Mahatma Gandhi always highlighted the importance of villages and spoke about 'Gram Swaraj': PM Modi
Urge people to focus on the education of their children: PM Modi
Our efforts are towards self-reliance in the agriculture sector: PM
Jan Dhan, Van Dhan, Gobar Dhan trio aimed at empowering the tribal and farm communities: PM Modi
A transformation of villages would ensure a transformation of India: PM Modi

મંચ પર બિરાજમાન મધ્યપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન નરેન્દ્રસિંહજી તોમર, શ્રીમાન પુરુષોત્તમ રૂપાલા, રાજ્ય સરકારના મંત્રી ગોપાલજી, ઓમ પ્રકાશજી, સંજયજી, સંસદમાં મારા સાથી શ્રીમાન ફગ્ગનસિંહ કુલસ્તેજી, શ્રીમતી સંપત્યિયા વી. કે. જી અને હવે ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ બન્યા છે અને આપણા જબલપુરના સાંસદ છે; શ્રીમાન રાકેશ સિંહજી, મંડલા જિલ્લા પંચાયતની અધ્યક્ષા શ્રીમતી સરસ્વતી મરાવીજી અને આજે ખૂબ જ ગર્વની સાથે વધુ અન્ય એક પરિચય કરાવવા માંગું છું – આપણી વચ્ચે બેઠા છે ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી. છેલ્લા કેટલાક દિવસોમાં ત્રિપુરાની ચૂંટણીએ એક ઐતિહાસિક કામ કર્યું છે. ત્યાની જનતાએ એક ઐતિહાસિક નિર્ણય કર્યો અને ભારે બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે.

ત્રિપુરામાં મોટાભાગે જનજાતિય સમુદાય રહે છે. તમારે જેમ અહિયાં ગૌડ પરંપરાનો ઇતિહાસ છે એ જ રીતે ત્રિપુરામાં આદિ જાતિનાં લોકોનો, જનજાતીય સમુદાયનો, ત્યાના રાજ શાસનનો એક ઘણો મોટો અને લાંબો ઇતિહાસ છે અને મને ખુશી છે કે આજે તે ત્રિપુરાના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી શ્રીમાન જીશ્નુંદેવ વર્માજી આપણી વચ્ચે છે અને તેઓ ત્રિપુરાના તે જનજાતીય સમુદાયમાંથી આવે છે અને તે રાજ પરિવારમાંથી આવે છે જેમણે અંગ્રેજ સલ્તનતની સામે બાથ ભીડી હતી; આજે તેમનું અહિયાં મધ્યપ્રદેશની ધરતી પર સ્વાગત કરતા મને ગર્વ થાય છે.

ભાઈઓ બહેનો, આપણે સૌ આજે મા નર્મદાના ખોળામાં એકઠા થયા છીએ. હું સૌથી પહેલા લગભગ-લગભગ 1300 કિલોમીટર લાંબા પટવાળી મા નર્મદા, અહીંથી શરૂ થઈને ગુજરાતમાં સમુદ્રી તટ સુધી જનારી મા નર્મદા, આપણા કરોડો લોકોની જિંદગીને સંભાળનારી મા નર્મદા; આપણુ પશુપાલન હોય, આપણી કૃષિ હોય, આપણું ગ્રામીણ જીવન હોય, સદીઓથી મા નર્મદાએ આપણને નવી જિંદગી આપવાનું કામ કર્યું છે. હું તે મા નર્મદાને પ્રણામ કરૂ છું.

આજે મારૂ સૌભાગ્ય છે કે મને આ ક્ષેત્રમાં પહેલા પણ આવવાનું સૌભાગ્ય મળતું રહ્યું છે. રાણી દુર્ગાવતી, પરાક્રમની ગાથાઓ, ત્યાગ અને બલિદાનની ગાથાઓ આપણને સૌને પ્રેરણા આપતી રહી છે અને તે આપણા દેશની વિશેષતા રહી છે, ભલે દુર્ગાવતી હોય, કે પછી રાણી અવંતીબાઈ હોય, સમાજને માટે સંઘર્ષ કરતો રહેવો, વિદેશી સલ્તનતની સામે ક્યારેય ઝૂકવું નહી, જીવવું તો શાન સાથે અને મરવું તો સંકલ્પને લઈને મરવું, તે પરંપરાની સાથે આજે આપણે આ ધરતી પર આપણી આદિજાતિના એક ગૌરવપૂર્ણ કાર્યક્રમનો પ્રારંભ કરી રહ્યાં છીએ.

પરંતુ સાથે-સાથે આજે પંચાયત દિવસ પણ છે. પૂજ્ય બાપુના સપનાઓને સાકાર કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે કારણ કે મહાત્મા ગાંધીએ ભારતની ઓળખાણ ભારતના ગામડાઓ વડે છે, આ સંકલ્પને વારંવાર ઉચ્ચાર્યો હતો. મહાત્મા ગાંધીએ ગ્રામ સ્વરાજની કલ્પના આપી હતી. મહાત્મા ગાંધીએ ગ્રામોદયથી રાષ્ટ્રોદય, તે માર્ગ આપણને પ્રશસ્ત કરવા માટે પ્રેરિત કર્યા હતા અને આજે પંચાયતી રાજ દિવસ પર હું દેશની લગભગ બે લાખ ચાલીસ હજાર પંચાયતોને, આ પંચાયતોમાં રહેનારા કોટી-કોટી મારા ભારતવાસીઓને, આ પંચાયતોમાં જન પ્રતિનિધિઓના રૂપમાં બેઠેલા 30 લાખથી પણ વધુ જન પ્રતિનિધિઓને અને તેમાં પણ એક તૃતીયાંશથી પણ વધુ આપણી માતાઓ બહેનો, જેઓ આજે ગ્રામિણ જીવનનું નેતૃત્વ કરી રહી છે, એવા સૌને આજે પંચાયતી રાજ દિવસ પર પ્રણામ કરું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.

