આપણા દેશના પૂર્વ ઉપ-પ્રધાનમંત્રી આદરણીય લાલ કૃષ્ણ અડવાણીજી, દેશના ગૃહમંત્રી માનનીય શ્રી રાજનાથ સિંહજી, મંત્રી મંડળના મારા અન્ય સહયોગીગણ, સંસદના મારા સાથીઓ, પોલીસ દળના સન્માનિત અધિકારીગણ, હોટ સ્પ્રિંગ બનાવના સાક્ષી રહી ચૂકેલા વીર સપૂત, અહિં ઉપસ્થિત શહીદોના પરિવારજનો, અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા ભાઈઓ તથા બહેનો…
આપણા સૌના જીવનમાં કેટલીક પળો એવી આવતી હોય છે જ્યારે તમારે શૌર્યને નમન કરવાનાં હોય છે. આપણે ગર્વથી ભરેલા હોઈએ છીએ. પરંતુ સાથે જ આપણે આપણી અંદર સંવેદનાનો એક પ્રવાહ પણ અનુભવ કરીએ છીએ. મારા માટે આ ક્ષણ એવી જ છે.
દેશની સુરક્ષામાં સમર્પિત પ્રત્યેક વ્યક્તિને, અહિં ઉપસ્થિત શહીદોના પરિવારોને હું પોલીસ સ્મૃતિ દિવસ પર આદરપૂર્વક નમન કરું છું. આજનો આ દિવસ આપ સૌની સેવાની સાથે-સાથે તમારા શૌર્ય અને ઉચ્ચ સર્વોચ્ચ બલિદાનને યાદ કરવાનો છે જે આપણા પોલીસ અને પેરામિલીટરી દળની પરિપાટી રહી છે.
પોલીસ સ્મૃતિ દિવસ એ સાહસી પોલીસ વીરોની ગાથાનું પણ સ્મરણ છે જેમણે લદ્દાખના બર્ફીલા પહાડોમાં પ્રથમ રક્ષા મંત્રીનું કાર્ય કર્યું, પોતાનું જીવન દેશની માટે સમર્પિત કર્યું. આજે પોલીસ સમુદાય સાથે જોડાયેલા એ હજારો શહીદોને યાદ કરવાનો પણ અવસર છે જેમણે આઝાદીથી લઈને અત્યાર સુધી કર્તવ્ય પથ પર ચાલીને પોતાનું સર્વસ્વ, પોતાની યુવાની, પોતાનું જીવન ન્યોછાવર કરી દીધુ. તેવી દરેક વીરાંગનાને હું શત્-શત્ નમન કરું છું. દરેક શહીદના પરિવાર જેમાંથી અનેક લોકો આજે અહિં પણ ઉપસ્થિત છે. હું આપ સૌની સામે પણ નતમસ્તક છું. જેમણે પોતાના દેશ માટે આટલો મોટો ત્યાગ કર્યો છે.
સાથીઓ, એ મારું સૌભાગ્ય છે કે મને રાષ્ટ્ર સેવા અને સમપર્ણની અમર ગાથા પ્રત્યે રાષ્ટ્રીય પોલીસ સ્મારક દેશને સમર્પિત કરવાનો અવસર મળ્યો છે. આ સ્મારકમાં બનેલ કેન્દ્રીય માળખું દરેક પોલીસના સામર્થ્ય, શૌર્ય અને સેવા ભાવનું પ્રતીક છે.
