કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાજી, DRDOના ચેરમેન ડૉ. જી. સતીષ રેડ્ડીજી, DRDOના અન્ય ટોચના અધિકારીઓ, એપેક્સ સમિતિના સભ્યો! યુવાન વિજ્ઞાનિકોની લેબ્સના નિદેશકો.
સાથીઓ, આપ સૌને સૌથી પહેલાં તો મારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપ્પી ન્યૂ યર … આ એક સંયોગ જ છે કે, થોડા સમય પહેલાં જ હું તુમકુરમાં હતો અને અત્યારે અહીં દેશના યુવાન અને રિસર્ચની ચિંતા કરતા આપ તમામ સાથીઓની વચ્ચે છું. અને કાલે મારે સાયન્સ કોંગ્રેસમાં જવાનું છે. એક પ્રકારે કર્ણાટકમાં મારો આ પ્રવાસ અને 2020નો મારો પ્રથમ પ્રવાસ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન તેની ન્યૂ ઇન્ડિયાની ભાવનાને એક પ્રકારે સમર્પિત છે. અને આપણા સૌ માટે ઘણા ગૌરવની વાત છે કે, આ આયોજન એરોનોટિલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટમાં થઇ રહ્યું છે જ્યાં આપણા સૌના શ્રદ્ધેય ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ DRDOમાં જોડાયા હતા.
સાથીઓ, આ દાયકો ન્યૂ ઇન્ડિયાના રૂપમાં તો મહત્વપૂર્ણ છે જ કારણ કે જ્યારે 2020થી માત્ર નવું વર્ષ શરૂ નથી થતું બલકે સંપૂર્ણ નવો દાયકો આપણી સામે આવ્યો છે. અને, આવનારા વર્ષોમાં ભારતની શક્તિ શું હશે, વિશ્વમાં આપણું સ્થાન ક્યાં હશે તે આ દાયકામાં નક્કી થવાનું છે. આ એવો દાયકો છે, જે સંપૂર્ણપણે યુવાનોના સપનાંનો છે, આપણા યુવાન સંશોધકોનો છે. ખાસ કરીને એવા સંશોધકો કે, જેઓ 21મી સદીમાં જન્મ્યા છે અથવા તો 21મી સદીમાં તેઓ યુવાન થયા છે. જ્યારે, મેં તમને આગ્રહ કર્યો હતો કે DRDOને ફરી વિચાર કરવો જોઇએ અને તમારે પોતાની જાતને નવો ઓપ આપવો જોઇએ. 21મી સદીના પડકારોનો સામનો કરવા માટે નવી ઉર્જા સાથે કામ કરવું જોઇએ. તો, તેની પાછળનો મારો વિચાર એ હતો કે, તેનો અર્થ એવો નથી કે, જેઓ 36 વર્ષના થઇ ગયા તેઓ નકામા થઇ ગયા છે… તેની પાછળ મારી ભૂમિકા એ છે કે, જેઓ 60 વર્ષ, 50 વર્ષ, 55 વર્ષની તપસ્યા કરીને અહીં સુધી પહોંચ્યા છે તેઓ જો પોતાના ખભા પર 35થી ઓછી ઉંમરના યુવાનોને બેસાડી દે તો દુનિયાને એક નવા ભારતના દર્શન થશે. જુના લોકોની મજબૂતી વગર યુવાનો ઉપર આવે તે શક્ય નથી. અને આથી જ, આ એક સંયોજન ખૂબ જરૂરી છે. અને, આ વિચાર પાછળ મારો પોતાનો અનુભવ પણ છે. હું રાજકીય જીવનમાં ઘણા સમયથી આવ્યો છું અને શરૂઆતમાં મારા પક્ષમાં સંગઠનનું કામ સંભાળતો હતો. ચૂંટણી અથવા ચળવળો જેવા કાર્યો કરતો હતો. મેં જ્યારે ગુજરાતમાં શરૂઆત કરી અને મારી સમક્ષ પહેલી મોટી ચૂંટણીની જવાબદારી આવી ત્યારે હું તદ્દન નવો હતો અને તે સમયે સમાચારપત્રોએ આ બાબતને ખૂબ જ વિસ્તૃત રીતે લખી હતી. એ સમયે અંદાજે 90 લોકો મારી ઓફિસમાં હતા, મારા મેનેજમેન્ટમાં કામ કરતા હતા. આખી ચૂંટણી આખા રાજ્યમાં લડવામાં આવતી પરંતુ ઓફિસ મેનેજમેન્ટમાં અંદાજે 90 લોકો હતા. અને, સ્વયંસેવકો તરીકે આવ્યા હતા તેઓ 2 -3 મહિના માટે કામ કરવાના હતા. પરંતુ સમાચારપત્રોએ શોધી કાઢ્યા હતા. આ જે 90 લોકો છે તે આખી ટીમની સરેરાશ ઉંમર 23 હતી એટલે કે, 23ની સરેરાશ વય ધરાવતા ગ્રૂપની મદદથી હું ચૂંટણી લડ્યો હતો અને લડાવી હતી તેમજ અમે પહેલી વખત વિજયી થયા હતા.
