નમસ્તે!
Institute of Chartered Accountant of India (ICAIના અધ્યક્ષ શ્રીમાન નિલેશ વિક્રમસે, સંસ્થાના તમામ પદાધિકારીઓ, નાણાં મંત્રી શ્રી અરુણ જેટલીજી, કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળના મારા તમામ સાથીદારો અને દેશભરમાં લગભગ 200 સ્થળે ઉપસ્થિત Chartered Accountant Fieldના તમામ મહાનુભાવો, રાજ્યોમાં ઉપસ્થિત તમામ માનનીય મુખ્યમંત્રીઓ, તમને બધાને દિલ્હીમાં વરસાદ વચ્ચે પણ આ ઉમંગ અને ઉત્સાહ સાથે મારા નમસ્કાર.
આજે શુભ પ્રસંગે તમને બધાને અભિનંદન આપું છું. આજે સભાગૃહમાં ઉપસ્થિત અને દેશમાં અલગ-અલગ સ્થળે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલા મહાનુભાવો, ટીવી અને રેડિયો પર જોનાર દર્શકો અને સાંભળનાર શ્રોતાઓ, તમામ દેશવાસીઓ, નવયુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો.
આજે Institute of Charted Accountant of India (ICAI)નો સ્થાપના દિવસ છે. તમને બધાને મારા તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છા. આજે સારો જોગાનુજોગ એ છે કે આજે તમારો સ્થાપના દિવસ છે અને ભારતના આર્થિક જગતમાં એક નવો માર્ગ પ્રશસ્ત થવાનો દિવસ છે. આજથી જ ભારતમાં જીએસટી (વસ્તુ અને સેવા વેરો – ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ) એટલે કે Good and Simple Taxની શરૂઆત પણ થઈ છે.
મારા માટે ખુશીની વાત એ છે કે આ ઐતિહાસિક પ્રસંગે હું તમારી વચ્ચે ઉપસ્થિત છું. આ મારું સૌભાગ્ય કે સદનસીબ પણ છે. નવયુવાનો, Chartered Accountant Fieldની સાથે અનેક વર્ષોથી જોડાયેલા તમામ મહાનુભાવો, તમને દેશની સંસદે એક પવિત્ર અધિકાર આપ્યો છે. હિસાબના ખાતાઓમાં, ચોપડાઓમાં સાચા હિસાબને સાચો અને ખોટા હિસાબને ખોટો કહેવાનો, તેને પ્રમાણિત કરવાનો, તેનું ઓડિટ કરવાનો – આ અધિકાર ફક્ત તમારી અને તમારી જ પાસે છે. મિત્રો, જે રીતે ડૉક્ટર સમાજ અને વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યની ચિંતા કરે છે, તેમ તમારી પાસે સમાજના આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી છે. તમે વિચારો કે કોઈ ડૉક્ટર એવું કહેશે કે તમે આ ખાવ, તે ખાવ, તમે આ પીવો, એ પીવો, જેથી તમારું સ્વાસ્થ્ય બગડે, તમે બિમાર પડો અને મારો ધંધો વધુને વધુ ચાલે, મારી આવક વધે. ડૉક્ટર જાણે છે કે કોઈ બિમાર પડશે, તો ફાયદો મને જ થશે, મારી જ આવક વધશે. છતાં ડૉક્ટર તમને સ્વસ્થ રહેવા માટે વિવિધ સૂચનો કરે છે.
મારા સાથીદારો, ડૉક્ટરની જેમ તમે પણ સમાજના આર્થિક સ્વાસ્થ્યના સંરક્ષક છો. સમાજમાં આર્થિક ક્ષેત્રે ખોટું ન થાય, લોકો ખોટા માર્ગ ન અપાવે, એનું ધ્યાન તમે રાખો છો. તમે દેશના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ સ્તંભ છો. એટલે તમારા બધા વચ્ચે આવવું મારા માટે પોતાના માટે પણ તથા એક શિક્ષણ અને દીક્ષાનો પણ મોટો અવસર છે. દુનિયાભરમાં ભારતના Chartered Accountants તેમની સમજણ અને શ્રેષ્ઠ Financial Skills માટે જાણીતા છે. આજે મને નવા Chartered Accountancy Course Curriculumનું લોકાર્પણ કરવાનો, તેની શરૂઆત કરવાની તક મળી છે. તમારા Dynamic Course અને Examની વિશ્વસનિયતાની ઓળખ આ જ છે. મને આશા છે કે નવો અભ્યાસક્રમ આ વ્યવસાયમાં આવનાર નવા લોકોની Financial Skillsને વધારશે. હવે આપણે વૈશ્વિક માપદંડો અને વૈશ્વિક જરૂરિયાતોને અનુરૂપ આપણી સંસ્થાઓ અને માનવ સંસાધન વિકાસને વિકસાવવાનો છે. આ માટે આપણે માનવ સંસાધન વિકાસને વૈશ્વિક સ્તરને અનુરૂપ વિકસાવવા સતત ગતિશીલ વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. આપણે અભ્યાસક્રમમાં એકાઉન્ટન્ટ ફિલ્ડની ટેકનોલોજીકલ ચીજોને કેવી રીતે સ્થાપિત કરવી, આપણી કેટલીક ચાર્ટર્ડ ન્યૂટ્રલ કંપનીઓ, ટેકનોલોજીમાં શું નવીનતા લાવી શકે છે, એકાઉન્ટન્ટ ફિલ્ડમાં કેવી નવીનતા લાવી શકાય છે તેનો વિચાર કરવો પડશે. નવા-નવા સોફ્ટવેર વિકસાવવા પડશે. આ એક બહુ મોટું અને નવું બજાર છે, જે તમારી રાહ જુએ છે.
