દેશના ઇતિહાસમાં પહેલી વખત, દેશના ખૂણા ખૂણાથી આવેલા આદિવાસી ભાઇઓ તથા બહેનોની વચ્ચે રાજધાની દિલ્હીમાં દિવાળી મનાવવામાં આવશે. લગભગ ચાર દિવસ દિલ્હી આ વાતનો અનુભવ કરશે કે ભારત કેટલો વિશાળ દેશ છે, ભારત કેટલી વિવિધતાઓથી ભરેલો દેશ છે અને જંગલોમાં જિંદગી ગુજારનારા આપણા આદિવાસી ભાઇઓ તથા બહેનો કેટલા સામર્થ્ય છે કેટલી શક્તિ છે. દેશ માટે કંઇને કંઇ કરવા માટે દૂરના જંગલોમાં રહેતા હોવા છતાં પણ તે કેટલું મોટું યોગદાન આપી રહ્યા છે એ દિલ્હી પહેલી વખત અનુભવ કરશે.
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, ‘ વીસ ગામે – બોલી બદલાઇ જાય ’ આ આપણે અહીંની જૂની કહેવત છે પરંતુ આપણે અહીં તેની ઝલક જોઇ. ઝલક જ હતી, જો દેશ ભરમાંથી આવેલા તમામ આદિવાસી કલાકારોને જોવા હોય તો કદાચ સવારથી સાંજ સુધી આ મેળો અહીં ચાલતો જ રહ્યો હોત, ત્યારે પણ કદાચ પૂરો થયો ન હોત. ક્યારેક ક્યારેક શહેરમાં રહેનારા લોકો પર નાની મુસીબત આવી જાય, તેમની ઇચ્છાથી વિપરીત કંઇ થઇ જાય, કલ્પનાને અનુકૂળ પરિણામ ન મળે, તો ન જાણે કેટલી બીમારીઓના શિકાર થઇ જાય છે. ડિપ્રેશનમાં જતા રહે છે અને અમુક લોકો તો આત્મહત્યા કરવાનો રસ્તો પણ પસંદ કરી લે છે. જરા મારા આ આદિવાસી ભાઇઓ તથા બહેનોને જુઓ, જો અભાવની વાત કરીએ તો ડગલેને પગલે અભાવ તે વિસ્તારોમાં હોય છે, જિંદગીની દરેક પળે સંઘર્ષ કરવો પડે છે. જિંદગી જીવવાના અવસર ઓછા અને સંઘર્ષનો સમય વધારે હોય છે. પરંતુ તેમ છતાં પણ તેમણે જિંદગીને જીવવાની એક રીત અપનાવી છે. – દરેક પળે ખુશી, દરેક પળે નાચવું – ગીત ગાવું, સમૂહમાં જીવવું, કદમથી કદમ મીલાવીને ચાલવું, એ આદિવાસી સમાજે પોતાનામાં ઉતારી લીધું છે. તે મુશ્કેલીઓમાં પણ જીવવાનું જાણે છે. મુશ્કેલીઓમાંથી પણ જિંદગીમાં ઝનૂન ભરવાનો જુસ્સો તેઓ ધરાવે છે.
મારું આ સૌભાગ્ય રહ્યું છે કે જવાનીના ઉત્તમ વર્ષ મને આદિવાસીઓની વચ્ચે સામાજિક કાર્યોમાં પસાર કરવાની તક મળી હતી. આદિવાસી જીવનને ખૂબ જ નજીકથી જોવાનું મને સૌભાગ્ય મળ્યું છે. જ્યારે તમે વાતો કરતા હો છો તો કલાકભરમાં તો મુશ્કેલથી તમારા મોંમાંથી કોઇ ફરિયાદ નીકળી શકે. તે ફરિયાદ કરવાનું જાણતા જ નથી. સંકટમાં જીવવું, અભાવની વચ્ચે આનંદ કેવી રીતે વ્યક્ત કરવો, આ આપણે શહેરમાં રહેનારા લોકોએ જો શીખવું હોય તો મારા આદિવાસી ભાઇઓથી મોટો કોઇ ગુરુ ન હોઇ શકે.