પથ્થરની નીચેનો પાણીનો પ્રવાહ આપણા સમાજમાં સતત વહેતી સદભાવનાનું પ્રતીક છે. ધ વોલ ઑફ વેલર પર તે 34 હજાર 844 પોલીસ કર્મીઓના નામ છે જેમણે દેશના જુદા-જુદા રાજ્યોમાં, જુદા-જુદા પડકારોની સામે લડતી વખતે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. મને વિશ્વાસ છે કે આ સ્મારકના નવનિર્મિત સંગ્રહાલયમાં રાખવામાં આવેલ એક-એક વસ્તુ, એક-એક સ્મૃતિ અહિં આવનાર દરેક દેશવાસીને, આપણા યુવાન સાથીઓને, આપણા દેશના ભવિષ્ય, આપણા બાળકોને, આપણી પોલીસ અને પેરામિલીટરી વ્યવસ્થાના ગૌરવશાળી ઈતિહાસથી પ્રેરણા આપશે. જે રીતે તમે સૌ તમારા કર્તવ્યપથ પર દિવસ રાત, રોકાયા વિના, થાક્યા વિના અટલ રહો છો. દરેક ઋતુમાં, દરેક તહેવાર પર સેવા માટે તત્પર રહો છો. કેટલીક એવી જ ભાવના આ સ્મારકને જોઇને જ પોતાની અંદર છલકે છે.
સાથીઓ, તમારા સૌની સદસ્યતાનું જ પ્રમાણ છે કે દેશને અશાંત કરનારા તત્વોને નિરાશા હાથમાં આવી છે. દેશમાં ડર અને અસુરક્ષાનો માહોલ ઉત્પન્ન કરવાના અનેક ષડ્યંત્રોને તમે નિષ્ફળ બનાવ્યા છે. આવા ષડ્યંત્રો જેની જાણકારી પણ બહાર નથી આવતી હોતી. એવી દિલદારી જેના પર સાર્વજનિકરૂપે તમને ક્યારેય પ્રશંસા નથી મળતી. શાંતિથી પસાર થનારી દેશની પ્રત્યેક પળ, દેશવાસીઓની દરેક ક્ષણ તમારા આ જ કર્તવ્ય ભાવ, સેવા ભાવથી જ શક્ય છે.
સાથીઓ, આજનો દિવસ જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને વ્યવસ્થા કાયમ કરવા માટે આતંક સામે લડનારા દરેક જવાનને યાદ કરવાનો પણ છે. દેશના નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં જે જવાનો અત્યારે ફરજ પર તૈનાત છે તેમને પણ અત્યારે હું એમ જ કહીશ કે તમે સર્વશ્રેષ્ઠ કામ કરી રહ્યા છો અને શાંતિની સ્થાપનાની દિશામાં તમે ઝડપથી આગળ વધી રહ્યા છો.
જો આજે નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઓછી થઇ રહી છે. તે જિલ્લાઓના વધુ નવયુવાનો મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે તો તેમાં તમારા પ્રયાસોની પણ ઘણી મોટી ભૂમિકા છે. પૂર્વોત્તરમાં ઉભેલા આપણા સાથીઓના શૌર્ય અને બલિદાનને લીધે ત્યા પણ હવે શાંતિનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બની રહેલા આપણા પૂર્વોત્તરના વિકાસમાં તમારું પણ યોગદાન છે.
સાથીઓ આજનો આ દિવસ દેશમાં આપત્તિ વ્યવસ્થાપનમાં લાગેલા કોઈ કુદરતી આફતના સમયમાં અથવા ઘટનાના સમયે રાહતના કાર્યમાં લાગેલા તે જવાનોને પણ યાદ કરવાનો છે જેમની સેવાની વધુ ચર્ચા નથી કરવામાં આવતી.
હું આજે દેશવાસીઓને એ કહેવા માંગું છું કે છેલ્લા કેટલાક વર્ષોથી ક્યાંય પણ પ્રાકૃતિક આપત્તિ હોય છે તો તમે જોયું હશે કે એનડીઆરએફ લખેલા કે એસડીઆરએફ લખેલા જવાનોને યુનિફોર્મમાં રાત દિવસ ત્યાં આકરી મહેનત કરીને લોકોના જીવ બચાવવામાં લાગેલા હશે. પરંતુ દેશને ખબર નથી કે આ તે જ ખાખી ગણવેશવાળા મારા પોલીસના જવાન છે. દેશ, તેમના સાહસને, એમના સમર્પણને, તેમની સેવાને કયારેય ન ભૂલે. કેટલાયને તો એ ખબર જ નથી હોતી કે કોઇ ઈમારત પડવાથી, આવી ઘટના ઘટવાથી, આગ લાગવાથી, રેલવેની અંદર કોઇ બનાવ બનવાથી, રાહતના કાર્યની કમાન્ડ સંભાળનાર લોકો કોણ છે.
