પરમ પૂજ્ય મોરારી બાપુજી, વિવેકાનંદ કેન્દ્રના પ્રમુખ શ્રી પરમેશ્વરનજી, મંત્રીમંડળના મારા સહયોગી પોન રાધાક્રિશ્નનજી, વિવેકાનંદ આશ્રમના સ્વામીજી ચૈતન્યાનંદજી, બાલાક્રિશ્નજી, ભાનુદાસજી, વિવેકાનંદ કેન્દ્રના ઉપપ્રમુખ નિવેદિતાજી અને મારા વ્હાલા મિત્રો !
મને ત્યાં તમારી વચ્ચે આવવાનું ગમત, પણ ટેકનોલોજીની તાકાતને કારણે આપણે આ પ્રસંગે જોડાયા છીએ. અને એમ પણ, હું કાંઈ મહેમાન નહીં, પણ આ પરિવારનો હિસ્સો જ છું. હું તમારો પોતાનો જ છું.
12મી જાન્યુઆરી - આ કોઈ સામાન્ય દિવસ નથી. આ દિવસ ઈતિહાસમાં એ રીતે કંડારાયેલો છે, જે દિવસે ભારતને એક મહાન વિચારક, માર્ગદર્શક અને નીડર આગેવાન મળ્યા હતા, જેમણે ભારતનો સંદેશ સમગ્ર વિશ્વને પહોંચાડ્યો.
હું પૂજ્ય સ્વામી વિવેકાનંદજીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એમની પ્રતિભા અસાધારણ હતી, તેમના શક્તિશાળી વિચારોએ હજુ આજે પણ કેટલાક લોકોના જીવનમાં પથદર્શક બની એમના વિચારોનું ઘડતર ચાલુ રાખ્યું છે.
આજે વિવેકાનંદપુરમમાં રામાયણ દર્શનમ, ભારત માતા સદનમનું લોકાર્પણ થઈ રહ્યું છે. હનુમાનજીની 27 ફૂટ ઊંચી પ્રતિમાની જેમ જ આ પણ એક જ પત્થરમાંથી બનેલી પ્રતિમા સ્થાપિત થઈ રહી છે. તમે લોકોએ આ અંગેનો જે વિડિયો મને મોકલ્યો હતો, એ મેં જોયો અને આ વિડિયો જોઈને હું કહી શકું છું કે આમાં દિવ્યતા પણ છે - ભવ્યતા પણ છે.
આજે જ વિવેકાનંદ કેન્દ્રના સંસ્થાપક સ્વર્ગસ્થ એકનાથ રાનડેથીના પોર્ટ્રેઇટનું પણ અનાવરણ થઈ રહ્યું છે. તમને સહુને આજના આ આયોજન માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ભાઈઓ અને બહેનો, આજે તમે લોકો જે સ્થાન પર છો, એ સાધારણ સ્થાન નથી. આ ભૂમિ આ રાષ્ટ્રની તપોભૂમિ જેવી છે. જો હનુમાનજીને પોતાનો પરપઝ ઑફ લાઈફ મળ્યો, તો એ આ ધરતી પર મળ્યો. જ્યારે જામવંતે તેમને કહ્યું હતું કે તારો તો જન્મ જ ભગવાન શ્રી રામના કાર્યો માટે થયો છે. આ ધરતી પર માતા પાર્વતીની કન્યાકુમારીને તેનો પરપઝ ઑફ લાઈફ મળ્યો. આ એ જ ધરતી છે, જ્યાં મહાન સમાજ સુધારક, સંત થિરુવલ્લુવરને બે હજાર વર્ષો પહેલા જ્ઞાનનું અમૃત મળ્યું. આ એ જ ધરતી છે, જ્યાં સ્વામી વિવેકાનંદજીને પણ જીવનનો ઉદ્દેશ પ્રાપ્ત થયો. અહીં જ તપ કર્યા પછી એમને જીવનનું લક્ષ્ય અને લક્ષ્ય પ્રાપ્તિ માટે માર્ગદર્શન મળ્યું હતું. આ એ જ જગ્યા છે, જ્યાં એકનાથ રાનડેજીને પણ પોતાના જીવનનો, જીવનની જે યાત્રા હતી, તેમાં એક નવો વળાંક મળ્યો. એક નવું લક્ષ્ય પ્રસ્થાપિત થયું. તેમણે એમનું સમગ્ર જીવન વન લાઈફ વન મિશન તરીકે આ જ કાર્ય માટે સમર્પિત કરી દીધું. આ પવિત્ર ભૂમિને આ તપોભૂમિને મારા શત્ શત્ વંદન છે, મારા પ્રણામ છે.
વર્ષ 2014માં જ્યારે આપણે એકનાથ રાનડેજીની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યા હતા, ત્યારે મેં કહ્યું હતું કે આ અવસર યુવાનોના મનને જાગૃત કરવાનો છે. આપણું ભારત યુવાન છે, તે દિવ્ય પણ બને અને ભવ્ય પણ બને. આજે વિશ્વ, ભારત પાસેથી દિવ્યતાની અનુભૂતિની અપેક્ષા રાખી રહ્યું છે અને ભારતના ગરીબ, દલિત, પીડિત, શોષિત અને વંચિત - એ ભારતની ભવ્યતાની અપેક્ષા રાખે છે. અને વિશ્વ માટે દિવ્યતા, તો દેશની અંદર માટે ભવ્યતા. અને આ બંનેનો મેળ કરવા જ રાષ્ટ્ર નિર્માણની દિશામાં આપણે આગળ વધવાનું છે.
ભાઈઓ બહેનો, આજે ભારત દુનિયાની સૌથી યંગ કન્ટ્રી છે. યુવાન દેશ છે. 80 કરોડથી વધુ વસતી 35 વર્ષથી ઓછી ઉંમરની છે. સ્વામી વિવેકાનંદ આજે આપણી વચ્ચે નથી, સાક્ષાત રૂપમાં નથી, પરંતુ તેમના વિચારોમાં એટલી શક્તિ છે, એટલી તાકાત છે, એટલી પ્રેરણા છે કે દેશના યુથ (યુવાનો)ને સંગઠિત કરવા નેશન બિલ્ડિંગ (રાષ્ટ્ર નિર્માણ)નો રસ્તો બતાવી રહી છે.
એકનાથ રાનડેજીએ યુવાનોની આ શક્તિને એકીકૃત કરવા માટે વિવેકાનંદ કેન્દ્ર અને સ્વામી વિવેકાનંદ રૉક મેમોરિયલની સ્થાપના કરી હતી. એકનાથ રાનડેજી કહેતા હતા કે આપણને સ્વામી વિવેકાનદ સારા લાગે છે માત્ર એટલાથી જ કશું વળશે નહીં. દેશ માટે સ્વામી વિવેકાનંદે જે કલ્પના કરી હતી, તેને સાકાર કરવા માટે તેઓ સતત યોગદાનને પણ મહત્વપૂર્ણ માનતા હતા.
એકનાથજીએ જે લક્ષ્ય પાછળ સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું, તે હતું - સ્વામી વિવેકાનંદજી જેવા યુવાનોનું નિર્માણ. તેમણે યુવાનોમાં રાષ્ટ્રનિર્માણના એ જ આદર્શ સ્થાપિત કરવાનો હંમેશા પ્રયાસ કર્યો, જે નીતિમત્તા, જે મૂલ્યો સ્વામી વિવેકાનંદજીના હતા. મારું એ ઘણું મોટું સૌભાગ્ય હતું કે જીવનના અનેક વર્ષો સુધી મને એકનાથજીના નજીકના સાથી તરીકે કામ કરવાનો અવસર સાંપડ્યો. આ જ ધરતી પર કેટલીયેવાર આવીને તેમના સાનિધ્યમાં જીવનને નિખારવાનો મને અવસર મળ્યો.
