PM Modi says that his government is focussing on Jan Dhan, Van Dhan and Gobar Dhan
Guided by Sardar Patel, Pritamrai Desai Ji worked on cooperative housing in a big way in Ahmedabad. These efforts gave wings to the aspirations of several people: PM in Anand
Amul is not only about milk processing. This is an excellent model of empowerment, says PM Modi
Sardar Patel worked on cooperative housing in a big way: PM Modi
Today, the time has come to give importance to innovation and value addition: PM Modi in Anand

મંચ પર બિરાજમાન તમામ મહાનુભવો અને વિશાળ સંખ્યામાં અહિં પધારેલા મારા ભાઈઓ અને બહેનો.

કેમ છો? હું જોઈ રહ્યો છું કે આટલો મોટો મંડપ પણ નાનો પડી રહ્યો છે. ઘણાં બધા લોકો બહાર તડકામાં ઊભા છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા છો તે બદલ હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું. આજે તમે મને લગભગ રૂ. 1100 કરોડના પ્રોજેક્ટસનું ઉદઘાટન, લોકાર્પણ અથવા શિલાન્સાય કરવાનો અવસર આપ્યો છે. તમે મને જે સન્માન આપ્યું છે તેના માટે હું સહકારી આંદોલન સાથે જોડાયેલા મારા તમામ ખેડૂત પરિવારોને આદરપૂર્વક નમન કરૂં છું, ધન્યવાદ આપું છું.

દુનિયાના 40થી પણ વધુ દેશોમાં આજે અમૂલ બ્રાન્ડ એક ઓળખ બની ગઈ છે અને મને અચરજ થયું કે કેટલાંક દેશોમાં મને જ્યારે જવાની તક મળી ત્યારે કેટલાક પ્રતિનિધિઓ મને મળવા માંગતા હતા. ભારતીય સમુદાયના ત્યાં રહેતા લોકો પણ હતા અને એવી વાત કરતા હતા કે અમારે ત્યાં પણ અમૂલના ઉત્પાદનો મળે તેની વ્યવસ્થા કરો અને આ વાત હું જ્યારે સાંભળતો હતો ત્યારે મને એટલો બધો ગર્વ થતો હતો કે ખેડૂતોના સહકારી આંદોલનના લગભગ 7 દાયકા સુધીના સતત પુરૂષાર્થનું પરિણામ એ આવ્યું છે કે દેશ અને દેશની બહાર અમૂલ એક ઓળખ બની ગઈ છે, અમૂલ એક પ્રેરણા બની ગઈ છે, અમૂલ એક અનિવાર્યતા બની ગયું છે. આ સિદ્ધિ નાની નથી, આ ખૂબ મોટી સિદ્ધિ છે. તે માત્ર કંઈક ઉત્પાદન કરનારો ઉદ્યોગ કે માત્ર દૂધના પ્રોસેસિંગની પ્રક્રિયા જ નથી, આ એક વૈકલ્પિક અર્થ વ્યવસ્થાનું મોડેલ પણ છે.

એક તરફ સમાજવાદી અર્થ વ્યવસ્થા છે, તો બીજી તરફ મૂડીવાદી અર્થ વ્યવસ્થા છે. એક તરફ શાસનનો કબજો ધરાવતી અર્થ વ્યવસ્થા છે, તો બીજી તરફ ધનિક શેઠિયાઓનો કબજો ધરાવતી અર્થ વ્યવસ્થા છે. દુનિયાને આ બે વ્યવસ્થાઓનો જ પરિચય થયો છે. સરદાર સાહેબ જેવા મહાપુરૂષે એ બીજનું વાવેતર કર્યું હતું કે તે આજે ત્રીજા પ્રકારની વ્યવસ્થાનો નમૂનો બનીને ઉભરી આવ્યું છે. જ્યાં નથી કોઈ સરકારનો કબજો કે નથી કોઈ ધનિક શેઠનો કબજો. આ સહકારી આંદોલન છે અને ખેડૂતોના, નાગરિકોના, જનતા જનાર્દનના સહકારથી બનેલી અર્થ વ્યવસ્થા છે. તે વિકસશે, વૃદ્ધિ પામશે અને દરેક વ્યક્તિ તેનો ભાગીદાર બની રહેશે.

