામગીરીમાં આવેલું પરિવર્તન છે. અગાઉની સરકારી વ્યવસ્થામાં એક વિકૃતિ હતી. તે ગરીબ બાબતે સવાલ પણ પૂછતા હતા અને જવાબ પણ જાતે જ આપતા હતા. જેમના સુધી લાભ પહોંચાડવાનો હોય તે અંગે પહેલા વિચારવામાં પણ આવતું ન હતું. કેટલાક લોકો એવું વિચારતા હતા કે ગરીબોને સડકોની શું જરૂર છે, તેમને તો પહેલા રોટી જ જોઈએ. કેટલાક લોકો એવું પણ કહેતા હતા કે ગરીબોને ગેસની શું જરૂર છે, ખાવાનું તો લાકડાના ચૂલા પર પણ બની જશે. એક વિચાર એવો પણ ચાલતો હતો કે જેમની પાસે મૂકવા માટે પૈસા જ નથી તો તેમને બેંક ખાતાની શું જરૂર છે? બેંકના ખાતાઓ પાછળ શા માટે લાગી પડ્યા છો? પ્રશ્ન એવો પણ કરવામાં આવતો હતો કે જો ગરીબને ધિરાણ આપવામાં આવશે તો તેની ચૂકવણી કેવી રીતે કરશે? દાયકાઓ સુધી આવા સવાલો કરીને ગરીબોને સગવડોથી દૂર રાખવામાં આવ્યા હતા. એક રીતે કહીએ તો આ બાબત કશું નહીં કરવા માટેનું બહાનું બની ગઈ હતી. ગરીબ સુધી ના સડક પહોંચી કે ગરીબને ના ગેસ મળ્યો, ના ગરીબને વિજળી મળી કે ગરીબને રહેવા માટે ઘર પણ ના મળ્યું. ગરીબ માટે બેંક ખાતા ખૂલ્યા નહીં કે ગરીબ સુધી પાણી પણ પહોંચ્યું નહીં. આનું પરિણામ એ આવ્યું કે ગરીબો મૂળભૂત સુવિધાઓથી દાયકાઓ સુધી વંચિત રહ્યા અને નાની નાની જરૂરિયાતો માટે ગરીબો દિવસો સુધી સંઘર્ષ કરતા રહ્યા. હવે આપણે આને શું કહીશું? મોંઢેથી તો આ લોકો દિવસમાં 100 વખત ગરીબ શબ્દ બોલતા હતા. ગરીબો માટે ગાણાં ગાતા હતા. ગરીબોના ગીત ગાતા હતા. વ્યવહારમાં તો આવી ચીજોને આપણે ત્યાં પાખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ લોકો સુવિધા તો આપતા જ ન હતા, પણ ગરીબો માટે ખોટી સહાનુભૂતિ ચોક્કસ દર્શાવતા હતા. જમીન પરથી ઉભા થયેલા અમે લોકો તમારી વચ્ચે આવ્યા છીએ અને તમારા સુખ-દુઃખનો નજીકથી અનુભવ કર્યો છે, અમે તમારી વચ્ચેથી જ આગળ આવ્યા છીએ અને એટલા માટે જ તમારા જેવા લોકો સાથે કામ કરવાની પધ્ધતિ અલગ રાખી છે. અમે તો આવી જ વ્યવસ્થાનો માર ઝીલીને મોટા થયા છીએ! એટલા માટે વિતેલા વર્ષોમાં ગરીબને તાકાત પૂરી પાડવા માટે, સાચા અર્થમાં તેમના સશક્તિકરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે દેશના ગામડે ગામડે સડકો બની રહી છે, તેમાંથી નવા રોજગાર ઉભા થઈ રહ્યા છે, બજારો સુધી ખેડૂતોની પહોંચ સુલભ બની છે. બિમારીની સ્થિતિમાં ગરીબ સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે છે. દેશમાં ગરીબોના જે જનધન ખાતા ખોલવામાં આવ્યા છે, અને આ ખાતા ખૂલવાથી ગરીબો બેંકીંગ વ્યવસ્થા સાથે જોડાયા છે. આજે તેમને વચેટિયાઓથી મુક્ત રહીને સીધો લાભ મળી રહ્યો છે, આસાન ધિરાણ મળી રહ્યું છે. પાકુ ઘર, વિજળી, પાણી, ગેસ અને શૌચાલયની સુવિધાથી ગરીબોને સન્માન મળ્યું છે. તેમને આત્મવિશ્વાસ મળ્યો છે. અપમાન અને પીડાથી મુક્તિ આપી છે. આવી રીતે મુદ્રા લોનથી આજે કરોડો રોજગાર ચાલી રહ્યા છે, એટલું જ નહીં, સાથે સાથે અન્ય લોકોને રોજગારી પણ પ્રાપ્ત થઈ રહી છે.