યુવાનોમાં અવરોધવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. તમે ભલે ગમે તેટલા સારા કબડ્ડીના ખેલાડી હોવ, ગમે તેટલા સારા, અને માની લો કે, જીવનમાં 20વર્ષ સુધી કબડ્ડી રમ્યા હોવ. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યા હોવ, પરંતુ 60 -70 વર્ષની વય પછી કબડ્ડીની રમત ચાલતી હોય ત્યારે તમે ત્યાં માત્ર બેસીને જોઇ શકો છો. સ્વાભાવિક છે કે, આખી જીંદગી કબડ્ડી રમ્યા છો અને કોઇ 18- 20 વર્ષનો નવયુવાન ઝડપથી મૂવમેન્ટ કરતો હોય, ઉઠાવતો હોય, પછાડતો હોય, તો તમે બહાર બેસીને અરે- અરે પડી જશે, અરે અરે વાગી ના જાય કરો…, પરંતુ તમે પોતે પણ એક સમયે આવું જ કરીને આવ્યા છો. પરંતુ હવે તે જોઇ નથી શકતા અને અરે -અરે પડી ના જાય. આ સાઇકોલોજી કામ કરતી રહેશે. આ યુવાન મન અને અનુભવી મન વચ્ચેનું એક અંતર હોય છે. અને, આથી એક મનોવિજ્ઞાનિક પરિવર્તન વિશ્વના પડકારોને સ્વીકારવા માટે DRDOમાં આ બંનેનું સંયોજન કોઇપણ રીતે થવું જોઇએ. ક્યારેક ક્યારેક એક મોટા વૃક્ષની નીચે નાના નાના છોડ ઉગી નથી શકતા. વાંક મોટા વૃક્ષનો નથી. છોડને પણ લાગે છે કે તેની સામે મારે આમ જ રહેવું જોઇએ. આમાં કોઇનો વાંક નથી. પરંતુ જો એ જ છોડને ક્યાંક ખુલ્લી જગ્યામાં વાવવામાં આવે તો પછી જોત જોતામાં વટવૃક્ષ પણ ગર્વ કરશે કે વાહ, આ પણ મારી સાથે સાથે ઉછરી રહ્યો છે. આ એક ભૂમિકાને ધ્યાનમાં રાખીને પાંચ લેબ શરૂ કરવામાં આવી છે. અને મારી ઇચ્છા છે કે, તેઓ ભૂલ કરે તો ભલે કરે અને આ પાંચ લેબનું પૂરેપૂરું બજેટ વાપરી નાંખે તો ભલે વાપરી નાંખે. આ વિજ્ઞાનિકો તેમની આખી જીંદગી ખર્ચ નાંખે છે, ત્યારે તો દેશને કંઇક મળે છે. તો પછી ખજાનો શું ચીજ છે, તમે તો તમારી જીંદગી ખર્ચી રહ્યાં છો તો, સરકારને ખજાનો વાપરવામાં વળી શું જવાનું!
