મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન સુરેશ પ્રભુજી, શ્રીમાન હરદીપ સિંહ પૂરીજી, શ્રીમાન સી. આર. ચૌધરીજી, સચિવ ડીઆઈપીપી શ્રી રમેશ અભિષેકજી, અહિં ઉપસ્થિત ઉદ્યોગ અને વ્યાપાર જગત સાથે જોડાયેલા મારા તમામ ભાઈઓ અને બહેનો.
સમગ્ર દેશ ગણપતિ પૂજામાં વ્યસ્ત છે. દરેકના ઘરમાં ગણપતિ બાપ્પાનું આગમન થયું છે. અને દરેક શુભ કાર્યને મંગલ બનાવવા માટે ભગવાન ગણેશનું સ્મરણ કરીને આગળ વધીએ છીએ. ભવ્ય અને દિવ્ય ભારતના આ મોટા પ્રતિક સમાન નવા ભારતના એક મહત્વપૂર્ણ સેન્ટરના નિર્માણના શ્રીગણેશ કરવાનો આજે એક ખૂબ જ ઉપર્યુક્ત અવસર છે.
દેશની આર્થિક ઉન્નતિ, સાંસ્કૃતિક સમૃદ્ધિ, પ્રકૃતિ પ્રત્યે આપણી સંવેદનશીલતા અને તેની ઓળખ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર એટલે કે આઈઆઈસીસી તેમાં આપણે ખૂબ સારી રીતે અનુભવ કરી શકીશું. આ સેવા સવા સો કરોડ દેશવાસીઓની એ ભાવનાનું પ્રગટીકરણ છે કે જે દુનિયામાં ભારતનો આજનો જે ઠાઠ બની રહ્યો છે, ભારતનું જે સ્થાન બની રહ્યું છે એ તેને અનુરૂપ છે.
લગભગ 26 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારૂ આ નિર્માણ આ દેશના 80 કરોડ યુવાનોના વલણ અને ઊર્જાનું એક કેન્દ્ર બનવાનું છે. તે સરકારના તે વિઝનનો એક ભાગ છે કે જેના કેન્દ્રમાં વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપર કરવાની સરળતા છે અને જેમ કે હમણાં આપણને એક ફિલ્મના માધ્યમથી અને બહાર 3ડી મોડલના માધ્યમથી પણ વિસ્તૃત રીતે બતાવવામાં આવ્યું કે આ માત્ર એક કન્વેન્શન સેન્ટર, એક એક્સ્પો સેન્ટર જ નથી પરંતુ દેશ અને દુનિયાના વ્યાપાર કારોબારનું એક જીવતું જાગતું ગતિશીલ કેન્દ્ર હશે.
એક રીતે દિલ્હીની અંદર જ એક નાનું શહેર હશે. એક જ કેમ્પ્સમાં કન્વેન્શન હોલ, એક્સ્પો હોલ, બેઠક હોલ, હોટેલ્સ, માર્કેટ, કચેરીઓ, નવસર્જન, આવી તમામ સુવિધાઓ એક સ્થાન પર વિકસિત થવા જઈ રહી છે.
હવે દેશની રાજધાનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા આયોજનોની માટે આપણે જે વારે વારે વિચારવું પડી રહ્યું છે કે કરીએ કે ન કરીએ, દુનિયાભરના લોકોને બોલાવીએ કે ન બોલાવીએ; તે મૂંઝવણમાંથી આપણે બહાર આવી જઈશું. અહિં બનનારા આ કન્વેન્શન હોલ એક એવી જગ્યા બની રહી છે કે જ્યાં 10 હજાર લોકોના બેસવાની સુવિધા હશે. બેસવાની ક્ષમતાની દ્રષ્ટીએ દુનિયાના ટોચના પાંચ અને એશિયાના ટોચના ત્રણ કન્વેન્શન હોલમાં તેની ગણતરી થશે.
