કેન્દ્રીય માહિતી આયોગનાં આ નવા ભવનનું લોકાર્પણ કરતા મને અત્યંત પ્રસન્નતા થઇ રહી છે.
જુદા જુદા વિભાગોનાં સંયુક્ત યોગદાનના કારણે આ ઈમારતનાં નિર્માણનું કાર્ય નિશ્ચિત સમય કરતા પહેલા જ પૂરૂ કરી દેવામાં આવ્યું છે. ઈમારતના નિર્માણ સાથે જોડાયેલા તમામ વિભાગો અને કર્મચારીઓને હું ખુબ ખુબ અભિનંદન આપું છું.
મને જણાવવામાં આવ્યું છે કે આ ઈમારતે પર્યાવરણ અનુરૂપ બાંધકામ IVનું રેટિંગ પ્રાપ્ત કર્યું છે એટલે કે આ ઈમારત ઉર્જાની બચતની સાથે સાથે પર્યાવરણની રક્ષામાં પણ સહાય કરશે. મને આશા છે કે નવી ઈમારત દ્વારા આયોગનાં કામકાજોને વધુ સારી રીતે કરવામાં અને સાંકળવામાં મદદ મળશે.
તેનાથી આયોગની પાસે આવનારા કેસોની સુનાવણી પ્રક્રિયામાં પણ ગતિ આવશે. કેસમાં ગતિ આવવાનો સીધો અર્થ છે કે ક્યાંક ને ક્યાંક જનતા સાથે જોડાયેલી સમસ્યાઓને ઉકેલવામાં પણ ગતિ આવશે.
સાથીઓ, આજે મને કેન્દ્રીય માહિતી આયોગની મોબાઇલ એપને પણ લોન્ચ કરવાનો અવસર મળ્યો છે. આ એપનાં માધ્યમથી નાગરિકોને અપીલ દાખલ કરવી, ફરિયાદ નોંધાવવામાં તો સરળતા રહેશે જ પરંતુ માહિતી આયોગ દ્વારા આપવામાં આવેલી જાણકારી પણ તેમના સુધી ઝડપથી પહોંચી શકશે.
મને જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા નાગરિક સેવા માટે અનેક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. લોકોની સુવિધાઓ વધારવા માટે, ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે સીઆઈસીમાં વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
એ ઘણી ખુશીની વાત છે કે જ્યારથી આયોગનું કાર્ય શરૂ થયું છે ત્યારથી સૌથી વધુ કેસોનો નિકાલ ગયા વર્ષે થયો છે. હું આશા રાખું છું કે દેશનાં નાગરિકોની ફરિયાદો અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને આયોગ સતત આમ જ પોતાની કાર્ય પદ્ધતિમાં સુધારો કરતું રહેશે.
સાથીઓ,
લોકતાંત્રિક અને સહભાગીદારીયુક્ત શાસન માટે પારદર્શકતા અને જવાબદારી ખુબ જ જરૂરી છે.
જ્યારે વ્યવસ્થાઓમાં પારદર્શકતા આવે છે, લોકો પ્રત્યે જવાબદારી વધે છે, ઉત્તરદાયિત્વનો ભાવ હોય છે, તો સરકારોમાં કામ કરવાની રીત અને યોજનાઓની અસર બંને બદલાઈ જાય છે.
એવામાં કેન્દ્રીય આયોગ જેવી સંસ્થાઓ પારદર્શકતા અને જવાબદારી બંનેને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
આવી સંસ્થાઓ વિશ્વાસ આધારિત શાસન માટે ઉદ્દીપકની જેમ કામ કરે છે. લોકોનો સરકાર પર ભરોસો વધે અને સરકાર દેશનાં માનવ સંસાધનનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે, પોતાનાં દેશનાં નાગરિકોની આશાઓ આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઇ શકે, તેના માટે આ પ્રકારની સંસ્થાઓનું ઘણું મહત્વ રહેલું છે.
સાથીઓ,
હું માનું છું કે સશક્ત નાગરિક આપણા લોકતંત્રનો સૌથી વધુ મજબુત સ્તંભ છે. છેલ્લા 4 વર્ષમાં તમે જોયું છે કે કઈ રીતે કેન્દ્ર સરકારે જુદા જુદા માધ્યમો દ્વારા દેશના લોકોને માહિતગાર અને સશક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. ઈતિહાસમાં આ વાતનાં અનેક ઉદાહરણો મળે છે કે જ્યારે માહિતી સાથે એક માર્ગીય પ્રવાહ તરીકે વર્તવામાં આવે છે તો તેના કેટલાક ગંભીર પરિણામો નીકળે છે. એટલા માટે અમારી સરકાર એક જ દ્રષ્ટિકોણ આધારિત પહોંચને બદલે આધુનિક માહિતીનાં ધોરીમાર્ગનાં સિદ્ધાંત પર કામ કરે છે.