અને મને સંતોષ છે કે એડવાન્સ્ડ ટેકનોલોજીના ક્ષેત્રે 5 લેબ સ્થાપિત કરવાના સુચન પર ગંભીરતાથી કામ થયું અને આજે બેંગલુરુ, કોલકાતા, ચેન્નઇ, હૈદરાબાદ અને મુંબઇમાં આવી 5 સંસ્થાઓ શરૂ થઇ રહી છે. અને મને વિશ્વાસ છે કે, આ યુવા વિજ્ઞાનિક લેબ યુવાનો અને વિજ્ઞાનિકોના વિચારો અને વ્યવહારને નવી ઉડાન આપશે. તેનો અર્થ એ થયો કે, હવે તે DRDO-Y તરીકે ઓળખાશે પરંતુ બોલતી વખતે DRDO વ્હાય બોલાશે અને હું માનું છું કે, આ પાંચ લેબ DRDO-Yનો જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે, તે મારો વિશ્વાસ છે. અને, આપણે સૌએ સાથે મળીને તેને બળ પૂરું પાડવાનું છે. આ લેબમાંથી મળનારા પરિણામો એડવાન્સ્ડ ટેકનોલોજી માટે આપણા રાષ્ટ્રીય પ્રયાસના સ્વરૂપની તીવ્રતા નક્કી કરશે. આ લેબ દેશમાં ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રે રિસર્ચ અને ડેવલપમેન્ટના સ્વરૂપને તૈયાર કરવામાં મદદ કરશે.
અને હાં, આપણા યુવાન વિજ્ઞાનિકો અને હું આ સાથીઓને જરૂર કહેવા માંગીએ છીએ કે લેબ, માત્ર ટેકનોલોજીનું પરીક્ષણનું કામ નહીં કરે, બાકી તો ક્યારેક ક્યારેક એવું લાગે છે કે, આ ટેકનોલોજીમાં 2 ડગલાં વધ્યાં 5 ડગલાં વધ્યા. મારા હિસાબે આ માત્ર ટેકનોલોજીનું પરીક્ષણ નહીં કરે. આ મારા યુવાન વિજ્ઞાનિકોના જુસ્સા અને ધગશનું પણ પરીક્ષણ કરશે અને આ જ તેમનો સૌથી મોટો માપદંડ હશે.
તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઇએ કે, તમારા પ્રયાસ અને સતત અભ્યાસના કારણે જ ભારત સફળતાના માર્ગે આગળ વધશે. માત્ર સકારાત્મકતા અથવા હેતુ જ તમારી પ્રેરણાના સ્ત્રોત હોવા જોઇએ. તમારે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે, 130 કરોડની વસ્તીનું જીવન સુરક્ષિત અને સરળ બનાવવાની જવાબદારી તમારા ખભે સોંપવામાં આવી છે.
સાથીઓ, આજનો આ કાર્યક્રમ તો માત્ર એક શરૂઆત છે. તમારી સામે માત્ર આગામી એક વર્ષ નહીં પરંતુ આખો એક દાયકો છે. આ એક દાયકામાં DRDOનો મધ્યમ અને લાંબાગાળાનો રોડમેપ શું હશે, તેના પર ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઇએ. અને, હું એક સૂચન આપવા માગું છું. આ પાંચ લેબ્સ 35 અને તેનાથી ઓછી વયની ટીમ છે અને જ્યારે આ ટીમમાં 36 થઇ જશે તો તેમનું શું થશે? તેવો વિચાર આવતો હોય તો, હું તે લોકોને ખાતરી આપું છું કે હવે આ 5 લેબને 45 ની પણ છૂટ છે અને 55ની થવાની પણ છૂટ છે. તમારે નવી પાંચ 35 વર્ષ વાળી ટીમ બનાવવી પડશે અને 35નો આંકડો જાળવી નથી રાખવાનો, આ 35ને 40 થવા દો, 35વાળાને 45 થવા દો. હવે નવી પાંચ 35 વાળી કરો. તેઓ જ્યારે 