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વીતેલા ચાર વર્ષોમાં જે સૌથી મોટા કામ કરવાની પરંપરા વિકસિત થઇ છે તેની શ્રેણીને આ વધુ વિસ્તાર આપવાનું છે. આ ભારતનું સૌથી મોટું કન્વેન્શન અને એક્સ્પો કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
સાથીઓ, આ સરકારે દેશના વિકાસ માટે અભૂતપૂર્વ યોજનાઓ પર કામ શરુ કર્યું છે. સૌથી લાંબી સુરંગ બનાવવાનું કામ હોય કે સૌથી લાંબી ગેસ પાઈપલાઈન પાથરવાનું કામ હોય કે પછી સમુદ્ર પર સૌથી મોટો સેતુ બનાવવાનું કામ હોય કે સૌથી મોટા મોબાઇલ ઉત્પાદન એકમ બનાવવાનું કામ હોય, દેશના દરેક ગામ સુધી બ્રોડબેન્ડ જોડાણનું કામ હોય, દેશના દરેક ગામ અને દરેક પરિવાર સુધી વીજળી પહોંચાડવાનું કામ હોય, સૌથી મોટી નાણાકીય સમાવેશીતાની ઝુંબેશ હોય, ગ્રામિણ ક્ષેત્રના સૌથી મોટા બેન્કિંગ નેટવર્ક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટને બનાવવાનું કામ હોય, જીએસટીના રૂપમાં સૌથી મોટા અપ્રત્યક્ષ કરને અમલમાં મુકવાનું કામ હોય, સ્વચ્છ ભારતના રૂપમાં સૌથી મોટું જનઆંદોલન ચલાવવાનું કામ હોય અને હવે દેશ અને દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના આયુષ્માન ભારતનું બીડું ઉઠાવવાનું કામ આ જ સરકારે કર્યું છે.
આ જે કેટલાક ઉદાહરણો છે તે માત્ર દેશના ભૌતિક અને સામાજિક માળખાને નવી દિશા આપનારા પ્રોજેક્ટ જ નથી પરંતુ 21મી સદીના ભારત, નવા ભારતની ગતિ, વ્યાપ અને કૌશલ્યના પ્રતિકો છે.
સાથીઓ, આજે દેશમાં, દરેક હિસ્સામાં જે વિશ્વસ્તરની વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી રહી છે, તેમાં આઈઆઈસીસીનું નામ જોડાવાનું છે. દરેક આધુનિક ટેકનોલોજીથી યુક્ત સમગ્ર પરિસરમાં દેશ દુનિયાના વેપાર જગતના આગેવાનોની માટે તે તમામ સુવિધાઓ હશે જેની અપેક્ષા તેઓ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા પાસેથી કરે છે.
તે અર્થવ્યસ્થા જે 8 ટકાની ગતિએ વિકાસ કરી રહી છે. જે આવનારા 5-7 વર્ષોમાં 5 ટ્રિલિયન તો આવનારા એક દોઢ દાયકામાં 10 ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંકને લઈને ઝડપી ગતિએ આગળ વધી રહી છે.
મને એ જાણીને ખુશી થઇ કે આ પરિસર વાહનવ્યવહારની આધુનિક સુવિધાઓથી પણ સુપેરે જોડાયેલું હશે. હાઈ સ્પીડ મેટ્રો વડે તે સીધું એરપોર્ટ સાથે જોડાયેલું હશે. મિટીંગ હોય, બિઝનેસ ઇન્કયુબેશન સેન્ટર હોય, ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ હોય, મનોરંજન હોય, શોપિંગ હોય કે પછી પ્રવાસન સાથે જોડાયેલી વ્યવસ્થાઓ; બધું જ એક સ્થળે ઉપલબ્ધ હશે.
આ પ્રોજેક્ટ સરકારના તે સંકલ્પનો ભાગ છે જે અંતર્ગત ભારતની વિકાસ ગાથા સાથે જોડાયેલ તમામ માળખાગત બાંધકામને મજબુત કરવામાં આવી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો, આપણે દુનિયામાં ગમે ત્યાં જઈએ, અવારનવાર જોવા મળે છે કે નાના નાના દેશો પણ મોટી મોટી કોન્ફરન્સ યોજવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રકારની આધુનિક વ્યવસ્થાઓના નિર્માણના કારણે અનેક દેશ કોન્ફરન્સ પ્રવાસનના કેન્દ્રો બની ચુક્યા છે. પરંતુ આપણે ત્યાં વર્ષો સુધી આ દિશામાં ક્યારેય વિચારવામાં આવ્યું જ નહીં. મોટી મોટી કોન્ફરન્સને કે આપણા વેપારી મેળાઓ લગાવવા હોય તો સામાન્ય રીતે હરી ફરીને એ જ એક જગ્યા પ્રગતિ મેદાન; બસ ત્યાં જ બધું સીમિત થઇ ગયું અને તે પણ હવે પોતાની તાકાત ગુમાવી ચુક્યું હતું. હવે આ વિચારધારા બદલાઈ રહી છે. અને તેનું જ પરિણામ આજનું આ આયોજન છે.
