નેટવર્ક 18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશીજી, દેશ અને વિદેશમાંથી આવેલા અતિથીગણ, અહિયાં ઉપસ્થિત મીડિયાનાં ભાઈઓ, દેવીઓ અને સજ્જનો,
સૌથી પહેલા આપ સૌનો ખુબ ખુબ આભાર કે તમે મને રાઇજિંગ ઇન્ડિયા સમિટમાં સહભાગી બનવાનો અવસર પ્રદાન કર્યો.
સાથીઓ જ્યારે આપણે રાઇજિંગ કહીએ છીએ તો પહેલો ભાવ અંધારામાંથી પ્રકાશ તરફ જવાનો આવે છે. આપણે જ્યાં હતા, જે સ્થિતિમાં હતા, તેનાથી આગળ વધવાનો, વધુ સારા ભવિષ્ય તરફ જવાનો ભાવ આવે છે.
આ રાઈઝ કરવું, ઉદય થવો, જ્યારે આપણે દેશના સંદર્ભમાં બોલીએ છીએ તો તેનો વિસ્તાર ઘણો વ્યાપક થઇ જાય છે. પ્રશ્ન એ છે કે તો પછી રાઇજિંગ ઇન્ડિયા શું છે ? માત્ર અર્થવ્યવસ્થાની મજબૂતી રાઇજિંગ ઇન્ડિયા છે, સેન્સેક્સનું રેકોર્ડ સ્તર પર હોવું રાઇજિંગ ઇન્ડિયા છે, વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તર પર હોવો તે રાઇજિંગ ઇન્ડિયા છે કે પછી રેકોર્ડ વિદેશી રોકાણ આવવું એ રાઇજિંગ ઇન્ડિયા છે ?
સાથીઓ, રાઇજિંગ ઇન્ડિયાનો અર્થ મારા માટે એ છે કે દેશના સવા સો કરોડ લોકોનાં સ્વાભિમાનનો ઉદય થવો, દેશનાં આત્મગૌરવનો ઉદય થવો. જ્યારે આ જ સવા સો કરોડ લોકોની ઈચ્છા શક્તિ એકત્રિત થઇ જાય છે, તેમના સંકલ્પો એક બની જાય છે, તો અસાધ્ય પણ સાધ્ય થઇ જતું હોય છે, અસંભવ પણ સંભવ બની જાય છે.
એકત્રિત થયેલી આ જ ઈચ્છાશક્તિ આજે ન્યુ ઇન્ડિયાના સંકલ્પને પૂર્ણ કરી રહી છે.
ભાઈઓ અને બહેનો, ઘણા દેશોમાં એવી માન્યતા રહેલી છે કે સરકાર વિકાસનો, પરિવર્તનનો દોરી સંચાર કરે અને નાગરિકો તેમને અનુસરે. છેલ્લા ચાર વર્ષોમાં ભારતમાં અમે આ સ્થિતિને બદલી નાખી છે. હવે દેશનો નાગરિક નેતૃત્વ કરે છે અને સરકાર તેને અનુસરી રહી છે.
તમે પોતે જોયું છે કે કઈ રીતે આટલા ઓછા સમયમાં સ્વચ્છ ભારત મિશન એક જન આંદોલન બની ગયું છે. મીડિયાએ પણ તેમાં એક સહભાગીતાની ભૂમિકા નિભાવી છે.
કાળાનાણા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં દેશનાં નાગરિકોએ ડીજીટલ પેમેન્ટને પોતાનું એક મહત્વનું હથિયાર બનાવીને રાખી છે. ભારત આજે ડીજીટલ પેમેન્ટ કરનારા સૌથી ઝડપી વિકાસ કરી રહેલા બજારોમાનું એક છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારની દરેક કાર્યવાહીને જે રીતે લોકોનું સમર્થન મળે છે, તે પણ એ વાતની સાબિતી છે કે દેશને તેની આંતરિક બદીઓથી મુક્તિ અપાવવા માટે કઈ રીતે લોકોએ કમર કસી છે.
આપણા રાજનીતિક વિરોધીઓ ભલે જે બોલવું હોય તે બોલે પરંતુ દેશનાં લોકોની આ પ્રેરણાને લીધે જ સરકાર મોટા નિર્ણયો લઇ શકી અને તેને લાગુ કરીને બતાવ્યા. જે નિર્ણયોની ભલામણ દાયકાઓ પહેલા કરવામાં આવી હતી, પરંતુ તેમને ફાઈલોમાં દબાવીને રાખવામાં આવી હતી, જે કાયદાઓ દાયકાઓ પહેલા પસાર થઇ ગયેલા હતા પરંતુ ભ્રષ્ટ તંત્રનાં દબાણના લીધે લાગુ નહોતા કરવામાં આવ્યા તેને પણ આ સરકારે લાગુ કર્યા અને હવે આ જ કાયદાઓનાં આધાર પર મોટા સ્તરે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સાથીઓ, ભારતમાં જે પરિવર્તનકારી બદલાવ થઇ રહ્યો છે, તે આપણા નાગરિકોને લીધે થઇ રહ્યો છે, તેમની ઇચ્છાશક્તિને લીધે થઇ રહ્યો છે. આ જ ઇચ્છાશક્તિ દેશના લોકોમાં, દેશના ક્ષેત્રોમાં અસંતુલનનો ભાવ ઘટાડી રહી છે.
