દેવીઓ અને સજ્જનો,
સેલ્વી જયલલિતાની જન્મજયંતિનાં પ્રસંગે હું તેમને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તમને બધાને મારી શુભેચ્છાઓ. મને આજે તેમની એક સ્વપ્ન સમાન પરિયોજનાઓમાંની એક અમ્મા ટૂ વ્હીલર યોજના શરૂ કરવાની ખુશી છે. મને જણાવવામાં આવ્યું છે કે, અમ્માનાં 70મા જન્મદિવસે 70 લાખ છોડનું વાવેતર સમગ્ર તમિલનાડુમાં થશે. આ બંને પહેલો લાંબા ગાળે મહિલાઓનું સશક્તીકરણ કરશે અને પ્રકૃતિનું રક્ષણ કરશે.
મિત્રો,
જ્યારે આપણે કુટુંબમાં મહિલાને સશક્ત કરીશું, ત્યારે આપણે સંપૂર્ણ પરિવારને સક્ષમ કરીશું. જ્યારે આપણે મહિલાને શિક્ષિત કરીએ છીએ, ત્યારે આપણે સુનિશ્ચિત કરીએ છીએ કે સંપૂર્ણ પરિવાર શિક્ષિત થશે. જ્યારે આપણે તેને સારાં સ્વાસ્થ્યની સુવિધા આપીએ છીએ, ત્યારે આપણે સંપૂર્ણ પરિવારનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરીશું. જ્યારે આપણે તેમનું ભવિષ્ય સુરક્ષિત કરીશું, ત્યારે આપણે સંપૂર્ણ કુટુંબનું ભવિષ્ય સુરક્ષિત કરીશું. અમે એ દિશામાં કામ કરી રહ્યાં છીએ.
મિત્રો,
કેન્દ્ર સરકારે સામાન્ય નાગરિક માટે “જીવનને વધુ સરળ બનાવવા” પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમારી તમામ યોજનાઓ અને કાર્યક્રમો આ ઉદ્દેશને સાર્થક કરવા માટે છે. પછી તે નાણાકીય સર્વસમાવેશકતા હોય, ખેડૂતો અને લઘુ વ્યવસાય માટે ધિરાણની સરળ ઉપલબ્ધતા હોય, સ્વાસ્થ્ય સુવિધા કે સાફ-સફાઈ હોય, આ મૂળભૂત મંત્ર છે, જેને કેન્દ્રમાં રાખીને એનડીએ સરકાર કામ કરે છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 11 કરોડથી વધારે લોન મંજૂર કરવામાં આવી છે. રૂ. 4 લાખ, 60 હજારની રકમ લોકોને કોઈ પણ પ્રકારની બેંક ગેરન્ટી વિના આપવામાં આવી છે. અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, તેમાં 70 ટકા લાભાર્થીઓ મહિલા છે.
એટલે આ યોજનાની સફળતા એ વાતનો પુરાવો છે કે ભારતની મહિલાઓ અત્યારે વર્ષો જૂનાં બંધનોમાંથી મુક્તિ મેળવી રહી છે અને સ્વરોજગારી ઝંખે છે. અમે મહિલા સશક્તીકરણ માટે પગલાં પણ લીધા છે. તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં અમે જાહેરાત કરી હતી કે, નવી મહિલા કર્મચારીઓ માટે ઇપીએફનું યોગદાન ત્રણ વર્ષમાં 12 ટકાથી ઘટીને 8 ટકા થશે. જ્યારે નિયોજકનો ભાગ 12 ટકા જળવાઈ રહેશે.
સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ મહિલા ઉદ્યોગસાહસિકોને રૂ. 10 લાખથી રૂ. એક કરોડની લોન આપવામાં આવશે. અમે કારખાના કાયદામાં પણ ફેરફાર કર્યો છે અને રાજ્યોને સૂચન કર્યું હતું કે, તેઓ મહિલાઓને રાત્રીપાળીમાં પણ કામ કરવાની છૂટ આપે. અમે માતૃત્વની રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરની નોંધણી મહિલાનાં નામે થાય છે.
જન ધન યોજનાથી મોટા પાયે મહિલાઓને પણ લાભ થયો છે. 31 કરોડ જન ધન બેંક ખાતાઓમાંથી 16 કરોડ મહિલાઓ છે.
મહિલાઓની માલિકીનાં કુલ બેંક ખાતાની ટકાવારી વર્ષ 2014માં 28 ટકાથી વધીને 40 ટકા થઈ છે. સ્વચ્છ ભારત અભિયાન મહિલાઓને સન્માન અને પ્રતિષ્ઠા મળી છે, જે તેમનો અધિકાર છે. દેશમાં ગ્રામીણ સ્વચ્છતા 40 ટકાથી વધીને 78 ટકા થઈ છે. અમે તમામ સરકારી શાળાઓમાં કન્યાઓને શૌચાલયો પ્રદાન કરવા યુદ્ધનાં ધોરણે કામ કર્યું છે.
મિત્રો,
કેન્દ્ર સરકારની યોજનાઓ પ્રકૃતિનું રક્ષણ કરે છે, કારણ કે આ યોજનાઓ લોકોનું સશક્તીકરણ કરે છે. અત્યાર સુધી ઉજાલા યોજના હેઠળ 29 કરોડ એલઇડી બલ્બોનું વિતરણ થયું છે. તેનાથી વીજળીનાં બિલમાં 15,000 કરોડ રૂપિયાની બચત થઈ છે.
ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધી કેન્દ્ર સરકારે 3.4 કરોડ ફ્રી ગેસ જોડાણો આપ્યાં છે. ધુમ્રપાનમુક્ત વાતાવરણમાંથી મહિલાઓને લાભ થાય છે, ત્યારે કેરોસીનનાં વપરાશમાં ઘટાડો થવાથી પર્યાવરણ સુધારવામાં મદદ મળે છે. તમિલનાડુમાં સાડા નવ લાખ મહિલાઓને અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ મળ્યો છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં ગેસનો પુરવઠો અને સાફ-સફાઈની સમસ્યાનું સમાધાન કરવા કેન્દ્ર સરકારે ગોબર-ધન યોજના રજૂ કરી છે. તેનો ઉદ્દેશ પશુનાં છાણ અને કૃષિલક્ષી કચરાનું ખાતર, બાયોગેસ અને બાયો-સીએનજીમાં પરિવર્તિત કરવાનો છે. તેનાથી આવક વધશે અને ગેસ પરનાં ખર્ચમાં ઘટાડો થશે.
મિત્રો,
અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તમિલનાડુમાં 24,000 કરોડથી વધારે રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. એનડીએ સરકારનાં સત્તામાં આવ્યાં પછી આ તમામ પરિયોજનાઓ શરૂ થઇ છે. તેમાં સૌર ઊર્જા પ્લાન્ટ, ક્રૂડ ઓઇલ પાઇપલાઇન, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને બંદર સાથે સંબંધિત કાર્યો સામેલ છે. 3,700 કરોડથી વધારે રૂપિયા ચેન્નાઈ મેટ્રો રેલ માટે મંજૂર થયા છે.
જ્યારે કોંગ્રેસ-સંચાલિત સરકાર કેન્દ્રમાં હતી, ત્યારે તમિલનાડુને 13માં નાણાં પંચ હેઠળ 81,000 કરોડ રૂપિયા મળ્યાં હતાં. એનડીએ સરકારે 14માં નાણાંપંચ હેઠળ સત્તામાં આવ્યાં પછી તમિલનાડુને 1,80,000 કરોડ રૂપિયા આપ્યા. આ 120 ટકાનો વધારો છે.
સરકાર વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબને મકાન પ્રદાન કરવા કામ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આશરે એક કરોડ મકાનોનું નિર્માણ થયું છે.
ગ્રામીણ હાઉસિંગ માટે તમિલનાડુને 2016-17માં આશરે 700 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં છે અને આશરે 200 કરોડ રૂપિયા 2017-18માં આપવામાં આવ્યાં છે. શહેરી હાઉસિંગ માટે રાજ્ય સરકારે 600 કરોડ રૂપિયા આપ્યાં છે.
મિત્રો,
તમિલનાડુમાં ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી પણ લાભ થયો છે. મને જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત તમિલનાડુમાં ખેડૂતોને રૂ. 2,600 કરોડનું વળતર ચુકવવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર વાદળી ક્રાંતિ અંતર્ગત તમિલનાડુમાં માછીમારીનાં આધુનિકીકરણ માટે કામ કરે છે. આ માટે અમે માછીમારોને લોંગ લાઇનર ટ્રોલર્સ માટે મદદ કરીએ છીએ. ગયા વર્ષે અમે રાજ્ય સરકારને 100 કરોડ રૂપિયા આપ્યાં હતાં, જેથી 750 હોડીઓને લોંગ લાઇનર ટ્રોલર્સમાં પરિવર્તિત કરવામાં આવી છે. ઉપરાંત તેમનું જીવન સરળ બનાવવા આ પ્રકારનાં ટ્રોલર્સથી માછીમારોને વધારે આવક મેળવવામાં મદદ મળશે.
ભારતીય સમુદ્રનાં વ્યાપક સંસાધનો અને લાંબો દરિયાકિનારો પુષ્કળ સંભવિતતા પ્રસ્તુત કરે છે. કેન્દ્ર સરકાર સાગરમાલા કાર્યક્રમ પર પણ કામ કરે છે, જેનો ઉદ્દેશ આપણાં માલ પરિવહન ક્ષેત્રની કાયાપલટ કરવાનો છે. તેનાથી સ્થાનિક અને વિદેશી વેપાર એમ બંનેનાં ખર્ચમાં ઘટાડો થશે. તેનાથી ભારતનાં દરિયાકિનારા પર જીવતાં લોકોને લાભ પણ થશે.
અમે તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરી છે. દરેક ગરીબ કુટુંબને પસંદ કરાયેલી હોસ્પિટલમાં નિઃશુલ્ક તબીબી સારવાર માટે દર વર્ષે રૂ. 5 લાખ સુધીનો ખર્ચ પૂરો પાડવામાં આવશે. તેનાથી સમગ્ર દેશમાં 45 થી 50 કરોડ લોકોને મદદ મળશે.
પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના અને જીવન જ્યોતિ યોજના હોઠળ 18 કરોડથી વધારે લોકોને વીમાકવચ મળ્યું છે. અમે 800થી વધારે જન ઔષધિ કેન્દ્રો મારફતે આર્થિક દરે દવાઓ પ્રદાન કરવા જેવા અન્ય પગલાં પણ લીધા છે.
અમે લોકોનાં જીવનમાં સકારાત્મક ફેરફાર કરવા માટે અતિ મહેનત કરીએ છીએ.
હું ફરી એક વખત સેલ્વી જયલલિતાને નમન કરું છું. હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું.
ધન્યવાદ.
તમને બધાને ખૂબ ધન્યવાદ.