વિશાળ સંખ્યામાં પધારેલ માતાઓ, બહેનો, ભાઈઓ અને નવયુવાન મિત્રો.
આજે 8 માર્ચ, સમગ્ર વિશ્વ 100 વર્ષથી પણ વધુ સમયથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રૂપમાં આની સાથે જોડાયેલ છે. પરંતુ આજે સમગ્ર હિન્દુસ્તાન ઝુંઝનૂં સાથે જોડાઈ ગયું છે. દેશના દરેક ખૂણામાં ટેકનોલોજીની મદદથી આ ઝુંઝનૂંનું ભવ્ય દ્રશ્ય સમગ્ર દેશના ખૂણે ખૂણામાં પહોંચી રહ્યું છે.
હું ઝુંઝનૂં એમ જ નથી આવ્યો; સમજી વિચારીને આવ્યો છું; અને આવ્યો શું, તમે તો મને ખેંચી લીધો છે. તમે મને આવવા માટે મજબૂર કરી દીધો છે. અને મજબૂરી એ વાતની હતી કે તમે બેટી બચાવો બેટી પઢાઓ – આ અભિયાનને આ જિલ્લાએ જે શાનદાર રીતે આગળ વધાર્યું છે, અહીંના દરેક પરિવારે એક ઘણું મોટું ઉમદા કામ કર્યું છે, તો સ્વાભાવિક રીતે જ મારું મન થઇ ગયું કે ચાલો ઝુંઝનૂંની માટીને માથા ઉપર લગાવીને આવી જઈએ.
હમણાં વસુંધરાજી વર્ણન કરી રહ્યા હતા કે કઈ રીતે આ વીરોની ભૂમિ છે, આ ભૂમિની શું તાકાત રહી છે, અને એટલા માટે ભલે તે સમાજ સેવાનું કામ હોય કે પછી શિક્ષણનું કામ હોય, ભલે તે દાન પુણ્યનું કામ હોય કે પછી દેશની માટે મરી મીટવાની વાત હોય, આ જિલ્લાએ સિદ્ધ કરી બતાવ્યું છે – યુદ્ધ હોય કે દુકાળ હોય, ઝુંઝનૂં ઝૂકવાનું નથી જાણતો, ઝુંઝનૂં ઝઝૂમવાનું જાણે છે. અને એટલા માટે ઝુંઝનૂંની ધરતીમાંથી આજે જે કાર્યને આગળ વધારવામાં આવી રહ્યું છે, દેશને ઝુંઝનૂંમાંથી પણ પ્રેરણા મળશે, દેશને અહીંથી પણ એક નવી તાકાત મળશે.
બેટી બચાવો, બેટી ભણાવો- જો સફળતા મળે છે તો મનને એક સંતોષ થાય છે, લાગે છે કે ચાલો ભાઈ કંઈક પરિસ્થિતિમાં સુધાર થયો છે. પરંતુ ક્યારેક ક્યારેક મનને બહુ પીડા થાય છે. પીડા એ વાતની થાય છે કે જે દેશની મહાન સંસ્કૃતિ, જે દેશની મહાન પરંપરાઓ, શાસ્ત્રોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાતો, વેદથી લઈને વિવેકાનંદ સુધી- સાચી દિશામાં પ્રબોધન, પરંતુ શું કારણ છે, તે કંઈ બદી ઘર કરી ગઈ છે કે આજે આપણે આપણા જ ઘરમાં દીકરીઓને બચાવવા માટે હાથ પગ જોડવા પડી રહ્યા છે, સમજાવવા પડી રહ્યા છે, તેની માટે બજેટમાંથી ધન ખર્ચ કરવું પડી રહ્યું છે.
હું સમજુ છું કે કોઈપણ સમાજ માટે આનાથી મોટી કોઈ પીડા ના હોઈ શકે. અને અનેક દાયકાઓથી એક વિકૃત માનસિકતાના કારણે, એક ખોટી વિચારધારાના કારણે, સામાજિક બદીઓના કારણે આપણે દીકરીઓને જ બલી ચડાવવાનો રસ્તો પસંદ કરી લીધો. જ્યારે આ બધું સંભાળીએ છીએ કે હજાર દીકરાઓની સામે ક્યાંક 800 દીકરીઓ છે, 850 દીકરીઓ છે, ક્યાંક 900 દીકરીઓ છે- આ સમાજની શું દુર્દશા હશે, કલ્પના કરી શકો છો. સ્ત્રી અને પુરુષની સમાનતા વડે જ આ સમાજનું ચક્ર ચાલે છે, સમાજની ગતિવિધિ વધે છે.
