રામેશ્વરમ એક એવી ભૂમિ છે જેણે હજારો વર્ષ સુધી દેશના એક આધ્યાત્મિક જીવનને એક દીવાદાંડીની માફક રસ્તો દેખાડ્યો છે. અને આ સદીમાં રામેશ્વરમ એક અન્ય વાત માટે ઓળખાશે. અબ્દુલ કલામના રૂપમાં એક કર્મયોગી વૈજ્ઞાનિક, એક પ્રેરક શિક્ષક, એક પ્રખર વિચારક અને એક મહાન રાષ્ટ્રપતિ આ દેશને આપવા માટે ઓળખાશે.
રામેશ્વરમની આ પવિત્ર ભૂમિને સ્પર્શ કરતા હું આદર અનુભવી રહ્યો છું. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક તરીકે રામેશ્વરમ આપણા દેશનું એકમાત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ રામેશ્વરમ એ એક જ્ઞાન પૂંજ પણ છે. એવું સ્થળ કે જેની સ્વામી વિવેકાનંદે 1897માં અમેરિકાથી પરત ફરતા મુલાકાત લીધી હતી. અને આ એ જ પવિત્ર ભૂમિ છે જેણે ભારતને તેનો એક સૌથી પનોતો પુત્ર ભેટ આપ્યો છે. ડૉ. એપીજે અબ્દુલ કલામ. તેમના કાર્યો અને વિચારોમાં ડૉ. કલામે હંમેશાં રામેશ્વરમની સાદગી અને શાંતિનું પ્રદર્શન કર્યું છે.
ડૉ. એપીજે અબ્દુલ કલામની પૂણ્યતિથીના દિવસે રામેશ્વરમ આવવું મારા માટે એક ભાવુક પળ છે, ગયા વર્ષે અમે અહીં એક સંકલ્પ કર્યો હતો, તમને વચન આપ્યું હતું કે કલામ સાહેબની યાદમાં રામેશ્વરમમાં એક સ્મારકનું નિર્માણ કરવામાં આવશે. મને આનંદ છે કે આજે એ સંકલ્પ પૂરો થઈ રહ્યો છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ ઘણા ટૂંકા ગાળામાં આ સ્મારક તૈયાર કર્યું છે. આ સ્મારક દેશની વર્તમાન અને ભાવિ પેઢીને પ્રેરણા આપતું રહેશે. ગયા વર્ષે મેં શ્રીમાન વેંકૈયા નાયડુજીના અધ્યક્ષપદ હેઠળ એક સમિતિ બનાવી હતી અને જેમને મેં કામ સોંપ્યું હતું કે ડીઆરડીઓની સાથે તામિલનાડુ સરકારની સાથે મળીને આ જ ધરતી પર દેશની યુવાન પેઢીને પ્રેરણા મળે એવું સ્મારક બનાવવું છે. આજે મેં એ સ્મારક જોયું અને મન પ્રસન્ન થઈ ગયું કે આપણા દેશમાં પણ આટલા ઓછા સમયમાં અને આટલું આધુનિક કલ્પનાશક્તિ ધરાવતું એક ભવ્ય સ્મારક જે ડૉ. અબ્દુલ કલામની સાથે સંપૂર્ણપણે સુસંગત છે. તેમના વિચારોને, કાર્યોને, જીવનને, આદર્શને, સંકલ્પને આવું સ્મારક બનાવવા માટે વેંકૈયાજી તથા તેમની સમગ્ર ટીમને, તામિલનાડુ સરકારને, ભારત સરકારના તમામ વિભાગને, ડીઆરડીઓને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
તમને નવાઈ લાગશે. આપણા દેશમાં કોઈ કામ જો સમયસર થઈ જાય, ઇચ્છાનુસાર થઈ જાય તો દેશવાસીઓને આશ્ચર્ય થાય છે કે સરકાર પણ આવું કામ કરી શકે છે. પરંતુ આ શક્ય એટલા માટે બન્યું કે દિલ્હીમાં આજે એવી સરકાર બેઠી છે. ભારત સરકારને તમે જે જવાબદારી સોંપી છે તેણે સંપૂર્ણ કાર્યપ્રણાલિ બદલી છે. અને સમયમર્યાદામાં કામ કરવાનો આગ્રહ સરકારે સફળતાપૂર્વક આગળ ધપાવ્યો છે.
પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે માત્ર સરકાર, પૈસા, યોજના, સત્તાથી જ કામ થઈ જાય છે એવું નથી. આ સ્મારકની સફળતા પાછળ એક અન્ય રહસ્ય છે અને તેના માટે સવા સો કરોડ દેશવાસી ગર્વ લઈ શકે છે જે રહસ્ય આજે હું તમારી સામક્ષ રજૂ કરવા માગું છું. અને એ રહસ્ય એ છે કે સરકાર હતી, પૈસા હતા, યોજના હતી, ધ્યાન કેન્દ્રીત કરીને કામ થઈ રહ્યું હતું પરંતુ આ કામ કરવા માટે દેશના તમામ ખૂણામાંથી જે જે લોકોને જે વિષયનું કૌશલ્ય હતું તેવા કારીગરો આવ્યા હતા, મજૂર આવ્યા હતા, આર્ટિસ્ટ આવ્યા હતા, આર્કિટેક્ચર આવ્યા હતા.
હિન્દુસ્તાનના તમામ ખૂણેથી આવેલા લોકો આ કામ કરી રહ્યા હતા. સાથે સાથે જે મજૂરો કામ કરતા હતા તેઓ સવારે 8 થી 5 સુધી સરકારના નિયમ મુજબ કામ કરતા હતા. સાંજે પાંચથી છ સુધી તેઓ એક કલાક આરામ કરતા હતા, ચા-પાણી કરતા હતા અને ફરીથી છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી વધારાનું કામ કરતા હતા. અને તેમણે કહ્યું કે આ છ થી આઠ અમે જે કામ કરીએ છીએ તેના પૈસા અમે લઈશું નહીં. આ અમારા તરફથી અબ્દુલ કલામજીને અમારા પરિશ્રમ દ્વારા, અમારા પરસેવા દ્વારા અમે તેમને શ્રદ્ધાંજલિ અર્પીશું.
મારા જે ગરીબ ભાઈ-બહેનોએ આ ભક્તિ સાથે આ કામ કર્યું છે હું એ તમામ મજૂરોને આ પવિત્ર કાર્યને પૂર્ણ કરવા માટે શત શત પ્રણામ કરું છું. આ મજૂરોએ, કારીગરોએ એટલું ઉત્તમ કામ કર્યું છે કે અહીં ઉપસ્થિત તમામને હું આગ્રહ કરું છું કે આપણે આપણા સ્થાન પર ઊભા થઈને એ મજૂરોને તાળી પાડીને તેમનું સન્માન કરીએ.
જ્યારે એક મજૂર રાષ્ટ્રભક્તિના ભાવથી ભરાઈ જાય છે તો કેટલું મહાન કામ કરે છે. તેનો પુરાવો આ રામેશ્વરમમાં બનેલું અબ્દુલ કલામજીનું સ્મારક છે. હું આજે અનુભવી રહ્યો છું કે આજે આ મંચ પર અમ્મા હોત, અને આપણા મજૂરોએ જે કામ કર્યું છે તે જોતી, સાંભળતી તો કદાચ આપણને અનેક શુભકામના અને આશીર્વાદ આપતી. આજે આપણને તેમની ગેરહાજરી સાલે છે. અમ્માની વિદાય બાદ તામિલનાડુની ધરતી પર મારો આ પ્રથમ મોટો કાર્યક્રમ છે, હું અમ્માની ગેરહાજરીને મહેસૂસ કરું છું પરંતુ તેમનો આત્મા જ્યાં પણ હશે તામિલનાડુના ઉજ્જવળ ભવિષ્ય માટે તે હંમેશાં આશીર્વાદ આપતી રહેશે તેવો મને વિશ્વાસ છે.
હું આજે રામેશ્વરમની આ પવિત્ર ધરતી પરથી દેશના લોકોને એક પ્રાર્થના કરવા માગું છું કે હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી લોકો રામેશ્વરમની યાત્રા માટે આવે છે, દર્શન માટે આવે છે, ટુર ઓપરેટરને પણ મારો આગ્રહ છે, રામેશ્વરમના પ્રવાસીઓને મારો આગ્રહ છે અને દેશની યુવાન પેઢીને પણ મારો આગ્રહ છે કે તમે જ્યારે પણ રામેશ્વરમનો પ્રવાસ કરો ત્યારે અબ્દુલ કલામજીના સ્મારકને નિહાળવાનું તમારા કાર્યક્રમમાં ઉમેરો કરી દેજો અને નવી પેઢીને પ્રેરણા મળે એવા આ પ્રેરણાતીર્થને તમે આવીને જૂઓ.
