હું સૌથી પહેલાં આ શાનદાર ભવન માટે અને આધુનિક ભવનના નિર્માણ માટે આપ સૌને ખૂબ–ખૂબ શુભેચ્છા પાઠવું છું. જે સંગઠનનું આયુષ્ય 150 વર્ષ થઈ ગયું હોય, એટલે કે આ ઇન્સ્ટીટ્યૂટ પોતે પણ એક પુરાતત્વનો વિષય બની ગયું છે અને 150 વર્ષમાં તે ક્યાં-ક્યાંથી નિકળી હશે અને ક્યાં-ક્યાં ફેલાઈ હશે, કેવી રીતે ફેલાઈ હશે, શું-શું મેળવ્યું હશે, શું-શું વિકસ્યું હશે એટલે કે પોતાના 150 વર્ષ એક સંસ્થા માટે ખૂબ મોટો સમય હોય છે.
હું જાણતો નથી કે એએસઆઈ પાસે પોતાના 150 વર્ષના કાર્યકાળનો કોઈ ઈતિહાસ પણ હશે કે નહીં. એક પુરાતત્વીય કામ અને તે પણ કરવા જેવું હશે કે નહીં અને હશે તો ખૂબ સારી વાત છે. ઘણાં લોકોએ આ કાર્યકાળમાં વહિવટ સંભાળ્યો હશે. કેવી કલ્પનાથી આ સંસ્થાની શરૂઆત થઈ હશે, કેવી-કેવી રીતે તેનું વિસ્તરણ થયું હશે. ટેકનોલોજીએ પણ તેમાં કેવી રીતે પ્રવેશ કર્યો હશે. આવી ઘણી બધી બાબતો હશે અને એએસઆઈ દ્વારા થયેલા કામોનો તે સમયના સમાજ પર કેવો પ્રભાવ પડ્યો હશે. તેણે વિશ્વને આ ક્ષેત્રમાં કેવી રીતે આકર્ષિત કર્યું હશે. આજે પણ વિશ્વમાં આપણાં દેશની પુરાતત્વની વસ્તુઓ છે કે જે વિશ્વનું જે અનુમાન છે તેમાંથી તેને હકિકત સુધી લઈ જવા માટે ઘણું મોટું બળ પૂરૂ પાડે છે અને આપણે જાણીએ છીએ કે જેમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો, સ્પેસ ટેકનોલોજી આવી, માનવ જીવનના સંબંધમાં જે જૂની માન્યતાઓ હતી અને જેને માટે કઠોર સંઘર્ષ ચાલતો હતો તેમાં બે પ્રવાહો ચાલતા હતા. ઈતિહાસના જગતમાં તેમને ધ્વસ્ત કરી દેવાનું કામ ટેકનોલોજીએ કર્યું છે. સરસ્વતીનું અસ્તિત્વ પણ ન સ્વિકારે એવો પણ એક વર્ગ હતો, પરંતુ સ્પેસ ટેકનોલોજી માર્ગ દેખાડી રહી છે કે નહિ એવું નહોતું. આ બધુ કાલ્પનિક ન હતું. આર્યો બહારથી આવ્યા કે નથી આવ્યા તેનો દુનિયાભરમાં વિવાદ ચાલી રહ્યો છે અને કેટલાક લોકો આવા મનગમતા વિષયો લઈને બેસી ગયા છે. આવો એક મોટો વર્ગ છે, પરંતુ જેમ-જેમ ટેકનોલોજીની મદદથી પુરાતત્વ ક્ષેત્રે કામ થતું ગયું તેમ એક ખૂબ મોટો વર્ગ પેદા થયો, જે નવી ચર્ચા લઈને આવ્યો છે.
