ભારત માતાની – જય,
ભારત માતાની – જય,
ભારત માતાની – જય,
મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને દૂરદૂરથી આવેલા તથા દૂરદૂર સુધી ઊભેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો,
નવી સરકારની રચના થયા પછી જે થોડાં રાજ્યોમાં મને સૌપ્રથમ જવાની તક મળી એમાં ઝારખંડ પણ એક છે. આ જ પ્રભાત મેદાન, પ્રભાત તારા મેદાન, સવારનો સમય અને આપણે બધા યોગ કરી રહ્યાં હતાં. વરસાદ પણ આપણાં પર આશીર્વાદ વરસાવી રહ્યો હતો. જ્યારે આજે ફરી આ મેદાનમાં આવ્યો છું, ત્યારે અનેક જૂની યાદો તાજી થઈ ગઈ. આ જ મેદાનથી જ્યાંથી આયુષ્માન ભારત યોજના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી.
સાથીદારો,
આજે ઝારખંડની ઓળખમાં એક વધુ પરિબળ જોડવાનું સૌભાગ્ય મને મળ્યું છે. ભાઈઓ અને બહેનો, તમારા ઝારખંડની એક નવી ઓળખ ઊભી થઈ રહી છે. આ એક એવું રાજ્ય છે, જે ગરીબ અને જનજાતિ સમુદાયનાં હિતોની મોટી યોજનાઓ માટે એક પ્રકારે લોંચિંગ પેડ બની ગયું છે. એટલે જ્યારે દેશમાં આ વાતની ચર્ચા થશે કે ગરીબો સાથે સંબંધિત મોટી યોજનાઓ કયા રાજ્યમાંથી શરૂ થઈ હતી, ત્યારે ઝારખંડનું નામ સૌથી વધુ ચર્ચામાં આવશે. આ જ ઝારખંડમાંથી દુનિયાની સૌથી મોટી હેલ્થ વીમા યોજના આયુષ્માન ભારતની શરૂઆત થઈ હતી અને અત્યારે દેશનાં લાખો લોકો, જે રૂપિયાનાં અભાવે સારવાર કરાવી શકતાં નથી, એમની સારવાર થઈ રહી છે, તેઓ આશીર્વાદ આપી રહ્યાં છે. આ આશીર્વાદ ઝારખંડને પણ મળી રહ્યાં છે.
અત્યારે આખા દેશનાં કરોડો ખેડૂતો માટે પેન્શન સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની શરૂઆત પણ ઝારખંડનાં બિરસા મુંડાની ધરતી પરથી થઈ રહી છે. એટલું જ નહીં દેશનાં કરોડો વેપારીઓ અને સ્વરોજગારી મેળવતા લોકો માટે રાષ્ટ્રીય પેન્શન યોજનાની શરૂઆત પણ ઝારખંડથી થઈ રહી છે. હું આ મહાન ધરતી પરથી દેશભરનાં ખેડૂતો અને વેપારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
એટલે કે અમારી સરકારે દેશનાં અસંગઠિત કામદારોને પેન્શનની યોજના આપી. પછી ખેડૂતો માટે પેન્શન યોજના. ત્યારબાદ વેપારીઓ અને સ્વરોજગારી મેળવતા લોકો માટે પેન્શન યોજના એટલે એક રીતે દેશનું નિર્માણ કરવામાં સંકળાયેલા સમાજનાં તમામ વર્ગોને વૃદ્ધાવસ્થામાં મુશ્કેલીમાં જીવવું ન પડે એવી ખાતરીઆ પેન્શન યોજના લઈને આવી છે.
સાથીદારો,
આજે મને સાહિબગંજ મલ્ટિ-મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું છે અને અમારાં મંત્રી શ્રીમાન મનસુખ માંડવિયાજી અહીં બેઠા છે. સંથાલ પરગણાનાં બહુ લોકો પણ આજે આ મોટાં મહત્ત્વપૂર્ણ પ્રસંગનાં સાક્ષી બની રહ્યાં છે. આ પ્રોજેક્ટ ઝારખંડ અને હિંદુસ્તાનની સાથે દુનિયાને પણ ઝારખંડની નવી ઓળખનો પરિચય કરાવશે. આ પ્રોજેક્ટ હોવાની સાથે સંપૂર્ણ ક્ષેત્રને પરિવહનનો નવો વિકલ્પ પ્રદાન કરે છે.
