મંચ ઉપર બિરાજેલા તમામ ઉપસ્થિત મહાનુભવો,
150 વર્ષની ઉજવણીનો આ સમારંભ આજે પૂરો થઈ રહ્યો છે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ચાલેલા આ સમારંભની સાથે સાથે નવી ઊર્જા, નવી પ્રેરણા અને નવા સંકલ્પો તથા નવા ભારતના સપના પૂરા કરવામાં ખૂબ મોટી તાકાત બની શકે તેમ છે. ભારતનું જે ન્યાયવિશ્વ છે તે અલ્હાબાદમાં 150 વર્ષ જૂનું છે અને હું સમજું છું તે મુજબ ભારતના ન્યાયવિશ્વનું તે તીર્થ ક્ષેત્ર છે અને આ તીર્થ ક્ષેત્રમાં એક મહત્વના મુકામ પર આપ સૌની વચ્ચે આવીને મને જે વાતો સાંભળવાની અને સમજવાની તક મળી છે અને કેટલીક વાતો જણાવવાની તક મળી છે તેને હું મારૂં ગૌરવ ગણું છું.
ચીફ જસ્ટીસ સાહેબ હમણા તેમના દિલની વાત જણાવી રહ્યા હતા અને હું તેને મનથી સાંભળી રહ્યો હતો. તેમના દરેક શબ્દમાં મને એક પીડાનો અનુભવ થતો હતો અને કશુંક કરવાના ઈરાદાનો પણ મને અનુભવ થતો હતો. ભારતના ન્યાયાધિશોના નેતૃત્વમાં મને વિશ્વાસ છે અને તેમના સંકલ્પો પણ પૂરા થશે. દરેક વ્યક્તિ પોતાની જવાબદારીથી તેમનો સાથ આપશે તો, જ્યાં સુધી સરકારનો સવાલ છે, હું વિશ્વાસ આપું છું કે જે સંકલ્પ બાબતે તમે વાત કરી રહ્યા છો તેમાં અમારે જે યોગદાન આપવાનું હશે તે પૂરૂં કરવાના અમે ભરપૂર પ્રયાસ કરીશું. અલ્હાબાદ કોર્ટને જ્યારે 100 વર્ષ પૂરા થયા ત્યારે શતાબ્દીની ઉજવણી પ્રસંગે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનજી અહીં આવ્યા હતા અને તેમણે જે પ્રવચન આપ્યું હતું. હું માનું છું કે તેનો એક ફકરો મને વાંચવો ગમશે. 50 વર્ષ પહેલાં જ્યારે અદાલતને 100 વર્ષ પૂરા થયા ત્યારે જે વાત કહેવામાં આવી હતી તેને ફરીથી યાદ કરવી અત્યારે એટલું જ મહત્વની છે.
ડો. રાધાકૃષ્ણનજીએ કહયું હતું કે “કાયદો એક એવી બાબત છે કે જે સતત બદલાતી રહે છે. કાનૂન લોકોના સ્વભાવને અનુકૂળ હોય તેવો હોવો જોઈએ. પરંપરાગત મૂલ્યોને પણ અનુકૂળ હોવો જોઈએ અને સાથે સાથે કાયદામાં આધુનિક પ્રવૃત્તિઓ અને પડકારોનું પણ ધ્યાન રખાવું જોઈએ. જ્યારે જ્યારે પણ કાયદાની સમીક્ષા કરવામાં આવે ત્યારે આ તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે કેવી જીંદગી જીવવા ઈચ્છીએ છીએ, કાયદાનું શું કહેવું છે, કાયદાનું અંતિમ લક્ષ્ય શું છે, તેમાં તમામ લોકોનું કલ્યાણ છે માત્ર અમીરોનું જ નહીં, પરંતુ દેશના દરેક નાગરિકનું કલ્યાણ છે. તે કાયદાનું લક્ષ્ય છે. આ લક્ષ્ય પૂરૂં કરવા માટેના પ્રયાસો થવા જોઈએ.”
હું સમજું છું કે ડો. રાધાકૃષ્ણનજીએ 50 વર્ષ પહેલાં આ ધરતી ઉપરથી દેશના ન્યાય જગતને, દેશના શાસકોને એક માર્મિક સંદેશો આપ્યો હતો અને આજના સમયમાં પણ તે એટલો જ સુસંગત છે તથા એટલો જ સ્તુત્ય છે. જે રીતે ગાંધીજી કહેતા હતા તે મુજબ એક વખત આપણે કોઈ નિર્ણય કરીએ તે સાચો છે કે ખોટો તેની કસોટી કરવી જોઈએ. ગાંધીજીએ સરકારો માટે ખાસ કહ્યું હતું કે તમે જ્યારે પણ કોઈ નિર્ણય કરો અને જ્યારે પણ કોઈ દ્વિધા હોય ત્યારે હિંદુસ્તાનના આખરી છેડા પર બેઠેલી વ્યક્તિનું સ્મરણ કરો અને કલ્પના કરો કે તમારા નિર્ણયથી તેના જીવન પર શું અસર થશે. જો આ અસર હકારાત્મક હોય તો તમે નિઃસંકોચ આગળ વધો. આપનો નિર્ણય ચોક્કસપણે સાચો જ હશે. આ ભાવનાથી આપણે તેને કેવી રીતે જીવનનો હિસ્સો બનાવીશું. આવા મહાપુરૂષે જે વાત કહી છે તે આપણા જીવનનો ઉદ્દેશ કઈ રીતે બની શકે અને આ પરિવર્તનને કઈ રીતે સાકાર કરવું તે વિચારવા જેવું છે.
આ અલ્હાબાદની અને ભારતના પૂરા ન્યાય જગતની આઝાદી પહેલાં ભારતના આઝાદી આંદોલનને જો કોઈએ બળ આપ્યું હોય તો તે સામાન્ય માનવીએ આપ્યું છે. અંગ્રેજ શાસનની સામે અભયનું જે સુરક્ષા ચક્ર અપાયું તે ભારતના ન્યાય જગત સાથે જોડાયેલા વકીલોએ મોટે ભાગે આપ્યું હતું.
અંગ્રેજ શાસનની સામે લડતા હતા અને આવો મોકો એક, બે, ચાર કે પાંચ લોકોને મળતો હશે પરંતુ કરોડો લોકોને એવું લાગતું હતું કે આપણે નિર્ભય થઈને જીવવું જોઈએ. એવું કોઈ તો મળી જશે કે જે અંગ્રેજોના જુલુસ સામે આપણી રક્ષા કરશે. આ એ પેઢી હતી કે જેણે દેશના આઝાદીના આંદોલનને સક્રિય ભાગીદારી પૂરી પાડીને એ લડતમાં જે લોકપ્રિય નેતાઓના નામ આપણે યાદ કરી રહ્યા છીએ તે નેતાઓ આ અદાલતની પશ્ચાદ્દ ભૂમિકા ધરાવે છે. અહિંયા સંઘર્ષ કરીને સામાન્ય માનવીના કલ્યાણ માટે એ લોકોએ રાજનીતિનો માર્ગ પસંદ કર્યો હતો. આઝાદી માટે આંદોલન ચલાવ્યું હતું. આઝાદીના આંદોલન પછી દેશની વહિવટી વ્યવસ્થામાં તેમાં દરેકનો મિજાજ કામ કરતો હતો. આઝાદીનું આંદોલન દરેક વ્યક્તિનું સપનું હતું. જો દરેક વ્યક્તિએ આઝાદીનું સપનું સેવ્યું ન હોત તો આઝાદી લાવવાનું શક્ય ન બન્યું હોત. ગાંધીજીની પણ એ વિશિષ્ટતા હતી કે તેમણે દરેક હિંદુસ્તાનીના દિલમાં આઝાદીની ચેતના જગાવી. કોઈ વ્યક્તિ ઝાડુ ફેરવતી હોય તો પણ તેને લાગતું હતું કે તે દેશની આઝાદી માટે આ કામ કરી રહી છે. પ્રૌઢ શિક્ષણ આપનારને પણ લાગતું હતું કે તે દેશની આઝાદી માટે આ કામ કરી રહ્યો છે. જે લોકો ખાદી પહેરતા હતા તેમને પણ લાગતું હતું કે દેશની આઝાદી માટે જ તે ખાદી પહેરે છે. આ બધા લોકોએ દેશના કરોડો લોકોના દિલમાં આઝાદીની ચેતના જગાવી. દરેક વ્યક્તિને તેની ક્ષમતા અનુસાર કામ સોંપાયું. હું અહીં જે જગાએ ઊભો છું ત્યાંથી અલ્હાબાદે આ આંદોલનને ખૂબ મોટી તાકાત આપી હતી.