અને હું તેમને વિશ્વાસ અપાવવા માંગું છું કે તમારા પોતાના ગામના વિકાસ માટે, તમારા પોતાના ગામના લોકોના સશક્તિકરણ માટે, તમારા પોતાના ગામડાને સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટે તમે જે પણ સંકલ્પ કરશો તે સંકલ્પોને પુરા કરવા માટે અમે પણ, ભારત સરકાર પણ ખભે ખભો મિલાવીને તમારી સાથે ચાલશે. તમારા સપનાઓની સાથે અમારા સપનાઓ પણ જોડાશે, અને આપણા સૌના સપનાઓ સાથે મળીને સવા સો કરોડ દેશવાસીઓના સપનાઓને આપણે સિદ્ધ કરીને રહીશું. એ જ એક ભાવના સાથે આજે પંચાયત રાજ દિવસ ઉપર ગામ માટે કંઈક કરવાનો સંકલ્પ કરીએ.

જુના જમાનામાં ક્યારેક-ક્યારેક અમે જ્યારે પણ અહિયાં મંડલામાં આવીએ તો તે કિલ્લાની ઓળખ રહેતી હતી, તે રાજ પરિવારની વ્યવસ્થાની ઓળખ રહેતી હતી અને આપણે સૌ છાતી ફુલાવીને ગર્વ સાથે કહેતા હોઈએ છીએ કે સદીઓ પહેલા ગૌંડ રાજાઓએ કેટલું મોટું કામ કર્યું હતું, કેવી મોટી વ્યવસ્થાઓ કરી હતી. તે સમયે રાજ વ્યવસ્થાઓ હતી, રાજ પરંપરાઓ હતી અને રાજ પરંપરાઓ સાથે જોડાયેલા લોકો પોતાના વિસ્તારોના નાગરિકોની ભલાઈ માટે કંઈક એવું કામ કરવાનો પ્રયાસ કરતા હતા જેને આજે સદીઓ પછી પણ આપણે ઇતિહાસના માધ્યમથી યાદ કરીએ છીએ, ગર્વ કરીએ છીએ અને આપણી આગામી પેઢીઓને કહીએ છીએ. તે જમાનામાં જે વ્યવસ્થા હતી, તે વ્યવસ્થા અંતર્ગત એવું થતું હતું.

હવે લોકશાહી છે, એક નિશ્ચિત સમયગાળા માટે ગામના લોકોએ આપણને જવાબદારી આપી છે. ગામના લોકોએ આપણા પર ભરોસો મુક્યો છે. એવો કયો પંચાયતનો પ્રધાન હશે, એવો કયો પંચાયતનો ચૂંટાયેલો પ્રતિનિધિ હશે જેના હૃદયમાં એ ઈચ્છા ન હોય કે પાંચ વર્ષ જે મને મળ્યા છે, હું પાંચ વર્ષમાં મારા ગામ માટે આ 5 સારા કામ, 10 સારા કામ, 15 સારા કામ મારા કાર્યકાળ દરમિયાન કરીને જ રહીશ. આ સંકલ્પ કરીને જ્યારે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ પછી જ્યારે તમે વૃદ્ધાવસ્થામાંથી પસાર થાવ છો, ઘરમાં પૌત્ર પૌત્રીઓને લઈને ક્યારેક રસ્તા પરથી પસાર થશો તો તમે પણ તમારા પૌત્ર પૌત્રીઓને કહેશો કે 25 વર્ષ પહેલા હું પંચાયતમાં હતો, 25 વર્ષ પહેલા હું પંચાયતમાં ચૂંટાઈને આવ્યો હતો અને જુઓ મારા સમયમાં મે આ તળાવનું કામ કર્યું હતું, મારા સમયમાં આ શાળામાં મે આ વૃક્ષો વાવ્યા હતા, મારા સમયમાં મે આ તળાવમાં કામ કર્યું હતું, મારા સમયમાં મે આ કુવો ખોદાવ્યો હતો, ગામને પાણી મળ્યું હતું. તમે પણ જરૂરથી ઈચ્છશો કે કંઈક એવું કામ કરીને જઈએ જ્યારે તમારા પૌત્ર પૌત્રીઓને તમે કહો કે જનતાએ તમને ચૂંટીને બેસાડ્યા હતા અને તમે 25 વર્ષમાં 30 વર્ષ પહેલા આ કામ કર્યું હતું અને જેનો અમને સંતોષ છે. કયો પંચાયતનો વ્યક્તિ એવો હશે કે જેના હૃદયમાં આ ઈચ્છા નહીં હોય?

હું તમારા હૃદયમાં તે ઈચ્છાને પ્રબળ કરવા માગું છું. તમને મજબુત સંકલ્પોના ધણી બનાવવા માગું છું. પોતાના ગામ માટે કંઈ પણ કરી છૂટવાનો ઈરાદો અને તેના માટે જે પાંચ વર્ષ મળે છે તે પાંચ વર્ષની પળે-પળ જનતા જનાર્દન માટે ખપાવી દેવાની જો પ્રતિજ્ઞા લઈને ચાલીએ તો દુનિયાની કોઈ તાકાત નથી, દુનિયાનો કોઈ પડકાર નથી, કોઈ એવી મુસીબત નથી, જેને આપણે હરાવીને આપણે આપણા ગામના જીવનને બદલી ન શકીએ.