એકનાથજીના જન્મશતાબ્દિ પર્વ દરમિયાન એવું નક્કી થયું હતું કે આપણા કલ્ચર, સંસ્કૃતિ અને આપણી વિચાર પ્રક્રિયા પર રામાયણનો પ્રભાવ દર્શાવતું એક પ્રદર્શન શરૂ કરવામાં આવે. આજે રામાયણ દર્શનમ ભવ્ય સ્વરૂપે આપણી સહુની સામે છે. અને મને વિશ્વાસ છે કે દેશ અને દુનિયાના જે પ્રવાસીઓ રૉક મેમોરિયલ પર આવે છે, તેમને આ રામાયણ દર્શનમ કદાચ વધુ પ્રેરણાદાયક પણ બનશે. પ્રભાવિત પણ કરશે. શ્રીરામ ભારતના કણ કણમાં છે. જન જનના મનમાં છે. અને એટલે જ જ્યારે આપણે શ્રીરામ વિશે વિચારીએ છીએ, ત્યારે શ્રીરામ એક આદર્શ પુત્ર-ભાઈ-પતિ, મિત્ર અને આદર્શ રાજા હતા. અયોધ્યા પણ એક આદર્શ નગર હતું તો રામરાજ્ય એક આદર્શ શાસન વ્યવસ્થા હતી. એટલે ભગવાન રામ અને તેમના રાજ્યનું આકર્ષણ સમય-સમયે દેશની મહાન વિભૂતિઓને પોતાની રીતે રામાયણની વ્યાખ્યા કરવા માટે પ્રેરણા આપે છે. આ વ્યાખ્યાઓની ઝલક હવે રામાયણ દર્શનમાં મળશે.
મહાકવિ કમ્બને કંબ રામાયણમમાં કૌશલ રાજ્ય એક સુશાસિત રાજ્ય હોવાનું જણાવ્યું છે. તેમણે તામિલ ભાષામાં જે લખ્યું છે, તેનો અંગ્રેજીમાં અનુવાદ જો કરું, તો તેમણે લખ્યું હતું -
નન વર જનરસ ઈન ધેટ લેન્ડ એઝ
નન વોઝ નીડી ;
(એ રાજ્યમાં કોઈ ઉદાર ન હતું, કેમકે ત્યાં કોઈ જરૂરતમંદ ન હતું);
નન સીમ્ડ બ્રેવ એઝ નન ડીફીડ ;
(કોઈ બહાદુર જણાતું ન હતું, કેમ કે કોઈ પડકાર ફેંકનાર જ ન હતું);
ટ્રુથ વોઝ અનનોટિસ્ડ એઝ ધેર વર નો લાયર્સ ;
(સત્યની નોંધ જ લેવાતી ન હતી, કેમ કે કોઈ જૂઠું બોલનાર જ ન હતું);
નો લર્નિંગ સ્ટૂડ આઉટ એઝ ઓલ વર લર્ન્ડ
(કશું ભણવાનું બાકી ન હતું, કેમ કે સહુ ભણેલા હતા)
સિન્સ નો વન ઈન ધેટ સિટી એવર સ્ટોપ્ડ લર્નિંગ ;
(એ શહેરમાં કોઈએ ક્યારેય ભણવાનું બંધ કર્યું જ ન હતું);
નન વોઝ ઈગ્નોરન્ટ એન્ડ નન ફુલ્લી લર્ન્ડ
(એટલે ત્યાં કોઈ અજ્ઞાની પણ ન હતું અને કોઈ સંપૂર્ણ ભણેલું પણ ન હતું)
સિન્સ ઑલ અલાઈક હેડ ઑલ ધ વેલ્થ
(બધા જ સમાન હતા અને બધા જ પાસે સંપત્તિ હતી)
નન વોઝ પુઅર એન્ડ નન વોઝ રિચ
(એટલે કોઈ ગરીબ પણ ન હતું અને કોઈ ધનાઢ્ય પણ ન હતું.)
