ગ્રામીણ ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર #Gandhi150 #SwachhBharat
વર્ષ 2022 સુધી દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરાવવાનું લક્ષ્ય આપણે હાંસલ કરવાનું છે : પ્રધાનમંત્રી મોદી #Gandhi150 #SwachhBharat
ગાંધીજીએ દેખાડેલા રસ્તા પર ચાલીને આપણે સ્વચ્છ, સ્વસ્થ, સમૃદ્ધ અને સશક્ત ન્યુ ઇન્ડિયાનું નિર્માણ કરવાનું છે : પ્રધાનમંત્રી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય સહયોગી, નાઇજીરિયા, ઇન્ડોનેશિયા અને માલી સરકારના પ્રતિનિધિઓ, દુનિયાના જુદા-જુદા દેશોના હેડ્સ ઑફ મિશન, દેશભરમાંથી અહિં આવેલા હજારો સ્વચ્છાગ્રહીઓ, મારા તમામ સરપંચ સાથીઓ, ભાઈઓ અને બહેનો.

હું આજે મારી વાતનો પ્રારંભ કરતા પહેલા સાબરમતીના આ તટ પર અહિં ઉપસ્થિત તમામ સરપંચોના માધ્યમથી દેશના તમામ સરપંચો, નગર પાલિકા, મહાનગરપાલિકાના તમામ સંચાલકો, ભગિની સંસ્થાઓ; આપ સૌએ પાંચ વર્ષ સતત જે અવિરત પુરુષાર્થ કર્યો છે, જે સમર્પણ ભાવથી મહેનત કરી છે, જે ત્યાગ ભાવનાથી પૂજ્ય બાપુનું સપનું સાકાર કર્યું છે; માટે આજે હું મારી વાત શરુ કરતા પહેલા આપ સૌને આદરપૂર્વક નમન કરવા માગું છું.
સાબરમતીના આ પાવન તટ પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સાદગીના, સદાચારના પ્રતિક સમાન પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને હું નમન કરું છું, તેમના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પિત કરું છું.

સાથીઓ, પૂજ્ય બાપુની 150મી જયંતીનો પાવન અવસર હોય, સ્વચ્છ ભારત મિશનનો આટલો મોટો પડાવ હોય, શક્તિનું પર્વ નવરાત્રિ પણ ચાલી રહ્યું હોય, દરેક દિશામાં ગરબાની ગૂંજ હોય, આવો અદભૂત સંયોગ બહુ ઓછો જોવા મળે છે અને દેશભરમાંથી જે આપણા સરપંચ ભાઈ બહેનો આવ્યા છે, તમને લોકોને ગરબા જોવાનો અવસર મળ્યો કે નહિં? ગયા હતા ગરબા જોવા?

બાપુની જયંતીનો અવસર તો આખી દુનિયા ઉજવી રહી છે. કેટલાક દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્રએ ટપાલ ટિકિટ બહાર પાડીને આ વિશેષ અવસરને યાદગાર બનાવ્યો અને આજે અહિંયા પણ ટપાલ ટિકિટ અને સિક્કો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. હું આજે બાપુની ધરતી પરથી તેમની પ્રેરણા સ્થળી, સંકલ્પ સ્થળી પરથી સમગ્ર વિશ્વને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું.

ભાઈઓ અને બહેનો, અહિયાં આવતા પહેલા હું સાબરમતી આશ્રમ ગયો હતો. જીવનકાળ દરમિયાન મને અનેકવાર ત્યાં જવાનો અવસર મળ્યો છે. દર વખતે મને ત્યાં પૂજ્ય બાપુના સાનિધ્યનો અહેસાસ થયો, પરંતુ આજે મને ત્યાં એક નવી ઊર્જા પણ મળી. સાબરમતી આશ્રમમાં જ તેમણે સ્વચ્છાગ્રહ અને સત્યાગ્રહને વ્યાપક સ્વરૂપ આપ્યું હતું. આ જ સાબરમતીના કિનારે મહાત્મા ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા હતા.