35 વટાવે તો ફરી નવી 35 વાળી પાંચ કરો. આ સાંકળ ચાલતી રહેવી જોઇએ. જો આ સાંકળ નહીં વધે તો, અહીં 32 વર્ષ વાળા બેઠા હોય તેમને લાગશે કે, મારી પાસે માત્ર 3 વર્ષ છે. હું શું કરું. પછી તો મારા સપનાં તુટી જશે. આથી, જેમને આ લેબ આપી છે તેઓ થાકી ના જાય ત્યાં સુધી તેમની જવાબદારીઓ જોડતા રહો. તેઓ પચાસના થઇ જાય, પંચાવનના થઇ જાય કે, સાઇઠના થઇ જાય, તો થવા દો. 5 નવી લેબ 35 વાળી બનાવો. અને આ પાંચનો ક્રમ ચાલતો રહેવો જોઇએ. ત્યારપછી તમે જુઓ, નવીનતાનું એક ક્ષેત્ર સતત બનતું જશે અને છેવટે આ જ આપણને ફાયદો કરાવશે. આપણે માત્ર વિચાર કરવામાં જ અટકી ના જવું જોઇએ. નિર્ધારિત સમયમાં પગલાં લેવા યોગ્ય બિંદુએ પણ કામ શરૂ કરવું જોઇએ.
હું DRDOને એ ઊંચાઇએ જોવા માંગુ છું જ્યાં તે માત્ર ભારતની જ વિજ્ઞાનિક સંસ્થાઓની દિશા અને દશા નક્કી ના કરે, બલકે દુનિયાની… અને હું ખૂબ જવાબદારી સાથે કરી રહ્યો છું. દુનિયાની …. અને અન્ય મોટી સંસ્થાઓ માટે પણ DRDO અને આપણી યુવા લેબ પ્રેરણા સ્ત્રોત બની શકે છે. હું આવું શા માટે કરી રહ્યો છું તેનું એક નક્કર કારણ છે … કારણ છે DRDOનો ઇતિહાસ, DRDOની કામગીરી, DRDO પર દેશનો વિશ્વાસ.
સાથીઓ, આજે દેશનું શ્રેષ્ઠ વિજ્ઞાનિક મગજ DRDOમાં છે. DRDOની સિદ્ધિઓ અનંત છે. હમણાં મેં જે પ્રદર્શન જોયું છે તેમાં વર્તમાન સિદ્ધિઓની સાથે સાથે ભવિષ્યના તમારા પ્લાન અને પ્રોજેક્ટ્સની માહિતી પણ છે. અને, મને એટલી સરળ ભાષામાં તમારા નવયુવાનોએ બધુ સમજાવ્યું કે મને બધુ જ સમજાઇ ગયું કે હાં, આ તો હું પણ કરી શકું. બાકી શાળામાં તો કંઈ જ સમજાતું નહોતું. આજે તમે સમજાવી દીધું. તમે ભારતના મિસાઇલ કાર્યક્રમને દુનિયાના સૌથી ઉત્કૃષ્ટ કાર્યક્રમોમાં સામેલ કર્યો છે. અને ગયા વર્ષે તો સ્પેસ અને એર ડિફેન્સ ક્ષેત્રમાં ભારતના સામર્થ્યને નવી દિશા આપી છે. એક સેટ … એક સેટનાં રૂપમાં અત્યાધુનિક સ્પેસ ટેકનોલોજીનું સરળ પરીક્ષણ એ નિશ્ચિતરૂપે 21મી સદીના ભારતની ક્ષમતાને નિર્ધારિત કરશે.
આપ સૌના પ્રયાસોથી આજે ભારત એવા જૂજ દેશોમાંથી એક છે જેમની પાસે એરક્રાફ્ટ્સથી માંડીને એરક્રાફ્ટ્સ કેરિયર સુધી બધુ જ બનાવવાની ક્ષમતા છે. પરંતુ શું માત્ર આટલું જ પૂરતું છે. જી નહીં … સાથીઓ … અને … ઘરમાં પણ જોયું હશે કે જે છોકરો સારું કામ કરે છે, માતા-પિતા તેને વધારે પરેશાન કરે છે અને પાંચ કરે તો કહે છે કે સાત કર. સાત કરે તો કહે છે કે દસ કર… અને જે નથી કરતો એના માટે કહે છે કે, છોડો … તે નહીં કરે … તેને જવા દો. આ તમારી મુસિબત છે કે, લોકો તમને કામ બતાવતા જ રહેશે.