દેશના દરેક રાજ્યમાં, દરેક પોલીસ સ્ટેશન, દરેક પોલીસ ચોકીમાં તૈનાત, રાષ્ટ્રની દરેક સંપત્તિની સુરક્ષામાં લાગેલા સાથીઓને, રાહતના કામમાં રોકાયેલા સાથીઓને, આપ સૌને હું આજે આ મહત્વપૂર્ણ અવસર પર, સ્મૃતિ દિવસ પર અંતઃકરણપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, આ સ્મારક સેવા અને શૌર્ય તો છે જ સાથે-સાથે તે સરકારની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. જેનો આધાર રાષ્ટ્રનું પ્રતીક સુરક્ષા અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલ દરેક ભારતીયનું સન્માન છે. આજે મને રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર ગર્વ છે પરંતુ કેટલાક સવાલો પણ છે. આખરે આ સ્મારકનું અસ્તિત્વ સ્વીકારવામાં આઝાદીના 70 વર્ષ કેમ લાગી ગયા. જે હોટ સ્પ્રિંગ બનાવ પછી પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે તે પણ તો 60 વર્ષ પહેલાની ઘટના છે. તો પછી આટલા વર્ષની રાહ કેમ જોવાઈ?
સાથીઓ, દેશના પોલીસ દળને સમર્પિત આવા સ્મારકનો વિચાર 25-26 વર્ષ પહેલા આવ્યો હતો. ત્યારે પણ સરકારે આને મંજૂરી આપી દીધી હતી. પરંતુ તેને જમીન પર ઉતારવા માટે પહેલું પગલું અટલ બિહારી વાજપેયીજીની સરકારે ઉપાડ્યું હતું અને 2002માં તત્કાલીન ગૃહમંત્રી આદરણીય અડવાણીજીએ તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. આજે અડવાણીજી પોતે અહિં ઉપસ્થિત છે પોતાના તે સપનાને સાકાર થતું જોવા માટે તેઓ ગૌરવાન્વિત થઇ રહ્યા છે, તેઓ સારી રીતે જાણે છે કે તેમના દ્વારા શિલાન્યાસ પછી કેવી રીતે આ સ્મારકનું કામ આગળ ન વધી શક્યું.
હું માનું છું કે કાયદાઓના લીધે કેટલાક વર્ષ કામ અટક્યું પરંતુ પહેલાની સરકારની ઈચ્છા હોત, તેણે દિલથી પ્રયાસ કર્યો હોત તો આ સ્મારક અનેક વર્ષ પહેલા જ બની ગયું હોત. પરંતુ પહેલાની સરકારે અડવાણીજી દ્વારા સ્થાપિત પથ્થર પર ધૂળ જમા થવા દીધી.
2014માં જ્યારે ફરી એનડીએની સરકાર બની તો અમે બજેટ ફાળવણી કરી અને આજે આ ભવ્ય સ્મારક દેશને સમર્પિત કરવામાં આવી રહ્યું છે. કદાચ સારા કામ કરવા માટે ઈશ્વરે મને જ પસંદ કર્યો છે, મને જ ચૂંટ્યો છે. આ અમારી સરકારની કામ કરવાની રીત છે આજે સમય પર લક્ષ્યોને પ્રાપ્ત કરવાની કાર્ય સંસ્કૃતિ વિકસિત કરવામાં આવી છે.
તમને યાદ હશે અહિં દિલ્હીમાં જ ગયા વર્ષે આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર માટે પણ ચર્ચા 1992ની આસપાસ શરુ થઈ હતી. પરંતુ બે દાયકા સુધી તેની પણ ફાઈલ દબાયેલી રહી. આ સરકારના આવ્યા પછી ફાઈલો શોધવામાં આવી. કેન્દ્રનો શિલાન્યાસ થયો અને લોકાર્પણ પણ થઇ ગયું. એ જ રીતે બાબા સાહેબ આંબેડકરના ઘર 26, અલીપુર રોડ પર રાષ્ટ્રીય સ્મારક બનાવવાનું કામ અટલજીના સમયમાં શરુ થયું હતું. તેમની સરકારના ગયા પછી આ પ્રોજેક્ટ પર પણ કામ અટકી ગયું હતું. અમારી સરકારના આવ્યા પછી શિલાન્યાસ થયો અને આ જ વર્ષે એપ્રિલમાં તેનું પણ લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું. મને ખુશી છે કે આજે આ ભવ્ય સ્મારક દુનિયાને પ્રેરિત કરી રહ્યું છે.
સાથીઓ ક્યારેક-ક્યારેક તો ઘણા ગંભીર સવાલો મારા મનમાં ઊઠે છે કે, દેશને માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવાવાળા, બલિદાન આપનારાઓ પ્રત્યે પહેલાની સરકારની આટલી ઉદાસીનતાનું કારણ શું છે. તે તો આપણી પરંપરા, આપણી સંસ્કૃતિનો ભાગ ક્યારેય નથી રહ્યો. આપણે તો એવા લોકો છીએ જેમણે ભૂખ્યા રહીને પણ રાષ્ટ્રની આન-બાન અને શાનની માટે બધું જ ન્યોછાવર કરી દીધું હતું.
મને ગર્વ છે કે વીતેલા ચાર વર્ષોથી અમે ફરીથી એ જ પરંપરાને સ્થાપિત કરવામાં સફળ થયા છીએ. જ્યાં તે દરેક વ્યક્તિનું સન્માન સુનિશ્ચિત થયું છે જેણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું હોય.
આજે રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું લોકાર્પણ આ જ પરંપરાની એક કડીના રૂપમાં છે. આજથી બરાબર 10માં દિવસે 31 ઓક્ટોબરના રોજ મને ગુજરાતના કેવડીયામાં સરદાર વલ્લભભાઈ પટેલજીની એક ગગનચુંબી પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મળશે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબના દેશ પ્રત્યે આપવામાં આવેલ યોગદાનનું તે પ્રતિબિંબ હશે.
સાથીઓ મારું એવું માનવું છું કે આ સ્મારક હરવા-ફરવાનું સ્થાન માત્ર ન રહી જાય પરંતુ એવી એક વ્યવસ્થાની રીતે વિકસિત થાય જ્યાંથી નવી પેઢીને, આપણી પરંપરા દેશના ગૌરવનું જ્ઞાન મળે. પોલીસના પરાક્રમોની જાણકારી મળે. મારું તો સૂચન રહેશે કે દેશને માટે ત્યાગ અને તપ કરનારા આપણા દરેક શહીદની પ્રતિમાઓને એ શાળાઓમાં પણ લગાડવામાં આવે જ્યાં તેઓ ભણ્યા હતા. એ ગામડાઓમાં પણ લાગે કે જ્યાંના તેઓ રહેવાસી હતા. જ્યારે આપણા વિદ્યાર્થીઓ આપણા મહાવીરોની પ્રતિમાઓને જોશે તો એક નવી પ્રેરણા તેમને પ્રાપ્ત થશે.
સાથીઓ આપણે એવું વાતાવરણ નિર્માણ કરવું જોઈ કે જ્યારે પણ પોલીસનો, પેરામિલીટરી દળનો જવાન ક્યાંયથી પણ પસાર થાય તો સહજ રીતે જ સન્માનનો ભાવ જાગૃત થઇ જાય. આ પોલીસ સ્મારક શહીદોની પ્રતિમાઓ, તેમની ગાથાઓ આપણને તે જ દિશા તરફ આગળ લઇ જઈ રહ્યા છે. આજે આ અવસર પર હું તમારી વચ્ચે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાત પણ કરવા માગું છું.