આ અર્થ વ્યવસ્થા એક એવું મોડેલ છે કે જે સમાજવાદ અને મૂડીવાદને એક સાર્થક વિકલ્પ પૂરો પાડે છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે આઝાદીના લગભગ એક વર્ષ પહેલાં આ અમૂલ વિધિવત રીતે તૈયાર થયું હતું, પરંતુ સહકારિતા આંદોલન તેના પણ પહેલાં શરૂ થયું હતું. ખૂબ ઓછા લોકોને ખબર હશે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ સમયે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં હતા. એ સમયે કોર્પોરેશન નહોતુ, નગરપાલિકા હતી. નગરપાલિકાના ચેરમેન તરીકે તેમની ચૂંટણી થઈ હતી. તે નગરપાલિકાના અધ્યક્ષ બન્યા અને દરિયાપુરથી ચૂંટણી જીતીને આવ્યા હતા. જ્યાંથી આપણા કૌશિકભાઈ જીતતા હતા અને સરદાર સાહેબ મ્યુનિસિપાલિટીમાં માત્ર એક મતથી જીતીને આવ્યા હતા, માત્ર એક મતથી અને પછી તે ચેરમેન બન્યા હતા.

ગુજરાતમાં પહેલીવાર શહેરી વિકાસનું આયોજન થવું જોઈએ. શહેરી વિકાસના આયોજનનો આ અભિગમ સરદાર સાહેબ જ્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારે પહેલીવાર ગુજરાતમાં રજૂ થયો અને તે સમયે તેમણે પહેલો પ્રયોગ કર્યો સહકારી હાઉસિંગ સોસાયટીનો, સહકારી પદ્ધતિના આધારથી ગૃહ નિર્માણનું કામ શરૂ કર્યું. મધ્યમ વર્ગના પરિવારોને મકાનો મળ્યા અને એ સમયે એક પ્રિતમરાય દેસાઈ હતા. તેમને સરદાર સાહેબે કામ આપ્યું અને ગુજરાત અને દેશમાં પણ પ્રથમ હાઉસિંગ સોસાયટી બની, જેનું નેતૃત્વ, માર્ગદર્શન અને રચના સરદાર સાહેબના માર્ગદર્શનથી પ્રિતમરાય દેસાઈએ કરી હતી. 28 જાન્યુઆરી, 1927ના રોજ સરદાર સાહેબે તેનું ઉદઘાટન કર્યું હતું અને ઉદઘાટન કરતી વખતે તેમણે કહ્યું હતું કે આ એક વિકાસનું નવું મોડેલ છે. આ બાબતને લોકો યાદ રાખે. એટલા માટે પ્રિતમરાય દેસાઈનું ગૌરવ કરીને એ સોસાયટીનું નામ પ્રિતમ નગર રાખ્યું હતું. આજે પણ અમદાવાદમાં પ્રિતમ નગરની સહકારી આંદોલનની પહેલી સફળ એટલે કે એક પ્રકારે સફળતાની પહેલી સ્મૃતિ મોજૂદ છે અને તેનાથી પણ આગળ જતાં દરેક ક્ષેત્રમાં સહકારી પ્રવૃત્તિને અને ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં તે સમયે બૃહદ્દ મહારાષ્ટ્ર હતું. આ સમગ્ર ક્ષેત્રમાં સહકારી વ્યવસ્થા નહોતી. સહકારિતા એ નિયમોના બંધનથી બંધાયેલી કોઈ રચના નથી. સહકારિતા એક સંસ્કાર સ્વરૂપે આપણાં જન માનસમાં સ્થિર થઈ છે અને તેનું પરિણામ એ છે કે આજે ગુજરાતમાં સહકારી આંદોલન સાથે જોડાયેલા લોકો સમગ્ર દેશ માટે એક મોડેલ તરીકે કામ કરે છે.