કલા અને સંગીતની તેમને અદભુત દેન છે. પોતાની બોલી, પોતાની પરંપરા, પોતાની વેશભૂષા, તેમાં પણ સમય અનૂકુળ નવા રંગો ભરતા જવું પરંતુ પોતાનાપણું ન ગુમાવવા દેવું. એવી કળા કદાચ જ કોઇ બતાવી શકે છે. આ સામર્થ્ય આપણા દેશનું છે. આ સામર્થ્ય આપણી જનશક્તિનું પરિયાચક છે અને એટલા માટે ભારત જેવા વિશાળ દેશમાં આ વિવિધતાઓને સાચવીને રાખવી , આ વિવિધતાઓનો આદર કરવો, તેમનું સમન્વય કરવું અને આ વિવિધતાઓમાં ભારતની એકતાને ગુલાબી ફૂલના રૂપમાં અનુભવ કરવો, આ દેશની તાકાતને વધારે છે.
આપણા લોકોને વધારે ખબર હોતી જ નથી, જંગલની સામાન્ય ચીજોમાંથી, જેમ કે વાંસ જ લેવામાં આવે, આપણા આદિવાસી ભાઇ વાંસમાંથી એવી એવી ચીજો બનાવે છે કે ફાઇવ સ્ટાર હોટલમાં તેને સ્થાન મળી જાય તો મહેમાન ચકિત રહી જાય છે કે વાહ આ કેવી રીતે બન્યું હશે ? મશીનથી બન્યું હશે કે કેમ ? જંગલોમાં તો આદિવાસીઓ દ્વારા જે ઉત્પાદિત ચીજો થાય છે જે સામાન્ય જીવનમાં કામમાં આવે છે પરંતુ તેની જેટલી માત્રામાં માર્કેટિંગ થવું જોઇએ , બ્રાન્ડિંગ થવું જોઇએ, આર્થિક દ્રષ્ટિથી નવી તકો પેદા કરે તેમ હોવું જોઇએ. તે દિશામાં આપણે હજી પણ ઘણું કામ કરવાનું બાકી છે.
સમગ્ર દેશમાંથી આદિવાસી આવ્યા છે. પોતાના આ ઉત્પાદનોને પણ લાવ્યા છે. દેશના ખૂણા ખૂણામાંથી આદિવાસી ભાઇઓ બહેનો કેવી – કેવી ચીજો ઉત્પાદિત કરે છે અને આપણા ઘરોમાં, વેપારમાં, દુકાનમાં, સજાવટમાં કેવી રીતે તેનો ઉપયોગ થઇ શકે છે, તેના માટે ખૂબ જ મોટો અવસર પ્રગતિ મેદાનમાં ઉપલબ્ધ બન્યો છે. જેટલી મોટી માત્રામાં આપણે ખરીદી કરીશું તે જંગલોમાં રહેનારા આપણા આદિવાસી ભાઇઓ તથા બહેનોના જીવનમાં આર્થિક રૂપથી તાકાત આપશે. અવસર માત્ર એ જ નથી કે દિલ્હી ફક્ત તેમના ગીત સંગીતનો અનુભવ કરે, પરંતુ તેમના આર્થિક સામર્થ્યની જે તાકાત છે , તેમને પણ આપણે યોગ્ય રીતે સમજીએ અને તે આર્થિક તાકાતને બળ આપીએ, તે દિશામાં આપણે પ્રયાસ કરીએ.
