સબી બેન ભઈ પાંવણા, ઓરએં મ્હારો રામ રામ જી.
વિશાળ સંખ્યામાં પધારેલા રાજગઢ ક્ષેત્રના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
જૂન મહિનાની આ ભયાનક ગરમીમાં આપ સૌનું આટલી મોટી સંખ્યામાં અહિયાં આવવું મારા માટે, અમારા સૌ સાથીઓ માટે, એક ખૂબ મોટો આશીર્વાદ છે. તમારા આ સ્નેહની આગળ હું માથું નમાવીને નમન કરું છું. તમારી આ જ ઊર્જા, આ જ આશીર્વાદ, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને તમારી સેવા કરવા માટે નિત્ય નુતન પ્રેરણા આપતા રહે છે.
એ મારું સૌભાગ્ય છે કે મને આજે 4 હજાર કરોડ રૂપિયાની મોહનપુરા સિંચાઈ પરિયોજનાના લોકાર્પણની સાથે સાથે પાણીની ત્રણ મોટી પરિયોજનાઓની શરૂઆત કરવાનો પણ અવસર મળ્યો છે. આ સિંચાઈ પરિયોજનાઓ સાથે જોડાયેલ દરેક વ્યક્તિને, પોતાના માથા પર ઈંટ ઉપાડનારા મહાનુભવોને, તગારા ઉઠાવનારી માતાઓ, બહેનો, ભાઈઓને, પાવડા ચલાવનારાઓને, નાના નાના મશીનોથી લઈને મોટા મોટા યંત્રો ચલાવનારાઓને હું આ સફળતા માટે પ્રણામ કરું છું, તેમને હું અભિનંદન આપું છું.
ગરમી હોય કે વરસાદ, રાષ્ટ્ર નિર્માણના જે પુણ્યકાર્યમાં તેઓ જોડાયેલા છે, તે અતુલનીય છે. મારા વ્હાલા ભાઈઓ બહેનો, બટન દબાવીને લોકાર્પણ કરવું એ માત્ર એક ઔપચારિકતા છે, પરંતુ આ પરિયોજનાઓનું વાસ્તવિક લોકાર્પણ તો તમારા પરસેવાથી થયું છે, તમારા શ્રમથી થયું છે. તમારા પરસેવાની સુગંધથી તે મહેકી ઉઠ્યું છે.
તમારા જેવા કરોડૉ લોકોના આ જ શ્રમ વડે, આ જ આશીર્વાદના લીધે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સફળતાપૂર્વક જનસેવા કરતા કરતા, એક પછી એક જનકલ્યાણના નિર્ણયો લેતા લેતા ચાર વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. આટલી મોટી સંખ્યામાં તમારું આગમન એ જ વાતની સાબિતી આપી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર, તેની નીતિઓ પર તમને કેટલો વિશ્વાસ છે. જે લોકો દેશમાં ભ્રમ ફેલાવવામાં લાગેલા છે, જુઠ્ઠું બોલવામાં લાગેલા છે, નિરાશા ફેલાવવામાં વ્યસ્ત છે, તેઓ જમીન પરની સચ્ચાઈઓથી કઈ રીતે કપાઈ ગયેલા છે, આપ સૌ તેની સાક્ષાત તસવીર છો.
તે પણ એક ઘણો મોટો સંયોગ છે કે આજે 23 જૂન, દેશના મહાન સપૂત ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ છે. 23 જૂનના રોજ કાશ્મીરમાં તેમનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. આજના આ અવસર પર હું ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું પુણ્ય સ્મરણ કરું છું, તેમને નમન કરું છું અને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
ભાઈઓ અને બહેનો, ડૉક્ટર મુખર્જી કહેતા હતા કે – ‘કોઇપણ રાષ્ટ્ર માત્ર પોતાની ઊર્જા વડે જ સુરક્ષિત રહી શકે છે.’ તેમનો ભરોસો દેશના સાધનો પર, સંસાધનો પર, દેશના પ્રતિભાશાળી લોકો પરહતો.