ભાઈઓ અને બહેનો, ભલે દેશનો ઉદય હોય કે પછી સમાજ અને વ્યક્તિનો, જો બરાબરીનો ભાવ નહીં હોય ને તો ન તો સંકલ્પ સિદ્ધ થશે અને ન તો સમાજ. એટલા માટે એક દ્રષ્ટિકોણ સાથે અમારી સરકાર રાષ્ટ્રીય સ્તર પર અસંતુલનનાં આ ભાવને ખતમ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. તેનું પરિણામ શું આવે છે, તે હું નેટવર્ક 18ના દર્શકોને એક વીડિયોના માધ્યમથી અનુભવ કરાવવા માંગું છું.
સાથીઓ, ઉજ્જવલા માત્ર રસોઈ જ નહી પરંતુ કરોડો પરિવારોની તસ્વીર જ બદલી રહી છે. આ આપણી સામાજિક વ્યવસ્થામાં એક મોટું અસંતુલન ખત્મ કરી રહી છે.
સાથીઓ, અહિં આવતા પહેલા હું આજે આખો દિવસ મણીપુરમાં હતો. વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન, પછી સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ, પૂર્વોત્તરને માટે મહત્વપૂર્ણ અનેક યોજનાઓ આજે શરૂ થઇ છે. પ્રધાનમંત્રી તરીકે આ મારી પૂર્વોત્તરની અઠ્યાવીસમી કે ઓગણત્રીસમી મુલાકાત હતી.
તમે વિચારો, આખરે આવું કેમ ? અમારી સરકારનો ભાર પૂર્વીય ભારત પર, ઉત્તર પૂર્વ પર આટલો વધારે કેમ છે. જે લોકો વિચારે છે કે અમે વોટ માટે આવું કરી રહ્યા છીએ, તે દેશની જમીન સાથે જ નહીં, લોકોના દીલોમાંથી પણ કપાઈ ગયા છે.
સાથીઓ, પૂર્વીય ભારતનાં ભાવનાત્મક સંકલન અને ડેમોગ્રાફિક ડિવિડન્ડને ધ્યાનમાં રાખવ ખુબ જ જરૂરી છે.
એટલા માટે અમારી સરકાર ‘એક્ટ ઇસ્ટ એન્ડ એક્ટ ફાસ્ટ ફોર ઇન્ડિયાઝ ઇસ્ટ’ના મંત્ર પર ચાલી રહી છે. અને જ્યારે હું ‘એક્ટ ઇસ્ટ’ કહું છું તો તેનો વિસ્તાર માત્ર ઉત્તર પૂર્વના રાજ્યો તરફ મર્યાદિત નથી. પરંતુ તે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડીશાને પણ તેનામાં સમાવે છે.
દેશનો આ તે ભાગ રહ્યો છે, જે વિકાસની દોડમાં પાછળ રહી ગયો હતો. તેનું એક મોટું કારણ હતું આ ક્ષેત્રના વિકાસને લઈને ઉદાસીનતા. આ ક્ષેત્રમાં સેંકડો પ્રકલ્પો શરુ જ નથી થયા અથવા તો દાયકાઓથી લટકી રહ્યા છે. અમારી સરકારે આ અસંતુલનને ખતમ કરવા માટે અને અધુરી પરિયોજનાઓને, અટકેલી પડેલી પરિયોજનાઓને પૂરી કરવાનું કામ શરુ કર્યું.
તમને એ જાણીને નવાઈ લાગશે કે આસામમાં મહત્વપૂર્ણ ગેસ ક્રેકર પ્રોજેક્ટ 31 વર્ષોથી અટકેલો હતો. અમે સરકારમાં આવ્યા પછી આ પરિયોજના પર ફરી કામ શરુ કર્યું.
આજે ખુબ જ ઝડપ સાથે ઉત્તર પ્રદેશના ગોરખપુર, બિહારના બરૌની અને ઝારખંડના સિંદરીમાં વર્ષોથી બંધ પડેલા ફર્ટિલાઇજર પ્લાન્ટને ખોલવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
આ પ્લાન્ટને ગેસ, જગદીશપુરથી હલ્દીયા સુધી પાથરવામાં આવી રહેલ ગેસ પાઈપ લાઈન દ્વારા મળશે. આ જ પાઈપલાઈન પૂર્વીય ભારતના મુખ્ય શહેરોમાં ગેસ પાઈપલાઈન પર આધારિત ઉદ્યોગોની સંપૂર્ણ પ્રણાલી પણ નિર્માણ થશે.
તે અમારી જ સરકારનો પ્રયાસ હતો કે ઓડીશામાં પારાદીપ ઓઈલ રીફાઇનરીના કામમાં ઝડપ આવી અને હવે પારાદીપ વિકાસનો દ્વીપ બનવા તરફ અગ્રેસર બની રહ્યું છે. તે પણ અમારી જ સરકારનો પ્રયાસ હતો કે આસામ અને અરુણાચલને જોડનારા અને રાજનૈતિક દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ ઢોલા – સાદીયા પુલનું કામ ઝડપી ગતિએ પૂરું થયું.