મને અમુક સમય પહેલા સિક્કિમ જવાની તક મળી હતી. ત્યાં એક યુવક યુવતી સાથે મારો પરિચય થયો હતો. પહેરવેશથી તો લાગતું હતું કે તે કોઇ મોટા શહેરથી આવ્યા છે. હું તેમની પાસે ગયો. મેં પૂછ્યું તો બંને કહી રહ્યા હતા કે બંને અલગ રાજ્યોમાંથી હતા, બંને અલગ અલગ આઇઆઇએમમાં ભણ્યા હતા. મેં કહ્યું , અહીં સિક્કિમ જોવા આવ્યા છો કે કેમ? તેમણે કહ્યું કે , જી નહીં, અમે તો દોઢ વર્ષથી અહીં રહી રહ્યા છીએ. અભ્યાસ પૂરો કર્યા બાદ અમે સિક્કિમ આવતા રહ્યા હતા અને અહીં પહાડોમાં રહેનારા આપણા જે ગરીબ ખેડૂત ભાઇ છે જે ચીજ તેઓ ઉત્પાદિત કરે છે તેમનું અમે પેકેજીંગ કરીએ છીએ, બ્રાન્ડિંગ કરીએ છીએ અને અમે વિદેશોમાં મોકલવાનું કામ કરીએ છીએ. તમે કલ્પના કરી શકો છો? આઇઆઇએમમાં ભણેલા બે બાળકો તે તાકાતને જાણી ગયા અને તેમણે પોતાનું એક ખૂબ જ મોટું સ્ટાર્ટ અપ ત્યાં ઊભું કરી દીધું છે. દુનિયાના બજારોમાં ત્યાંથી પ્રોડક્ટ પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે.
જો કોઇ ત્યાં ગયું હોત તો ખબર ન પડી હોત કે કેટલું સામર્થ્ય પડ્યું છે? આજે પણ દુનિયામાં ધીરે – ધીરે હોલિસ્ટિક હેલ્થકેરની તરફ લોકોનું ધ્યાન જવા લાગ્યું છે. પારંપરિક ચિકિત્સા તરફ દુનિયા આકર્ષિત થવા લાગી છે. આપણે આદિવાસી ભાઇઓની વચ્ચે જઇએ તો જંગલોમાંથી જડી બૂટ્ટી લઇને તરત જ દવા બનાવીને તમને આપી દે છે. ‘ સારું ભાઇ તાવ આવ્યો છે ચિંતા ન કરો , એક કલાકમાં સારું થઇ જશે’ . અને તે જડી બૂટ્ટીમાંથી રસ કાઢીને પીવડાવી દે છે. આ કઈ વિદ્યા છે તેમની પાસે?
આ પરંપરાગત સામર્થ્ય છે જેને આપણે ઓળખવું , આધુનિક સ્વરૂપમાં ઢાળી દેવું, દુનિયા જે મેડિકલ સાયન્સને સમજે છે તેમાં તેને પ્રતિબિંબ કરવું છે. આ આપણી મેડિસિન જેના માલિક આપણા આદિવાસી ભાઇઓ બહેનો છે, તેમના માધ્યમથી આપણે આ તમામ શક્તિને સમજવા ઓળખવા અને વિશ્વની સામે રાખવાની એક ખૂબ જ મોટી તક છે. એવા લોકો પણ અહીં આવ્યા છે જેમણે જંગલમાં પડેલી જડી બૂટ્ટીઓની અંદર ઔષધની તાકાતને ઓળખી છે. તે ચીજોનો શું ઉપયોગ થઇ શકે છે, તેને એ દેખાડી શકે છે.
હાલમાં અહીં ગુજરાતના કલાકાર પોતાની કલા દર્શાવી રહ્યા હતા. એક ડાંગ જિલ્લો છે ત્યાં, નોનો, આદિવાસી વસતી છે. હું ઘણા વર્ષો પહેલા ત્યાં કામ કરતો હતો. ત્યારે તો મારે રાજકારણ સાથે કોઇ લેવા-દેવા નહોતું. વચ્ચે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે ત્યાં જવાનું થતું હતું તો હું હેરાન હતો, ત્યાં એક અન્ન પેદા થાય છે. – નાગલી. આ આયરનથી થાય છે. આપણે અહીં કુપોષણ , ખાસ કરીને મહિલાઓની જે સમસ્યા છે. આજથી 30 -35 વર્ષ પહેલા જ્યારે હું જતો હતો તો કાળા રંગની નાગલી થતી હતી અને તેની જે રોટી બનાવતા હતા, તો તે કાળી બનતી હતી. જ્યારે મારે મુખ્યમંત્રી તરીકે ત્યાં જવાનું થયું તો મેં સ્વભાવિક રીતે કહ્યું, અમે તો નાગલી ખાવા માટે આવ્યા છીએ, તો એ વખતે નાગલીની રોટી સફેદ હતી. મને જરા આશ્ચર્ય થયું. વાસ્તવમાં તે આદિવાસીઓએ તેમાં કોઇને કોઇ રિસર્ચ કરીને તેને કાળામાંથી સફેદ નાગલી કોઈક રીતે ઉત્પાદિત કરવાની દિશામાં સફળતા મેળવી હતી.
