મંચ પર ઉપસ્થિત પ્રોફેસર જગદીશ મુખીજી, મુખ્યમંત્રી ભાઈ સર્વાનંદ સોનોવાલજી, અરૂણાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી પેમા ખંડૂજી ભાઈ હેમંત વિશ્વાશર્માજી, મંત્રી પરિષદના મારા સાથી ભાઈ રાજન ગૌહાઈજી, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો.
આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા માટે આવ્યા હું તમારો ખૂબ જ આભારી છું. આજે પૂર્વોત્તર, પૂર્વીય ભારત માટે ખૂબ ઐતિહાસિક દિવસ છે. આપ સૌને દેશના સૌથી લાંબા રોડ રેલ બ્રિજની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
હું હમણાં બ્રિજ પર થઈને જ આપ સૌની વચ્ચે પહોંચ્યો છું. મન ખૂબ પ્રસન્ન છે.
સાથીઓ, આજે સમગ્ર વિશ્વ નાતાલ ઉજવી રહ્યું છે. આસામ સહિત સંપૂર્ણ પૂર્વોત્તર સમગ્ર દેશને નાતાલની ખૂબ-ખૂબ શુભકામનાઓ. સાથીઓ, હું અસમિયા સમાજ માટે સમર્પિત સ્વૉર્ગોદેઉ સાઉલુંગ સુ-કા-ફાને નમન કરું છું. તેની સાથે-સાથે વીરતા અને બલિદાનના પ્રતિક લાસિત બોરફૂકૉન, બીર શિલારાઈ, સ્વૉર્ગોદેઉ સર્બાનંદ સિંહ, બીરાંગના હૉતી સાધિની, બોદૌસા, બીર રાઘવ મોરાન, માનિક રજા, હૉતી જૉયમૉતી, હૉતી રાધિકા સહિત તમામ નાયક નાયિકાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
આઝાદીની લડાઈથી લઈને દેશ અને આસામના નવનિર્માણ માટે અનેક લોકોએ યોગદાન આપ્યું છે. રાજનીતિથી લઈને સમાજ સેવા, જ્ઞાન વિજ્ઞાન અને ખેલકૂદ સુધી, આસામને, દેશને ગૌરવાન્વિત કરનારા દરેક વ્યક્તિને મારી કાર્યાંજલિ સમર્પિત છે.
હું આસામની સ્વર કોકિલા પદ્મશ્રી દિપાલી બોઝ ઠાકુરજીને પણ મારા શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. તેમના જવાથી આસામિઓને દેશ-વિદેશના અસંખ્ય જિલ્લાઓ સુધી લઇ જનારો એક અવાજ ચાલ્યો ગયો છે.
સાથીઓ, આજ સુશાસન માટે સમર્પિત દેશના સૌથી મહાન વ્યક્તિઓમાં એક આપણા સૌના સહ-હૃદય અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ પણ છે. અટલજીની જન્મજયંતિને દેશ આજે સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યો છે. ભાઈઓ અને બહેનો સુશાસનનો અર્થ જન સરોકાર છે. સામાન્ય માનવીના જીવનને વધુ સારું બનાવવાના સંસ્કાર છે. પોતાના-પારકા, તારું-મારું તેનાથી ઉપર ઉઠીને જ્યારે દેશ સમાજના વધુ સારા ભવિષ્ય માટે નિર્ણયો લઇ લેવામાં આવે છે. જીવનને સરળ બનાવનારી વ્યવસ્થાઓ અને સંસાધનોનું નિર્માણ કરવામાં આવે છે, ત્યારે સુશાસન સ્વરાજ તરફ આગળ વધે છે. જ્યારે સૌનો સાથ, સૌનો વિકાસના ધ્યેય મંત્રની સાથે કાર્ય થાય છે. દેશના સંતુલિત વિકાસ પર ભાર મુકવામાં આવે છે, ત્યારે સુશાસન સ્વરાજ્યની તરફ આગળ વધે છે. સાથીઓ, આ જ પ્રયાસ વિતેલા સાડા ચાર વર્ષોમાં કેન્દ્ર અને હવે આસામની સરકાર હોય, અરુણાચલની સરકાર હોય તે સતત કરી રહી છે. મને ખુશી છે કે આજનો પવિત્ર દિવસ સુશાસનના એક મોટા પ્રતિક ઐતિહાસિક બોગીબીલ રેલ-રોડ બ્રિજના લોકાર્પણના સાક્ષી આપણે સૌ બન્યા છીએ. તે દેશનો સૌથી લાંબો રેલ-સહ-રોડ બ્રિજ છે. તે દેશનો સૌથી પહેલો સંપૂર્ણ પણે સ્ટીલથી બનેલો બ્રિજ છે. પાણીથી 30 મીટર કરતા પણ વધુ ઊંચાઈ પર બનેલો આ પુલ આપણા એન્જિનિયરીંગ અને ટેકનોલોજી સામર્થ્યની પણ કમાલ છે. એક સાથે ગાડીઓ અને ટ્રેનની ઝડપ અને ભાર સહન કરવાની ક્ષમતા દેશની વ્યૂહાત્મક શક્તિને પણ અનેક ગણી સુદ્રઢ કરનારી છે.