ક્યારેક-ક્યારેક ગામના વિકાસની વાત આવે છે તો મોટાભાગના લોકો બજેટની વાતો કરે છે. કોઈ એક સમય એવો હતો જ્યારે બજેટના કારણે તકલીફ રહી હોય, પરંતુ આજે બજેટની ચિંતા ઓછી છે, આજે ચિંતા છે બજેટનાં પૈસાનો સાચો ઉપયોગ કઈ રીતે થાય? સાચા સમય પર કંઈ રીતે થાય? સાચા કામ માટે કંઈ રીતે થાય? સાચા લોકો માટે કંઈ રીતે થાય? અને જો તેમાં ઈમાનદારી પણ હોય, પારદર્શકતા પણ હોય અને ગામનાં દરેક વ્યક્તિને ખબર પણ હોવી જોઈએ કે આ કામ થયું, આટલા પૈસાનું થયું અને આ ગામને હું હિસાબ આપી રહ્યો છું. આ આદત, સમસ્યા પૈસાની ક્યારેય નથી રહી, પરંતુ સમસ્યા ક્યારેક પ્રાથમિકતાની હોય છે.

તમે મને જણાવો, ગામમાં શાળા છે, શાળાનું સારું એવું મકાન છે, ગામમાં શિક્ષકને નિયુક્ત કરવામાં આવ્યા છે, શિક્ષકને નિયમિત રૂપે પગાર મળે છે, શાળાના સમયે શાળા ચાલુ થઇ રહી છે, પરંતુ તેમ છતાં પણ મારા ગામના પાંચ-પચ્ચીસ બાળકો શાળાએ નથી જતા, ખેતરોમાં જઈને સંતાઈ જાય છે, ઝાડ ઉપર ચડીને બેસી જાય છે અને મારા ગામના 5-25 બાળકો અભણ રહી જાય છે, મને જણાવો આ 5-25 બાળકો જે અભણ રહી ગયા, તો શું સમસ્યા બજેટની હતી? જી ના. શિક્ષકની સમસ્યા હતી? જી ના. આપણે ગામના લોકોએ આપણા ગામવાસીઓને આ જે વાત સમજવાની હતી કે ભાઈ શાળા છે, શિક્ષક છે, સરકાર ફી આપે છે, સરકાર યુનિફોર્મ આપે છે, સરકાર મધ્યાહ્ન ભોજન આપે છે. આવો, આપણા ગામમાં એક પણ બાળક શાળાએથી જતા રહી ન જાય. આપણા ગામમાં એક પણ બાળક અભણ નહી રહે, શું આપણે આ નિર્ણય ન લઇ શકીએ?

આપણા માતા પિતા કદાચ અભણ રહી ગયા હશે, તેમને કદાચ એ સૌભાગ્ય નહીં મળ્યું હોય. તે સમયની સરકારની હાજરીમાં રહીને તે ભણી નહીં શક્યા હોય પરંતુ આપણે જો પંચાયતમાં ચૂંટાઈને આવ્યા છીએ, રાજ્યમાં પણ સરકાર, કેન્દ્રમાં પણ સરકાર, બાળકોના શિક્ષણ માટે આગ્રહી છે, દીકરીઓના શિક્ષણ માટે વિશેષ આગ્રહી છે; તો શું આપણી ફરજ નથી કે જન પ્રતિનિધિના રૂપમાં પાંચ વર્ષમાં એવું કામ કરીએ કે શાળાએ જવાની ઉંમરમાં એક પણ બાળક અભણ ન રહી જાય. તમે જુઓ જ્યારે તે બાળક મોટું થશે, સારું ભણશે આગળ નીકળશે; તે બાળક મોટું થઈને કહેશે કે હું તો ગરીબમાંનો દીકરો હતો, ક્યારેક માની સાથે ખેતરમાં કામ કરવા જતો હતો, પરંતુ મારા ગામના મંત્રીજી હતા, તેઓ ખેતરમાંથી મને પકડીને લઇ ગયા હતા અને મને કહ્યું- બેટા અત્યારે તારી ઉંમર ખેતરમાં કામ કરવાની નથી, ચાલ શાળાએ ચાલ, અભ્યાસ કર અને મંત્રીજી મને લઇ ગયા હતા. તેના જ કારણે આજે હું ડોક્ટર બની ગયો, આજે હું ઇજનેર બની ગયો, આજે હું આઈએએસ અધિકારી બની ગયો, મારા પરિવારનું જીવન બદલાઈ ગયું. એક મંત્રીજીના કારણે એક જીવન પણ બદલાઈ જાય છે તો સમગ્ર હિન્દુસ્તાન સાચી દિશામાં પરિવર્તન માટે ચાલી નીકળે છે.

અને એટલા માટે મારા વ્હાલા તમામ પ્રતિનિધિઓ, આ પંચાયતી રાજ દિવસ, આ આપણા સંકલ્પનો દિવસ હોવો જોઈએ. તમે મને જણાવો આજના જમાનામાં આરોગ્યના ક્ષેત્રમાં આટલા સારા સંશોધન થયા છે. જો પોલિયોની રસી સાચા સમયે બાળકોને પીવડાવી દેવામાં આવે તો આપણા ગામના બાળકોને પોલિયો થવાની સંભાવના નથી રહેતી, બચી જાય છે. તમે મને જણાવો આજે પણ તમારા ગામમાં કોઈ 40 વર્ષનો, કોઈ 50 વર્ષનો વ્યક્તિ પોલિયોને કારણે પરેશાન હશે, દિવ્યાંગ અવસ્થામાં તમે તેને જોતા હશો, તમારા મનમાં પીડા થતી હશે કે નહીં થતી હોય? તમને લાગતું હશે કે નહીં લાગતું હોય, અરે ભગવાને આની સાથે આવું કેમ કર્યું બિચારો ચાલી પણ નથી શકતો. તમારા મનમાં જરૂરથી આ ભાવ ઉઠતો હશે.