એટલે કે જે મોટા મોટા વૈજ્ઞાનિક જેનેટિક્સ એન્જિનીયરીંગ કરે છે, મારો આદિવાસી ભાઇ જેનેટિક હસ્તક્ષેપથી પરિવર્તન લાવી શકે છે. મારું કહેવાનું તાત્પર્ય છે કે કેટલું મોટું સામર્થ્ય પડ્યું છે. આ સામર્થ્યને આપણે ઓળખવાની જરૂર છે. આપણા દેશમાં આટલી મોટી આદિવાસી જનસંખ્યા છે પરંતુ ભારત સરકારમાં જનજાતિઓ માટે કોઇ અલગ મંત્રાલય નહોતું. હું આજે જ્યારે મોટી જનજાતી સમુદાયની વચ્ચે ઊભો છું ત્યારે ખૂબ જ આદરપૂર્વક ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને નમન કરવા માગું છું, તેમનું અભિનંદન કરવા માગું છુ કે આઝાદીના પચાસ વર્ષ બાદ પહેલી વખત જ્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર બની ત્યારે પહેલી વખત જનજાતિ માટે દેશમાં અલગ મંત્રાલય બન્યું અને આપણા જુએલજી તેના પ્રથમ મંત્રી હિન્દુસ્તાનમાં બન્યા.
ત્યારથી લઇને જનજાતીય ક્ષેત્રોના વિકાસ, જનજાતીય સમુદાયોના વિકાસ, જનજાતીય સમાજની શક્તિને ઓળખવી, તેને સામર્થ્ય આપવા પર અલગ અલગ પ્રકારના પ્રકલ્પ ચાલી રહ્યા છે. ધન ખર્ચ થાય છે પરંતુ પરિણામ નજરે કેમ આવતું નથી? અને તેનું મૂળ કારણ એ છે કે જ્યાં સુધી આપણી યોજનાઓ, ખાસ કરીને જનજાતીય સમુદાયોમાં, દિલ્હીની એકકંડીશન રૂમમાં બેસીને કે રાજ્યોની રાજધાનીના એરકંડીશન રૂમમાં બેસીને તેના માળખાને તૈયાર કરીશું તો જનજાતીય સમુદાયોમાં આપણે જે ઇચ્છીએ છીએ તે ફેરફાર ન આવી શકે. તે ફેરફાર ત્યારે જ આવે છે જ્યારે નીચેથી ઉપર જનજાતીય સમુદાય પોતાના વિસ્તારમાં શું ઇચ્છે છે, તેની પ્રાથમિકતા શું છે, તેના આધાર પર જો બજેટની ફાળવણી થશે અને સમયસીમામાં તે પ્રકલ્પોને પૂરા કરવા માટે, તે જનજાતીય સમુદાયોને ભાગીદાર બનાવવામાં આવશે તો તમે જોશો કે જોતજોતામાં ફેરફાર આવવાનો શરૂ થઇ જશે.
અમે ભારત સરકારની વન બંધુ કલ્યાણ યોજના લાવ્યા છીએ. આજે જનજાતીય સમુદાયની વચ્ચે લગભગ સરકારના 28થી વધારે વિભાગમાં કામની કોઇને કોઇ જવાબદારી લઇને બેઠું છે. અને થાય છે શું? એક વિભાગ એક ગામમાં કામ કરે છે, બીજો વિભાગ બીજા ગામમાં કામ કરે છે, ન કોઇ પરિવર્તન આવે છે ન કોઇ પ્રભાવ નજરે આવે છે. અને એટલા માટે વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ તમામ વિભાગોની યોજનાઓ… યોજનાઓ ચાલતી રહે છે પરંતુ કેન્દ્રીત રીતે તે જનજાતીય સમુદાયોની જરૂરીયાતને પ્રાથમિકતા આપતા પ્રાકલ્પોને લાગૂ કરે, તેની પર એક મોટું કામ ચાલી રહ્યું છે, જેના સારા પરિણામ દેખાઇ રહ્યા છે. હવે જનજાતીય સમુદાય ભાગીદાર બની રહ્યો છે. તે નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બની રહ્યો છે. આ મૂળભૂત પરિવર્તન છે અને તેના કારણે ધનનો સાચો ઉપયોગ, તેના વિકાસ માટે થવો જોઇએ.