આ કમ્બને કરેલું રામરાજ્યનું વર્ણન છે. મહાત્મા ગાંધી પણ આ જ વિશેષતાઓને કારણે રામરાજ્યની વાત કરતા હતા. નિશ્ચિતપણે આ એક એવું શાસન હતું, જેમાં વ્યક્તિ - પર્સન મહત્વની નહતી, પરંતુ પ્રિન્સિપલ - સિદ્ધાંત મહત્વપૂર્ણ હતા.
ગોસ્વામી તુલસીદાસે પણ રામચરિતમાનસમાં રામરાજ્યનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. રામરાજ્ય એટલે કે જ્યાં કોઈ ગરીબ ના હોય, દુઃખી ના હોય, કોઈ કોઈનો તિરસ્કાર ન કરતું હોય, જ્યાં સહુ સ્વસ્થ અને સુશિક્ષિત હોય. જ્યાં પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે તાલમેળ હોય. તેમણે લખ્યું છે -
દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહીં કાહુહિ વ્યાપા ।
સબ નર કરહિં પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ ।
અલ્પમૃત્યુ નહીં કવનિઉ પીરા, સબ સુંદર સબ બિરુજ શરીરા ।
નહીં દરિદ્ર કોઉ દુઃખી ન દીના, નહીં કોઉ અબુધ ન લચ્છન હીના ।
રામ રાવણને હરાવીને મહાન નથી બન્યા. પરંતુ રામ ત્યારે રામ બન્યા, જ્યારે તેમણે એ લોકોનો સાથ લીધો, જે લોકો બધું હારી ચૂક્યા હતા. સાધનહીન હતા. તેમણે એ લોકોને આત્મગૌરવ પાછું અપાવ્યું અને તેમનામાં વિજય માટેનો વિશ્વાસ જન્માવ્યો. ભગવાન રામના જીવનમાં એ ભૂમિકાનો સ્વીકાર નહતો કર્યો, જે તેમના વંશની પરંપરાઓ હતી. એક એક શ્લોકમાં અનેક વાતો આપણને જાણવા મળે છે. તેઓ અયોધ્યામાંથી બહાર નીકળ્યા હતા. હજુ નગરની સરહદ પણ ઓળંગી ન હતી, પરંતુ સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાને પોતાની જાતમાં સમાવી હતી અને આદર્શ શું હોય છે, મૂલ્ય શું હોય છે એ જીવી બતાવ્યું હતું. મૂલ્યો પ્રત્યે જીવનનું સમર્પણ શું હોય છે, તે એમણે જીવી બતાવ્યું હતું. અને એટલા માટે હું માનું છું કે આ રામાયણ દર્શનમ, વિવેકાનંદપુરમમાં પ્રાસંગિક છે. અને આપણે જાણીએ છીએ કે પ્રગતિ માટે સમાજ જેટલો સબળ હોવો જોઈએ, રાજ્ય પણ એટલું જ સુરાજ્ય હોવું જોઈએ. જ્યારે રામજીને જોઈએ છીએ, તો વ્યક્તિનો વિકાસ, વ્યવસ્થાનો વિકાસ આ વાતો સહજ રૂપે નજરે ચઢે છે.
ભાઈઓ બહેનો, એકનાથજી પણ હંમેશા ઈચ્છતા હતા કે દેશના સ્પિરિચ્યુઅલ પાવરને જગાવીને દેશની કર્મશક્તિ કે વર્કિંગ પાવરને કન્સ્ટ્રક્ટિવ કામોમાં કામે લગાડવામાં આવે. આજે જ્યારે વિવેકાનંદ કેન્દ્રમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપના થઈ રહી છે, ત્યારે તેમના આ કથનની ઈન્સ્પિરેશનની પણ જાણ થાય છે.