મિત્રો,
આપણા શાસ્ત્રોમાં ચાર પુરુષાર્થો જણાવવામાં આવ્યા છે. આપણા શાસ્ત્રોમાં ચાર પુરુષાર્થોની ચર્ચા કરવામાં આવી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ! તમે ઋષિ-મુનિઓને ધર્મ અને મોક્ષ વિશે ચર્ચા કરતા જોયા છે. એ જ રીતે આર્થિક જગતની ચર્ચા કરવી પણ તમારા હાથમાં છે. જે રીતે ઋષિ-મુનિઓ સમાજને ધાર્મિક-આધ્યાત્મિક રીતે વ્યક્તિગત અને સામાજિક ઉન્નતિનો માર્ગ દેખાડે છે, એ જ રીતે તમને આર્થિક જગતના ઋષિ-મુનિઓ કહું તો એ ખોટું નથી. સમાજ માટે મોક્ષનું દિશાદર્શન કરતા ઋષિ-મુનિઓ મહત્વપૂર્ણ છે, એટલું જ મહત્વ માનવ જીવનમાં, અર્થવ્યવસ્થામાં તમારા માર્ગદર્શનનું છે. આર્થિક જગતમાં સાચો વ્યવહાર શું છે, કયો માર્ગ સાચો છે વગેરે દિશાદર્શન કરવાની જવાબદારી Chartered Accountant ફિલ્ડના દરેક નાની-મોટી વ્યક્તિની છે.
મારા પ્રિય સાથીદારો,
તમે મને પ્રેમ આપ્યો છે, તમે મારો જુસ્સો વધાર્યો છે અને તમારા પ્રેમના કારણે આજે હું તમારી સાથે દિલ ખોલીને કેટલીક વાતો કરવા પ્રેરિત થયો છું. મારી અને તમારી દેશભક્તિમાં કોઈ કમી નથી. જેટલી ધગશ મને દેશને પ્રગતિના પંથે અગ્રેસર કરવાની છે, એટલી જ ઇચ્છા-આકાંક્ષા તમારા હૃદયમાં છે. પણ કેટલીક વાસ્તવિકતાઓ પણ છે, જે ક્યારેક વિચારવા મજબૂત કરી દે છે. તમારા લોકોમાંથી જેઓ જૂના, અનુભવી લોકો છો, તેમની પાસેથી તમે સાંભળ્યું હશે કે જો કોઈ ઘરમાં આગ લાગે, તો તેની તમામ સંપત્તિ નષ્ટ થઈ જાય છે. પછી આ પરિવાર પુરુષાર્થના બળે ફરી બેઠો થઈ જાય છે. કષ્ટ પડે છે, મુશ્કેલીઓ આવે છે, પણ પુરુષાર્થના બળે પરિવાર ફરી પોતાનો વેપાર શરૂ કરે છે. સમયની સાથે સંકટ દૂર થાય છે. પણ આપણા વડીલો કહે છે કે આગ લાગ્યા પછી પરિવારના સભ્યો તેને ઊભો કરવાનું કામ તો પાર પાડી દે છે, પણ કુટુંબના એક સભ્યને ચોરી કરવાની ટેવ હોય, તો એ કુટુંબ ક્યારેય ઊભું થઈ શકતું નથી. ભાઈઓ અને બહેનો, આખું કુટુંબ ચોરી કરતું નથી, આખું કુટુંબ ચોર હોતું નથી. પરિવારનો એક સભ્ય કુટુંબના નિયમોને તોડીમરોડીને ચોરી કરે છે અને સરવાળે આખું ઘર બરબાદ થઈ જાય છે.
હિસાબને પ્રમાણિત કરનાર મારા સાથીદારો,
કુટુંબની જેમ કોઈ પણ દેશ મોટામાં મોટી આફતોમાંથી પોતાને ઉગારી શકે છે. ધરતીકંપ હોય, પૂર હોય, દુષ્કાળ હોય – કોઈ પણ સંકટ હોય, દેશની જનતા જનાર્દનમાં સામર્થ્ય હોય છે. જનતા ખભેખભો મિલાવીને સંકટમાંથી બહાર નીકળી જાય છે, પણ દેશમાં કેટલાંક લોકોને ચોરી કરવાની ટેવ પડી જાય, તો પરિવારની જેમ દેશ પણ બેઠો થઈ શકતો નથી. તમામ સપના તૂટી જાય છે, વિકાસની ગાડી થંભી જાય છે. દેશ પ્રગતિ કરવા સજ્જ હોય છે, પણ થોડા લોકો આ પ્રગતિને રોકવાનું કામ કરે છે. આ પ્રકારના લોકો સામે કડક હાથે કામ કરવા સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં અનેક પગલાં લીધા છે. નવા કાયદા બનાવ્યા છે, જૂના કાયદાને વધુ કડક કર્યા છે. અનેક દેશો સાથે સમજૂતીઓ કરી છે. જૂની સમજૂતીઓમાં ફેરફારો કર્યા છે. વિદેશમાં કાળાં ધન સામે કાર્યવાહીની શું અસર થઈ છે એનો પુરાવો સ્વિસ બેંકોએ જાહેર કરેલા લેટેસ્ટ આંકડામાંથી મળે છે.
સ્વિસ બેંકોએ જાણકારી આપી છે કે, ભારતીયો દ્વારા જમા રકમ અત્યાર સુધીના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગઈ છે. 30 વર્ષ અગાઉ સ્વિસ બેંકોએ જાણકારી આપવાની શરૂઆત કરી હતી કે, કયા દેશના લોકો કેટલો રૂપિયો ત્યાં જમા કરાવે છે. ગયા વર્ષનો રિપોર્ટ હવે જાહેર થયો છે, જેમાં ત્યાં જમા ભારતીયોનું નાણું, નવું નહીં જૂનું, તેમાં 45 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2014માં જે દિવસે તમે મને કામગીરી સુપરત કરી, તમે મને દિલ્હીમાં નેતૃત્વ સોંપ્યું, એ જ દિવસથી ઘટાડાની શરૂઆત થઈ ગઈ હતી. આ ઘટાડો વધુ ઝડપથી થવા લાગ્યો છે અને તમને જાણીને દુઃખ પણ થશે, આશ્ચર્ય પણ થશે કે, વર્ષ 2013માં સ્વિસ બેંકોમાં ભારતીયના નાણાંમાં 42 ટકાનો વધારો થયો હતો. 42 ટકાને વધારો! ભાઈઓ અને બહેનો, હવે બે વર્ષ પછી સ્વિટ્ઝરલેન્ડમાં રિયલટાઇમ ડેટા મળવાની શરૂઆત થશે. પછી વિદેશમાં કાળું નાણું જમા કરાવનાર લોકોની મુશ્કેલીઓમાં વધારો જ થશે. મને ખાતરી છે કે તમારા પૈસા ત્યાં જમા કરાવવાને લાયક નહીં રહે, પણ મારા પ્રત્યે આટલો પ્રેમ છે એટલે હું તમને આ વાત કાનમાં જણાવું છું.
