આ ભારતની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન તો થયું છે, રિવાજ મેં પૂરો કર્યો છે, પણ હું ઈચ્છું છું આજે અહિંયા જે પણ નાગરિક ઉપસ્થિત છે, તેઓ સૌ મળીને આ સુરંગનું ઉદ્ઘાટન કરે, અને ઉદ્ઘાટન કરવાની રીત હું કહું છું. તમે સૌ તમારા મોબાઇલ ફોન બહાર કાઢો, એક સાથે સૌ પોતાના મોબાઇલ ફોનની ફ્લેશ ચાલુ કરો અને ભારત માતાની જયના નાદ સાથે, જુઓ બધા કેમેરાવાળા તમારો ફોટો લઇ રહ્યા છે હવે! જેમની પાસે મોબાઇલ છે તે બધા જ કાઢો. દરેક વ્યક્તિ ફ્લેશ કરે પોતાના મોબાઇલથી. કેવો અદભુત નજારો છે! હું અદભુત નજારો મારી સામે જોઈ રહ્યો છું અને આ સાચા અર્થમાં આ સુરંગનું ઉદઘાટન તમારા મોબાઇલના ફ્લેશથી કરીને તમે બતાવ્યું છે. આખું ભારત તેને જોઈ રહ્યું છે.
ભારત માતાની જય
ભારત માતાની જય
ભાઈઓ, બહેનો નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે અને મને માંના ચરણોમાં આવવાનો મોકો મળ્યો છે, તે મારા માટે સૌભાગ્ય છે. હમણા નીતિન ગડકરીજી કહી રહ્યા હતા કે વિશ્વના જે માપદંડ છે તે માપદંડ અનુસાર આ સુરંગનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું કે કેટલીક વાતોમાં વિશ્વના માપદંડથી પણ ઘણા ઘણા આપણે એક કદમ આગળ છીએ. હું નીતિન ગડકરીજીને, તેમના વિભાગની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, અભિનંદન કરું છું. તેમણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, સમયમર્યાદામાં આ કાર્યને પૂર્ણ કરવામાં સફળતા મેળવી છે. પરંતુ ભાઈઓ, બહેનો, આ માત્ર લાંબી સુરંગ નથી, આ લાંબી સુરંગ જમ્મુ કાશ્મીર માટે વિકાસની એક લાંબી છલાંગ છે, એવું હું સ્પષ્ટ જોઈ રહ્યો છું.
ભાઈઓ, બહેનો, હિન્દુસ્તાનમાં તો આ ટનલની ચર્ચા થશે જ, પણ મને વિશ્વાસ છે કે વિશ્વના જેટલા પણ પર્યાવરણવાદીઓ છે, કલાયમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરે છે, ચર્ચા કરે છે, તેમના માટે પણ આ સુરંગનું નિર્માણ એક બહુ મોટા સંચાર છે, ઘણી મોટી નવી આશા છે. હિન્દુસ્તાનના કોઈ બીજા ખૂણામાં જો આ સુરંગ બની હોત તો પર્યાવરણવિદોનું ધ્યાન જવાની સંભાવના ઓછી હતી. પરંતુ હિમાલયની કૂખમાં આ સુરંગ પાથરીને આપણે હિમાલયની રક્ષા કરવાનું પણ કામ કર્યું છે, આપણે પર્યાવરણની રક્ષા કરવાનું કામ કર્યું છે, ગ્લોબલ વોર્મિંગથી પરેશાન દુનિયાને ભારતે સંદેશ આપ્યો છે કે હિમાલયની છાતીમાં આ સુરંગ બનાવીને, હિમાલયની પ્રાકૃતિક રક્ષા કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સફળતાપૂર્વક આજે હિન્દુસ્તાનની સરકારે પૂરો કર્યો છે.
ભાઈઓ, બહેનો, આ ટનલ હજારો કરોડ રૂપિયાની લાગતથી બની છે. પણ હું આજે ગર્વ સાથે કહું છું, ભલે, ભલે આ ટનલના નિર્માણમાં ભારત સરકારના પૈસા લાગ્યા હોય, પણ મને ખુશી એ વાતની છે કે આ સુરંગના નિર્માણમાં ભારત સરકારના પૈસાની સાથે જમ્મુ કાશ્મીરના નવયુવાનોના પરસેવાની તેમાં સુગંધ આવી રહી છે. અઢી હજારથી વધુ યુવાનોએ જમ્મુ કાશ્મીરના 90 ટકા યુવાનો જમ્મુ કાશ્મીરના છે; જેમણે કામ કરીને આ સુરંગનું નિર્માણ કર્યું છે. રોજગારની કેટલી સંભાવના ઊભી થઇ, તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ.
