હરે કૃષ્ણ–હરે કૃષ્ણ,
ઇસ્કોનના ચેરમેન પૂજ્ય ગોપાલ કૃષ્ણ મહારાજજી, મંત્રી મંડળના મારા સાથી શ્રી મહેશ શર્માજી, સંસદમાં મારા સહયોગી શ્રીમતી મીનાક્ષી લેખીજી, ઇસ્કોનના અન્ય મહત્વપૂર્ણ સદસ્યગણ અને અહિયાં ઉપસ્થિત દેવીઓ અને સજ્જનો.
મને જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં અમેરિકા, બ્રિટન, રશિયા, હંગરી સહીત અનેક દેશોમાંથી લોકો પહોંચ્યા છે; આપ સૌનું ખૂબ-ખૂબ અભિવાદન.
સાથીઓ, આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આજનો દિવસ એટલા માટે મહત્વપૂર્ણ છે કે આજે સવારે જ મેં ગાંધી શાંતિ પુરસ્કારોના કાર્યક્રમમાં ભાગ લીધો અને હમણાં મને દિવ્યતમ ગ્રંથ ગીતાના ભવ્યતમ રૂપને રાષ્ટ્રને સમર્પિત કરવાનો અવસર મળી રહ્યો છે. આ અવસર મારા માટે વિશેષ છે કારણ કે, હું તે જગ્યા પર ઉભો છું ત્યા લગભગ બે દાયકા પહેલા અટલ બિહારી વાજપેયીજીએ આ મંદિરનાં પરિસરનો શિલાન્યાસ કર્યો હતો.
સાથીઓ, દુનિયાની આ ભવ્યતમ શ્રીમદ ભગવદ ગીતા ત્રણ મીટર લાંબી અને 800 કિલોની છે. આ માત્ર પોતાના આકારના કારણે જ ખાસ છે એવું નથી, વાસ્તવમાં તે સદીઓ સુધી વિશ્વને આપવામાં આવેલા મહાન ભારતીય જ્ઞાનનું પ્રતિક બનીને, પ્રતિચિન્હ બનીને રહેવાની છે. આ ગીતાને બનાવવામાં ઇસ્કોન સાથે જોડાયેલ આપ સૌએ પોતાનું સંપૂર્ણ સામર્થ્ય અને રચનાત્મકતા લગાવી છે. આ ગીતા ભગવાન કૃષ્ણ અને સ્વામી પ્રભુપાદના શ્રદ્ધાળુઓની ભક્તિ અને સમર્પણનું પ્રતિક છે. આ પ્રશંસનીય પ્રયાસ માટે આપ સૌ અભિનંદનને પાત્ર છો. તેનાથી ભારતના પુરાતન અને દિવ્ય જ્ઞાનની પરંપરા તરફ વિશ્વની રુચી વધારે વધશે.
સાથીઓ, ભગવદ ગીતાને સામાન્યમાં સામાન્ય માનવી સુધી પહોંચાડવાના અનેક પ્રયાસ અત્યાર સુધી થઇ ચૂક્યા છે. સૌથી નાનામાં નાની ગીતાથી લઈને સૌથી મોટી ગીતા સુધી- આ દિવ્ય જ્ઞાનને સરળ અને સુલભ કરાવવા માટે સતત પ્રયાસો થયા છે. દેશ વિદેશની અનેક ભાષાઓમાં ભગવદ ગીતાનો અનુવાદ થઇ ચુક્યો છે.
સાથીઓ, લોકમાન્ય બાળ ગંગાધર તિલકજીએ તો જેલમાં રહીને ગીતા રહસ્ય લખ્યું છે. તેમાં લોકમાન્ય તિલકે ભગવાન શ્રીકૃષ્ણના નિષ્કામ કર્મયોગની બહુ સરળ વ્યાખ્યા કરી છે. તેમણે લખ્યું છે કે ગીતાના સંદેશનો પ્રભાવ માત્ર દાર્શનિક અથવા વિદ્વાનોની ચર્ચા સુધી જ સીમિત નથી પરંતુ આચાર વિચારના ક્ષેત્રમાં પણ તે સદૈવ જીવતો જાગતો અનુભવાય છે. લોકમાન્ય તિલકે મરાઠીમાં ગીતાના જ્ઞાનને સામાન્ય માનવી સુધી પહોંચાડ્યું અને ગુજરાતીમાં પણ તેનો અનુવાદ કરાવ્યો.
આ જ ગુજરાતી અનુવાદને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેલમાં વાંચ્યો અને તેનાથી ગાંધીજીને ભગવદ ગીતા ગાંધી અનુસારને લખવામાં ઘણી મદદ મળી. આ જ રચનાના માધ્યમથી ગાંધીજીએ ગીતાનું એક અન્ય પાસું દુનિયા સામે રાખ્યું. ગાંધીજીનું આ પુસ્તક મેં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન બરાક ઓબામાંજીને પણ ભેટના રૂપમાં આપ્યું હતું.