હું સમજુ છું કે આ જૂના શિલાલેખ અથવા કેટલીક જૂની વસ્તુઓ, અથવા તો કેટલાક પથ્થર, આ બધી નિર્જીવ દુનિયા નથી. હા. અહીં દરેક પથ્થર બોલે છે. પુરાતત્વ સાથે જોડાયેલા દરેક કાગળની પોતાની કથા હોય છે. પુરાતત્વમાંથી નિકળેલી દરેક વસ્તુમાં માણસનો, પુરૂષાર્થનો, પરાક્રમનો અને સપનાંઓનો એક ખૂબ મોટો શિલાલેખ તેની અંદર સમાયેલો હોય છે અને એટલા માટે પુરાતત્વ ક્ષેત્રમાં કામ કરનારા જે લોકો પણ હોય છે. આવી વિરામ ભૂમિમાં કામ શરૂ કરે છે. એ સમયે ઘણાં વર્ષો સુધી દુનિયાનું એ તરફ ધ્યાન જતું નથી. કેવી રીતે એક વૈજ્ઞાનિક ભવિષ્યની બાબત હાથમાં લઈને પોતાની પ્રયોગશાળામાં ડૂબેલો રહે છે તે રીતે જ્યારે દુનિયાની સામે તે જાય છે ત્યારે એક ચમત્કાર સ્વરૂપે નજરે પડે છે. પુરાતત્વના ક્ષેત્રમાં કામ કરનારી વ્યક્તિ પણ એક વેરાન જંગલમાં, પહાડમાં, ક્યાંક પથ્થરોની વચ્ચે પોતાની જાતને ખોઈ નાંખે છે અને દસ-દસ, વીસ-વીસ વર્ષ સુધી તે મચેલો રહે છે. ખબર પણ નથી હોતી અને અચાનક જ્યારે તે કોઈ નવી વસ્તુ લઈને દુનિયા સામે પોતાનું સંશોધન લઈને આવે છે ત્યારે વિશ્વનું ધ્યાન તે તરફ જાય છે કે તેમાં શું છે અને આપણે ત્યાં આટલા માટે જ ચંદીગઢની નજીક આવેલો એક નાનો ટેકરો, જે લોકો માટે પણ ટેકરો જ હતો, પરંતુ ફ્રાન્સના કેટલાક લોકોએ અને અહીંના પણ કેટલાક લોકોએ જીવશાસ્ત્રનો અભ્યાસ કરનાર લોકો તથા પુરાતત્વ ક્ષેત્રે અભ્યાસ કરનાર લોકો તેમાં લાગી ગયા અને તેમણે એવું શોધી કાઢ્યું કે દુનિયાના સૌથી જૂના, લાખો વર્ષ જૂના જીવોનો અવશેષ આ ટેકરામાં ઉપલબ્ધ છે. અને એ પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવ્યા તો તેમણે મને આગ્રહ કર્યો કે મારે ત્યાં જવાનું છે, જ્યાં મારા દેશના લોકોએ કેટલુંક કામ કર્યું છે. અને હું પણ તેમને લઈને ત્યાં ગયો હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધી વસ્તુઓ માન્યતાઓથી વિપરીત રીતે ચાલતી હોય છે. નવી ઢબથી વિચારવા માટે પુરાતત્વ વિદ આ ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિ ખૂબ મોટું પરિવર્તન લાવે છે.
ઈતિહાસને પણ ઘણીવાર પડકાર આપવાની શક્તિ આ પથ્થરમાંથી પ્રાપ્ત થતી હોય છે. જેને કદાચ શરૂઆતમાં કોઈ સ્વીકારતું નથી, પરંતુ આપણાં દેશમાં આપણે આ બધી વસ્તુઓથી એટલા પરિચીત હોઈએ છીએ કે, એટલી આદત ધરાવતા હોઈએ છીએ કે ઘણીવાર તો તેનું મૂલ્ય પણ ઓછુ થઈ જતું હોય છે.
દુનિયામાં જેની પાસે કશું હોતુ નથી તેવા લોકો તેને ખૂબ જાળવીને રાખે છે, કે ભાઈ મને બરાબર યાદ છે કે એકવાર હું અમેરિકાની સરકારના આમંત્રણથી પ્રતિનિધિમંડળ સાથે ત્યાં ગયો હતો. ત્યાંનો પ્રવાસ કાર્યક્રમ પૂછ્યો તો મને જણાવવામાં આવ્યું કે ક્યાં જવા માંગો છો, શું જોવાની ઈચ્છા છે, શું જાણવા માંગો છો. આવુ બધુ ફોર્મમાં ભરાવવામાં આવ્યું હતું. તો મેં એમાં લખ્યું હતું કે ત્યાંના નાનકડા ગામની હોસ્પિટલ કેવી હોય છે તે મારે જોવી છે. નાના ગામોની શાળાઓ કેવી હોય છે તે મારે જોવી છે અને મેં એવું પણ લખ્યું હતું કે તમારી જે સૌથી જૂની જે વસ્તુ હોય, જેના પર તમે ગર્વ કરતાં હોવ તેવા સ્થળ પર મને લઈ જાવ. ત્યારે મને એ લોકો કદાચ પેન્સિલવેલિયા સ્ટેટમાં લઈ ગયા હતા. ત્યાં એક મોટો ખંડ હતો તે મને બતાવવામાં આવ્યો અને ખૂબ ગર્વ સાથે એ લોકો મને કહી રહ્યા હતા કે આ ખંડ 400 વર્ષ જૂનો છે. તેમના માટે એ ખૂબ જ જૂનો અને ગર્વનો વિષય હતો. આપણે ત્યાં કોઈ બે હજાર, પાંચ હજાર વર્ષ પહેલાની વાત હોય તો…. સારું સારું હશે… આ જે આપણું કટ ઑફ છે, તેણે આપણું ઘણું નુકશાન કર્યું છે.
દેશ આઝાદ થયા પછી આવી માનસિક સ્થિતિમાંથી બહાર આવવાની જરૂર હતી, પરંતુ કમનસીબે એક એવા વિચારે હિંદુસ્તાનને જકડી રાખ્યું હતું કે જે આપણાં પુરાતન સમયના ગર્વની બાબત હતી તે ગર્વને આપણે ગુલામ માનતા હતા અને હું માનું છું કે આપણને જ્યાં સુધી આપણા વારસા પર અને આપણી ધરોહર પર ગર્વ નહીં હોય તો આ ધરોહરને સાચવવાનું અને સજાવવાનું મન પણ નહીં થાય. કોઈ વસ્તુને સજાવવાનું મન ત્યારે થતું હોય છે કે જ્યારે તેના માટે ગર્વ હોય છે, નહીં તો તે એક ટૂકડો બનીને રહી જાય છે. હું જ્યારે નાનો હતો ત્યારે મારા માટે નસીબની વાત હતી કે મારો જે ગામમાં જન્મ થયો હતો તે ગામનો પણ એક ઈતિહાસ હતો. સદીઓથી માનવ વ્યવસ્થા સતત વિકસીત થતી રહે છે. હ્યુએન ત્સાંગે પણ લખ્યું હતું કે ત્યાં બૌદ્ધ ભિક્ષુઓનું ખૂબ મોટું વિશ્વવિદ્યાલય કાર્યરત હતું અને તે બધી વસ્તુઓ અહિં છે, પરંતુ અમારા ગામમાં અમે ભણતા હતા ત્યારે એક શિક્ષક હતા તે અમને સમજાવતા હતા કે તમે કોઈપણ જગ્યાએ જાવ, કોઈપણ પથ્થર પર કોઈને કોઈ કામ થયું છે. એવું દેખાતું હતું કે આ બધાને એકત્ર કરીને શાળાના એક ખૂણામાં મૂકી રાખીએ. અહિંયા લાવીને છોડી દઈએ. અને અમારી બાળકોની એવી આદત બની ગઈ હતી કે જો કોઈ પથ્થર નજરે પડે અને તેના પર બે અક્ષર પણ લખેલા જોવા મળે તો અમે તેને લાવતા હતા અને એક ખૂણામાં મૂકી રાખતા હતા. ખેર, હવે તો મને ખબર નથી કે તે બધાનું શું થયું. પરંતુ બાળકોને ટેવ પડી ગઈ હતી. પરંતુ મને સમજાયું છે કે જે દેખાવમાં પથ્થરો હતા, જે એમને એમ રોડ પર પડેલા રહેતા હતા તેનું કેટલું મૂલ્ય હોય છે. તે એક શિક્ષકની જાગૃતિ હતી અને તેમણે એવા સંસ્કાર આપ્યા હતા. અને ત્યારથી માંડીને અત્યાર સુધી મારા અંતર મનના એક ખૂણામાં આ બધી ચીજો પડેલી છે અને અમે આ બધુ કરતા રહ્યા છીએ.
મને બરાબર યાદ છે કે અમદાવાદમાં ડૉ. હરિભાઈ ગોધાણી રહેતા હતા. તેઓ એક તબીબ હતા. આ સ્વભાવને કારણે મેં જ્યારે તેમને સાંભળ્યા તે પછી હું તેમને મળવા ગયો. તે સમયે ફીઆટ ગાડી હતી. તેમણે કહ્યું કે જુઓ ભાઈ, મેં મારા જીવનમાં 20 ફીઆટ કાર નકામી કરી દીધી છે. હું દરેક શનિવારે અને રવિવારે મારી ફીઆટ કાર લઈને બહાર નિકળું છું અને જંગલોમાં જાઉં છું. પથ્થરોની વચ્ચે ચાલતો રહું છું. કાચા રસ્તા હોય છે અને એક વર્ષથી વધુ સમય મારી ગાડી ચાલતી નથી અને હું માનું છું કે કોઈ એક વ્યક્તિનું આટલું મોટું સંકલન કદાચ ખૂબ જૂજ હશે. મેં એ સમયે જે જોયું હતું અને તેમની પાસે પુરાતત્વનો એક મોટો સંગ્રહ હતો. તે પોતે એક તબીબ હતા, પરંતુ તેમણે મને કેટલીક સ્લાઈડ બતાવી. એ સમયે મારી ઉંમર ઘણી નાની હતી, પરંતુ જીજ્ઞાસા હતી. એ બધામાંથી મને તેમણે એક પથ્થર પર કરવામાં આવેલું કોતરકામ બતાવ્યું. તેમાં એક સગર્ભા મહિલા હતી અને તેમનું કહેવું હતું કે આ કદાચ 800 વર્ષ જૂની કૃતિ છે. સગર્ભા મહિલાની સર્જરી કરીને એક ભાગ કાપીને તેનું પેટ બતાવવામાં આવ્યું હતું. ચામડીના કેટલા સ્તર હોય છે તે પથ્થર ઉપર કોતરીને બતાવવામાં આવ્યાં હતાં. બાળક પેટમાં કેવી રીતે સૂઈ રહ્યું હોય છે તેને પણ પથ્થર પર કોતરીને બતાવવામાં આવ્યું હતું.
મને કોઈ કહેતુ હતું કે તબીબી વિજ્ઞાનમાં જે શોધ થઈ છે તે થોડીક સદીઓ પહેલાં જ થઈ છે. આ અમારા એક શિલ્પકારે લગભગ 800 વર્ષ પહેલાં પથ્થર પર જે વસ્તુઓ કોતરી હતી તે પછી વિજ્ઞાને તેને પૂરવાર કરી બતાવી કે ચામડીનાં કેટલા સ્તર હોય છે, બાળક માના ગર્ભમાં કઈ રીતે સૂઈ જતું હોય છે અને હવે આપણે કલ્પના પણ કરી શકીએ છીએ કે આપણે ત્યાં જ્ઞાન કેટલે ઊંડે સુધી પહોંચ્યું હતું અને કેવી રીતે કામ થતા હતા તે સ્લાઈડ પણ તેમણે મને બતાવી હતી.
આનો અર્થ એ થયો કે આપણી પાસે એવો વારસો હતો, એનો અર્થ એ કે તે જમાનામાં કોઈને કોઈ જ્ઞાન હતું, નહીં તો તેમને કેવી રીતે ખબર પડે કે ચામડીનાં આટલા સ્તર હોય છે અને તેમણે પથ્થર પર કેવી રીતે કોતર્યા હશે. આનો અર્થ એ કે આપણું વિજ્ઞાન કેટલું જૂનુ હશે તેનું જ્ઞાન આપણને મળતું રહે છે. એટલે કે પોતે સ્વયં એક સામર્થ્યવાન સૃષ્ટિ છીએ, જેનું આપણે ગર્વ કરીએ છીએ અને તેને બારીકીથી તપાસી રહ્યા છીએ.
દુનિયામાં એક સારી વાત આપણે અનુભવી રહ્યા છીએ અને વિશ્વમાં જે પણ લોકો આવી વસ્તુઓમાં રસ દાખવે છે ત્યાં ઘણી જન ભાગીદારી અને જન સહયોગ થતો હોય છે. તમે દુનિયામાં કોઈ પણ સ્મારક પર જાવ, નિવૃત્ત લોકો સેવા ભાવનાથી યુનિફોર્મ પહેરીને ત્યાં આવે છે. ગાઈડ તરીકે ત્યાં કામ કરે છે. તમને સાથે લઈ જાય છે, દેખાડે છે, તમારી સંભાળ લે છે. આ બધી જવાબદારી સમાજ ઉઠાવે છે. આપણાં દેશમાં પણ આવો એક સ્વભાવ બનાવવો છે. આપણાં જે વરિષ્ઠ નાગરિકો છે તેમની એક એવી ક્લબ બનાવીને આ બાબતને આપણે તેમના મનમાં ઉતારવી જોઈએ. સમાજની ભાગીદારીથી આપણાં આ વારસાને બચાવવાનું કામ સારી રીતે થઈ શકશે. કદાચ, કોઈ સરકારી કર્મચારી ઉભો થઈ જાય અને થશે. પદ્ધતિ એવી હોય છે કે કોઈ કેટલો મોટો ચોકીદાર હોય, તે બગીચાને સંભાળી શકતો નથી, પરંતુ ત્યાં આવતા નાગરિકો નક્કી કરે કે આ બગીચાનો એક છોડ પણ તૂટવા નથી દેવો. તો, આવા બગીચાને સદીઓ સુધી કશું થતુ નથી. જન ભાગીદારીની એક તાકાત હોય છે અને એટલા માટે આપણે જ્યારે આપણાં સમાજ જીવનમાં આ વસ્તુને સંસ્થાકિય સ્વરૂપ આપીએ છીએ અને જે લોકો આ પ્રકારે સેવા આપી રહ્યા છે તેમને આમંત્રણ આપીએ તો તે સ્વયં એક ખૂબ મોટુ કામ બની જશે.
આપણે ત્યાં ઔદ્યોગિક દુનિયા છે, તેમની મદદ પણ લઈ શકાય તેમ છે. તેમના કર્મચારીઓને કહી શકીએ કે ભાઈ જો તમારે મહિનામાં સેવા ભાવનાથી 10 કલાક, 15 કલાક કામ કરવું હોય તો આ સ્મારક છે, તેની સંભાળ રાખવા માટે મેદાનમાં આવી જાવ. ધીરે-ધીરે આવી વસ્તુઓની કિંમત સમજાય છે. બીજુ એક એવું ક્ષેત્ર છે કે જેના પર વિચારણા કરવાની મને જરૂર લાગે છે. માની લો કે આપણે નક્કી કરીએ, અને એ પણ જરૂરી નથી કે આવું માત્ર એએસઆઈના લોકો કરે. પ્રવાસન વિભાગ પણ તેમાં જોડાઈ શકે છે, સાંસ્કૃતિક વિભાગ પણ જોડાઈ શકે છે, સરકારના અન્ય વિભાગો પણ જોડાઈ શકે છે, રાજ્ય સરકારના વિભાગો પણ જોડાઈ શકે છે.
પરંતુ માની લો કે આપણે નક્કી કરીએ અને દેશમાંથી 100 શહેર પસંદ કરીએ, જે આ વારસાની દ્રષ્ટિએ ખૂબ જ મૂલ્યવાન હોય. પ્રવાસનના ક્ષેત્રમાં ઘણાં સારા સ્થળો છે અને તે શહેરના બાળકોનો જે અભ્યાસક્રમ હોય છે. તેમને તે શહેરના પુરાત્તત્વના અભ્યાસક્રમમાં આ ભણાવવું જોઈએ. તે શહેરનો ઈતિહાસ ભણાવવો જોઈએ અને તે પછી દરેક પેઢીમાં તે શહેરમાં શું થયું તે જણાવવું જોઈએ. જો આગ્રાના બાળકોના અભ્યાસક્રમમાં તાજમહાલની પૂરી કથા હશે તો તેનું ધ્યાન અલગ જગ્યાએ નહીં ફંટાય. બાળકો પેઢી દર પેઢી થતા જશે અને તેમની ક્ષમતાની સાથે-સાથે સામર્થ્ય પણ તૈયાર થતું રહેશે.
બીજુ, માની લો કે સંસ્થાકિય રીતે એવા 100 શહેરોમાં આપણે ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી શકીએ તેમ છીએ અને તેમાં જે લોકો પાસ થતા હોય છે તેમને ઝીણામાં ઝીણી વાતોની ખબર હોય છે. વર્ષ પણ યાદ રહેશે અને આપણે તેમને ઉત્તમ ગુણવત્ત ધરાવતા ટુરિસ્ટ ગાઈડ તરીકે તૈયાર કરી શકીશું.
હું કોઈ એક વખત ટીવી ચેનલના લોકો સાથે વાત કરી રહ્યો હતો. તે સમયે હું પ્રધાનમંત્રી ન હતો. મેં તેમને એક વખત એવી વાત કરી કે તમે પ્રતિભા શોધવાનું કામ કરો છો. ગીત ગાવાવાળા બાળકો અને નૃત્ય કરનાર બાળકો ખૂબ સારો દેખાવ કરે છે. દેશમાં બાળકોની એક એવી પ્રતિભા છે તે બાબત આપણને ટીવીના માધ્યમથી જ ખબર પડતી હોય છે. મેં કહ્યું કે ઉત્તમ ગાઈડ તેમની પ્રતિભાની સ્પર્ધા કરાવી શકે છે ખરા અને તેમને કહેવામાં આવે કે સ્ક્રીન પર જે શહેરના ગાઈડ તરીકે તે કામ કરવા માંગતા હોય તેમને લાવીને બતાવો. ગાઈડ પોતાના ઉત્તમ પોશાક પહેરીને આવે, ભાષા શીખે અને કઈ રીતે ટુરિસ્ટ ગાઈડ તરીકે દુનિયાને બધુ બતાવવાનું છે તેની સ્પર્ધા પણ કરવામાં આવે. આમાં ફાયદો એ થશે કે ભારતના ટુરિસ્ટ ગાઈડને પ્રોત્સાહન મળશે, પ્રચાર થશે અને ધીરે-ધીરે ગાઈડના નામે આ લોકો તૈયાર થશે અને ગાઈડ વગર આ બધી વ્યવસ્થા ચલાવવાનું મુશ્કેલ બની જતું હોય છે.
પરંતુ જ્યારે દિલમાં એવું થાય છે કે તેની પાછળ એક ઈતિહાસ છે, તો તેના માટે એક લાગણી ઉભી થતી હોય છે. તમને કોઈ રૂમમાં બંધ કરી દે અને કોઈ વ્યક્તિ રૂમમાં બંધ હોય અને રૂમના દરવાજા પર એક નાનકડું છીદ્ર કરીને અંદરથી કોઈ હાથ બહાર કાઢે અને લાંબી કતાર લગાવવામાં આવે અને કહેવામાં આવે કે તેમની સાથે હાથ મિલાવો. કોણ વ્યક્તિ છે તે ખબર નથી, છેદ કરેલો છે, હાથ લટકેલો છે. તમે જતાં હોવ તો તમને એવું લાગશે કે કોઈ મૃત શરીરનો હાથ લગાવીને ચાલવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે તમને જણાવવામાં આવે કે અરે ભાઈ, આ તો સચિન તેંદુલકરનો હાથ છે. તો તમે તેને છોડશો જ નહીં. આનો અર્થ એ થયો કે જ્યારે જાણકારી હોય ત્યારે પોતાપણાંની એક તાકાત હોય છે. આપણને આ બધી વારસાગત વસ્તુઓની જાણકારી હોય તે ખૂબ જ જરૂરી છે.
હું એક સમયે કચ્છના રણમાં વિકાસ કરવા માંગતો હતો. હવે રણમાં પ્રવાસન પ્રવૃત્તિ વિકસાવવી તે એક મોટો પડકાર હોય છે. શરૂઆતમાં મેં ત્યાંના બાળકોને ગાઈડ તરીકે તાલીમ આપી અને તેમને સમજાવ્યું કે મીઠુ કઈ રીતે બને છે તે લોકોને શિખવવાનું છે. રણમાં મીઠું શું હોય છે. અને તમે હેરાન થઈ જશો કે નવમાં ધોરણમાં ભણતા બાળકો અને બાળકીઓ એટલી સારી રીતે લોકોને સમજાવી રહ્યા હતા કે આ વિસ્તાર કેવો છે, અહીં કેટલા પ્રકારના મીઠાની ખેતી થાય છે. તેમાં શું પ્રક્રિયા થતી હોય છે. સૌથી પહેલા અહિંયા કોણ આવ્યું હતું. કોઈ અંગ્રેજે આવીને કેવી રીતે…. આ બધુ ખૂબ સારી રીતે આ લોકો સમજાવવા લાગ્યા. લોકોને તેમાં રસ પડવા લાગ્યો. આ બાળકોને રોજગાર મળી ગયો. હું પરેશાન છું કે ટેકનોલોજી બદલાઈ છે. તમે લોકો મને માફ કરજો. હું તમને કેટલીક બાબતો જણાવીશ. તમે લોકો ખોટુ લગાડશો નહીં. દુનિયા કેવી રીતે ચાલી રહી છે. આજે સ્પેસ ટેકનોલોજી મારફતે હજારો માઈલ ઉપરથી કઈ ગલીમાં કયું સ્કૂટર પાર્ક કરવામાં આવ્યું છે, તેનો નંબર શું છે તેનો ફોટો તમે લઈ શકો છો. પરંતુ સ્મારકના બોર્ડ પર લખેલું હોય છે અહિંયા તસવીર લેવાની મનાઈ છે. હવે સમય બદલાયો છે. હા, ટેકનોલોજી પણ બદલાઈ ગઈ છે. એક વખત અમારે ત્યાં જ્યાં સરદાર સરોવર ડેમ બની રહ્યો હતો તે સમયે કેટલાંક લોકો આવવા માંગતા હતા. ક્યારેક બંધ છલકાઈ જતો હોય છે. અને લોકો તે જોવા ઈચ્છતા હોય છે. ત્યાં મોટા-મોટા બોર્ડ લગાવવામાં આવ્યા હતા કે ફોટો લેવાની મનાઈ છે વગેરે… મેં તેનાથી વિરૂદ્ધ કામ કર્યું. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો એટલે હું આવુ કરી શકતો હતો. મેં કહ્યું કે અહિંયા જે સારામાં સારો ફોટો ખેંચશે તેને ઈનામ આપવામાં આવશે અને શરત એવી હતી કે તે ફોટો વેબસાઈટ પર અપલોડ કરવો પડશે. તમને નવાઈ લાગશે કે લોકો ફોટો લેવા લાગ્યા અને ઓનલાઈન મૂકવા પણ લાગ્યા. તે પછી મેં કહ્યું કે અહિં ટિકિટ લેવી પડશે. જે પણ લોકો અહિં બંધ જોવા આવશે તેમણે ટિકિટ લેવી પડશે. ટિકિટનું રજીસ્ટ્રેશન થશે અને મેં કહ્યું કે જ્યારે પાંચ લાખ લોકો થશે ત્યારે ડિજિટલમાં પાંચ લાખના નંબરનું બહુમાન કરવામાં આવશે. ત્યારે મને નવાઈ લાગી કે જેનો પાંચ લાખમો નંબર હતો તે વ્યક્તિ કાશ્મીરના બારામુલ્લાનો હતો. તે એક કપલ પાંચ લાખમાં નંબરે પહોંચ્યું હતું. તે પછી જાણવા મળ્યું કે તેની કેટલી બધી તાકાત હોય છે અમે તેને સન્માનિત કર્યા હતા. કેટલીક જૂની વાતો ત્યાં પણ અમલમાં મૂકવામાં આવી. અમે કેટલાક બાળકોને તૈયાર કર્યા. ધોરણ 8 અને ધોરણ 10ના બાળકોને મેં જણાવ્યું કે તમે ગાઈડ તરીકે કામ કરો અને આ ડેમ બનવાનો કઈ રીતે શરૂ થયો, કઈ રીતે મંજૂરી મળી, કેટલી સિમેન્ટનો ઉપયોગ થયો, કેટલું લોખંડ વપરાયુ, કેટલું પાણી એકત્ર થશે વગેરે ખૂબ સારી રીતે આદિવાસી બાળકો સમજાવતા હતા. આ બાળકો એટલી સારી રીતે ગાઈડ કરતા હતા કે મને લાગે છે કે આપણાં દેશના ઓછામાં ઓછા 100 શહેરોમાં જો આપણે નક્કી કરીએ તો આવી રીતે, આ પ્રકારે આપણે નવી પેઢીને તૈયાર કરી શકીએ અને તે ગાઈડના વ્યવસાયમાં ધીરે-ધીરે આગળ વધી શકે. જેમની આંગળીઓ પર ઈતિહાસ વિકસતો હોય, ઈતિહાસ રોકાઈ ગયો હોય, તેવું આપણે કરી શકીએ તો તમે જુઓ કે ભારત પાસે જે મહાન વારસો છે, હજારો વર્ષ જૂની આપણી જે ગાથા છે, દુનિયા માટે જે અજાયબી છે, આપણે દુનિયાને બીજુ કંઈ આપવાની જરૂર રહેતી નથી. આપણાં પૂર્વજો જે છોડીને ગયા છે તે જ આપણે બતાવવાનું છે. હિંદુસ્તાનના પ્રવાસનને કોઈ રોકી શકશે નહીં. અને આપણે એવા સંતાનો તો નથી કે આપણાં પૂર્વજોના પરાક્રમોને ભૂલી જઈએ. આપણાં લોકોની જવાબદારી છે કે આપણાં પૂર્વજોનો જે વારસો છે તેને આપણે દુનિયા સામે ખૂબ જ ગર્વ સાથે રજૂ કરીએ. ખૂબ શાનથી રજૂ કરીએ અને વિશ્વને આ વારસાને સ્પર્શવાનું મન થઈ જાય, તેની પૂજા કરવાની ઈચ્છા થઈ જાય તેવી સ્થિતિ ઉભી થવી જોઈએ. આવા આત્મવિશ્વાસ સાથે આપણે આગળ વધવાનું છે. આ અપેક્ષા સાથે આ વારસાના ભવન માટે પણ એવી જ ભાવના ઉભી થાય તેવી પ્રબળ ભાવના સાથે હું ખૂબ-ખૂબ શુભકામના પાઠવું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.