આપણા દેશમાં ક્યારેક મોટા મોટા લોકોને લાગે છે, મોટા – મોટા પર્યાવરણવિદ મળે છે તો કહે છે જંગલોની રક્ષા કરવી છે, વનોની રક્ષા કરવી છે. હું અનુભવની સાથે કહું છું કે જો વનોને કોઇએ બચાવ્યા છે તો એ મારા જનજાતીય સમુદાયોએ બચાવ્યા છે. તે બધું જ આપી દેશે પરંતુ જંગલોને તબાહ થવા નહીં દે. આ તેના સંસ્કારમાં હોય છે. જો આપણે જંગલોની રક્ષા કરવી છે તો જનજાતીય સમુદાયોથી મોટું આપણું કોઇ રક્ષક ન બની શકે. આ વિચારને પ્રાથમિકતા આપવાનો અમારો પ્રયાસ છે.
વર્ષોથી, પેઢીઓથી , જંગલોને બચાવી રાખતા પોતાનું પેટ પોષવા માટે નાના – નાના ટુકડાઓમાં તે ખેતી કરે છે. ન તેમની પાસે કોઇ કાગળ છે, ન લખ્યું છે, ન કોઇએ કંઇ આપ્યું છે, તે જે છે સદીઓથી તે પોતાના પૂર્વજોનું પરિણામ છે. પરંતુ હવે સરકારો બદલાઇ રહી છે, સંવિધાન, કાયદો, નિયમ અને તેના કારણે ક્યારેક ક્યારેક જંગલોમાં જિંદગી ગુજારનારા આપણા આદિવાસી ભાઇઓને પરેશાની વેઠવી પડે છે. ભારત સરકાર સતત રાજ્યોના સહયોગથી આદિવાસીઓને જમીનના પટ્ટા આપવાનું મોટું અભિયાન ચલાવી રહી છે. અને આદિવાસીઓને તેમનો હક મળવો જોઇએ. એ અમારી પ્રાથમિકતા છે . આદિવાસીઓની જમીન છીનવવાનો આ દેશમાં કોઇને અધિકાર ન હોવો જોઇએ. કોઇને એવી તક ન મળવી જોઇએ, એ અમારી પ્રતિબદ્ધતા છે. અને તે દિશામાં સરકાર કઠોરથી કઠોર કાર્યવાહી કરવાના પક્ષમાં છે અને તેને અમે કરી રહ્યા છીએ.
તેવી જ રીતે આદિવાસીઓને જમીનનો હક પણ મળવો જોઇએ કારણ કે જમીન જ તેની જિંદગી છે, જંગલ જ તેની જિંદગી છે, જંગલ જ તેનો ઇશ્વર છે, ઉપાસના છે, તેનાથી એને અલગ ન કરી શકાય. આપણા દેશમાં પ્રાકૃતિક સંપત્તિઓ છે ભલે કોલસો હોય, ભલે લોખંડ હોય અને અન્ય પ્રાકૃતિક સંપત્તિઓ હોય, મોટાભાગે આપણી પ્રાકૃતિક સંપત્તિઓ અને જંગલ તથા જનજાતીય સમુદાય ત્રણેય સાથે સાથે છે. જ્યાં જંગલ છે ત્યાં જનસમુદાય છે અને તે જંગલોમાં જ પ્રાકૃતિક સંપત્તિઓ છે. હવે કોલસા વગર તો ચાલવાનું જ નથી તેને તો કાઢવો જ પડશે. લોખંડ વગર તો ચાલશે જ નહીં તેને તો કાઢવું જ પડશે. દેશને આગળ વધારવો છે તો સંપત્તિનો વપરાશ કરવો પડશે. પરંતુ તે જનજાતીય સમુદાયનું શોષણ કરીને ન થવું જોઇએ. તેમના હકોને બાધા પહોંચાડ્યા વગર જ થવું જોઇએ. પહેલી વખત છેલ્લા બજેટમાં ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેનો સીધો સીધો લાભ જંગલોમાં જિંદગી ગુજારનારા આપણા જનજાતીય સમુદાયને મળ્યો. અમે શું કર્યું ? આ જંગલોમાંથી જે પણ પ્રાકૃતિક સંપત્તિઓ નીકળે છે, જે ખનીજ સંપત્તિ નીકળે છે તેની પર અમુક ટેક્સ લગાવ્યો. તે ટેક્સનું એક ફાઉન્ડેશન બનાવ્યું. દરેક જિલ્લાનું અલગ ફાઉન્ડેશન. તે જિલ્લાના સરકારી અધિકારીને તેના મુખીયા રાખવામાં આવ્યા. અને સરકારે નિર્ણય કર્યો કે આ ફાઉન્ડેશનમાં જે પૈસા આવશે, તે એ જ વિસ્તારના જનજાતીય સમુદાયના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવશે. સ્કૂલ પણ બનશે તો તેમના માટે બનશે. હોસ્પિટલ બનશે તો તેમના માટે બનશે, રોડ બનશે તો તેમના માટે બનશે, ધર્મશાળા બનશે તો તેમના માટે બનશે, તે જ સમુદાયો માટે.
જ્યારે મને છત્તીસગઢના મુખ્યમંત્રી મળ્યા, ડો. રમનસિંહ, તેમણે મને કહ્યું, મોદીજી એવો મોટો નિર્ણય તમે લીધો છે અમારા જે સાત જિલ્લા છે, તે સાત જિલ્લામાં આ ટેક્સના કારણે એટલા પૈસા આવવાના છે કે આજે જે સામાન્ય બજેટ ખર્ચ કરીએ છીએ તેનાથી અનેક ઘણા તે પૈસા હશે. એક સમય એવો આવશે કે અમારે આ સાત જિલ્લાઓમાં રાજ્યની તિજોરીમાંથી એક પૈસા નહીં આપવા પડે. એટલા પૈસા જનજાતીય સમુદાય માટે ખર્ચ થવાના છે. હજારો – કરોડ રૂપિયાનો લાભ આ ફાઉન્ડેશનમાંથી મળશે. જ્યારે પહેલા ત્યાંથી કોલસો પણ જતો રહેતો હતો, લોખંડ પણ જતું રહેતું હતું પંરતુ ત્યાં રહેનારા જનજાતીય સમુદાયને લાભ નહોતો મળતો. હવે સીધો લાભ તેને મળશે . તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.
અમે એક વાતને મહત્વ આપી રહ્યા છીએ. આપણે આપણા જંગલોને બચાવવા છે, પોતાના જનજાતીય સમુદાયની જમીનને બચાવવી છે, તેમની જે આર્થિક આવકનું સાધન છે તેમને પણ સુરક્ષિત રાખવા છે અને એટલા માટે અમે આધુનિક ટેક્નીક દ્વારા અંડરગ્રાઉન્ડ માઇનિંગને બળ આપવા માગીએ છીએ. જેથી ઉપર જંગલ જેવું હતું એવું જ રહે, જિંદગી જેમ હતી તેમ જ રહે. નીચે જમીનના ઊંડાણમાં જઇને કોલસો વગેરે કાઢવામાં આવે જેથી ત્યાંના જીવનને કોઇ તકલીફ ન થાય. એ આધુનિક ટેક્નિકની દિશામાં ભારત સરકાર પ્રતિબદ્ધ છે.
બીજું, આધુનિક ટેક્નિક દ્વારા કોલસાનું ગેસિફિકેશન કરવું, એટલે કે ભૂગર્ભમાં જ કોલસામાંથી ગેસ કાઢીને તેને નીકળવામાં આવે. જેથી ત્યાંના કારણે પર્યાવરણને પણ કોઇ નુકસાન ન થાય. ત્યાંના આપણા જનજાતીય સમુદાયને પણ કોઇ નુકસાન ન થાય.
એવા અનેક પ્રકલ્પ જેમના દ્વારા જનજાતીય સમુદાયનું કલ્યાણ કરવાનો અમારો પ્રયાસ છે. સરકારે એક રર્બન (ગ્રામીણ – શહેરી) મિશન હાથમાં લીધું છે. આ મિશન દ્વારા આદિવાસી ક્ષેત્રોમાં જ્યાં જનજાતીય સમુદાય રહે છે ત્યાં નવા ગ્રોથ સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યાં આર્થિક ગતિવિધિના કેન્દ્ર વિકસીત થાય. આજે પણ આદિવાસીઓના અલગ અલગ બજાર લાગે છે. તે જ્યાં જાય છે, પોતનો માલ વેચે છે અને બદલામાં બીજો માલ લઇને પરત ફરે છે. બાર્ટર સિસ્ટમ આજે પણ જંગલોમાં ચાલે છે. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે 50 – 100 આદિવાસી ગામોની વચ્ચે એક – એક નવું વિકાસ કેન્દ્ર વિકસીત થાય. જે આગામી દિવસોમાં આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બને. આજુ બાજુના ગામના લોકો પોતાના ઉત્પાદનોને જ્યાં વેચવા માટે આવે. સારી શિક્ષાનું તે કેન્દ્ર બને. સારા આરોગ્યની સેવાઓનું કેન્દ્ર બને. અને આજુ બાજુના 50 – 100 જે ગામ છે જે આસાનીથી તે વ્યવસ્થાનો ઉપયોગ કરે.
એ સ્થાન એવા છે જ્યાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ક્યારેક શહેરનો શિક્ષક આદિવાસી વસતીમાં જવા માટે તૈયાર રહેતો નહોતો. ક્યારેક ડોક્ટર જવા માટે તૈયાર થતા નહોતા. એવામાં આ રર્બન સેન્ટર પર જે સુવિધાઓ છે જેથી આપણા શહેરના લોકોને અહીં સરકારી નોકરી મળે છે તો ત્યાં રહીને કામ કરવાનું પસંદ કરે. એવામાં 100થી વધારે આદિવાસી વિસ્તારમાં રર્બન સેન્ટર ઊભા કરવાનો અમારો પ્રયાસ છે જે નવા આર્થિક ગ્રોથ સેન્ટરના રૂપમાં કામ કરશે. ત્યાં જીવનની આત્મા જનજીવનની હશે, પરંતુ ત્યાં સુવિધાઓ જે શહેરના લોકોને મળે તે તમામ ઉપલબ્ધ હશે. એવા ગ્રોથ સેન્ટરની એક જાળ બીછાવવાની દિશામાં ભારત સરકાર કામ કરી રહી છે.
આજે દેશભરમાંથી આવેલા મારા આદિવાસી જનજાતીય સમુદાયોના ભાઇઓ – બહેનો, દિલ્હીમાં તમારો આ અનુભવ આનંદ ઉમંગથી ભરેલો થાય, તમે તમારી જે કલા, કૃતિઓ અને ઉત્પાદન લઇને આવ્યા છો તે દિલ્હીના દિલમાં જગ્યા મેળવી લે. વેપારીઓના દિલમાં જગ્યા મેળવી લે. એક નવા આર્થિક ક્ષેત્રના દ્વાર ખુલી જાય, આ દિવાળી તમારી જિંદગીમાં નવો પ્રકાશ લાવનારી બને, વિકાસનો પ્રકાશ લઇને આવે, એવી દિવાળી માટે હું તમને સહુને શુભકામનાઓ પાઠવું છું. અને તમે આ તમામ પાવન તહેવારના નિમિતે અહીં મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા, હું માથું ઝુકાવીને, તમને નમન કરતા, પોતાની વાણીને વિરામ આપું છું.