મારા ભાઈઓ બહેનો, 40-50 વર્ષની ઉંમરના તે વ્યક્તિને કદાચ તે સૌભાગ્ય નથી મળ્યું. પરંતુ આજે, આજે પોલિયોની રસી, તમારા ગામના કોઈપણ બાળકને અપંગ થવા નથી દેતી, દિવ્યાંગ બનવા નથી દેતી, તેને પોલિયોની બીમારી નથી આવી શકતી. શું પોલિયોની રસી માટે પણ બજેટ લાગે છે કે શું? ડોકટરો આવે છે, સરકાર આવે છે, પૈસા ખર્ચ કરવામાં આવે છે, પોલિયોની રસી પીવડાવવાની તારીખની ટીવીમાં, છાપામાં સતત જાહેરાત કરવામાં આવતી રહે છે. શું હું પંચાયતમાં ચૂંટાયેલો વ્યક્તિ, હું મારા ગામમાં પોલિયોના રસીકરણની અંદર કોઈ પણ બેદરકારી નહીં વર્તુ, શું હું આ નિર્ણય કરી શકું છું કે નથી કરી શકતો?

પરંતુ ક્યારેક-ક્યારેક જન પ્રતિનિધિઓને લાગે છે કે આ કામ તો સરકારી બાબુઓનું છે, આપણું કામ નથી. જી ના, મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, આપણે જનતાના સેવક છીએ, આપણે સરકારના સેવક નથી. અમે જન પ્રતિનિધિ જનતાની સુખાકારી માટે આવીએ છીએ અને એટલા માટે જ આપણી શક્તિ, આપણો સમય જો તે જ કામ માટે લાગે છે તો જ આપણે આપણા ગામનું જીવન બદલી શકવા સમર્થ છીએ.

તમે મને જણાવો- હું નાની-નાની વાતો એટલા માટે કહેતો રહું છું કે ક્યારેક-ક્યારેક મોટી વાતો કરવા માટે તો ઘણી બધી જગ્યાઓ હોય છે અને મોટા-મોટા લોકો પણ મોટી-મોટી વાતો કહેતા રહેતા હોય છે. પરંતુ આપણે આપણા ગામમાં નાની-નાની વાતોથી પણ પરિવર્તન લાવી શકીએ તેમ છીએ.

આપણે જાણીએ છીએ આપણા ગામમાં ખેડૂત- શું તેને તે ખબર છે કે જો કોઈ ખેતરમાંથી તેનું પેટ ભરાઈ રહ્યું છે, જે ખેતરમાંથી તે સમાજનું પેટ ભરી રહ્યો છે, જો તે માટીનું જ આરોગ્ય સારું નહી હોય, તો ક્યારેક ને ક્યારેક તો તે ધરતી માતા નારાજ થઇ જ જશે કે નહીં થઇ જાય? ધરતી માતા આજે જેટલો પાક આપી રહી છે, તે આપવાનું બંધ કરશે કે નહીં કરે? આપણે પણ ભૂખ્યા મરીશું અને બાકી લોકો પણ ભૂખ્યા મરશે. આપણી આવનારી પેઢી પણ ગરીબીમાં ગુજારો કરવા માટે મજબૂર થઇ જશે. શું ક્યારેય આપણે આ વિષે વિચાર્યું છે, આપણે ક્યારેક ગામના લોકોને બેસાડીએ, બેસાડીને એ નક્કી કરીએ કે ભાઈ બોલો, આપણે જલ્દી-જલ્દી પાક, વધારે-વધારે પાક દેખાય એટલા માટે આટલી મોટી માત્રામાં યૂરિયા નાખીએ છીએ. બાજુવાળાએ એક થેલો ભરીને યૂરિયા નાખી દીધું તો હું પણ બે થેલા ભરીને યૂરિયા નાખી દઉં છું. બાજુવાળાએ લાલ ડબ્બાવાળી દવા નાખી દીધી તો હું પણ લાલ ડબ્બાવાળી દવા નાખી દઉં અને આના કારણે હું મારી જમીનને બરબાદ કરતો રહું છું.

શું ગામના લોકો મળીને નક્કી કરે કે આપણે જો પહેલા આખા ગામમાં 50 થેલા યૂરિયા આવતું હતું, હવે આપણે 40 થેલીઓથી ચલાવીશું, 40 બેગથી ચલાવી લઈશું. એ જણાવો, ગામની 10 થેલીના પૈસા બચશે કે નહીં બચે? ગામની અંદર યૂરિયાને કારણે જે આપણી માટીનું આરોગ્ય ખરાબ થઇ રહ્યું છે, આપણી જમીન બરબાદ થઇ રહી છે, આપણી ધરતી માતા બરબાદ થઇ રહી છે, તેને બચાવવા માટે થોડી પણ આપણી કોઈ ભૂમિકા બનશે કે નહીં બને? પૈસા પણ બચશે, ધીમે-ધીમે પાક પણ સારો તૈયાર થવા લાગશે. આપણી મા, ધરતી માતા આપણા પર ખુશ થઈ જશે, તે પણ આપણા પર આશીર્વાદ વરસાવશે કે દવાઓ પીવડાવી-પીવડાવીને મને મારી રહ્યો હતો. હવે મારો દીકરો સુધરી ગયો છે, હવે હું પણ એક ધરતી માની જેમ તેનું પેટ ભરવા માટે હવે વધારે આપીશ. તમે મને કહો કે કરી શકો છો કે નથી કરી શકતા?

હું તમને મારા આદિવાસી ભાઈઓને પૂછવા માગું છું, હું જન જાતિના ભાઈઓને પૂછવા માગું છું કે શું આપણે આ કામ કરી શકીએ છીએ કે નથી કરી શકતા? કરી શકીએ છીએ કે નથી કરી શકતા?