જુઓ, રામચરિત્ર માનસમાં એક ખૂબ સારી વાત કરી છે. રામચરિત્ર માનસમાં કહ્યું છે કે,
કવન જો કામ કઠિન જગ માહીં.
જો નહીં હોઇ તાત તુમ્હ પાહીં.
અર્થાત્, ધરતી પર એવું કોઇ જ કામ નથી જે તમારાથી ના થઇ શકે. તમારાથી બધુ જ થઇ શકે, તમારા માટે કોઇ જ કામ મુશ્કેલ નથી. જાણે કે, રામચરિત્ર માનસની જ્યારે રચના થઇ ત્યારે તેમને ખબર હતી કે એક સમયે DRDO હશે. હું DRDO માટે પણ આ વાતનો પુનરોચ્ચાર કરવા માંગું છું. તમારી ક્ષમતાઓ અપાર છે, તમે ઘણું બધુ કરી શકો છો. તમારી ક્ષિતિજોનું વિસ્તરણ કરવા માટે કામગીરીના માપદંડો બદલો. તમારી પાંખો પૂરી ક્ષમતા સાથે ફેલાવીને આકાશમાં એકછત્ર રાજ કરવાનો જુસ્સો તો બતાવો. તક સામે આવી છે અને હું તમારી સાથે છું.
દેશના પ્રધાનમંત્રી તરીકે હું તમારી સામે ઉભો રહીને કહી રહ્યો છું કે, સરકાર સંપૂર્ણપણે તમારી સાથે છે. દેશના વિજ્ઞાનિકો સાથે છે, ઇનોવેટર્સની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલવા માટે આખું હિન્દુસ્તાન તૈયાર છે. આપ સૌ એ વાતથી પરિચિત છો કે, આવનારો સમય વાયુ અને દરિયાની સાથે સાથે સાઇબર અને સ્પેસની દુનિયાના વ્યૂહાત્મક ડાઇનેમિક્સ નક્કી કરવાનો સમય છે. તેની સાથે સાથે ઇન્ટેલિજન્ટ મશીનો ભવિષ્યની સુરક્ષાના તંત્રમાં મહત્વની ભૂમિકા નિભાવવા લાયક છે. આવી સ્થિતિમાં ભારત કોઇનાથી પાછળ ના રહી શકે. આપણા નાગરિકો, આપણી સીમાઓ અને આપણા હિતોનું રક્ષણ કરવા માટે ભવિષ્યની ટેકનોલોજી પર રોકાણ કરવું પણ જરૂરી છે અને ઇનોવેશન પણ આવશ્યક છે.
મને વિશ્વાસ છે કે, ન્યૂ ઇન્ડિયાની જરૂરિયાતો અને આંકાંક્ષાઓ પૂરી કરવામાં તમે કોઇ જ કસર છોડશો નહીં અને હું ત્યાં સુધી કહીશ કે તમારો વિસ્તાર માત્ર ભારતની હદ સુધી સિમિત ના રહેવો જોઇએ. DRDO જેવી સંસ્થા દુનિયામાં માનવતાને ઘણું બધું આપી શકે છે. વિશ્વની સુરક્ષામાં તમે ઘણી મોટી ભૂમિકા નિભાવી શકો છો. આજે દુનિયામાં ઘણા બધા દેશો છે જેમને સરહદો પર હુમલાનું કોઇ જોખમ નથી. આડોશ-પાડોશમાં સારા મિત્ર દેશો છે. પરંતુ આ દેશો કે જેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમને બંદૂક તો ઉઠાવવી પડશે. કારણ કે આડોશ-પાડોશમાં ક્યારેય યુદ્ધનું જોખમ જ નહોતું. સરહદો સુરક્ષિત હતી, શાંતિ હતી, ખુલ્લી હતી, પ્રેમભર્યો માહોલ હતો પરંતુ તે દેશો આતંકવાદની ઝપેટમાં આવી ગયા છે. તેમણે પણ બંદૂકો ઉઠાવવાની જરૂર પડી છે.