સાથીઓ, શ્રીમદ ભગવદ ગીતા ભારતની વિશ્વને સૌથી પ્રેરણાદાયી ભેટ છે. ગીતા સમગ્ર વિશ્વની ધરોહર છે. ગીતા હજારો વર્ષથી પ્રાસંગિક છે. વિશ્વને નેતાઓથી લઈને સામાન્ય માનવી સુધી, સૌને ગીતાએ લોકહિતમાં કર્મ કરવાનો માર્ગ દેખાડ્યો છે. ભારતના લગભગ દરેક ઘરમાં તો કોઈને કોઈ રૂપે ભગવદ ગીતા બિરાજમાન છે જ, દુનિયાભરની અનેક મહાન વિભૂતિઓ પણ આની દિવ્યતાથી અળગી નથી રહી શકી. જ્ઞાનથી લઈને વિજ્ઞાન સુધી દરેક ક્ષેત્રના અનેક લોકોની પ્રેરણા, કુરુક્ષેત્રના મેદાન પર કહેવામાં આવેલી આ અમરવાણી છે.
સાથીઓ, પ્રખ્યાત જર્મન તત્વજ્ઞાની સ્કોપનહાવરે લખ્યું હતું- ગીતા અને ઉપનિષદના અધ્યયનથી વધુ હિતકર સંપૂર્ણ વિશ્વમાં કોઈ અધ્યયન નથી, જેણે મારા જીવનને શાંતિ સાથે પરિચય કરાવ્યો અને મારા મૃત્યુને પણ અનંત શાંતિનો ભરોસો આપ્યો. આ વાતો તેમણે એવા સમયમાં કહી હતી કે જ્યારે આપણો દેશ ગુલામીની બેડીઓમાં જકડાયેલો હતો, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાને પણ કચડી નાખવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, ભારતીય દર્શનને નીચું દેખાડવાના ભરપુર પ્રયાસો ચાલી રહ્યા હતા.
સાથીઓ, દુનિયાને ભારતના આ પુરાતન જ્ઞાન વડે, પવિત્રતા વડે પરિચિત કરાવવાનો એક ઘણો મોટો પ્રયાસ મંચ પર બિરાજમાન વિભૂતિઓએ કર્યો છે અને મારી સામે ઉપસ્થિત અનેક વિદ્વાનો અને ભક્તોએ પણ કર્યો છે. શ્રીમદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીએ તો પોતાને ભગવદ ગીતા માટે સમર્પિત કરી દીધા હતા. જે રીતે ગાંધીજીની માટે ગીતા અને સત્યાગ્રહ જીવનનો અગત્યનો હિસ્સો રહ્યા છે, તે જ રીતે સ્વામીજી માટે પણ માનવતાની સેવાના આ બે માર્ગો હંમેશા પ્રિય રહ્યા છે. એ જ કારણ છે કે તેમણે પહેલા ગાંધીજીના નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં ભાગ પણ લીધો હતો અને દેશ આઝાદ થયા પછી તેઓ માનવ મુક્તિની અલખ જગાડવા માટે દુનિયાના ભ્રમણ ઉપર નીકળી પડ્યા હતા. પોતાની મજબૂત ઈચ્છાશક્તિ વડે દરેક પ્રકારના પડકારોનો સામનો કરતા તેમણે ઇસ્કોન જેવું એક અભિયાન છેડ્યું જે આજે ભગવાન શ્રી કૃષ્ણના ચીંધેલા માર્ગ વડે વિશ્વને પરિચિત કરાવવામાં લાગેલું છે.
સાથીઓ, ગીતા ધર્મગ્રંથ તો છે જ, પરંતુ તે જીવન ગ્રંથ પણ છે. આપણે કોઇપણ દેશના હોઈએ, કોઇપણ પંથને માનનારા હોઈએ, પરંતુ દરરોજ સમસ્યાઓ તો ઘેરતી રહેતી હોય છે. આપણે જ્યારે પણ વીર અર્જુનની જેમ અનિર્ણયના ચાર રસ્તા પર ઉભેલા હોઈએ છીએ તો શ્રીમદ ભગવદ ગીતા આપણને સેવા અને સમર્પણના રસ્તે આ સમસ્યાઓના ઉકેલ દર્શાવે છે. જો તમે એક વિદ્યાર્થી છો અને અનિર્ણયની સ્થિતિમાં છો, તમે કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષ છો અથવા તો પછી મોક્ષની કામના રાખનારા તમે યોગી છો; તમને તમારા દરેક પ્રશ્નનો ઉત્તર શ્રીમદ ભગવદ ગીતામાં મળી જશે.