અને ભાઈઓ, બહેનો, જમ્મુ કાશ્મીરના જે નવયુવાનોએ આ પથ્થરોને તોડી તોડીને સુરંગનું નિર્માણ કર્યું છે, એક હજાર દિવસથી વધુ દિવસ રાત મહેનત કરીને તેઓ પત્થરો તોડતા રહ્યા, અને સુરંગનું નિર્માણ કરતા રહ્યા. હું કાશ્મીર ખીણના નવયુવાનોને કહેવા માગું છું, પથ્થરની તાકાત શું હોય છે, એક તરફ કેટલાક ભટકેલા નવયુવાનો પથ્થર મારવામાં લાગેલા છે, બીજી તરફ તે જ કાશ્મીરના નવયુવાનો પથ્થર તોડીને કાશ્મીરનું ભાગ્ય બનાવવામાં લાગેલા છે.
ભાઈઓ બહેનો, આ સુરંગ કાશ્મીર ખીણના પ્રવાસનનો એક નવો ઈતિહાસ નિર્માણ કરવા માટે પોતાની ઐતિહાસિક ભૂમિકા અદા કરવાની છે. યાત્રી, પ્રવાસીઓની અસુવિધાઓના સમાચારોથી હેરાન થઈ જાય છે. પટનીટોપમાં હિમવર્ષા થઇ હોય, 5 દિવસ રસ્તાઓ બંધ થઇ ગયા હોય, પ્રવાસીઓ અટકી પડ્યા હોય તો બીજીવાર પ્રવાસી આવવાની હિમ્મત નથી કરતો. પરંતુ ભાઈઓ, બહેનો, હવે આ સુરંગના કારણે કાશ્મીર ખીણમાં યાત્રીના રૂપે દેશના ખૂણેખૂણાથી જે લોકો આવવા માગે છે, તેમને આ તકલીફોનો સામનો નહીં કરવો પડે, સીધે સીધા તેઓ શ્રીનગર પહોંચી શકશે.
હું કાશ્મીર ખીણના લોકોને કહેવા માગું છું, આ સુરંગ ઉધમપુર– રામવન વચ્ચે ભલે હોય પણ આ કાશ્મીર ખીણની ભાગ્ય રેખા છે, તે ક્યારેય ભૂલતા નહીં. આ કશ્મીર ખીણની ભાગ્ય રેખા એટલા માટે છે કે કાશ્મીર ખીણનો મારો ખેડૂત ભાઈ કુદરતી આફતોની વચ્ચે દિવસ રાત પરસેવો પાડે છે, ખેતરોમાં કામ કરે છે, બગીચામાં કામ કરે છે. જરૂરિયાત અનુસાર વરસાદ થયો હોય, હવામાન જરૂરિયાત અનુસારનું રહ્યું હોય, પાક બહુ સારો થયો હોય, ફળો દિલ્હીના બજારમાં વેચવા નીકળવાનો જ હોય, પણ એટલામાં જ રસ્તાઓ પાંચ દિવસ માટે બંધ થઇ ગયા હોય તો અડધાથી વધારે ફળો તેના બરબાદ થઇ જાય છે. દિલ્હી પહોંચતા પહોંચતા આખી મહેનતની કમાણી પર પાણી ફરી જાય છે. કાશ્મીર ખીણના ખેડૂતો માટે આ સુરંગ વરદાન બનીને આવી છે. જયારે તે પોતાનો પાક, પોતાના ફળો, પોતાના ફૂલો, પોતાના શાકભાજી નિર્ધારિત સમયમાં દિલ્હીના બજારો સુધી સરળતાથી પહોંચાડી શકશે, તેને જે ખર્ચનું નુકસાન થતું હતું, તે નુકસાન હવે નહીં થાય; આ લાભ કાશ્મીર ખીણને મળવાનો છે.
ભાઈઓ, બહેનો, હિન્દુસ્તાનનો પ્રત્યેક નાગરિક, તેના મનમાં એક સપનું રહે છે; ક્યારેક ને ક્યારેક તો કાશ્મીર જોવું છે. તે પ્રવાસી બનીને આ ખીણમાં આવવા માગે છે. અને જે માળખાનું કામ અમે ઉપાડ્યું છે, તેનાથી હિન્દુસ્તાનના ખૂણે ખૂણાથી પ્રવાસીઓના આવવાની સુવિધા વધવાની છે. નિશ્ચયાત્મક પ્રવાસન થવાનું છે અને જેટલું વધારે પ્રવાસન વધશે, જમ્મુ કાશ્મીરની આર્થિક સ્થિતિ સમગ્ર હિન્દુસ્તાનમાં સૌને પાછળ છોડીને આગળ નીકળી જશે, એવો મારો વિશ્વાસ છે.