એક એવો ધોરીમાર્ગ કે જ્યાં બંને દિશામાં માહિતીને ઝડપથી આવવા જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાથીઓ,
આજના આધુનિક માહિતી ધોરીમાર્ગનાં પાંચ સ્તંભો છે જેના પર આપણે એકસાથે કામ કરી રહ્યા છીએ.
આ 5 સ્તંભો છે;
પૂછો,
સાંભળો,
વાતચીત કરો,
અમલીકરણ કરો અને
માહિતગાર કરો.
જો પહેલા સ્તંભ ‘પૂછો’ એટલે કે સવાલ પર વિસ્તારપૂર્વક વાત કરૂ તો સરકારની નીતિ અને પરિયોજનામાં વધુ સારા શાસન માટે લોકોનાં દરેક પ્રકારનાં સવાલોને પ્રાથમિકતા આપવામાં આવે છે. માય જીઓવી, કે જે દુનિયાનું સૌથી મોટું નાગરિક ભાગીદારીવાળું મંચ છે, ત્યાં આગળ લોકો પોતાના તમામ પ્રશ્નો દ્વારા સરકારની સાથે જોડાય છે.
હું તમને એકદમ તાજું ઉદાહરણ આપીશ સૃજનનું, એટલે કે સ્ટેશન રીજુવીનેશન ઈનીશીએટીવ બાય જોઈન્ટ એક્શન. રેલવેની આ રસપ્રદ પહેલમાં જનતા પોતાના અનેક સવાલોના માધ્યમથી સરકારનું માર્ગદર્શન કરી રહી છે.
ભાઈઓ અને બહેનો, માહિતી ધોરીમાર્ગનો બીજો સ્તંભ છે- ‘સાંભળો’.
આજે દેશમાં એવી સરકાર છે કે જે લોકોની વાત સાંભળે છે. સીપી- ગ્રામ્સ પર જે સૂચનો આપવામાં આવે છે, સામાજિક મીડિયામાં જે સૂચનો આપવામાં આવે છે, તેના પર સરકાર ગંભીરતાથી ધ્યાન આપે છે.
અમારી સરકારમાં અનેકવાર લોકો પાસેથી મળેલા સૂચનો, તેમની પ્રતિક્રિયા પછી નીતિમાં પરિવર્તનો પણ કરવામાં આવ્યા છે.
સાથીઓ, સવાલ અને સૂચનો જેટલી જ મહત્વની છે વાતચીત કરવી અને આ માહિતી ધોરીમાર્ગનો ત્રીજો સ્તંભ છે.
હું માનું છું કે વાતચીતથી સરકાર અને નાગરિકોની વચ્ચે એક ભાવનાત્મક સંબંધ પણ સ્થાપિત થાય છે.
લોકોની સાથે સંવાદ વધારવા માટે સમય-સમય પર સર્વે પણ કરાવવામાં આવે છે. દર વર્ષે મે મહિનામાં અમે ‘અમારી સરકારને આંકો’ આ પહેલને લઈને પણ આવીએ છીએ.
એ જ રીતે માહિતી ધોરીમાર્ગનો ચોથો અને મહત્વપૂર્ણ સ્તંભ છે – અમલીકરણ.
સવાલ, સૂચનો અને સંવાદ પછી અમલીકરણમાં કમી રહી જાય તો બધી જ મહેનત વ્યર્થ જવી નક્કી છે.
એટલા માટે લોકોનાં સૂચનોનાં આધારે, તેમના સવાલોનાં આધારે સંપૂર્ણ સક્રિયતા બતાવવામાં આવે છે. જીએસટી દરમિયાન પણ તમે જોયું હશે કે કઈ રીતે ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરીને નવા નિયમો બનાવવામાં આવ્યા અને નિયમોમાં બદલાવ પણ કરવામાં આવ્યા છે. જીએસટી પછી ઘટેલી કિંમતોનો લાભ ગ્રાહકોને મળી શકે તેના માટે રાષ્ટ્રીય એન્ટી પ્રોફીટીંગ સત્તાની સ્થાપના, ઘણે અંશે આ સંવાદનું જ પરિણામ છે. તેના સિવાય તમે એ પણ જોયું હશે કે કઈ રીતે અમારી સરકારના અનેક મંત્રીઓ અને મંત્રાલયો માત્ર એક ટ્વીટ પર મોટામાં મોટી ફરિયાદોનો ઉકેલ લાવી રહ્યા છે. લોકોને હવે તેમની રોજબરોજની સમસ્યાનું સમાધાન માત્ર એક ટ્વીટ પરથી મળી જાય છે.
