લખનઉમાં એકત્રિત થયેલા તમામ યુવા સાથીઓને મારા નમસ્કાર. આપ સૌને, દેશના યુવાનોને, રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
આજનો આ દિવસ પ્રત્યેક ભારતીય યુવાન માટે એક બહુ મોટી પ્રેરણાનો દિવસ છે, નવા સંકલ્પ લેવાનો દિવસ છે, આજના દિવસે સ્વામી વિવેકાનંદના રૂપમાં ભારતને એક એવી ઉર્જા મળી હતી જે આજે પણ આપણા દેશને ઉર્જાવાન રાખી રહી છે. એક એવી ઉર્જા જે સતત આપણને પ્રેરણા આપી રહી છે, આપણને આગળનો માર્ગ ચીંધી રહી છે.
સાથીઓ, સ્વામી વિવેકાનંદ ભારતના યુવાનોને પોતાના ગૌરવશાળી અતીત અને વૈભવશાળી ભવિષ્યની એક મજબૂત કડીના રૂપમાં જોતા હતા. વિવેકાનંદજી કહેતા હતા કે બધી જ શક્તિ તમારી અંદર છે તે શક્તિને પ્રગટ કરો, તેની ઉપર ભરોસો કરો કે તમે બધું જ કરી શકો છો. પોતાની જાત પર આ વિશ્વાસ, અશક્ય લાગનારી વાતોને શક્ય બનાવવાનો આ સંદેશ આજે પણ દેશના યુવાનોની માટે એટલો જ પ્રાસંગિક છે, યથોચિત છે અને મને એ વાતની ખુશી છે કે ભારતનો આજનો નવયુવક આ વાતને ખૂબ સારી રીતે સમજી રહ્યો છે, પોતાની જાત ઉપર વિશ્વાસ કરીને આગળ વધી રહ્યો છે.
આજે ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને સ્ટાર્ટ-અપના નવા પ્રવાહનું નેતૃત્વ ભારતમાં કોણ કરી રહ્યું છે? તમે લોકો જ તો કરી રહ્યા છો, આપણા દેશના યુવાનો કરી રહ્યા છે. આજે જો ભારત વિશ્વના સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં ટોચના ત્રણ દેશોમાં આવી ગયું છે તો તેની પાછળ કોનો પરિશ્રમ છે? તમારા લોકોનો, તમારા જેવા દેશના યુવાનોનો. આજે ભારત દુનિયામાં યુનિકોર્ન ઉત્પન્ન કરનાર એક બિલીયન ડોલરથી વધુની નવી કંપનીઓ બનાવનાર ત્રીજો સૌથી મોટો દેશ બની ચુક્યો છે. તો આની પાછળ કોની તાકાત છે? તમારા લોકોની, તમારા જેવા મારા દેશના નવયુવાનોની.
સાથીઓ, 2014 પહેલા આપણા દેશમાં સરેરાશ ચાર હજાર પેટેન્ટ થતા હતા. હવે તેની સંખ્યા વધીને વાર્ષિક 15 હજારથી વધુ થઇ ગઈ છે, એટલે કે લગભગ લગભગ ચાર ગણી. આ કોની મહેનતથી થઇ રહ્યું છે? કોણ છે આની પાછળ? સાથીઓ હું ફરી વાર કહું છું તમે જ છો, તમારા જેવા નવયુવાન સાથીઓ છે, તમારી યુવાનોની તાકાત છે.
સાથીઓ, 26 હજાર નવા સ્ટાર્ટ-અપ ખોલવા એ દુનિયાના કોઇપણ દેશનું સપનું હોઈ શકે છે. આ સપનું આજે ભારતમાં સાકાર થયું છે. તો તેની પાછળ ભારતના નવયુવાનોની જ શક્તિ છે, તેમના જ સપનાઓ છે. અને તેનાથી પણ મોટી વાત ભારતના નવયુવાનોએ પોતાના સપનાઓને દેશની જરૂરિયાતો સાથે જોડ્યા છે, દેશની આશાઓ આકાંક્ષાઓ સાથે જોડ્યા છે. દેશના નિર્માણનું કામ મારું છે, મારી માટે છે અને મારે જ કરવાનું છે. આ ભાવના વડે ભારતનો નવયુવાન આજે ભરેલો છે.