હનુમાનજી એટલે સેવા, હનુમાનજી એટલે સમર્પણ ભક્તિનું એ સ્વરૂપ હતા. જેમાં સેવા જ પરમ ધર્મ બની ગયો હતો. જ્યારે તેઓ સમુદ્ર પાર કરી રહ્યા હતા, ત્યારે મૈનાક પર્વત રસ્તામાં તેમને વિશ્રામ આપવા માગતો હતો. પરંતુ સંકલ્પ સિદ્ધિ કર્યા પહેલા હનુમાનજી માટે શિથિલતાનો કોઈ અવકાશ ન હતો. પોતાના લક્ષ્યની પ્રાપ્તિ થઈ નહીં, ત્યાં સુધી તેમણે આરામ ન કર્યો.
હનુમાનજીના સેવાભાવ અંગે ભારત રત્ન સી. રાજગોપાલાચારી જીએ પણ પોતાની રામાયણમાં લખ્યું છે. જ્યારે હનુમાનજી સીતા માતાને મળીને પરત ફરી રહ્યા હતા, ભગવાન રામજીને માતાના સકુશળ હોવાની વાત કરે છે, તો રામજી કહે છે -
"હનુમાને જે કામ કર્યું છે, તે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ દરિયો ઓળંગવાનો પ્રયત્ન કરવાની કલ્પના સુદ્ધાં કરી શકે તેમ નથી. તેમણે રાવણ અને તેના દુર્જેય સૈનિકોથી રક્ષણ પામેલી લંકામાં પ્રવેશીને અને તેમના પોતાના રાજાએ તેમને જે કાર્ય સોંપ્યું હતું તે સંપૂર્ણ સંપન્ન કર્યું એટલું જ નહીં પરંતુ તમામ લોકોની આશાઓથી પણ વધુ પાર પાડ્યું."
રાજગોપાલાચારીજીએ કહ્યું છે કે હનુમાનજીએ એ કામ કર્યું હતું, જેની કોઈ આશા સુદ્ધાં કરી રહ્યા ન હતા. મુશ્કેલીઓના જે સમુદ્રને હનુમાનજીએ પાર કર્યો હતો, તે કોઈ વિચારી પણ શકે તેમ ન હતું.
અને એટલા માટે ભાઈઓ બહેનો, અમે પણ સબકા સાથ સબકા વિકાસના માર્ગદર્શક સિદ્ધાંત પર ચાલી રહ્યા છીએ. ગરીબથી ગરીબ વ્યક્તિ માટે જન ધન યોજના દ્વારા ગરીબોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડ્યા છે. ગરીબો માટે એક વ્યવસ્થા કરીને અમે આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. અને એટલા માટે વીમો કરવાનો વિકલ્પ છે. ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. ખેડૂતોને સૌથી ઓછા પ્રીમિયમ પર પાક વીમા યોજના - ફસલ બીમા યોજના અપાઈ છે. બેટીઓને બચાવવા માટે તેમને ભણાવવા માટે અભિયાન ચાલે છે - બેટી બચાઓ બેટી પઢાઓ. ગર્ભવતી મહિલાઓને આર્થિક મદદ માટે દેશવ્યાપી યોજના બનાવાઈ છે. પાંચ કરોડ પરિવાર, જે લાકડાના ચૂલ્હા પેટાવીને માતાઓ ભોજન રાંધતી હતી. અને એક દિવસમાં ચારસો સિગારેટનો ધુમાડો ભોજન રાંધવાથી લાકડાના ચૂલ્હાથી એ માતાના શરીરમાં જતો હતો. એ માતાઓને સારું સ્વાસ્થ્ય મળે, પ્રાથમિક સુવિધા મળે, એ માટે પાંચ કરોડ પરિવારોમાં ગેસ કનેક્શન આપવાનું બીડું ઝડપ્યું છે અને દોઢ કરોડ કનેક્શન અપાઈ ચૂક્યા છે.
