મહામહીમ રાષ્ટ્રપતિ મેક્રોન, મહામહીમ રાષ્ટ્રપતિગણ અને પ્રધાનમંત્રીગણ, સન્માનનીય અતિથીગણ, દેવીઓ અને સજ્જનો,
નમસ્કાર!
હું દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સ્થાપના સંમેલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
આજના ઐતિહાસિક દિવસનું બીજ નવેમ્બર 2015માં પેરીસમાં 21મી પરિષદના સમયે વાવવામાં આવ્યું હતું. આજે તે બીજમાંથી હરિયાળા અંકુર ફૂટી નીકળ્યા છે.
આ નાનકડા છોડની નવી સંભાવનાઓમાં ફ્રાન્સે બહુમુલ્ય ભૂમિકા નિભાવી છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો આ નાનકડો છોડ આપ સૌના સહકારી પ્રયાસ અને પ્રતિબદ્ધતા વિના રોપી શકાય તેમ નહોતો. અને એટલા માટે હું ફ્રાંસનો અને આપ સૌનો ખુબ ખુબ આભારી છું. 121 સંભવિત દેશોમાંથી 61 આ ગઠબંધનમાં જોડાઈ ચુક્યા છે. 32 દેશોએ ફ્રેમવર્ક સંધીને મંજૂરી પણ આપી દીધી છે પરંતુ આ ગઠબંધનમાં આપણે સૌ સહયોગી દેશો સિવાય આપણા સૌથી મોટા સાથી છે સૂર્યદેવતા કે જે બહારના વાતાવરણને પ્રકાશ અને આપણા સંકલ્પને શક્તિ આપી રહ્યા છે.
પૃથ્વી ઉપર જ્યારે જીવને પોતાની આંખો ખોલી હતી તેના પણ કરોડો વર્ષ પહેલાથી સુરજ લોકને પ્રકાશિત અને અનુપ્રાણિત કરતા આવ્યા છે. જાપાનથી લઈને પેરુ સુધી, ગ્રીસ હોય કે રોમ, ઈજીપ્ત, તેમનો અને પૂર્વ માયા પરંપરા- દરેક સભ્યતાએ સુરજને પ્રતિષ્ઠા અને મહત્વ આપ્યું છે.
પરંતુ ભારતીય દર્શનમાં હજારો વર્ષ પહેલાથી જ સૂર્યને જે કેન્દ્રીય સ્થાન આપવામાં આવ્યું, તે અદ્વિતીય છે. ભારતમાં વેદોએ હજારો વર્ષ પહેલાથી જ સૂર્યને વિશ્વની આત્મા માન્યો છે. ભારતમાં સૂર્યને સંપૂર્ણ જીવનનો પોષક માનવામાં આવ્યો છે. આજે જ્યારે આપણે જળવાયુ પરિવર્તન જેવા પડકારો સામે લડવા માટે રસ્તો શોધી રહ્યા છીએ તો આપણે પ્રાચીન દર્શનના સંતુલન અને સમગ્ર દ્રષ્ટિકોણની તરફ જોવું પડશે.
મિત્રો,
આપણું હરિત ભવિષ્ય એ વાત ઉપર નિર્ભર કરે છે કે આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ. મને મહાત્મા ગાંધીના શબ્દો યાદ આવે છે: “આપણે શું કરીએ છીએ અને આપણે શું કરી શકવા માટે સમર્થ છીએ તેની વચ્ચેનો તફાવત છે તે જ વિશ્વની મોટા ભાગની સમસ્યાઓને ઉકેલવા માટે પુરતો છે.”
સમગ્ર વિશ્વમાંથી નેતાઓની આજે અહિયાં ઉપસ્થિતી એ વાતની અભિવ્યક્તિ છે કે સૂર્ય ઉર્જા માનવ જાતિની ઉર્જા જરૂરીયાતોને સ્થાયી રૂપે પૂરી કરવા માટેનું એક પ્રભાવી અને કિફાયતી સમાધાન ઉપલબ્ધ કરાવે છે.
મિત્રો,
ભારતમાં આપણે દુનિયાનો સૌથી મોટો નવીનીકરણ ઉર્જા વિસ્તાર કાર્યક્રમ શરુ કર્યો છે. અમે 2022 સુધીમાં પુનઃપ્રાપ્યમાંથી 175 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરીશું જેમાંથી 100 ગીગાવોટ વીજળી સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થશે.
અમે તેમાંથી 20 ગીગાવોટ ઇન્સ્ટોલ્ડ સોલર પાવરનું લક્ષ્ય પહેલાથી જ પ્રાપ્ત કરી લીધું છે. ભારતમાં ઉર્જાનો વધારો હવે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે પુનઃપ્રાપ્યથી વધારે થાય છે.
ભારતમાં અટલ જ્યોતિ યોજનાનો ઉદ્દેશ અપર્યાપ્ત વીજળીવાળા ક્ષેત્રોમાં સોલર ઉર્જા આધારિત સ્ટ્રીટ લાઈટ લગાવવાનો છે. શાળાએ જવાવાળા બાળકો માટે સોલર સ્ટડી લેમ્પ યોજનાથી 7 મિલિયન બાળકોને પ્રકાશ મળી રહ્યો છે.
જો આપણે સૂર્ય ઉર્જાથી બીજી અન્ય ટેકનોલોજીઓને જોડી શકીએ તો પરિણામ હજુ વધારે સારું થઇ જાય છે. ઉદાહરણ તરીકે સરકાર દ્વારા 28 કરોડ એલઈડી બલ્બોના વિતરણથી છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 2 બિલિયન ડોલરથી વધુની બચત જ નથી થઇ પરંતુ 4 ગીગાવોટ વીજળી પણ બચી છે. એટલું જ નહી, 30 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ પણ ઓછો બન્યો છે.
મિત્રો,
અમે માત્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં સૂર્ય ક્રાંતિ ઇચ્છીએ છીએ. તમે ભારતમાં પ્રશિક્ષિત સોલર મામાઝ, જેનું તમે હમણાં જ ગીત પણ સાંભળ્યું, તેમના ભાષણ પણ સાંભળ્યા, તેમના વિડીયો પણ જોયા. હવે તમે સારી રીતે આ સોલર મામાઝથી પરિચિત થઇ જ ચુક્યા છો. તેમની વાર્તા પોતાનામાં જ પ્રેરણાદાયક છે.
અમને ખુશી છે કે આઈએસએ કોર્પસ ફંડમાં યોગદાન સિવાય આઈએસએ સેક્રેટરીએટની સ્થાપના માટે 62 મિલિયન અમેરિકી ડોલરનું યોગદાન આપ્યું છે. મને આ જાહેરાત કરતા પણ ખુશી થઇ રહી છે કે આપણે આઈએસએ સદસ્યોને દરેક વર્ષે સૌર ઉર્જામાં 500 ટ્રેનીંગ સ્લોટ પ્રદાન કરીશું.
આપણે સમગ્ર વિશ્વમાં 143 મિલિયન અમેરિકી ડોલરના 13 સૌર પ્રોજેક્ટ્સ કાં તો પુરા કરી લીધા છે અથવા તેમની પ્રક્રિયા ચાલી રહી છે. ભારત 15 અન્ય વિકાસશીલ દેશોમાં 1.4 બિલિયન અમેરિકી ડોલરની સહાયતા અન્ય 27 પ્રોજેક્ટ્સ માટે આપવાનું છે.
અમે યોજનાની તૈયારી માટે સુવધાની સ્થાપના કરી છે જે બેન્કેબલ પ્રોજેક્ટ્સ ડીઝાઇન કરવા માટે ભાગીદાર દેશોને માર્ગદર્શન સહાયતા આપશે.
મને આજે એ જાહેરાત કરતા પણ ખુશી થઇ રહી છે કે ભારત સોલર ટેકનોલોજીના અંતરને ભરવા માટે સોલર ટેકનોલોજી મિશન પણ શરુ કરશે. આ મિશનનું આંતરરાષ્ટ્રીય લક્ષ્ય હશે અને આ અમારી સમગ્ર સરકાર, ટેકનોલોજી અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને સોલર ક્ષેત્રમાં સંશોધન અને વિકાસના પ્રયાસોનું નેતૃત્વ કરશે.
મિત્રો,
પ્રચુર માત્રામાં હવાની જેમ ઉપલબ્ધ સૂર્ય ઉર્જાનો વિકાસ અને પ્રયોગ આપણી સમૃદ્ધિ ઉપરાંત પૃથ્વીનો કાર્બન ભાર જરૂરથી હળવો કરશે.
મિત્રો,
આપણે કેટલાક મુદ્દાઓ ઉપર ધ્યાન રાખવું પડશે. અને તે છે- એક બાજુ ઘણા બધા દેશો છે જેમાં સૂર્ય વર્ષ દરમિયાન ચમકે છે પરંતુ સંસાધનો અને ટેકનોલોજીનો અભાવ સૌર ઉર્જાના વપરાશમાં આડે આવે છે, અડચણ બની જાય છે.
બીજી બાજુ એવા દ્વીપ સમૂહો અને દેશો છે જેમના અસ્તિત્વને જળવાયુના પ્રભાવનો સીધો ખતરો છે. ત્રીજી વાત એ છે કે સૂર્ય ઉર્જા પ્રકાશ માટે જ નહી, પરંતુ અન્ય ઘણા બધા પ્રયોગો- વાહનવ્યવહાર, સ્વચ્છ રાંધણગેસ, કૃષિમાં સોલર પંપ અને હેલ્થ કેરમાં પણ તેટલી જ ઉપયોગી સાબિત થઇ શકે છે.
સૂર્ય ઉર્જાના પ્રયોગને પ્રોત્સાહન આપવા માટે ટેકનોલોજીની ઉપલબ્ધતા અને વિકાસ, આર્થિક સંસાધન, કિંમતોમાં ઘટાડો, સંગ્રહ ટેકનોલોજીનો વિકાસ, જથ્થાબંધ ઉત્પાદન અને નવીનીકરણ માટે સમગ્ર ઇકો સીસ્ટમ ખુબ જ જરૂરી છે.
મિત્રો,
આગળનો રસ્તો શું છે, તે આપણે સૌએ વિચારવાનું છે. મારા મનમાં દસ એક્શન પોઈન્ટ્સ છે જે હું આજે આપની સાથે વહેંચવા માંગું છું. સૌપ્રથમ છે, આપણે એ બાબત સુનિશ્ચિત કરવી પડશે કે વધુ સારી અને સસ્તી સોલર ટેકનોલોજી સૌની માટે સુગમ અને સુલભ હોય.
આપણે આપણા એનર્જી મિક્સમાં સૂર્યની સરેરાશ વધારવી પડશે. આપણે નવીનીકરણને પ્રોત્સાહિત કરવી પડશે જેથી કરીને જુદી જુદી જરૂરિયાતો માટે સૌર સમાધાન મળી શકે.
આપણે સૌર પ્રકલ્પો માટે કન્સેશનલ નાણાકીય ભંડોળ અને ઓછા જોખમના નાણા ફાળવવા પડશે. નિયામક પાસાઓ અને માનકોનો વિકાસ કરવો પડશે જે સૌર સમાધાન અપનાવવા અને તેમના વિકાસને એક નવી ગતિ આપે. વિકાસશીલ દેશોમાં બેન્કેબલ સોલર પ્રોજેક્ટ્સની માટે માર્ગદર્શક સહાયનો વિકાસ જરૂરી છે.
આપણા પ્રયાસોમાં વધુ સમાવેશીતા અને ભાગીદારી ઉપર ભાર મુકવામાં આવે. આપણે સેન્ટર ઓફ એકસલન્સનું એક વ્યાપક નેટવર્ક બનાવવું જોઈએ કે જે સ્થાનીય પરિસ્થિતિઓ અને કારકોને ધ્યાનમાં રાખી શકે. આપણી સોલર એનર્જી પોલીસીને વિકાસની સમગ્રતાથી જોવામાં આવે જેથી કરીને એસડીજીની પ્રાપ્તિમાં આનાથી વધુમાં વધુ યોગદાન મળી શકે. આપણે આઈએસએ સેક્રેટરીએટને મજબુત અને વ્યવસાયિક બનાવવું જોઈએ.
મિત્રો,
મને વિશ્વાસ છે કે આપણે આઈએસએના માધ્યમથી આ બધા જ એક્શન પોઈન્ટ્સ ઉપર ગતિશીલ વિકાસ કરીને આગળ વધી શકીશું.
મિત્રો,
આજની આ ક્ષણ આપણી યાત્રાની શરૂઆત માત્ર છે. આપણું આ સંગઠન આપણા જીવનને સુરજના પ્રકાશ વડે વધુ ભરી શકે છે. તે ‘ચાલો સૂર્યને વધુ ચમકદાર બનાવીએ’ના સૂત્રને પણ સાર્થક કરી શકે તેમ છે. હંમેશાથી ભારતીય દર્શનની આત્મા ‘વસુધૈવ કુટુમ્બકમ’ એટલે કે ‘સમગ્ર વિશ્વ એક પરિવાર છે’
જો આપણે સમગ્ર પૃથ્વી, સમગ્ર માનવતાની ભલાઈ ઇચ્છીએ છીએ તો મને વિશ્વાસ છે કે અંગત મર્યાદાઓમાંથી બહાર નીકળીને એક પરિવારની જેમ આપણે ઉદ્દેશ્યો અને પ્રયાસોમાં એકતા અને એકજુટતા લાવી શકીશું.
મિત્રો,
આ એ જ રસ્તો છે જેનાથી આપણે પ્રાચીન મુનીઓની પ્રાર્થના- ‘તમસો મા જ્યોતિર્ગમય’ એટલે કે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ ચાલીએ’ ને ચરિતાર્થ કરી શકીશું.
ખુબ ખુબ ધન્યવાદ!
આભાર!