સાથીઓ, આજે દેશનો યુવાન નવા નવા એપ્સ બનાવી રહ્યો છે જેથી પોતાની જિંદગી પણ સરળ થઇ જાય અને દેશવાસીઓની પણ મદદ થઇ શકે. આજે દેશનો યુવાન હેકેથોનના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી, દેશની હજારો સમસ્યાઓમાં માથું મારી રહ્યો છે, ઉકેલો શોધી રહ્યો છે અને ઉકેલો આપી રહ્યો છે. આજે દેશનો યુવાન બદલાતા નોકરીના સ્વરૂપને અનુસાર નવા નવા સાહસો શરુ કરી રહ્યો છે, પોતે કામ કરી રહ્યો છે, જોખમ ઉઠાવી રહ્યો છે, સાહસ કરી રહ્યો છે અને બીજાઓને પણ કામ આપી રહ્યો છે.
આજે દેશનો યુવાન એ નથી જોઈ રહ્યો કે આ યોજના શરુ કોણે કરી હતી તે તો પોતે જ નેતૃત્વ લેવા માટે આગળ આવી રહ્યો છે. હું સ્વચ્છ ભારત અભિયાનની જ વાત કરું તો તેનું નેતૃત્વ આપણા યુવાનો જ તો કરી રહ્યા છે. આજે દેશનો યુવાન પોતાની આસપાસ, ઘર, મહોલ્લા, શહેર, સમુદ્ર-તટ પરથી ગંદકી, પ્લાસ્ટિકને દૂર કરવાના કામમાં યુવાન આગળ દેખાય છે.
સાથીઓ, આજે દેશના યુવાનોના સામર્થ્ય વડે નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. એક એવું નવું ભારત જેમાં વેપાર કરવાની સરળતા પણ હોય અને જીવન જીવવાની સરળતા પણ હોય. એક એવું નવું ભારત જેમાં લાલ બત્તી કલ્ચર નહી, જેમાં દરેક મનુષ્ય એક સમાન છે, દરેક વ્યક્તિ મહત્વપૂર્ણ છે. એક એવું નવું ભારત જેમાં અવસર પણ હોય અને ઉડવા માટે આખું આકાશ પણ હોય.
સાથીઓ, આજે 21મી સદીનો આ કાળખંડ, 21મી સદીનો આ દાયકો ભારતની માટે ખૂબ સૌભાગ્ય લઇને આવ્યો છે. આપણે ભાગ્યશાળી છીએ કે ભારતની મોટાભાગની આબાદી 35 વર્ષથી ઓછી ઉંમરની છે. આપણે આ અવસરનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકીએ તેની માટે વીતેલા વર્ષોમાં ભારતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા, અનેક નીતિઓ બનાવવામાં આવી છે. યુવા શક્તિને સાચા અર્થમાં રાષ્ટ્ર શક્તિ બનાવવાનો એક વ્યાપક પ્રયાસ આજે દેશમાં જોવા મળી રહ્યો છે. કૌશલ્ય વિકાસથી લઈને મુદ્રા લોન સુધી દરેક રીતે યુવાનોની મદદ કરવામાં આવી રહી છે. સ્ટાર્ટ-અપ ઇન્ડિયા હોય, સ્ટેન્ડ અપ ઇન્ડિયા હોય, ફીટ ઇન્ડિયા અભિયાન હોય કે પછી ખેલો ઇન્ડિયા, આ બધા યુવાનો પર જ કેન્દ્રિત છે.
સાથીઓ, નિર્ણય પ્રક્રિયામાં નેતૃત્વ કરવા માટે યુવાનોની સક્રિય ભાગીદારી ઉપર પણ અમે ભાર મુકીએ છીએ. તમે સાંભળ્યું જ હશે હમણાં તાજેતરમાં જ ડીઆરડીઓમાં ડીફેન્સ રીસર્ચ સાથે જોડાયેલ પાંચ યુવા વૈજ્ઞાનિક લેબ, તેનું લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો છે. આ લેબમાં રીસર્ચથી લઈને મેનેજમેન્ટ સુધીનું સંપૂર્ણ નેતૃત્વ 35 વર્ષથી ઓછી ઉંમરના વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યું છે. તમે એવું ક્યારેય નહી સાંભળ્યું હોય કે આટલી મહત્વપૂર્ણ પ્રયોગશાળાઓની જવાબદારી 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોના હાથમાં સુપરત કરવામાં આવી હોય. પરંતુ આ જ અમારી વિચારધારા છે, આ જ અમારી પહોંચ છે. અમે દરેક સ્તર પર, દરેક ક્ષેત્રમાં આ પ્રકારના પ્રયોગોને પુનરાવર્તિત કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ.
સાથીઓ, યુવાનોમાં એક અદભૂત ક્ષમતા હોય છે, સમસ્યાઓનું નવી રીતે સમાધાન કરવાની. આ જ યુવા વિચારધારા આપણને એવા નિર્ણયો લેતા પણ શીખવાડે છે જેના વિષયમાં એક સમયે વિચારવું પણ અશક્ય લાગતું હતું. યુવાન વિચારધારા આપણને કહે છે કે સમસ્યાઓ સાથે બાથ ભીડો, તેમને ઉકેલો, દેશ પણ આ જ વિચારધારા પર ચાલી રહ્યો છે. આજે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર કરી દેવામાં આવી ચુકી છે, રામ જન્મ ભૂમિનો સેંકડો વર્ષોથી ચાલતો આવેલો વિવાદ ખતમ થઇ ગયો છે, ત્રણ તલાકની વિરુદ્ધ કાયદો બની ગયો છે, નાગરિક (સુધારા) કાયદો આજે એક વાસ્તવિકતા છે. જો કે દેશમાં એક વિચારધારા એવી પણ હતી કે આતંકવાદી હુમલો થાય તો ચુપચાપ બેસી રહેવાનું. હવે તમે સર્જીકલ સ્ટ્રાઈક પણ જુઓ છો અને એર સ્ટ્રાઈક પણ.
સાથીઓ, અમારી સરકાર યુવાનોની સાથે છે, યુવાન જુસ્સા અને યુવાન સપનાઓની સાથે છે. તમારી સફળતા સશક્ત, સક્ષમ અને સમૃદ્ધ ભારતના સંકલ્પોને પણ સિદ્ધ કરશે. અને હા, આજના આ અવસર પર એક આગ્રહ પણ તમને કરવા માંગું છું. અને હું તમને એટલા માટે કરું છું કારણ કે મને તમારી ઉપર ભરોસો છે. હું તમને નેતૃત્વમાં દેશને આમાં સફળ કરવા માટે તમને વિશેષ આગ્રહ કરું છું અને વિવેકાનંદ જયંતિ પર તો આ સંકલ્પ આપણી જવાબદારી બની જાય છે.
આપ સૌ જાણો છો કે વર્ષ 2022 સુધી કે જે આપણી આઝાદીના 75 વર્ષ છે. દેશની આઝાદીના દિવાનાઓએ સમૃદ્ધ ભારતના સપના જોયા હતા અને પોતાની યુવાની દેશની માટે હોમી દીધી હતી. તે મહાપુરુષોના સપનાઓને પૂરા કરવા માટે અનેક પ્રકારના કામ અમે કરી રહ્યા છીએ. તેમાંથી એક કામ માટે હું આજે તમને આગ્રહ કરવા માંગું છું, યુવકોને આગ્રહ કરું છું, તમારા માધ્યમથી સમગ્ર દેશમાં આંદોલન શરુ થાય તે અપેક્ષા સાથે આગ્રહ કરું છું. શું આપણે 2022 સુધી, બાકી આગળનું તો આપણે નહી જોઈએ, 2022 સુધી જેટલું શક્ય હોય, સ્થાનિક ઉત્પાદનો જ ખરીદીએ. આમ કરીને તમે જાણે અજાણ્યે તમારા કોઈ યુવા સાથીની જ મદદ કરશો. તમે તમારા લક્ષ્યોમાં સફળ થાવ, તમારા જીવનમાં સફળ થાવ એ જ કામના સાથે હું મારી વાત સમાપ્ત કરું છું.
એક વાર ફરી રાષ્ટ્રીય યુવા દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ભારત માતાના મહાન સપૂત સ્વામી વિવેકાનંદજીના શ્રી ચરણોમાં પ્રણામ કરું છું.
ખૂબ ખૂબ આભાર!!