સ્વતંત્રતા પછી દેશને હતાશામાંથી, નિરાશામાંથી કાઢવા માટેનું તેમનું દ્રષ્ટિબિંદુ આજે પણ કરોડૉ લોકોને પ્રેરણા આપી રહ્યું છે. દેશના પહેલા ઉદ્યોગ અને આપૂર્તિ મંત્રી તરીકે તેમણે દેશની સૌપ્રથમ ઔદ્યોગિક નિતી બનાવી હતી. તેઓ કહેતા હતા-
“જો સરકાર દેશના શિક્ષણ સંસ્થાન અને ઔદ્યોગિક સંગઠન સાથે મળીને ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે, તો દેશ ખૂબ ઝડપથી આર્થિક રીતે પણ સ્વતંત્ર થઇ જશે.”
શિક્ષણ સાથે જોડાયેલ ક્ષેત્ર માટે, મહિલા સશક્તિકરણ માટે, દેશની પરમાણું નીતિને દિશા આપવા માટે તેમણે જે કાર્ય કર્યું છે, જે વિચારો રજુ કર્યા છે તે એ વખતના સમય કરતા પણ ઘણા આગળના હતા. દેશના વિકાસમાં જનભાગીદારીનું મહત્વ સમજીને તેમણે જે રસ્તાઓ સૂચવ્યા તે આજે પણ એટલા જ મહત્વપૂર્ણ છે.
સાથીઓ, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કહેતા હતા કે ‘શાસનનું પહેલું કર્તવ્ય ધનહીન, ગૃહહીન જનતાની સેવા અને તેમના જીવન સ્તરને ઉપર ઉઠાવવાનું છે.’ એ જ કારણ છે કે દેશના ઉદ્યોગ મંત્રી બનતા પહેલા જ્યારે તેઓ બંગાળના નાણામંત્રી હતા, ત્યારે ઘણા વ્યાપક સ્તર પર તેમણે ભૂમિ સુધારણાનું કામ કર્યું હતું. તેમનું માનવું હતું કે પ્રશાસન અંગ્રેજોની જેમ રાજ્ય કરવા માટે નહી પરંતુ નાગરિકોના સપનાઓને પુરા કરવા માટે હોવું જોઈએ.
ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ સૌથી વધુ મહત્વ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાને આપ્યું હતું. તેઓ કહેતા હતા કે “સરકારે પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી, તેની માટે વ્યાપક સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, યુવાનોમાં છુપાયેલ પ્રતિભાને બહાર કાઢવા માટે યોગ્ય માહોલ બનાવવો જોઈએ. જેથી કરીને આપણા યુવાનો, પોતાના ગામ, પોતાના નગરની સેવા કરવા માટે સમર્થ બની શકે.” ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું જીવન વિદ્યા, વિત્ત અને વિકાસ; વિદ્યા, વિત્ત અને વિકાસ- આ ત્રણ મૂળભૂત ચિંતન સાથે જોડાયેલ પ્રવાહોનું સંગમ હતું.
એ આપણા દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે એક પરિવારનું મહિમાગાન કરવા માટે દેશના અનેક સપૂતોને અને તેમના યોગદાનને જાણીજોઈને નાનું કરી દેવામાં આવ્યું, ભુલાવી દેવા માટેના ભરપુર પ્રયાસો કરવામાં આવ્યા.
સાથીઓ, આજે કેન્દ્ર હોય કે પછી દેશના કોઇપણ રાજ્યમાં ચાલનાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ડૉક્ટર મુખર્જીના દ્રષ્ટિકોણથી ભિન્ન નથી. ભલે તે યુવાનો માટે સ્કીલ ઇન્ડિયા મિશન હોય, સ્ટાર્ટ અપ યોજના હોય, સ્વરોજગાર માટે બેંક ગેરંટી વિના ધિરાણ આપવાની સુવિધા આપનારી મુદ્રા યોજના હોય કે પછી મેક ઇન ઇન્ડિયા હોય, તેમાં તમને ડૉક્ટર મુખર્જીના વિચારોની ઝલક જોવા મળશે.