કેટલાય દાયકાઓથી દીકરીઓને નકારતા આવ્યા છીએ, નકારતા આવ્યા છીએ, મારતા રહ્યા. તેનું જ પરિણામ છે કે સમાજમાં એક અસંતુલન ઉભું થયું છે. હું જાણું છું કે એકાદ પેઢીમાં આ સુધારો નથી થતો હોતો. ચાર-ચાર-પાંચ પાંચ પેઢીઓની બદીઓ આજે એકઠી થયેલી છે. જુનું જે નુકસાન છે, તે નુકસાન દુર કરવામાં સમય તો લાગશે, તે દરેક વ્યક્તિ સમજે છે. પરંતુ હવે તો આપણે નક્કી કરીએ કે જેટલા દીકરાઓ પેદા થશે તેટલી જ દીકરીઓ પણ પેદા થશે. જેટલા દીકરાઓ ઉછરશે તેટલી જ દીકરીઓ પણ ઉછરશે. દીકરો-દીકરી બંને એકસમાન, આ ભાવને લઈને આપણે જો આગળ ચાલીશું તો ચાર પાંચ છ પેઢીમાં જે ખરાબ થયું છે, તે કદાચ આપણે બે કે ત્રણ પેઢીમાં સરખું કરી શકીએ છીએ. પરંતુ તેની પહેલી શરત છે કે – અત્યારે જે બાળકો જન્મ લેશે, તેમાં કોઈ અસંતુલન ના હોવું જોઈએ.
અને મારી માટે ખુશીની વાત એ છે કે આજે જે જીલ્લાઓને સન્માનિત કરવાનો અવસર મળ્યો છે, તે પહેલા દસ જીલ્લાઓએ આ કામને ખુબ સારી રીતે નિભાવ્યું છે. આ જે નવા જન્મ લેનારા બાળકો છે, તેમાં તેઓ દીકરાઓની સરખામણીએ દીકરીઓને બરાબર સમાન સંખ્યામાં લાવવામાં સફળ થયા છે. આજે જેમનું સન્માન કરવાનો અવસર મળ્યો તે જીલ્લાઓને, તે રાજ્યને, તે ટીમને હું અભિનંદન આપું છું. તેમણે આ પવિત્ર કાર્યને પોતાના ખભે લીધું છે.
અને હું બીજા પણ દેશના તમામ અધિકારીઓને, સરકારના અમારા તમામ સાથીઓને, હું રાજ્ય સરકારોને પણ અનુરોધ કરીશ કે આને જન આંદોલન બનાવવું પડશે. જ્યાં સુધી એક એક પરિવાર જોડાતો નથી અને જ્યાં સુધી સાસુ તેનું નેતૃત્વ સંભાળતી નથી, ત્યાં સુધી આ કામને સમય વધારે લાગશે. પરંતુ જો સાસુ આને સંભાળી લેશે કે દીકરી જોઈએ અને એકવાર સ્પષ્ટ કહી દે કે ઘરમાં દીકરી જોઈએ, તો કોઈની પણ તાકાત નથી કે તે દીકરી સાથે કોઈ અન્યાય કરી શકે. અને એટલા માટે આપણે એક સામાજિક આંદોલન ઉભું કરવું પડશે, આપણે જન આંદોલન ઉભું કરવું પડશે.