તમે મને કહો હવે સરકારે એક ખૂબ સરસ નિયમ બનાવી દીધો છે. હું મંડલાના જંગલોમાં આજે ઊભો છું. અહિં વાંસની ખેતી થાય છે. એક સમય હતો વાંસને આપણા દેશમાં વૃક્ષ માનવામાં આવતું હતું. હવે મને પણ સમજણ નથી પડતી, હું ફાઈલો વાંચી રહ્યો છું કે આટલા વર્ષો સુધી આ વાંસને, બામ્બુને વૃક્ષ કેમ માનવામાં આવ્યું છે અને તેના કારણે થયું શું, મારો જનજાતિનો ભાઈ કે જે જંગલોમાં રહે છે, તે વાંસને કાપી નથી શકતો, વાંસને વેચી નથી શકતો અને જો ક્યારેક લઈને જાય છે અને કોઈ જંગલ અધિકારીએ જોઈ લીધુ તો પછી તેને તો બિચારાને દિવસમાં જ રાતના તારા દેખાવા લાગે છે. આ તકલીફ આવે છે કે નથી આવતી? પરેશાની થતી હતી કે નહોતી થતી?

સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો. સરકારે મહત્વપૂર્ણ નિર્ણય એ લીધો કે હવે વાંસને, બામ્બુને વૃક્ષની શ્રેણીમાં નહી પરંતુ તેને ઘાસની શ્રેણીમાં રાખવામાં આવશે જેથી કરીને ખેડૂત પોતાના ખેતરના શેઢા પર વાંસની ખેતી કરી શકે છે, વાંસ વેચી શકે છે, વાંસમાંથી જુદી-જુદી ચીજવસ્તુઓ બનાવીને બજારમાં વેચી શકે છે, ગામની અંદર એક નવો રોજગાર પેદા થઇ શકે તેમ છે.

તમને નવાઈ લાગશે આટલા જંગલો, આટલા જનજાતિનો મારો સમુદાય, આટલા વાંસ, પરંતુ મારા દેશમાં 12-15 હજાર કરોડ રૂપિયાના વાંસ આપણે વિદેશોમાંથી લાવીએ છીએ. અગરબત્તી બનાવવી છે તો વાંસ વિદેશથી લાવો, દીવાસળી બનાવવી છે વાંસ વિદેશથી લાવો, પતંગ બનાવવા છે, વાંસ વિદેશથી લાવો. ઘર બનાવવું છે, વાંસ કાપવાની મંજૂરી નથી. હજારો કરોડો રૂપિયા વિદેશ જતા રહેતા હતા.

હવે હું મારા જનજાતીય ભાઈઓને, ગામનાં મારા ખેડૂતોને આગ્રહ કરું છું કે સારી ગુણવત્તાનાં વાંસ તમારા ખેતરના શેઢા પર, બાકી જે ખેતી કરો છો તે કરતા રહીએ આપણે, ખેતરના કિનારા પર જો આપણે વાંસ લગાવી દઈએ, બે વર્ષમાં, ત્રણ વર્ષમાં તે કમાણી કરવાનું શરૂ કરી દેશે. મારા ખેડૂતની આવક વધશે કે નહીં વધે. જે જમીન બેકાર પડી રહી હતી કિનારા પર ત્યાંથી વધારાની આવક થશે કે નહીં થાય?

હું તમને આગ્રહ કરું છું, મારા પંચાયતના પ્રતિનિધિઓને આગ્રહ કરું છું શું આપણે કૃષિના ક્ષેત્રમાં આપણા ગામના ખેડૂતોને આત્મનિર્ભર કરી શકીએ છીએ કે નથી કરી શકતા? આપણા હિમાચલના રાજ્યપાલ સાહેબ છે, દેવવ્રતજી. તેઓ રાજ્યપાલ છે પરંતુ હરેક સમયે ઝીરો બજેટવાળી ખેતી લોકોને શીખવાડતા રહેતા હોય છે. એક ગાય હોય અને બે એકર જમીન હોય તો કઈ રીતે ઝીરો બજેટથી ખેતી થઇ શકે છે, તે શીખવાડતા રહે છે અને અનેક લોકોએ તે રીતે રસ્તો અપનાવ્યો પણ છે. શું મારા પંચાયતના પ્રતિનિધિઓ આ વસ્તુઓને શીખીને ગામના ખેડૂતોને તૈયાર કરી શકે છે કે નથી કરી શકતા?

વર્તમાન સમયમાં અમે લોકો અભિયાન ચલાવી રહ્યા છીએ મધનું. મધમાખી ઉછેરનું. જો નાનો અમથો પણ ખેડૂત હોય, જો 50 પેટી પોતાના ખેતરમાં રાખી દે તો વર્ષભરમાં દોઢ-બે લાખ રૂપિયાનું મધ વેચી શકે છે અને જો ન વેચાયું તો, ગામનાં લોકોએ ખાધું તો પણ શરીરમાં લાભ થશે. તમે મને જણાવો ખેતીની આવકમાં વૃદ્ધિ થઇ શકે છે કે નથી થઇ શકતી? શું આ કામ બજેટથી કરવાની જરૂર છે, જી નહી. આ કામ એની જાતે જ થઇ શકે તેમ છે અને એટલા માટે આપણે નક્કી કરીએ.

હવે મનરેગાના પૈસા આવે છે, લોકોને સરકાર, ભારત સરકાર પૈસા મોકલાવે છે. મજુરી માટે પૈસા આપે છે. શું આપણે અત્યારથી જ નક્કી કરી શકીએ છીએ ખરા કે ભાઈ એપ્રિલ, મે, જૂન – ત્રણ મહિના જે મનરેગાનું કામ થશે, જે આપણે મજૂરી આપીશું, આપણે પહેલા નક્કી કરીશું કે ગામમાં પાણી બચાવવા માટે કયા-કયા કામ થઇ શકે તેમ છે. જો તળાવ ઊંડું કરવું છે, નાના-નાના ચેક ડેમ બનાવવા છે, પાણી રોકવાનો પ્રબંધ કરવાનો છે. વરસાદનું એક-એક ટીપું, આ પાણી બચાવવા માટે ત્રણ મહિના સુધી મનરેગાના પૈસાનું કામ, તેમાં જ લગાવીશું. જે પણ મજૂરીનું કામ કરીશું, તે જ કામ માટે કરીશું.