ભલે તે માર્ગ ક્ષેત્ર હોય કે રેલ ક્ષેત્ર, દરેક રીતે પૂર્વીય ભારતમાં માળખાગત બાંધકામ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સરકાર જળ માર્ગોને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે. વારાણસી અને હલ્દીયાની વચ્ચે જળમાર્ગનો વિકાસ, અહીનાં ઔદ્યોગિક પરિવહનને બદલવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે.
જોડાણને પ્રોત્સાહન આપવા માટે ઉડાન યોજના અંતર્ગત પૂર્વીય ભારતમાં નવા 12 વિમાનમથકોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી 6 વિમાન મથકો પૂર્વોત્તરમાં બની રહ્યા છે. હમણાં કેટલાક દિવસો પહેલા જ તમે જોયું હશે કે સિક્કિમમાં પહેલી વાર કોમર્શીયલ ફ્લાઈટે ઉતરાણ કર્યું હતું.
જ્યારે નવા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઑફ મેડીકલ સાયન્સની વાત આવી તો અમારી સરકારે પૂર્વીય ભારતને પ્રાથમિકતા આપી.
મહાત્મા ગાંધીજીની કર્મ ભૂમિ પૂર્વી ચંપારણ- મોતીહારીમાં એક કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયની સ્થાપના પણ આ સરકારે જ કરી છે.
સાથીઓ, સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી યોજનાઓથી આ વિસ્તારોમાં રોજગારના લાખો નવા અવસરો ઉભા થઇ રહ્યા છે.
‘દિલ્હી દુર’ની ધારણાથી અલગ થઈને અમે દિલ્હીને પૂર્વીય ભારતના દરવાજા પર લઇ જઈને ઊભું કરી દીધું છે. અમે સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્રની સાથે દેશના દરેક ભૂ-ભાગને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરી રહ્યા છીએ.
સાથીઓ, હું તમને એક નકશો બતાવવા માંગીશ. આ નકશો એ વાતની સાબિતી છે કે છેલ્લા ચાર વર્ષોમાં કઈ રીતે સમગ્ર દેશમાં એક મોટું અસંતુલન નાબુદ થયું છે. અને પૂર્વીય ભારતના ગામડાઓ રોશન થયા છે.
હું અવારનવાર ઉલ્લેખ કરું છું કે સ્વતંત્રતા પછી દેશમાં 18 હજાર ગામડાઓ એવા હતા જ્યાં સુધી વીજળી પહોચી જ નહોતી. તમે જાણીને નવાઈ પામી ઉઠશો કે આમાંથી લગભગ 13 હજાર ગામડાઓ પૂર્વીય ભારતના હતા. આ 13 હજાર ગામડાઓમાંથી પણ 5 હજાર ગામડાઓ પૂર્વોત્તરના હતા. આ ગામડાઓ સુધી વીજળી પહોંચાડવાનું કામ પૂર્ણતા પર છે.
પરંતુ હવે તો દરેક ઘરને વીજળીના જોડાણ સાથે જોડવા માટે અમારી સરકારે સૌભાગ્ય યોજના પણ શરૂ કરી છે. તેના પર સરકાર 16 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી છે.
પૂર્વીય ભારતના લોકોની જિંદગીમાં આવેલી આ નવી રોશની, એકલતા થી એકીકરણ તરફનો આ રસ્તો જ રાઇજિંગ ઇન્ડિયાની ચમકને વધુ પ્રજ્વલિત બનાવશે.
સાથીઓ, કોર્પોરેટ જગતમાં એક કહેવત પ્રચલિત છે કે, જેને તમે માપી નથી શકતા તેનું સંચાલન પણ તમે નથી કરી શકતા (You can’t Manage what you can’t Measure). અમે પણ માત્ર આ મંત્રને પોતાની કાર્ય પદ્ધતિમાં અપનાવ્યો જ નથી પરંતુ તેને અમે વધુ આગળ લઈ ગયા છીએ – મેઝર ટુ મેનેજ અને મેનેજ ટુ ક્રિએટ માસ મૂવમેન્ટ.
જ્યારે જન આંદોલન બને છે, જ્યારે વ્યાપક સ્તર પર સરકાર અને જનતાની ભાગીદારી હોય છે તો તેના પરિણામો પણ વધુ સારા હોય છે, દુરગામી હોય છે. હું તમને દેશના આરોગ્ય ક્ષેત્રનું ઉદાહરણ આપીશ.
અમે આરોગ્ય ક્ષેત્રને બહુ ક્ષેત્રીય દ્રષ્ટિકોણ સાથે આગળ વધારીને તેમાં ચાર સ્તંભો પર ધ્યાન આપી રહ્યા છીએ.