ભારત સરકારે બે વર્ષ પહેલા હરિયાણા- કે જ્યાં લિંગ અનુપાત ઘણો ચિંતાજનક હતો, તે પડકારને સ્વીકાર કરીને હરિયાણામાં કાર્યક્રમ કર્યો હતો. હરિયાણાની ધરતી ઉપર જઈને આ વાત કહેવી ઘણી અઘરી હતી. મારા અધિકારીઓએ મને સલાહ આપી કે સાહેબ ત્યાં તો હાલત એટલી ખરાબ થઇ ચુકી છે કે ત્યાં જઈશું તો વળી પાછું કંઈક નવું જ ખોટું થઇ જશે. મેં કહ્યું કે જ્યાં સૌથી વધુ તકલીફ છે ત્યાંથી જ શરૂઆત કરીશ. અને આજે હું હરિયાણાને અભિનંદન આપું છું કે તેમણે ગયા બે વર્ષમાં પરિસ્થિતિઓમાં એટલી ઝડપથી સુધારો કર્યો છે.
જન્મ સમયે દીકરીઓની સંખ્યામાં જે વધારો થયો છે તે પોતાનામાં જ એક નવો વિશ્વાસ, એક નવી આશા ઉત્પન્ન કરે છે. અને આ જે પાછલા બે વર્ષનો અનુભવ છે, તેમાં જે સફળતા મળી છે, તેને ધ્યાનમાં રાખીને આજે 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભારત સરકારે હવે તે યોજના 160-161 જીલ્લાઓ સુધી જ નહી, પરંતુ હિન્દુસ્તાનના બધા જ જીલ્લાઓની સાથે હવે આ યોજનાને લાગુ કરવામાં આવી રહી છે. તેની માટે ત્યાં સ્થિતિ સારી પણ હશે, વધુ સારી કઈ રીતે થાય, તેના માટે પણ કામ કરવામાં આવશે. આપણે આપણી જાતને પૂછવું પડશે. આ જે જૂની વિચારધારા રહી છે કે દીકરીઓ ક્યારેક ક્યારેક લાગે છે કે બોજ હોય છે. આજે અનુભવ કહે છે, દરેક ઘટનાઓ કહે છે, દીકરીઓ બોજ નથી, દીકરીઓ જ તો સમગ્ર પરિવારની આન બાન શાન છે.
હિન્દુસ્તાનમાં જુઓ તમે જ્યારે સેટેલાઈટ, આકાશમાં આપણે જઈએ છીએ, સાંભળીએ છીએ કે આજે સેટેલાઈટ ગયું, મંગળયાન ગયું, ઢીંકણું થયું અને જ્યારે જોઈએ છીએ તો ખબર પડે છે કે મારા દેશની ત્રણ મહિલા વૈજ્ઞાનિકોએ અવકાશ ટેકનોલોજીમાં એટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ત્યારે ખબર પડે છે કે દીકરીઓની તાકાત શું હોય છે. ઓલિમ્પિકમાં જ્યારે સુવર્ણ ચંદ્રક લઈને કોઈ આવે છે, ચંદ્રકો લઈને આવે છે અને ખબર પડે છે કે લાવનારી દીકરીઓ છે તો સમગ્ર દેશની છાતી ગર્વથી ફૂલી જાય છે કે અમારી દીકરીઓ દુનિયામાં નામ રોશન કરી રહી છે.
અને જે લોકો એવું માને છે કે દીકરો હશે તો વૃદ્ધાવસ્થામાં કામ આવશે, સ્થિતિ કંઈક જુદી જ છે. મેં એવા પરિવારો જોયા છે જ્યાં ઘરડા મા-બાપ હોય, ચાર-ચાર દીકરાઓ હોય, દીકરાઓને પોતાના બંગલા હોય, ગાડીઓની ભરમાર હોય, પરંતુ બાપ અને મા અનાથાશ્રમમાં ઘડપણ વિતાવતા હોય છે, એવા પરિવારો પણ અમે જોયા છે, અને એવા પણ પરિવારો અમે જોયા છે કે ઘરડા મા-બાપની એકમાત્ર દીકરી, મા-બાપને ઘડપણમાં તકલીફ ના થાય એટલા માટે રોજગાર કરે છે, ધંધો રોજગાર કરે છે, નોકરીએ જાય છે, મહેનત કરે છે, લગ્ન પણ નથી કરતી, જેથી કરીને ઘડપણમાં મા-બાપને તકલીફ ના પડે અને મા-બાપની માટે પોતાની જિંદગી ન્યોછાવર કરી દેતી હોય છે.