DRDO આવા દેશોમાં પણ આંતરિક સુરક્ષા વધારવા માટે પોતાનું યોગદાન આપી શકે છે. જે નાના-નાના દેશોના લોકોને હું મળ્યો છું તેમની આટલી આવશ્યકતાઓ વધી ગઇ છે. સિમિત સંસાધનો હોવા છતાં પણ આ જોખમો માટે તેમણે કંઇકને કંઇક તો નવું વિચારવું પડશે. આપણે આવા નાના-નાના લોકોનો હાથ પકડીને તેમને સુરક્ષાની ખાતરી આપી શકીએ છીએ. આ માનવતાનું કામ હશે. અને, તમારા દ્વારા કરવામાં આવેલું દરેક આવું કાર્ય માનવતાની ખૂબ મોટી સેવા હશે અને વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
સાથીઓ, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે DRDOને નવા સંશોધનો સાથે સામે આવવું પડશે. દેશમાં એક વાઇબ્રન્ટ ડિફેન્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં, મેક ઇન ઇન્ડિયાને મજબૂત કરવામાં DRDOના સંશોધનોની ભૂમિકા ઘણી મોટી છે. અને આથી, આપણો નિરંતર પ્રયાસ રહેવો જોઇએ કે ડિઝાઇનથી માંડીને ડેવલપમેન્ટ સુધી સંપૂર્ણપણે આપણે આત્મનિર્ભર બનીએ. આપણે એવી ઇકોસિસ્ટમ વિકસાવવી પડશે જ્યાં એકીકૃતતા અને સંશોધન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત હોય.
સાથીઓ, આજે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં નવા નવા સુધારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. દુનિયામાં જેટલી ઝડપથી પરિસ્થિતિઓ બદલાઇ રહી છે, ટેકનોલોજી પણ સતત પ્રભાવી થઇ રહી છે. ભારત માત્ર જુની વ્યવસ્થાઓના ભરોસે ના રહી શકે. 19મી સદીની વ્યવસ્થાઓથી 21મી સદી પાર ના કરી શકાય. હમણાં, આ અઠવાડિયે, આ અઠવાડિયે જ, સરકાર દ્વારા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પણ નિયુક્તિ કરવામાં આવી છે. આ સીડીએસ પોતાની રીતે ખૂબ મોટું પરિવર્તન લાવશે. તેનો સીધો સંબંધ DRDO સાથે થવાનો છે. વર્ષો પહેલા એવી જરૂરિયાત નહોતી વર્તાતી કે સૈન્યની ત્રણેય પાંખ વચ્ચે તાલમેલ માટે, જોઇન્ટનેસ અને સિનર્જી માટે આવો કોઇ હોદ્દો જોઇએ, વ્યવસ્થા હોવી જોઇએ. આ હોદ્દો, અમારી સરકારની દેશ પ્રત્યે જે પ્રતિબદ્ધતા છે તેને પૂરી કરે છે.
સાથીએ, આપણે પરિવર્તનના આ જમાના સાથે પોતાને નિરંતર મજબૂત કરતા રહેવાનું છે. આજ દેશની આપણી પાસેથી અપેક્ષા છે અને યુવા વિજ્ઞાનિક લેબની સ્થાપના પાછળનું વિઝન પણ આ જ છે. આજે ભવિષ્યના ટેકનોલોજીકલ પડકારોનો તો સામનો કરીશું જ, સાથે સાથે DRDOના વર્કિંગ કલ્ચરમાં પણ નવી ઊર્જાનો સંચાર કરીશું, તેવી મહેચ્છા સાથે આ સૌને ફરી એક વખત મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપ સૌને અને આપના પરિવારને ફરી એક વખત નવા વર્ષની મંગલકામનાઓ.
ખૂબ ખૂબ આભાર.