મંત્રી પરિષદના મારા સાથી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠૌડ, શ્રી અનિલ બૈજલજી, રાહુલ ભટનાગરજી, શ્રી નરેન્દ્ર બત્રાજી, દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનારા તમામ ખેલાડીઓ અને તેમના ગુરૂજનો તથા ભવિષ્યમાં ભારતનું નામ રોશન કરવાનો સંકલ્પ લઈને જી-જાનથી સ્પર્ધામાં લાગી ગયેલા, દેશના ખૂણેખૂણામાંથી આવેલા મારા તમામ યુવાન સાથીઓ, હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરૂ છું.
ભારતનાં દરેક ખૂણામાંથી આવેલા, સત્તર વર્ષથી ઓછી વયનાં ઉભરતા ખેલાડીઓ આજે આપણી વચ્ચે છે. ખેલો ઈન્ડિયા – આ એક કાર્યક્રમ નથી, આ તો એક મિશન છે. ભારતના જન-સામાન્યનાં સ્વભાવમાં રમતોને કેવી રીતે પ્રાથમિકતા મળે, મા-બાપને પણ કેવી રીતે બાળકોની કારકિર્દીમાં રમત-ગમતનાં મહત્ત્વની અનુભૂતિ થાય. શાળાઓમાં ગુરૂજનોને સ્કૂલની ઈકો સીસ્ટમમાં, આપણી શૈક્ષણિક પ્રણાલીમાં રમતોને જીવન વિકાસનાં એક મહત્ત્વનાં પાસા તરીકે સ્વીકૃતિ મળે તે આવશ્યક છે. આ ખેલ ભાવના કેવી રીતે સુદ્રઢ બને, જીવનમાં પાંચ-સાત કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવામાં આવે ત્યારે રમતનો પણ એ પ્રાથમિકતાની યાદીમાં સમાવેશ કેવી રીતે કરવો તેનો ઉપાય કરવાનો છે.
આજે સ્થિતિ એવી છે કે, બધા જ કાર્યો પુરા કર્યા પછી ચાલો હવે થોડો સમય છે, તો રમી પણ લઈએ એવી માનસિકતા છે. તેના બદલે હવે એવી વિચારસરણી કેળવવાની છે કે, આવો આપણે રમીએ પણ, ખીલીએ પણ. આપણે આ સંકલ્પ સાથે કેવી રીતે આગળ વધીશું, તે વિચારવાનું છે. અહીં ભારતનું નામ રોશન કરનારા ખેલાડીઓ ઉપસ્થિત છે, તે બધા કઈં એમ જ ખેલાડીઓ નથી બની ગયા. કોઈએ તેમની અંદર રહેલું ટેલેન્ટ – પ્રતિભા જોઈ, કોઈએ તે પ્રતિભા નિખારવાની કોશિષ કરી છે. શરૂઆતમાં તો મા-બાપે રોકવાની કોશિષ પણ કરી હશે. સ્કૂલમાં પણ ક્યારેક એવું કહેવાયું હશે કે, અરે તમે તો લખવા-વાંચવામાં આટલા તેજસ્વી છો, આ રીતે રમતગમતમાં શા માટે સમય વેડફો છો? આવા તો અનેક અવરોધો આવ્યા હશે. પણ કોઈક તો હશે કે જેણે આ ખેલાડીની આંગળી પકડીને તેને આગળ ધપાવ્યો હશે, મંઝિલ તરફ આગળ વધવા માટે તેને તૈયાર કર્યો હશે અને પછી એ ખેલાડીએ પોતાની જાતને રમત-ગમતમાં ઓતપ્રોત કરી દીધી હશે.
