મંચ પર ઉપસ્થિત તમામ અગ્રગણ્ય અતિથી અને મારા વ્હાલા નવયુવાન મિત્રો, આપ સૌને 21માં રાષ્ટ્રીય યુવા મહોત્સવની ખુબ ખુબ શુભકામનાઓ. સમયની અછતના કારણે હું રોહતકમાં જાતે હાજર નથી પરંતુ હું જે ચિત્રો જોઈ રહ્યો છું, તેનાથી લાગે છે કે જાણે આજે આ મહોત્સવ પણ 21 વર્ષનો યુવાન બની ગયો છે. દેશના અલગ અલગ ખૂણામાંથી આવેલા મારા નવયુવાન સાથીઓના ચહેરા ઉપર એટલી ઊર્જા દેખાઈ રહી છે કે જાણે આજે રોહતકમાં યુવા મહોત્સવની સાથે જ પ્રકાશ મહોત્સવ પણ ઉજવવામાં આવી રહ્યો છે.
આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી. હું આપ સૌના માધ્યમથી દેશના પ્રત્યેક નવયુવાનને આ ખાસ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ આપું છું. સ્વામી વિવેકાનંદ એ બાબતના શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ટૂંકા સમયમાં પણ કેટલું બધું પ્રાપ્ત કરી શકાય છે. તેમનું જીવન ખુબ ટૂંકા ગાળાનું હતું. સ્વામી વિવેકાનંદ યુવા શક્તિના અસીમ પ્રેરક છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા –આપણા દેશને આ સમયે જરૂર છે લોખંડ સમાન મજબુત માંસપેશીઓ અને મજબુત સ્નાયુવાળા શરીરોની. જરૂરિયાત છે આ પ્રકારના દૃઢ ઈચ્છા- શક્તિથી સંપન્ન યુવાનોની.
સ્વામી વિવેકાનંદ એવા યુવાનોનું નિર્માણ કરવા માંગતા હતા કે જેમની અંદર કોઈ ભેદભાવ વગર એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ હોય. યુવાન તે હોય છે કે જે ભૂતકાળની ચિંતા કર્યા વગર પોતાના ભવિષ્યના લક્ષ્યોની દિશામાં કામ કરતા રહે છે. આપ સૌ યુવાનો જે કામ આજે કરી રહ્યા છો, તે જ તો કાલે ઉઠીને દેશનું ભવિષ્ય બની જવાનું છે.
સાથીઓ, આજે દેશના 80 કરોડથી પણ વધુ લોકોની ઉંમર આ સમયે 35 વર્ષથી ઓછી છે. સ્વામી વિવેકાનંદના ચિંધેલા માર્ગ પર ચાલીને આજે ભારતમાં એક એવા યુગની શરૂઆત કરવાની ક્ષમતા છે, જે વિશ્વગુરુ બની શકે છે.
આજે મારા જે નવયુવાન સાથીઓ આ સમયે રોહતકમાં છે, તેમની માટે હરિયાણાની આ ધરતી ખુબ પ્રેરણાદાયી છે. હરિયાણાની આ ધરતી વેદોની છે, ઉપનિષદોની છે, ગીતાની છે. આ વીરોની કર્મ વીરોની છે. આ જય જવાન-જય કિસાનની ધરતી છે. આ સરસ્વતીની પવિત્ર ધરતી છે. પોતાની સંસ્કૃતિ, પોતાના મુલ્યોને સંભાળીને આગળ વધવાનો સતત પ્રયાસ, તે આ ધરતી પાસેથી શીખી શકાય છે.
મને ખુશી છે કે આ વખતે રાષ્ટ્રીય યુવા મહોત્સવની થીમ છે – “યુથ ફોર ડીજીટલ ઇન્ડિયા”..! આ મહોત્સવના માધ્યમથી યુવાનોને રોજબરોજની જીંદગીમાં ડીજીટલ રીતે લેણ-દેણની તાલીમ આપવામાં આવશે. મારી આ મહોત્સવમાં ટ્રેનિંગ લેનાર પ્રત્યેક યુવાનને વિનંતી છે કે જયારે તેઓ અહીંથી ટ્રેનિંગ લઈને જાય તો પોતાની આસપાસના ઓછામાં ઓછા 10 પરિવારોને ડીજીટલ ટ્રાન્ઝેક્શન કરવાનું શીખવાડે. કેશલેસ અર્થવ્યવસ્થા બનાવવામાં આપ સૌ યુવાનોની ખુબ મોટી ભૂમિકા છે. દેશને કાળા નાણા અને ભ્રષ્ટાચારથી મુક્ત કરાવવાની લડાઈમાં આ આપ સૌનું મહત્વપૂર્ણ યોગદાન હશે.
આ વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું શુભાંકર દીકરીના રૂપમાં પસંદ કરવામાં આવ્યુ છે. પ્રેમથી તેને નામ આપવામાં આવ્યું છે, “મ્હારી લાડો”. આ મહોત્સવના માધ્યમથી “દીકરી બચાવો-દીકરી ભણાવો” અભિયાનના વિષયમાં જાગૃતિ વધારવાનો પ્રયાસ ખુબ પ્રશંસનીય છે. હરિયાણાથી જ કેન્દ્ર સરકારે “દીકરી બચાવો- દીકરી ભણાવો” અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનની આ ક્ષેત્રમાં ખુબ મોટી અસર જોવા મળી રહી છે. પરિવર્તનનો પ્રારંભ થઇ ગયો છે. જાતિ દરમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. હું હરિયાણાના લોકોને આની માટે ખાસ રીતે અભિનંદન આપું છું. તે દર્શાવે છે કે જયારે લોકો નક્કી કરી લે છે તો અશક્ય પણ શક્ય બની જાય છે. મને આશા છે કે ટૂંક સમયમાં જ સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ સ્થિતિ હરિયાણા નિર્માણ કરીને બતાવશે.
હરિયાણાના ભવિષ્યને સુધારવામાં અહીનો યુવા વર્ગ એક મોટી ભૂમિકા નિભાવી રહ્યો છે. હરિયાણાના યુવાન રમતવીરોએ અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પદક પ્રાપ્ત કરીને હમેશા આખા દેશનું માન વધાર્યું છે.
આખા દેશમાં વિકાસના નવા શિખરો સર કરવા અંતે યુવા શક્તિના હજુ વધારે યોગદાનની જરૂર છે. ભારતનું લક્ષ્ય પોતાના યુવાનોને, આ સદીને ભારતની સદી બનાવવા માટે ક્ષમતાઓ અને કૌશલ્ય પ્રદાન કરવાનું છે.
મિત્રો, રાષ્ટ્રીય યુવા મહોત્સવ આપ સૌને પોતાની પ્રતિભાના પ્રદર્શન માટે એક મંચ પૂરું પાડે છે. જુદા જુદા સાંસ્કૃતિક પરિવેશમાંથી આવેલા આપ સૌ નવયુવાનોને અહી એકબીજાને જાણવાનો અને સમજવાનો અવસર મળશે. આ જ તો એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સાચો અર્થ છે. હજુ થોડી વાર પહેલા જ યુવા મહોત્સવમાં બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સાંસ્કૃતિક દળોની માર્ચ પાસ્ટ કાઢવામાં આવી છે.
એક ભારત- શ્રેષ્ઠ ભારત એક પ્રયત્ન છે દેશની સાંસ્કૃતિક વિવિધતાને એક સૂત્રમાં પરોવવા માટેનો. આપણા દેશમાં ભાષાઓ ભલે જુદી જુદી હોય, ખાણી-પીણી જુદી જુદી હોય, રેહવાની રીતભાત જુદી જુદી હોય, રીત-રીવાજ જુદા જુદા હોય, પરંતુ આત્મા એક જ છે. તે આત્માનું નામ છે – ભારતીયતા. અને આ ભારતીયતા માટે હું અને તમે આપણે સૌ ગર્વ કરીએ છીએ.
એક રાજ્યના નવયુવાનો બીજા રાજ્યના યુવાનોને મળશે તો તેમને પણ નવો અનુભવ થશે, એકબીજા માટે આદરભાવ વધશે, સમજણ વિકસશે. લોકો જયારે સાથે રહે છે, હળે-મળે છે તો સમજણ પડે છે કે આ ખાણી-પીણી અને ભાષાનું અંતર ઉપરછલ્લું છે. ઊંડાણપૂર્વક જોવામાં આવે તો સ્પષ્ટતા થાય છે કે આપણા મુલ્યો, આપણી માનવતા, આપણું દર્શન એક સમાન છે.
મિત્રો, એક ભારત- શ્રેષ્ઠ ભારત અંતર્ગત બે જુદા જુદા રાજ્યોમાં એક વર્ષ માટે ભાગીદારી કરવામાં આવી છે. આ વર્ષે હરિયાણાએ તેલંગાણા સાથે પોતાની ભાગીદારી કરી છે. બન્ને રાજ્યોમાં કયા વિષયો પર પરસ્પર સહયોગ થશે, તેની માટે એક્શન પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે. મને આશા છે કે આજે હરિયાણામાં તેલંગાણાથી આવેલા વિદ્યાર્થીઓને ખાસ કરીને ઘણું બધું જાણવા અને સમજવા મળશે.
એક ભારત – શ્રેષ્ઠ ભારત એ માત્ર એક યોજના નથી. તેને એક જન આંદોલનના રૂપે આગળ વધારવામાં આવી રહ્યું છે અને તે ત્યારે જ સફળ થશે જ્યારે દેશના યુવાનોનો પૂરો સહકાર મળશે.
મારા નવયુવાન સાથીઓ, આ વર્ષે દેશ પંડિત દિન દયાળ ઉપાધ્યાયની શતાબ્દી ઉજવી રહ્યો છે. દેશના નવયુવાનો માટે પંડિતજીનો મંત્ર હતો – चरैवति-चरैवति, चरैवति અર્થાત ચાલતા રહો, ચાલતા રહો, રોકાવાનું નથી, અટકવાનું નથી, રાષ્ટ્ર નિર્માણના પથ પર ચાલતા જવાનું છે.
ટેકનોલોજીના આ સમયમાં આજે દેશના નવયુવાનોએ ત્રણ ‘C’ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હું જયારે ત્રણ Cની વાત કરું છું તો મારો કહેવાનો અર્થ છે; પહેલો C એટલે કલેકટીવીટી, બીજો C એટલે કનેક્ટીવીટી અને ત્રીજો C ક્રિએટીવીટી..! કલેકટીવીટી સામુહિકતા જ્યાં સુધી આપણે સંગઠિત શક્તિ નહીં બનીએ, આપણે ભેદ ભાવને દૂર કરીને ભારતીયો એકઠા નથી બનતા, કલેકટીવીટીની તાકાત બહુ મોટી તાકાત હોય છે. બીજી વાત કનેક્ટીવીટી દેશ અને યુગ બદલાઈ ગયો છે. ટેકનોલોજીએ સમગ્ર વિશ્વને ખુબ નાનું બનાવી દીધું છે. આખું વિશ્વ તમારી હથેળીમાં તમારા હાથમાં હોય છે. કનેક્ટીવીટી એ સમયની માંગ છે. આપણે કનેક્ટીવીટીની દ્રષ્ટિએ ટેકનોલોજીની સાથે સાથે આપણા માનવીય મુલ્યોને પણ જોર આપતા ચાલીશું. અને ત્રીજો C મેં કહ્યો ક્રિએટીવીટી નવા વિચારો, નવા સંશોધનો, જૂની સમસ્યાઓ માટે નવા સમાધાન કરવા માટે નવા ઉપાયો અને તેની જ તો યુવાનો પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હોય છે. જયારે ક્રિએટીવીટી ખતમ થઇ જાય છે, સંશોધન ખતમ થઇ જાય છે, નાવીન્ય અટકી જાય છે ત્યારે એક રીતે જીવન સ્થગિત થઇ જાય છે. અને એટલા જ માટે આપણી અંદર ક્રિએટીવીટીને જેટલો અવસર મળે આપણે આપતા રહેવું જોઈએ.
એટલા માટે એક બીજા સાથે સંપર્ક કરો, સામુહિક જવાબદારી નિભાવવાનું શીખો, અને નવા વિચારો પર કામ કરો. પોતાના નવા વિચારોને એવું માનીને સમાપ્ત ના થવા દેશો કે આ તો બહુ નાના છે, અથવા બીજા લોકો શું કહેશે. યાદ રાખો કે દુનિયામાં મોટાભાગે મોટા અને નવા વિચારોને પહેલા નકારવામાં જ આવ્યા છે. જે પણ વર્તમાન પ્રથા હોય છે, તે નવા વિચારોનો વિરોધ કરે છે. પણ મને વિશ્વાસ છે કે આપણા દેશની યુવાશક્તિની સામે આવો પ્રત્યેક વિરોધ ઠંડો પડી જશે. સાથીઓ, આજથી પચાસથી પણ વધારે વર્ષો પહેલા એકાત્મ માનવવાદ પર બોલતી વખતે પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીએ જે કહ્યું હતું, તેમાં પણ દેશના યુવાનો માટે મોટો સંદેશ છે. દિન દયાળ ઉપાધ્યાયજીએ રાષ્ટ્ર નિર્માણ અને દેશમાં પ્રવર્તમાન બદીઓ સામે લડવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું – “આપણે અનેક રૂઢિઓ ખતમ કરવી પડશે. ઘણા બધા સુધારા કરવા પડશે. જે આપણા માનવના વિકાસ અને રાષ્ટ્રની એકાત્મતાની વૃદ્ધિમાં પોષક હોય, તે આપણે કરીશું અને જે બાધક હોય, તેને દૂર કરીશું. ઈશ્વરે જેવું શરીર આપ્યું છે, તેમાં ખામીઓ શોધીને અથવા આત્મગ્લાની લઈને ચાલવાની જરૂર નથી. પરંતુ શરીરમાં ગુમડું થાય તો તેનું ઓપરેશન તો જરૂરી છે ને. સજીવ અને સાજા અંગોને કાપવાની જરૂર નથી. આજે જો સમાજમાં છૂત-અછૂત અને ભેદભાવ ઘર કરી ગયા છે, જેના લીધે લોકો માણસને માણસ સમજીને નથી ચાલતા અને જે રાષ્ટ્રની એકતા માટે ઘાતક સાબિત થઇ રહ્યા છે, આપણે તેમને ખતમ કરીશું.”
પંડિતજીનું આ આહ્વાન આજે પણ એટલું જ મહત્વ રાખે છે. આજે પણ દેશમાં છૂત-અછૂત છે, ભ્રષ્ટાચાર છે, કાળું નાણું છે, અશિક્ષા છે, કુપોષણ છે. આ બધી બદીઓને ખતમ કરવા માટે દેશના યુવાનોએ પોતાની શક્તિ હોમવી પડશે. હમણાં કેટલાક દિવસો પહેલા સરકારે કાળા નાણા અને ભ્રષ્ટાચાર વિરુધ્ધ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીને જેટલું સમર્થન મારા નવયુવાન મિત્રોએ આપ્યું છે, તે એ બાબતની સાબિતી છે કે સમાજમાં ફેલાયેલી બદીઓને દૂર કરવાની આપ સૌમાં કેટલી જબરદસ્ત ઈચ્છાશક્તિ છે.
એટલા માટે જયારે હું કહું છું કે મારો દેશ બદલાઈ રહ્યો છે, તો તેની પાછળ તમારા પ્રયત્નો હોય છે. દેશના જુદા જુદા ભાગોમાં હજારો-લાખો નવયુવાનો પોત-પોતાની રીતે સામાજીક કુરીતીઓ અને પડકારો સામે લડી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ એવા એવા નવા વિચારો સામે લાવી રહ્યા છે, કે હું તેમને નમન કર્યા વિના નથી રહી શકતો.
હમણાં કેટલાક દિવસ પહેલા મન કી બાતમાં મેં એક દીકરીનો ઉલ્લેખ કર્યો હતો જેણે એવો વિચાર આપેલો કે લગ્નમાં મહેમાનોને રીટર્ન ગીફ્ટના રૂપમાં આંબાના છોડ આપવામાં આવે. પર્યાવરણને બચાવવા માટે આ કેટલો અદ્ભુત ઉપાય છે. એ જ રીતે એક વિસ્તારમાં લોકો કચરાના ડબ્બાની અછતથી ખુબ હેરાન હતા. એવામાં ત્યાના નવયુવાનોએ સાથે મળીને કચરાના ડબ્બાને જાહેરાત સાથે જોડી દીધા. હવે ત્યાના રસ્તાઓ પર તમને બધી જગ્યાએ કચરાના ડબ્બા જોવા મળશે જેની ઉપર જાહેરાત પણ હશે. હવે ત્યાં કચરાના ડબ્બાઓને ડસ્ટબિન નહીં પણ એડબિન કહેવામાં આવે છે. આવા પણ નવયુવાનો છે કે જેમણે પાછલા મહીને રીલે ફોરમેટમાં ફક્ત 10 દિવસમાં આશરે 6 હજાર કિલોમીટર સાયકલ ચલાવીને “ગોલ્ડન ક્વોડ્રીલેટરલ ચેલેન્જ”ને પૂરી કરી છે. તેમનું સૂત્ર વાક્ય બહુ સુંદર છે, – “Follow the Rules & India will Rule”.