દેશની રાજધાની દિલ્હીમાં જ નહી પરંતુ અન્ય રાજ્યોમાં પણ આઈઆઈસીસી જેવા સેન્ટરોનું નિર્માણ બિઝનેસ કલ્ચર સાથે જોડાયેલ એક મહત્વના પક્ષને મજબુત કરશે. આપણા દેશમાં કોન્ફરન્સ પ્રવાસનની એક નવી પ્રણાલી તૈયાર કરશે.
આંતરરાષ્ટ્રીય સ્તરની સમિટ, મોટી મોટી કંપનીઓની વાર્ષિક સામાન્ય બેઠક, સરકારના તમામ વિભાગોના કાર્યક્રમો, આ પ્રકારના કેન્દ્રોમાં ખૂબ સરળતાથી થઇ શકશે. આ આધુનિક કન્વેન્શન સેન્ટર ક્યાંક ને ક્યાંક જીવન જીવવાની સરળતાને પણ પ્રોત્સાહન આપશે. પંડાલની ચિંતા નહી, પાણી વીજળીની ચિંતા નહી, હવામાનનો ડર નહી, એક રેડી ટુ યુઝ સિસ્ટમ હશે જે વધુમાં વધુ લોકોના ઉપયોગ માટે સરળતાથી ઉપલબ્ધ હશે.
વેપારી પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, જ્યારે શહેરમાં આ પ્રકારની ગતિવિધિઓના કેન્દ્રો હશે તો સમગ્ર શહેરને તેનો લાભ મળે છે. આ કન્વેન્શન સેન્ટર શહેરોની ઓળખ પણ બનશે.
સાથીઓ, આઈઆઈસીસી, ઇન્ડિયાની પ્રમાણભૂત કથાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમક આપનારું એક સારું માધ્યમ બનશે. હું આશા રાખું છું કે જ્યારે આ બનીને તૈયાર થઇ જશે તો કોન્ફરન્સ પ્રવાસન, એમઆઈસી એટલે કે મિટીંગ ઇન્સેન્ટીવ કોન્ફરન્સ અને પ્રદર્શનના મહત્વપૂર્ણ ગંતવ્ય સ્થાનના રૂપમાં ભારતની ઓળખને એક નવી તાકાત મળશે.
આઈઆઈસીસીના રૂપમાં દેશના વેપારીઓ, ઉદ્યમીઓ, કારોબારીઓને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના ઉત્પાદનનું પ્રદર્શન, તેની ઓળખને સ્થાપિત કરવાનું સરળ સાધન પણ હશે. ખાસ કરીને દેશના નાના અને મધ્યમ ઉદ્યમીઓ પોતાના પ્રચાર-પ્રસાર પર તેટલો ખર્ચો નથી કરી શકતા. તેમની માટે આ મહત્વપૂર્ણ મંચ સાબિત થવાનું છે. તેઓ અહિં આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને વેચાણકારો સાથે સીધો સંપર્ક કરી શકશે. આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજીના વિષયમાં પણ તેઓ સરળતાથી જાણી શકશે અને પોતાના ઉદ્યોગને એ મુજબ તેઓ કાર્યાન્વિત કરી શકશે.
આ સુવિધા સરકારના તે પ્રયાસોને જોર આપશે જે અંતર્ગત એમએસએમઈ એટલે કે મધ્યમ અને લઘુ કૌશલ્યને સશક્ત કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહી, સ્ટાર્ટ અપને માટે પણ તે ઘણી મોટી સુવિધા ઉભી કરવાનું છે. સ્ટાર્ટ અપની માટે સૌથી મોટી સમસ્યા પોતાના વિચારોને રોકાણકારો સુધી પહોંચાડવાની હોય છે. દેશના ઇનોવેટીવ યુથ માટે આ ખૂબ મોટું મંચ બનશે. અહિં આઈડિયા અને ઇનોવેશનની ચર્ચાથી લઈને ફંડિંગ અને બ્રાન્ડીંગની માર્કેટિંગ પણ સરળતાથી કરવામાં આવશે.