દલિત, પીડિત, વંચિતની સેવા એ જ તો જન સેવા પ્રભુ સેવાનો મંત્ર આપે છે. આપણા દેશના દલિત નવયુવાનોને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા મારફતે એમ્પાવર કરવામાં આવી રહ્યા છે. નાના વેપારીઓને નીચા વ્યાજે ધિરાણ મળી શકે એ માટે મુદ્રા યોજના શરૂ કરી છે. ગરીબની ગરીબી ત્યારે જ દૂર થશે, જ્યારે તેને સશક્ત બનાવાય. જ્યારે ગરીબ સશક્ત બનશે, ત્યારે સ્વયં ગરીબીને હટાવીને જ જંપશે. અને ગરીબીથી મુક્તિનો એ આનંદ મેળવશે તેમજ એક નવી તાકાત સાથે આગળ વધશે.
રામાયણમાં જ્યારે ભગવાન રામ અને ભરત વચ્ચે શાસન અંગે વાતચીત થઈ રહી હતી, ત્યારે ભગવાન રામે ભરતને કહ્યું હતું -
કશ્ચિદ્ અર્થમ્ વિનિશ્ચિત્ય લઘુ મૂલમ્ મહા ઉદયમ્ |
ક્ષિપ્રમ્ આરભસે કર્તુમ્ ન દીર્ઘયસિ રાઘવ ||
એટલે કે - હે ભરત, એવી યોજનાઓ અમલી બનાવો, જેનાથી ઓછામાં ઓછા ખર્ચમાં વધુને વધુ લોકોને લાભ મળે. રામજીએ ભરતને એમ પણ કહ્યું કે આ યોજનાઓને અમલી બનાવવામાં જરાયે વાર ન લગાડવી.
આયઃ તે વિપુલઃ કચ્ચિત્ કચ્ચિદ્ અલ્પતરો વ્યયઃ |
અપાત્રેષુ ન તે કચ્ચિત્ કોશો ગગ્ચ્છતિ રાઘવ ||
એટલે કે, ભરત, એ વાતનું પણ ધ્યાન રાખજે કે આવક વધુ હોય અને ખર્ચ ઓછો. તેઓ એ વાતની પણ શિખ આપે છે કે લાયક ન હોય તેવા કે અંડરસર્વિંગને રાજ્યના ખજાનાનો લાભ ન મળે.
લાયક ન હોય તેવાઓથી સરકારી ખજાનાને બચાવવો પણ સરકારના કાર્યફલકનો જ ભાગ છે. તમે જોયું હશે કે અમે આધાર કાર્ડ સાથે જોડીને આર્થિક સહાય સીધી બેન્ક એકાઉન્ટમાં જ ટ્રાન્સફર કરવી, નકલી રેશનકાર્ડવાળાઓને હટાવવા, નકલી ગેસ કનેક્શનવાળાઓને હટાવવા, નકલી શિક્ષકોને હટાવવા, બીજાના અધિકાર છીનવતા લોકોને હટાવવા, આ બધાં કાર્યો આ સરકારે મિશન મોડમાં હાથ ધર્યાં છે.
ભાઈઓ બહેનો, આજે જ ભારતમાતા સદનમાં પંચલોહથી બનેલી મા ભારતીની પ્રતિમાનું અનાવરણ પણ થઈ રહ્યું છે. મા ભારતીના આ પ્રતીકનું લોકાર્પણ સૌભાગ્યની વાત છે. જે પણ લોકો આ વિશિષ્ટ યજ્ઞ સાથે જોડાયેલા હતા, એ બધાને હું આ પુણ્ય કાર્ય માટે વંદન કરું છું.