આજનો કાર્યક્રમ એક રીતે પંચામૃત છે. રેલવે, રસ્તા, ધરતી, સમૂદ્ર અને અબ્દુલ કલામજીનું સ્મારક, આવા પાંચ કાર્યક્રમ એક સાથે આજે અબ્દુલ કલામજીની પૂણ્યતિથિ પર મને કરવાની તક મળી છે. આજે સમૂદ્રમાં આપણા માછીમારો નાની નાની હોડી લઈને જાય છે તેમને ખબર પણ હોતી નથી કે ભારતની સરહદમાં છે કે અન્ય કોઈની સરહદમાં ચાલ્યા ગયા. અને તેમને અનેક મુશ્કેલી ભોગવવી પડે છે. પ્રધાનમંત્રી બ્લૂ ક્રાંતિ યોજના અમે શરૂ કરી છે. તે યોજના હેઠળ આપણા માછીમાર ભાઈ બહેનોને સરકાર તરફથી ધીરાણ મળશે, ગ્રાન્ટ મળશે, સબસિડી મળશે. અને તેમને મોટા ટ્રોલર મળ્યા છે જેથી તેઓ ઊંડા દરિયામાં ફિશિંગ માટે જઈ શકે અને આજે તેનો અહીં પ્રારંભ થયો છે અને કેટલાક માછીમાર ભાઈઓને તેના ચેક આપવાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે.
રામેશ્વરમની ધરતી ભગવાન રામચંદ્રજી સાથે પણ સંકળાયેલી છે અને આજે મને આનંદ છે કે પ્રભુ રામચંદ્રજી સાથે સંકળાયેલી રામેશ્વરમની ભૂમિને ભગવાન રામચંદ્રજીના જન્મસ્થળ અયોધ્યાની ધરતી સાથે સાંકળનારી એક રેલવે ટ્રેન શ્રદ્ધા સેતુના નામથી રામેશ્વરમથી અયોધ્યા, આજે એ રેલવેના લોકાર્પણ કરવાની પણ મને તક મળી છે. આ જ રીતે ધનુષકોડી સુધીનો જે રસ્તો જે લોકો રામસેતુ જોવા માગે છે, સમૂદ્ર માર્ગે આગળ વધવા માગે છે તે એક મહત્વપૂર્ણ રસ્તાનું કામ પણ પૂર્ણ કરી દેવાયું અને તે પણ આજે મને દેશવાસીઓને સમર્પિત કરવાની તક મળી છે. રેલવેનું સમર્પણ અને રસ્તાનું પણ સમર્પણ. અને આ જ રામેશ્વરમની ધરતી છે જ્યાં 1897માં સ્વામી વિવેકાનંદજીએ વિદેશમાં દિગ્વીજય કરીને, વિશ્વમાં ભારતનું નામ રોશન કરીને આ ધરતી પર પોતાના કદમ મૂક્યા હતા. અહીં નજીકમાં જ કન્યાકુમારી ખાતે વિવેકાનંદજીનું સ્મારક બન્યું છે. એ વિવેકાનંદ કેન્દ્ર અહીંના જિલ્લા કલેક્ટર કચેરી, કેટલીક એનજીઓ સંસ્થાએ મળીને રામેશ્વરમને હરિયાળું બનાવવાનું જે બીડું ઉપાડ્યું છે તે પણ એક પ્રકારે રામેશ્વરમના ભવિષ્ય માટે ઉત્તમ કામ કરનારા એ તમામ સંગઠનોને, ખાસ કરીને વિવેકાનંદ કેન્દ્રને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
ભારતના વિશાળ સમૂદ્ર અને સાડા સાત હજાર કિલોમીટર (7500) લાંબી સમૂદ્રી સરહદ મોટા રોકાણની સંભાવનાઓથી ભરેલી છે. તેને જ ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સાગરમાલા કાર્યક્રમ પણ ચલાવી રહી છે. તેનો હેતુ ભારતની તટરેખાનો સંપૂર્ણ લાભ ઉઠાવીને ભારતના લોજિસ્ટિક ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવવાનો છે. સાગરમાલા કાર્યક્મમાં આયાત-નિકાસ અને વેપારની લોજિસ્ટિક પડતરને ઘટાડવા એ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમથી દેશના દરિયા કિનારે વસેલા લોકોના જીવનમાં મોટું પરિવર્તન આણવાનો અમારો પ્રયાસ છે.