તમે મને કહો કે જો ગામનું પાણી ગામમાં જ રહે છે, વરસાદના એક-એક ટીપાનું પાણી બચી જતું હોય છે તો જમીનમાં પાણી જે ઊંડા ઉતરી રહ્યા છે તે પાણી ઉપર આવશે કે નહીં આવે? પાણી કાઢવાનો ખર્ચો ઓછો થશે કે નહીં થાય? જો વરસાદ વધારે કે ઓછો આવી ગયો તો તે જ પાણીથી ખેતીને જીવનદાન મળી શકે છે કે નથી મળી શકતું? ગામનું કોઈ ભૂખે મરવાની નોબત આવશે ખરી?

એવું નથી કે યોજનાઓ નથી, એવું નથી કે પૈસાની તંગી છે. હું ગામના પ્રતિનિધિઓને આગ્રહ કરું છું, તમે નક્કી કરો – ભલે તે શિક્ષણની વાત હોય, કે પછી આરોગ્યની વાત હોય, ભલે તે પાણી બચાવવાની વાત હોય કે પછી કૃષિની અંદર પરિવર્તન લાવવાની વાત હોય, આ એવા કામો છે કે જેમાં નવા બજેટ વિના પણ ગામના લોકો આજે જ્યાં છે ત્યાંથી આગળ નીકળી શકે તેમ છે.

એક બીજી વાત હું કહેવા માંગીશ- એક યોજના અમે લાગુ કરી હતી જન-ધન યોજના, બેંકનું ખાતું. બીજી યોજના લીધી હતી 90 પૈસામાં વીમા યોજના. હું નથી માનતો કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ 90 પૈસા ખર્ચ ન કરી શકતો હોય. જો તેને બીડી પીવાની આદત હશે તો પણ કદાચ તે દિવસમાં બે રૂપિયાની બીડી તો પી જ લેતો હશે. 90 પૈસા તો તે કાઢી જ શકે છે.

તમે જોયું હશે અહિયાં આગળ મંચ પર એક જનજાતિ સમુદાયની માને બે લાખ રૂપિયા આપવાનો મને અવસર મળ્યો. આ બે લાખ રૂપિયા કયા હતા? તેણે જે 90 પૈસા વાળો વીમો લીધો હતો અને તેના પરિવારમાં આપત્તિ આવી ગઈ, પરિવારના આગેવાનનો સ્વર્ગવાસ થઇ ગયો. તે 90 પૈસાના કારણે આજે તેને બે લાખ રૂપિયાનો વીમો મળી ગયો. એક ગરીબ માંના હાથમાં બે લાખ રૂપિયા આવી જાય, મને કહો જીવનનાં આ મુસીબતના સમયે તેને મદદ મળશે કે નહીં મળે?

શું મારો જન પ્રતિનિધિ, શું મારો પંચાયતનો પ્રધાન મારા ગામમાં એક પણ પરિવાર એવો નહીં હોય જેનું પ્રધાનમંત્રી જન-ધન ખાતું ન હોય અને જેનો ઓછામાં ઓછો 90 પૈસાનો વીમો ન હોય, અને જો તે પરિવારમાં મુસીબત આવી તો બે લાખ રૂપિયા તે પરિવારને મદદ મળી જશે. ગામ પર તે પરિવાર ક્યારેય બોજ નહીં બને, શું આ કામ નથી કરી શકતા આપણે લોકો?

ભાઈઓ બહેનો, ત્રણ વસ્તુઓ પર હું તમારું ધ્યાન આકર્ષિત કરવા માગું છું અને તે છે – એક જન-ધન, બીજુ વન ધન અને ત્રીજુ ગોબરધન. આ ત્રણ વસ્તુઓથી આપણે ગામની અર્થવ્યવસ્થામાં એક ઘણું મોટુ પરિવર્તન લાવી શકીએ તેમ છીએ. જન-ધન યોજનાથી અર્થવ્યવસ્થાની મુખ્ય ધારામાં આપણા પરિવારને, દરેક નાગરિકને લઇ જઈ શકીએ છીએ.

વન ધન- આપણે ત્યાં જે વન સંપત્તિ છે, જે પ્રાકૃતિક સંપત્તિઓ છે; તેનું મુલ્ય સમજીને – અરે આજે તો જો ગામની અંદર લીમડાનું ઝાડ છે અને લીમડાની લીંબોળીઓ નીચે પડે છે – જો પાંચ પચ્ચીસ મહિલાઓ તે લીમડાની લીંબોળીઓ એકઠી કરી લે, તેનું તેલ નીકળે છે અને યૂરિયાનું નીમ કોટિંગ થાય છે, ગામની મહિલાને પણ કમાણી થઇ જાય છે. તે લીમડાનું ઝાડ, લીમડાની લીંબોળી ક્યારેક માટીમાં ભળી જતી હતી, આજે – આજે તે વન ધન બની શકે તેમ છે. શું આપણે આ પરિવર્તન નથી લાવી શકતા?

હું જંગલોમાં રહેનારા મારા તમામ જનજાતિય ભાઈઓને કહેવા માગું છું, હું તમામ સરકારોને પણ કહેવા માંગીશ. અને આજે અહિં મધ્યપ્રદેશની સરકારે જનજાતિય સમુદાય માટે એક ઘણી મોટી યોજનાનો પ્રારંભ કર્યો છે. જેમાં વન ધનનું પણ મહત્વ છે.