અમૂલથી આગળ જતાં ઉત્તર ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિએ કદમ માંડ્યા હતા. દૂધ સાગર ડેરી બની, બનાસ ડેરી બની. ક્યારેક મને વિચાર આવે છે કે આપણે ત્યાં આવા દ્રષ્ટિવાન અને સહકારી આંદોલનનું નેતૃત્વ લેનારા લોકો નહોતા તો ગુજરાત કે જ્યાં 10 વર્ષમાંથી 7 વર્ષ દુષ્કાળની પરિસ્થિતિ રહેતી હતી તેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યાં હોત. એ સમયે તે મુસીબત હતી, આજે તે ઓછી થઈ છે, એ ખેડૂતો, એ પશુપાલકો આવી કઠણાઈઓ વચ્ચે કેવી રીતે ગુજરાન ચલાવતા હશે. આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ખેડૂતોએ આ સમસ્યાનો ઉપાય શોધ્યો અને દુષ્કાળ પડે તો પણ પશુપાલન અને દૂધનું વેચાણ કરીને ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી લેતો હતો. પશુપાલક ગુજરાન ચલાવતો હતો અને જીંદગી પણ ચાલતી રહેતી હતી. પરંતુ પાછળથી એવો સમય આવ્યો કે કોઈને કોઈ કારણથી ગાંધીનગરમાં એવા લોકો બેઠા કે જેમણે આ સહકારી આંદોલનથી ચાલતા ડેરી ઉદ્યોગ માટે અવરોધ ઉભો થાય તેવા નિયમો બનાવ્યા. કચ્છ- સૌરાષ્ટ્રમાં ડેરી બનાવવી અને ચલાવવી તે એક બોજ બની ગયો હતો. જ્યારે પશુપાલન કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં હતું.

જ્યારે અમને લોકોને સેવા કરવાનો મોકો મળ્યો ત્યારે અમે સ્થિતિ બદલી નાંખી. અમે કહ્યું કે દરેક જગ્યાએ પ્રોત્સાહન આપવામાં આવે. આજે હું અનુભવ કરી રહ્યો છું કે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં પશુપાલકો માટે, ખેડૂતો માટે, દૂધ ઉત્પાદન માટે એક મોટી તક ઉભી થઈ છે.

કેટલાક લોકો એવા હોય છે કે જે પોતાની જાતને જ્ઞાની સમજતા હોય છે. મોટા વિદ્વાન તરીકે ઓળખાવતા હોય છે અને જ્યારે તેમની સમજ બહારની કોઈ ચીજ આવે તો તેમનું મન, અહંકાર તેને સ્વિકાર કરવા માટે તૈયાર થતું હોતું નથી. વિરોધ કરવાની હિંમત નથી હોતી એટલે તેની મજાક ઉડાડવી અને હલકી વાતો કરવામાં આવતી હતી કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.

એવા લોકો હોય છે, મને બરાબર યાદ છે કે જ્યારે કચ્છમાં સફેદ રણનો રણોત્સવ શરૂ કરવામાં આવી રહ્યો હતો ત્યારે રણોત્સવને પ્રોત્સાહિત કરી રહ્યા હતા ત્યારે, ભૂકંપ પછી કચ્છના અર્થતંત્રને ધબકતું કરવા માટે અનેક યોજનાઓ હાથ ધરી રહ્યા હતા ત્યારે ત્યાં એકવાર ભાષણ કરતાં મેં જણાવ્યું હતું કે જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી ઊંટડીનું દૂધ એવું હોય છે કે જેમાં અધિક પ્રમાણમાં પોષક તત્વો હોય છે. આપણાં બાળકોના વિકાસ માટે તે ખૂબ કામ આવી શકે છે. મને ખબર નથી કે એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેવો ગૂનો કર્યો હશે કે ઊંટના દૂધની બાબતે હું જ્યાં પણ જાઉં, મારી મજાક કરવામાં આવતી હતી, કાર્ટુન બનાવવામાં આવતા હતા, મજાક ઉડાડવામાં આવતી હતી. ખબર નહીં ખૂબ જ ખરાબ કોમેન્ટ કરવામાં આવતી હતી.

આજે મને ખુશી છે કે અમૂલના દૂધથી બનેલી ચોકલેટ બહાર પડી છે. તેની ખૂબ મોટી માંગ છે. મને હમણાં રામસિંહભાઈએ જણાવ્યું હતું કે ગાયના દૂધની તુલનામાં આજે ઊંટડીના દૂધની કિંમત બમણી થઈ ગઈ છે.

ક્યારેક અજ્ઞાનને કારણે લોકો કેવી હાલત કરી મૂકે છે તેનું આ ઉદાહરણ છે. હવે રણની અંદર ઊંટ ઉછેરનાર વ્યક્તિને આટલું મોટું બજાર મળી રહે તો તેમની રોજી રોટી માટે એક નવું સાધન તૈયાર થશે. મને આનંદ છે કે આજે આટલા વર્ષો પછી અમૂલે મારાં આ સપનાંને સાકાર કર્યું છે. પોષણ માટે આપણાં દેશમાં ઘણું બધુ કરવાની આવશ્યકતા આપણે અનુભવી રહ્યા છીએ.

જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે પોષણ મિશન બાબતે ઘણી બધી ચીજો શરૂ કરી હતી, કારણ કે મારી એવી માન્યતા હતી કે આપણે ત્યાં મા અને બાળક જો તંદુરસ્ત હશે તો ભારત ક્યારેય બિમાર નહીં પડી શકે. આપણું ભારત સ્વસ્થ રહી શકશે.

મને આજે વધુ એક બાબતનો આનંદ થયો છે કે અહિં સૌર ઊર્જા અને સહકારી ચળવળ એ બંનેનો સમન્વય કરાયો છે. જે ખેતરમાં અનાજ પેદા થતું હોય ત્યાં વિજળી પણ પેદા થશે અને ખેડૂતોને હું અભિનંદન પાઠવું છું કે એ 11 ખેડૂતોએ મળીને સહકારી મંડળી બનાવીને વિજળી પેદા કરી છે. ખેતી માટે તેનો ઉપયોગ કરે છે. જે વિજળી વધે છે તેને રાજ્ય સરકારની નીતિ પ્રમાણે હવે ખરીદવામાં આવી રહી છે. મને કહેવામાં આવ્યું છે કે આ સહકારી મંડળીને એક વર્ષમાં રૂ. 50 હજારની વધારાની આવક થશે. સહકારી ક્ષેત્રે ચરોતરની ધરતી દરેક સમયે, હંમેશા નવા પ્રયોગો કરવાની હિંમત દાખવતી રહી છે.

ભારત સરકારે ત્રણ મહત્વપૂર્ણ યોજનાઓને આગળ ધપાવી છે. એક જનધન, બીજી વનધન અને ત્રીજી ગોબરધન. કચરામાંથી સંપત્તિ, પશુઓનો જે કચરો છે તેના દ્વારા પણ સંપત્તિ અને છાણમાંથી ઘાસ બનાવવાની, વિજળી બનાવવાની, ખાતર બનાવવાની અને મને બરાબર યાદ છે કે ડાકોર- ઉમરેઠ પાસે અમારા એક ખૂબ ઉત્સાહી કાર્યકર્તા હતા તેમણે 10 થી 12 ગામના છાણને એકઠું કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને એક મોટો ગોબર ગેસ પ્લાન્ટ બનાવીને આસપાસનાં ગામોમાં ગેસ પહોંચાડવાની યોજના તે સમયે તેમણે હાથ ધરી હતી. આજે પણ જે રીતે 11 ખેડૂતોએ એકઠા મળીને સોલાર પંપથી વિજળી પેદા કરવાનું કામ અને તે પછી વિજળી વેચવાનું કામ કર્યું છે. ખેતી પણ ચાલે છે અને સોલારની પણ ખેતી થઈ રહી છે. આવી રીતે 11-11 ગામ એકઠા થઈને ખૂબ મોટા અને ઉત્તમ ગોબરધનને મિશન મોડમાં લાવીને કામ કરી શકે તેમ છે.