તમને એ જાણીને પણ આનંદ થશે કે જે રીતે ડીઆરડીઓએ અબ્દુલ કલામજીનું સ્મારક બનાવ્યું તથા એ કામ કર્યું એ જ રીતે ડીઆરડીઓ આપણી લશ્કરી તાકાત માટે એક અત્યંત મહત્વપૂર્ણ કામ કરનારું એકમ છે. પરંતુ સાથે સાથે નાગરિકો માટે પણ તેઓ નાના-મોટા એવા કામ કરે છે, આ રેલવે શ્રદ્ધાસેતુ અહીંથી શરૂ થઈ રહી છે રામેશ્વરમથી અયોધ્યા તે એક એવી ટ્રેન છે જેમાંના તમામ ટોઇલેટ બાયો-ટોઇલેટ તરીકે રાખવામાં આવ્યા છે. સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટેનું કામ આ શ્રદ્ધા સેતુ ટ્રેન દ્વારા પણ થનારું છે.
મિત્રો,
ડૉ. કલામે જો તેમના જીવનમાં કોઈને સૌથી વધુ પ્રેરણા આપી છે તો તે આપણા દેશના નવયુવાનોને આપી છે. આજનો યુવાન પોતાના જોર પર આગળ ધપવા માગે છે. પોતે જ અન્યને રોજગાર આપનારો બનવા માગે છે. યુવાન તેનું સ્વપ્ન સાકાર કરી શકે તે માટે કેન્દ્ર સરકારે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવા કાર્યક્રમ શરૂ કર્યા છે, નવયુવાનોના કૌશલ્ય વિકાસ માટે દેશના તમામ જિલ્લામાં તાલીમ કેન્દ્ર, કૌશલ્ય વિકાસના કેન્દ્ર ખોલવામાં આવી રહ્યા છે. પોતાનો કારોબાર શરૂ કરવા માટે યુવાનોને બેંક ગેરન્ટી જેવી સમસ્યાનો સામનો કરવો પડે નહીં તે માટે કેન્દ્ર સરકાર મુદ્રા યોજના ચલાવી રહી છે.
દેશમાં હવે મુદ્રા યોજના હેઠળ આઠ હજાર કરોડથી વધુ ખાતાધારકોને કોઈ પણ બેંક ગેરન્ટી વિના ચાર લાખ કરોડથી પણ વધુ રૂપિયા આપવામાં આવ્યા છે. જેથી તેઓ પોતાના જીવનનો માર્ગ પસંદ કરીને આગળ ધપી શકે. અને મને આનંદ છે કે તેમાંથી એક કરોડથી વધુ લોકો માત્ર તામિલનાડુમાંથી છે. આ આંકડો સ્વરોજગાર તરફ તામિલનાડુના યુવાનોનો કેટલો ઉત્સાહ છે, ઉમંગ છે તેની સ્થિતિ પણ દર્શાવી રહ્યો છે.
કેન્દ્ર સરકાર રાજ્યમાં માળખાગત વિકાસ માટે પણ ભાર મૂકી રહી છે. ન્યૂ ઇન્ડિયા ન્યૂ તામિલનાડુ વિના શક્ય નથી. અને તે માટે રાજ્યમાં મૂળભૂત સવલત વધારવામાં રાજ્ય સરકારની ભરપુર મદદ કરવામાં આવી રહી છે.
હું તામિલનાડુના મુખ્યમંત્રીનો આભારી છું કે તેમણે ભારત સરકાર જે કાર્યક્રમોને આગળ ધપાવી રહી છે તેનો તામિલનાડુને જે લાભ મળી રહ્યો છે તેનું સાર્વજનિક રૂપે સ્વાગત કર્યું, આદર કર્યો, હું પણ આ સહયોગ માટે તેમનો આભાર માનું છું.
સ્માર્ટ સિટી મિશન માટે તામિલનાડુના દસ શહેરની પસંદગી કરવામાં આવી છે તેમાં ચેન્નાઈ, કોઈમ્બતુર, મદૂરાઈ, તંજાવુર જેવા તમામ મોટા શહેર સામેલ છે. આ શહેરો માટે કેન્દ્ર સરકાર લગભગ 900 કરોડ રૂપિયા ફાળવી ચૂકી છે, લગભગ એક હજાર કરોડ રૂપિયા.
અમૃત મિશનમાં પણ તામિલનાડુના 33 શહેરને સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તામિલનાડુ માટે 4700 કરોડ રૂપિયા કરતા વધારે પ્રાપ્ત કરી લીધા છે. આ રકમનો ઉપયોગ આ 33 શહેરોમાં વિજળી, પાણી, ગટર વ્યવસ્થા, સફાઈ અને બગીચા જેવી સવલતો વધારવા માટે કરવામાં આવશે.