આપણા દેશમાં ઉર્જાથી ભરેલા આવા નવયુવાનો દરેક ખૂણામાં હયાત છે. કોઈક પહાડોમાંથી નીકળવાવાળા નાના ઝરણાઓમાંથી વીજળી બનાવી રહ્યા છે, કોઈ કચરામાંથી ગૃહ નિર્માણની વસ્તુઓ બનાવી રહ્યા છે, કોઈ ટેકનોલોજીના માધ્યમથી દૂર-સુદૂરના વિસ્તારોમાં મેડીકલ સેવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે, કોઈ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો માટે પાણી બચાવવાના સંસાધનમાં લાગેલું છે. આવા લાખો યુવાનો રાષ્ટ્ર નિર્માણ માટે દિવસ રાત એક કરીને કામ કરી રહ્યા છે.
આવાપ્રત્યેક ઉર્જાવાન યુવાન માટે હું સ્વામી વિવેકાનંદજીનો સંદેશ ફરી કહેવા માંગીશ. ઉઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ ના થાય, રોકાશો નહીં.
ઉઠોનો અર્થ છે શરીરને ચૈતન્યમમય બનાવો, શરીરને ઉર્જાવાન બનાવો, શરીરને તંદુરસ્ત રાખો. ઘણી વાર એવું પણ જોવામાં આવ્યું છે કે લોકો ઉઠી તો જાય છે પણ જાગૃત નથી થતા. એટલા માટે તેઓ પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન નથી કરી શકતા. એટલા માટે જ ઉઠવાની સાથે જ જાગૃત થવું પણ જરૂરી છે. જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્તિ ના થાય, રોકશો નહિ…તેમાં પણ મોટો સંદેશ છે. સૌપ્રથમ તો સ્પષ્ટ ધ્યેયનું હોવું એ જ ખુબ જરૂરી છે.
જયારે એ જ નક્કી નહીં હોય કે ક્યાં જવાનું છે તો પછી એ કેવી રીતે નક્કી થઇ શકશે કે કઈ દિશામાં જઈ રહેલી ગાડીમાં બેસવાનું છે. એટલા માટે જયારે લક્ષ્ય નક્કી થઇ જાય, તો પછી તેની પ્રાપ્તિ માટે રોકાયા વિના, થાક્યા વિના પ્રયાસ કરતા રહો.
મારા મિત્રો, મારી સામે આપ સૌ દેશની બૌદ્ધિક તાકાતના રૂપમાં ઉપસ્થિત છો. આજે જરૂર છે યુવાનોની ઉર્જાનો રચનાત્મક પ્રયોગ કરવાની. આજે જરૂરિયાત છે યુવાનોને દિગ્ભ્રમિત થવાથી બચાવવાની. આજે જરૂરિયાત છે યુવાનોને નશા અને અપરાધથી દૂર રાખવાની. તમે ચિંતન અને મંથન કરીને નવી રાહ બનાવો, નવી મંજીલો પ્રાપ્ત કરો. તમારી સામે સંભાવનાઓનું ખુલ્લું આકાશ પડેલું છે. આજે જરૂરિયાત છે કે યુવાનો સેવાની બેજોડ મિસાલ બને. તેમના ચરિત્રમાં ઈમાનદારી અને નિષ્પક્ષતા હોય. દરેક પડકારનો સામનો કરવાનો જુસ્સો હોય. તેમને પોતાની ગૌરવશાળી વિરાસત ઉપર ગર્વ હોય. તેમનું આચરણ તથા ચરિત્ર નૈતિક મુલ્યો પર આધારિત હોય. આની ઉપર એટલા માટે જોર આપી રહ્યો છું કારણ કે લક્ષ્ય પ્રાપ્ત કરવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ સરળ લક્ષ્યથી ભટકવાનું હોય છે.