સાથીઓ દેશમાં આપત્તિની સ્થિતિમાં કોઈ કુદરતી આફતની સ્થિતિમાં સૌથી પહેલા આપણી પોલીસ અને પેરામિલીટરીના જવાનો જ પહોંચે છે. તેમના વગર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિકાર દળ (એનડીઆરએફ)ની કલ્પના પણ કરી શકાય તેમ નથી. સંકટના સમયમાં બીજાઓના જીવન બચાવવા માટે પોતાના જીવનને દાવ પર લગાવી દે છે. પરંતુ તે પણ સત્ય છે કે તે વિકટ પરિસ્થિતિઓમાં અવારનવાર એ વાત પર ધ્યાન નથી જતું. સ્થિતિઓ સામાન્ય થયા પછી તો પોત પોતાની જગ્યાઓ, પોત પોતાની બટાલિયનોમાં તેઓ પાછા જતા રહે છે. આપત્તિ વ્યવસ્થાપનમાં બીજાનો જીવ બચાવનારા આવા પરાક્રમી સેવાવર્તી વીરોને માટે આજે હું એક સન્માનની જાહેરાત કરી રહ્યો છું. આ સન્માન ભારત માતાના વીર સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝજીના નામ પર દર વર્ષે 23 જાન્યુઆરી તેમની જન્મતિથિ પર જાહેર કરવામાં આવશે. અશક્યને શક્ય બનવી દેનારા, અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કરવામાં મોટી ભૂમિકા નિભાવનારા આપણા સુભાષ બાબુનું નામ આ સન્માનનું વધુ ગૌરવ વધારશે. આપણા સૌને માટે તે પણ ગર્વની વાત છે કે આજે જ તેમના દ્વારા સ્થાપિત આઝાદ હિન્દ સરકારના 75 વર્ષ પણ પુરા થઇ રહ્યા છે.
ભાઈઓ અને બહેનો શૌર્ય, પરાક્રમ અને બલિદાનની વૈભવશાળી પરંપરા શાનદાર અતીતની સાથે જ વર્તમાન અને ભવિષ્યના પડકારો પ્રત્યે પણ તમારું ધ્યાન દોરવા માંગું છું.
આજે ટેકનોલોજીએ જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. સ્વાભાવિક છે તેની અસર ગુનાખોરીની પદ્ધતિઓ પર પણ પડી રહી છે. અપરાધીઓ ટેકનોલોજીને હથિયાર બનાવી રહ્યા છે. અફવા અને સાયબર ક્રાઈમ એક મોટા પડકારના રૂપમાં ઉભરી રહ્યા છે. એવામાં બીજી એજન્સીઓની સાથે વધુ સારા તાલમેલ સિવાય પોલીસ તંત્રને ટેકનોલોજી અને ઇનોવેશનનો સમાવેશ પોતાના કામકાજમાં વધુ કરવો પડી રહ્યો છે.
સાથીઓ આ દિશામાં દેશભરમાં અનેક સાર્થક પ્રયાસો પણ થઇ રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં સોશિયલ મીડિયા પર કે પછી ઓનલાઈન એફઆઈઆર જેવી સુવિધાઓ પોલીસ આપી રહી છે. ટ્રાફિક સંબંધી ફરિયાદો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અંકુશમાં લેવાઈ રહી છે. તે એક પ્રશંસનીય પગલું છે. તેને આપણે એ સ્તર પર લઇ જવાનું છે કે સામાન્ય ફરિયાદોને માટે નાના-નાના વેરીફીકેશન માટે કોઈને પોલીસ સ્ટેશન સુધી આવવાની નોબત ન આવે.