સાથીઓ, હું વિવેકાનંદ રૉક મેમોરિયલ નજીક સ્થિત સંત થિરુવલ્લુવરની પ્રતિમાને પણ પ્રણામ કરું છું. થિરુવલ્લુવર, જે સૂત્રવાક્ય, જે મંત્ર આપી ગયા હતા, તે આજે પણ એટલા જ સચોટ છે, પ્રાસંગિક છે. નવયુવાનો માટે તેમની શિખામણ હતી -
“જો રેતાળ ભૂમિમાં તમે જેટલું ઊંડે સુધી ખોદશો, તો એક દિવસ તમે નીચે ધરબાયેલા જળપ્રવાહ સુધી પહોંચી શકશો; એ જ રીતે, તમે જેટલું વધુ શીખતા જશો, એક દિવસ, જ્ઞાનની, બુદ્ધિમત્તાની ગંગા સુધી અવશ્ય પહોંચશો.”
આજે યુવા દિવસ પર મારા દેશના નવયુવાનોને હું આહ્વાન કરું છું - શીખવાની આ પ્રક્રિયાને, લર્નિંગની પ્રોસેસને ક્યારેય અટકાવી ન દેતા. પોતાની અંદરના વિદ્યાર્થીને ક્યારેય મરવા ન દેતા. જેટલું તમે શીખશો, જેટલો તમે તમારો સ્પિરિચ્યુઅલ પાવર ડેવલપ કરશો, જેટલા તમે પોતાની સ્કિલ્સને ડેવલપ કરશો, એટલો જ તમારો પણ વિકાસ થશે અને દેશનો પણ વિકાસ થશે.
કેટલાક લોકો સ્પિરિચ્યુઅલ પાવરની જ્યારે વાત નીકળે ત્યારે એને સમજી નથી શકતા. તેને કોઈ પંથની મર્યાદામાં બાંધીને જુએ છે. પરંતુ સ્પિરિચ્યુઅલ પાવર આ પંથથી ઉપર છે, બંધનોથી ઉપર છે. તેનો સીધો સંબંધ માનવીય મૂલ્યો સાથે છે. દૈવિક શક્તિ સાથે છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આ જ ધરતીના સપૂત ડૉ. એપીજે અબ્દુલ કલામ કહેતા હતા -
“મારી દ્રષ્ટિએ આધ્યાત્મિકતા એટલે આપણે ઈશ્વર અને દિવ્યતાને સાંકળીએ તે માર્ગ. આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલા રહેવાથી આપણે વાસ્તવવાદી રહીએ છીએ અને આપણને જીવનનાં મૂલ્યો અને ઈમાનદારી, આપણા પાડોશીને પ્રેમ જેવા મહત્વના ગુણો હંમેશા યાદ રહે છે તેમજ અન્ય ઘણા ગુણો પણ ધ્યાનમાં રહે છે, જે કાર્યસ્થળે હકારાત્મક માહોલ સર્જે છે.”
મને આનંદ છે કે પાછલા કેટલાક દાયકાઓમાં વિવેકાનંદ કેન્દ્ર આ દિશામાં પ્રયાસ પણ કરી રહ્યું છે. આજે વિવેકાનંદ કેન્દ્રની બસોથી વધુ બ્રાંચ છે. દેશભરમાં 800થી વધુ સ્થળોએ કેન્દ્રના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. સ્વાસ્થ્ય, શિક્ષા, ગ્રામીણ ભારત અને સંસ્કૃતિ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સતત કામ થઈ રહ્યું છે.
પટનાથી માંડીને પોર્ટ બ્લેયર સુધી, અરુણાચલ પ્રદેશના કાર્બી આંગ્લાંગથી માંડીને કાશ્મીરના અનંતનાગ સુધી, રામેશ્વરમથી માંડીને રાજકોટ સુધી એનો વ્યાપ છે. સાવ અંતરિયાળ વિસ્તારોમાં આશરે 28 હજાર વિદ્યાર્થીઓ આ કેન્દ્ર મારફતે શિક્ષણ મેળવી રહ્યા છે.