• •સ્વાસ્થ્ય જાળવણી (Preventive healthcare)
• •પરવડે તેવી આરોગ્ય સેવાઓ (Affordable Health Care)
• •પૂરવઠા બાબતે દરમિયાનગીરી (Supply Side Intervention)
• •મિશન મોડમાં કામગીરી (Mission Mode Internention)
અમે આ ચારેય વિષયો પર એક સાથે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દેશમાં આરોગ્ય કાળજી માટે માત્ર આરોગ્ય મંત્રાલય હોય અને તે એકલા જ કામ કરતું રહેતું હોય તો તેનાથી માત્ર સીલો જ બને છે, ઉકેલો નથી મળતા. અમારો પ્રયાસ રહ્યો છે – નો સીલો, ઓન્લી સોલ્યુશન.
જનતા જનાર્દન સાથે જોડાયેલ આ અભિયાનમાં આરોગ્ય મંત્રાલયની સાથે-સાથે આ વિષયો સાથે જોડાયેલ અન્ય મંત્રાલયોને, સ્વચ્છતા મંત્રાલય, આયુષ મંત્રાલય, કેમિકલ અને ફર્ટીલાઈઝર મંત્રાલય, ગ્રાહક મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પણ સાથે સાથે રાખ્યું છે. આ રીતે અમે સૌને સાથે રાખીને નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
જો હું સૌથી પહેલા સ્તંભ એટલે કે સ્લાસ્થ્ય જાળવણીની વાત કરું તો તે સૌથી સસ્તું પણ છે અને સૌથી સહેલું પણ.
આપણે સૌ જાણીએ છીએ કે સ્વસ્થ જીવન માટે સ્વચ્છતા સૌથી પહેલી આવશ્યકતા છે અને તેના પર ભાર મુકીને અમે પીવાનાં પાણી અને સ્વચ્છતા મંત્રાલયને કાર્યાન્વિત કર્યું છે. તેનું પરિણામ જુઓ કે 2014 સુધીમાં સમગ્ર ભારતમાં 6.5 કરોડ ઘરોમાં શૌચાલયો હતા પરંતુ હવે 13 કરોડ ઘરોમાં શૌચાલય છે એટલે કે બમણો વધારો.
આજે દેશમાં સ્વચ્છતાનો વ્યાપ 38 ટકાથી વધીને આશરે 80 ટકા થયો છે. આ વૃદ્ધિ પણ બમણા કરતા વધુ છે. સ્વચ્છતા અભિયાનની સાથે આ સંદેશ પણ ઘરે ગહરે પહોંચ્યો છે કે ગંદકી પોતાની સાથે બીમારીઓ લઈને આવે છે, જ્યારે સ્વચ્છતા રોગોને દુર ભગાડે છે.
સ્વાસ્થ્ય જાળવણી માટે યોગે પણ પોતાની ઓળખ સ્થાપિત કરી છે. આયુષ મંત્રાલય કાર્યાન્વિત થવાને કારણે યોગ આજે દુનિયાભરમાં એક જન આંદોલન બની રહ્યું છે.
આ બજેટમાં અમે વેલનેસ કેન્દ્રો લઈને આવ્યા છીએ. સરકારનો પ્રયાસ દેશની દરેક મોટી પંચાયતમાં આરોગ્ય વેલનેસ કેન્દ્ર બનાવવાનો છે.
રોગપ્રતિકારક શક્તિવર્ધન માટેનાં કાર્યક્રમો પર અમે વિશેષ ભાર આપ્યો છે. અમારી સરકારના આવ્યા પહેલા દેશમાં રસીકરણનો વૃદ્ધિ દર માત્ર 1 ટકા હતો, જે આજે વધીને 6.7 ટકા થઇ ગયો છે.
સાથીઓ, સ્વાસ્થ્ય જાળવણીની સાથે જ સ્વાસ્થ્ય સેવાઓ પરવડે તેવી હોવી પણ એટલી જ જરૂરી છે. સ્વાસ્થ્ય સુવિધાઓ જન સામાન્ય માટે સસ્તી અને સુલભ હોય, તેના માટે પણ અમે અનેક પગલાઓ ભર્યા છે.
અમે કેમિકલ અને ફર્ટિલાઈજર મંત્રાલયને કાર્યાન્વિત કર્યું છે કે, જે આ દિશામાં કામ કરી રહ્યું છે. દેશ ભરમાં 3000થી વધુ જન ઔષધી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જ્યાં 800 થી વધુ દવાઓ ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
હૃદય રોગીઓને સ્ટેન્ટ ઓછી કિંમત પર મળે, તેના માટે અમે ગ્રાહક મંત્રાલયને કાર્યાન્વિત કર્યું અને તેણે એ વાત પર વિશેષ ભાર મુક્યો કે જેનું પરિણામ છે કે આજે સ્ટેન્ટની કિંમત 85 ટકા સુધી ઓછી થઇ ગઈ છે. તેની સાથે જ ની ઈમ્પ્લાન્ટની કિંમતોને પણ નિયંત્રિત કરવામાં આવી છે, જેનાથી તેના ભાવમાં 50થી 70 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ બજેટમાં અમે એક બીજી મોટી યોજનાની જાહેરાત કરી છે અને તે છે આયુષ્માન ભારત. આયુષ્માન ભારત યોજનાથી દેશના દરેક ગરીબ વ્યક્તિને પણ ઘણી મોટી મદદ મળવાની છે. આશરે 10 કરોડ પરિવાર એટલે કે લગભગ 45થી 50 કરોડ નાગરિકો બિમારીના ખર્ચની ચિંતાથી મુક્ત થઇ જશે. જો તેમના પરિવારમાં કોઈ બીમાર થઇ ગયું તો એક વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ ભારત સરકાર અને વીમા કંપની સાથે મળીને આપશે.