આઝાદીના 70 વર્ષ પૂરા થઈ ગયા. 2022માં આઝાદીના 75 વર્ષ પૂરા થશે. શું અલ્હાબાદમાંથી દેશને કોઈ પ્રેરણા મળી શકશે? જે ધગશ, જે ઝનૂન, જે ત્યાગ, જે તપસ્યા, પરિશ્રમની પરાકાષ્ઠા આઝાદીના આંદોલનમાં દેખાતી હતી તે 2022માં 5 વર્ષ માટે સવા સો કરોડ દેશવાસીઓમાં એ ચેતના પેદા કરી શકાશે? આપણે હિંદુસ્તાનના અહીંથી ત્યાં લઈ જઈશું કે જ્યાં લોકો જવાબદારી સાથે જીવી શકે. વર્ષ 2022નું કોઈ સપનું, કોઈ સંકલ્પ, કોઈ રોડ મેપ તૈયાર કરી શકશે કે જેના પથ ઉપર ચાલીને નાગરિકને એવી આશંકા નહીં થાય કે પરિણામ નહીં મળે.
સવા સો કરોડ દેશવાસીઓની તેમની પોતાની તાકાત છે. આપણી સંસ્થાઓ, આપણી સરકારો અને આપણા સામાજિક જીવન સાથે સંકળાયેલા લોકો આપણે આજે જ્યારે 150 વર્ષના સમાપન સમારંભમાં બેઠા છીએ ત્યારે એક નવો સંકલ્પ કરી શકાય એમ છે. આપણે જે ક્ષેત્રમાં છીએ તેને ડો. રાધાકૃષ્ણનજીએ અને મહાત્મા ગાંધીએ દર્શાવેલા મૂલ્યોને આધારે દેશ માટે કશું કરી શકીએ. મને વિશ્વાસ છે કે ચીફ જસ્ટીસ સાહેબે જે સપનું જોયું છે તે આપણા સૌના દિલમાં છે. આપણા સૌના દિલમાં જે આગ છે તે ઊર્જાનું સ્વરૂપ લઈ શકે છે. આ ઊર્જા દેશના પરિવર્તન માટે કામ આવી શકે છે. આ મંચના માધ્યમથી આપ સૌ દેશવાસીઓને નિમંત્રણ આપું છું કે તમારા સૌના દિલમાં જે આગ છે તે ઊર્જા બની શકે તેમ છે અને તે ઊર્જા દેશના પરિવર્તન માટે કામમાં આવી શકે છે. હું આ મંચના માધ્યમથી આપ સૌને નિમંત્રણ આપું છું કે આપ સૌ આવો અને વર્ષ 2022 માટે કોઈ સંકલ્પ કરો. આઝાદીના 75 વર્ષ પૂરા થાય ત્યારે, આઝાદીના દિવાના લોકોએ દેશ માટે જે પ્રકારના સપનાઓ જોયા હતા તે સપનાઓ પૂરા કરવા માટે આપણે પણ થોડીક કોશિશ કરીશું. મને વિશ્વાસ છે કે સવા સો કરોડ દેશવાસીઓના સપના, સવા સો કરોડ દેશવાસીઓનું એક કદમ દેશને સવા સો કરોડ કદમ આગળ લઈ જઈ શકે છે. આ એ તાકાત છે, જે આપણને બળ આપશે. આપણે એવી દિશામાં પ્રયાસ કરીશું કે જે આપણા યુગમાં પરિવર્તન લાવી શકે તેમ છે.
2014માં જ્યારે હું ચૂંટણીનો પ્રચાર કરી રહ્યો હતો ત્યારે દેશના ઘણા લોકોથી હું અપરિચિત હતો. મારી કોઈ ઓળખ નહોતી. એક નાના સમારંભમાં મને ઘણા સવાલો પૂછવામાં આવતા હતા. હું કહેતો કે નવા કાયદા કેટલા બનાવીશ તેની મને ખબર નથી, પરંતુ હું દરરોજ ચોક્કસ એક કાયદો રદ કરીશ. હું જો, પ્રધાનમંત્રી બનીશ તો કાયદાઓના જે ગૂંચવાડા સરકારોએ બનાવ્યા છે તે કાનૂનનો બોજ સામાન્ય વર્ગના લોકો પર લદાઈ રહ્યો છે, જે રીતે ચીફ જસ્ટીસ સાહેબ કહેતા હતા કે તેમાંથી કેવી રીતે બહાર નિકળી શકાય. સરકાર પણ કહે છે કે આ બોજને કેવી રીતે ઓછો કરી શકાય. આજે મને આનંદ છે કે હજુ પાંચ વર્ષ પૂરા થયા નથી. આપણે અત્યાર સુધીમાં લગભગ 1200 કાયદાઓ ખતમ કરી શક્યા છીએ. દરરોજ એકથી વધુ કાયદાઓ રદ થાય છે. આપણે જેટલું સરલીકરણ કરી શકીશું તેટલો બોજો ઓછો થશે અને ન્યાય વ્યવસ્થાને તાકાત મળશે. આ કામ કરવામાં બદલાયેલા યુગની ટેકનોલોજીની ખૂબ મોટી ભૂમિકા છે. ચીફ જસ્ટીસ સાહેબ હમણા કહેતા હતા કે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. ફાઈલ આપમેળે ચાલી જશે. સેકન્ડના થોડાક ભાગમાં જ આગળ વધશે. ભારત સરકારે પણ ડિજીટલ ઈન્ડિયાના માધ્યમથી ભારતની ન્યાય વ્યવસ્થાને આઈસીટી (Information Communication Technology) દ્વારા મજબૂત અને સરળ બનાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. પહેલાં એવો જમાનો હતો કે આજે જે મહાનુભવો જજ તરીકે બેઠેલા છે તે વકીલાત કરતા હશે. તેમણે કોઈ કેસની બારીકી માટે કલાકો સુધી પુસ્તકો ફંફોસવા પડ્યા હશે.
આજના વકીલોએ મહેનત કરવી પડતી નથી. તે ગૂગલ ગુરૂને પૂછી લે છે. ગૂગલ ગુરૂ તરત જ જણાવે છે કે 1989માં આવો કેસ હતો, આવી બાબત હતી. આ બધી બાબતો સરળતાથી મળેલી ટેકનોલોજી દ્વારા વકીલ બિરાદરીને મળતા તેમનામાં મોટી તાકાત આવી છે. ચર્ચાની ગુણવત્તામાં વધારો થયો છે. અતિ આધુનિક માહિતી સાથે જ્યારે તે કોર્ટમાં આવે છે ત્યારે તેમની દલીલોમાંપરિવર્તન જણાય છે અને તિવ્રતા પણ જોવા મળે છે. તારીખ મેળવવા માટે તિવ્રતાની જરૂર નથી પડતી, કારણ કે સમસ્યા ઉકેલવા માટે તિવ્રતાની જરૂર પડે છે. મને વિશ્વાસ છે કે જજની સામે તિવ્રતાથી ચર્ચા કરવામાં આવશે ત્યારે તેમને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં અને સત્યને શોધવામાં વાર નહીં લાગે. આપણી ન્યાય પ્રક્રિયામાં આપો આપ ગતિ આવવાની શરૂઆત થશે. આપણે દરેક તર્ક માટે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે જોવું જોઈએ. આજે જ્યારે મુદત આપવામાં આવે છે ત્યારે બે મિનિટ લેવાય છે. લોકોને અમુક તારીખે મુદત છે તેવી માહિતી મોબાઈલ પર એસએમએસ મેળવવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે? આજે કોઈ અધિકારી ક્યાંક નોકરી કરતો હોય અને તેના જમાનાનો કોઈ કેસ નિકળતા તેની બદલી થઈ ગઈ હોય તો તે પોતાની નોકરી છોડીને અને પોતાનો વિસ્તાર છોડીને કોર્ટમાં જઈ ફરિયાદ કરે છે, પરંતુ આપણે આવા લોકો માટે શું વિડિયો કોન્ફરન્સીંગની સુવિધા કરી શકીએ નહીં. આપણે ઓછા સમયમાં જે માહિતી મેળવવા માગીએ છીએ તે પૂછી લેવી જોઈએ, જેથી આ અધિકારીઓને વહિવટ કરવા માટે સમય મળે અને વ્યવસ્થામાં પણ સમય ફાળવી શકે. કેદીઓને જેલમાંથી અદાલતમાં લાવવા માટે તેમને સુરક્ષા પૂરી પાડવામાં કેટલો ખર્ચ થાય છે અને કેટલો સમય લાગે છે. રસ્તામાં શું શું થાય છે તે બધા જ જાણે છે.
હવે યોગીજી આવ્યા છે ત્યારે કદાચ આ બધુ બંધ થશે. કદાચ વીડિયો કોન્ફરન્સ સાથે જેલ અને કોર્ટને જોડીશું તો આપણે કેટલો બધો ખર્ચ બચાવી શકીશું અને કેટલો બધ સમય બચી શકશે, કેટલી બધી સરળતા ઊભી થશે. ભારત સરકારનો એ પ્રયાસ રહ્યો છે કે ભારતની ન્યાય વ્યવસ્થાને આધુનિક આઈસીટી ટેકનોલોજીનો પૂરો લાભ મળે અને તેને અગ્રતા આપવામાં આવે. હું દેશના સ્ટાર્ટઅપવાળા નવયુવાનોને પણ જણાવું છું કે દેશની ન્યાય પ્રક્રિયા માટે પોતાના સ્ટાર્ટઅપમાં નવા નવા ઈનોવેશન્સ કરો અને તમે પણ ટેકનોલોજીના માધ્યમથી ન્યાયતંત્રને તાકાત આપી શકો તેમ છે. જો ન્યાયતંત્ર સાથે નવા ઈનોવેશન ધરાવતા સાધનો આવશે તો મને શ્રધ્ધા છે કે ન્યાયતંત્રમાં સાધનોનો ઉપયોગ કરીને ગતિ લાવવામાં ઘણી મોટી સહાય થશે. આપણે જો ચારે દિશાઓમાં પ્રયાસ કરતા રહીશું તો એકબીજાના પૂરક બની શકીશું અને ધાર્યા પરિણામો મેળવી શકીશું.
હું 150 વર્ષની આ યાત્રાના સમાપન પ્રસંગે વધુ એક વખત દિલીપજીને, તેમની સમગ્ર ટીમને, અહીંના તમામ આદરણિય ન્યાયાધિશોને, બહારથી આવેલા મિત્રોને આદર પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
મને વિશ્વાસ છે કે 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થશે તે સમય માટે સપના સજાવીને અહીંથી આગળ વધીશું. જેટલું બની શકે તેટલું સપનાને સંકલ્પમાં પરિવર્તન કરવાનું કામ કરીશું અને આ સંકલ્પ પૂરો કરવા માટે આપણી તમામ ક્ષમતાથી કામે લાગી જઈશું. ચાલો દેશને નવી ઊંચાઈ પર લઈ જઈએ. નવા ભારત, નવી પેઢીના જે સપનાઓ છે તેને પૂરા કરવાનો આપણે પ્રયાસ કરીએ. આ અપેક્ષા સાથે આપ સૌનો હું ખૂબ જ આભારી છું. ધન્યવાદ.