સાથીદારો,
તમે બધા જાણો છો કે એક તરફ હું દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યો છું, તો બીજી તરફ અર્થવ્યવસ્થામાં પણ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. તમને અને તમામ દેશવાસીઓને 8 નવેમ્બર બરોબર યાદ છે. Demonetization (વિમુદ્રીકરણ)નો નિર્ણય કાળાં નાણાં અને ભ્રષ્ટાચારની સામે એક બહુ મોટું પગલું હતું. મેં સાભળ્યું છે કે…સાચું કે ખોટું એ તમે જાણો. મેં સાંભળ્યું છે કે 8 નવેમ્બર પછી તમારા લોકોની કામગીરી વધી ગઈ હતી. તમારે એટલું કામ કરવું પડ્યું, એટલું બધું કામ કરવું પડ્યું કે કદાચ તમને તમારી કારકિર્દીમાં કરવાની તક મળી નહોતી. મેં એવું પણ સાંભળ્યું છે કે અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવાળીનું વેકેશન માણવા બહાર ગયા હતા. હોટેલ બુક હતી, રૂપિયા ચુકવી દીધા હતા. પણ બધો કાર્યક્રમ રદ કરીને તેમને પરત ફરવાની ફરજ પડી હતી. કહેવાય છે કે કેટલાંક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસો રાતે પણ ધમધમતી હતી. મને ખબર નથી કે પરત ફરીને તમે શું કામ કર્યું હતું. સાચું કર્યું હતું કે ખોટું કર્યું હતું. દેશ માટે કર્યું કે ક્લાયન્ટ માટે કર્યું. પણ તમે કામ જરૂર કર્યું હતું.
સાથીદારો,
કાળાં નાણાં સામેના આ સફાઈ અભિયાન દરમિયાન હું પહેલી વખત કેટલીક વાતો આજે તમારી સાથે વહેંચી રહ્યો છું, કારણ કે તમે આ વાતની તાકાત બરોબર સમજો છો. સરકારે બેંકોમાં જે નાણું જમા થયું છે એનો ડેટા મેળવવા એક બહુ મોટી વ્યવસ્થા ઊભી કરી. સતત ડેટા માઇનિંગની કામગીરી ચાલી રહી છે. ક્યાંથી રૂપિયા આવ્યા, ક્યાં જમા થયા, ક્યાં ગયા, કેવી રીતે ગયા, 8 નવેમ્બર પછી શું થયું – આ બધાની જાણકારી મેળવવામાં આવે છે. અમે આ કામ કોઈને પકડીને પૂછપરછ કરીને કર્યું નથી. ફક્ત આંકડાઓનો જ અભ્યાસ કર્યો છે. મારા પ્રિય સાથીઓ, મેં અગાઉ કહ્યું કે તમારી અને મારી દેશભક્તિ જરા પણ ઓછી નથી. પણ આજે પહેલી વાર આ તમામ વાતો જણાવી રહ્યો છું. દેશ આ જાણકારી મેળવીને ચોંકી જશે. ત્રણ લાખથી વધારે રજિસ્ટર્ડ કંપનીઓની જાણકારી મળી છે, જેમની લેવડદેવડની પ્રક્રિયા શંકાસ્પદ છે. તેમના નાણાકીય વ્યવહારો પર પ્રશ્રાર્થ લાગી ગયો છે. હજુ ઘણી બધી જાણકારી મેળવવાની બાકી અને કામગીરી ચાલુ છે.
આ પ્રકારની કંપનીઓ આંકડો હજુ વધીને કેટલો થશે એ હું ન કહી શકું. જ્યારે આ કંપનીઓની તપાસ શરૂ કરી, તો કેટલીક ગંભીર બાબતો સામે આવી છે. એક આંકડો જણાવું. કદાચ તમને આ સરકારની વિચારસરણી શું છે, રાજનેતાઓમાં કેટલી તાકાત છે, તેનો અહેસાસ થઈ જશે. એક તરફ, આખી સરકાર, મીડિયા જગત, વેપારીઓ – આ તમામનું ધ્યાન 30 તારીખે રાત્રે 12 વાગે શું થશે તેના પર હતું. એક જુલાઈના રોજ શું થશે એના પર હતું. પણ અમે 48 કલાક અગાઉ એક લાખ કંપનીઓને કલમના એક લસરકાથી રદ કરી નાંખી. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાંથી તેમનું નામ દૂર કરી દીધું. આ નિર્ણય સામાન્ય નહોતું, મિત્રો, રાજનીતિનો હિસાબકિતાબ રાખનાર આવા નિર્ણયો લઈ શકતા નથી. રાષ્ટ્રહિત માટે જીવતા લોકો જ આવો નિર્ણય લઈ શકે છે. એક લાખ કંપનીઓને કલમના એક ઝાટકાથી રદ કરવાની તાકાત દેશભક્તિની પ્રેરણામાંથી મળી શકે છે. જેમણે ગરીબોને લૂંટ્યા છે, એમણે ગરીબોને જ પરત કરવું પડશે.