આ યોજનાનો ભરપુર લાભ રામેશ્વરમને પણ મળશે અને તેની સાથે સાથે 33 શહેર જેમાં મદૂરાઈ, તૂતીકોરિન, તિરુનવેલી અને નાગર કોઇલનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે અંદાજે 4000 કરોડ રૂપિયાના ખર્ચે ચેન્નાઈ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રારંભિક ચરણના ફેલાવાને પણ મંજૂરી આપી દીધી છે. તામિલનાડુ ગ્રામીણ માર્ગો માટે સેલ્ફ હેલ્પ ગ્રૂપને પ્રોત્સાહન આપવા માટે, ગામડામાં રહેનારા યુવાનો માટે કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 18,000 કરોડ રૂપિયા તામિલનાડુ માટે ફાળવ્યા છે.
કેટલાક પ્રયાસો માટે હું અહીંની સરકાર અને અહીંના લોકોને પણ અપીલ કરવા માગું છું. સ્વચ્છ ભારતના મિશન હેઠળ આ સમયે સમગ્ર દેશના શહેરોમાં એક હરિફાઈ જામી છે કે કોણ પોતાને જાહેરમાં શૌચથી મુક્ત જાહેર કરે અને મને આશા છે કે તામિલનાડુ પણ આ સ્પર્ધામાં અન્ય કોઈ રાજ્યથી પાછળ નહીં રહે અને આગળ વધશે.
આ જ રીતે રાજ્ય સરકાર માને છે કે અહીંના શહેરોમાં આઠ લાખ પરિવારો માટે મકાનની જરૂરિયાત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરોના માધ્યમથી આ માગણીને પૂર્ણ કરી શકાય છે. હું રાજ્ય સરકારને અપીલ કરીશ કે તે પ્રસ્તાવ મોકલે અને પોતાની પ્રક્રિયામાં ગતિ લાવે અને મંજૂર કરાયેલા મકાનોના નિર્માણમાં ઝડપ લાવે.
ડૉ. અબ્દુલ કલામ આજીવન એક વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં કાર્યરત હતા. સવા સો કરોડ દેશવાસીઓને આ લક્ષ્યાંકની પ્રાપ્તિ માટે તેઓ હંમેશાં પ્રેરિત કરતા રહ્યા. આ પ્રેરણા આપણને 2022 સુધી એટલે કે સ્વતંત્રતાના 75 વર્ષ થશે ત્યાં સુધી ન્યૂ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં ઘણી મદદ મળશે.
2022માં આપણો દેશ 75 વર્ષની ઉજવણી કરશે. દેશની સ્વતંત્રતા માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દેનારા આપણા સપુતોએ જે સપના નિહાળ્યા હતા, તેને પૂર્ણ કરવા માટે આપણો દરેક પ્રયાસ ડૉ. કલામને પણ એક ઉત્તમ શ્રદ્ધાંજલિ બનીને રહેશે.
અને આજે હું રામેશ્વરમની ધરતી પર છું. રામેશ્વરમના લોકો તો ઘણું બધું કરે છે પરંતુ રામાયણ આપણને એ વાત કહે છે કે અહીંની નાનકડી ખિસકોલી પણ કેવી રીતે રામ-સેતુ બનાવવાના કામમાં આવી હતી. આવી જ રીતે અને એ ખિસકોલી તો રામેશ્વરમની હતી અને તેથી એક ખિસકોલી આપણને તમામને પ્રેરિત કરી શકે છે, જો 125 કરોડ ભારતવાસીઓ એક ડગલું આગળ ભરે તો ભારત 125 કરોડ ડગલા આગળ વધી શકશે.
હિન્દુસ્તાનનો એક બીજો છેડો રામેશ્વરમ, અહીં સમૂદ્ર શરૂ થઈ જાય છે અને આટલો મોટો જનસમુદાય એ વાત પુરવાર કરે છે કે તમારી અંદર અબ્દુલ કલામ પ્રત્યે કેટલો આદરભાવ છે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે તમે કેવી રીતે સહભાગી થવા માગો છો. તે મને દેખાઈ રહ્યું છે. આ વિશાળ જનસમુદાયને હું ફરી એક વાર નમન કરું છું. અબ્દુલ કલામજીને આદરપૂર્વક અંજલિ આપું છું અને સ્વર્ગીય અમ્માને પણ આદરપૂર્વક અંજલિ અર્પું છું.
તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.