ભાઈઓ અને બહેનો, આજે સાબરમતીની આ પ્રેરક સ્થળી સ્વચ્છાગ્રહની એક મોટી સફળતાની સાક્ષી બની રહી છે. તે આપણા સૌ માટે ખુશી અને ગૌરવનો અવસર છે અને સાબરમતી રિવરફ્રન્ટ પર આ કાર્યક્રમનું આયોજન થવું મારા માટે તો બમણી ખુશીનો વિષય છે.

સાથીઓ, આજે ગ્રામીણ ભારતે, ત્યાંના લોકોએ પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કર્યા છે. સ્વેચ્છાએ, સ્વ-પ્રેરણા વડે અને જન ભાગીદારી વડે ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનની આ શક્તિ પણ છે અને સફળતાનો સ્રોત પણ છે. હું દરેક દેશવાસીને, ખાસ કરીને ગામડાઓમાં રહેનારાઓને, આપણા સરપંચોને, તમામ સ્વચ્છાગ્રહીઓને આજે હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આજે જે સ્વચ્છાગ્રહીઓને અહિયાં સ્વચ્છ ભારત પુરસ્કાર મળ્યા છે, તેમને પણ ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ, આજે મને ખરેખર એવું લાગ્યું જાણે ઇતિહાસ પોતાની જાતને પુનરાવર્તિત કરી રહ્યો છે. જે રીતે દેશની આઝાદી માટે બાપુના એક આહવાન પર લાખો ભારતવાસી સત્યાગ્રહના રસ્તા પર નીકળી પડ્યા હતા, તે જ રીતે સ્વચ્છાગ્રહ માટે પણ કરોડો દેશવાસીઓએ ખુલ્લા દિલે પોતાનો સહયોગ આપ્યો છે. પાંચ વર્ષ પહેલા જ્યારે લાલ કિલ્લા પરથી મેં સ્વચ્છ ભારત માટે દેશવાસીઓને આહવાન કર્યું હતું ત્યારે અમારી પાસે માત્ર અને માત્ર જન વિશ્વાસ હતો અને બાપુનો અમર સંદેશ હતો. બાપુ કહેતા હતા કે દુનિયામાં જે પરિવર્તન તમે જોવા માંગો છો, પહેલા તે પોતાનામાં લાવવું પડશે.

આ મંત્ર પર ચાલીને આપણે સૌએ સાવરણા ઉપાડ્યા અને નીકળી પડ્યા. ઉંમર ગમે તે હોય, સામાજિક અને આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, સ્વચ્છતા ગરિમા અને સન્માનના આ યજ્ઞમાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપ્યું છે.
કોઈ દીકરીએ લગ્ન માટે શૌચાલયની માંગણી મૂકી દીધી તો ક્યાંક શૌચાલયને ઈજ્જતઘરનો દરજ્જો મળ્યો. જે શૌચાલયની વાત કરવામાં એક સમયે ખચકાટ થતો હતો, તે શૌચાલય આજે દેશની વિચારધારાનો મહત્વનો હિસ્સો બની ગયો છે. બોલીવુડથી લઈને રમતગમતના મેદાન સુધી સ્વચ્છતાના આ વિરાટ અભિયાને દરેકને જોડ્યા છે, દરેકને પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યા છે.

સાથીઓ, આજે આપણી સફળતાથી દુનિયા આશ્ચર્યચકિત છે. આજે સમગ્ર વિશ્વ આપણને તેની માટે પુરસ્કૃત કરી રહ્યું છે, સન્માન આપી રહ્યું છે. 60 મહિનામાં 60 કરોડથી વધુ વસતિને શૌચાલયની સુવિધા આપવી, 11 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ, આ સાંભળીને વિશ્વ અચંબિત છે. પરંતુ મારા માટે કોઇપણ આંકડા, કોઇપણ પ્રશંસા, કોઇપણ સન્માનથી મોટો સંતોષ ત્યારે હોય છે, જ્યારે હું બાળકીઓને કોઇપણ પ્રકારની ચિંતા વગર શાળાએ જતી જોઉં છું.

મને સંતોષ એ વાતનો છે કે કરોડો માતાઓ, બહેનો હવે એક અસહ્ય પીડામાંથી, અંધારાની રાહ જોવામાંથી મુક્ત થઇ છે. મને સંતોષ એ વાતનો છે કે તે લાખો માસૂમોના જીવન હવે બચી રહ્યા છે કે જેઓ ભીષણ બીમારીઓની સકંજામાં આવીને આપણને છોડીને જતા હતા. મને સંતોષ એ વાતનો છે કે સ્વચ્છતાના કારણે ગરીબનો ઈલાજ પર થનારો ખર્ચ હવે ઓછો થયો છે. મને સંતોષ એ વાતનો છે કે આ અભિયાને ગ્રામીણ વિસ્તારો, આદિવાસી પ્રદેશોમાં લોકોને રોજગારીના નવા અવસર આપ્યા છે. બહેનોને પણ, પહેલા આપણે ત્યાં શબ્દ પ્રચલનમાં હતો ‘રાજમિસ્ત્રી’; બહેનોને પણ ‘રાણીમિસ્ત્રી’ બનાવીને કામ કરવાનો મોકો આપ્યો.

ભાઈઓ અને બહેનો, સ્વચ્છ ભારત અભિયાન જીવનરક્ષક પણ સાબિત થઇ રહ્યું છે અને જીવનસ્તરને ઉપર ઉઠાવવાનું કામ પણ કરી રહ્યું છે. યુનિસેફના એક અનુમાન અનુસાર વીતેલા પાંચ વર્ષોમાં સ્વચ્છ ભારત વડે ભારતની અર્થવ્યસ્થા પર 20 લાખ કરોડ રૂપિયાથી વધુનો હકારાત્મક પ્રભાવ પડ્યો છે. તેનાથી 75 લાખથી વધુ રોજગારના અવસર ભારતમાં ઉત્પન્ન થયા છે, જેમાંથી મોટા ભાગના ગામડાઓના ભાઈઓ બહેનોને મળ્યા છે.
એટલું જ નહી, તેનાથી બાળકોના શિક્ષણના સ્તર પર, આપણી ઉત્પાદકતા પર, ઉદ્યમશીલતા પર સકારાત્મક અસર પડી છે. તેનાથી દેશમાં દીકરીઓ અને બહેનોની સુરક્ષા અને સશક્તીકરણની સ્થિતિમાં અદભૂત પરિવર્તન આવ્યું છે. ગામડા, ગરીબ અને મહિલાઓના સ્વાવલંબન અને સશક્તીકરણને પ્રોત્સાહિત કરનારું આવું જ મોડલ તો પૂજ્ય મહાત્મા ગાંધી ઈચ્છતા હતા. આ જ મહાત્મા ગાંધીજીના સ્વરાજના મૂળમાં હતું. તેના માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું.

સાથીઓ, પરંતુ હવે સવાલ એ છે- શું આપણે જે હાંસલ કરી લીધું છે, તે પુરતું છે ખરું? તેનો જવાબ સીધો અને સ્પષ્ટ છે, આજે જે આપણે હાંસલ કર્યું છે તે માત્ર અને માત્ર એક પડાવ છે, માત્ર એક પડાવ… સ્વચ્છ ભારત માટે આપણી યાત્રા નિરંતર ચાલુ છે.

હાલ આપણે શૌચાલયોનું નિર્માણ કર્યું છે, શૌચાલયના ઉપયોગની આદત તરફ લોકોને પ્રોત્સાહિત કર્યા છે. હવે આપણે દેશના એક બહુ મોટા વર્ગના વ્યવહારમાં આવેલા આ પરિવર્તનને સ્થાયી બનાવવાનું છે. સરકારો હોય, સ્થાનિક વહીવટ હોય, ગ્રામ પંચાયતો હોય, આપણે એ બાબતની ખાતરી કરવાની છે કે શૌચાલયનો યોગ્ય ઉપયોગ થાય. જે લોકો હજુ પણ આનાથી છૂટી ગયા છે, તેમને પણ આ સુવિધાથી જોડવાના છે.

ભાઈઓ અને બહેનો, સરકારે હમણાં જે જળ જીવન મિશન શરુ કર્યું છે, તેનાથી પણ આમાં મદદ મળવાની છે. પોતાના ઘરમાં, પોતાના ગામડામાં, પોતાની કોલોનીમાં વોટર રીચાર્જ માટે, વોટર રીસાયકલિંગ માટે આપણે જે પણ પ્રયાસ કરી શકીએ તેમ છીએ તે કરવા જોઈએ. જો આપણે આ કરી શકીએ તો શૌચાલયના નિયમિત અને સ્થાયી ઉપયોગ માટે આનાથી ઘણી મદદ મળશે. સરકારે જળ જીવન મિશન પર સાડા ત્રણ લાખ કરોડ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ દેશવાસીઓની સક્રિય ભાગીદારી વિના આ વિરાટ કાર્યને પૂર્ણ કરવું અઘરું છે.

સાથીઓ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને જીવન સુરક્ષા- આ ત્રણેય વિષય મહાત્મા ગાંધીના પ્રિય વિષયો હતા. પ્લાસ્ટિક આ ત્રણેયની માટે બહુ મોટુ જોખમ છે. આથી, વર્ષ 2022 સુધી દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરાવવાનું લક્ષ્ય આપણે હાંસલ કરવાનું છે. વીતેલા ત્રણ અઠવાડિયાઓમાં સ્વચ્છતા એ જ સેવાના માધ્યમથી સમગ્ર દેશે આ અભિયાનને ઘણી ગતિ આપી છે. મને જણાવવામાં આવ્યું છે કે આશરે 20 હજાર ટન પ્લાસ્ટિકનો કચરો આ દરમિયાન એકત્રિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન એ પણ જોવા મળી રહ્યું છે કે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ખૂબ ઝડપથી ઘટી રહ્યો છે.

મને એ પણ માહિતી છે કે આજે દેશભરમાં કરોડો લોકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ લીધો છે. એટલે કે તે પ્લાસ્ટિક જેનો આપણે એક વાર ઉપયોગ કરીએ છીએ અને પછી ફેંકી દઈએ છીએ, આવા પ્લાસ્ટિકથી આપણે દેશને આઝાદ કરવાનો છે. તેનાથી પર્યાવરણની પણ ભલાઈ થશે, આપણા શહેરોના રસ્તાઓ અને ગટરને બ્લોક કરનારી મોટી સમસ્યાનું સમાધાન પણ થશે અને આપણા પશુધનની, સમુદ્રી જીવનની પણ રક્ષા થશે.

ભાઈઓ અને બહેનો, હું ફરીથી કહી રહ્યો છું, આપણા આ આંદોલનના મૂળમાં સૌથી મોટી વાત વ્યવહાર પરિવર્તન છે. આ પરિવર્તન પહેલા પોતાની અંદર થાય છે, સંવેદનાથી થાય છે. આ જ શિક્ષા આપણને મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવનમાંથી મળે છે.

દેશ જ્યારે ગંભીર ખાદ્ય સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો તો શાસ્ત્રીજીએ દેશવાસીઓને પોતાની ખાવાની આદતોમાં પરિવર્તન કરવાનું આહવાન કર્યું હતું, પરંતુ શરૂઆત પોતાના પરિવારથી કરી હતી. સ્વચ્છતાના આ સફરમાં પણ આપણી માટે પણ આ જ એકમાત્ર રસ્તો છે, જેના પર ચાલીને આપણે મંજિલ સુધી પહોંચવાનું છે.

ભાઈઓ અને બહેનો, આજે સમગ્ર દુનિયા સ્વચ્છ ભારત અભિયાનના આપણા આ મોડલ પાસેથી શીખવા માંગે છે, તેને અપનાવવા માંગે છે. કેટલાક દિવસ પહેલા જ અમેરિકામાં જ્યારે ભારતને ગ્લોબલ ગોલ કિપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો તો ભારતની સફળતાથી સમગ્ર વિશ્વ પરિચિત થયું.

મેં સંયુક્ત રાષ્ટ્રમાં પણ એ કહ્યું હતું કે ભારત પોતાના અનુભવો અન્ય દેશો સાથે વહેંચવા માટે હંમેશા તૈયાર છે. આજે નાઇજીરીયા, ઇન્ડોનેશિયા અને માલી સરકારના પ્રતિનિધિ આપણી વચ્ચે છે. ભારતને તમારી સાથે સ્વચ્છતા માટે, સેનિટેશન માટે સહયોગ કરવામાં ઘણી ખુશી મળી રહી છે.

સાથીઓ, મહાત્મા ગાંધીજીએ સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વાવલંબનના વિચારોથી દેશને રસ્તો દેખાડ્યો હતો. આજે આપણે તે જ રસ્તા પર ચાલીને સ્વચ્છ, સ્વસ્થ, સમૃદ્ધ અને સશક્ત ન્યુ ઇન્ડિયાના નિર્માણમાં લાગેલા છીએ. પૂજ્ય બાપુ સ્વચ્છતાને સર્વોપરી માનતા હતા. સાચા સાધકની દૃષ્ટિએ દેશનું ગ્રામીણ ક્ષેત્ર આજે તેમને સ્વચ્છ ભારતની કાર્યાંજલિ આપી રહ્યું છે. ગાંધીજી સ્વાસ્થ્યને સાચું ધન માનતા હતા અને ઈચ્છતા હતા કે દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહે. આપણે યોગ દિવસ, આયુષ્માન ભારત, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના માધ્યમથી આ વિચારને દેશના વ્યવહારમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગાંધીજી વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ ધરાવતા હતા.

હવે ભારત પોતાની નવી યોજનાઓ અને પર્યાવરણ માટે પ્રતિબદ્ધતાના માધ્યમથી દુનિયાને અનેક પડકારો સામે લડવામાં મદદ કરી રહ્યું છે. બાપુનું સપનું આત્મનિર્ભર, આત્મવિશ્વાસથી ભરેલા ભારતનું હતું. આજે આપણે મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા વડે આ સપનાઓને સાકાર કરવામાં લાગેલા છીએ.
ગાંધીજીનો સંકલ્પ હતો એક એવું ભારત, જ્યાં દરેક ગામ સ્વાવલંબી હોય. આપણે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજના માધ્યમથી આ સંકલ્પને સિદ્ધિ તરફ લઇ જઈ રહ્યા છીએ.

ગાંધીજી સમાજમાં ઉભેલા છેલ્લા વ્યક્તિની માટે દરેક નિર્ણય લેવાની વાત કરતા હતા. અમે આજે ઉજ્જવલા, પ્રધાનમંત્રી આવાસ યોજના, જન ધન યોજના, સૌભાગ્ય યોજના, સ્વચ્છ ભારત જેવી યોજનાઓ; આ બધા વડે તેમના આ મંત્રને વ્યવસ્થાનો હિસ્સો બનાવી દીધો છે.

પૂજ્ય બાપુને તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોના જીવનને સરળ બનાવવાની વાત કરી હતી. અમે આધાર, સીધા બેંક હસ્તાંતરણ, ડિજિટલ ઇન્ડિયા, ભીમ એપ, ડિજિ લોકરના માધ્યમથી દેશવાસીઓના જીવન સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

સાથીઓ, મહાત્મા ગાંધી કહેતા હતા કે તેઓ ભારતનું ઉત્થાન એટલા માટે ઈચ્છે છે જેથી કરીને આખી દુનિયા તેનો લાભ ઉઠાવી શકે. ગાંધીજીનો સ્પષ્ટ મત હતો કે રાષ્ટ્રવાદી બન્યા વિના આંતરરાષ્ટ્રીયવાદી બની શકાતું નથી. એટલે કે આપણે પહેલા આપણી સમસ્યાઓનું સમાધાન જાતે શોધવું પડશે, ત્યારે જઈને આપણે સમગ્ર વિશ્વની મદદ કરી શકીએ છીએ. આ જ રાષ્ટ્રવાદની ભાવનાને લઈને આજે ભારત આગળ વધી રહ્યું છે.

બાપુના સપનાનું ભારત- નવું ભારત બની રહ્યું છે. બાપુના સપનાનું ભારત- કે જે સ્વચ્છ હશે, પર્યાવરણ સુરક્ષિત હશે.

બાપુના સપનાનું ભારત- જ્યાં દરેક વ્યક્તિ સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે. બાપુના સપનાનું ભારત- જ્યાં દરેક માઁ, દરેક બાળક પોષિત હશે.

બાપુના સપનાનું ભારત- જ્યાં દરેક નાગરિક સુરક્ષિત અનુભવ કરશે. બાપુના સપનાનું ભારત- જે ભેદભાવથી મુક્ત, સદભાવયુક્ત હશે.

બાપુના સપનાનું ભારત- જે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, આ આદર્શ પર ચાલશે. બાપુના રાષ્ટ્રવાદના આ તમામ તત્વ સમગ્ર દુનિયા માટે આદર્શ સિદ્ધ થશે, પ્રેરણાના સ્રોત બનશે.

આવો, રાષ્ટ્રપિતાના મૂલ્યોને પ્રસ્થાપિત કરવા માટે, માનવતાની ભલાઈ માટે દરેક ભારતવાસી, રાષ્ટ્રવાદના દરેક સંકલ્પને સિદ્ધ કરવાનો સંકલ્પ લે.

હું આજે દેશને એક વ્યક્તિ, એક સંકલ્પનો આગ્રહ કરું છું. દેશ માટે કોઇપણ સંકલ્પ લો, જે દેશને કામમાં આવનારો સંકલ્પ હોય. દેશની, સમાજની, ગરીબની ભલાઈ કરનારો સંકલ્પ હોય. તમને મારો આગ્રહ છે કે એક સંકલ્પ જરૂરથી લેજો અને પોતાના કર્તવ્યો અંગે વિચારજો, રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારીઓના વિષયમાં વિચારો.

કર્તવ્યપથ પર ચાલીને 130 કરોડ પ્રયાસ, 130 કરોડ સંકલ્પોની તાકાત દેશમાં કેટલું બધું કરી શકે છે. આજથી શરુ થનારા આવતા એક વર્ષ સુધી આપણે સતત આ દિશામાં કામ કરવાનું છે. એક વર્ષ કામ કર્યું, તો પછી જો તે જ આપણા જીવનની દિશા બની જશે, એ જ આપણા જીવનની શૈલી બની જશે, આ જ એક કૃતજ્ઞ રાષ્ટ્રની બાપુને સાચી શ્રદ્ધાંજલિ હશે. આ જ આગ્રહ અને આ જ શબ્દોની સાથે હું એક વાત બીજી પણ કહેવા માંગું છું- આ જે સફળતા મળી છે, તે કોઈ સરકારની સફળતા નથી.

આ જે સફળતા મળી છે તે કોઈ પ્રધાનમંત્રીની સફળતા નથી. આ જે સફળતા મળી છે, તે કોઈ મુખ્યમંત્રીની સફળતા નથી.

આ જે સફળતા મળી છે, તે 130 કરોડ નાગરિકોના પુરુષાર્થના કારણે મળી છે. સમાજના વરિષ્ઠ લોકોએ સમય સમય પર નેતૃત્વ કર્યું, માર્ગદર્શન આપ્યું, તેના કારણે મળી છે અને મેં જોયું છે, પાંચ વર્ષ સતત બધા મીડિયા હાઉસે આ વાતને સતત આગળ વધારી છે, સકારાત્મક મદદ કરી છે, દેશમાં વાતાવરણ બનાવવામાં મીડિયાએ મહત્વની ભૂમિકા નિભાવી છે.

આજે હું તે સૌનો, જે જે લોકોએ આ કામને કર્યું છે, 130 કરોડ દેશવાસીઓને આદરપૂર્વક નમન કરું છું, હું તેમને ધન્યવાદ પ્રગટ કરું છું, હું તેમનો આભાર માનું છું.

આ જ શબ્દોની સાથે હું મારી વાત સમાપ્ત કરું છું. મારી સાથે આપ સૌ બોલો-

હું કહીશ- મહાત્મા ગાંધી, આપ સૌ બન્ને હાથ ઉપર કરીને બોલશો- અમર રહે, અમર રહે.

મહાત્મા ગાંધી- અમર રહે

મહાત્મા ગાંધી- અમર રહે

મહાત્મા ગાંધી- અમર રહે

એક વાર ફરી સંપૂર્ણ રાષ્ટ્રને એક બહુ મોટા સંકલ્પની સિદ્ધિ માટે હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

મારી સાથે બોલો-

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ખૂબ-ખૂબ આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.