ભાઈઓ અને બહેનો આ માત્ર એક બ્રિજ નથી, પરંતુ આ ક્ષેત્રના લાખો લોકોના જીવનને જોડનારી જીવનરેખા છે. તેમાં આસામ અને અરુણાચલની વચ્ચેનું અંતર સમેટાઈ ગયું છે. ઈંટાનગરથી દિબ્રુગઢની રેલ યાત્રા હવે આશરે 700 કિલોમીટર ઘટીને 200 કિલોમીટર કરતા પણ ઓછી થઇ ગઈ છે. રેલ વડે જે મુસાફરીમાં પહેલા લગભગ 24 કલાક લાગી જતા હતા, હવે તે જ મુસાફરી માત્ર 5-6 કલાકની રહી ગઈ છે. આશરે 5 કિલોમીટર લાંબા આ પુલ વડે આસામના તિનસુખિયા અને અરુણાચલ પ્રદેશના નાહર લાગૂની વચ્ચે અંતર જ નથી ઘટ્યું પરંતુ લોકોને અનેક મુસીબતોથી પણ મુક્તિ મળી છે. તેમનું જીવન પણ સરળ બન્યું છે.
મને જણાવવામાં આવ્યું છે કે પહેલા ધેમાજી લખીમપુર અને અરુણાચલના અનેક જિલ્લાઓના લોકોને હોડીના માધ્યમથી બ્રહ્મપુત્રાને પાર કરવી પડતી હતી. અથવા તો પછી માર્ગ કે રેલવેના રસ્તે લગભગ આખા દિવસની મુસાફરી કરવી પડતી હતી. અનેક ટ્રેનો બદલવી પડતી હતી. ભાઈઓ બહેનો આજે જે ટ્રેનને લીલી ઝંડી દેખાડવામાં આવી છે. 14 કોચની આ સીધી ટ્રેન આ આખા ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવવા જઈ રહી છે. જે સપનાને જોતા પેઢીઓ પસાર થઇ, હવે તે સપનું પૂર્ણ થયું છે. હવે દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ જવા માટે પણ અહિંના લોકોને ગુવાહાટી થઇને જવાની જરૂર નથી. સ્વાસ્થ્ય સુવિધાઓ હોય, અભ્યાસ ભણતર હોય, રોજગાર હોય, વેપાર કારોબાર હોય, દિબ્રુગઢ પૂર્વોત્તરનું એક ઘણું મોટું કેન્દ્ર છે. અહિં આવવું-જવું એ લાખો લોકોની જરૂરિયાત છે. ખાસ કરીને ગંભીર બીમારીની સ્થિતિમાં આખા દિવસની મુસાફરી કેવી રીતે જીવન પર ભારે પડી જતી હતી તે આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો.