આ ટર્મિનલ રાષ્ટ્રીય જળમાર્ગ એક હલ્દિયા બનારસ જળમાર્ગ વિકાસ યોજનાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ જળમાર્ગ ઝારખંડને સંપૂર્ણ દેશની સાથે વિદેશ સાથે પણ જોડશે. એનાં માધ્યમથી ઝારખંડનાં લોકો માટે વિકાસની અપાર સંભાવનાઓ ખુલશે. આ ટર્મિનલથી અહીનાં આદિવાસી ભાઈ-બહેનોને, અહીનાં ખેડૂતોને, પોતાનાં ઉત્પાદનને હવે દેશનાં તમામ બજારો સુધી વધારે સરળતાપૂર્વક પહોંચાડવાની સુવિધા મળશે. આ જ રીતે જળમાર્ગનાં કારણે ઉત્તર ભારતથી ઝારખંડ સહિત પૂર્વોત્તરની સાથે ઉત્તર પૂર્વનાં રાજ્ય અસમ, નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય આ તમામ રાજ્યો સુધી હવે ઝારખંડની ઉત્પાદકતાને ત્યાં સુધી પહોંચાડવાનું સરળ બનશે. આ ટર્મિનલ રોજગારીની નવી તકો પણ ઊભી કરશે. પ્રગતિની દ્રષ્ટિએ જોઈએ અથવા પર્યાવરણની દ્રષ્ટિએ – આ જળમાર્ગ બહુ લાભદાયક સાબિત થશે અને માર્ગથી જે સામાન આવે છે એનો જેટલો ખર્ચ થાય છે, એ જળમાર્ગથી આવે છે ત્યારે એનો ખર્ચ ઘટી જાય છે. એનો લાભ પણ દરેક ઉત્પાદકને, દરેક વેપારીને, દરેક ગ્રાહકને મળશે.
ભાઈઓ અને બહેનો,
ચૂંટણી સમયે મેં તમને કામદાર અને દમદાર સરકારનું વચન આપ્યું હતું. એક એવી સરકાર જે અગાઉથી પણ વધારે ઝડપથી કામ કરશે. એક એવી સરકાર જે તમારી આકાંક્ષાઓ પૂર્ણ કરવા પૂરી તાકાત લગાવી દેશે. છેલ્લાં 100 દિવસમાં દેશે ટ્રેલર જ જોયું છે, આખી ફિલ્મ જોવાની બાકી છે.
અમારો સંકલ્પ છે, દરેક ઘરે પાણી પહોંચાડવાનો, અત્યારે દેશ જલ જીવન મિશન પૂર્ણ કરવા માટે બહાર નીકળ્યો છે. અમારો સંકલ્પ છે – મુસ્લિમ બહેનોનાં અધિકારોનું રક્ષણ કરવાનો, સો દિવસની અંદર ત્રણ તલાક સામે કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે.
અમારો સંકલ્પ છે, આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ. અગાઉ સો દિવસમાં જ આતંકવાદવિરોધી કાયદાને વધારે મજબૂત કરવામાં આવ્યો છે.
અમારો સંકલ્પ છે – જમ્મુ, કાશ્મીર અને લડાખને વિકાસની નવી ઊંચાઈ પર પહોંચાડવાનો. સો દિવસની અંદર જ એની શરૂઆત અમે કરી દીધી છે.
અમારો સંકલ્પ છે જનતાને લૂંટનારાઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનો. એના પર પણ બહુ ઝડપથી કામ થઈ રહ્યું છે. કેટલાંક લોકો તો ચાલ્યા પણ ગયા અંદર.