હું ખાસ કરીને ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં વિવેકાનંદ કેન્દ્રના કાર્યોની પ્રશંસા કરીશ. એકનાથજી હતા ત્યારે જ અરુણાચલ પ્રદેશમાં 7 નિવાસી શાળાઓ ખૂલી હતી. આજે ઉત્તર પૂર્વમાં 50થી વધુ સ્થળોએ વિવેકાનંદ કેન્દ્ર સામાજિક કાર્યો સાથે જોડાયેલું છે.
અસંખ્ય વિદ્યાર્થીઓ, આઈઆઈટી સ્ટુડન્ટ્સ, ડૉક્ટર્સ અને અનેક પ્રોફેશનલ્સ સ્વેચ્છાએ વિવેકાનંદ કેન્દ્રોમાં સેવાવ્રતી તરીકે કામ કરી રહ્યા છે. એ માટે તેમને કોઈ પ્રકારનો પગાર આપવામાં નથી આવતો, પરંતુ આ બધું સેવા ભાવથી કરવામાં આવે છે. હું માનું છું કે નિઃસ્વાર્થ ભાવથી સમાજની સેવા માટે આ સેવાવ્રતી આપણા સહુ માટે પ્રેરણા છે. સામાન્ય જીવન જીવવાની સાથે સાથે સમાજ સેવાનું આદર્શ ઉદાહરણ છે. દેશના યુવાનો માટે એક દિશા છે, એક માર્ગ છે.
વિવેકાનંદ કેન્દ્ર સાથે જોડાયેલો લોકો આજે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. મને આશા છે કે આ કેન્દ્ર આવનારી પેઢીઓમાં આ જ રીતે નવા વિવેકાનંદનું નિર્માણ કરતું રહેશે.
આજે રાષ્ટ્ર નિર્માણમાં પ્રો-એક્ટિવ બનીને પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે, તેવી પ્રત્યેક વ્યક્તિ, વિવેકાનંદ છે. એ દરેક વ્યક્તિ, જે દલિત-પીડિત-શોષિત અને વંચિતોના ડેવલપમેન્ટ માટે કામ કરી રહી છે, તે વિવેકાનંદ છે. એ પ્રત્યેક વ્યક્તિ, જે પોતાની એનર્જીને, પોતાના વિચારોને, પોતાના ઈનોવેશનને સમાજના હિતમાં જોતરી રહી છે, તે વિવેકાનંદ છે.
તમે સહુ જે મિશનમાં જોડાયેલા છો, તે માનવતા માટે, આપણા સમાજ માટે, આપણા દેશ માટે એક મોટી તપસ્યાની માફક છે. તમે આવા જ ભાવથી દેશની સેવા કરતા રહો, એ જ મારી ઈચ્છા છે.
વિવેકાનંદજીના જન્મદિવસ પર, યુવા દિવસ પર તમને સહુને ફરી એકવાર ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. બાપૂને મારા જય શ્રીરામ, અને ત્યાં પરમેશ્વરમજી વગેરે સહુને વંદન કરીને હું મારી વાણીને વિરામ આપું છું. અને મને વિશ્વાસ છે જેવું મને નિમંત્રણ અપાયું, કન્યાકુમારી આવવા માટેનું. મારું પોતાનું ઘર છે આ તો. જોઉં છું ક્યારે તક મળે છે, દોડતો રહું છું. દોડતા-દોડતા ક્યારેક એકાદ વાર વચ્ચે તક મળી જશે. હું જરૂર ત્યાં એ ધરતીને વંદન કરવા માટે આવી જઈશ. તમારી વચ્ચે થોડો સમય વીતાવીશ. આ પ્રસંગે, હું ત્યાં રૂબરુ આવી ન શક્યો, તેનું મને દુઃખ છે, પરંતુ એમ છતાં દૂરથી તો મળાયું. અહીં દિલ્હીમાં ઠંડી છે, ત્યાં ગરમી છે. આ બેની વચ્ચે આપણે નવી ઊર્જા અને ઉમંગ સાથે આગળ વધીશું. આ વિશ્વાસ સાથે આપ સહુને આ પાવન પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.