સાથીઓ,
જે લોકો કહેતા હતા કે ગરીબોને ડિજીટલ ઈન્ડીયાથી, સસ્તા ડેટાથી ઈન્ટરનેટના કારણે કોઈ ફર્ક પડતો નથી તે લોકો આજે ડિજીટલ ઈન્ડીયાની તાકાતનો અનુભવ કરી રહ્યા છે.
ભાઈઓ અને બહેનો,
ગામ, ગરીબ, આદિવાસીઓને સશક્ત બનાવવા માટે દેશમાં એક મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને કારણે આપણી હસ્તકલાને, હાથ-શાળને, કપડાંની કારીગરીને પ્રોત્સાહિત કરવાની છે અને આ અભિયાન લોકલ માટે વોકલ બનવાનું છે. આવી ભાવના સાથે દેશ આજે રાષ્ટ્રીય હાથ-વણાટ દિવસ, નેશનલ હેન્ડલૂમ ડે ની ઉજવણી કરી રહ્યો છે. આપણે જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે 7મી ઓગષ્ટનું મહત્વ ખૂબ જ વધી જાય છે. આજે આપણે સૌ યાદ રાખીશું કે વર્ષ 1905માં આજે 7 ઓગષ્ટના દિવસે સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી. આવા ઐતિહાસિક દિવસ પાસેથી પ્રેરણા લઈને 7 ઓગષ્ટની તારીખને હાથ-શાળ માટે સમર્પિત કરવામાં આવ્યો છે. તે ગામડે ગામડે અને આદિવાસી વિસ્તારોમાં આપણાં અદ્દભૂત શિલ્પીઓ, અદ્દભૂત કલાકારો તરફ સન્માન દર્શાવવાની અને તેમના ઉત્પાદનોને વૈશ્વિક મંચ ઉપર મૂકવાનો સમય છે.
ભાઈઓ અને બહેનો,
દેશ આજે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે હાથ-શાળ દિવસનું મહત્વ વધી જાય છે. આપણાં ચરખાનું, આપણી ખાદીનું, આપણી આઝાદીની લડતમાં કેટલું મોટું યોગદાન છે તે આપણે સૌ જાણીએ છીએ. વિતેલા વર્ષોમાં દેશને ખાદીને ઘણું સન્માન આપવામાં આવી રહ્યું છે. જે ખાદીને ક્યારેક ભૂલી જવામાં આવી હતી તે આજે નવી બ્રાન્ડ બની ચૂકી છે. આપણે આજે જ્યારે આઝાદીના 100 વર્ષની નવી સફર તરફ આગળ ધપી રહ્યા છીએ ત્યારે આઝાદી માટે ખાદી તરફની ભાવનાને આપણે મજબૂત કરવાની છે. આત્મનિર્ભર ભારત માટે આપણે લોકલ માટે વોકલ થવાનું છે. મધ્ય પ્રદેશમાં તો ખાદી રેશમથી માંડીને હસ્તકલાની એક સમૃધ્ધ પરંપરા છે. મારો આપ સૌને અને સમગ્ર દેશને આગ્રહ છે કે આવનારા તહેવારોમાં સ્થાનિક ઉત્પાદન અને હસ્તકલાના કોઈને કોઈ ઉત્પાદનન જરૂર ખરીદી કરો. આપણી હસ્તકલાને મદદ કરો.
અને સાથીઓ,
હું એ પણ કહેવા માંગુ છું કે ઉત્સવોના ઉત્સાહની વચ્ચે આપણે કોરોનાને ભૂલવાનો નથી. કોરોનાની ત્રીજી લહેર આવતી આપણે જ રોકવાની છે અને રોકવી જ પડશે. તેના માટે આપણે સૌ લોકોએ સાથે મળીને કામ કરવાનું રહેશે. માસ્ક, રસી અને બે ગજનું અંતર ખૂબ જ જરૂરી છે. આપણે સ્વસ્થ ભારતનો સંકલ્પ લેવાનો છે, સમૃધ્ધ ભારતનો સંકલ્પ લેવાનો છે. ફરી એક વખત આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજે મધ્ય પ્રદેશમાં મફત રેશન મેળવવાની 25 હજારથી વધુ દુકાનોએ કરોડો નાગરિકો એકઠા થયા છે તેમને પણ હું પ્રણામ કરૂં છું અને વિશ્વાસ આપવા માંગુ છું કે સમગ્ર માનવ જાતિ, સમગ્ર દુનિયા સંકટમાં ફસાઈ છે અને કોરોનાએ સૌને પરેશાન કરી મૂક્યા છે ત્યારે આપણે સૌએ સાથે મળીને આ બિમારીને હાંકી કાઢીશું, સૌને બચાવીશું. આપણે સૌ સાથે મળીને બચાવીશું. તમામ નિયમોનું પાલન કરતા રહીને આ વિજયને નિશ્ચિત કરીશું. મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ધન્યવાદ!