સાથીઓ,
માહિતી ધોરીમાર્ગનો પાંચમો સ્તંભ છે, ‘માહિતગાર કરવા’
તે સરકારનું કર્તવ્ય છે કે તે નાગરિકોને પોતાના કાર્યો વિષે સાચી સુચના આપે. એટલા માટે અમારી સરકારે માહિતીને સાચા સમયે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા માટે એક નવી વ્યવસ્થા વિકસિત કરી દીધી છે.
વેબસાઈટ પર ડેશ બોર્ડના માધ્યમથી લોકોને યોજનાઓ વિષે સૂચિત કરવાનું કામ પહેલી વખત આ સરકારે જ કર્યું છે. સ્વચ્છ ભારત હેઠળ કેટલા શૌચાલયો બન્યા, સૌભાગ્ય યોજનાની શું પ્રગતી છે, ઉજાલા યોજના હેઠળ કેટલા એલઈડી વિતરિત કરવામાં આવ્યા, મુદ્રા યોજના અંતર્ગત કેટલું ધિરાણ સ્વીકારવામાં આવ્યું, આવી અનેક મહત્વપૂર્ણ જાણકારીઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે.
ભાઈઓ અને બહેનો, અગાઉ એવું પણ જોવામાં આવતું હતું કે જુદા જુદા લોકો એક જ પ્રકારની માહિતી માંગતા હોય છે. એવામાં જુદા જુદા લોકોને જવાબ આપવામાં પ્રક્રિયાનો સમય અને સંસાધન, બંને વધુ ખર્ચ થતો હતો. તેના નિદાન માટે અમારી સરકારે જે સામાન્ય સવાલ હોય છે, તેની સાથે જોડાયેલી માહિતીને સંબંધિત વિભાગો અને મંત્રાલયોના વેબ પોર્ટલ પર મુકવા માટે ભાર મુક્યો.
તેનો ફાયદો એ થયો છે કે નાગરિકોને હવે પ્રક્રિયાઓ સાથે જોડાયેલી માહિતી, યોજનાઓ સાથે જોડાયેલ આંકડા ઓનલાઈન ઉપલબ્ધ છે. તે સિવાય દરેક મંત્રાલય, જરૂરી સૂચનાઓને એસએમએસ દ્વારા પણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
સાથીઓ, આજે ભારત ઝડપી ગતિએ ડીજીટલી સશક્ત સમાજ તરફ આગળ વધી રહ્યો છે. માહિતી ટેકનોલોજીનો ઉપયોગ માત્ર પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે જ નથી કરવામાં આવી રહ્યો પરંતુ આ ટેકનોલોજીએ પારદર્શકતા અને સેવાની ગુણવત્તા પણ નક્કી કરી છે.
સરકાર દ્વારા નાગરિક સેવાઓને વધુમાં વધુ સુવિધાજનક બનાવવા માટે ડીજીટલ ટેકનોલોજીનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
જનધન ખાતા, આધાર અને મોબાઇલ એટલે કે જેએએમની ત્રિશક્તિ વડે સરકાર એ બાબતની ખાતરી કરી રહી છે કે સરકારી યોજનાઓનો લાભ સાચા લોકો સુધી પહોંચે. લોકોના બેંક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરીને સરકારે 57 હજાર કરોડ રૂપિયાથી વધુ ખોટા લોકોના હાથમાં જતા બચાવ્યા છે. હવે મોટાભાગે મંત્રાલયોની વેબસાઈટ પર પરિયોજનાઓનું રીયલ ટાઇમ ટ્રેકિંગ થઇ રહ્યું છે.
મનરેગા હેઠળ જે કામ થાઓ રહ્યા છે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે કામો થઇ રહ્યા છે, તેની જીઓ ટેગિંગ કરાવીને, સેટેલાઈટ ચિત્રોના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે.
દાયકાઓથી જે સિંચાઈ પરિયોજનાઓ અધુરી હતી, અટકેલી પડી હતી, તેમના નિયંત્રણ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આપ સૌની વચ્ચે ગયા અઠવાડિયે થયેલી પ્રગતિની બેઠકનો પણ ઉલ્લેખ કરવા માંગું છું. ગયા અઠવાડિયે અમે પ્રધાનમંત્રી કાર્યાલયમાં કેદારઘાટીમાં જે પુનઃનિર્માણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, તેનું ડ્રોન કેમેરા દ્વારા લાઈવ મોનીટરીંગ કર્યું.
ટેકનોલોજીનો આવો ઉપયોગ કદાચ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ પહેલીવાર થયો હશે.
કેદારઘાટીમાં કેવા નવા રસ્તાઓ બની રહ્યા છે, કઈ રીતે નવી દીવાલો બની રહી છે, બાબા ભોલેના મંદિરની આસપાસની જગ્યાને સરખી કરવામાં આવી રહી છે, એ બધું જ ડ્રોન કેમેરાએ સીધું અમારા સૌ સુધી પહોંચાડ્યું.
સાથીઓ,
પ્રગતિની બેઠક પણ દેશના લોકોને એક અધિકાર, એક હક આપવાનું માધ્યમ બની છે.
તેના વિષે હકનાં કાયદામાં નથી લખ્યું, પરંતુ હું સમજુ છું કે દેશનાં લોકોને તેનો પણ અધિકાર છે.
આ અધિકાર છે, સરકારની યોજનાઓનો યોગ્ય સમય પર પૂર્ણ થવાનો અધિકાર!
આપણે ત્યાં ત્રણ ત્રણ ચાર ચાર દાયકાઓ સુધી અનેક યોજનાઓ અટકેલી પડી હતી. તેને પૂરી કરવાનું બીડું અમારી સરકારે ઉપાડ્યું. અત્યાર સુધી પ્રગતિની બેઠકમાં લગભગ સાડા 9 લાખ કરોડ રૂપિયાની યોજનાઓની સમીક્ષા કરી દેવામાં આવી છે.
આ રીતના અનેક પ્રયાસો વડે જ પારદર્શકતા વધી રહી છે અને તેણે ઘણો મોટો પ્રભાવ અમારી કાર્ય સંસ્કૃતિ પર નાખ્યો છે.
નિર્ધારિત સમય પર પૂર્ણ થઇ રહેલી યોજનાઓ, નિર્ધારિત લક્ષ્યમાં પૂર્ણ થઇ રહેલી યોજનાઓ, આગામી પેઢીનાં માળખાગત બાંધકામ બનાવવામાં આવેલ ગતિ, તેનો સ્કેલ, આ બધું ત્યારે જ શક્ય બન્યું છે, જ્યારે બિલકુલ જમીની સ્તર પર જઈને પ્રક્રિયાઓને સુધારવામાં આવી છે અને પારદર્શકતા સ્થાપિત કરવામાં આવી છે.
હવે આ ઈમારતનું જ ઉદાહરણ લો. કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના લગભગ 12 વર્ષ પહેલા કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી આયોગનું કાર્ય ભાડાની ઈમારતોમાં ચાલી રહ્યું હતું.
2014માં એનડીએ સરકાર બન્યા પછી બધી જ પ્રક્રિયાઓને ઝડપી કરવામાં આવી, આ ઈમારત માટે 60 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા અને ઝડપથી કામ શરૂ કરવામાં આવ્યું.
મહત્વપૂર્ણ બાબત એ છે કે આનું નિર્માણ કાર્ય આ મહિનાના અંત સુધીમાં પૂરૂ થવાનું હતું, પરંતુ સંબંધિત વિભાગોએ બધું કામ પૂરૂ કરીને ગયા વર્ષે નવેમ્બરમાં જ આયોગને તેનો હવાલો સોંપી દીધો હતો.
મને યાદ છે ગયા વર્ષે જ મને દિલ્હીમાં જ ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરના લોકાર્પણનો પણ અવસર મળ્યો હતો. આ સેન્ટરને બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો 1992માં. પરંતુ 23 વર્ષ સુધી કંઈ જ ના થયું.
તે પછી, આ જ સરકારમાં શિલાન્યાસ થયો અને લોકાર્પણ પણ! વ્યવસ્થાઓમાં આ જે બદલાવ છે, તેનો વિસ્તાર સંસદથી લઈને માર્ગ સુધી, પ્રધાનમંત્રી કાર્યાલયથી લઈને પંચાયત ભવન સુધી, બધી જ બાજુએ જોવામાં આવી રહ્યો છે.
તમારી જાણમાં હશે કે હમણાં તાજેતરમાં જ વાણિજ્ય મંત્રાલયમાં અનેક દાયકાઓ જુનો એક વિભાગ બંધ કરવામાં આવ્યો છે.
આ વિભાગ હતો ડાયરેક્ટરેટ જનરલ ઓફ સપ્લાઈઝ એન્ડ ડિસ્પોઝલ. તેમાં આશરે અગિયારસો કર્મચારીઓ હતા, જેમને હવે જુદા જુદા વિભાગોમાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. તમારી જાણકારીમાં એ પણ હશે કે આ વિભાગ બંધ શા માટે થયો છે.
સાથીઓ,
જ્યારે નવી વ્યવસ્થા જન્મ લે છે તો તે જૂની વ્યવસ્થાની જગ્યા લે છે. અમારી સરકારે વસ્તુ અને સેવાઓના જાહેર ઉપલબ્ધી માટે સરકારી ઈ-માર્કેટ એટલે કે જીઈએમ મંચ બનાવ્યું છે, તે આનું જ પરિણામ છે.
સરકારી ખરીદીમાં થનારા ભ્રષ્ટાચારને ખતમ કરવામાં, સરકારી ખરીદની પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટે જેમ પોર્ટલ ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.
જીઈએમ મંચના માધ્યમથી હવે દેશનો નાનામાં નાનો ઉદ્યમી પણ દેશના દુર સુદૂરના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ પણ પોતાના ઉત્પાદનો સીધા સરકારને વેચી શકે છે.
આ સિવાય સરકારે જુદા જુદા સ્તર પર પ્રક્રિયાઓને સરળ બનાવીને સીસ્ટમમાં પારદર્શકતા લાવવાનો પ્રયાસ કર્યો છે.
ગ્રુપ સી અને ડીની નોકરી માટે ઈન્ટરવ્યું ખતમ કરી દેવામાં આવ્યા છે. શ્રમ કાયદાઓના પાલન માટે 56 રજીસ્ટરોની સંખ્યાને ઘટાડીને હવે માત્ર 5 કરી દેવામાં આવી છે. શ્રમ સુવિધા પોર્ટલ પર હવે બધા જ ફોર્મ ઓનલાઈન ભરવામાં આવે છે.
એ જ રીતે દરેક બારી કે જ્યાં સરકાર અને જનતાનો સંવાદ થતો હોય ત્યાં આગળ માનવીય દખલગીરી ઓછી કરવા અને તે વ્યવસ્થાને ડીજીટાઈઝ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા દ્વારા નાગરિકને જવાબદાર અને અર્થપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે.
સાથીઓ,
આ અમારી સરકારમાં જ શક્ય બન્યું છે કે દાયકાઓ જુના 1400થી વધુ બિનજરૂરી કાયદાઓને ખતમ કરવામાં આવ્યા છે. તમે વીતેલા બે ત્રણ વર્ષોમાં જોયું હશે કે કઈ રીતે પદ્મ પુરસ્કારો માટે પણ સરકારે એક પારદર્શી પ્રણાલી તૈયાર કરી છે.
આ પારદર્શક પ્રણાલીના કારણે હવે દેશનાં દુર સુદૂરના વિસ્તારોમાં, સમાજનાં હિતમાં પોતાની જિંદગી ખપાવી દેનારા લોકોને પણ સામે આવવાનો અવસર મળ્યો છે.
સાથીઓ,
જ્યારે સરકાર અને જનતાની વચ્ચેનું અંતર ઓછું થઇ જાય છે, સંવાદના નવા અને પ્રભાવશાળી રસ્તાઓ બને છે, તો જનતા પોતાને પણ નિર્ણય લેવાની પ્રક્રિયાનો એક અંતરંગ ભાગ સમજીને રાષ્ટ્ર નિર્માણના કાર્યોની માટે આગળ આવે છે.
તમે જાતે જ જોયું છે કે કઈ રીતે એક નાનકડી વિનંતી પર દેશના 1 કરોડથી વધુ લોકોએ ગેસ પર લેવામાં આવી રહેલી સબસીડીનો ત્યાગ કરી દીધો.
‘ગીવ અપ’ ઝુંબેશ જનતા અને આ સરકારની વચ્ચે ભાવનાત્મક સંવાદનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.
એ જ રીતે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ તો રસ્તાઓ, ગલીઓ, મહોલ્લાઓમાં સ્વચ્છતા, દેશભરમાં શૌચાલયોનું નિર્માણ, તેમના ઉપયોગને લઈને જે પ્રકારનો સંવાદ સ્થાપિત કરવમાં આવ્યો તે પહેલા ક્યારેય નહોતો થયો.
ઉંમર, સમાજ, વર્ગનાં બંધનો તોડીને સ્વચ્છ ભારત મિશનની સાથે લોકો પૂરે પૂરી તન્મયતા સાથે, સંપૂર્ણ હૃદયપૂર્વક જોડાયા છે. એક અન્ય ઉદાહરણ છે બેટી બચાવો- બેટી પઢાવો યોજનાનું.
દંડો ચલાવીને નહી પરંતુ સમાજને જાગૃત કરીને જે ક્ષેત્રોમાં દીકરીઓનો જન્મ લેવો અપરાધ માનવામાં આવતો હતો, ત્યાના સમાજને જાગૃત કરીને, ઘણા હકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. બે દિવસ પછી જ બેટી બચાવો- બેટી પઢાવોનાં ત્રણ વર્ષ પુરા થઇ રહ્યા છે અને તે ઉપલક્ષ્યમાં અમારી સરકાર દીકરીઓની સાથે એક સીધા સંવાદનો એક કાર્યક્રમ પણ આયોજિત કરી રહી છે.
સાથીઓ,
પ્રણાલીમાં જેટલી વધુ પારદર્શકતા વધે છે, માહિતીનો પ્રવાહ એટલો જ સરળ બની જાય છે, તેટલો જ લોકોનો સરકાર પર ભરોસો વધે છે. પાછલા ત્રણ વર્ષોમાં અમારી સરકારે વ્યવસ્થાઓમાં પરિવર્તન લાવીને લોકોના આ ભરોસાને સતત વધારવાનું કામ કર્યું છે.
નિશ્ચિત રૂપે માહિતીના આ પ્રવાહમાં કેન્દ્રીય માહિતી આયોગની પણ ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
સાથીઓ, આજે આ મંચ પર હું એક અન્ય વિષયને પણ ચર્ચામાં સામેલ કરવા માંગું છું. આપણા દેશમાં આરટીઆઈ કાયદાની જેમ જ એક્ટ રાઈટલીનાં સિદ્ધાંત પર પણ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. એટલે કે અધિકારની સાથે કર્તવ્યની વાત પણ. નાગરિકોનાં અધિકારની સાથે જ તેમના કર્તવ્યો કયા છે, તે વિષે પણ જાગૃત કરવા ખુબ જરૂરી છે.
હું માનું છું કે સીઆઈસી જેવી સંસ્થાઓ, જ્યાં આગળ જનતા સાથે સંવાદ એટલો વધારે થતો હોય છે, ત્યાં આગળ લોકોને એક્ટ રાઈટલી વિષે પણ વધુ સારી રીતે સમજાવી શકાય તેમ છે.
અનેકવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો, જન સામાન્યને મળેલા અધિકારનો પોતાના ફાયદા માટે ખોટો ઉપયોગ કરવામાં લાગી જાય છે. આવા ખોટા પ્રયત્નોનો ભાર પણ વ્યવસ્થાને ઉઠાવવો પડે છે.
સાથીઓ, અધિકારની વાત કરીને પોતાના કર્તવ્યોને ભૂલી જવા, સંવિધાન દ્વારા જે અપેક્ષાઓ કરવામાં આવી છે તેમને ભૂલી જવી, લોકતંત્રની મૂળ ભાવનાઓની વિરૂદ્ધ છે. ટેકનોલોજીનો ઉપયોગ, નવી સુવિધાઓનો ઉપયોગ માનવહિતમાં થાય તો જ સારૂ થશે. તેનાથી કોઈની સ્વાર્થ સિદ્ધિ તો નથી થઇ રહી ને તે જોવું પણ ખુબ જરૂરી છે.
વર્તમાન પરિસ્થિતિનું આકલન કરીને ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને, પ્રત્યેક જવાબદાર સંસ્થાએ પોતાના અધિકાર અને પોતાની જવાબદારીની વચ્ચે સંતુલન બનાવીને કામ કરવું પડશે.
હું એ જ આશા સાથે મારી વાતને વિરામ આપું છું કે કેન્દ્રીય માહિતી આયોગ, માહિતીના માધ્યમથી લોકોને સશક્ત કરવાનું કાર્ય આમ જ ચાલુ રાખે.
એકવાર ફરી આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ!
આભાર!