આજે ભારતમાં પ્રતિભાની કોઈ ઉણપ નથી. સવાસો કરોડનો દેશ છે, એમાં 35 વર્ષથી ઓછી વયના હોય તેવા યુવાઓનું પ્રમાણ તો 65 ટકા છે – તો શું રમતગમતનાં ક્ષેત્રે હિન્દુસ્તાન દુનિયામાં પોતાનું નામ રોશન કરી શકે નહીં? આપણે કહીએ છીએ કે ભારત ઘણું આગળ વધવું જોઈએ. ભારતનાં આગળ વધવાનો મતલબ એવો નથી થતો કે આપણે ફક્ત સૈન્ય શક્તિમાં વધારો કરીએ તો ભારત આગળ વધશે, ફક્ત આર્થિક મહાસત્તા બને તો જ ભારત આગળ વધશે. જી ના – ભારત વિશ્વમાં ઉચ્ચતમ શિખરો તો ત્યારે જ સર કરશે કે જ્યારે આપણે જીવનના તમામ ક્ષેત્રોમાં મોખરે હોઈએ – નોબેલ પ્રાઈઝ મળતા હોય ત્યારે લાઈનમાં ફક્ત ભારત અને ભારત જ દેખાતું હોય, સિનેમા જગતમાં ઓસ્કાર એવોર્ડ સમારંભ હોય તેમાં પણ વિજેતાઓમાં સર્વત્ર ભારત અને ભારત જ છવાયેલું હોય, દુનિયાના વૈજ્ઞાનિકોની ચર્ચા થતી હોય તો એમાં ય બધે જ ભારત છવાયેલું દેખાય, રમતગમત ક્ષેત્રની ચર્ચા થતી હોય ત્યારે પણ ભારત જ સર્વવ્યાપી દેખાય. જીવનનાં દરેક ક્ષેત્રમાં આપણે ભારતને વિશ્વનાં શિખરે પહોંચાડવાનો સંકલ્પ કરીને આગળ વધીશું ત્યારે – આજે નહીં તો કાલે, આપણે એ હાંસલ કરીને રહીશું. અને હું આત્મવિશ્વાસ સાથે આ વાત એટલા માટે કરી રહ્યો છું કે, મને દેશનાં ટેલેન્ટમાં, દેશની યુવા પેઢીમાં પુરેપુરો ભરોસો છે.
ખેલો ઈન્ડિયા કાર્યક્રમ – મેં કહ્યું છે તેમ ફક્ત એક સ્પર્ધા જ બની રહે, વિજેતાઓને મેડલ મળી જાય – એટલી સિમિત વાત નથી. આ એક સર્વાંગી અભિગમ સાથે, એક સર્વગ્રાહી વ્યૂહરચના સાથે આગળ વધવાની વાત છે. એમાં પાયાના સ્તરે કામ કરવાનું છે, પછી ભલે તેના માટેનું મળખું વિકસાવવાનું હોય, કે પછી કોચિંગ અથવા તાલીમની વાત હોય, માનવ સંસાધનોનાં નિર્માણની વાત હોય, રમત ગમતનાં નિયમોની જાણકારી એક સમાનરૂપે છેક નીચેના સ્તર સુધી પહોંચાડવાની હોય, રમત ગમતનાં મેદાનો વિષેની સાચી માહિતી સમાજનાં છેવાડાનાં વર્ગ સુધી પહોંચેલી હોય, આવી એક એક બાબત ઉપર ધ્યાન આપીને રમત-ગમતને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવાનાં પ્રયાસોનો અહીંથી પ્રારંભ થયો છે.
સૌથી મોટી વાત છે ટેલેન્ટ હંટની – પ્રતિભા ખોજની, દેશનાં ખૂણે ખૂણામાંથી પ્રતિભાઓ શોધી કાઢવાની છે. અને આ પ્રતિભા કંઈ ઓનલાઈન પરીક્ષા આપીને શોધી નહીં શકાય. રમત ગમત બાબતે કોઈ વ્યક્તિ ગમે તેવો ઉત્તમ જવાબ આપે, તેનાથી આ કામ નથી થતું. રમત ગમત ક્ષેત્રની પ્રતિભાઓ તો રમતના મેદાન પરથી જ ઓળખાય છે, રમતનાં મેદાન પર જ ખીલે છે અને તેના માટે જરૂરી છે કે, શાળાકિય સ્તરે રમત ગમત સ્પર્ધાઓ નિરંતર યોજાયા કરે, રમતોનું હંમેશા આયોજન થયા કરે, તેના આંકડા જાળવવામાં આવે અને એ રેકોર્ડ જાળવવાની પ્રક્રિયામાંથી જ તેજસ્વી પ્રતિભાઓ ઓળખી કાઢવામાં આવે અને સાચા અર્થમાં તેજસ્વી પ્રતિભાઓને તક મળે, એ પ્રતિભાઓને સારી તાલીમ મળે તો મને વિશ્વાસ છે કે, મારા દેશનાં નવયુવાનો તાલીમ માટે પોતાની જાતને જેટલી જોતરવી પડે, જેટલી જોડવી પડે, જેટલો સંઘર્ષ કરવો પડે, એમાં તેઓ ક્યારેય પાછા નહીં પડે તેઓ પરિણામો લાવીને જ જંપશે.
અને આ માટે જ સરકારે ટેલેન્ટ હંટ પછીનાં તબક્કા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. દેશભરમાંથી અલગ
અલગ રમતો માટે એક હજાર બાળકો પસંદ કરવામાં આવશે. જે તેજસ્વી છે, સામર્થ્યવાન છે, જેમનામાં કુદરતી ક્ષમતાઓ છે, રમત-ગમત માટે જરૂરી શક્તિ હોય, જે ગુણો હોય તે જો તેનામાં છે, જે દરેક કસોટીમાં સફળ થાય, એવા 1000 બાળકોને સરકાર તરફથી દર વર્ષે પાંચ લાખ રૂપિયાની રકમ સહાયતા રૂપે અપાશે.
દર વર્ષે એક-એક હજાર બાળકોની પસંદગી થશે. પાંચ વર્ષમાં આપણા દેશમાં આપણી પાસે એવા પાંચ હજાર બાળકો હશે, જેમનામાં આ કુદરતી લાક્ષણિકતાઓ હશે. તેમનાં માટે આગળ વધવા જરૂરી તાલીમની વ્યવસ્થા કરાશે, દુનિયાનું ઉત્તમથી ઉત્તમ કોચિંગ તેમને પ્રાપ્ય બનાવાશે, દુનિયામાં જ્યાં પણ ઉત્તમ તાલીમ મળતી હોય ત્યાં જવાનો તેમને અવસર પૂરો પાડવામાં આવશે અને તેમના મા-બાપ માટે પણ આર્થિક કારણોસર ક્યારેક બાળકોને આગળ વધતા અટકાવવાની જે સ્થિતિ ઉભી થતી હતી તે થાય નહિં તેની ખાતરી કરાશે. આજકાલ એવા અનુભવો થઈ રહ્યા છે કે, ભારતનાં ગામડાઓમાંથી આવતા બાળકો આગળ વધી રહ્યા છે, નાના-નાના, બીજા વર્ગનાં શહેરોના બાળકો આગળ વધી રહ્યા છે. હવે તેમના પરિવારો પાસે સુવિધાઓ નહિં હોય તો તેના કારણે ભારતનાં એક રત્નને ત્યાં અટકવું નહિં પડે. આ કારણે જ પાંચ લાખ રૂપિયાની સહાયનાં પગલે તે બાળકનો પરિવાર પણ તેને રમત-ગમતમાં આગળ વધવા માટે સમર્થન આપશે અને તેના માટે કેવી રીતે પોષણ – ન્યુટ્રીશનની જરૂરત છે, તેની માનસિક ક્ષમતા વિકસાવવા માટે શું કરવું જોઈએ, એ તમામ બાબતો વિષે તાલીમની દિશામાં કાર્ય કરવામાં આવશે.
અમે એક બીજો પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે – આજકાલ કોઈ ખેલાડી ભારતનું નામ રોશન કરીને આવે છે ત્યારે રાજ્યોમાં એક તંદુરસ્ત વાતાવરણ સર્જાય છે, રાજ્ય સરકાર તરફથી જાત જાતના ઈનામો તેના માટે જાહેર કરાય છે, સમાજમાં પણ કેટલાય લોકો તેના માટે ઈનામ જાહેર કરે છે. પણ તેના જે કોચ છે, છેલ્લી ઘડી સુધી જેમની સાથે આ ખેલાડીઓનો સંબંધ હોય છે – તેમને જ પ્રતિષ્ઠા મળે છે.
એ બરાબર છે, એ તો કરવું જ જોઈએ, પણ બાલ્યાવસ્થામાં જે ગુરૂએ તેની પ્રતિભા પારખી છે, શરૂઆતના બે-ચાર-પાંચ વર્ષ જે ગુરૂએ તેને તૈયાર કર્યું છે, એ પ્રારંભિક ગુરૂનાં કારણે જ બાળક જીવનમાં રમતગમત ક્ષેત્રમાં આગળ વધે છે. આગળ તો પછી તેને નવા નવા ગુરૂ મળતા રહે છે, રહેવાના છે. આ કારણે જ અમે નિર્ણય લીધો છે કે, જે ખેલાડીઓ નામ રોશન કરે, તેમના માટે જે ઈનામ નક્કી કરાય છે, તેમાં તેમના કોચ માટે પણ ઈનામ નક્કી થતું હોય છે, ત્યારે હવેથી એ ખેલાડીનાં સમગ્ર જીવનકાળમાં જે જે ગુરૂઓએ યોગદાન આપ્યું હોય એ તમામ આ ઈનામનાં હકદાર બનશે. આ એક બહુ મોટી વાત છે અને ખાસ કરીને એટલા માટે જે લોકો રમત ગમત પ્રત્યે સમર્પિત હોય છે, તેઓ પૈસા અને પ્રસિદ્ધિની ખેવનાના કારણે એ સમર્પણ નથી ધરાવતા, તેમનામાં એક પ્રબળ ભાવના, એક દિવાનગી હોય છે. તમે સૌએ પણ એ જોયું હશે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ હોય અને ભારતીય ખેલાડીઓ તેમાં ભાગ લેતા હોય ત્યારે તેઓ સંઘર્ષ કરતા હોય છે, તે સ્પર્ધામાં તનતોડ લગનથી ઓતપ્રોત થઈ જતા હોય છે અને જેવા તેઓ વિજેતા બને છે, તેમના હાથમાં ત્રિરંગો આવે છે કે તુરંત જ તેમની બોડી લેંગ્વેજ – તેમની માનસિક અને શારીરિક સ્ફૂર્તી બદલાઈ જાય છે. બધો જ થાક ભૂલી જવાય છે. ક્યાંક કોઈ ઈજા થઈ હોય, લોહી નિકળતું હોય, એ બધુ તે ભૂલી જાય છે. હાથમાં ત્રિરંગો લઈને તે એવી રીતે દોડે છે કે – એક ખેલાડી દુનિયાનાં કોઈપણ ખૂણામાં હાથમાં ત્રિરંગો લઈને દોડે છે ત્યારે સમગ્ર હિન્દુસ્તાનમાં તે એક નવી ઉર્જા ભરી દે છે, આખા દેશમાં એક નવી ચેતના જગાવે છે.
આપણે વધુ એકવાર આ પરંપરા સાબિત કરીશું કે ભારતમાં રમત-ગમત કોઈ નવી વાત નથી. તમારામાંથી કોઈને મોહેં-જો-દડો સંસ્કૃતિ અને એની પરંપરાઓનો અભ્યાસ કરવાની તક મળી હોય – હજ્જારો વર્ષો પહેલાની એ જીવન વ્યવસ્થાનાં પુરાવા, અવશેષો પુરાતત્ત્વવિદોએ ગુજરાતમાં ધોળાવીરા પાસે પાંચ હજાર વર્ષ જુનું એ સ્થળ શોધી કાઢ્યું છે. હું પહેલીવાર એ સ્થળ જોવા ગયો હતો ત્યારે ત્યાંના ગાઈડે મને કહ્યું હતું કે, પાંચ હજાર વર્ષ પહેલાનાં ધોળાવીરામાં હજારો લોકો બેસી શકે એટલું મોટું રમત-ગમતનું સ્ટેડિયમ પણ ત્યાં હતું. આજે પણ તેના તમામ અવશેષો ત્યાં હાજર છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, ભારતમાં રમત ગમતની પરંપરા કંઈ નવી નથી. આપણે નવેસરથી, વૈશ્વિક પરિવેશમાં, આધુનિક સંસાધનો સાથે, આધુનિક પરિપેક્ષ્યમાં, આધુનિક નિયમો સાથે રમત ગમતનાં આ જગતમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરવાની છે.
આજના આ અવસરે, ‘ખેલો ઈન્ડિયા’ના નેજા હેઠળ દેશનાં ખૂણે ખૂણામાંથી સત્તર વર્ષથી ઓછી વયનાં બાળકો અહીં આવ્યા છે ત્યારે રમત રમતમાં જ ખેલભાવના તો કુદરતી રીતે જ તેમનામાં સાકાર થાય છે. અહીં જેટલા લોકો આવ્યા છે તે બધા જ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની અનુભૂતિ મેળવીને જશે. ભારતની વિવિધતાઓને આત્મસાત કરીને જશે. ભાષા નહીં આવડતી હોય તો પણ પોતિકાપણાની મહેક આપણને એક નવી ઉર્જા, એક નવી તાકાત આપશે.
હું આ જ ભાવના સાથે આપ સર્વે ખેલાડીઓને હૃદયપૂર્વક અનેક-અનેક શુભકામનાઓ આપું છું. 8મી ફેબ્રુઆરીએ આ રમતો સંપન્ન થશે ત્યારે, તમે પોતપોતાનાં પ્રદેશોમાં પાછા ફરશો ત્યારે ઘણી બધી નવી નવી વસ્તુઓ શિખીને જશો, ઘણા નવા મિત્રો બનાવીને જશો. એક ભારતનો અનુભવ આ સ્ટેડિયમમાં જ કરવાનો અવસર માણીને જશો. પોતાની જાતને મોટા સમુહમાં કેવી રીતે રાખવી, એ સહજ સંસ્કાર પણ તમે પ્રાપ્ત કરીને જશો.
હું એ તમામ બાળકોને શુભકામનાઓ આપું છું, એમના ગુરૂજનોને શુભકામનાઓ પાઠવું છું, એમનાં માતા-પિતાને શુભકામનાઓ આપું છું કે, તેમણે પોતાના બાળકોને રમત-ગમતનાં ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા અને અનેક-અનેક શુભકામનાઓ સાથે હું આ પ્રથમ ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સના શુભારંભની ઘોષણા કરૂં છું.
ધન્યવાદ.