આ ઉપરાંત સરકારે 37,000થી 38,000 શેલ કંપનીઓની ઓળખ કરી લીધી છે, જે કાળું નાણું છુપાવા, હવાલા પાડવા, ખોટા કામો કરતી હતી. તેમની સામે કડક કામગીરી શરૂ કરવામાં આવી છે. કાયદાનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ સામે આગામી દિવસોમાં કઠોર કાર્યવાહી કરવામાં આવશે. મને ખબર છે કે કાળાં નાણાં સામે એક કાર્યવાહી કરવાનો, બનાવટી કંપનીઓને રદ કરવાથી કોઈ પણ રાજકીય પક્ષને કેટલું નુકસાન થાય છે એ હું સારી રીતે જાણું છું. પણ કોઈએ તો દેશ માટે આ પ્રકારનો આકરો નિર્ણય લેવો જ પડશે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફિલ્ડના મારા સાથીદારો,
હું આજે સ્થાપના દિવસના પ્રસંગે તમારી વચ્ચે આવ્યો છું. હું તમને વિનંતી કરું છું. હિસાબને સાચાખોટા કરવાની તમારા હાથમાં તાકાત છે. ડિમોનેટાઇઝેશન કે વિમુદ્રીકરણ પછી કોઈ તો હશે ને જેણે આ કંપનીઓને મદદ કરી હતી. આ ચોરલૂંટારા, આ કંપનીઓ –કોઈ આર્થિક ડોક્ટર પાસે જરૂર ગઈ હશે, તેની મદદ માગી હશે. મને ખબર છે કે તમારામાંથી કોઈની પાસે નહીં આવ્યા હોય. પણ ક્યાંક તો ગયા હશે, જેમની મદદ મેળવી એમની ઓળખ કરવાની જરૂર પડશે. જેમણે આ લોકોનો હાથ ઝાલ્યો હતો, જેમણે આ લોકોને સહારો આપ્યો હતો, જેમણે આ લોકોને માર્ગ દેખાડ્યો હતો – શું તમારામાં તમારા લોકો વચ્ચે બેસેલા આ પ્રકારના લોકોને ઓળખવાની જરૂર નથી? તેમને અલગ તારવવાની જરૂર તમને નથી લાગતી? સાથીદારો, મને જણાવવામાં આવ્યું છે કે, આપણા દેશમાં 2,72,000થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે. તમારી સાથે આર્ટિકલ્ડ આસિસ્ટન્ટ પણ છે અને તેમની સંખ્યા પણ લગભગ બે લાખ છે. જો આપણે તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, આર્ટિકલ્ડ આસિસ્ટન્ટ, તમારા કર્મચારીઓ – આ બધાને મેળવી દઈએ તો આ સંખ્યા આઠ લાખ જેટલી થાય છે તેવું મારું અનુમાન છે. તમારો પરિવાર, આ ફિલ્ડનો પરિવાર 8 લાખથી વધારે છે. તમારી સામે થોડા વધારે આંકડા રજૂ કરું છું, કારણ કે તમે આંકડાઓ વધુ સારી રીતે સમજો છો અને સમજાવી પણ શકો છો.
એક અંદાજ મુજબ, આપણા દેશમાં બે કરોડથી વધારે એન્જિનીયર અને મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ્સ છે. 8 લાખથી વધારે ડૉક્ટર છે. તેને બહુ ક્રીમ પ્રોફેશન માનવામાં આવે છે, બહુ સન્માનપૂર્વક જોવામાં આવે છે. આ પ્રકારના લોકોની સંખ્યા આપણા દેશમાં કરોડોમાં છે. જો દેશના તમામ શહેરોમાં બનેલા આલીશાન મકાનોને પણ જોડી દઈએ તો તેની સંખ્યા પણ કરોડોમાં છે. એટલું જ નહીં ગયા વર્ષે ભારતમાંથી વિદેશ ફરવા જનાર પ્રવાસીઓની સંખ્યા 2,18,00,000 છે. છતાં તમને નવાઈ લાગતી નથી કે આપણા દેશમાં ફક્ત 32 લાખ લોકો જ એવું જાહેર કરે છે કે તેમની આવક 10 લાખ રૂપિયાથી વધારે છે. તમારામાંથી કોઈને આ વાત સાચી લાગશે? શું કરીશું? હિસાબોના ચોપડાઓ સાચાખોટા કરનારાઓ હું તમને લોકોને પૂછી રહ્યો છું. આ દેશમાં ફક્ત 32 લાખ લોકો જ છે, જેમની આવક દસ લાખ રૂપિયાથી વધારે છે.
મારા પ્રિય સાથીદારો,
આ દેશની કડવી સચ્ચાઈ છે. દેશમાં ફક્ત 32 લાખ લોકો જ પોતાની આવક દસ લાખ રૂપિયાથી વધારે હોવાનું જણાવે છે. એટલે ભાઈઓ અને બહેનો, મારે આંકડાઓમાં વધારે જવું નથી. તમને જાણ હશે કે કરોડો ગાડીઓ દર વર્ષે ખરીદવામાં આવે છે. છતાં દેશ પ્રત્યે પ્રામાણિકતાપૂર્વક પોતાની જવાબદારી અદા કરવામાં ન આવે, પ્રામાણિકતાપૂર્વક કરવેરો અદા કરવામાં ન આવે એ ચિંતાનો મોટો વિષય છે.
હું આજે આંકડાઓની વાત કરવાને બદલે મારી પોતાની વાત આપ સહુને જણાવવા માગું છું. આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના ક્લાયન્ટ્સ ત્યારે જ ટેક્સ આપે છે કે જ્યારે તેની આસપાસનો સંપૂર્ણ માહોલ સકારાત્મક હોય. આ માહોલ તેને પણ ઇમાનદારીથી ટેક્સ ભરવા માટેની પ્રેરાણા આપતો હોવો જોઈએ. તેને એવું જોવા મળશે કે તેને ટેક્સના મુદ્દે સલાહ આપનારાઓ પણ તેને સચ્ચાઈ છુપાવવા માટે જ જણાવી રહ્યા છે તો તે પછી ખોટા રસ્તે ચાલવામાં તે ત્યારબાદ ક્યારેય ડરશે નહીં. તેથી જ આ પ્રકારની ખોટી સલાહ આપનારાઓને ઓળખી કાઢવા અને તેમની સામે કાર્યવાહી કરવાની પણ આવશ્યકતા છે. આ માટે આપ સહુએ પણ કઠોર પગલાં લેવા પડશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક એવી વ્યવસ્થા છે કે જેમાં માનવ સ્રોત વિકસાવવા માટેની કામગીરી પણ તમે જ કરી રહ્યા છો. આ માટેનો અભ્યાસ ક્રમ પણ આપ જ તૈયાર કરો છો. આ માટે લેવી પડતી પરીક્ષા પણ આપ જ લો છો. તે માટેના નિયમો અને નિયંત્રણો પણ આપ જ નક્કી કરો છો. આ પ્રકારની સ્થિતિમાં ગુનેગાર કોઈ બને તો તેને માટેની સજા પણ આપની સંસ્થા જ આપી રહી છે. હવે સવાલ એ થાય છે કે ભારતના લોકશાહીના મંદિરે 125 કરોડથી વધુ દેશવાસીઓની સંસદે આપ સહુને એટલા બધા અધિકારો આપ્યા છે તેમ છતાંય છેલ્લા 25 વર્ષમાં કેમ માત્ર 25 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. શું માત્ર 25 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે જ ગરબડ કરી હશે. મેં તો એમ પણ સાંભળ્યું છે કે આપને ત્યાં એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ્સ સમક્ષ 1400થી વધુ કેસ ઘણાં વર્ષોથી ચૂકાદા વિના જ પડ્યા રહ્યા છે. આમ એક એક કેસનો ચૂકાદો આવતા વર્ષોના વર્ષ લાગી રહ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જેવા અત્યંત ઊંચી કક્ષાના ક્વોલિફિકેશનવાળા વ્યવસાયમાં આ સ્થિતિ પ્રવર્તી રહી છે તે એક મોટી ચિંતાનો વિષય છે કે નહીં. ભાઈઓ અને બહેનો જ્યારે દેશની સ્વતંત્રતા માટેનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે આઝાદીના આંદોલન દરમિયાન દેશના ઘણાં યુવાનોએ દેશી આઝાદી માટે ફાંસીનો ગાળિયો ખુશીખુશી ગળામાં પહેરી લીધો હતો. દેશના અનેક મહાપુરુષોએ તેમની યુવાની જેલોમાં ખપાવી દીધી હતી. દેશીની આઝાદી માટે તે સમયે દેશના અનેક પ્રોફેશનલ્સ આઝાદી માટેના આંદોલનમાં જોડાઈ ગયા હતા. તેમણે આઝાદીની લડતનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લીધું હતું. આ બધા પ્રોફેશનલ્સનો વિચાર કરો. તેમાં બહુધા તો વકીલો હતા. વકીલાત કરતા હતા. તેઓ બેરિસ્ટર હતા. તેમાંના ઘણાંએ આઝાદીની લડતનું નેતૃત્વ કર્યું હતું. તેઓ કાયદાના જાણકાર હતા. કાયદો હોવા છતાંય કાયદાની જોગવાઈઓ સામે લડત છેડવાને કારણે કેટલી સજા થઈ શકે છે તેની પૂરી અને વ્યવસ્થિત સમજણ અને જાણકારી તેમને હતી.