સાથીઓ, આપ સૌને એ પણ જાણકારી છે કે ગયા વર્ષે જ પોલીસ સુધારા તરફ સરકારે એક મોટી પહેલ હાથ ધરી હતી. એમપીએફ એટલે કે પોલીસ દળ યોજનાના આધુનિકીકરણ અંતર્ગત આશરે 45 હજાર કરોડ રૂપિયા 2019-20 સુધી પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી અથવા તાલીમ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આ યોજનાથી આધુનિક હથિયાર પોલીસની મૂવમેન્ટ ઝડપથી થાય, તેના માટે જરૂરી સામાન અને ટેકનોલોજી, કોમ્યુનિકેશન સિસ્ટમનું આધુનિકીકરણ જેવા અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેના સિવાય પોલીસ સ્ટેશનોને ઇન્ટીગ્રેટ કરીને નેશનલ ડેટાબેઝ ઑફ ક્રાઈમ એન્ડ ક્રિમીનલ રેકોર્ડ્સ બનાવવાની યોજના પર પણ કામ ચાલી રહ્યું છે. આ ડેટાબેઝને ન્યાય પ્રણાલીના બીજા સંસ્થાનો જેવા કે ફોરેન્સિક લેબ હોય કે પછી ન્યાયાલય હોય… તેની સાથે જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
સરકારનો પ્રયાસ છે કે આપણી કાયદાકીય વ્યવસ્થા અને ટ્રાફિકની વ્યવસ્થા વધુ સારી કરવા માટે સ્માર્ટ ટેકનોલોજી દરેક રાજ્ય, દરેક શહેર સુધી પહોંચે. પરંતુ ટેકનોલોજી માનવીય સંવેદનાઓની ભરપાઈ ક્યારેય નથી કરી શકતી. આ જ કારણ છે કે પોલીસ દળના દરેક સભ્યની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે સમાજના સૌથી નબળા, દબાયેલા, પીડિત, કચડાયેલા, શોષિત વર્ગના સૌથી પહેલા રક્ષક છો. પ્રથમ મિત્ર છો જેને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. પરિણામે, તમારી ભૂમિકા કાયદા-કાનુનને સ્થાપિત કરવાની તો છે જ પરંતુ સંવેદનાની સાથે લોકોના દુઃખ સમજવા, તેમના આંસુઓ લૂછવાની પણ છે. પોલીસ મથકે આવેલા દરેક પીડિત, શોષિતને એક ગ્લાસ ઠંડુ પાણી પીવડાવવાથી, બે વચન પ્રેમથી બોલવાથી પોલીસ અને સમાજનું આ બંધન વધુ મજબુત થઇ જશે. જ્યારે આ બંધન મજબુત થશે તો સહયોગ અને જનભાગીદારીની વ્યવસ્થા પણ વધારે મજબુત થઇ જશે. તેનાથી ગુનાઓ ઓછા કરવામાં આપ સૌને સમાજ તરફથી ખૂબ મોટી મદદ મળશે અને એ મારો પાકો વિશ્વાસ છે. અંતમાં એક વાર ફરી પોલીસ સ્મૃતિ દિવસ પર આ આધુનિક રાષ્ટ્રીય પોલીસ સ્મારક માટે આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
હું રાજ્યના તમામ મુખ્યમંત્રીઓને પણ આગ્રહ કરું છું કે તેઓ પણ એક વિશેષ કાર્યક્રમ બનાવીને અહિં આવે, આ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપે અને પોતાના રાજ્યના જે લોકોની યાદી છે. તેનું પણ વિશેષ રૂપે સન્માન કરે. જરૂરથી અહિં આવો, અધિકારીઓની સાથે મળીને તેઓ પોતાની યોજના બનાવે. તમારી સેવા અને સમપર્ણને નમન કરીને હું મારા આ પોલીસ પરિવારોને આવનારા તહેવારોની ખૂબ-ખૂબ શુભકામનાઓની સાથે હું મારી વાતને સમાપ્ત કરું છું અને આપ સૌનો… ખૂબ-ખૂબ આભાર!