અને એટલા માટે સમાજમાં આ જે વિચારધારા બની ગઈ છે, આ જે વિકૃતિ ઘર કરી ગઈ છે, તે વિકૃતિમાંથી આપણે બહાર આવવાનું છે. અને આને એક સામાજિક આંદોલન, તે આપણા સૌની જવાબદારી છે. સફળતા નિષ્ફળતાને કોઈ સરકારને દોષ આપી દે, તે બરાબર છે, તેવું કામ કરનારા લોકો ભલે કરતા રહે, પરંતુ આની સફળતાનો આધાર, દરેક પરિવારનો સંકલ્પ જ સફળતાનું કારણ બની શકે છે અને એટલા માટે જ્યાં સુધી દીકરો દીકરી એક સમાન, દીકરી માટે ગર્વનો ભાવ, એ આપણી અંદર નહી આવે, ત્યાં સુધી માના ખોળામાં જ દીકરીઓને મારી નાખવામાં આવતી રહેશે.
18મી શતાબ્દીમાં દીકરીઓને દૂધ પીતી કરવાની પરંપરા હતી. એક મોટા વાસણમાં દૂધ ભરીને દીકરીને ડુબાડી દેવામાં આવતી હતી. પરંતુ ક્યારેક ક્યારેક મને લાગે છે આપણે 21મી સદીમાં રહેતા હોવા છતાં પણ તે 18મી શતાબ્દીના લોકો કરતા પણ ક્યારેક ક્યારેક વધારે ક્રૂર લાગીએ છીએ. કારણ કે 18મી શતાબ્દીમાં ઓછામાં ઓછું તે દીકરીને જન્મ આપવાનો હક તો રહેતો હતો, તેને પોતાની માનો ચહેરો જોવાનું સૌભાગ્ય તો મળતું હતું, આ પૃથ્વી ઉપર તેને થોડીક ક્ષણો માટે જ કેમ ના હોય પરંતુ શ્વાસ લેવાનો અવસર તો મળતો હતો અને પછીથી તે મહાપાપ કરી દઈને સમાજની સૌથી મોટી બદીવાળું કામ કરી નાખવામાં આવતું હતું.
પરંતુ આજે, આજે તો તેના કરતા પણ વધારે ખરાબ કરે છે કે માના પેટમાં જ, ના તો માએ દીકરીનું મોઢું જોયું છે અને ના તો દીકરીએ માનું મોઢું જોયું છે – આધુનિક વિજ્ઞાનની મદદથી માના પેટમાં જ બાળકીને મારી નાખવામાં આવે છે. હું સમજુ છું કે આનાથી મોટું ખરાબ પાપ કોઈ નહી હોય. જ્યાં સુધી આપણે માનીશું નહી કે દીકરીઓ આપણી આન બાન શાન છે, ત્યાં સુધી આ ખરાબીઓ મગજમાંથી નીકળશે પણ નહી.
આજે મને અહિયાં જેમના પરિવારોમાં દીકરીઓ જન્મી છે, તે માતાઓને તે બાળકીઓને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમના ચહેરા ઉપર એટલી ખુશી હતી. મેં તેમને પૂછ્યું કે શું તમને ખબર છે, તમને કોઈએ જણાવ્યું હતું કે આજે જ્યારે જન્મી હતી ત્યારે મીઠાઈઓ વેચવામાં આવી હતી? તેમણે કહ્યું કે તે તો ખબર નથી પરંતુ અમે દીકરી જન્મી તો આખા મહોલ્લામાં મીઠાઈ વેચી હતી અને એક ઉત્સવ ઉજવ્યો હતો.
આપણે આ સ્થિતિ બદલવાની છે અને તેને બદલવાની દિશામાં અનેક મહત્વપૂર્ણ કામ જે સરકાર દ્વારા થઇ રહ્યા છે તેના અંતર્ગત આજે આ યોજનાને સમગ્ર દેશમાં અમે વિસ્તૃત કરી રહ્યા છીએ.