તેમ છતાંય તે જમાનામાં વકીલાત કરીને સારી કમાણી કરતા વકીલોએ તેમની વકીલાત છોડી દઈને દેશની આઝાદી માટે લડવા આગળ આવ્યા હતા. માત્ર મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડોક્ટર આંબેડકર, જવાહરલાલ નેહરુ જ નહીં, પરંતુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પંડિત મદન મોહન માલવિયા, બાલ ગંગાધર ટિળક, મોતીલાલ નેહરુ, સી. રાજગોપાલાચારી, મહેશચંદ્ર ચૌધરી, દેશબંધુ ચિતરંજન દાસ, સૈફુદ્દીન કિચૂલ, ભૂલાભાઈ દેસાઈ, લાલા લજપતરાય, તેજ બહાદુર સપ્રુ, આસફ અલી, ગોવિન્દ વલ્લબ પંત, કૈલાશ નાથ કાત્જુ જેવા અનેક નામધારીઓએ દેશને માટે તેમની જિંદગી હોમી દીધી હતી. તેઓ વકીલાતના વ્યવસાયમાં હતા. દેશ ભક્તિથી પ્રેરિત થઈને દેશની આઝાદી માટે તેમની યુવાની ખપાવી દીધી હતી. તેમાંથી ઘણા નેતાઓ હતા, જેમણે દેશનું બંધારણ તૈયાર કરવામાં પણ બહુમૂલ્ય અને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આજે આપણે એ વાતને ભૂલી નથી શકતા કે આ મહાપુરુષો વિના દેશનો ઇતિહાસ અધૂરો જ છે.
સાથીદારો આજે આપણો દેશ ઇતિહાસના એક મહત્વના પડાવ પર છે. 1947ની સાલમાં સ્વતંત્રતા મળી તે પછી રાજનૈતિક એકીકરણ થયું તે પછી આજે દેશ આર્થિક એકીકરણના માધ્યમથી એક નવી જ યાત્રાનો આરંભ કરી રહ્યો છે. 2017ના આ વર્ષે એક મિશન, એક ટેક્સ, એક બજારનું સપનું સાકાર થયું છે. આ ઐતિહાસિક અવસરે સૌથી વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સી છે. આપ સહુ મારી ભાવનાઓને સમજો મિત્રો. આઝાદીના આંદોલનના સમયે વકીલોએ એટલે કે વકીલાત કરનારા વ્યાવસાયિકોએ હિન્દુસ્તાનની સ્વતંત્રતા માટે અને દેશની જનતાના અધિકારો માટે તેમની જીવનની બાજી લગાડી દીધી હતી. આઝાદી માટેની એ લડતના જમાનાની માફક હું તમને એટલે કે સહુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને જીવનની બાજી લગાવી દેવાનું નથી કહેતો. તમારે જેલના સળિયાની પાછળ જવાની કોઈ જ જરૂર નથી. આ દેશ અને આ દેશનું ભવિષ્ય આપના સંતાનોનું પણ ભવિષ્ય છે. આ ભાવનાથી જ આઝાદીના આંદોલનના યુગમાં વકીલોએ આઝાદીની લડતનું નેતૃત્વ વકીલોએ કર્યું હતું. આજ આર્થિક વિકાસની શરૂ થઈ રહેલી યાત્રાનું નેતૃત્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ફોજે કરવાનું છે. આપ સહુ જુઓ, તારાથી વધુ આર્થિક ક્ષેત્રને ઊંચાઈએ લઈ જવા માટેના માર્ગને અન્ય કોઈ મજબૂત બનાવી જ શકશે નહીં. કાળાં નાણાંને ખતમ કરવા માટે આપ સહુના ક્લાયન્ટ્સને હું ફરી એકવાર કહી રહ્યો છું. તમારા ક્લાયન્ટ્સને ઇમાનદારીના માર્ગ પર ચાલતા કરવા માટે આપ સહુએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટેસ જ) આગળ આવીને નેતૃત્વ કરવાનું છે.
સાથીદારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે દેશની આર્થિક વ્યવસ્થાના ભરોસાપાત્ર એમ્બેસેડર હોય છે. આપ સહુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટેક્સ ભરવા વાળા નાગરિકો અને કંપનીઓને સરકાર સાથે જોડી આપતી કડી સમાન છે. આપની સહીમાં (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સહીમાં ) પ્રધાનમંત્રીની સહી કરતાંય વધુ તાકાત છે. આપની સહી સત્યતાના ભરોસાની શાક્ષી આપે છે. કંપની મોટી હોય કે નાની હોય જે એકાઉન્ટ પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહી કરી દે છે તેા પર સરકાર ભરોસો કરે છે. તેવી જ રીતે દેશના લોકો પણ તેના પર ભરોસો કરે છે. તમે ક્યારે વિચાર્યું છે ખરું કે જેની બેલેન્સ શીટ પર તમારી સહી કરેલી હોય છે તે કંપનીના કારોબારની બેલેન્સશીટને જોઈને તેને લગતી કોઈ ફાઈલને અટકાવવામાં આવતી નથી, મિત્રો. તેના પર સહી કર્યા પછી એક નવી જ જિંદગીની શરૂઆત થાય છે મિત્રો. આજે હું તેમને તે નવી જિંદગીના દર્શન કરાવવા માટે જ આવ્યો છું. તમે જે કંપનીની બેલન્સ શીટ પર સહી કરી દીધી, તે બેલેન્સ શીટને સરકારી અધિકારીઓએ સાચી માની લીધી. કંપનીની આવક વધી, કંપનીએ પ્રગતિ કરતી રહે છે. વાત અહીં પૂરી થતી જ નથી મિત્રો. તમે જ્યારે તે કંપનીની બેલેન્સ શીટ પર સહી કરો છો અને તે કંપનીની સાચી હકીકત લોકોની સામે આવે છે. તમારી આ સહી પર વિશ્વાસ કરીને કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં તેની મહામહેનતની મૂડી સમા પેન્શનના પૈસા લગાવી દે છે. કોઈ ગરીબ વિધવા બાઈ તેની મહિનાની બચતના નાણાં શેરબજારમાં રોકી દે છે. જ્યારે કંપનીની બેલેન્સ શીટમાં સાચો અહેવાલ આપવામાં આવતો નથી, તથ્યોને છુપાવી રાખવામાં આવે છે અને જ્યારે તે અંગેનો ભેદ ખુલે છે ત્યારે વાસ્તવમાં તે કંપની ડૂબતી નથી. મારા પ્રિય મિત્રો, ગરીબ વિધવાની જિંદગી ડૂબી જાય છે. પોતાના પેન્શનના પૈસા મ્યુચ્યુ્અલ ફંડમાં લગાવી દેનાર તે વૃદ્ધની જિંદગી બરબાદ થઈ જાય છે. આ વૃદ્ધે કે પછી ગરીબ વિધવા મહિલાએ તમારી સહી પર ભરોસો કરીને પછી જ તે કંપનીના શેરમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરેલું હતું. તેથી જ મારી આપ સહુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને વિનંતી છે. આપ સહુને હું આગ્રહ પૂર્વક કહેવા માગું છું કે દેશના સવાસો કરોડ હિન્દુસ્તાનીઓને તમારી સહુની સહી પર જ ભરોસો છે. આ ભરોસાને ક્યારેય તૂટવા દેતા નહીં. આ ભરોસાને જરા સરખો પણ ઘસરકો લાગે તેવું કંઈ જ કરતા નહીં. જો તમે તમારા મન મંદિરમાં એવો અહેસાસ કરો કે તમારી સહી પરનો લોકોનો ભરોસો તૂટી ગયો છે તો તે ભરોસો ફરીથી લાવવા માટે પહેલ કરો. પહેલી જુલાઈ 2017નો દિવસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સંસ્થાનો સ્થાપના દિવસ છે. આ દિવસ આપ સહુને માટે એક અવસર લઈને આવ્યો છે. આ અવસરે હું આપ સહુને આમંત્રણ આપી રહ્યો છું. ઇમાનદારીના ઉત્સવમાં જોડાવા માટે આપ સહુને હું આમંત્રણ આપી રહ્યો છું. તમારા કામના મહત્વને સમજો. ત્યારબાદ તેને માટે કયા રસ્તે આગળ વધવું તે નક્કી કરો. સમાજ આપને ગૌરવની દ્રષ્ટિએ જોતો થઈ જશે. આપને પોતાને તેની અનુભૂતિ અને અહેસાસ થવા માંડશે.
સાથીદારો, ટેક્સ રિટર્ન શબ્દની એક અલગ જ પરિભાષા છે. પરંતુ મને લાગે છે કે દેશને જે ટેક્સ મળી રહ્યો છે તે દેશના વિકાસના કામમાં આવી રહ્યો છે કે નહીં. આ ટેક્સ રિટર્ન છે. આ મોંઘવારીને રોકવામાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેનાથી કોઈ એવી મહિલાઓને ગેસના ચૂલાનું જોડાણ મળે છે જેણે પૂરી જિંદગી લાકડાં બાળીને જ રસોઈ બનાવી છે. ટેક્સના આ પૈસાથી કોઈ વયોવૃદ્ધ વ્યક્તિને પેન્શન મળે છે, જેના બાળકોએ તેમના ખર્ચનો બોજ વેંઢારવાની ના પાડી દીધી છે. ટેક્સના આ જ પૈસાથી નવજવાનોને સ્વરોજગારી પણ મળે છે. આ નવજવાન દિવસભર એટલા માટે મજૂરી કરે છે કે રાતની શાળા – ઇવનિંગ સ્કૂલમાં જઈને તે તેનું ભણતર પૂરું કરી શકે છે. ટેક્સના આ જ પૈસાથી કોઈ ગરીબ બીમારને સસ્તી દવાઓ મળે છે, જેમની પાસે બીમારીનો ઇલાજ કરાવવા માટે કોઈ જ પૈસા નથી. બીમાર પડ્યા પછીય જે રજા લઈ શકતો નથી. જે બીમારીમાં પણ દિવસભર મજૂરી કર્યા કરે છે, કારણ કે સાંજે તેના બાળકોએ ભૂખ્યા સૂવું ન પડે.