સાથીઓ, આરોગ્ય ક્ષેત્રનો ત્રીજો મોટો સ્તંભ છે, સપ્લાય સાઈડ ઇન્ટરવેન્શન. સ્વાસ્થ્યની સાથે જે જરૂરી સુવિધાઓ જોડાયેલી છે, તેને પણ નક્કી કરવા માટે અમારી સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
દેશમાં અને ખાસ કરીને ગામડાઓમાં ડોક્ટરની અછત અનુભવાઇ રહી આવે છે. તેને પહોંચી વળવા માટે અમારી સરકારે મેડીકલની બેઠકો વધારી છે.
સાથીઓ, 2014માં જ્યારે અમારી સરકાર બની હતી તો મેડીકલમાં 52 હજાર સ્નાતક અને 30 હજાર અનુસ્નાતક બેઠકો હતી. હવે દેશમાં 85 હજારથી વધુ સ્નાતક અને 46 હજારથી વધુ અનુસ્નાતક બેઠકો છે.
આ સિવાય દેશભરમાં નવા એઇમ્સ અને આયુર્વેદ વિજ્ઞાન સંસ્થાનની સ્થાપના કરવામાં આવી રહી છે. તે સિવાય પ્રત્યેક ત્રણ સંસદીય બેઠકોની વચ્ચે એક મેડીકલ કોલેજના નિર્માણની પણ યોજના છે.
આ પ્રયાસોનો સીધો લાભ આપણા યુવાનોની સાથે જ દેશની ગરીબ જનતાને પણ મળવાનો છે. નર્સિંગ અને પેરા મેડીકલના ક્ષેત્રમાં પણ માનવ સંસાધનને વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. મેડીકલ વ્યવસાયિકો વધશે તો સામર્થ્ય અને પહોંચ પણ વધશે.
ભાઈઓ અને બહેનો, આરોગ્ય ક્ષેત્રનો ચોથો અને સૌથી મહત્વપૂર્ણ સ્તંભ છે- મિશન મોડ ઇન્ટરવેન્શન.
કેટલાક પડકારો એવા હોય છે કે જેની માટે મિશન મોડમાં કામ કરવાની જરૂર હોય છે અને તો જ તે પડકારોને પહોંચી વળવામાં મદદ મળે છે અને તેમના પરિણામો જોવા મળે છે.
દેશમાં માતાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય સારું હોય, તેઓ બીમારીઓથી મુક્ત રહે, સ્વસ્થ અને સશક્ત રહે તેના માટે અમે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને કાર્યાન્વિત કર્યું છે. તે અંતર્ગત આજે અનેક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ માતા અને શિશુનું યોગ્ય પોષણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી છે. દેશને સ્વસ્થ બનાવવાની દિશામાં આ સૌથી નવીન અને મોટું પગલું છે. જ્યારે બાળકો અને માતાઓને સાચું પોષણ મળશે તો તેમને વધુ સારા સ્વાસ્થ્યની પણ ખાતરી મળશે.
હું માનું છું – એક જ માપ બધાને લાગુ પડે (One size does not fit for all). એટલા માટે અમારી સરકાર એ બાબતની ખાતરી કરી રહી છે કે, દરેક ક્ષેત્રનું, દરેક વિસ્તારનું અલગ વિકાસ મોડલ હોય.
સાથીઓ, હું તમને એક વીડિયોના માધ્યમથી દેશભરની ખુશીઓમાં ભાગીદાર બનાવવા માંગું છું.
તમે જે લોકોના ચહેરા પર ખુશી જોઈ છે તે મારા માટે રાઇજિંગ ઇન્ડિયા છે.
આખરે આ બદલાવ કઈ રીતે આવ્યો?
તમને યાદ હશે કે 6 વર્ષ પહેલા જુલાઈમાં ગ્રીડ ફેઈલ થવાના કારણે દેશ અંધારામાં ડૂબી ગયો હતો. જે થયું તે એક પ્રણાલીનું, શાસનતંત્રનું બ્રેકડાઉન હતું.
સ્થિતિ હતી કે એક સમયે ઉર્જા મંત્રાલયને ખબર નહોતી રહેતી કે કોલસા મંત્રાલયનો રોડ મેપ શું છે. નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયનો વીજ મંત્રાલય સાથે કોઈ સમન્વય નહોતો.
આ પરંપરા તોડીને સમાધાન કાઢવાનું આ કાર્ય દેશના ઉર્જા ક્ષેત્રમાં પણ ખુબ જ વ્યાપક રીતે થઇ રહ્યું છે.
આજે ભારતની ઉર્જા સુરક્ષાના શ્રેષ્ઠ ઉપાયો માટે વીજ મંત્રાલય, પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય અને કોલસા મંત્રાલય એક એકમના રૂપે કામ કરી રહ્યા છે.