બીજું- આજે એક કાર્યક્રમનો પ્રારંભ થઇ રહ્યો છે- પોષણ મિશનનો, રાષ્ટ્રીય પોષણ મિશન. હવે કોઈને પણ પ્રધાનમંત્રીને ગાળ આપવી છે, પ્રધાનમંત્રીની ટીકા કરવી છે, પ્રધાનમંત્રીની નિંદા કરવી છે તો મારી તેમને પ્રાર્થના છે કે જેટલી વાર તમે પીએમની નિંદા કરો, પીએમની ટીકા કરો, સારું કહો, ખરાબ કહો, સારું કરો કે ના કરો, પરંતુ જ્યારે પણ તમે પીએમ બોલો, મનમાં પીએમ આવે તો તમને નરેન્દ્ર મોદી ના દેખાવો જોઈએ, તમને પીએમ સાંભળતા જ પોષણ મિશન દેખાવું જોઈએ. જુઓ કઈ રીતે એકદમથી જ ઘર ઘરમાં ફેલાઈ જશે.
આજે આપણે ત્યાં દીકરો હોય કે દીકરી- તેના શરીરનો જે વિકાસ થવો જોઈએ, તે અટકી જાય છે. ક્યારેક જન્મના સમયે જ ખુબ ઓછા વજનવાળું બાળક જન્મ લે છે અને તેમાં પણ અજ્ઞાનતા બહુ મોટો ભાગ ભજવે છે. આપણે આ સમસ્યામાંથી બહાર આવવાનું છે. અને તેમ છતાં હું કહું છું કે આ માત્ર સરકારી બજેટથી થનારું કામ નથી. આ ત્યારે થાય છે જ્યારે જન આંદોલન બને છે. લોકોને શિક્ષિત કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે, તેના મહત્વ તરફ જોવામાં આવે છે.
કુપોષણની વિરુદ્ધ પહેલા કામ નથી થયા એવું નથી. દરેક સરકારમાં કોઈ ને કોઈ યોજનાઓ બની જ છે. પરંતુ જોવામાં એવું આવ્યું છે કે મોટાભાગે આપણને લોકોને લાગે છે કે જેટલી કેલરી જોઈએ તેટલું જો તેના પેટમાં જશે તો પછી કુપોષણમાંથી મુક્તિ મળી જશે. પરંતુ અનુભવ કહે છે કે માત્ર ભોજન બરાબર થઇ જાય તેનાથી જ સમસ્યાનું સમાધાન નહી થઇ જાય. આ સમગ્ર ઇકો સીસ્ટમને વ્યવસ્થિત કરવી પડે છે. ભોજન સારું મળી પણ જાય પરંતુ જો ત્યાં પાણી ખરાબ છે, ગમે તેટલું ખાતા જાવ- તે કુપોષણની સ્થિતિમાં ફરક નથી આવતો.
ઘણા ઓછા લોકોને જાણ હશે બાળ-વિવાહ- ચાઈલ્ડ મેરેજ- તે પણ કુપોષિત બાળકો માટેનું એક બહુ મોટું કારણ સામે આવ્યું છે. નાની ઉંમરમાં લગ્ન થઇ જવા, બાળકો થઇ જવા, ના તો માના શરીરનો વિકાસ થયો છે, ના તો આવનારા બાળકના શરીર ઉપર કોઈ ભરોસો કરી શકે છે. અને એટલા માટે બધા- જીવન સાથે જોડાયેલા જેટલા પણ પાસાઓ છે- જો બીમાર છે તો સમય પર દવાઓ, જન્મની તરત જ પછી માનું દૂધ પીવાનું સૌભાગ્ય, નહિતર આપણે ત્યાં તો આખી એવી માન્યતા રહેલી છે, જુના લોકો તો કહે છે- ના ના, જન્મતાની સાથે તરત જ માનું દૂધ ના પીવડાવો, એ ખોટું છે, સાચું કહું તો એ જ ભૂલ છે. જન્મ પછી તરત જ જો માનું દૂધ બાળકને મળે છે તો પોષણના સમયે મોટા થવાના સમયે મુસીબતો ઓછામાં ઓછી આવે છે. માના દૂધની આ તાકાત હોય છે, પરંતુ આપણે તેને પણ નકારી દઈએ છીએ.