કરવેરા થકી થયેલી નાણાંની આવકનો ઉપયોગ દેશના બહાદુર સૈનિકોને માટે ઉપયોગી બને છે. દેશની સરહદ પર આ જ જવાનો તેમના જીવનની દરકાર કર્યા વિના જ આપણા સહુની રક્ષા કરી રહ્યા છે. કરવેરાની આવકના આ પૈસા એ ઘરમાં વીજળીનો પુરવઠો આપવામાં ઉપયોગી બને છે જ્યાં આઝાદીના 70 વર્ષ પછીય વીજળી પહોંચી નથી. તેમ જ તેમના ઘરમાં આજ સુધી એક બલ્બ પણ પ્રગટ્યો નથી તેવા ઘરમાં વીજળી પહોંચાડવામાં મદદરૂપ બને છે. તેઓ આજે પણ અંધારામાં ગરક થઈને જિંદગી ગુજારી રહ્યા છે. દેશના ગરીબોને તેમના અધિકારો અપાવવામાં મદદ કરવી તેનાથી મોટી સેવા કઈ હોઈ શકે. આપની (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની) એક સહી દેશના ગરીબોની કેટલી મદદ કરી શકે છે. તેની કદાચ આપ સહુને કલ્પના પણ નહીં હોય. દેશના સામાન્ય માનવીના સપનાઓ પૂરા કરવા માટે આપ સહુએ બહુ જ મોટું દાયિત્વ નિભાવી શકો છો. આપ સહુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક સંકલ્પ કરો તો મને વિશ્વાસ છે કે પહેલી જુલાઈ 2017 આઈસીએઆઈની જીવન યાત્રાનો એક ટર્નિંગ પોઈન્ટ બનીને જ રહેશે, એવું મારા આત્માનો અવાજ કહી રહ્યો છે.
મારા સાથીદારો, એક વાર આપ સહુ સંકલ્પ કરી લો તો હું વિશ્વાસ સાથે કહી શકીશ કે ટેક્સની ચોરી કરવાની હિમ્મત કોઈ જ કરી શકશે નહીં. વ્યક્તિ અપરાધ ત્યારે જ કરે છે કે જ્યારે તેને ખબર હોય કે તેને બચાવવા વાળો કોઈક બેઠો છે. સાથીદારો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ – જીએસટી આપ સહુની સામે રાષ્ટ્રનું નિર્માણ કરવા માટેના એક માધ્યમ તરીકે આવ્યો છે. આપ સહુએ, પ્રજાજનો સુધી જઈને લોકો સાથે વાત કરવી જોઈએ. હું જ્યારે આવી રહ્યો હતો ત્યારે નિલેશ મને જણાવી રહ્યા હતા કે વ્યાપારીઓની મદદ થાય તે રીતે અમે તેમને જીએસટીની સમજણ આપવા માટે મદદ કરવાના છીએ. હું તેમને અભિનંદન આપી રહ્યો છું. હું તેમનો આભાર માની રહ્યો છું. આપ સહુ લોકો સુધી પહોંચો અને તેમને વધુ જાગૃત કરો. ઇમાનદારીના મુખ્ય પ્રવાહમાં જોડાઈ જવા માટે તેમને પ્રેરણા આપો. આ રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના ક્ષેત્રના લોકોને સરકારે એક નવી જ તક પૂરી પાડી છે. હવે તે માટેની તૈયારી શરૂ કરી દો. આ વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનોને હું આમંત્રણ આપી રહ્યો છું.
આપ સહુ આવો, સરકારને છેલ્લા થોડા અઠવાડિયાઓ દરમિયાન જે કાયદો પસાર કર્યા છે. તેમાં ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડના અમલને સફળ બનાવવામાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના ક્ષેત્રના લોકો બહુ જ મોટી ભૂમિકા ભજવી શકે છે. આ બેન્કરપ્સી કોડની વ્યવસ્થા હેઠળ અનેક કંપનીઓ દેવાળું ફૂંકશે. તેનું નિયંત્રણ કરવાની જવાબદારી ઇન્સોલ્વન્સી પ્રેક્ટિશનર્સ પાસે આવશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઇનસોલ્વન્સી પ્રેક્ટિશનર્સ બનીને એક નવા જ ક્ષેત્રમાં તેમની કેરિયરની શરૂઆત કરી શકે છે. આ એક નવો જ માર્ગ છે, જે સરકારે આપ સહુને માટે ખોલી આપ્યો છે. પરંતુ આજ પછી તમે જે રસ્તો પસંદ કરો તેમાં સી.એ.નો અર્થ ચાર્ટર અને એક્યુરસી જ થવો જોઈએ.
સાથીદારો 2022ની સાલમાં આપણો દેશ સ્વતંત્રતા મળ્યાના 75 વર્ષ પૂરા કરશે. આ વર્ષ માટે આપણા દેશે કેટલાક સંકલ્પ કરેલા છે. નવું ભારત આપણા સહુના પરિશ્રમની તે માટે પ્રતીક્ષા કરી રહ્યું છે. આપ પણ એક સંસ્થા હોવાને નાતે અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાને નાતે પણ દેશના નાગરીકના નાતે પણ તે માટે પરિશ્રમ કરશો તેવી અપેક્ષા છે. 2022માં જ્યારે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થશે ત્યારે આપણે સહુ આ દેશને કેવો જોવા માગીએ છીએ. આપણે જેવા દેશની કલ્પના કરીએ છીએ તેને સાકાર કરવા માટે આપના સહુથી બને તેટલું યોગદાન આપો. આપ સહુ આપની ભૂમિકા નિભાવો અને 2022ની સાલમાં જ્યારે દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થશે ત્યારે આપની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને પણ 75 વર્ષ પૂરા થશે. આપ સહુ પણ 75 વર્ષની ઉજવણી કરવા માટેનો કાર્યક્રમ અત્યારથી જ તૈયાર કરવા માંડો. તમારી ઇન્સ્ટિટ્યૂટના કેરેક્ટરને કઈ નવી ઊંચાઈએ લઈ જવા માગો છો, તે નક્કી કરીને તમારો પોતાનો રોડ મેપ અત્યારથી જ તૈયાર કરી લો. આ સાથે જ તમે પણ નક્કી કરી લો કે તમે પોતે પણ દેશને શું આપવા માગો છો. દેશમાં નવી આશાઓ અને આકાંક્ષાઓ લઈને બેઠેલા કરોડો નવયુવાનોના ભવિષ્ય માટે તમે શું કરશો. દેશને એક પારદર્શક અને ભ્રષ્ટાચાર રહિત વ્યવસ્થા આપવામાં આપ સહુ શું મદદ નહીં કરી શકો. તમે કહેશો કે તમે આટલા લોકોને ટેક્સ ભરવાથી બચાવી લીધા છે તો તે યોગ્ય હિસાબ કિતાબ કરેલો ગણાશે ખરો. કે પછી તેની સામે મેં આટલા લોકોને ટેક્સ ભરવાની ઇમાનદારીનો રસ્તો બતાવ્યો અને તે માટે તેમને પ્રેરિત કર્યા તે સાચો હિસાબ ગણાશે. આ બેમાંથી કયો રસ્તો અપનાવવો તે અંગે આપ સહુએ જ નિર્ણય લેવાનો છે. આપ સહુના માટે તમારા પોતાના માટે કંઈક કરવાનું લક્ષ્ય નક્કી કરવાનો છે. તમે કેટલા લોકોને ઇમાનદારીથી ટેક્સ ભરવાના મુખ્ય પ્રવાહમાં મૂકી આપો છે તે જ મહત્વનું છે. આ લક્ષ્યનો આંકડો શું હશે તે આપ સહુથી વધુ સારી રીતે કોણ કહી શકશે. આપના વ્યવસાયમાં ટેક્નોલોજીના ઉપયોગને કઈ રીતે તમે વધારવા માગો છો તેનો પણ વિચાર કરો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના ક્ષેત્રમાં ફોરેન્સિક સાયન્સની પણ અત્યંત મહત્વની ભૂમિકા હોઈ શકે છે. તેની કાળજી કઈ રીતે રાખવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેની સાથે સંકળાયેલા લક્ષ્ય પણ નક્કી કરવા સંભવ છે. તે પણ નક્કી કરી લેવું જોઈએ.