સુખી સંપન્ન જીવનની આકાંક્ષા રાખવી સાચી છે પરંતુ તેની સાથે જ સમાજ અને દેશ પ્રત્યે જવાબદારીને સમજવી પણ જરૂરી છે. હું તમને 1, 2, 3, 4, 5, 6 એટલે કે 6 પડકારો વિષે જણાવું છું જેમની સામે લડવું ખુબ જરૂરી છે.
- સમાજ પ્રત્યે અજ્ઞાન
- સમાજ પ્રત્યે અસંવેદના
- સમાજ પ્રત્યે જૂની પુરાણી વિચારધારા
- જાતિ-સમુદાયના વિચારથી ઉપર ઉઠવાની અક્ષમતા
- માતાઓ-બહેનો-દીકરીઓ સાથે દુર્વ્યવહાર
- પર્યાવરણ પ્રત્યે લાપરવાહી, ગેરજવાબદાર દૃષ્ટિકોણ
આ 6 પડકારોને આજના નવયુવાનોએ ધ્યાનમાં રાખવા પડશે, તેમને હરાવવાનો પ્રયાસ કરવો પડશે. તમે જ્યાં પણ રહો, જે પણ ક્ષેત્રમાં કામ કરો, ત્યાં આ પડકારો વિષે જરૂરથી વિચારો, તેમને દૂર કરવાની કોશિશ કરો.
આપ સૌ યુવાનો ટેક-સેવી છો. આપ સૌ યુવાનોએ આ સંદેશ જન જન સુધી પહોચાડવાનો છે કે સમાજમાં સકારાત્મક પરિવર્તન કેવી રીતે આવી શકે છે.
આપ સૌ યુવાનો એવા લોકોના જીવનને સ્પર્શવાનો પ્રયત્ન કરો કે જે વંચિતો છે, શોષિત છે. બીજાના ભવિષ્યને વધારે સારું બનાવવા માટે આપ સૌ યુવાનોએ પોતાની ઊર્જા અને સમય આપવાનો છે. યુવાનોની તાકાત, યુવાનોની ઊર્જા અને યુવાનોનો જુસ્સો, બદલાવ લાવવામાં વધારે અસરકારક સાબિત થાય છે. હવે કરોડો યુવાન અવાજોએ આ દેશનો અવાજ બનીને વિકાસના કામોને આગળ વધારવામાં મદદ કરવાની છે.
મારા સાથીઓ, આપ સૌ નવી ક્ષિતિજોને પ્રાપ્ત કરો. વિકાસનો નવો દૃષ્ટિકોણ તૈયાર કરો, નવી ઉપલબ્ધિઓ હાસલ કરો. એ જ શુભકામનાઓ સાથે આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસ અને મહોત્સવના ખુબ ખુબ અભિનંદન આપું છું અને ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું. અને સ્વામી વિવેકાનંદજીનું પુણ્ય સ્મરણ કરીને આપણી અંદરની ઉર્જાને લઈને સમાજના, રાષ્ટ્રના, પરિવારના, ગામના, ગરીબના, ખેડૂતના હિત માટે પોતાની જિંદગીમાંથી થોડો ઘણો સમય તેમની માટે કાઢવાનો સંકલ્પ કરો. જુઓ જીવનમાં જે કરવાનો સંતોષ મળશે તે સંતોષની જે તાકાત હશે તે સંતોષ પોતે જ પોતાનામાં જાતે જ ઊર્જાનું સ્વરૂપ ધારણ કરી લેશે. મારી આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ છે. દેશના ખૂણે ખૂણાથી આવેલા નવયુવાનો એક રીતે લઘુ ભારત મારી સામે છે. આ લઘુ ભારત નવી પ્રેરણા નવા ઉત્સાહ લઈને ગીતાનો, આ ગીતાની ભૂમિ છે, જે કર્મનો સંદેશ આપે છે. નિષ્કામ કર્મ યોગનો સંદેશ આપે છે. તેનેજ લઈને તમે આગળ ચાલો એટલા માટે જ મારી આ યુવા મહોત્સવને ખુબ ખુબ શુભકામનાઓ!
આભાર!