તે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આજે ભારત સ્ટાર્ટ અપના ક્ષેત્રમાં દુનિયાની બીજું સૌથી મોટી ઇકો સીસ્ટમ બની ચુક્યું છે.
આજે આપણા યુવાનો 10 હજારથી વધુ સ્ટાર્ટ અપ પર કામ કરી રહ્યા છે. એવામાં આ આધુનિક વ્યવસ્થા સમાજના દરેક વર્ગ, દરેક સ્તરને લાભ પહોંચાડશે. મોટી વાત એ પણ છે કે આ કેન્દ્ર દેશના પાંચ લાખ યુવા સાથીઓને રોજગારનો અવસર પણ પ્રદાન કરવાનું છે. તે માત્ર દેશની આર્થિક અને સાંસ્કૃતિક શક્તિના પ્રદર્શનનું જ નહી પરંતુ આ સ્થાન લાખો ગરીબ, મધ્યમ વર્ગના પરિવારોના જીવનને પણ નવી દિશા આપનારો પ્રોજેક્ટ છે. દેશના તાલીમ સંસ્થાનો, કૌશલ્ય કેન્દ્રો કે પછી કોઈ શાળા કોલેજમાં અભ્યાસ કરનારા નવયુવાનોની આકાંક્ષાઓને તે બદલવાની તાકાત ધરાવે છે.
ભાઈઓ અને બહેનો, આઈઆઈસીસીના તે તમામ મોટા પ્રોજેક્ટનો વિસ્તાર છે જેમને વચ્ચેના ચાર વર્ષોમાં જમીન પર ઉતારવામાં આવ્યા છે. આવા પ્રોજેક્ટ લાખો યુવાનો માટે રોજગારના નવા અવસર બનાવ્યા છે. સર્વિસ હોય, કૃષિ હોય કે પછી ઉત્પાદન; દરેક ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારી પેદા થઇ રહી છે. અહેવાલ જણાવે છે કે દેશના આઈટી ક્ષેત્રમાં પણ રોજગાર નિર્માણમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે.
રીટેલના ક્ષેત્રમાં અભૂતપૂર્વ અવસરો બની રહ્યા છે. એકલું ઈ-કોમર્સ ક્ષેત્ર જ 50 અરબ ડોલરથી વધુની મૂડી ઉપાર્જિત કરી રહ્યું છે. જેટલું તે વ્યાપક બની રહ્યું છે તેટલું જ વધારે રોજગાર પણ આપી રહ્યું છે.
સાથીઓ, સર્વિસની સાથે સાથે ઉત્પાદન ક્ષેત્ર પણ આજે મેઇક ઇન ઇન્ડિયાની શક્તિ સાથે આગળ વધી રહ્યું છે. ભારત આજે મોબાઈલ ઉત્પાદનનું કેન્દ્ર બની રહ્યું છે, જેનાથી દેશના ચાર સાડા ચાર લાખથી પણ વધુ યુવાનોને ગત ચાર વર્ષો દરમિયાન રોજગાર સાથે જોડવામાં આવ્યા છે. આજે સ્થિતિ એવી છે કે આપણે મોબાઇલની નિકાસ તો કરી જ રહ્યા છીએ, સાથે સાથે 80 ટકા મોબાઇલ ફોન દેશમાં જ બની રહ્યા છે. તેનાથી વિદેશી હુંડીયામણના રૂપમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની બચત દેશને થઇ છે.
સાથીઓ, પાછલા ચાર વર્ષોમાં દેશમાં પારદર્શક અને મેરીટ આધારિત વેપારનો શ્રેષ્ઠ માહોલ તૈયાર કરવામાં આવ્યો છે. આજે દેશનું ટેલિકોમ ક્ષેત્ર, 500 વર્ષ પહેલાના અંધારામાંથી બહાર આવી ચુક્યું છે. આજે તે દેશના સૌથી ઝડપથી વધતા ક્ષેત્રોમાં સામેલ થઇ ગયું છે. દેશ હવે 5જી નેટવર્કના માળખાગત બાંધકામ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પારદર્શી ટેન્ડરીંગ વ્યવસ્થા અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન વડે તેને અભૂતપૂર્વ ગતિ મળી છે. આજે વોઈસ કૉલ લગભગ લગભગ ફ્રિ છે અને એક જીબી 4જી ડેટા, 250-300 રૂપિયાથી ઘટીને 19-20 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે દેશના સામાન્ય વ્યક્તિને ઈન્ટરનેટની તાકાત મળી છે તો ઇન્ડસ્ટ્રીની માટે વેપારના નવા અવસરો ઉપલબ્ધ થયા છે.