સાથીઓ, દિબ્રુગઢ મેડીકલ કોલેજ, દવાખાનું અને દિબ્રુગઢ યુનિવર્સિટી જેવી સુવિધાઓ હવે ઉત્તર કિનારે વસેલા લોકો માટે યુવા સાથીઓ માટે મિનીટોના અંતરે સુનિશ્ચિત થઇ ગઈ છે. આ ઘણી મોટી સુવિધા માટે આપ સૌને સમગ્ર પૂર્વોત્તરના લોકોને, આખા દેશના લોકોને ફરી એકવાર ખૂબ-ખૂબ અભિનંદન.
આ પુલના નિર્માણ સાથે જોડાયેલ તે તમામ એન્જિનિયર અને કારીગરો સાથીઓની પણ હું પ્રશંસા કરું છું જેમણે દિવસ રાત એક કરીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ પુલ માટે કામ કર્યું છે. આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન.
ભાઈઓ બહેનો, આસામ અને પૂર્વોત્તરને માટે આ બમણી વધામણીનો દિવસ છે કારણ કે દેશનો સૌથી મોટો રોડ બ્રિજ અને રેલ રોડ બ્રિજ બંને આસામની ધરતી પર છે. તે મારું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચાલી રહેલી કેન્દ્ર સરકારનું સૌભાગ્ય છે કે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ બંને મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પુરા કરવાનો અમને અવસર મળ્યો છે.
ગયા વર્ષે મે મહિનામાં, સદિયામાં, ભૂપેન હજારિકા પુલનું લોકાર્પણ કરવા આવ્યું હતું. તો આજે બોગીબીલમાં આપ સૌની વચ્ચે છું. ભાઈઓ અને બહેનો, વિતેલા સાડા ચાર વર્ષોમાં બ્રહ્મપુત્ર પર બનેલો આ ત્રીજો પુલ છે. આઝાદીના 60-70 વર્ષોમાં બ્રહ્મપુત્ર પર ત્રણ પુલ બન્યા છે. 60-70 વર્ષમાં ત્રણ પુલ. અને વિતેલા સાડા ચાર વર્ષોમાં પણ અમે ત્રણ નવા પુલો બનાવ્યા છે. પાંચ નવા પુલોના નિર્માણની પ્રક્રિયા પણ ચાલુ થઇ ગઈ છે. જ્યારે આ બધા જ પુલો તૈયાર થઇ જશે તો બ્રહ્મપુત્રના ઉત્તર અને દક્ષિણના કિનારાઓની વચ્ચે જોડાણ તો સુદ્રઢ થશે જ પરંતુ આહાર, ઉદ્યોગ અને વેપારનો પણ નવો અધ્યાય લખવામાં આવશે.
સાથીઓ, આ જ તો સુશાસન છે. આ જ તો સુરાજ્યની તરફ આગળ વધી રહેલા અમારા પગલાઓ છે. આજે અમે દાવા સાથે કહી શકીએ છીએ કે વિકાસની આ જ ગતિ આસામની સાથે-સાથે સમગ્ર પૂર્વોત્તરનું ચિત્ર બદલવા જઈ રહી છે.
ભાઈઓ અને બહેનો કદાચ આજે અહિં કેટલાક લોકો એવા પણ હશે જેઓ ત્યારે પણ અહિં આવ્યા હશે જ્યારે 16 વર્ષ પહેલા અટલજી અહિયાં આવ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી એક આખી પેઢી બદલાઈ ગઈ છે. તમે ખરેખર ખૂબ લાંબી રાહ જોઈ છે, ધીરજ ધરી છે. સાથીઓ, તમારી વર્ષોની માંગણી પછી આ બ્રિજ સાથે જોડાયેલી પ્રક્રિયાઓ બે દાયકા પહેલા શરુ થઇ પરંતુ સચ્ચાઈ એ જ છે કે તેનું નિર્માણ અટલજીના અટલ પ્રયાસો વડે જ શરુ થઇ શક્યું. પરંતુ તે દુર્ભાગ્ય રહ્યું છે કે વર્ષ 2004માં અટલજીની સરકાર ચાલી ગઈ અને તેમના શરુ કરેલા તમામ પ્રોજેક્ટની જેમ જ પૂર્વોત્તરની આ મહત્વપૂર્ણ પરિયોજના પણ લટકી રહી, અટકી ગઈ.
ભાઈઓ અને બહેનો આપ સૌ સાક્ષી છો કે 2014ના, કે કેવી રીતે અહિં કેટલાક અડધા-પડધા થાંભલાઓ સિવાય કંઈ જ દેખાતું નહોતું. પરિસ્થિતિ એવી હતી કે જ્યારે 2014માં અમારી સરકાર આવી તો આ પુલનું અડધું કામ, અડધાથી પણ વધુ કામ અધૂરું પડ્યું હતું, બાકી પડ્યું હતું. તેમાં કોઈ શંકા નથી કે જો અટલજીની સરકારને ફરીથી અવસર મળ્યો હોત તો 2007-2008 સુધીમાં આ બ્રિજનું લોકાર્પણ થઇ ગયું હોત પરંતુ તેના પછી જે સરકાર કેન્દ્રમાં આવી તેણે તમારી જરૂરિયાત પર ધ્યાન જ નથી આપ્યું.
2014માં સરકાર બન્યા પછી અમે આ પ્રોજેક્ટના માર્ગમાં આવી રહેલી બધી જ અડચણોને દૂર કરી છે અને ગતિ આપી અને આશરે 6 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલો બોગીબીલ પુલ જન-સામાન્યની સેવા માટે આજે સમર્પિત છે. અટલજીના જન્મ દિવસ પર તેમનું એક સપનું પૂરું કરીને કૃતજ્ઞ રાષ્ટ્રએ તેમને આજે શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી છે. પૂર્વોત્તરના અનેક લોકોને આજે આ ઉપહાર મળતો જોઈને તેઓ જ્યાં પણ હશે તેમની આત્મા જ્યાં પણ હશે તેઓ ખૂબ જ ખુશ થશે, આ તમારા ચહેરા પર જે ખુશી જોવા મળી રહી છે તેને જોઈને અટલજીનો આત્મા વધુ પ્રફુલ્લિત થતો હશે.
સાથીઓ, પહેલાની સરકારની ઓળખ જો અટકેલા પ્રોજેક્ટ હતી તો અમારી સરકારની ઓળખ વાહન-વ્યવહારથી પરિવર્તન અને દેશને મળી રહેલા અગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે 12 લાખ કરોડ રૂપિયાથી વધુના આવા સેંકડો પ્રોજેક્ટને અમે શોધી કાઢ્યાં છે જે અનેક વર્ષો સુધી અટકેલા પડ્યા હતા, અથવા તો જેના પર ધીમી ગતિએ કામ થઇ રહ્યું હતું. જો તેમની અંદર કામની જૂની ગતિ હોત તો આગલો દાયકો પણ વિતી જાત. આજે સુશાસન દિવસ પર હું ગર્વથી કહી શકું છું કે લટકાવવા, ભટકાવનારી તે જૂની કાર્ય-સંસ્કૃતિને અમે પૂરી રીતે બદલી નાખી છે. આ કારણે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને નવી ગતિ મળી છે.
ગયા વર્ષે એવો જ લટકેલા મિઝોરમના દ્વિરલ હાયડ્રો પાવર પ્રોજેક્ટ, આ જ વર્ષે કેટલાક મહિનાઓ પહેલા સિક્કિમ એરપોર્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. એવી અનેક યોજનાઓ પૂર્ણ થઇ છે, બાકી રહેલી યોજનાઓ પર પણ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.
સાથીઓ, આજે નિર્ધારિત સમય પર, નિર્ધારિત ખર્ચામાં જ પ્રોજેક્ટ પુરા કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. હવે સમય સીમા માત્ર કાગળમાં લખવાની વાત માત્ર નથી રહી ગઈ પરંતુ સરકારી કામકાજના સંસ્કાર બની રહી છે. હું આસામની સરકાર સોનેવાલની આખી ટીમને પણ અભિનંદન આપું છું કે તેમણે આ સંસ્કારને આત્મસાત કર્યા છે.
આસામમાં અનેક એવા પ્રોજેક્ટ જે વર્ષોથી અધૂરા હતા, જે પુરા થઇ ગયા છે અથવા તો પુરા થવાની સ્થિતિમાં છે. ૩ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આશરે 700 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાડાચાર વર્ષમાં પુરા કરી દેવામાં આવ્યા છે. આશરે 6 હજાર કરોડના એક ડઝનથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. નવા એરપોર્ટના ટર્મિનલ હોય, રેલ લાઈનોનું વિદ્યુતીકરણ અને વિસ્તૃતીકરણનું કામ હોય, ગુવાહાટી તીનસુખિયા ગેસ પાઈપલાઈન હોય, ગુવાહાટીમાં એઈમ્સ હોય, ધેમાજીમાં ઇન્ડિયન એગ્રિકલ્ચર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય, એવા અનેક પ્રોજેક્ટનું કામ પૂરું થઇ ગયું છે અથવા તો ખૂબ ટૂંક સમયમાં પૂરું થવાનું છે. ઝડપી ઈન્ટરનેટ સેવાની ખાતરી કરનારી ઇન્ટરનેશનલ સબમરીન કેબલ પણ ત્રિપુરા પહોંચી ચૂકી છે અને ખૂબ ટૂંક સમયમાં તે આસામ પણ પહોંચી જવાની છે. તેમાં પણ ડિજિટલ સેવાઓ મજબૂત થશે.
સાથીઓ, મારું સ્પષ્ટપણે માનવું છું કે જ્યારે પૂર્વીય ભારત આગળ વધશે તો સમગ્ર ભારત આગળ વધશે. જ્યારે પૂર્વીય ભારત મજબૂત બનશે તો સમગ્ર ભારત મજબૂત બનશે. પૂર્વીય ભારતનું અભિન્ન અંગ આપણું પૂર્વોત્તર છે અને એટલા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર આસામની સાથે-સાથે સંપૂર્ણ પૂર્વોત્તરમાં થઇ રહ્યો છે. સમગ્ર પૂર્વોત્તરમાં લગભગ 70 હજાર કરોડ રૂપિયાના આશરે સાડા પાંચ હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે. તેમાંથી લગભગ અઢી હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું કામ પૂર્ણ થઇ ગયું છે. 1 હજાર કિલોમીટરથી વધુના માર્ગો આંતરરાષ્ટ્રીય જોડાણ કાયદો ઇસ્ટ પોલીસીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી રેલવેના જોડાણની વાત છે તો આવનારા બે-ત્રણ વર્ષો સુધી પૂર્વોત્તરના રાજ્યોની દરેક રાજધાનીને બ્રોડગેજ લાઈન સાથે જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આશરે 47 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 15 નવી રેલવે લાઈનો તૈયાર થઇ રહી છે. લગભગ 1 હજાર કિલોમીટર રેલવે લાઈનો એટલે કે પૂર્વોત્તરની લગભગ તમામ લાઈનોને બ્રોડગેજમાં બદલવામાં આવી ચૂકી છે. પહેલા પૂર્વોત્તરમાં પ્રતિ વર્ષ આશરે 100 કિલોમીટર રેલવે લાઈનો બનતી હતી અથવા તો તેનું વિસ્તૃતીકરણ થતું હતું, જ્યારે વિતેલા સાડા ચાર વર્ષોમાં 350 કિલોમીટર લાઈન દર વર્ષે બને છે અથવા તો પછી તેનું વિસ્તૃતીકરણ કરવામાં આવે છે. એટલું જ નહિં 19 જળમાર્ગો એટલે કે નદી માર્ગો પર કામ ચાલી રહ્યું છે અહિં આસામમાં પણ બ્રહ્મપુત્ર અને બડ઼ાગ નદીઓના માધ્યમથી ચિટગાંવ અને મંગલા પોર્ટ સુધી આંતરિક જળમાર્ગ બનાવવામાં આવી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય પણ દેશના સામાન્ય માનવીના જીવન સ્તરને ઉપર ઉઠાવવા માટે જે યોજનાઓ કેન્દ્ર સરકાર ચલાવી રહી છે તેમને આસામની સરકાર પણ ગતિ આપી રહી છે. તેનું જ પરિણામ છે કે બાળકોને અભ્યાસ, યુવાનોને નોકરી, વડીલોને દવાઓ, જન-જનની સુનાવણી આસામમાં સુનિશ્ચિત થઇ રહી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત આશરે 24 લાખ ગેસના જોડાણો આસામ ગરીબ બહેનોને આપી દેવામાં આવ્યા છે જેનું પરિણામ છે કે આસામમાં સાડા ચાર વર્ષ પહેલા સુધી જ્યાં અંદાજીત 40 ટકા ઘરોમાં ગેસના સિલિન્ડરો હતા તેને બદલે આજે આ સંખ્યા બમણી વધીને આશરે 80 ટકા થઇ ગઈ છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આશરે 32 લાખ શૌચાલયો આસામમાં બની ચૂક્યા છે. સૌભાગ્ય યોજના અંતર્ગત વિતેલા એક જ વર્ષમાં આસામના 12 લાખથી વધુ પરિવારોને મફત વીજળીના જોડાણો આપવામાં આવ્યા છે. જેનાથી આસામમાં વીજળીકરણનો વ્યાપ આશરે 50 ટકાથી વધીને આશરે 90 ટકા સુધી પહોંચી ગયો છે. તમે તે સ્થિતિને પણ યાદ કરો જ્યારે અહિયાં ટી-ગાર્ડનમાં કામ કરનારા ભાઈઓ-બહેનોના બેંક ખાતાઓ નહોતા. બેંક નામનું કોઈ તેમનું ઠેકાણું નહોતું. જન-ધન યોજના અંતર્ગત 7 લાખ કારીગર બહેનો ભાઈઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. આ બધી જ યોજનાઓ સરકાર અને આપ સૌના સહયોગ તથા આશીર્વાદથી સફળતા તરફ આગળ વધી રહી છે.
સાથીઓ, ગરીબનું, શોષિતનું, વંચિતનું જો સૌથી વધુ કોઈ નુકસાન કરે છે તો તે ભ્રષ્ટાચાર છે, મધ્યમ વર્ગીય પરિવારો પર સૌથી વધુ બોજ જો કોઈ નાખે છે તો તે ભ્રષ્ટાચાર છે. દેશના વિકાસની યાત્રાની કમરને તોડી નાખે છે તો તે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર ગરીબ પાસેથી તેનો અધિકાર છીનવી લે છે, મુશ્કેલ બનાવી દે છે. એટલા માટે છેલ્લા ચાર સાડા ચાર વર્ષોથી અમારી સરકાર જ્યાં એક બાજુ ગરીબને અધિકાર અપાવી રહી છે ત્યાં જ બીજી બાજુ કાળાં નાંણા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ પૂરી તાકાત સાથે લડાઈ પણ લડી રહી છે.
ભાઈઓ અને બહેનો, એક બાજુ અમારી સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક કરોડ 25 લાખથી વધુ ગરીબ લોકોને ઘર આપી ચૂકી છે, ત્યાં જ બેનામી સંપત્તિ કાયદા અંતર્ગત ભ્રષ્ટાચારીઓના પાંચ હજાર કરોડ રૂપિયાના બંગલા અને ગાડીઓને જપ્ત પણ કરી ચૂકી છે. એક બાજુ અમારી સરકાર નવયુવાનોને માત્ર એક દિવસમાં નવી કંપનીની નોંધણીની સુવિધા આપી રહી છે તો બીજી બાજુ ભ્રષ્ટાચારના મૂળ તરીકે ઓળખાનારી સવા ત્રણ લાખથી વધુ સંદિગ્ધ કંપનીઓને રદ કરવાનું કામ પણ અમે કર્યું છે. એક બાજુ અમારી સરકારે મહિલાઓને, નવયુવાનોને સ્વરોજગારની માટે મુદ્રા યોજના અંતર્ગત કોઇપણ બેંકની બાહેંધરી વિના સાત લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપ્યું છે, તો ત્યાં જ બીજી બાજુ પહેલાની સરકારોએ બેંકોના જે લાખો કરોડો રૂપિયા ફસાવ્યા હતા, તેમાંથી ત્રણ લાખ કરોડ રૂપિયા અમારી સરકાર પાછા લાવી ચૂકી છે. એક બાજુ અમારી સરકાર આયુષમાન ભારત યોજના અંતર્ગત ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધીના મફત ઈલાજની સુવિધા આપી રહી છે તો ત્યાં જ બીજી બાજુ મેડિકલ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે પણ કડક પગલા ભરી રહી છે.
સાથીઓ, ચાર વર્ષ પહેલા કોઈ વિચારી પણ નહોતું શકતું કે હેલિકોપ્ટર ગોટાળાના સૌથી મોટા કાવતરાખોર ભારતની જેલ સુધી પહોંચી જશે, તે કોઈએ વિચાર્યું નહોતું. પરંતુ આ કાવતરાખોરોને ભારત લાવવાનું કામ અને કાયદાને હવાલે કરવાનું કામ પણ અમારી સરકારે હિમ્મત સાથે કર્યું છે. આ અમારી સરકારની કામ કરવાની પદ્ધતિ છે, અમારી કાર્ય સંસ્કૃતિ છે.
ભાઈઓ બહેનો, જ્યારે વ્યવસ્થામાં પારદર્શકતા આવે છે, ભ્રષ્ટાચાર ખતમ થઇ જાય છે, સુવિધાઓ મળે છે, જિંદગી સરળ બની જાય છે, તો તેનો પ્રભાવ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. આપણી રમતોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આજે આસામ સહિત દેશના દૂર-સુદૂરના ગામડાઓ, કસબાઓ અને નાના શહેરોમાંથી સામાન્ય પરિવારોમાંથી નીકળેલા યુવાનો દેશનું નામ રોશન કરી રહ્યા છે. હિમા દાસ જેવી આપણી અનેક દીકરીઓ, અનેક યુવાન સાથીઓ નવા ભારત માટે નવા આત્મવિશ્વાસનું આજે પ્રતિક બની છે.
સાથીઓ, અમે તમામ વ્યવસ્થા પરિવર્તન, વ્યવહાર પરિવર્તન અને વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી દેશને સશક્ત કરવાનું કામ કરી રહ્યા છે. આજે દેશમાં ભવિષ્યની જરૂરિયાતો અનુસાર માર્ગો, શાળાઓ, શહેરો, ગામડાઓ, સિંચાઈ અને વીજળી પરિયોજનાઓ પર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. આવનારા વર્ષોમાં જ્યારે આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઇ જશે તો ન્યુ ઇન્ડિયાનું ભવ્ય ચિત્ર દુનિયા સામે પ્રગટ થશે.
સાથીઓ, અટલજીએ જો 21મી સદીની શરૂઆતમાં દેશના પાયાને મજબુત કર્યો છે, તો અમે તે જ પાયા પર એક દિવ્ય ભવ્ય, નવા ભારતનું નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ભાઈઓ અને બહેનો આસામના લોકોએ દેશના લોકોએ અમને જે સેવાનું સૌભાગ્ય આપ્યું છે, તેને અમારી સરકાર પૂરી નિષ્ઠા સાથે પૂરું કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે સગા-સંબંધીઓ માટે નહીં દેશ અને સમાજ માટે હોમાઈ રહ્યા છીએ. મને પૂરો વિશ્વાસ છે કે તમારા આશીર્વાદથી આપણે સૌ સાથે મળીને આઈ અખોમી અને ભારત માતાને નવી ઊંચાઈ પર લઇ જઈશું. એક વાર ફરી આપ સૌને બોગીબીલ બ્રિજ જેવી અદભુત સુવિધા માટે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તમે અહિં આટલી મોટી સંખ્યામાં પધાર્યા, આશીર્વાદ આપ્યા તેની માટે હું મસ્તક નમાવીને નમન કરું છું.
ખૂબ-ખૂબ આભાર.
બંને હાથ ઉપર કરી મારી સાથે પુરી તાકાતથી બોલો–
ભારત માતાની જય
ભારત માતાની જય
ભારત માતાની જય
ભારત માતાની જય
ખૂબ-ખૂબ આભાર!