સાથીદારો મારા મનમાં તમારી પાસેથી વધુ એક અપેક્ષા છે. આ અપેક્ષા એટલા માટે છે કે મને પૂરો વિશ્વાસ છે કે આ તાકાત તમારામાં છે. આપ સહુમાં તે સામર્થ્ય પણ છે. આપ સહુ કેમ પાછળ પડી ગયા છો તે મને શું સમજણ નથી પડતી, ભાઈ. સાથીદારો દુનિયામાં ચાર સૌથી મોટી સંસ્થાઓ છે જે સૌથી વધુ પ્રતિષ્ઠા ધરાવે છે. મોટી મોટી સંસ્થાઓ અને કંપનીઓ તેમને જ તેમના ઓડિટની કામગીરી પણ સોંપે જ છે. આ કંપનીઓને બિગ ફોર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિગ ફોરમાં ભારતીયો ક્યાંય નથી. આપ સહુમાં ક્ષમતા પણ છે અને પાત્રતાની પણ કોઈ જ ઉણપ નથી. શું મારા સાથીદારો વિશ્વમાં હિન્દુસ્તાનનું નામ રોશન કરવા માગે છે. તો શું તમે તે લક્ષ્યને પાર કરી શકશો. 2022ની સાલમાં જ્યારે આઝાદીના 75મા વર્ષની દેશમાં ઉજવણી કરવામાં આવે ત્યારે આપણા દેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની એક કંપનીને આપણે આ બિગ ફોર કંપનીમાં સ્થાન અપાવી દઈશું. કે પછી અત્યારે જે બિગ ફોર છે તે જ ત્યારે પણ બિગ ફોર રહેશે. દોસ્તો, આ સપનું આપણા સહુનું સપનું બની રહ્યું છે. બિગ વનમાં સામેલ થવા માટે આપણે ચાર એવી કંપનીઓ તેમની પ્રતિષ્ઠા, તેમના પ્રોફેશનાલીઝમની કક્ષાએ લઈ જાય તે કામગીરી કરવી માનવામાં આવે છે તેટલી કઠિન નથી જ નથી. વિશ્વમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની દુનિયામાં પણ આપનો ડંકો વાગવો જોઈએ, મારા મિત્રો. છેવટે હું આપ સહુને આપના ક્ષેત્રના સૌથી જૂના અને સૌથી વધુ સન્માનીત અર્થશાસ્ત્રી ચાણક્યની એક સલાહની યાદ અપાવવા માગું છું. ચાણક્યએ કહ્યું હતું કે કાલાતિ ક્રમાત્ કાલ એવ ફલમ પિબતિ… એટલે કે કર્તવ્યનો સમય પૂરો થઈ ગયા પછી સમય તેમની સફળતાને ખતમ કરી દે છે.. તેથી જ સમયને આ અવસરના હાથમાંથી નીકળી જવા દેતા જ નહીં. અત્યારે થોડા સમય પહેલા જ અરુણ જેટલીજી સાથે આપ સહુ વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ કંઈ કહી રહ્યા હતા. હિન્દુસ્તાનના જીવનમાં વિશ્વમાં ક્યારેય આવો મોકો આવ્યો નથી. આપ સહુના જીવનમાં પણ પહેલા ક્યારેય આવો મોકો આવ્યો નહીં હોય. આ મોકો હાથથી જવા દેતા નહીં, મિત્રો. હું આપ સહુને રાષ્ટ્રના નિર્માણના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે આમંત્રણ આપી રહ્યો છું. આપ સહુ એ ન ભૂલતા કે આ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ) એક એવો વ્યવસાય છે કે જે વ્યવસાય સમાજની પૂરી અર્થવ્યવસ્થાને બચાવી રાખવા, ટકાવી રાખવા સમર્થ છે. હું ફરી એકવાર આ ઇન્સ્ટિટ્યૂટને, તેની ફેકલ્ટીને તથા અહીં ઉપસ્થિત રહેલા તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને આઈસીએઆઈ- ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટ્સ ઓફ ઇન્ડિયાને તેના સ્થાપના દિવસ પર શુભકામનાઓ આપી રહ્યો છું. આપના આ કાર્યક્રમને દેશના ખૂણે ખૂણામાં જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ જોઈ રહ્યા છે તે સહુનો પણ હું બહુ જ આભર માની રહ્યો છું. આપ સહુનો આભાર વ્યક્ત કરતા હું પહેલી જુલાઈ 2017ના દિવસને દેશને નવી દિશા, નવી ગતિ નવા ઉમંગના માર્ગે લઈ જવા માટે આપણે સહુ ચાલો સાથે મળીને ચાલીએ અને સામાન્ય માનવીને ઇમાનદારીના ઉત્સવમાં જોડીએ. આ જ મનોકામના સાથે હું આપ સહુને ફરીથી આભાર માનું છું.
ખૂબ ખૂબ આભાર, મિત્રો, ખૂબ ખૂબ આભાર. .