ત્રીજી વાત મેં કહી- ગોબર ધન. ગામમાં પશુ હોય છે, તેનું જે ગોબર છે તેનો વૈજ્ઞાનિક પદ્ધતિએ ઉપયોગ નથી થતો. જો ગામનું છાણ, ગામનો કચરો, આને એક સંપત્તિ માની લઈએ તો તેમાંથી ગેસ ઉત્પન્ન થઇ શકે છે, તેમાંથી વીજળી ઉત્પન્ન થઇ શકે તેમ છે, તેમાંથી શ્રેષ્ઠ પ્રકારનું ખાતર બની શકે છે. યૂરિયાની જરૂરિયાત વિના ઉત્તમ ખાતરથી ગામની ખેતી ચાલી શકે તેમ છે. ગામમાં બીમારી નહીં આવી શકે. આ કામ પણ પૈસા વિના થઇ શકે છે. સરકારની યોજનાઓનો લાભ લઈને થઇ શકે છે.

અને એટલા માટે ભાઈઓ બહેનો, આજે જ્યારે હું દેશભરના પંચાયતોના ચૂંટાયેલા લોકોની સાથે હિન્દુસ્તાનનાં તમામ ગામડાઓમાં, બે લાખ ચાલીસ હજાર ગામોને, આજે મા નર્મદાની ધરતી પરથી, મંડલાની ધરતી પરથી, માતા દુર્ગાવતીના આશીર્વાદની સાથે આજે જ્યારે હું સંબોધન કરી રહ્યો છું ત્યારે હું આપ સૌને આગ્રહ કરું છું – આવો આપણે સંકલ્પ કરીએ – 2022, જ્યારે આઝાદીના 75 વર્ષ પુરા થશે અને તે જ વર્ષે 2જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીનો પ્રારંભ થશે, આ આપણા માટે એક એવો અવસર છે કે આપણે ગાંધીના સપનાનું ગામ બનાવીએ. આપણે સાથે મળીને ભારતને બદલવા માટે ગામને બદલીએ. આપણે સૌ સાથે મળીને ગામની અંદર પૈસાનો સાચો ઉપયોગ કરીએ.

આજે હમણાં જ એક કાર્યક્રમનો મેં પ્રારંભ કરાવ્યો જેના અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકાર પાસેથી કેટલા પૈસા આવે છે, કયા કામ માટે આવે છે, તે કામ થયું કે નથી થયું, જ્યાં થવું જોઈએ ત્યાં થયું કે નથી થયું, આ બધી જ માહિતી હવે તમે તમારા મોબાઈલ ફોન પર જોઈ શકશો. તમને ખબર પડી જશે કે કુવા માટે પૈસા આવ્યા હતા પરંતુ કુવો તો ક્યાંય દેખાતો નથી તો તમે ગામમાં જઈને પૂછશો કે ભાઈ આ જે સરકારે વ્યવસ્થા કરી, આના પર તો ક્યાંય દેખાતું નથી કે કુવો છે. તો ગામવાળો પણ વિચારશે કે હા ભાઈ રહી ગયો છે, ચાલો મહિનામાં કરાવી દઉં છું. મને જણાવો કે હિસાબ કિતાબ બનશે કે નહી બને? ગામમાં ઈમાનદારીથી કામ કરવાની આદત પડશે કે નહી પડે? બાબુઓને કામનો જવાબ આપવો પડશે કે નહીં આપવો પડે? પાઈ-પાઈનો હિસાબ આપવો પડશે કે નહીં આપવો પડે?

અને એટલા માટે મારા વ્હાલા ભાઈઓ અને બહેનો સમયસર સાચું કામ – તમે જુઓ પાંચ વર્ષનો આપણો કાર્યક્રમ સ્વર્ણિમ કાર્યકાળ બની શકે છે. ગામ યાદ રાખશે કે ભાઈ ફલાણા વર્ષથી લઈને ફલાણા વર્ષમાં તો જે સંસ્થા ચૂંટાઈને આવી હતી તેણે તો ગામની સુરત જ બદલી નાખી હતી.

આ સંકલ્પને લઈને આગળ ચાલવું અને તેના માટે જ આજે મને અહિયાં એક એલપીજીનાં પ્લાન્ટનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો અને આ એલપીજી પ્લાન્ટનું જે મેં લોકાર્પણ કર્યું, તમે જોયું હશે કે અમે ગેસ તો લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ પરંતુ હવે તે ગેસ ભરવા માટેના જે સીલીન્ડરો છે, તેના કારખાના લગાવવા પડે છે. અહિં જ 120 કરોડ રૂપિયાના ખર્ચ સાથે આ કારખાનું લાગશે. ગેસ સીલીન્ડર ભરવાનું કામ થશે અને આ વ્યવસ્થા કહેવાય છે કે આજુ બાજુમાં પન્ના હોય, સતના હોય, રીવા હોય, સિંગરૌલી હોય, શડહલ હોય, ઉમરિયા હોય, ડિંડોરી હોય, અનુપુર હોય, મંડલા હોય, સિવન હોય, બાલાઘાટ હોય, જબલપુર હોય, કટની હોય, દમોહ હોય; આ બધા જ જિલ્લાઓમાં આ ગેસ સીલીન્ડર પહોંચાડવાનું કામ સરળ બની જશે. અહીંના લોકોને રોજગારી મળશે અને તમારે ત્યાં એક નવી દુનિયા શરૂ થઇ જશે. આ કામ પણ મને આપ સૌની વચ્ચે કરવાનો અવસર મળ્યો છે.

ભાઈઓ બહેનો, અનેક વિષયો છે જેની હું ચર્ચા કરી શકું તેમ છું. પરંતુ હું ઇચ્છુ છું કે આપણે ગ્રામ્ય કેન્દ્રીત જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન આ મંત્રને આગળ વધારતા રહેવાનું છે.