ટેલિકોમની સાથે સાથે દેશનું પ્રવાસન ક્ષેત્ર પણ સતત વિકાસના નવા કિર્તીમાનો સ્થાપિત કરી રહ્યું છે. દેશમાં રોજગારના લાખો અવસરો ઉભા કરી રહ્યું છે.
સાથીઓ, દેશ વ્યસ્થા વડે ચાલે છે, સંસ્થાનો વડે આગળ વધે છે અને આ બે ચાર મહિના, બે ચાર વર્ષમાં નથી બનતી, તે વર્ષોના સતત વિકાસનું પરિણામ હોય છે. અને તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કે નિર્ણયો યોગ્ય સમયે લેવામાં આવે અને તેમને ટાળ્યા વિના લાગુ કરવામાં આવે.
હવે આ નાની બેંકોના મર્જરનો નિર્ણય જ લઇએ, ડઝનો સરકારી બેંકોની શું જરૂરિયાત છે. તેને લઈને આપણે વર્ષોથી ચર્ચાઓ સાંભળતા આવી રહ્યા છીએ. આશરે અઢી દાયકા પહેલા તેના વિષયમાં પગલા ઉપાડવાની વાત શરુ કરવામાં આવી હતી. પરંતુ આ દિશામાં આગળ વધવાનું સાહસ કોઈએ ન કર્યું. પરંતુ ગયા 50 મહિનાઓ તેના સાક્ષી છે કે એનડીએની આ સરકારે રાષ્ટ્ર હિતમાં લેવામાં આવનાર કડકમાં કડક નિર્ણયોના અમલીકરણ માટે ક્યારેય પાછી પાની નથી કરી. જે વર્ષોથી લટકેલા નિર્ણયો હતા, તેમને સંપૂર્ણ શક્તિ સાથે જમીન પર ઉતારવામાં આવ્યા છે. પહેલા સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં નાની બેંકોને સામેલ કરવામાં આવી અને હવે ત્રણ અન્ય બેંકોને એક જ બેંકમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને મને યાદ છે ત્રણ ચાર વર્ષ પહેલા જ્યારે સુધારાની ચર્ચાઓ થતી હતી તો કેટલાક લોકો આગળ વધીને લખતા હતા, જો મોદી બેંકોનું મર્જર કરીને દેખાડી દે તો અમે માનીશું કે મોદી કંઈક કરી રહ્યો છે. હવે જ્યારે થઇ ગયું છે તો ખબર નહી તેમની કલમને ઊંઘ આવી ગઈ લાગે છે, ચુપ થઇ ગયા છે.
જીએસટી હોય, વિમુદ્રીકરણ હોય, બેનામી સંપત્તિ કાયદો હોય, નાદારી કોડ હોય, ભાગેડુ આર્થિક અપરાધીઓ સાથે જોડાયેલ કાયદો હોય – ત્રણ લાખથી વધુ સંદિગ્ધ કંપનીઓની નોંધણી રદ કરવાની વાત હોય, આ બધા જ નિર્ણયો ઈમાનદાર અને પારદર્શી વેપારી વાતાવરણ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાના જીવતા જાગતા ઉદાહરણો છે.
સાથીઓ, દેશમાં પાછલા ચાર વર્ષોમાં ચોતરફો વિકાસ એટલા માટે સંભવ થઇ શક્યો છે, તે જ સંસાધનોની હાજરીમાં સરકાર વધુ સારું કામ એટલા માટે કરી શકી છે કારણ કે રાષ્ટ્ર હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છે. વ્યવસ્થાઓને સાચી દિશા તરફ વાળવામાં આવી છે.
સાથીઓ, હું આપને વિશ્વાસ અપાવું છું કે જનહિત માટે મુશકિલમાં મુશકિલ નિર્ણયો લેવાની આ પ્રથા ચાલુ રહેશે. આજે દેશમાં પડકારો છતાં ભારતની અર્થવ્યવસ્થાનો પાયો દિન-પ્રતિદિન મજબુત થતા જઈ રહ્યો છે. પાયો મજબુત છે, નિકાસને સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં વૈશ્વિક વ્યાપારને જીડીપીના 40 ટકા સુધી કરવા માટે એક વિસ્તૃત યોજના પર કામ ચાલી રહ્યું છે. વર્ષ બે હજાર પચ્ચીસ સુધીમાં જીડીપીને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઇ જવાના જે લક્ષ્યને લઈને અમે આગળ વધી રહ્યા છીએ તેમાં એક ટ્રિલિયન ડોલર ઉત્પાદન અને કૃષિના હોય તે તરફ ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તે સરકારના પ્રયત્નોનો જ અવસર છે કે વેપાર કરવાની સરળતાની રેન્કિંગમાં ભારતે ચાર વર્ષોમાં બેંતાલીસ અંકોનો સુધારો કર્યો છે. તે પણ એક પ્રકારે વિક્રમી સિદ્ધિ જ છે. હવે તો રાજ્યોમાં પણ એક સ્પર્ધા શરુ થઇ છે કે કોણ પોતાની રેન્કિંગ ઝડપથી સુધારે છે. વેપાર કરવાની સરળતાની આ સ્પર્ધા લોકોની જીવન જીવવાની સુગમતાને પણ વધારી રહી છે.
સુધારાની આપણી જે યાત્રા છે, તે હવે જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આજે જિલ્લા સ્તરે પણ વેપાર કરવાની સરળતાના પાસાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેની માટે એક સંપૂર્ણ ઉત્કૃષ્ટ પ્લાન પર કામ થઇ રહ્યું છે. સરકારનો પ્રયાસ છે કે આવનારા સમયમાં જિલ્લાઓના જીડીપીમાં 2 થી 3 ટકાની વૃદ્ધિ કઈ રીતે થાય, તેની પદ્ધતિઓ કઈ હોય, પહેલો કઈ હોય, પ્રાથમિકતા શું હોય. સરકારની વિચારધારા રહી છે કે જો સુધારાઓને સ્થાઈ બનાવવા છે તો જમીન પર તેમની અસર જોવા મળવી જોઈએ.
સાથીઓ, આપણો દેશ જેટલો મોટો છે, આપણા દેશમાં જેટલા યુવાનો છે, તેટલા જ આપણા દેશમાં મોટા સપનાઓને તેમને પૂરો અધિકાર છે, તે સપનાઓ જોવાનો અધિકાર છે. તે સપનાઓને ચહેરો આપવાનો અધિકાર છે. તેમને સાકાર કરવામાં મદદ કરવાની જવાબદારી સરકારની સાથે સાથે દેશના ઉદ્યોગ જગતની પણ છે. તમારા સૌની પણ છે.
મને વિશ્વાસ છે કે આપણે સૌ મળીને નવા ભારતની યુવા આકાંક્ષાઓને સાકાર કરવામાં સંપૂર્ણ શક્તિ સાથે કામ કરીશું. આવનારા એક દોઢ વર્ષની અંદર આઈઆઈસીસીનો પ્રથમ તબક્કો પૂરો કરવાનો પ્રયાસ છે. તેના નિર્માણ સાથે જોડાયેલ અને તેની સાથે જોડાયેલ લોકોને હું ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. અને મને હમણાં જણાવવામાં આવ્યું છે કે હમણાં આ પરિસરમાં લગભગ અઢી હજાર લોકો પહેલેથી જ કામ કરી રહ્યા છે એટલે કે શિલાન્યાસની વિધિ પહેલાથી જ કામનું સંપૂર્ણ માળખું તૈયાર કરીને કામને આગળ વધારવામાં આવી રહ્યું છે.
મને વિશ્વાસ છે કે જે સપનાઓને લઈને આપણે ચાલ્યા છીએ અને બદલાતા વિશ્વમાં વૈશ્વિક અર્થતંત્રના યુગમાં ભારત પણ દરેક પ્રકારથી પોતાની જાતને માત્ર યોગ્ય જ નહી પરંતુ એક નેતાની ભૂમિકામાં પોતાની જાતને પ્રસ્તુત કરવાનું સામર્થ્ય લઈને આગળ વધે. તે જ સપનાઓ માટે, સાથે આગળ વધવાનું છે ત્યારે હું ફરી એકવાર આ સમગ્ર ટીમને આ કામને સમય પર ઉત્તમ રીતે ઉત્તમ નિર્માણ કાર્યની સાથે ઉત્તમ ગતિ આપતા રહીએ એ જ મારી શુભકામનાઓ છે.
ખૂબ-ખૂબ આભાર!