તમારો આ રાજગઢ જીલ્લો પણ હવે આ જ દ્રષ્ટિકોણ સાથેપછાત હોવાની પોતાની ઓળખને છોડવા જઈ રહ્યો છે. સરકારે તેને આકાંક્ષી જિલ્લા કે મહત્વાકાંક્ષી જિલ્લાના રૂપમાં વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. તમારા જિલ્લામાં હવે સ્વાસ્થ્ય, શિક્ષણ, સફાઈ, પોષણ, જળ સંરક્ષણ, કૃષિ વગેરે જેવા વિષયો ઉપર હજુ વધારે ઝડપથી કામ કરવામાં આવશે.
આ જિલ્લાના ગામડાઓમાં હવે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જરૂરી સુવિધાઓને પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સરકાર હવે એ સુનિશ્ચિત કરી રહી છે કે આવનારા સમયમાં આ જિલ્લાઓના દરેક ગામમાં, સૌની પાસે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના જોડાણો હોય, સૌભાગ્ય યોજના અંતર્ગત દરેક ઘરમાં વીજળીનું જોડાણ હોય, જનધન યોજના હેઠળ સૌની પાસે બેંક ખાતા હોય, સૌને સુરક્ષા વીમાનું કવચ મળેલું હોય, ઇન્દ્રધનુષ યોજના અંતર્ગત દરેક ગર્ભવતી મહિલા અને બાળકનું રસીકરણ થયું હોય.
સાથીઓ, આ કાર્ય પહેલા પણ થઈ શકતા હતા, અગાઉની સરકારોને કોઈએ રોકી નહોતી. પરંતુ આ કમનસીબી છે એ દેશ ઉપર લાંબા સમય સુધી જે દળે શાસન કર્યું, તેમણે તમારા લોકો પર, તમારી મહેનત પર ભરોસો નથી કર્યો. તેણે ક્યારેય દેશના સામર્થ્ય પર ભરોસો નથી કર્યો.
તમે મને કહો, છેલ્લા ચાર વર્ષોમાં ભારત સરકારે ક્યારેય નિરાશાની વાત કરી છે? હતાશાની વાત કરી છે? અમે શું કરીએ, આ થઇ શકે છે, નથી થઇ શકતું. અમે દર વખતે સંકલ્પ કરીને સારું કરવા માટે પગલાઓ લીધા છે, મન લગાવીને પ્રયાસો કર્યા છે.
અને એટલા માટે ભાઈઓ, બહેનો આપણે હંમેશા એક આશા અને વિશ્વાસની સાથે આગળ વધનારા લોકો છીએ. સાથીઓ, અમારી સરકાર દેશની જરૂરિયાતોને સમજીને, દેશના સંસાધનો પર ભરોસો કરીને, દેશને 21મી સદીમાં નવી ઉંચાઈ પર પહોંચાડવા માટે વચનબદ્ધ છે અને પ્રયત્નશીલ છે.
વીતેલા ચાર વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા અને વીતેલા 13 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની મધ્ય પ્રદેશ સરકારે ગરીબો, પછાતો, શોષિતો, વંચિતો, ખેડૂતોને સશક્ત બનાવવાનું કામ કર્યું છે. છેલ્લા 5 વર્ષોમાં મધ્ય પ્રદેશમાં કૃષિ વિકાસ દર વાર્ષિક સરેરાશ 18 ટકા રહ્યો છે. જે દેશમાં સૌથી વધુ છે. દેશમાં દાળના કુલ ઉત્પાદનની વાત હોય, તલના કુલ ઉત્પાદનની વાત હોય, ચણા કે સોયાબીન, ટામેટા, સરસીયા, આમળા, કોથમીર, તેના ઉત્પાદનમાં મધ્ય પ્રદેશ દેશમાં બીજા નંબર પર છે અને એક નંબરના દરવાજા પર ટકોર કરી રહ્યું છે.
શિવરાજજીના શાસનમાં મધ્ય પ્રદેશે વિકાસની નવી ગાથાઓ લખી છે. આજે અહિયાં મોહનપુરામાં સિંચાઈ પરિયોજનાઓનું લોકાર્પણ અને ત્રણ જળ પુરવઠા યોજનાઓ પર કામ શરુ થવું, એ આ જ શ્રુંખલાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પરિયોજના રાજગઢ જ નહી પરંતુ મધ્ય પ્રદેશની પણ મોટી પરિયોજનાઓમાંથી એક છે.
સાથીઓ, આ પ્રોજેક્ટથી સવા સાતસો ગામના ખેડૂત ભાઈઓ બહેનોને સીધો લાભ મળવાનો છે. આવનારા દિવસોમાં, આ ગામડાઓની સવા લાખ હેક્ટરથી વધુ જમીન પર માત્ર સિંચાઈની જ વ્યવસ્થા નહી હોય પરંતુ 400 ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યામાંથી પણ લોકોને મુક્તિ મળશે. અને 400 ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાથી મુક્તિ મળવી, તેનો અર્થ એ છે કે અહિયાંની લાખો માતાઓ બહેનોના આશીર્વાદ મળવા. પાણીની તંગીને માતાઓ બહેનો જેટલી સમજી શકે છે, તેટલું ભાગ્યે જ કોઈ સમજી શકતું હશે. એક રીતે આ માતાઓ બહેનોની ઉત્તમ સેવાનું કામ થયું છે.
આ પરિયોજના માત્ર ઝડપથી થઇ રહેલા વિકાસનું જ ઉદાહરણ છે એવું નથી પરંતુ સરકારની કામ કરવાની પદ્ધતિની પણ સાબિતી છે. લગભગ 4 વર્ષની અંદર આ પરિયોજનાને પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમાં સુક્ષ્મ સિચાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે, એટલે કે ખુલ્લી નહેરોને નહી પરંતુ પાઈપલાઈન પાથરીને ખેતર સુધી પાણી પહોંચાડવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
ભાઈઓ અને બહેનો, અહિયાં માળવામાં એક કહેવત છે- માલવ ધરતી ગગન ગંભીર, ડગ-ડગ રોટી, પગ-પગ નીર. આ કહેવત ખૂબ જૂની છે-
અર્થાત એક જમાનો હતો જ્યારે માળવાની ધરતીમાં ન તો ધન ધાન્યની ખોટ હતી અને ના તો પાણીની કોઈ તંગી હતી. ડગલે ને પગલે અહિયાં પાણી મળી રહેતું હતું. પરંતુ પહેલાની સરકારોએ જે રીતે કામ કર્યું, તેમાં પાણીની સાથે આ કહેવત પણ સંકટમાં પડી ગઈ. પરંતુ વીતેલા વર્ષોમાં શિવરાજજીના નેતૃત્વમાં ભાજપ સરકારે માળવા અને મધ્ય પ્રદેશની જૂની ઓળખને પાછી લાવવાના ગંભીર પ્રયાસો કર્યા છે.
સાથીઓ, 2007માં સિંચાઈ પરિયોજનાઓથી મધ્ય પ્રદેશમાં માત્ર સાડા સાત લાખ હેક્ટર ક્ષેત્રમાં જ સિંચાઈથતી હતી. શિવરાજજીના શાસનમાં હવે તે વધીને 40 લાખ હેક્ટર થઇ ગઈ છે. જે લોકો ટીવી પર દેશમાં સાંભળી રહ્યા છે તેમને પણ હું કહું છું ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તે પહેલા સાડા સાત લાખ હેક્ટર અને ભારતીય જનતા પાર્ટીની સરકારના કાર્યકાળમાં 40 લાખ હેક્ટર. હવે તો રાજ્ય સરકાર તેને 2024 સુધીમાં બમણી કરવાના લક્ષ્ય ઉપર કામ કરી રહી છે. સુક્ષ્મ સિંચાઈ યોજનાના વિસ્તરણ માટે 70 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
આપ સૌને અહિયાં હું વિશ્વાસ આપવા આવ્યો છું કે જે લક્ષ્ય રાજ્ય સરકારે નક્કી કર્યું છે તેનાથી પણ વધુ પ્રાપ્ત કરવાના પ્રયાસ કરવામાં આવશે અને ભારત સરકાર ખભે ખભો મિલાવીને તમારી સાથે ચાલશે.
મધ્ય પ્રદેશને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાથી પણ પૂરી મદદ મળી રહી છે. રાજ્યમાં આ યોજના અંતર્ગત 14 પરિયોજનાઓ ઉપર કામ ચાલી રહ્યું છે. મધ્ય પ્રદેશને પણ આ યોજના અંતર્ગત આશરે 1400 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ યોજનાના માધ્યમથી ‘પર ડ્રોપમોરક્રોપ’ના અભિયાનને પણ આગળ વધારવામાં આવી રહ્યું છે. ચાર વર્ષોના પરિશ્રમનું પરિણામ છે કે દેશભરમાં સુક્ષ્મ સિંચાઈની સીમા 25 લાખ હેક્ટર સુધી પહોંચી ગઈ છે. તેમાં દોઢ લાખ હેક્ટરથી વધુ ભૂમિ મધ્ય પ્રદેશની છે.
સાથીઓ, આજકાલ તમે પણ જોઈ રહ્યા હશો કે સરકારી યોજનાઓના વિષયમાં વીડિયો ટેકનોલોજી અને નમો એપના માધ્યમથી હું જુદા-જુદા લોકો સાથે વાતો કરી રહ્યો છું. ત્રણ દિવસ પહેલા જ મે દેશભરના ખેડૂતો સાથે વાત કરી હતી. આ જ કાર્યક્રમમાં મને ઝાબુઆના ખેડૂત ભાઈઓ બહેનો સાથે વાત કરવાનો અવસર મળ્યો હતો. ઝાબુઆની એક ખેડૂત બહેને મને વિસ્તારથી જણાવ્યું કે કઈ રીતે ડટપક સિંચાઈ પદ્ધતિ વડે તેની ટામેટાની ખેતીમાં જબરદસ્ત વૃદ્ધિ થઇ છે.
સાથીઓ, નવાભારતના નવા સપનામાં દેશના ગામ અને ખેડૂતોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. અને એટલા માટે નવાભારતના ઉદયની સાથે જ ખેડૂતોની આવકને બમણી કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં બીજથી લઈને બજાર સુધી, એક પછી એક અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે.
સાથીઓ, છેલ્લા ચાર વર્ષોમાં દેશભરમાં લગભગ 14 કરોડ સોઇલહેલ્થ કાર્ડ વિતરિત કરવામાં આવ્યા છે, જેમાંથી લગભગ સવા કરોડ અહિયાં મધ્ય પ્રદેશના મારા ભાઈઓ બહેનોને પણ મળ્યા છે. તેમાં હવે ખેડૂત ભાઈઓને સરળતાથી ખબર પડી રહી છે કે તેમની જમીન માટે કયું ખાતર કેટલી માત્રામાં જરૂરી છે. એ જ રીતે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ મધ્ય પ્રદેશના પણ 35 લાખથી વધુ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.
ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત અપાવવા માટે દેશભરના બજારોને ઓનલાઈન બજાર સાથે જોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી દેશની 575 બજારોને ઈ-નામ પ્લેટફૉર્મ સાથે જોડવામાં આવી છે. આજે મધ્ય પ્રદેશ પણ 58 બજારો તેની સાથે જોડાઈ ગઈ છે. એ દિવસ દુર નથી જ્યારે દેશના વધુમાં વધુ ખેડૂતો સીધા પોતાના ગામના કોમન સર્વિસ સેન્ટર અથવા પોતાના મોબાઇલ ફોનથી દેશની કોઇપણ બજારમાં સીધો જ પોતાનો પાક વેચી શકશે.
ભાઈઓ અને બહેનો, સરકાર ગામ અને ગરીબના જીવન સ્તરને ઉપર ઉઠાવવા માટે એક પછી એક અનેક પગલાઓ ભરી રહી છે. ખાસ કરીને દલિત, આદિવાસી, પછાત સમાજની માતાઓ બહેનોને ઝેરીલા ધુમાડાથી મુક્તિ અપાવવાનું કામ સતત ચાલી રહ્યું છે.
અત્યાર સુધી દેશમાં 4 કરોડથી વધુ ગરીબ માતાઓ બહેનોને રસોઈમાં મફત એલપીજી સીલીન્ડરો પહોંચી ગયા છે. મધ્ય પ્રદેશમાં પણ અત્યાર સુધી લગભગ 40 લાખ મહિલાઓને મફત ગેસના જોડાણો આપી દેવામાં આવ્યા છે.
સાથીઓ, આ સરકાર શ્રમનું સન્માન કરનારી સરકાર છે. દેશમાં વધુમાં વધુ રોજગાર ઉત્પન્ન કરનારા ઉદ્યમીઓ કઈ રીતે આગળ આવે, તેની ચિંતા આજે ભારત સરકાર કરી રહી છે.શ્રમ પ્રત્યે કેટલાક લોકોનો અભિગમ ભલે હકારાત્મક ન હોય, તેઓ રોજગારનો મજાક ઉડાવતા હોય પરંતુ આ સરકારના પ્રયાસો આજે સફળતાના રૂપમાં સૌની સામે છે.
દેશમાં આજે મુદ્રા યોજના અંતર્ગત નાનામાં નાના ઉદ્યમીને કોઇપણ બેંક ગેરંટી વિના ધિરાણ આપવામાં આવી રહ્યું છે. મધ્ય પ્રદેશના પણ 85 લાખથી વધુ લોકોએ તેનો લાભ ઉઠાવ્યો છે.
ભાઈઓ અને બહેનો, દિલ્હી અને ભોપાલમાં લાગેલું વિકાસનું આ ડબલ એન્જીન સંપૂર્ણ શક્તિની સાથે મધ્ય પ્રદેશને આગળ વધારી રહ્યું છે.
મને યાદ છે કે ક્યારેક મધ્ય પ્રદેશની સ્થિતિ એવી હતી કે તેની સાથે એક અપમાનજનક શબ્દ જોડવામાં આવી દેવાયો હતો- અને તે શબ્દ હતો કે જે આપણને કોઈને પસંદ નથી, તે શબ્દ હતો – બીમારુ. દેશના બીમાર રાજ્યોમાં મધ્ય પ્રદેશને ગણવામાં આવતો હતો. રાજ્યમાં લાંબા સમય સુધી શાસન કરનારી કોંગ્રેસને મધ્ય પ્રદેશનું આ અપમાન ક્યારેય દેખાતું નહોતું, ખૂંચતું નહોતું.
જન સામાન્યને પોતાની પ્રજા સમજીને, હંમેશા પોતાની જય જયકાર લગાવડાવવી એજ કોંગ્રેસના નેતા મધ્ય પ્રદેશની અંદર કરતા રહ્યા છે અને ન તો આવનારા ભવિષ્ય પર તેમણે ક્યારેય ચિંતન કર્યું.
રાજ્યને તે પરિસ્થિતિમાંથી કાઢીને દેશના વિકાસનું પ્રમુખ ભાગીદાર બનાવવાનું કામ અહિયાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. શિવરાજજીને તમે એક પદ આપ્યું છે પરંતુ તેઓ એક સેવકની જેમ આ મહાન ભૂમિની, અહીની જનતાની સેવા કરી રહ્યા છે.
આજે મધ્ય પ્રદેશ સફળતાના જે માર્ગ પર છે, તેના માટે હું અહીના લોકોને, અહીંની સરકારને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
એક વાર ફરી આપ સૌને અનેક અનેક શુભકામનાઓની સાથે હું મારી વાત સમાપ્ત કરું છું. આપ સૌ અહિયાં મોટી સંખ્યામાં આવ્યા, તમારો ખૂબ-ખૂબ આભાર!!
મારી સાથે જોરથી બોલો, બંને મુઠ્ઠી બંધ કરીને બોલો-
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ખૂબ-ખૂબ આભાર!!!