ભાઈઓ, બહેનો, હું ખીણના નવયુવાનોને કહેવા માગું છું, તમારી સામે બે રસ્તા છે જે તમારા ભાગ્યને કોઈક દિશામાં લઇ જશે, એક તરફ છે ટુરીઝમ અને બીજી તરફ છે, ટેરરીઝમ. 40 વર્ષ થઇ ગયા અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, કોઈનો ફાયદો નથી થયો, જો કોઈ લોહી લુહાણ થઇ તો તે મારી વહાલી કાશ્મીર ખીણ થઇ છે. જો કોઈ લાલ ગુમાવ્યો છે તો મારી કાશ્મીરની માના લાલને આપણે ગુમાવ્યો છે, કોઈ આપણે હિન્દુસ્તાનના લાલને ગુમાવ્યો છે.
ભાઈઓ, બહેનો, આ ખૂનનો ખેલ 40 વર્ષ પછી પણ કોઈનું સારું નથી કરી શક્યો. પરંતુ આ જ 40 વર્ષમાં જો પ્રવાસનને બળ આપવામાં આવ્યું હોત તો આજે આખી દુનિયા કાશ્મીરની ખીણના ચરણોમાં આવીને બેઠી હોત, એ તાકાત કાશ્મીરની ખીણમાં છે. અને એટલા માટે પ્રવાસનની તાકાતને આપણે ઓળખીએ, પ્રવાસનને જોર આપવા માટે જે પણ વ્યવસ્થાઓ ઊભી કરવી હોય, દિલ્હીમાં કેન્દ્ર સરકાર કાશ્મીરની સાથે છે, જમ્મુ કાશ્મીરની સાથે છે; યાત્રાઓને પ્રોત્સાહન આપવા માટે તમારી સાથે ઊભી છે.
હું મહેબુબાજીને ખાસ કરીને અભિનંદન આપું છું, હું તેમને વધામણી આપું છું, તેમને સાધુવાદ કરું છું. ગયા વર્ષે ભારત સરકારે જે 80 હજાર કરોડ રૂપિયાનું જમ્મુ કાશ્મીર માટે પેકેજ જાહેર કરેલું, મને ખુશી છે કે આટલા ઓછા સમયમાં અડધાથી વધારે બજેટનો ખર્ચ, પેકેજનો ખર્ચ જમીન પર કાર્યરત થઇ ગયો છે; આ નાની વાત નથી. નહિતર પેકેજો કાગળ ઉપર જ રહી જાય છે, જમીન પર ઉતરતા ઉતરતા વર્ષો વીતી જાય છે. પરંતુ મહેબુબાજી અને તેમની સરકારે દરેક બારીકીને ધ્યાનમાં લઈને, વસ્તુઓને જમીન પર ઉતારવા માટે જે સખ્ત મહેનત કરી છે અને તેના પરિણામ નજરે પડી રહ્યા છે; હું તેના માટે જમ્મુ કશ્મીરની સરકાર, મુખ્યમંત્રી, તેમની મંત્રી પરિષદ, તે સૌને હૃદય પૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
ભાઈઓ, બહેનો, આજે હિન્દુસ્તાનમાં વ્યક્તિદીઠ આવક, જો ઝડપી ગતિએ આવક વધારવા માટે સૌથી યોગ્ય કોઈ રાજ્ય છે, તો તે રાજ્યનું નામ જમ્મુ કાશ્મીર છે. હું તેની તાકાતને સારી રીતે સમજી શકું છું. મને અનેક વર્ષો સુધી આ ખીણ પ્રદેશમાં સંગઠનના કાર્ય માટે આવવા જવાનો, રહેવાનો મોકો મળ્યો છે. અહીંના દિલદાર લોકોને હું જાણું છું. અહીંની સુફી પરંપરાની સંસ્કૃતિને જાણું છું.
ભાઈ બહેનો, આ અનમોલ વિરાસત, જો આપણે તેને ભૂલી જઈશું તો આપણે આપણા વર્તમાનને ખોઈ દઈશું, અને આપણે આપણા ભવિષ્યને અંધકારમાં ધકેલી દઈશું. આ ભૂમિ હજારો વર્ષોથી આખા હિન્દુસ્તાનનું માર્ગદર્શન કરી શકે, એવી મહાન વિરાસતની ભૂમિ છે. તેની સાથે પોતાની જાતને જોડો, તેનું ગૌરવ કરો અને પરિશ્રમથી આપણે આપણું ભવિષ્ય બનાવવા માટે સરકારની સાથે ખભે ખભો મેળવીને આગળ ચાલીએ; જોત જોતામાં જમ્મુ કશ્મીરનું જીવન બદલાઈ જશે.