કોલસામાંથી આપણને ઉર્જા સુરક્ષા મળે છે, તો પુનઃપ્રાપ્ય ઉર્જા આપણી આવનારી પેઢીઓ માટે વધુ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આપણને સંતુલિત ઉર્જા આપી શકે તેમ છે. એ જ કારણ છે કે આપણે વીજ તંગી તરફથી વીજ વિપુલતા તરફ, નેટવર્કની નિષ્ફળતા તરફથી નેટના નિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ. સરકારના પ્રયાસોથી વન નેશન વન ગ્રીડનું સપનું પણ સાકાર થયું છે.
સાથીઓ, હાર, હતાશા, નિરાશાનું વાતાવરણ ક્યારેય દેશને આગળ નથી વધારી શકતું. તમે પણ જોયું છે કે છેલ્લા ચાર વર્ષમાં દેશના લોકોમાં, દેશને ચલાવનારી વ્યવસ્થાઓમાં કઈ રીતે એક ઉત્સાહ ઉત્પન્ન થયો છે, એક ભરોસો આવ્યો છે. જે પરિવર્તન લોકો પોતાની સામે જોઈ રહ્યા છે, પોતાના જીવનમાં જોઈ રહ્યા છે, તેનાથી દરેક ભારતીયમાં વિશ્વાસ આવ્યો છે કે 21મી સદીનું ભારત પોતાની નબળાઈઓને છોડીને પોતાના બંધનોને તોડીને આગળ વધી શકે તેમ છે, એક ભારત – શ્રેષ્ઠ ભારતના સપનાને વાસ્તવિકતામાં બદલી શકે તેમ છે. લોકોનો આ પ્રબળ વિશ્વાસ જ રાઇજિંગ ઇન્ડિયાનો આધાર છે.
ભાઈઓ અને બહેનો, એ જ કારણ છે કે આજે સમગ્ર વિશ્વ, ભારતના આ ઉદયને, રાઇજિંગ ઇન્ડિયાને માન આપી રહ્યું છે, સન્માન આપી રહ્યું છે. પહેલાની સરકારના દસ વર્ષોમાં જેટલા રાષ્ટ્રાધ્યક્ષ અને રાષ્ટ્રપ્રમુખો ભારત આવ્યા અને જેટલા પાછલા ચાર વર્ષોમાં ભારત આવ્યા, તેની તુલના જ પોતાનામાં ઘણું બધું કહી જાય છે. પહેલાની સરકારમાં સરેરાશ એક વર્ષમાં વિશ્વના જેટલા મોટા નેતાઓ આવતા હતા, હવે તેના લગભગ બમણા રાષ્ટ્રાધ્યક્ષ અને રાષ્ટ્રપ્રમુખ દર વર્ષે ભારત આવી રહ્યા છે.
આ રાઇજિંગ ઇન્ડિયાની એક તસવીર છે, જેની પર આપ સૌને ગર્વ થશે.
સાથીઓ, ભારતે માત્ર પોતાના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનાં વિકાસને એક નવી દિશા આપી છે. ભારત આજે સમગ્ર વિશ્વમાં સૌર ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. તમે જોયું હશે કે કઈ રીતે પાંચ દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રારંભ કરવામાં આવેલા દિલ્હી સૌર કાર્યસૂચીને લાગુ કરવા માટે 60થી વધુ દેશોએ પોતાની સહમતી આપી છે. જળવાયુ પરિવર્તન જેવા વિષયોમાં ભારતનો પ્રયાસ 21મી સદીમાં સંપૂર્ણ માનવતાની સૌથી મોટી સેવાઓમાનો એક છે.
સાથીઓ વીતેલા ચાર વર્ષોમાં જે રીતે આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતનો પ્રભાવ વધી રહ્યો છે, તેના માટે એક સમજી વિચારેલી રણનીતિ અંતર્ગત સતત કાર્ય કરવામાં આવ્યું છે. ભારતે દુનિયાને સંદેશ આપ્યો છે શાંતિનો, વિકાસનો, સંતુલિત વિકાસનો.
ભારતે મોટા-મોટા સમૂહો સામે ભલે તે સંયુક્ત રાષ્ટ્ર હોય કે જી-20, એવા વિષયો ઉઠાવ્યા છે જે સંપૂર્ણ વિશ્વને પ્રભાવિત કરે છે. આતંકવાદ માત્ર એક દેશ કે એક ક્ષેત્રની સમસ્યા નથી, પરંતુ દુનિયાના દરેક દેશ માટે એક પડકાર છે, આ વાતને ભારતે જ આંતરરાષ્ટ્રીય મંચ પર સ્થાપિત કરી છે.
જુદા જુદા દેશોમાં કાળાનાણાનો પ્રવાહ અને ભ્રષ્ટાચાર કઈ રીતે વિશ્વનાં વિકાસમાં બાધક છે, અસરકારક નાણાકીય સુશાસન માટે પડકાર બનેલો છે, આ વિષય પણ ભારતે જ સૌથી પહેલા પુરજોશમાં ઉઠાવ્યો છે.
સાથીઓ, આ ભારતનો જ આત્મવિશ્વાસ છે કે જ્યાં સમગ્ર વિશ્વ 2030 સુધીમાં ટીબીને ખતમ કરવા માટે કાર્ય કરી રહ્યું છે, અમે તેના કરતા પણ 5 વર્ષ પહેલા એટલે કે 2025 સુધીમાં આ બીમારીમાંથી મુક્તિ મેળવવાનું નક્કી કરી લીધું છે. મને પૂરો વિશ્વાસ છે કે ભારત 2025 સુધીમાં સમગ્ર દુનિયાને આ લક્ષ્ય સિદ્ધ કરીને બતાવી દેશે.
ભાઈઓ અને બહેનો, દુનિયાને માટે આજે ઇન્ડિયા રાઇજિંગ એ માત્ર બે શબ્દો જ નથી. આ બે શબ્દો સવા સો કરોડ ભારતીયોની એ તાકાતનું પ્રતિક છે, જેને આજે સમગ્ર દુનિયા નમન કરી રહી છે. એ જ કારણ છે કે જે સંસ્થાઓમાં પોતાની સભ્યતા નોંધાવવા માટે ભારત વર્ષોથી પ્રયાસ કરી રહ્યું હતું, તે હવે તેને પ્રાપ્ત થવા લાગી છે.
મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રીજાઈમમાં સામેલ થયા બાદ ભારત ‘વાસેનાર અરેંજમેન્ટ’ અને ‘ઓસ્ટ્રેલીયા ગ્રુપ’માં પણ સામેલ થઇ ગયું છે. સામુદ્રિક કાયદાઓ માટેના આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલ’ની ચુંટણીમાં, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંસ્થાન’ની ચૂંટણીમાં, યુનાઇટેડ નેશન્સની આર્થિક અને સામાજિક સમિતિની ચુંટણીમાં ભારતને વિજય મળ્યો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટ ઑફ જસ્ટીસમાં જે રીતે ભારતને જીત મળી, તેની તો વિશ્વભરમાં ચર્ચા થઇ છે.
સાથીઓ, તે ભારતના વધતા પ્રભાવની જ અસર છે કે જ્યારે યમનમાં સંકટ આવે છે, ભારત પોતાના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢતો હોય છે, તો અન્ય દેશો પણ ભારતને મદદ માટે અપીલ કરે છે. તમને ગર્વ થશે એ સાંભળીને કે તે સંકટ દરમિયાન ભારતે 48 દેશના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
ડીપ્લોમસીમાં માનવીય મુલ્યોને સૌથી વધુ મહત્વ આપનારી આપણી નિતીએ દુનિયાને એ વાતનો અહેસાસ કરાવ્યો છે કે ભારત માત્ર પોતાના હિત માટે જ નહી પરંતુ વૈશ્વિક હિત માટે કામ કરી રહ્યું છે. સૌનો સાથ – સૌનો વિકાસનો અમારો મંત્ર દેશની સીમાઓના બંધનોમાં બંધાયેલો નથી.
આજે આપણે આયુષ્માન ભારત માટે જ નહીં પરંતુ આયુષ્માન વિશ્વને માટે પણ કાર્ય કરી રહ્યા છીએ. યોગ અને આયુર્વેદને લઈને દુનિયાભરમાં જે જાગૃતિ આવી રહી છે તે પણ રાઇજિંગ ઇન્ડિયાનું જ એક પ્રતિબિંબ છે.
સાથીઓ, જો અર્થવ્યવસ્થાની વાત કરું તો છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં ભારતે પોતાની સાથે જ સમગ્ર દુનિયાનાં આર્થિક વિકાસને મજબૂતી આપી છે. જે દેશ વિશ્વ જીડીપીનો માત્ર 3 ટકા ભાગ છે, તે આજે વિશ્વ અર્થવ્યવસ્થાના વિકાસમાં 7 ગણું વધારે યોગદાન આપી રહ્યો છે.
જેટલા પણ મેક્રો ઇકોનોમિક માપદંડો છે – ફુગાવો, ચાલુ ખાતાની ખાધ, નાણાકીય ખાધ, જીડીપી વિકાસ, વ્યાજ દર, એફડીઆઈ ઇન્ફ્લો, ભારત દરેકમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે.
આજે વિશ્વમાં ભારતના સંદર્ભમાં જે વાતો થાય છે તે આશા અને વિશ્વાસની સાથે થતી હોય છે, સંપૂર્ણ ભરોસા સાથે થાય છે. એ જ કારણ છે કે તમામ રેટિંગ એજન્સીઓ ભારતના ક્રમાંકમાં સુધારો કરી રહી છે.
આજે દુનિયાની ટોચની ત્રણ સંભવિત યજમાન અર્થવ્યવસ્થાઓમાં પણ ભારતની નામ લેવામાં આવે છે.
એફડીઆઈ કોન્ફીડન્સ ઇન્ડેક્સમાં ભારતને ટોચના બે વિકસી રહેલા બજારમાંના એક તરીકે ઓળખવામાં આવે છે.
અંકટાડકી વિશ્વ રોકાણ અહેવાલમાં પણ ભારતને દુનિયાનાં લોકપ્રિય એફડીઆઈ માટેનાં સ્થળ એક તરીકે જણાવવામાં આવ્યું છે.
વિશ્વ બેંકની વેપાર કરવાની સરળતાનાં ક્રમાંકમાં પણ અમે માત્ર ત્રણ વર્ષમાં 42 અંકોનો સુધારો કર્યો છે.
વર્ષ 2017-18ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતે 7.2 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે. અર્થવ્યવસ્થાના જાણકારો કહી રહ્યા છે કે આ ગતિ હજુ આગળ વધશે.
સાથીઓ, 2014ની પહેલા દેશની કર વ્યવસ્થાની ઓળખ હતી, રોકાણકારો માટે બિનમૈત્રીપૂર્ણ, અનિશ્ચિત અને બિન પારદર્શી. હવે આ સ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે. જીએસટીએ ભારતને દુનિયાના સૌથી મોટા આર્થિક બજારોમાંથી એક તરીકે સ્થાપિત કરી દીધું છે.
સાથીઓ, સરકાર ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગની મહત્વકાંક્ષાને સમજીને સમગ્રતાનાં અભિગમ સાથે કામ કરી રહી છે.
આ બજેટમાં અમે રીવાઈટલાઈઝિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સીસ્ટમ ઇન એજ્યુકેશન એટલે કે રાઈઝ નામથી એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. તે અંતર્ગત અમારી સરકાર આગામી ચાર વર્ષમાં દેશની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે.
સરકાર દેશમાં 20 વિશ્વ કક્ષાના શ્રેષ્ઠ સંસ્થાનો બનાવવા પર પણ કામ કરી રહી છે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી ખાનગી અને જાહેર સંસ્થાનો સાથે મળીને અમે કામ કરી રહ્યા છીએ. આ અભિયાન અંતર્ગત જાહેર ક્ષેત્રની પસંદ કરાયેલી 10 સંસ્થાનોને 10 હજાર કરોડ રૂપિયાની આર્થિક મદદ પણ આપવામાં આવશે.
એ જ રીતે દેશના નવયુવાનોમાં સ્વ-રોજગાર અને ખાસ કરીને એમએસએમઈ ક્ષેત્રમાં કામ કરી રહેલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે અમે સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અભિયાન જેવા કાર્યક્રમો ચલાવી રહ્યા છીએ.
ખાસ કરીને પ્રધાનમંત્રી મુદ્રા યોજના નવયુવાનો અને મહિલાઓના સશક્તીકરણનું મોટું માધ્યમ બની રહી છે. જ્યારથી આ યોજના શરૂ થઇ છે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ લોન અમારી સરકારે સ્વીકૃત કરી છે. લોકોને બાહેંધરી વિના 5 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે. આ વર્ષના બજેટમાં પણ અમે 3 લાખ કરોડ રૂપિયાની મુદ્રા લોન આપવાનું નક્કી કર્યું છે.
જો આ બધા જ પ્રયાસોને એક બુકેના રૂપમાં જોવામાં આવે તો આ કાર્ય મધ્યમ વર્ગ અને શહેરી યુવાનોની મહત્વકાંક્ષાઓને પૂરી કરનારા અને રોજગારના નવા અવસરો પ્રદાન કરનારા સાબિત થઇ રહ્યા છે.
મને આશા છે કે વિકાસની મુખ્યધારામાં પાછળ રહી ગયેલા કોઈ ભલે તે વ્યક્તિ હોય કે ક્ષેત્ર, જ્યારે તે ઝડપી ગતિએ આગળ વધશે, તેની શક્તિઓ, તેના સંસાધનો સાથે ન્યાય થશે, તો રાઇજિંગ ઇન્ડિયાની સ્ટોરી વધુ સશક્ત બનશે.
અંતમા હું આપના મિડિયા સમૂહને 2022 અને સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા વિષે ફરીથી યાદ અપાવવા માંગું છું. શું તમારા ગ્રુપ દ્વારા કોઈ સંકલ્પ લેવામાં આવ્યો છે? શું કોઈ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે? શું એ વિષે વિચારવામાં આવ્યું છે કે અમે એવું તો શું કરીએ કે જે 2022માં ન્યુ ઇન્ડિયાના સપનાને પૂરું કરવામાં મદદ કરે?
મને ઘણી ખુશી થશે જો તમારું જૂથ કોઈ પડકારનો સ્વીકાર કરશે, પોતાના સંકલ્પને તમારી ચેનલો પર પ્રોત્સાહિત કરશે, તેનું ફોલોઅપ પણ કરે.
સાથીઓ, સવા સો કરોડ દેશવાસી, ઈશ્વરનું જ રૂપ છે. અને દેશની પ્રત્યેક સંસ્થાએ, પ્રત્યેક એકમને રાષ્ટ્ર કલ્યાણ માટે, રાષ્ટ્ર નિર્માણ માટે, વિકાસની યાત્રાને આગળ વધારવા માટે સંકલ્પ બદ્ધ થઈને કામ કરવાની જરૂરિયાત છે.
તમારા જે કઈ પણ સંકલ્પ હોય, તેના માટે મારી અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું.
એકવાર ફરી આપ સૌનો ખુબ ખુબ આભાર!!!
Read Full Presentation Here