એટલા માટે માને તેના પૂર્ણ રૂપે, જ્યારે તેને સ્વીકાર કરીએ છીએ, તેની પૂજા કરીએ છીએ, તેના મહાત્મ્યને સમજીએ છીએ, તો મા જો તેની આપણે રખેવાળી કરીશું તો તેના ખોળામાંથી જન્મ લેનાર બાળકો પણ કુપોષણથી મુક્ત રહેશે.
પોષણની ચિંતા કરવી એક કામ છે. ક્યારેક ક્યારેક સરકાર દ્વારા રસીકરણના અનેક કાર્યક્રમ ચાલતા હોય છે. પરંતુ આપણે તે આરોગ્ય કેન્દ્રની જેટલી સેવાઓ છે- ઉપલબ્ધ છે, બજેટ છે, અધિકારીઓ છે, લોકો છે- પરંતુ આપણે ત્યાં સુધી જતા જ નથી. અને તેનું જ પરિણામ છે કે તે કોઈ ને કોઈ બીમારીનો શિકાર બની જાય છે.
તમે હમણાં જે ફિલ્મ બતાવી- તેમાં કહેવામાં આવ્યું કે માત્ર હાથ ધોયા વિના ખાવાથી, એક અનુમાન છે કે જે બાળકો મરે છે- તેમાં હાથ ના ધોઈને ખાવાની આદત, શરીરમાં જે બીમારીઓ આવે છે, તેનાથી મરનારા લોકોમાંથી 30-40 ટકા હોય છે. હવે એ આદત કોણ પડાવશે કે બાળકોને મા ખવડાવે છે તો માના પણ હાથ ધોયેલા હોવા જોઈએ અને બાળક જાતે મોઢામાં કઈ નાખે છે તો તેના પણ હાથ ધોયેલા હોવા જોઈએ, એવું કોણ શીખવાડશે?
તે કામ આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે, આપણા બાળકોની જિંદગી સુધારવા માટે, આ આપણા સૌની જવાબદારી છે. અને તેના જ અંતર્ગત આ યોજનાને એક મિશન મોડમાં અને વિખેરાયેલી બધી જ યોજનાઓને એક સાથે જોડીને- પછી તે પાણીની સમસ્યા હોય કે દવાઓની સમસ્યા હોય, કે પછી પરંપરાની મુશ્કેલીઓ હોય. હવે બાળકો છે, આપણે જોયું હશે કે જેઓ શાળામાં જાય છે- એક ઉંમર પછી બાળકના મનમાં લઘુતાગ્રંથિનો ભાવ ઉત્પન્ન થાય છે, કંઈ વાત માટે? જો તે શાળામાં પાંચ બાળકોની ઉંચાઈ વધારે છે અને બાકીના ઠીંગણા કદના બાળકો છે, તો સૌને લાગે છે કે મારી ઉંચાઈ પણ આવી જોઈએ. પછી તે ઝાડ ઉપર ક્યાંક આમ તેમ લટકીને વિચારે છે કે મારી ઉંચાઈ વધી- તમારામાંથી ઘણા લોકોએ આ પ્રયોગ કર્યો હશે. દરેકને લાગે છે કે યાર મારી ઉંચાઈ વધવી જોઈએ. પરંતુ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિએ આ બાબતો ઉપર કામ નથી કરતા.
આજે આપણા દેશમાં ઉંમરના આધારે ઉંચાઈ હોવી જોઈએ, તેમાં ખાસ્સી કમી જોવા મળે છે. આપણા બાળકો તંદુરસ્ત હોય, વજન હોય, ઉંચાઈ હોય, આ બધા જ વિષયો ઉપર ધ્યાન આપીને એક સમગ્રતયા પહોંચ સાથે 2022, જ્યારે આપણી આઝાદીના 75 વર્ષ થશે, ત્યારે દેશમાં પોષણના ક્ષેત્રમાં આપણે ગર્વની સાથે કહી શકીએ દુનિયાની સામે કે અમે પ્રાપ્ત કરી લીધું છે અને આપણે આપણા બાળકોને જોઈએ, તેમને જોતાની સાથે જ આપણો આખો દિવસ એટલો સુંદર વીતી જાય, એવી રીતે હસતા રમતા બાળકો દરેક ક્ષણે જોવા મળે, જ્યાં પણ જઈએ ત્યાં જોવા મળે, એવી સ્થિતિ આપણે નિર્માણ કરવાની છે.