ભાઈ બહેનો, જયારે પણ જમ્મુ કશ્મીરની વાત આવે છે, દરેક કાશ્મીરીના દિલમાં, દરેક જમ્મુવાસીના દિલમાં, દરેક લદ્દાખવાસીના મનમાં અટલ બિહારી વાજપેયીનું નામ હંમેશા યાદ આવતું હશે. કાશ્મીરિયત, માણસાઈ, લોકશાહી- આ મૂળમંત્રને લઈને, જે મૂળમંત્ર અટલ બિહારી વાજપેયીજીએ આપ્યો છે; તે જ મૂળમંત્રને લઈને આપણે કાશ્મીરને વિકાસની નવી ઊંચાઈઓ પર, સદભાવનાના વાતાવરણની સાથે, મજબૂત ઈરાદા સાથે એક પછી એક પગલા ઊઠાવીને આગળ વધવા માટે કૃતસંકલ્પ છીએ; કોઈ અડચણ આપણને રોકી નહીં શકે. અને જે સીમા પર બેઠા છે તેઓ પોતાને નથી સંભાળી શકતા.
ભાઈઓ, બહેનો, આપણે સીમા પારના આપણા કાશ્મીરના હિસ્સાના નાગરિકોને પણ પ્રગતિ કરીને દેખાડવા માગીએ છીએ કે જુઓ કાશ્મીર કેવી રીતે વિકસિત થાય છે. અને જે લોકોએ તમારી ઉપર કબજો જમાવીને બેઠા છે તેમણે તમને કેટલા બરબાદ કર્યા છે તે આપણે કરીને બતાડવાના છીએ. વિકાસ એ જ આપણો મંત્ર છે, વિકાસના મંત્રને લઈને જવા માગું છું. જન ભાગીદારી અમારો રસ્તો છે,તે રસ્તા પર આપણે ચાલવા માગીએ છીએ. યુવા પેઢીને સાથે રાખીને આગળનું ભવિષ્ય બનાવવા માગીએ છીએ.
ભાઈઓ, બહેનો, હાલ એક સુરંગ જો કાશ્મીરની ભાગ્યરેખા બની જાય છે, ખીણના ખેડૂતોના જીવનને બદલી શકે છે, ખીણમાં પ્રવાસનને પ્રોત્સાહન આપી શકે છે. ભવિષ્યમાં આવી નવ સુરંગો બનાવવાની યોજના છે, નવ. આખા હિન્દુસ્તાનની સાથે એવું જોડાણ થઇ જશે અને આ માત્ર રસ્તાઓનું નેટવર્ક નહીં હોય, આ દિલોનું નેટવર્ક બનવાનું છે, એ મારો વિશ્વાસ છે.
ભાઈઓ, બહેનો, વિકાસની યાત્રાને આપણે આગળ વધારીએ. જમ્મુ કાશ્મીરના નવયુવાન આ વિસ્તારનું ભાગ્ય બદલવા માટે ભારતની સરકારની રોજગાર યોજનાઓનો ફાયદો ઉઠાવે; શિક્ષાના જે નવા નવા ક્ષેત્રો અહિંયા ઉપલબ્ધ છે, તેનો ફાયદો ઉઠાવે, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરે. અને મારા જમ્મુના ભાઈ, આ જમ્મુ ક્ષેત્રનો વિકાસ પણ ખૂબ ઝડપી ગતિએ થઇ રહ્યો છે.
સ્માર્ટ સીટીની દિશાની વાત હોય, હૃદય યોજના હોય, અમૃત યોજના હોય, શિક્ષાના ક્ષેત્રની વાતો હોય, માળખા તૈયાર કરવાના હોય, અહિંયા તળાવના પુનર્નિર્માણની વાત હોય, દરેક ક્ષેત્રમાં, ભલે લદ્દાખ હોય, ખીણ હોય અથવા જમ્મુ હોય, એક સંતુલિત વિકાસ હોય અને આ વિકાસનો ફાયદો આખા જમ્મુ કાશ્મીરની ભાવી પેઢીને મળતો રહે, તેની તૈયારીઓ કરતા રહીએ, જમ્મુ કાશ્મીરને આગળ વધારતા રહીએ; આ સપનાઓને લઈને આજે આગળ વધવાનું છે.
હું ફરી એકવાર નીતીનજીને, તેમની ટીમને, ડોક્ટર જિતેન્દ્ર સિંહજીને, જમ્મુ કાશ્મીરની સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર.