ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ત્રિપુરાના રાજ્યપાલ શ્રી સત્યદેવ આર્યજી, અહીંના યુવાન અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી બિપ્લવ દેવજી, ત્રિપુરાના ઉપ મુખ્યમંત્રીશ્રી જીષ્ણુ દેવ વર્માજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી બહેન પ્રતિમા ભૌમિકજી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, રાજ્ય સરકારમાં મંત્રી શ્રી એનસી દેવ વર્માજી, શ્રી રત્નાલાલ નાથજી, શ્રી પ્રણજીત સિંઘા રોયજી, શ્રી મનોજ કાંતિ દેબજી, અન્ય લોક પ્રતિનિધિગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!
સૌને મારા નમસ્કાર! સંવત 2022ના વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. જૉતૌનો ખૂનમખા! જૉતૌનો બીશી કૉતાલની ખા કાહામ યાફર ઓ! વર્ષની શરૂઆતમાં જ ત્રિપુરાને મા ત્રિપૂર સુંદરીના આશીર્વાદથી આજે ત્રણ ભેટ મળી રહી છે. પ્રથમ ભેટ- કનેક્ટિવિટીની છે, બીજી ભેટ- મિશન-100 વિદ્યાજ્યોતિ સ્કૂલોની છે અને ત્રીજી ભેટ- ત્રિપુરા ગ્રામ સમૃધ્ધિ યોજનાની છે. આજે સેંકડો કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ અહીંયા કરવામાં આવ્યો છે. આપ સૌને આ ત્રણ ભેટ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
21મી સદીનું ભારત બધાં લોકોને સાથે લઈને બધાના વિકાસ અને બધાંના પ્રયાસથી જ આગળ ધપશે. કેટલાક રાજ્ય પાછળ રહી ગયા અને કેટલાક રાજ્ય મૂળભૂત સુવિધાઓ માટે તલસી રહયા છે. અસમતોલ વિકાસ રાષ્ટ્રના વિકાસ માટે યોગ્ય નથી, ઠીક નથી. ત્રિપુરાના લોકોએ દાયકાઓ સુધી અહીંયા આવું જ જોયું છે. આવો જ અનુભવ કર્યો છે. અગાઉ અહીંયા ભ્રષ્ટાચારની ગાડી અટકવાનું નામ જ લેતી ન હતી અને વિકાસની ગાડી ઉપર બ્રેક લાગેલી હતી. અગાઉ અહીંયા જે સરકાર હતી તેની પાસે ના તો વિકાસ માટે કોઈ વિઝન હતું કે ના તો તેમનો કોઈ ઈરાદો હતો. ગરીબી અને પછાતપણાંને ત્રિપુરાના ભાગ્ય સાથે ચિપકાવી દેવામાં આવ્યા હતા. આ સ્થિતિને બદલવા માટે મેં ત્રિપુરાના લોકોને HIRA નું આશ્વાસન આપ્યું હતું. H એટલે હાઈવે, I એટલે ઈન્ટરનેટ વે, R એટલે રેલવેઝ અને A એટલે એરવેઝ. આજે હીરા મોડેલથી ત્રિપુરા પોતાની કનેક્ટિવિટી સુધારી રહ્યું છે, પોતાની કનેક્ટિવિટી વધારી રહ્યુ છે. અહીં આવતાં પહેલા હું મહારાજા બીર બિક્રમ એરપોર્ટની નવું નિર્માણ પામેલું બિલ્ડીંગ અને અન્ય સુવિધાઓ જોવા માટે ગયો હતો. ત્રિપુરાની સંસ્કૃતિ, અહીંનો વારસો, અહીંનું સ્થાપત્ય, એરપોર્ટ ઉપર ઉતરનારા દરેક યાત્રીને હવે સૌથી પહેલાં નજરે પડશે. ત્રિપુરાની કુદરતી સુંદરતા હોય, ઉનાકોટી હીલ્સના જનજાતીય સાથીઓની કલા હોય, પથ્થરની મૂર્તિઓ હોય, આ બધું જોઈને એવું લાગતું હતું કે એરપોર્ટ ઉપર સમગ્ર ત્રિપુરાને આવરી લેવાયું છે. નવી સુવિધાઓ પછી મહારાજ બીર બિક્રમ એરપોર્ટની ક્ષમતા અગાઉની તુલનામાં ત્રણ ગણ વધી ગઈ છે. હવે અહીંયા ડઝનબંધ વિમાનોને ઉભા રાખી શકાય તેમ છે. તેના કારણે ત્રિપુરાની સાથે સાથે પૂરા ઉત્તર-પૂર્વની હવાઈ કનેક્ટિવિટી વધારવામાં ઘણી મદદ મળશે. જ્યારે અહીં ડોમેસ્ટીક કાર્ગો ટર્મિનલનું, કોલ્ડ સ્ટોરેજનું કામ પૂરૂ થશે ત્યારે સમગ્ર નોર્થ- ઈસ્ટને વેપાર અને કારોબારની નવી તાકાત મળશે. આપણા મહારાજા બીર બિક્રમજીએ શિક્ષણ ક્ષેત્રે, સ્થાપત્યના ક્ષેત્રે, ત્રિપુરાને નવી ઉંચાઈ બક્ષી હતી. આજે એ ત્રિપુરાનો વિકાસ થતો જોઈને, અહીંના લોકોના પ્રયાસોને જોઈને ખૂબ ખુશ થયા હશે.
સાથીઓ,
આજે ત્રિપુરાની કનેક્ટિવિટી વધારવાની સાથે સાથે તેને નોર્થ- ઈસ્ટના ગેટવે તરીકે વિકસિત કરવા માટે પણ ઝડપભેર કામ ચાલી રહ્યું છે. રોડ હોય કે રેલવે, એર કે પછી વોટરવે કનેક્ટિવિટી હોય, આધુનિક માળખાકિય સુવિધાઓ માટે જેટલું મૂડીરોકાણ અમારી સરકાર કરી રહી છે તેટલું મૂડીરોકાણ અગાઉ ક્યારેય થયું નથી. હવે ત્રિપુરા આ વિસ્તારમાં વેપાર વાણિજ્યનું નવું હબ બની રહ્યું છે, ટ્રેડ કોરિડોર બની રહ્યું છે. રોડ અને રેલવે સાથે જોડાયેલી ડઝનબંધ યોજનાઓ અને બાંગ્લાદેશ સાથે ઈન્ટરનેશનલ વોટરવે કનેક્ટિવિટીના કારણે અહીંયા કાયાકલ્પની શરૂઆત થઈ ગઈ છે. અમારી સરકાર અગરતલા- અખૌરા રેલવે લિંકને પણ ઝડપથી પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે.
ભાઈઓ અને બહેનો,
કેન્દ્ર અને રાજ્યમાં જ્યારે વિકાસને સર્વોપરી માનનારી સરકાર હોય છે ત્યારે બમણી તેજીથી કામ પણ થતું હોય છે. એટલા માટે ડબલ એન્જિનની સરકારનો કોઈ મુકાબલો થઈ શકે તેમ નથી. ડબલ એન્જિનની સરકાર એટલે સાધનોનો યોગ્ય ઉપયોગ. ડબલ એન્જિનની સરકાર એટલે ભરપૂર સંવેદનશીલતા. ડબલ એન્જિનની સરકાર એટલે લોકોના સામર્થ્યમાં વધારો. ડબલ એન્જિનની સરકાર એટલે સેવાભાવ, સમર્પણ ભાવ. ડબલ એન્જિનની સરકાર એટલે સંકલ્પોની સિધ્ધિ અને ડબલ એન્જિનની સરકાર એટલે સમૃધ્ધિ તરફ આગળ ધપવાનો સંગઠીત પ્રયાસ. આજે અહીં જે મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃધ્ધિ યોજનાની શરૂઆત થઈ રહી છે તે તેનું જ એક ઉદાહરણ છે. જ્યારે દરેક ઘરને નળથી જળ મેળવવા માટેનું જોડાણ આપવામાં આવશે, જ્યારે દરેક ગરીબની પાસે પાકી છત હશે. અને હમણાં જ હું કેટલાક લાભાર્થીઓને મળીને આવ્યો છું. તેમનો પોતાનો અનુભવ શું છે તે હું આ યોજનાઓના માધ્યમથી સમજવા માટે પ્રયાસ કરી રહ્યો હતો, પણ એક દીકરી કે જેને ઘર મળવાનું નક્કી હતું, હજુ તો માત્ર ફ્લોરનું જ કામ થયું છે, હજુ દિવાલો બનવાની બાકી છે, પણ તે એટલી ખુશ હતી કે તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ ખુશી, સરકારની સામાન્ય લોકોની ખુશી માટે સમર્પિત છે. જ્યારે દરેક પાત્ર પરિવાર પાસે આયુષ્માન યોજનાનું કાર્ડ હશે, મને એક એવો પરિવાર મળ્યો કે જ્યાં મા અને તેના યુવાન બેટા બંનેને કેન્સર થયું હતું. આયુષમાન ભારત યોજનાના કારણે માતાની જિંદગી, બેટાની જીંદગીને યોગ્ય સારવાર મળી શકશે. જ્યારે દરેક ગરીબ પાસે વીમા સુરક્ષાનું કવચ હશે, જ્યારે દરેક બાળકને ભણવાની તક હશે, દરેક ખેડૂત પાસે કેસીસી કાર્ડ હશે, દરેક ગામમાં સારી સડકો હશે તો તેનાથી ગરીબનો આત્મવિશ્વાસ વધશે, ગરીબનું જીવન આસાન બનશે. મારા દેશનો દરેક નાગરિક સશક્ત બનશે. આ આત્મવિશ્વાસ સમૃધ્ધિનો આધાર છે, સંપન્નતાનો આધાર છે. એટલા માટે જ મેં લાલ કિલ્લા પરથી એવું કહ્યું હતું કે મને ખુશી છે કે આજે ત્રિપુરાએ આ દિશામાં ખૂબ મોટું કદમ ઉઠાવ્યુ છે. આ ત્રિપુરા આ વર્ષે પોતાના પૂર્ણ રાજ્ય તરીકેના 50 વર્ષ પૂરાં કરી રહ્યું છે. આ સંકલ્પ પોતાની રીતે એક ખૂબ મોટી સિધ્ધિ છે. ગામ અને ગરીબના કલ્યાણ માટે ચાલી રહેલી યોજનાઓને જન જન સુધી પહોંચાડવામાં ત્રિપુરા અગાઉથી જ અગ્રણી રાજ્યોમાં સમાવેશ પામ્યું છે. ગ્રામ સમૃધ્ધિ યોજના ત્રિપુરાના આ રેકોર્ડને વધુ બહેતર બનાવશે. 20 થી વધુ મૂળભૂત સુવિધાઓ દરેક ગામ અને દરેક પરિવારને મળે તેની ખાત્રી કરવામાં આવશે. મને એ બાબત પણ પસંદ આવી કે જે ગામ સૌથી પહેલાં 100 ટકા લક્ષ્ય હાંસલ કરશે તેમને લાખો રૂપિયાની પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે અને તેનાથી વિકાસ માટે એક સ્વસ્થ સ્પર્ધા પણ વિકસશે.
સાથીઓ,
આજે ત્રિપુરામાં જે સરકાર છે તે ગરીબનું દુઃખ સમજે છે અને ગરીબ માટે સંવેદનશીલ પણ છે. અમારા મિડીયાવાળા સાથીદારો આની બહુ ચર્ચા કરતા નથી એટલા માટે આજે હું એક ઉદાહરણ આપવા માંગુ છું. જ્યારે ત્રિપુરામાં પીએમ આવાસ યોજના ગ્રામીણનું કામ શરૂ થયું ત્યારે એક મુશ્કેલી એ આવી કે કાચા ઘર માટેની જે સરકારી વ્યાખ્યા હતી તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે ઘરમાં લોખંડના પતરાંથી બનેલી છત હોય તેને કાચું ઘર નહીં માનવામાં આવે. એટલે કે ઘરની અંદરની સુવિધા ભલે જર્જરિત હોય, દિવાલો ભલે માટીની હોય પણ ઘર ઉપર લોખંડના પતરાં હોવાથી તેને કાચુ ઘર માનવામાં આવતું ન હતું. આના કારણે ત્રિપુરાના હજારો ગ્રામીણ પરિવારો પીએમ આવાસ યોજનાના લાભથી વંચિત રહી જતા હતા. હું મારા સાથી બિપ્લવ દેવજીની પ્રશંસા કરીશ કે તે આ વિષય લઈને મારી પાસે આવ્યા. તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ આ બધી વાત કરી. પુરાવા સાથે વાત કરી. તે પછી ભારત સરકારે પણ પોતાના નિયમ બદલ્યા, વ્યાખ્યા પણ બદલી નાંખી અને તેના કારણે ત્રિપુરાના એક લાખ એંસી હજારથી વધુ ગરીબ પરિવારોને પાકા મકાનના હકદાર બનાવવામાં આવ્યા. અત્યાર સુધીમાં ત્રિપુરાના 50 હજારથી વધુ સાથીઓને પાકા ઘર મળી પણ ચૂક્યા છે. દોઢ લાખથી વધુ પરિવારોને હમણાં જ પોતાનું પાકુ ઘર બનાવવા માટે પ્રથમ હપ્તો આપવામાં આવ્યો છે. તમે અંદાજ બાંધી શકો છો કે અગાઉની સરકાર કેવી રીતે કામ કરતી હતી અને અમારી ડબલ એન્જિનની સરકાર કેવી રીતે કામ કરે છે.
ભાઈઓ અને બહેનો,
કોઈપણ ક્ષેત્રમાં વિકાસ માટેના સાધનોની સાથે સાથે ત્યાંના નાગરિકોનું સામર્થ્ય પણ એટલું જ જરૂરી બની રહે છે. આપણી હાલની અને આવનારી પેઢીઓ આપણાં કરતાં પણ વધુ સામર્થ્યવાન બને તે સમયની માંગ છે, ખૂબ જ આવશ્યક છે. 21મી સદીમાં ભારતને આધુનિક બનાવે તેવા દૂરંદેશી ધરાવતા નવયુવાનો મળે તે ખૂબ જ આવશ્યક છે અને એટલા માટે જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી રહી છે. એમાં સ્થાનિક ભાષામાં અભ્યાસ ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. ત્રિપુરાના વિદ્યાર્થીઓને હવે મિશન-100 'વિદ્યા જ્યોતિ' અભિયાન દ્વારા પણ મદદ મળવાની છે. શાળાઓમાં સેંકડો કરોડ રૂપિયાના ખર્ચે ઉભી કરવામાં આવેલી યોજનાઓની આધુનિક સુવિધા અભ્યાસને વધુ આસાન અને સુલભ બનાવશે. ખાસ કરીને સ્કૂલોને જે રીતે અટલ ટીન્કરીઝ લેબ, આઈસીટી લેબ, અને વોકેશનલ લેબથી સજ્જ કરવામાં આવી રહી છે. તેનાથી ઈનોવેશન, સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નથી યુક્ત આત્મનિર્ભર ભારત માટે ત્રિપુરાના યુવાનોને તૈયાર કરવામાં આવશે.
સાથીઓ,
કોરોનાના આ મુશ્કેલ સમયમાં પણ આપણાં યુવાનોના અભ્યાસને નુકશાન થાય નહીં તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. આવતી કાલથી સમગ્ર દેશમાં 15 વર્ષથી 18 વર્ષ સુધીની વય ધરાવતા કિશોરો માટે મફત રસીકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી ચિંતામુક્ત થઈને પોતાનો અભ્યાસ કરી શકે. કોઈપણ ચિંતા વગર પોતાની પરીક્ષા આપી શકે તે ખૂબ જ જરૂરી છે. ત્રિપુરામાં ઝડપથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. 80 ટકાથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 65 ટકાથી વધુ લોકોને બીજો ડોઝ મળી ગયો છે. મને પૂરો વિશ્વાસ છે કે 15 થી 18 વર્ષની વયના યુવાનોને સંપૂર્ણ રસીકરણનું લક્ષ્ય પણ ત્રિપુરા ઝડપથી હાંસલ કરી દેશે.
સાથીઓ,
ડબલ એન્જિનની સરકાર ગામ હોય કે શહેર હોય તેના સંપૂર્ણ અને સ્થિર વિકાસ માટે પ્રયત્ન કરી રહી છે. ખેતીથી માંડીને વન્ય પેદાશો અને સ્વસહાય જૂથોથી માંડીને તમામ ક્ષેત્રમાં જે કામ થઈ રહ્યું છે તે અમારી આ કટિબધ્ધતાનું ઉદાહરણ છે. નાના ખેડૂતો હોય, મહિલાઓ હોય કે વન્ય પેદાશો ઉપર નિર્ભર અમારા આદિવાસી સાથીઓ હોય. આજે તેમને સંગઠિત કરીને એક મોટી તાકાત બનાવવામાં આવી રહ્યા છે. આજે જો ત્રિપુરા પ્રથમ વખત મૂલી બેંબુ કુકીઝ જેવી પેકેજ્ડ પ્રોડક્ટ રજૂ કરી રહ્યું છે તો તેની પાછળ ત્રિપુરાની અમારી માતાઓ અને બહેનોની ખૂબ મોટી ભૂમિકા છે. દેશને સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો વિકલ્પ પૂરો પાડવા માટે ત્રિપુરા મહત્વની ભૂમિકા બજાવી શકે તેમ છે. અહીંયા બનેલા વાંસના ઝાડુ, વાંસની બોટલો જેવી પ્રોડક્ટ માટે દેશમાં ઘણું મોટું બજાર ઊભું થઈ રહ્યું છે. તેનાથી વાંસના સાધનોના ઉત્પાદનમાં હજારો સાથીઓને આજીવિકા અને સ્વરોજગાર મળી રહ્યો છે. વાંસ સાથે જોડાયેલા કાયદામાં ફેરફારનો ખૂબ મોટો લાભ ત્રિપુરાને મળ્યો છે.
સાથીઓ,
અહીંયા ત્રિપુરામાં ઓર્ગેનિક ફાર્મિંગ બાબતે પણ સારૂં કામ થઈ રહ્યું છે. પાઈન એપલ હોય, સુગંધિત ચોખા હોય, આદું હોય, હળદર હોય, મરચાં હોય તેની સાથે જોડાયેલા ખેડૂતો માટે દેશ અને દુનિયામાં આજે ખૂબ મોટુ બજાર ઉભુ થઈ ચૂક્યું છે. નાના નાના ખેડૂતોના ઉત્પાદનો આજે કિસાન રેલવે મારફતે અગરતલાથી દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં ઓછા ભાડાથી, ઓછા સમયમાં પહોંચી રહ્યા છે. મહારાજા બીર બિક્રમ એરપોર્ટ ઉપર જે મોટું કાર્ગો સેન્ટર બની રહ્યું છે તેનાથી અહીંની ઓર્ગેનિક ખેત પેદાશોને વિદેશના બજારો સુધી પહોંચાડવામાં ખૂબ જ સરળતા થશે.
સાથીઓ,
વિકાસના દરેક ક્ષેત્રમાં મોખરે રહેવાની ત્રિપુરાને ટેવ પડી ચૂકી છે. આપણે આ ટેવ જાળવી રાખવાની છે. દેશનો સામાન્ય માનવી, દેશના દૂર દૂરના વિસ્તારોમાં રહેનારો વ્યક્તિ દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બને, સશક્ત બને, સબળ બને તેવો અમારો સંકલ્પ છે. આવા સંકલ્પોમાંથી પ્રેરણા લઈને આપણે બમણાં વિશ્વાસ સાથે કામ કરવામાં લાગી જઈશું. તમારા લોકોનો પ્રેમ, તમારો સ્નેહ અને તમારો વિશ્વાસ એ અમારી ખૂબ મોટી મૂડી છે. અને આજે હું એરપોર્ટ પરથી આવતી વખતે જોઈ રહ્યો હતો કે લોકો રસ્તા પર નારા લગાવી રહ્યા હતા. તમારો આ પ્રેમ, હું ડબલ એન્જિનની તાકાતના હિસાબથી બમણો વિકાસ કરીને પરત કરીશ. અને મને વિશ્વાસ છે કે જેટલો પ્રેમ અને સ્નેહ ત્રિપુરાના લોકોએ અમને આપ્યો છે તે હવે પછી પણ મળતો રહેશે. તમને ફરી એકવાર આ વિકાસ યોજનાઓ માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મા ત્રિપૂરશુંદરિર નિકૉટ તમારા પરિવારની સમૃધ્ધિ અને રાજ્યના સાર્વત્રિક વિકાસ માટેની કામના કરૂં છું. તમને સૌને ધન્યવાદ.. જૉતૌનો હમ્બાઈ! ભારત માતા કી જય!