જ્યારે તમે લોકોએ જોયું- હું જોઈ રહ્યો હતો કે હમણાં જ્યારે શિવરાજજી કહી રહ્યા હતા કે ભારત સરકાર દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરનારા રાક્ષસી મનોવૃત્તિના લોકોને હવે ફાંસી પર લટકાવવાનો કાયદો બનાવ્યો છે. અને જ્યારે મુખ્યમંત્રીજીએ આ વાતને કહી તો હું જોઈ રહ્યો હતો કે આખો મંડપ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. તાળીઓ બંધ નહોતી થઇ રહી. આ દિલ્હીમાં એવી સરકાર છે કે જે તમારો અવાજ સાંભળે છે અને નિર્ણય કરે છે.

અને હું કહીશ, આપણે પરિવારમાં દીકરીઓને સન્માન આપતા શીખવું જોઈએ, આપણે પરિવારમાં દીકરીઓના મહાત્મ્યને વધારીએ એ પરિવારમાં જરા દીકરાઓને જવાબદારી શિખવાડવાનું પણ શરૂ કરીએ. જો દીકરાઓને જવાબદારી શીખવાડવાનું શરૂ કરીશું તો દીકરીઓને સુરક્ષિત રાખવાનું પણ મુશ્કેલ નહી બને એ એટલા માટે જે બેઈમાની કરશે, જે ભ્રષ્ટ આચરણ કરશે, રાક્ષસી કાર્ય કરશે તે તો ફાંસી ઉપર લટકી જ જશે પરંતુ આપણે આપણા પરિવારોમાં પણ આપણી દીકરીઓના માન સન્માનની જવાબદારી ઉઠાવવી પડશે. એક સામાજિક આંદોલન ઊભું કરવું પડશે. અને આપણે સૌ મળીને દેશને એવી મુસીબતોથી બહાર કાઢી શકીએ છીએ અને હું ઈચ્છીશ કે આ વસ્તુઓને તમે આગળ વધારો.

ભાઈઓ બહેનો સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ કામ વિચારી રાખ્યું છે. આપણા દેશનું દુર્ભાગ્ય છે કે આઝાદીની લડાઈ કેટલાક જ લોકોની આસપાસ, કેટલાક જ પરિવારોની આસપાસ સમેટાઈ ગઈ. સાચા બલિદાનીઓની કથા ઈતિહાસના પાનાઓ પર પણ લખવામાં પણ ખબર નહી શું તકલીફ પડી, હું નથી જાણતો.

જો 1857થી જોવામાં આવે, તેની પહેલા પણ સેંકડો વર્ષો સુધી ગુલામીના કાળખંડમાં કોઈ એક વર્ષ એવું નહી ગયું હોય કે હિન્દુસ્તાનના કોઈ ને કોઈ વિસ્તારમાં આત્મસન્માન માટે, સંસ્કૃતિ માટે, આઝાદી માટે આપણા પૂર્વજોએ બલિદાન ન આપ્યું હોય. સેંકડો વર્ષો સુધી સતત આપ્યું છે. પરંતુ ચાલો 1857 પછી પણ જોઈએ, તો ઘણા ઓછા લોકોને ખબર છે અને આપણને ભૂલવાડી દેવામાં આવ્યું છે કે મારા જનજાતિના ભાઈઓ બહેનોએ ભારતની આઝાદી માટે કેટલા બલિદાનો આપ્યા છે. ભારતના સન્માન માટે કેટલી મોટી-મોટી લડાઈઓ લડી છે. દુર્ગાવતી, અવંતીબાઈને તો યાદ કરે છે, બિરસા મુંડાને યાદ કરીએ છીએ, કેટ-કેટલા લોકોએ બલિદાન આપ્યા છે.

મારું સપનું છે હિન્દુસ્તાનના દરેક રાજ્યમાં, જ્યાં-જ્યાં જનજાતિય સમુદાયના આપણા પૂર્વજોએ આઝાદીની લડાઈ લડી છે, તેમનુ દરેક રાજ્યમાં એક આધુનિક મ્યુઝીયમ બનાવવામાં આવે. શાળાના બાળકોને ત્યાં લઇ જવામાં આવે અને તેમને જણાવવામાં આવે કે આ આપણા જંગલોમાં રહેનારા આપણા જનજાતિય બંધુઓએ આપણા દેશની સંસ્કૃતિ અને ઈતિહાસની માટે કેટલા બલિદાન આપ્યા હતા અને આવનારા દિવસોમાં મધ્યપ્રદેશમાં પણ આ કામ થવાનું છે.

અને એટલા માટે મારા ભાઈઓ અને બહેનો આજે આપણે મંડલાની ધરતી પરથી માં દુર્ગાવતીનું સ્મરણ કરીને આદિ મેળો કરી રહ્યા છીએ, ત્યારે પંચાયત રાજના પણ આ મહત્વપૂર્ણ પર્વ પર આપણી પંચાયતી રાજનું સશક્તિકરણ થાય, આપણા લોકતંત્રના મૂળ મજબુત બને, આપણા પ્રતિનિધિ મા ભારતીના કલ્યાણ માટે, પોતાના ગામના કલ્યાણ માટે પોતાની જાતને ખપાવી દે. એ જ એક ભાવના સાથે હું આપ સૌને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભકામનાઓ આપુ છું. શ્રીમાન તોમરજી, રૂપાલાજી અને તેમના વિભાગના તમામ અધિકારીઓને હૃદયથી અભિનંદન પાઠવું છું. કારણ કે તેમણે દેશભરમાં ગ્રામ સ્વરાજ અભિયાન ચલાવ્યું છે.

આવનારી 30 એપ્રિલના રોજ આયુષ્માન ભારતનું લોક જાગરણ થવાનું છે. 2જી મે ના રોજ ખેડૂતો માટે કાર્યશાળાઓ યોજાવાની છે. ગ્રામ્ય જીવન સાથે જોડાયેલી વાતો થવાની છે. આપ સૌ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે તેમાં જોડાજો.

એ જ એક અપેક્ષા સાથે ખૂબ-ખૂબ શુભકામનાઓ, ખૂબ-ખૂબ આભાર!!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage