દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ ધ MSME સપોર્ટ એન્ડ આઉટરીચ કાર્યક્રમ' ની શરૂઆત કરાવી
ભારતમાં MSMEsના વિકાસની ગતિ તેજ કરવા માટે વડાપ્રધાન મોદીએ બાર મહત્ત્વના નિર્ણયોની પણ જાહેરાત કરી
આ 12 નિર્ણયો એ સરકાર તરફથી MSMEsને 'દિવાળીની ભેટ' છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાને 12 ચાવીરૂપ પહેલ જાહેર કરી
MSMEs માટે ઋણની ઉપલબ્ધતા ઉભી કરવા માટે 59 મિનીટ્સ લોન પોર્ટલ શરુ કરાઈ
CPSEs દ્વારા MSMEs પાસેથી 25 ટકા ખરીદી ફરજીયાત
કંપનીઝ એક્ટ હેઠળ નાના ગુનાઓની પ્રક્રિયા સરળ બનાવવા માટે વટહુકમ

મંત્રીમંડળના મારા સહયોગી અરુણ જેટલીજી, ગીરીરાજ સિંહજી, શિવ પ્રતાપ શુક્લજી, પોન રાધાકૃષ્ણજી, અન્ય સહયોગીગણ, બેન્કિંગ ક્ષેત્રમાંથી, નાણાકીય સંસ્થાઓમાંથી, વેપાર અને કારોબાર જગતના આપ સૌ મહાનુભવો, અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો અને દેશભરમાંથી મારી સાથે જોડાયેલા લઘુ ઉદ્યમીગણ, દેવીઓ અને સજ્જનો.

દેશના લઘુ ઉદ્યોગોને સમર્પિત આ આયોજનમાં, હું આપ સૌનું અને દેશના અન્ય ક્ષેત્રોમાંથી જોડાયેલા ઉદ્યમી બંધુઓનું હૃદયપૂર્વક ખૂબ-ખૂબ સ્વાગત કરું છું, અભિવાદન કરું છું.

સૌથી પહેલા આપ સૌને દિવાળી અને નવા સંવત વર્ષની અગ્રીમ શુભકામનાઓ. આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી અને નવા વર્ષનું આપણે ત્યાં કેટલું મહત્વ છે. હવે તો વિશ્વમાં પણ ફેલાઈ રહ્યું છે. ખાસ કરીને આપણા વેપારી ભાઈઓ બહેનો માટે, જે આ દિવસોમાં નવા ખાતા, એ આશાની સાથે ખોલે છે કે દિવાળીનું મુહૂર્ત સારું હશે તો આખું વર્ષ સારું જશે.

આ સિવાય, આ સમય એટલા માટે પણ મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ સમયગાળામાં કૃષિ અને કૃષિના લગતા ઉત્પાદનો, આપણા ખેડૂતોએ લણેલું અનાજ, બજારનો ભાગ બની જાય છે. આ સમય દરમિયાન થયેલ ખરીદ-વેચાણ, આવતા વર્ષના બજારના, દેશના વિકાસને પણ નિર્ધારિત કરે છે.

એટલા માટે દોવાળીનો આ સમય દેશ માટે એટલો જ મહત્વનો હોય છે જેટલો બજેટ દરમિયાન હોય છે. આ સમય દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો, આપણા ભવિષ્ય પર ઘણી મોટી અસર ધરાવે છે.

આજે આ વિશેષ આયોજનમાં હું તમારી સામે લઘુ ઉદ્યોગ ક્ષેત્ર માટે સરકાર દ્વારા લેવામાં આવેલા 12 મોટા નિર્ણયો પર વિસ્તૃત રીતે વાત કરવા માંગું છું. પાછલા કેટલાક અઠવાડિયાઓથી ભારત સરકારના અનેક મંત્રાલયો મળીને આ નિર્ણયો સુધી પહોંચવામાં લાગેલા હતા. અનેક નિર્ણયોને વીતેલા દિવસોમાં, નાના સ્તર પર લાગુ કરીને એક ટ્રાયલ રન પણ ચલાવીને જોયું. સંપૂર્ણ સમીક્ષા, સંપૂર્ણ તપાસ પછી હવે આજે એ અવસર આવ્યો છે જ્યારે હું દેશને આ 12 ઐતિહાસિક નિર્ણયો વિષે કહેવા માંગું છું.

સાથીઓ, આ નિર્ણયો એ વાતનું પણ પ્રમાણ છે કે જ્યારે સીલોને તોડીને સંગઠિત પહેલ કરવામાં આવે છે, સંગઠિત જવાબદારી નિભાવવામાં આવે છે, સંગઠિત નિર્ણય લેવામાં આવે છે, તો કેટલા વ્યાપક સ્તરે તેનો પ્રભાવ પડે છે.

સીલોમાં તો તમારા બધા સપનાઓ ફાઈલોમાં જ દબાયેલા પડ્યા રહી જાય છે. પરંતુ જ્યારે સીલો તૂટે છે તો ફાઈલોને પણ ગતિ મળે છે, અધિકારીઓ પોતે જ ફાઈલો લઈને આગળ આવીને નિર્ણયો સુનિશ્ચિત કરવા લાગે છે.

આ 12 નિર્ણયો, દેશના એમએસએમઈ એટલે કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની માટે દિવાળીનો એક ઘણો મોટો ઉપહાર તો છે જ, દેશમાં નાના ઉદ્યોગો માટે એક નવા યુગએક નવા અધ્યાયની પણ શરૂઆત થવાની છે.

ભાઈઓ અને બહેનો, ભવિષ્યની રૂપરેખા દર્શાવતા પહેલા હું તમારી સાથે ઇતિહાસ અને વર્તમાનની પણ ચર્ચા કરવા માંગું છું. એટલા માટે પણ એ જરૂરી છે કે જે ભુતકાળ આપણને ગૌરવની પ્રતિતિ કરાવે, જ્યારે વર્તમાન આપણો જુસ્સો વધારે, તેનો ઉલ્લેખ જરૂરથી થવો જોઈએ.

સાથીઓ, આપણે એ વાત ખૂબ સારી રીતે જાણીએ છીએ કે એમએસએમઈ અથવા નાના ઉદ્યોગો આપણા દેશમાં કરોડો દેશવાસીઓની રોજીરોટીનું સાધન છે, અર્થવ્યવસ્થામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ એમએસએમઈ કૃષિ પછી રોજગાર આપનારુ બીજું સૌથી મોટું ક્ષેત્ર છે. ખેતી જો ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે તો એમએસએમઈ તેના મજબૂત પગ છે જે દેશની પ્રગતિને ગતિ આપવાનું કામ કરે છે.

ભરત ગૂંથણથી લઈને દવાઓ સુધી, ખેતરો, બગીચાઓથી લઈને રમત-ગમતના મેદાન સુધી, વસ્ત્રથી લઈને શસ્ત્ર સુધી, ઉનથી લઈને ઊર્જા સુધી, એવા અનેક ક્ષેત્રોમાં લઘુ ઉદ્યોગ હંમેશાથી પોતાનું મહત્વનું યોગદાન આપતા રહ્યા છે.

  • કાંચીપુરમની સાડી હોય કે પાણીપતનું હેન્ડલુમ,
  • લુધિયાણાની હોઝીયરી હોય કે મુરાદાબાદનું પિત્તળ,
  • બનારસની સાડી હોય કે અલીગઢના તાળા,
  • જમશેદપુર અને પુણેનો ઓટો ઉદ્યોગ હોય, ભરૂચનો કેમિકલ ઉદ્યોગ હોય કે પછી કોઈમ્બતુરના વીજળીના પંપ
  • જોધપુર કિશનગઢનું હેન્ડીક્રાફટ અને પથ્થર ઉદ્યોગ હોય કે પછી કટકના ઘરેણા,
  • મધુબનીના ચિત્રો હોય કે મેરઠનો રમતગમત ઉદ્યોગ

પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી તેનો વિસ્તાર છે.

આપણા માટે આ માત્ર ઉદ્યોગ જ નથી પરંતુ આપણી વિરાસત, આપણી પરંપરા, આપણા જીવનનો મહત્વનો ભાગ રહ્યા છે. કેટલાય શહેરોની ઓળખ, તેમના અહિં ચાલનારા લઘુ ઉદ્યોગોના કારણે જ છે.

જો હું કહું કે દેશના દરેક જિલ્લાની સાથે, તેની એક ખાસ ઓળખ જોડાયેલી હોય તો કદાચ તે ખોટું નહીં હોય. આ બધાની કમાન લઘુ ઉદ્યોગોએ જ તો સંભાળીને રાખી છે.

આ વિરાસતનું જતન કરતા આપણા લઘુ ઉદ્યોગોએ સમયની સાથે પોતાને વધુ મજબૂત કર્યા છે અને ભારતની અર્થવ્યવસ્થાને પણ મજબૂતી આપી છે.

સાથીઓ આજે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં એક ઉજ્જવળ કેન્દ્ર બનીને ચમકી રહ્યું છે. સમગ્ર વિશ્વની નજરો ભારત પર ટકેલી છે, વૈશ્વિક કારોબારની ચર્ચાના કેન્દ્રમાં નવું ભારત છે. એક એવું નવું ભારત જેમાં સંકલ્પને સિદ્ધ કરવાની શક્તિ છે, જેમાં પોતાના 130 કરોડ નાગરિકોની આશાઓ આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું સામર્થ્ય છે.

ભારતને આ ઊંચાઈ પર પહોંચાડવાનું શ્રેય, દેશને નવી ઊર્જા આપવાનું શ્રેય આપણા એમએસએમઈ ક્ષેત્ર, એટલે કે આપ સૌને જાય છે. તે આપ સૌનો જ પરિશ્રમ અને પુરુષાર્થ છે જેના કારણે આજે ભારત આર્થિક પાવરહાઉસ બની ગયું છે.

ભારતમાં ગયા વર્ષે ચાર સાડા ચાર વર્ષોમાં જે પરિવર્તન થયા છે, તમે તેના સૌથી મોટા ભાગીદાર છો.

તમે ફોર્મલાઈઝેશનની દિશામાં મોટા પ્રયાસો કર્યા છે, ડિજિટલ લેવડ–દેવડને આત્મસાત કરી છે, ઈ–કોમર્સ જેવી નવી વ્યવસ્થાઓની સાથે તાલ-મેલ બેસાડ્યો છે, જીએસટી જેવા દેશના આટલા મોટા કર સુધારાને તમે અપનાવ્યો છે. તમે ખૂબ સમજદારી અને બહાદૂરી સાથે વૈશ્વિક બજારનો પણ મુકાબલો કરી રહ્યા છો.

દેશમાં થયેલા આ પરિવર્તનોના કારણે જ આજે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા તરફ અગ્રેસર છે. આપણે એક નવી ઉડાન ભરવાના છીએ, નવા યુગમાં પ્રવેશ કરવાના છીએ. આ બધું એટલા માટે થઇ રહ્યું છે કે કારણ કે તમે,દેશના એમએસએમઈ ક્ષેત્રએ આ પરિવર્તનોની સાથે પોતાને જોડ્યા છે, તેમને પોતાની વ્યવસ્થાનો ભાગ બનાવ્યો છે.

સાથીઓ તમારા આ સાહસને વધારે પ્રોત્સાહન આપવા માટે સરકાર પણ ખભે ખભો મિલાવીને તમારી સાથે આગળ વધી રહી છે.

દેશમાં થયેલા અનેક સુધારાઓ અને નિર્ણયોના કારણે આજે ભારતમાં વેપાર કરવો ખૂબ સરળ થઇ ગયો છે. હમણાં બે દિવસ પહેલા જ આવેલા વિશ્વ બેંકના વેપાર-વાણિજ્ય કરવાના સરળતાના ક્રમાંક એ બાબતની સાક્ષી છે. જેના પર 4 વર્ષ પહેલા કોઈ વિશ્વાસ કરી શકે તેમ નહોતું તે આજે ભારતે કરી બતાવ્યું છે તે આપણે કરી બતાવ્યું છે.

સાથીઓ, એ આપણા સૌની માટે ગૌરવનો વિષય છે કે આ વખતે ભારતે વેપાર-વાણિજ્ય કરવાની સરળતાના ક્રમાંકમાં23 ક્રમની એક લાંબી હરણફાળ ભરી છે. માત્ર ચાર વર્ષ પહેલા, આ સરકાર બન્યા પહેલા આપણે 142માં સ્થાન પર હતા. આજે મને ખુશી છે કે આપણે 65 ક્રમ ઉપર ચઢીને 77માં સ્થાન પર પહોંચી ગયા છીએ અને એ મારો વિશ્વાસ છે કે જે રીતે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, અમારા તમામ વિભાગો, એક પછી એક પગલાઓ ભરતા જઈ રહ્યા છે. હવે ટોચના 50માં પણ આપણી પહોંચ વધારે દૂર છે એવું મને નથી લાગતું.

વેપાર કરવાની સરળતામાં સુગમતા વધે છે, સુવિધાઓ મળે છે, તો તેનો સૌથી વધારે ફાયદો આપણા એમએસએમઈ ક્ષેત્રને જ મળે છે. બાંધકામની પરવાનગી હોય, વીજળીની ઉપલબ્ધતા હોય કે પછી બીજા ક્લિયરન્સ, આપણા લઘુ ઉદ્યોગો માટે તે હંમેશાથી એક મોટો પડકાર રહ્યો છે. સંપૂર્ણ રીતે જમીનના સ્તર પર જઈને, નિયમોમાં સુધારા કરીને, એમએસએમઈની માટે હવે ઉદ્યોગોનો માર્ગ હજુ વધારે સરળ બનાવવાનું કામ અમે કર્યું છે.

આ સિવાય પાછલા ચાર સાડા ચાર વર્ષોમાં આ ક્ષેત્રને ખાસ ધ્યાનમાં રાખીને નીતિઓ નિર્ણયોમાં જે વ્યાપક પરિવર્તન થયું છે, તેણે પણ એમએસએમઈ ક્ષેત્રને એક નવી મજબૂતી આપી છે.

સાથીઓ,

લઘુ ઉદ્યોગ વધુ મજબૂત હોય, તેના માટે કેટલીક બાબતો ખૂબ જરૂરી છે. હું તેને જુદી-જુદી શ્રેણીઓમાં વિભાજીત કરું છું.

A – તમને સરળતાથી પૈસા મળે, ધિરાણ મળે, સસ્તા દરે ધિરાણ મળે અને રોકડનો પ્રવાહ યથાવત જળવાઈ રહે.

B – તમને બજાર મળે, ઈ–કોમર્સ જેવા મંચ પર તમારી ભાગીદારી વધે

C – ટેકનોલોજી અપગ્રેડેશન હોય

D – વેપાર કરવાની સરળતામાં સરકારી દખલગીરી ઓછી હોય અને

E  કર્મચારીઓમાં સુરક્ષાની ભાવના હોય

હું એક-એક કરીને આ દરેક વિષે તમારી સાથે વિસ્તૃત વાત કરીશ

સૌથી પહેલા શ્રેણી “A” પર આવીએ છીએ – એટલે કે તમને સરળતાથી પૈસા મળે, ધિરાણ મળે. બેંકના આંટા માર્યા વિના, સસ્તા દરે મળે અને તમારો રોકડ પ્રવાહ ચાલતો રહે.

કોઇપણ વ્યવસાયને માટે એ તમારી પહેલી જરૂરિયાત હોય છે. હું માનું છું કે ઘણા બધા લોકો પોતાની મૂડી લગાવીને પણ શરૂઆત તો કરે છે પરંતુ વેપારને વધારવા માટે તમારે ધિરાણ પણ લેવું જ પડતું હોય છે. તમારી એ જરૂરિયાતની પૂર્તિ કરે છે આપણી બેંકો.

પરંતુ તેની વાસ્તવિક હકીકત શું રહી છે? નાના ઉદ્યમીઓ, જેમનું વાર્ષિક ટર્નઓવર 20 લાખથી પાંચ કરોડ રૂપિયાની વચ્ચે રહે છે, તેમને ધિરાણ લેવામાં પણ મુશ્કેલી આવે છે. બેલેન્સ શીટનું કદ નાનું હોવાના કારણે અવારનવાર તેમને ધિરાણ મળવામાં મોડું પણ થઇ જાય છે, અને પુરતા પ્રમાણમાં ધિરાણ મળી પણ નથી શકતું.

ઉપરથી જે મોટી કંપનીઓને, મોટા ઉદ્યોગોને સામાન પૂરો પાડવામાં આવે છે, ત્યાંથી પણ બિલ મંજૂર કરાવવામાં, ચુકવણીમાં મોડું તેમના સંકટને વધારે ઊંડું બનાવી દે છે. તેની સીધી અસર તમારી કેશ સાયકલ પર પડે છે અને એક રીતે સંપૂર્ણ વ્યાપાર જ સંકટમાં આવી પડે છે.

તમારી આ સમસ્યાને દૂર કરવા માટે હું આજની પહેલી જાહેરાત કરવા જઈ રહ્યો છું, અને તે છે – 59 મિનીટ લોન પોર્ટલનો દેશવ્યાપી શુભારંભ. એટલે કે હવે જેટલી વારમાં સવારે તમે ઘરેથી ઓફીસ પહોંચો છો અથવા તો સાંજે જેટલા સમયે તમે તમારા જ ખાતામેળને મેળવવામાં લગાડો છો, તેટલા જ સમયમાં તમને એક કરોડ રૂપિયા સુધીના ઋણને સૈદ્ધાંતિક સ્વીકૃતિ મળતી થઇ જશે.

સાથીઓ, કેટલાક સમય પહેલા જેટલીજીના નિર્દેશનમાં એક પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો. તે વખતે મેં અધિકારીઓને કહ્યું હતું કે તમે ટ્રાયલ તરીકે તેને શરુ તો કરી રહ્યા છો પરંતુ જે લક્ષ્ય હું તમને આપીશ, તે રીતે પહોંચી શકશો?

ભાઈઓ અને બહેનો, આપણી આઝાદીને આ વર્ષે 72 વર્ષ થયા છે. મેં તેમને કહ્યું હતું કે શું જે દિવસે આ પોર્ટલને દેશભરમાં લાગુ કરવામાં આવશે, ત્યારે શું તમે લોકો 72 હજાર નાના ઉદ્યમીઓના ધિરાણ સ્વીકૃત કરી શકશો.

સાથીઓ, આ સમયે, જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તે વખતે આ જે કાઉન્ટર તમને દેખાઈ રહ્યું છે, જે ઘડિયાળ જેવું દેખાઈ રહ્યું છે, તે કહી રહ્યું છે કે અત્યાર સુધી કેટલા એમએસએમઈ ઉદ્યમીઓને આ પોર્ટલના માધ્યમથી અથવા તો ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે અથવા તો રીન્યુ થયું છે. તમે સતત જોઈ શકો છો કે કેવી રીતે આ સંખ્યામાં પરિવર્તન થઇ રહ્યું છે.

અહિયાં જ ક્યાંક દુર, દેશના કોઈ ખૂણામાં બેઠેલા તમારા ઉદ્યમી ભાઈ અથવા બહેનને માત્ર 59 મિનીટમાં એક કરોડ રૂપિયા સુધીના ધિરાણની મંજૂરી આ સમયે પણ આપવામાં આવી રહી છે. વિચાર કરો માત્ર 59 મિનીટ, માત્ર 59 મિનીટ. અને મેં જાણી જોઈને એક કલાક નથી રાખ્યો નહીંતર એકના બે અને બેના ત્રણ થતા વાર નથી લગતી અને એટલા માટે તેના પર કેપ લગાવ્યું 59 મિનીટનું.

ભાઈઓ અને બહેનો. આ કામ પહેલાની સરકારોમાં પણ થઇ શકતું હતું. પરંતુ આવા કામો માટે નીતિ સૌથી વધુ જરૂરી છે, ઈમાનદારીની પ્રતિષ્ઠા જરૂરી છે. લઘુત્તમ સરકાર મહત્તમ શાસનના મૂળ મંત્ર પર ચાલી રહેલ અમારી સરકાર, દરેક પગલે તમને નિયમોના જાળમાંથી મુક્તિ અપાવવાનું કામ કરી રહી છે.

મને યાદ છે, જ્યારે હું અધિકારીઓને આ પોર્ટલના વિષયમાં વાત કરી રહ્યો હતો તો મેં કહ્યું હતું કે ઉદ્યમીઓના ટર્નઓવરની સુચના તમારા જીએસટી રીટર્નમાં છે, આવકની સુચના પણ ટેક્સ રીટર્નમાંછે, કેશ ફ્લો પણ બેંકના ખાતામાં છે, તો પછી આ બધાને જોડીને એનાલિટીક્સ દ્વારા જ બેંક તમને લોન કેમ ન આપી શકે?

મેં એ પણ કહ્યું હતું કે આ સુવિધાનો વધુમાં વધુ પ્રસાર થાય અને તે દરેક જગ્યા પર તેની લીંક હોય, જ્યાં આપણા લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલ કારોબારીઓ જાય છે. જેમ કે જીએસટી પોર્ટલ.

આ પોર્ટલ સાથે જોડાનાર ઈમાનદાર કરદાતા, ઈમાનદાર ઉદ્યમીને આખરે ઋણ મેળવવામાં તકલીફ કેમ પડે? એટલા માટે જ્યારે તમે જીએસટી પોર્ટલ પર તમારું રીટર્ન ફાઈલ કરશો તે સમયે પણ તમને આ સુવિધા મળશે. જેવા તમે પોર્ટલ પર જશો તેવા જ તમને પૂછવામાં આવશે કે શું તમારે લોન જોઈએ છે? જો તમે હા પાડો છો તો ત્યાં જ 59 મિનીટ લોન પોર્ટલની સુવિધા તમને મળી જશે.

સાથીઓ, અમારો પ્રયત્ન એ જ છે કે જીએસટી સાથે જોડાયેલા તમામ ઉદ્યમી, દરેક એમએસએમઈના દ્વાર પર સરકાર પોતે પહોંચે.

આજે મને ખુશી છે કે આ બધી બાબતોનું ધ્યાન રાખીને હવે તમારા માટે આ 59 મિનીટમાં લોન મંજૂરીની સુવિધા તમને હું સમર્પિત કરું છું અને તેનો લાભ આજથી દેશના દરેક ક્ષેત્રના લઘુ ઉદ્યમીને મળવાનો શરુ થઇ ગયો છે.

આ નવું ભારત છે, તેમાં બેંકમાં વારે-વારે જવાના ફેરા ખતમ કરોજી.

સાથીઓ,

હવે હું આવું છું, આજની બીજી જાહેરાત પર.

તમને 59 મિનીટમાં લોનની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ પરંતુ એ પણ તો મહત્વનું છે કે વ્યાજ કયા દરે મળી રહ્યું છે?

હવે હું જે કહેવા જ રહ્યો છું, તેને ધ્યાનથી સાંભળજો, સાવચેતીથી સાંભળજો.

ભાઈઓ અને બહેનો, હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જીએસટી નોંધણી કરાવેલ દરેક એમએસએમઈને એક કરોડ રૂપિયા સુધીના નવા ધિરાણ અથવા ઈન્ક્રિમેન્ટલ લોનની રકમ પર વ્યાજમાં 2 ટકાની છૂટ આપવામાં આવશે.

મેં હમણાં તમને જે ઈમાનદારીની પ્રતિષ્ઠાની વાત કરી હતીઆ તેનો જ વિસ્તાર છેહવે જીએસટી સાથે જોડાવું અને કર ભરવા એ તમારી તાકાત બનશેતમને વ્યાજમાં 2 ટકાની છૂટ અપાવશે.

એટલું જ નહીં નિકાસકારો માટે પણ દિવાળીની ભેટ તૈયાર છે. નિકાસકારોને પ્રિશિપમેન્ટ અને પોસ્ટશિપમેન્ટના સમયગાળામાં જે લોન મળે છે તેના વ્યાજના દરમાં છૂટને પણ સરકારે ૩ ટકાથી વધારીને 5 ટકા કરવાનો નિર્ણય લીધો છે.

ભાઈઓ અને બહેનો, એમએસએમઈનું દેશના નિકાસમાં ઘણું મોટું યોગદાન છે. દેશના કુલ નિકાસના લગભગ 40 ટકા નિકાસ તમે લોકો જ સંભાળો છો. વિશ્વમાં ભારતની વધેલી શાખનો લાભ તમને મળે, એમએસએમઈના નિકાસકારોને મળે, તેની માટે વ્યાજના દરમાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મને આશા છે કે આ પગલાથી એમએસએમઈના નિકાસકારોનો ભાગ હજુ વધારે વધશે.

સાથીઓ, અત્યાર સુધીની જાહેરાતોમાંથી ઋણ મળવું વધુ સરળ બનશે, બેંકોના આંટા ઓછા લાગશે, ઓછા વ્યાજ દર પર લોન મળશે.

પરંતુ હું એ પણ ઇચ્છુ છું કે જે મોટી મજબુરીના કારણે તમારે અવારનવાર ધિરાણ લેવું પડે છે તે પણ ઓછું થાય.

હું જાણું છું કે એમએસએમઈ જે માલ મોટી કંપનીઓને સપ્લાય કરે છે, તેનું બિલ મંજૂર થવામાં ઘણી વાર લાગે છે. અનેક વાર તો તમારે તમારા જ પૈસા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. એવામાં તમારે વેપારને ચાલુ રાખવા માટે ધિરાણ લેવું પડે છે.

મારી આજની ત્રીજી જાહેરાત આની સાથે જ જોડાયેલ છે. એ તમામ કંપનીઓ જેમનું ટર્નઓવર 500 કરોડથી ઉપર છે, તેમને હવે ટ્રેડ રિસીવેબલ ઈ–ડિસ્કાઉન્ટીગ સિસ્ટમ એટલે કે “ટ્રેડ્સ” (ટીઆરઈડીએસ) મંચ પર લાવવાનું જરૂરી કરીદેવામાં આવ્યું છે. જેથી કરીને એમએસએમઈને કેશ ફ્લોમાં તકલીફ ન પડે.

જેમ કે તમારામાંથી ઘણા લોકોને ખબર હશે કે ટ્રેડ્સ એક એવું મંચ છે, જેના પર કેટલાક એમએસએમઈ છે, સરકારના કેટલાક પીએસયુ છે, બેંક પણ છે અને દેશની કેટલીક કંપનીઓ પણ છે જેમને લઘુ ઉદ્યોગ પોતાનો સમાન પૂરો પાડે છે.

જ્યારે સરકાર આનો વિસ્તાર વધારે વધારવા જઈ રહી છે. સરકારના બધા જ પીએસયુને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ ટ્રેડ્સ પર આવે અને પોતાની સાથે સંબંધિત ઉદ્યમોને પણ ટ્રેડ્સ પર લાવવા માટે પ્રોત્સાહિત કરે.

હવે 500 કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવરની કપનીઓના ટ્રેડ્સ સાથે જોડાવાનો ફાયદો ક્યારે થશે, એ હું તમને કહું છું.

માની લો કે જે મોટી કંપનીઓ છે, તેમણે કોઈ લઘુ ઉદ્યમી પાસેથી 10 લાખ રૂપિયાની કોઈ ખરીદી કરી છે. તે ઉદ્યમીની પાસે સપ્લાઈ ઓર્ડરની કન્ફર્મ રિસીપ્ટ પણ છે અને પુરવઠાની પણ. પરંતુ કોઈ કારણસર તે મોટી કંપની જ્યારે ચુકવણી નથી કરતી તો મારો આ લઘુ વેપારી તો ફસાઈ જાય છે. તેના માટે તો 10 લાખ રૂપિયા બહુ મોટી વાત હોય છે.

એવામાં તે નાના વેપારીની મદદ કરશે ટ્રેડ્સ મંચ. તે આ મંચ પર તે મોટી કંપની પાસેથી મળેલી કન્ફર્મ રિસીપ્ટ અથવા બિલને અપલોડ કરી શકે છે. આ બિલના આધાર પર તે એવું કહી શકે છે કે મહિના બે મહિના ત્રણ મહિનાની અંદર મને આટલા પૈસા આ મોટી કંપનીમાંથી મળવાના છે.

મોટી કંપનીનું બિલ હોવાથી શાખ ધરાવતી કંપનીનું બિલ હોવાના લીધે, બેંક પણ તે જ બિલ પર વિશ્વાસ કરશે અને તેના આધાર પર, તે વેપારીને બેંકમાંથી યોગ્ય રોકડ રકમ મળી જશે. પછીથી જ્યારે કંપનીમાંથી પૈસા આવશે, તો બેંક તે પૈસાને પોતાની પાસે રાખી લેશે અને તેનો કારોબાર ચાલતો રહેશે.

સાથીઓ, તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારા જે પૈસા રોટેટ થવાના છે, તમારે જે તમારા ધંધામાં પૈસા લગાવવાના છે, તેની ખોટ તમારે નહીં પડે, તમારા પૈસા ફસાશે નહીં, તમારી કેશ સાયકલ નહીં તૂટે.

જો કે આજે આ અવસર પર હું આ જાહેરાતની સાથે મોટી કંપનીઓને પણ એ આગ્રહ કરીશ કે લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલા બિલ જલ્દી સ્વીકારવામાં આવે અને તેમને ચૂકવણીમાં વાર લગાડવામાં ન આવે.

ભાઈઓ અને બહેનો,

તેમ છતાં જો ચુકવણીમાં મોડું થાય છે કે તમારી માટે એક અન્ય વિકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે. એમએસએમઈ મંત્રાલયના સમાધાન પોર્ટલમાં નાના ઉદ્યમી પોતાની ફરિયાદો નોંધાવી શકે છે, જેમનું સમાધાન સમય સીમામાં રહીને સરકારી દખલગીરી વડે કરવામાં આવશે. આ મોટી કંપનીઓને, સમય પર ચૂકવણી કરવા માટે પણ પ્રોત્સાહિત કરશે.

સાથીઓ, ધિરાણ સરળતાથી મળે, વ્યાજ ઓછુ હોય, એમએસએમઈ નિકાસકારોને પણ વ્યાજમાં છૂટનો લાભ મળે, કેશ સાયકલ પણ બનેલી રહે, તે અમારી સરકારની પ્રાથમિકતાઓમાં છે. મારી પહેલી ત્રણ જાહેરાતો આ જ દિશામાં છે.

હવે હું શ્રેણી “B” તરફ આવું છું. અને તે છે તમારા માટે, દેશના એમએસએમઈ ક્ષેત્રને માટે નવા બજારોનું નિર્માણ. આ મોરચા પર પણ સરકારે અનેક પગલાઓ ભર્યા છે અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત હું આજે કરવા જઈ રહ્યો છું.

ભાઈઓ અને બહેનો, ગયા વર્ષમાં લગભગ 1 લાખ 14 હજાર કરોડ રૂપિયાનો સમાન સરકારી કંપનીઓએ જુદા-જુદા સ્રોતોમાંથી ખરીદ્યો છે. અત્યાર સુધી જે નિયમ ચાલતો આવ્યો હતો, તે એ હતો કે સરકારી કંપનીઓની 20 ટકા ખરીદી માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ એટલે કે સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોથી કરવી જરૂરી છે.

મારી આજની ચોથી જાહેરાત તેની સાથે જ જોડાયેલી છે. સરકારે આ 20 ટકાની અનિવાર્યતાને વધારીને હવે 25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે સરકારી કંપનીઓ જેટલો સામાન ખરીદે છે, તેમાં હવે સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની ભાગીદારી વધારે વધવા જઈ રહી છે.

આને જ આગળ વધારનારી એક અન્ય મહત્વપૂર્ણ આજની પાંચમી જાહેરાત છે મહિલા ઉદ્યમીઓ સાથે જોડાયેલી. આ જે સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો દ્વારા ખરીદીની અનિવાર્યતાને વધારવામાં આવી છે, તેમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે તેમાં કુલ ખરીદીના ૩ ટકા, મહિલા ઉદ્યમીઓની માટે અમાનત રાખવામાં આવે. એટલે કે સરકારી કંપનીઓની માટે હવે એ જરૂરી થઇ ગયું છે કે તેઓ પોતાની ખરીદીના ઓછામાં ઓછા ૩ ટકા મહિલા ઉદ્યમીઓ પાસેથી જ ખરીદે.

હું સમજુ છું કે આજનો આનિર્ણય દેશમાં મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવશે.

સાથીઓ, એમએસએમઈની માટે બજાર ઉપલબ્ધ કરાવવા માટે એક અન્ય મંચ સરકારે વિકસિત કર્યું છે, જીઈએમ એટલે કે સરકારી ઈ માર્કેટપ્લેસ. જ્યારે બે અઢી વર્ષ પહેલા આની શરૂઆત થઇ તો એક મોટો ઉદ્દેશ્ય હતો સરકારી સામાનની ખરીદીમાં પારદર્શકતા લાવવાનો.

આ પારદર્શકતાનો સીધો લાભ પણ એમએસએમઈ ક્ષેત્રને મળી રહ્યો છે. જીઈએમના કારણે નાના ઉદ્યમીઓના ઉત્પાદનો સરકારી ખરીદકારો સુધી પહોંચવાનું સરળ બન્યું છે. હું તો આજે પણ તમિલનાડુની તે મહીલાને યાદ કરું છું, જેણે નાનકડું થર્મોસ પ્રધાનમંત્રી કાર્યાલયને વેચ્યું હતું અને સમય પર તેને ચૂકવણી પણ કરવામાં આવી હતી. આવા જ ખબર નહીં કેટલાય સુક્ષ્મ અને લઘુ ઉદ્યમીઓને આ મંચ પર નવા અવસરો મળ્યા છે, તેમના જીવનને નવી પ્રેરણા મળી છે. નહિંતર શું પહેલા કોઈ વિચારી પણ શકતું હતું કે મોટી-મોટી સપ્લાય કંપનીઓની આગળ તેઓ ટકી પણ શકશે, ક્યારેક સરકારને પોતાનો સામાન વેચી શકશે. ના, પરંતુ આ બધું શક્ય બનાવ્યું છે જીઈએમ પોર્ટલે.

સાથીઓ, જીઈએમ પોર્ટલ પર અત્યાર સુધી દોઢ લાખથી વધુ સપ્લાયરો જોડાઈ ચુક્યા છે, જેમાંથી 40 હજાર એમએસએમઈ છે. તે અંતર્ગત અત્યાર સુધી 9 લાખ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે અને આશરે 14 હજાર કરોડ રૂપિયાનો કારોબાર પણ થઇ ચુક્યો છે.

તમે વિચાર કરો, કોઇપણ વચેટિયા વિના, કોઈને પણ કમીશન આપ્યા વિના, પોતાની કમાણીનો ભાગ આપ્યા વિના, કેટલા ઉદ્યમીઓને આનો લાભ મળ્યો છે.

ભાઈઓ અને બહેનો, જીઈએમની આ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે આજે જ અન્ય એક મહ્ત્વપૂર્ણ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. આ મારી આજની છઠ્ઠી જાહેરાત છે, તમારી છઠ્ઠી દિવાળીની ભેટ છે.

સાથીઓ હવે કેન્દ્ર સરકારની બધી જ કંપનીઓની માટે જીઈએમની સભ્યતા લેવાનું જરૂરી કરી નાખ્યું છે. એટલું જ નહીં પોતાના તમામ વેન્ડર્સ એમએસએમઈને પણ આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવશે, જેના લીધે તેમના દ્વારા કરવામાં આવી રહેલી ખરીદીમાં પણ એમએસએમઈને વધુમાં વધુ લાભ મળશે. જીઈએમ પર આવવાથી તમારા માટે અનંત સંભાવનાઓ તૈયાર થઇ હતી. હવે આજના નિર્ણયથી વધુ વિસ્તરણ થશે.

સાથીઓ આજનો આ સમય કમ્પ્યુટરાઈઝેશન અને ટેકનોલોજીનો, ઈ-કોમર્સ અને ઓનલાઈન માર્કેટિંગનો છે. લઘુ ઉદ્યોગ પણ આની સાથે જેટલા વધુ જોડાશે, તેટલો જ તેમનો ફાયદો થશે.

જીઈએમની જેમ જ ઈ-કોમર્સના અન્ય મંચ પર તમારા બનાવેલા સામાનોનું વેચાણ થાય, તેના માટે ગુણવત્તા પ્રમાણપત્ર પણ જરૂરી હોય છે. આ પ્રમાણપત્ર, તમારા ક્લસ્ટર, તમારી ફેક્ટરીની પાસે જ તમને મળી શકે, તેના માટે પણ સરકાર વિવિધ પ્રમાણિત કરતી સંસ્થાઓની સાથે કામ કરી રહી છે.

એગ્રીગેટરનું આ મોડલ અમે લઘુ ઉદ્યમીઓને ખાનગી ક્ષેત્રની કંપનીઓની સાથે જોડવા માટે પણ કરી રહ્યા છીએ.

સાથીઓ, હવે હું શ્રેણી “C” તરફ આગળ વધુ છું. કેપિટલ અને માર્કેટ સિવાય એક મોટો પડકાર આપણા લઘુ ઉદ્યોગોની સામે રહે છે ટેકનોલોજીકલ અપગ્રેડેશનનો. આપણા ઘણા બધા લઘુઉદ્યોગોને સમય પર આધુનિક ટેકનોલોજીનો લાભ નથી મળી શકતો.

દેશમાં હાલ જે ટૂલ રૂમ છે તે તમને ઉત્પાદન ડિઝાઇન અને તેના સુધારામાં મદદ કરી રહ્યા છે. આ ટૂલ રૂમ્સમાં તમે એવા હાઈ ટેકનોલોજી પ્રોડક્ટ્સ પણ તૈયાર કરી શકો છો જેના મશીન તમારી પાસે ઉપલબ્ધ નથી.

સરકારે વીતેલા ચાર વર્ષોમાં આ ટૂલરૂમ્સની સ્થિતિને સુધારવા પર પણ ભાર મુક્યો છે. આ ટૂલ રૂમ્સ દ્વારા પાછલી સરકારના ચાર વર્ષોમાં જ્યાં સાડા ૩ લાખ લોકોને તાલીમ આપવામાં આવી હતી, ત્યાં જ અમારી સરકાર દરમિયાન તેનાથી અનેક ગણી વધુ એટલે કે આશરે સાડા 6 લાખ લોકોને તાલીમ આપવામાં આવી ચુકી છે.

મારી આજની સાતમી જાહેરાત ટેકનોલોજીકલ અપગ્રેડેશનના આ મહત્વપૂર્ણ વિષય સાથે જ જોડાયેલી છે.

ભાઈઓ અને બહેનો સરકારે નિર્ણય લીધો છે કે દેશભરમાં આ ટૂલરૂમ્સની આ વ્યવસ્થાને વધુ વિસ્તાર આપવામાં આવે.તેની માટે દેશભરમાં 20 હબ બનાવવામાં આવશે અને ટૂલ રૂમ જેવા 100 સ્પૉક દેશભરમાં સ્થપીત કરવામાં આવશે. હું આજે આ મહત્વપૂર્ણ કાર્ય માટે હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરું છું.

તેનાથી વધુ સારી ડિઝાઇનથી લઈને ગુણવત્તા, તાલીમ અને કન્સલ્ટનસી જેવા અનેક મામલાઓમાં એમએસએમઈને ભરપુર લાભ મળશે.

ભાઈઓ અને બહેનો ટેકનોલોજીકલ અપગ્રેડેશન પછી હવે હું શ્રેણી “D” તરફ આગળ વધીશ અને તે છે – વેપાર કરવાની સરળતા.

તમારામાંથી ઘણા બધા ઉદ્યમી ફાર્મા ક્ષેત્રમાં કાર્ય કરે છે. તમે દવાઓ બનાવો છો, તેની નિકાસ પણ કરો છો. આપણી નાની-નાની કંપનીઓ જીવન માટે મહત્વની દવાઓ બનાવી રહી છે, ઘણી પ્રતિષ્ઠિત દવાઓ બનાવી રહી છે. આ નાની કંપનીઓમાં પણ અપાર પ્રતિભા છે પરંતુ તેમને પોતાની દવાઓને અવારનવાર મોટી કંપનીઓના માધ્યમથી જ વેચવી પડતી હોય છે.

મારી આજની આઠમી જાહેરાત આ જ ફાર્મા કંપનીઓ સાથે જોડાયેલ છે. એમએસએમઈ ક્ષેત્રની ફાર્મા કંપનીઓને વેપાર કરવામાં સરળતા હોય, તેઓ સીધા ગ્રાહકો સુધી પહોંચી શકે, તેની માટે હવે ક્લસ્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ક્લસ્ટર પર 70% ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા કરવાની પણ જાહેરાત કરું છું. સરકારનો આજનો આ નિર્ણય ફાર્મા ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે પણ ઘણી મહત્વનો સાબિત થશે.

સાથીઓ, તમે અનુભવ કર્યો હશે કે જ્યારથી આ ચર્ચા શરુ થઇ છે ત્યારથી લઈને અનેકવાર મેં ટેકનોલોજી, જીએસટી, ઓનલાઈન પોર્ટલ, ફોર્મલાઈઝેશન, ટ્રેડસ, જીઈએમ, પોર્ટલ એવા અનેક શબ્દોનો ઉપયોગ કર્યો છે. વાસ્તવિકતામાં આ જ તે વ્યવસ્થાઓ છે જે તમને પ્રક્રિયાઓની જાળમાંથી મુક્તિ અપાવનારી છે.

જીએસટીએ અર્થવ્યવસ્થાને સંકલિત કરી છે, ફોર્મલાઈઝ કરી છે. તેનાથી વેપારને નવાયુગની નવી ટેકનોલોજી બીગ ડેટા એનાલિટીક્સ સાથે જોડવાનું સરળ બની ગયું છે. ડેટાની આ સમીક્ષા વડે વેપાર કરવાની સરળતામાં હજુ વધારે સુધારો થશે. સુવિધાઓને તમારા દ્વાર સુધી પહોંચાડવામાં વધુ મદદ મળશે.

હું માનું છું કે આ નવા ભારતના નવા વ્યવસાયાત્મક વાતાવરણનો પાયો બનવાનો છે અને ઈમાનદારીને પ્રોત્સાહન આપનાર છે.

સાથીઓ, એમએસએમઈની માટે સરકારી પ્રક્રિયાઓને સરળ કરવાની કડીમાં, હું હવે આજની નવમી જાહેરાત કરવા જઈ રહ્યો છું. તમારે ઓછામાં ઓછા ફોર્મ અને રીટર્ન આપવા પડે, તેના માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 8 શ્રમ કાયદાઓ અને 10 કેન્દ્રીય નિયમો અંતર્ગત આપવામાં આવતા રીટર્ન હવે તમારે વર્ષમાં બે વારની જગ્યાએ એક જ વાર ભરવાના રહેશે.

સરકાર, વ્યવસ્થાને પારદર્શી બનાવવા માટે, માનવ દખલગીરીને ઓછી કરવા માટે સતત કામ કરી રહી છે અને હમણાં આઈટીના સંબંધમાં અરુણજીએ તેનો ઉલ્લેખ કર્યો. તેની સાથે જ સંબંધિત આજની10મી જાહેરાત છે.

બિનજરૂરી તપાસથી મુક્તિ અપાવવા માટે સરકારે એ નિણર્ય લીધો છે કે હવે ઇન્સ્પેકટરને ક્યાં જવાનું છે, કઈ ફેક્ટરીમાં જવાનું છે. તેનો નિર્ણય માત્ર એક કમ્યુટરાઈઝડ રેન્ડમ એલૉટમેન્ટથી જ લેવામાં આવશે અને એટલું જ નહીં તેણે કોઈ ફેક્ટરીની મુલાકાત લીધી અને પછી આવ્યા પાછા અઠવાડિયા સુધી રાહ જોઈ કે તેઓ આવે છે કે નથી આવતા આ બધું હવે બંધ! અને તેણે 48 કલાકમાં પોતાની રીપોર્ટ પોર્ટલ પર નાખવો પડશે. હવે તે માત્ર પોતાની મરજી અનુસાર કોઈ પણ જગ્યાએ નહીં જઈ શકે.

ભાઈઓ અને બહેનો, લઘુ ઉદ્યોગોને ઇન્સ્પેકટર રાજમાંથી મુક્તિ અપાવવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. હવે કોઈ ઇન્સ્પેકટર તમારે ત્યાં એમ જ નહીં આવી જાય, તેને પૂછવામાં આવશે કે તમે શા માટે તે ફેક્ટરીમાં ગયા હતા, શું ઉદ્દેશ્ય હતો?

ભાઈઓ અને બહેનો, સરકાર તમારા પર ભરોસો કરે છે, પોતાના દેશના નાગરિકો પર ભરોસો કરતી રહે છે. પાછલા 4 વર્ષોમાં અમારી સરકારે અનેક જગ્યાઓ પર એફિડેવિટ ખતમ કર્યા છે, સરકારી નોકરીઓની અનેક શ્રેણીઓમાં ઇન્ટરવ્યુ ખતમ કર્યા છે, પ્રમાણપત્રો સ્વ-પ્રમાણિત કર્યા.

હવે આજે હું નાના ઉદ્યોગોની માટે પર્યાવરણ કાયદા સાથે જોડાયેલ એક મોટા સુધારની પણ જાહેરાત કરવા જઈ રહ્યો છું. તમારી દિવાળીની ભેટ થશે આ મારી 11મી જાહેરાત. આ જાહેરાત પણ સીધી જોડાયેલી છે તમારા અને સરકાર વચ્ચેના આંતરિક વિશ્વાસથી. આ 11મી જાહેરાત છે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પ્રક્રિયાઓનું સરળીકરણ અને સ્વ-પ્રમાણિતતાને પ્રોત્સાહન.

સાથીઓ આપ સૌ જાણો છો કે અત્યાર સુધી કોઇ ઉદ્યોગ શરૂ કરવા માટે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ અને સ્થાપનાની મંજૂરીના બે તબક્કાને પાર કરવા જરૂરી હતા. સરકારે નિર્ણય લીધો છે કે વાયુ પ્રદુષણ અને જળ પ્રદુષણ કાયદાઓ અંતર્ગત એમએસએમઈની માટે આ બંનેને એક કરીને હવે માત્ર એક જ મંજૂરી અનિવાર્ય રહેશે.

સરકર તમારા પર ભરોસો કરીને સ્વ-પ્રમાણપત્ર પર તમારા રીટર્ન સ્વીકૃત કરશે. શ્રમ વિભાગની જેમ પર્યાવરણના નિયમિત ઇન્સ્પેકશન પુરા થઇ જશે અને માત્ર 10 ટકા એમએસએમઈનું નિરીક્ષણ કરવામાં આવશે.

સરકાર દ્વારા એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હરિત અને શ્વેત શ્રેણીમાં આવનારા ઉદ્યમોની સંખ્યા હજુ વધારે વધારવામાં આવશે. પછી ભલે હું ટૂલ રૂમની વાત કરું કે પછી સ્વ-પ્રમાણપત્રની વાત કરું, અને તમે લાલ કિલ્લા પરથી શરૂઆતમાં મારા મોઢેથી શબ્દો સાંભળ્યા હશે, ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ. આપણે એવું ઉત્પાદન કરીશું કે જે દુનિયાના બજારમાં કોઈ તેની ખામી કાઢી જ ન શકે. આપણે એ પ્રકારે ઉત્પાદન કરીશું કે આપણે પર્યાવરણ પર ઝીરો અસર કરીશું. અમે આ મંત્રને લઈને આગળ ચાલી રહ્યા છીએ.

સરકારનું માનવું છે કે સામાન્ય લોકો પર, આપ સૌ ઉદ્યમીઓ પર ભરોસો કરીને અમે પર્યાવરણની રક્ષા વધુ અસરકારક રીતે કરી શકીએ છીએ. આ ભરોસાને લઈને દેશમાં જનભાગીદારી વધી રહી છે અને તેનું એક પરિણામ દેશના વન્ય આવરણમાં વૃદ્ધિ થવા પર પણ જોવા મળી રહ્યું છે.

સાથીઓ, સરકાર સતત એ બાબતની ખાતરી કરી રહી છે કે કાયદાકીય પ્રક્રિયાઓ સરળ હોય જેનાથી તમને સૌને વેપાર કરવામાં તેટલી જ સરળતા રહે.

ગઈકાલે જ સરકારે આ દિશામાં એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મારી આજની 12મી જાહેરાત છે, 12મી ઘોષણા છે. સરકારે કંપની અધિનિયમમાં ઘણો મોટો બદલાવ કરીને, એમએસએમઈને કાયદાકીય જટિલતાઓમાંથી રાહત આપી છે.

ભાઈઓ અને બહેનો, કંપની અધિનિયમમાં અત્યાર સુધી એવી જોગવાઈઓ હતી, તેની સાથે જોડાયેલ એવા કાયદાઓ હતા, જેમના કારણે નાની-નાની સામાન્ય ભૂલો અથવા અજાણતામાં કોઈ ઉલ્લંઘન થવા બદલ, તમને ગુનાહિત ગુનેગાર માની લેવામાં આવતા હતા. આ નાની-નાની ભૂલોના કારણે અનેક વાર વેપારીઓ માટે જેલમાં જવા સુધીની નોબત આવી જતી હતી. નાની-નાની ભૂલ સુધારવા માટે તમારે કોર્ટ કચેરીના આંટા-ફેર મારવા પડતા હતા.

આ બધામાં તમારો કીમતી સમય અને પૈસા બંને વ્યર્થ તો જતા જ હતા, પરંતુ તમારા માન સન્માનને પણ ઊંડી ઠેસ પહોંચતી હતી. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને તો આને કારણે ખૂબ જ તકલીફ પડતી હતી.

મને આપ સૌને એ વાત જણાવતા આનંદ થઇ રહ્યો છે કે અનેક તકલીફોમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર એક અધ્યાદેશ લઈને આવી છે. અમે અધ્યાદેશ જાહેર કરી નાખ્યો છે.

અત્યાર સુધી જે નિયમો ચાલી રહ્યા હતા, જે પ્રણાલી હતી, તે સરકારે બદલી નાખી છે. હવે તમારે નાની-નાની ભૂલોને સુધારવા માટે કોર્ટમાં નહીં જવું પડે. હવે અજાણતામાં થયેલા નાના ઉલ્લંઘન માટે તમારે સંબંધિત વિભાગમાં જઈને કેટલીક સરળ પ્રક્રિયાઓના માધ્યમથી તે તમામ ભૂલોને સુધારી શકો છો.

આનો બીજો પણ એક ફાયદો થશે કે 60 ટકાથી વધુ કેસો જે જુદી-જુદી વિશેષ અદાલતોમાં ચાલી રહ્યા છે, તે બધા જ ત્યાંથી બહાર આવશે. મને જણાવવામાં આવ્યું છે કે આવા કેસોની સંખ્યા હજારોમાં નહીં લાખોમાં છે. આ કારણથી એનસીએલટી – નેશનલ કંપની લો ટ્રીબ્યુનલના અનેક સ્થાનિક નિદેશકોના અધિકારમાં જતા રહેશે. આમ થવાથી કેસોની સુનાવણીમાં વધુ ગતિ આવશે.

ભાઈઓ અને બહેનો, સરકારે નાના ઉદ્યોગો અને એક વ્યક્તિના અધિકારવાળી કંપનીઓને પણ રાહત આપી છે. અનેક વિષયો પર જે પણ દંડ લાગુ થતો હતો, તેને પણ ઘટાડીને હવે અડધો કરી નાખવામાં આવ્યો છે.

સાથીઓ, હવે હું શ્રેણી “E” તરફ આગળ વધુ છું. સરકારના આ મોટા નિર્ણયો અને પ્રયાસોની વચ્ચે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે એમએસએમઈને ચલાવે છે આપણા કારીગરો, આપણા શ્રમિકો. આ બધાની સામાજિક સુરક્ષા ખૂબ જ જરૂરી છે.

એટલા માટે સરકારે એ પણ નક્કી કર્યું છે કે દેશભરમાં એક અભિયાન ચલાવીને આ ક્ષેત્રમાં કામ કરનારા કારીગરોને સરકાર સામાજિક સુરક્ષાની યોજનાઓ સાથે જોડવામાં આવે. સરકાર એ બાબતની ખાતરી કરશે કે એમએસએમઈમાં કામ કરનારા શ્રમિકોની પાસે જનધન ખાતા હોય, તેમની પ્રધાનમંત્રી સુરક્ષા અને વીમા યોજના તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનામાં નોંધણી હોય.

જો ફેક્ટરી થોડી મોટી છે તો ત્યાં આગળ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ અને ઈએસઆઈસી દ્વારા પણ તેમને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ દરમિયાન એમએસએમઈમાં જે નવા લોકોને રોજગારી મળશે, તેમને પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાનો લાભ મળે, એ બાબતની પણ ખાતરી કરવામાં આવશે.

સાથીઓ, વૈશ્વિકરણના આ યુગમાં આ 12 નિર્ણયો એમએસએમઈને સુદ્રઢ કરીને, એક નવો અધ્યાય લખશે.

માત્ર 59 મિનીટમાં લોનની સુવિધા, જીએસટી પોર્ટલના માધ્યમથી પણ લોન, જે ઉદ્યમી જીએસટી સાથે જોડાયેલ કે તેમને વ્યાજમાં છૂટ, સસ્તાનિકાસ દર, ટ્રેડસ પર બધી જ સરકારી કંપનીઓ અને 500 કરોડથી વધુની મોટી કંપનીઓને લાવવાનો નિર્ણય, સરકારી ખરીદીમાં એમએસએમઈની માટે 25 ટકાની અનિવાર્યતા, મહિલા ઉદ્યમીઓ પાસેથી ઓછામાં ઓછી ૩ ટકાની ખરીદીની અનિવાર્યતા, જીઈએમ પર તમામ સરકારી કંપનીઓની નોંધણી, ટેકનોલોજી અપગ્રેડેશનની માટે દેશભરમાં 20 હબ અને 100 સ્પોક્સ, દેશમાં ફાર્મા ક્લસ્ટરનું નિર્માણ, શ્રમ કાયદાઓમાં પરિવર્તન, રીટર્નમાં સરળતા, 48 કલાકમાં ઇન્સ્પેકશનનો અહેવાલ, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સાથે જોડાયેલ પ્રક્રિયાઓનું સરળીકરણ અને કંપની કાયદામાં મોટા પરિવર્તનો.

આ બધા જ નિર્ણયો એમએસએમઈ ક્ષેત્રને મજબૂત કરનારા છે, એક નવી ઉંચાઈ આપનારા છે.

હું આજે આ અવસર પર કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ રાષ્ટ્ર નિર્માણના આ મહાનયજ્ઞમાં આગળ વધીને કાર્ય કરવાનો આગ્રહ કરીશ. તમારા પ્રયાસો વડે જ આ નિર્ણયોનું સારું પરિણામ આવશે, તેનો લાભ દેશભરના નાના ઉદ્યમીઓ સુધી પહોંચશે.

અને સાથીઓ, જ્યારે મારી ટીમ આ જવાબદારી નિભાવશે, આટલી મહેનત કરશે તો મારું પણ તો મન કરે છે કે તેમના પરિશ્રમમાં મારું પણ થોડું યોગદાન હું પોતે પણ કરવાનો છું.

એટલા માટે 100 જિલ્લા જ્યાં એમએસએમઈની સાથે એક વિરાસત, એક વિશેષતા જોડાયેલી છે, ત્યાં આગળ થઈ રહેલા કાર્યોની સમીક્ષા હું પોતે કરીશ. જે ટીમ, જમીન પર કામ કરી રહી છે, તેની સાથે મળીને આગામી 100 દિવસ સુધી મારી દેખરેખમાં નિરીક્ષણનું કામ કરવામાં આવશે. હું પણ તમારી સાથે ખભે-ખભો મિલાવીને કામ કરીશ અને તેને સફળ બનાવીને રહીશું.

સાથીઓ, ભારતના એમએસએમઈ આપ સૌ વાસ્તવમાં એસ્પીરેશનલ ભારત, આકાંક્ષી ભારત છો, મહત્વાકાંક્ષી ભારત છો. તમને તમારી મહેનતના પરિણામ સામે જોવા મળે છે. આ જ મહેનત વડે કમાણી વધે છે અને આ જ એમએસએમઈ બીજ બનીને ભવિષ્યમાં મોટા ઉદ્યમો બનતા હોય છે અને નવા ઉદ્યમોને સ્ફૂર્તિ આપે છે, પોષિત કરે છે.

એમએસએમઈ સરકારની તે ભાવનાનું પ્રતિક છે જેના મૂળમાં લોકોને નોકરી શોધનારની જગ્યાએ નોકરીનું નિર્માણ કરનાર બનાવવાના છે. તમે માત્ર ઉદ્યમીઓ જ નથી, નવા ભારતના મહત્વપૂર્ણ નિર્માતાઓમાંના એક છે.

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ અભિયાન નાના ઉદ્યોગો માટે લાભપ્રદ સાબિત થશે અને દેશભરના એમએસએમઈ આ બધા જ નિર્ણયો દ્વારા લાભાન્વિત થશે.

મને પણ એ ભરોસો છે કે નાના ઉદ્યમ જ આગળ જતા દેશની ઔદ્યોગિક ક્રાંતિને એક નવું રૂપ, નવી પરિભાષા આપશે અને ટેકનોલોજી ડ્રાઈવન ક્લીન બિઝનેસની આધારશીલા બનશે.

આ તમામ સુધારાઓ પર સવાર થઈને તમે મેક ઇન ઇન્ડિયાને વધુ ગતિ આપો, ઊર્જા આપો, એ જ કામના સાથે હું મારી વાત સમાપ્ત કરું છું.

મને પૂરો વિશ્વાસ છે કે આ દિવાળી આપ સૌની માટે પણ, દેશના સમગ્ર એમએસએમઈ ક્ષેત્રની માટે શુભ રહેશે, લાભકારી પણ રહેશે અને નવા અવસરો પણ લઇને આવશે.

આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ.

ખૂબ-ખૂબ આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.