હું તો માનું છું કે ગીતા એ માનવ જીવનની સૌથી મોટુ માર્ગદર્શ પુસ્તક છે. જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં ક્યાંક ને ક્યાંક મળી જાય છે. અને પ્રભુએ તો સ્પષ્ટ કહ્યું છે-
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ।।
અર્થાત દુષ્ટોથી, માનવતાના દુશ્મનોથી ધરતીને બચાવવા માટે પ્રભુની શક્તિ આપણી સાથે હંમેશા રહે છે. આ જ સંદેશ અમે પૂરી પ્રામાણિકતા સાથે દુષ્ટ આત્માઓ, અસુરોને આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ભાઈઓ અને બહેનો, પ્રભુ જ્યારે કહે છે કે શા માટે વ્યર્થ ચિંતા કરો છો, કોનાથી ડરો છો, કોણ તમને મારી શકે છે, તમે શું લઇને આવ્યા હતા અને શું લઈને જવાના છો- તો પોતાનામાં જ પોતાની જાતને જન સેવા અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત થવાની પ્રેરણા આપમેળે જ મળી જાય છે.
સાથીઓ, અમે એ પ્રયાસ કર્યો છે કે સરકારના દરેક નિર્ણય, દરેક નીતિના મૂળમાં ન્યાય હોય, સમભાવ હોય, સમતાનો સાર હોય. સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર આ જ ભાવનાનું પરિણામ છે અને અમારી દરેક યોજના, દરેક નિર્ણય આ જ ભાવને પરિલક્ષિત પણ કરે છે. પછી તે ભ્રષ્ટ આચરણ વિરુદ્ધ ઉપાડવામાં આવેલા પગલા હોય કે પછી ગરીબ કલ્યાણ સાથે જોડાયેલ આ અમારા સતત કાર્યો. અમારો એવો હંમેશા પ્રયાસ રહ્યો છે કે પોતાના-પારકાના ચક્કરમાંથી રાજનીતિને બહાર કાઢવામાં આવે.
સાથીઓ, અમારી સરકારનો હંમેશાથી એ દ્રઢ વિશ્વાસ રહ્યો છે કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય મુલ્ય, ભારતીય પરંપરામાં દુનિયાની અનેક સમસ્યાઓનું સમાધાન છે. હિંસા હોય, પરિવારોના સંકટ હોય, પર્યાવરણ સાથે જોડાયેલ સમસ્યા હોય; આવો દરેક પડકાર જેનાથી દુનિયા આજે ઝઝૂમી રહી છે, તેનું સમાધાન ભારતીય દર્શનમાં છે. યોગ અને આયુર્વેદની ચળવળને વિશ્વભરમાં ઓળખ અને તેમાં લાગેલા આપ જેવા સંસ્થાન અને દેશના અનેક સંતોની તપસ્યાને અમારી સરકારે બુલંદ અવાજ આપ્યો છે. જેના પરિણામ સ્વરૂપ આજે આરોગ્ય અને કલ્યાણની માટે વિશ્વ ઝડપથી યોગ અને આયુર્વેદની દિશામાં આકર્ષિત થઇ રહ્યું છે.
સાથીઓ, મારું એ પણ માનવાનું છે કે યોગ આયુર્વેદથી લઈને આપણા પ્રાચીન જ્ઞાન અને વિજ્ઞાનથી હજુ દુનિયાને સાચા અર્થમાં પરિચિત કરાવવાનું ઘણું બાકી છે. આપણું સર્વશ્રેષ્ઠ હજુ દુનિયાની સામે આવવાનું બાકી છે.
મારો આપ સૌને, આપણા પુરાતન જ્ઞાન વિજ્ઞાન સાથે જોડાયેલ તમામ કર્મયોગીઓને એ આગ્રહ રહેશે કે તેઓ પોતાના પ્રયાસોને વધુ ગતિ આપે અને નવી પેઢીને પણ સંશોધન સાથે જોડે. સરકાર તમારી મદદ માટે હંમેશા તૈયાર છે.
એક વાર ફરી ઇસ્કોન સાથે જોડાયેલ તમામ ભક્તને, દરેક ભારતવવાસીને, માનવતામાં વિશ્વાસ ધરાવનારા દુનિયાના દરેક વ્યક્તિને આ દિવ્ય ભગવદ ગીતા માટે મારા તરફથી ખૂબ-ખૂબ અભિનંદન.
તમે મને અહિયાં આમંત્રિત કર્યો, આ પવિત્ર અવસરનો ભાગીદાર બનાવ્યો. તેની માટે હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું.
ખૂબ-ખૂબ આભાર! હરે કૃષ્ણ!