અંદાજે 9 હજાર કરોડ રૂપિયાની કિંમતે આ યોજનાને આગળ વધારવામાં આવશે. અને નિશ્ચિત ધોરણો સાથે આશા કાર્યકરો હોય, ગ્રામ્ય સ્તરના સ્વયંસેવકો હોય, તેમની પાસે ટેકનોલોજીની મદદ રહેશે, નિયમિત રૂપે તેઓ પોતાની માહિતી એકત્રિત કરશે. તેમાં કોઈ ઉતાર ચડાવ આવે છે તો તરત જ ઉપરથી દખલગીરી કરવામાં આવશે. સમસ્યાનું સમાધાન કઈ રીતે થાય- આ બધી વાતોની તરફ જોવામાં આવશે. ક્યારેક આઠ મહિના સુધી બાળકનો વિકાસ સારી રીતે થઇ રહ્યો છે, વજન બરાબર ચાલી રહ્યું છે, વરસાદની ઋતુ આવી ગઈ છે- અચાનક બીમારીઓની હારમાળા શરુ થઇ ગઈ. એકદમથી સેંકડો બાળકોની હાલત ખરાબ થઇ જાય છે, તમારી આઠ મહિનાની મહેનત એક જ મહિનામાં નીચે આવી જાય છે. તો તે એક ઘણું પડકારજનક કામ હોય છે પરંતુ આ પડકારજનક કામને પણ આપણે પૂરું કરવાનું છે. અને મને વિશ્વાસ છે કે આપણે લોકોએ જે સંકલ્પ કર્યો છે તે સંકલ્પ દ્વારા જ તે પૂરું થશે.
મિશન ઇન્દ્રધનુષ દ્વારા રસીકરણના કામમાં ઝડપ આવી છે અને અમારો પ્રયત્ન છે કે વર્ષના અંત સુધીમાં 90 ટકા રસીકરણના કામને આપણે પ્રાપ્ત કરી લઈએ.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત 6000 રૂપિયાની આર્થિક મદદ તે માતાઓને આપીને તેમની સગર્ભાવસ્થાના સમયે તેમની ચિંતા કરવામાં આવે, તેની માટે પણ સરકારે અને લગભગ 23 લાખ મહિલાઓ સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈને…જે લોકો ત્યાં છે, નીચેના જે ડંડાઓ છે તેમને પકડી લે, વંટોળ જરા તોફાની છે, દરેક વ્યક્તિ તેને પકડી લે.
તે જ રીતે ઘરમાં લાકડાનો ચૂલો સળગાવીને ઘરમાં મા એક દિવસમાં 400 સિગારેટોનો ધુમાડો પોતાના ફેફસામાં લઈ લેતી હતી. અમે તેનાથી મુક્તિ અપાવવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મફતમાં ગેસના જોડાણો પહોંચાડવાનું કામ શરુ કર્યું છે. અને મફતમાં ગેસના જોડાણો પહોંચાડવાના કારણે આજે લગભગ લગભગ સાડા ત્રણ કરોડ પરિવારોને તેનાથી મુક્ત કરાવવાનું કામ કર્યું છે. આવનારા દિવસોમાં પણ વિકાસની આ યાત્રાને આગળ વધારતા જઈને, આજે જે યોજનાઓનો પ્રારંભ થયો છે તેને વધુ ઝડપી ગતિએ આગળ વધારતા જઈને આપણે આપણા દેશને તંદુરસ્ત બનાવવાનો છે. આપણા બાળકો જો સશક્ત થઇ ગયા હશે તો દેશનું ભવિષ્ય પણ સશક્ત બની જશે.
એ જ સંકલ્પની સાથે આપ સૌ આ જન આંદોલન સાથે જોડાવ. હું દેશવાસીઓને આહ્વાન કરું છું. આ માનવતાનું કામ છે, તે આવનારી પેઢીનું કામ છે, તે ભારતના ભવિષ્યનું કામ છે, આપ સૌ અમારી સાથે જોડાવ.
સંપૂર્ણ તાકાત લગાવીને મારી સાથે બોલો-
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ખુબ ખુબ આભાર!