ભાઈઓ અને બહેનો,
મેં કહ્યું હતું કે, નવી સરકાર બનતાં જ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ દેશનાં દરેક ખેડૂત પરિવારને મળશે. આ વચન અમારી સરકારે પૂરું કર્યું છે અને હવે વધુને વધુ ખેડૂતો આ યોજના સાથે જોડાઈ રહ્યાં છે.
અત્યારે દેશનાં લગભગ સાડા છ કરોડ ખેડૂત પરિવારોનાં ખાતામાં 21 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમ જમા થઈ ગઈ છે. અત્યારે મને સંતોષ છે કે, આ તમામ યોજનામાં મારાં ઝારખંડનાં આઠ લાખ ખેડૂત પરિવારો પણ એનાં લાભાર્થી બની ગયા છે, એમનાં ખાતામાં લગભગ અઢીસો કરોડ – આટલાં રૂપિયા જમા થઈ ગયા છે. કોઈ વચેટિયા નથી. કોઈની ભલામણની જરૂર નથી, બંગાળમાં કહેવાય છે કે, પૈસા મળશે તો ક્યાંક ભાગ આપવો પડશે, એવું કશું જ અહીં નથી, રૂપિયા સીધા ખેડૂતનાં ખાતામાં જમા થઈ રહ્યાં છે.
ભાઈઓ અને બહેનો,
આજનો દિવસ ઝારખંડ માટે ઐતિહાસિક રહ્યો છે. આજે અહીં ઝારખંડ વિધાનસભા માટે નવી બિલ્ડિંગનું લોકાર્પણ અને સચિવાલયનાં નવા મકાનનો શિલાન્યાસ પણ થયો છે. રાજ્ય બન્યાનાં લગભગ બે દાયકા પછી આજે ઝારખંડમાં લોકશાહીનાં મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ ફક્ત બિલ્ડિંગ નથી, ચાર દિવાલો નથી, આ એવું પવિત્ર સ્થાન છે, જ્યાં ઝારખંડનાં લોકોનાં સોનેરી ભવિષ્યનો પાયો નાંખવામાં આવશે. લોકશાહીમાં વિશ્વાસ ધરાવતાં દરેક નાગરિક માટે આ તીર્થસ્થાન છે. લોકશાહીનાં આ મંદિરનાં માધ્યમથી ઝારખંડની વર્તમાન અને આગામી પેઢીઓનાં સ્વપ્નો સાકાર થશે. હું ઇચ્છું છું કે, ઝારખંડનાં તેજસ્વી અને પ્રતિભાશાળી યુવાનો વિધાનસભાની નવી બિલ્ડિંગ જોવા જરૂર આવે. જ્યારે પણ તક મળે, ચાર મહિના, છ મહિના પછી, વર્ષ પછી પણ તેઓ એક વાર આ બિલ્ડિંગ જોવા આવે.
સાથીદારો,
તમે સંસદનાં ગત સત્રને લઈને ઘણું સાંભળ્યું હશે, જોયું હશે. જે રીતે નવી સરકાર બન્યાં પછી, નવી સંસદની રચના થયા પછી આપણી લોકસભા અને રાજ્યસભાએ જે કામગીરી કરી છે એને જોઈને હિંદુસ્તાનનાં દરેક નાગરિકનાં ચહેરા પર આનંદ જોવા મળે છે, ખુશી જોવા મળે છે. આવું એટલા માટે થયું, કારણ કે આ વખતે સંસદનું ચોમાસુ સત્ર આઝાદ હિંદુસ્તાનનાં ઇતિહાસમાં સૌથી વધુ ફળદાયી સત્ર રહ્યું છે. સમગ્ર દેશે જોયું કે કઈ રીતે ચોમાસુ સત્રમાં સંસદનાં સમયનો સાર્થક સદુપયોગ થયો હતો. મોડી રાત સુધી સંસદની કામગીરી ચાલતી રહી. કલાકો સુધી ચર્ચાઓ થઈ. આ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ અને દેશ માટે જરૂરી કાયદાઓ બનાવવામાં આવ્યાં.
સાથીદારો,
સંસદની કામગીરીનું શ્રેય તમામ સાંસદો, તમામ રાજકીય પક્ષો અને તેમનાં તમામ નેતાઓને પણ જાય છે. મારી તરફથી તમામ સાંસદોને અભિનંદન, દેશવાસીઓને શુભેચ્છા.
સાથીદારો,
વિકાસ અમારી પ્રાથમિકતા પણ છે અને અમારી કટિબદ્ધતા પણ છે. અમે વિકાસનું વચન આપ્યું છે અને અમે વિકાસનાં માર્ગે આગળ વધવા અટલ ઇરાદો ધરાવીએ છીએ. આજે દેશ જેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે, અગાઉ ક્યારેય આગેકૂચ કરી નહોતી. આજે દેશમાં જે રીતે પરિવર્તન થઈ રહ્યું છે, એની અગાઉ કલ્પના પણ થઈ શકતી નહોતી. જે લોકો એવું માનતા હતાં કે તેઓ દેશનાં કાયદાથી પર છે, દેશની અદાલતોથી પર છે, તેઓ અત્યારે અદાલતમાં જામીન મેળવવા અરજી કરી રહ્યાં છે.
ભાઈઓ અને બહેનો,
આ જ રીતે ઝડપથી કામ કરતી સરકાર જોવા ઇચ્છો છો ને? તમે સો દિવસનાં કામથી ખુશ છો ને? તમે લોકો ખુશ છો? બરોબર કામ કરી રહ્યો છું, સાચી દિશામાં આગળ વધી રહ્યો છું, તમારાં આશીર્વાદ છે, આગળ પણ તમારાં આશીર્વાદ બની રહેશે. હજુ તો શરૂઆત છે. પાંચ વર્ષ બાકી છે, બહુ સંકલ્પ બાકી છે, બહુ પ્રયાસો બાકી છે, બહુ પરિશ્રમ બાકી છે. આ કડીમાં થોડા સમય અગાઉ નાનાં ખેડૂતો, દુકાનદારો અને વેપારીઓનાં હિતમાં ઐતિહાસિક યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. હું ઝારખંડ સહિત સંપૂર્ણ દેશનાં નાનાં ખેડૂતો, દુકાનદારો, વેપારીઓ, વ્યવસાયિકોને આગ્રહ કરીશ કે આ યોજનાઓનો લાભ તમે જરૂર ઉઠાવો.
ભાઈઓ અને બહેનો,
અમારી સરકાર દરેક ભારતવાસીને સામાજિક સુરક્ષાનું કવચ આપવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર એ લોકોની સાથી બની રહી છે, જેમને સૌથી વધુ સહાયતાની જરૂર છે. આ જ વર્ષે માર્ચમાં એવી જ પેન્શન યોજના દેશનાં કરોડો અસંગઠિત ક્ષેત્રનાં કામદારો માટે શરૂ કરવામાં આવી છે. શ્રમયોગી માનધન યોજનામાં અત્યાર સુધી 32 લાખથી વધારે શ્રમિક સાથીદારો જોડાયા છે.
સાથીદારો,
હજુ પાંચ વર્ષ અગાઉ ગરીબો માટે જીવન વીમા કે અકસ્માત વીમાની કલ્પના કરવી પણ દુષ્કર હતી. એમનાં માટે આ બહુ મોટી વાત હતી, કારણ કે એમની પાસે જાણકારીનો અભાવ છે અને જેમની પાસે જાણકારી નહોતી તેઓ ઊંચા પ્રીમિયમને કારણે વીમો ઉતારાવવા અગાઉ સો વાર વિચારતા હતાં. તેઓ વિચારતાં હતાં કે હજુ રોટી, કપડા અને મકાનની ચિંતા છે ત્યાં ઘડપણ વિશે ક્યાં વિચારે – આ સ્થિતિને બદલવાનો અમે પ્રયાસ કર્યો છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દેશનાં સામાન્ય મનુષ્ય સામે રજૂ કરી છે. એમાં ફક્ત 90 પૈસા. તમે વિચારો કે તમારે દરરોજ ફક્ત 90 પૈસા ચુકવવાના છે અને દર મહિને એક રૂપિયાના દરે બંને યોજનાઓ અંતર્ગત બે-બે લાખ રૂપિયાનો વીમો સરકાર આપે છે. અત્યાર સુધી આ બંને યોજનાઓમાં 22 કરોડથી વધારે દેશવાસીઓ જોડાયા છે અને એમાં 30 લાખથી વધારે ઝારખંડનાં મારાં ભાઈઓ અને બહેનો છે. એટલું જ નહીં આ બંને યોજનાઓનાં માધ્યમથી અત્યાર સુધી સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધારેનાં દાવામાં વળતર મળ્યું છે.
ભાઈઓ અને બહેનો,
ગરીબો માટે વીમાની જેમ ગંભીર બિમારીઓની સારવાર પણ લગભગ અશક્ય હતી. અમે આયુષ્માન ભારત યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રસ્તુત કરી, આ ઝારખંડમાં જ શરૂ થઈ હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધી લગભગ 44 લાખ ગરીબ દર્દીઓને સારવારનો લાભ મળ્યો છે, જેમાંથી લગભગ 3 લાખ લોકો ઝારખંડનાં મારા ભાઈઓ અને બહેનો છે, જેમણે વિવિધ બિમારીઓમાં આ યોજનાનો લાભ લઈને સારવાર મેળવી છે. આ માટે હોસ્પિટલોને અત્યાર સુધી સરકારે રૂ. 7,000 કરોડથી વધારેની ચુકવણી કરી છે. આયુષ્માન ભારતમાંથી ગરીબોને સારવાર મળી રહી છે અને તેઓ દેવાદાર થવામાંથી પણ બચી રહ્યાં છે. હવે એમને શાહૂકારો પાસેથી વ્યાજે ઉધાર લઈને પોતાની સારવાર કરાવવાની જરૂર નથી.
ભાઈઓ અને બહેનો,
જ્યારે ગરીબોને જીવનની ચિંતા ઓછી હોય છે, રોજિંદા જીવનનો સંઘર્ષ ઓછો હોય છે, ત્યારે તેઓ પોતે એટલી તાકાત ધરાવે છે કે પોતાની ગરીબીમાંથી બહાર નીકળવાનાં પ્રયાસ શરૂ કરી દે છે. અમારી સરકારે, પછી એ કેન્દ્રમાં હોય કે ઝારખંડમાં હોય, ગરીબોનાં જીવનને સરળ બનાવવા, જનજાતિય સમાજ આદિવાસીઓનાં જીવનને સરળ બનાવવા, એમની ચિંતા દૂર કરવા પૂરી પ્રામાણિકતા સાથે પ્રયાસ કરે છે.
એક સમય હતો, જ્યારે ગરીબો બાળકોનું રસીકરણ થતું નહોતું અને તેઓ ઉંમર વધવાની સાથે જ ગંભીર બિમારીનો ભોગ બની જતા હતાં. અમે મિશન ઇન્દ્રધનુષ શરૂ કરીને દેશનાં અંતરિયાળ વિસ્તારોમાં પણ બાળકોનું રસીકરણ સુનિશ્ચિત કર્યું છે.
એક સમય હતો, જ્યારે ગરીબોને બેંકમાં ખાતું ખોલાવવામાં પણ મુશ્કેલી પડતી હતી. અમે જન ધન યોજના લાવીને દેશનાં 37 કરોડ ગરીબોનાં બેંક ખાતાં ખોલ્યાં છે.
એક સમય હતો, જ્યારે ગરીબને સસ્તાં સરકારી ઘર મળવાનું મુશ્કેલ હતું, અમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં માધ્યમથી 2 કરોડથી વધારે ઘર અમારાં ગરીબો માટે બનાવી દીધા છે. અત્યારે 2 કરોડથી વધારે ઘરોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
સાથીદારો,
એક સમય એવો હતો, જ્યારે ગરીબો પાસે શૌચાલયની સુવિધા નહોતી. અમે 10 કરોડથી વધારે શૌચાલયો બનાવીને, ગરીબ બહેન-દિકરીઓનાં જીવનની મોટી સમસ્યાનું સમાધાન કર્યું છે.
એક સમય એવો હતો, જ્યારે ગરીબ બહેન-દિકરીઓનું જીવન રસોડાનાં ધુમાડામાં બરબાદ થઈ રહ્યું હતું. અમે 8 કરોડ ગેસ કનેક્શન મફત આપીને, એમનાં સ્વાસ્થ્યનું રક્ષણ કર્યું છે, એમનું જીવન સરળ કર્યું છે.
ભાઈઓ અને બહેનો,
ગરીબની ગરિમા, એની મર્યાદા, એમનું સ્વાસ્થ્ય, એમની સારવાર, એમની દવાઓ, એમની વીમા સુરક્ષા, એમનું પેન્શન, એમનાં બાળકોનો અભ્યાસ, એમની કમાણી – એવું કોઈ ક્ષેત્ર નથી, જેને ધ્યાનમાં રાખીને અમારી સરકારે કામ ન કર્યું હોય. આ પ્રકારની યોજનાઓ ગરીબોને સક્ષમ બનાવવાની સાથે જીવનમાં નવો આત્મવિશ્વાસ પણ લાવે છે અને જ્યારે આત્મવિશ્વાસની વાત આવે છે, ત્યારે આપણાં જનજાતીય સમાજનાં બાળકોની ચર્ચા બહુ સ્વાભાવિક છે. અત્યારે આદિવાસી બાળકોનું, આદિવાસી યુવાનોનું, આદિવાસી દિકરીઓનું શિક્ષણ અને એમનું કૌશલ્ય વધારવા માટે બહુ મોટાં પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. દેશભરમાં 462 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ બનાવવાનું અભિયાન આજે ઝારખંડની ધરતી પરથી, ભગવાન બિરસા મુંડાની ધરતી પરથી શરૂ થયું છે. એનો બહુ મોટો લાભ ઝારખંડનાં મારાં જનજાતીય સમુદાયનાં ભાઈઓ અને બહેનોને વિશેષ સ્વરૂપે મળવાનો છે. આ એકલવ્ય સ્કૂલ આદિવાસી બાળકોનાં અભ્યાસનું માધ્યમ બનવાની સાથે અહીં સ્પોર્ટ્સ, ખેલકૂદને પણ પ્રોત્સાહન આપશે. એમાં અહીંનાં બાળકોનાં સામર્થ્ય અને કૌશલ્યને ખીલવવા, કુશળતાને પ્રોત્સાહન આપવા, સ્થાનિક કળા અને સંસ્કૃતિનાં સંરક્ષણ માટે પણ સુવિધાઓ હશે. આ શાળાઓમાં સરકાર, દરેક આદિવાસી બાળકો પર એક લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ કરશે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે. પણ મને વિશ્વાસ છે કે, આ શાળાઓમાં અભ્યાસ કરીને જે છોકરાઓ બહાર નીકળશે તેઓ આગામી સમયમાં નવા ભારતનાં નિર્માણમાં બહુ મોટી ભૂમિકા અદા કરશે.
સાથીદારો,
કનેક્ટિવિટીનાં બીજા માધ્યમો પર પણ ઝારખંડમાં ઝડપથી કામ થઈ રહ્યું છે. જે વિસ્તારોમાં સાંજ પછી બહાર નીકળવાનું મુશ્કેલ હતું, ત્યાં હવે માર્ગો પણ બની ગયા છે અને માર્ગો પર અવરજવર પણ દેખાઈ રહી છે. ફક્ત હાઈવે માટે નવ હજાર કરોડ રૂપિયાથી વધારેનાં પ્રોજેક્ટ્સની ઝારખંડને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી અનેક પ્રોજેક્ટ્સ પૂરાં થઈ ગયા છે. આગામી સમયમાં ભારતમાલા યોજના અંતર્ગત નેશનલ હાઈવેનું વિસ્તરણ કરવામાં આવશે. Roadways, Highways or waterways ઉપરાંત એરવેઝની કનેક્ટિવિટી પણ મજબૂત કરવા કામ ચાલી રહ્યું છે.
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વિકાસનાં આ જેટલાં કામ થયાં છે એની પાછળ અમારાં મિત્ર રઘુવર દાસજી અને એમની ટીમની મહેનત અને પરિશ્રમ તથા તમારા બધાનાં આશીર્વાદ જવાબદાર છે. અગાઉ જે પ્રકારનાં ગોટાળા થતા હતા, શાસનમાં જે રીતે પારદર્શકતાનો અભાવ હતો, એ સ્થિતિમાં પરિવર્તન લાવવાનો સંપૂર્ણ પ્રયાસ ઝારખંડની રઘુવર દાસની સરકારે કર્યો છે.
ભાઈઓ અને બહેનો,
જ્યારે આટલું બધું થઈ રહ્યું છે, ત્યારે એક જવાબદારી હું તમને બધાને, ઝારખંડનાં લોકો પર પણ સુપરત કરી રહ્યો છે. ગઈકાલથી દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત થઈ છે. આ અભિયાન અંતર્ગત 2 ઓક્ટોબર સુધી આપણે આપણાં ઘરોમાં, શાળાઓમાં, ઓફિસોમાં, સફાઈઓ કરવાની જ છે, ગામડાઓમાં સફાઈ કરવાની છે, પણ સાથે સાથે એક વિશેષ કામ કરવાનું છે. આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકને એકત્ર કરવાનો છે, એક જગ્યાએ જમા કરવાનો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે એક જ વાર કામ આવે અને પછી બેકાર થઈ જાય એવું પ્લાસ્ટિક. આ પ્લાસ્ટિક પર્યાવરણ માટે સમસ્યા, બોજ બની જાય છે. આ પ્રકારનાં તમામ પ્લાસ્ટિકને એક જગ્યાએ ભેગું કરીને આપણે આ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મેળવવાની છે.
બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ છે. આ પ્રસંગે આપણે એ પ્લાસ્ટિકનાં કચરાનાં ઢગલાને દૂર કરવાનો છે. સરકારે તમામ વિભાગોને સૂચના આપી છે, જેથી વધારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને એકત્ર કરી શકાય અને પછી એનું રિસાઈકલિંગ કરી શકાય. મારા પ્રકૃતિપ્રેમી ઝારખંડનાં લોકો, પર્યાવરણપ્રેમી ઝારખંડની જનતાને અપીલ છે કે, આ અભિયાનમાં જોડાવ અને દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ અપાવવા તમે નેતૃત્વ કરો, તમે નેતૃત્વ લો અને મારી સાથે આ ઉદાત્ત અભિયાનમાં સામેલ થઈ જાવ.
સાથીદારો,
હવે નવા ઝારખંડ માટે, નવા ભારત માટે આપણે તમામે ખભેખભો મિલાવીને કામ કરવાનું છે, હળીમળીને આગળ વધવાનું છે, આપણે સહિયારો પ્રયાસ કરીને દેશને આગળ વધારવાનો છે. આગામી પાંચ વર્ષ માટે ઝારખંડ ફરી વિકાસનું ડબલ એન્જિન બની જશે. આ જ વિશ્વાસ સાથે હું મારી વાણીને વિરામ આપું છું.
આજે મને પ્રાપ્ત થયેલી અનેક ભેટસોગાદો માટે ઝારખંડ અને દેશવાસીઓને ખૂબ ખૂભ શુભેચ્છાઓ આપું છું અને મારા તરફથી તમારા બધાનો આભાર માનું છું. હવે બંને મુઠ્ઠી બંધ કરો, બંને હાથ ઉપર કરીને, પૂરી તાકાત સાથે બોલો – ભારત માતાની – જય, તમારો અવાજ ઝારખંડનાં દરેક ગામડે પહોંચવો જોઈએ…..
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ખૂબ ખૂબ ધન્યવાદ.