આજે હું ચરોતરની ધરતી પર આવ્યો છું, સરદાર સાહેબની તપસ્યાથી અને સહકારી ક્ષેત્રના અનેક મહાપુરૂષોની તપસ્યાને કારણે અહિં જે કામ થયા છે, અહિં જે સંસ્કાર છે. હું માનું છું કે આવનારા દિવસોમાં અમૂલ માર્ગદર્શન આપે અને અન્ય લોકોને માર્ગદર્શન આપે તો આપણે ગોબરધન યોજનાને સાચા અર્થમાં આગળ વધારીને કચરામાંથી સંપત્તિ પેદા કરીશું. સ્વચ્છ ઊર્જા મળશે અને દેશને વિદેશોમાંથી જે ચીજો લાવવી પડે છે, તેના ઉપર અવલંબન રાખવું પડે છે, તે નહીં રાખવું પડે. આપણે આપણાં દેશમાં સેવાનો એક સારો માર્ગ ખૂલ્લો મૂકીશું. આવનારા દિવસોમાં આ કામને પણ જો અહિંના લોકો કરશે તો દેશ માટે એક ખૂબ મોટું નમૂનારૂપ કામ થશે તેવો મારો વિશ્વાસ છે.

હવે બે વર્ષ પછી અમૂલને 75 વર્ષ પૂરાં થશે અને ભારતની આઝાદીને 75 વર્ષ પૂરાં થશે. મેં જોયું છે કે અમૂલ ક્યારેય અટકવાનું કામ કરતું નથી. આ એ જ અમૂલ છે કે જે નવો વિચાર કરવો, નવા કામ કરવા, નવા સાહસ હાથ ધરવા તે અમૂલની પ્રકૃતિમાં છે. અહિં પૂરી જે ટીમ છે, અહિંની જે સમગ્ર કાર્ય સંસ્કૃતિ છે તેની સંભાળ લેનારા લોકો પ્રોફેશનલ છે. અમૂલનું નેતૃત્વ સંભાળનારા સહકારી આંદોલનના તમામ નેતાઓને હું આજે આગ્રહ કરી રહ્યો છું કે હવે અમૂલના 75 વર્ષ પૂરાં થશે, ભારતની આઝાદીના પણ 75 વર્ષ પૂરાં થશે. બંને વર્ષોને ધ્યાનમાં રાખીને શું અમૂલ કોઈ નવું લક્ષ્ય હાંસલ કરી શકે છે, નવો ટાર્ગેટ નક્કી કરી શકે છે અને આ 75 વર્ષ નિમિત્તે આપણે એવા 75 વર્ષ બનાવીશું કે આપણે અત્યારથી જ કામ કરવા લાગીશું. આપણી પાસે બે થી ત્રણ વર્ષનો સમય છે. દેશની આઝાદીની વચ્ચે આપણી પાસે સમય છે. 75 વર્ષમાં આપણે એવા કેટલાક લક્ષ્યો નક્કી કરીશું, આપણા જેટલા લોકો તેની સાથે જોડાશે તેમને સાથે મળીને આપણે શું દેશ અને દુનિયાને કોઈ નવી ચીજ આપી શકીશું?

આજે સમગ્ર દુનિયામાં મિલ્ક પ્રોસેસીંગમાં આપણે 10મા નંબરે છીએ. જો અમૂલ ઈચ્છે અને સંકલ્પ કરે કે આઝાદીના 75 વર્ષ થાય ત્યાં સુધીમાં આપણે 10 નંબરથી આગળ વધીને ત્રીજા નંબર સુધી પહોંચવાનો નિર્ણય કરી આગળ વધી શકીએ? મને આ કામ મુશ્કેલ લાગતું નથી.

આપણાં દેશમાં એક એવો સમય હતો કે જ્યારે આપણે તંગીના પ્રભાવ હેઠળ જીવતા હતા. તંગીની સમસ્યાઓમાં ફસાયેલા હતા અને એ સમયે શાસનની નિર્ણય પ્રક્રિયા, વિચાર પ્રક્રિયા, કામ કરવાની રીત વગેરે અલગ પ્રકારનું હતું. આપણે ખૂબ ઝડપથી એવી સ્થિતિમાંથી બહાર આવીએ તે દેશ માટે અનિવાર્ય બની ગયું છે. આજે આપણી પાસે જે સંકટ છે તે તંગીનું નથી. આજે દેશની સામે વિપુલતાનો પડકાર છે. ખેડૂતો એટલા પ્રમાણમાં ઉત્પાદન કરે છે કે ક્યારેક બજાર નીચુ જાય છે અને ખેડૂતને પણ નુકશાન થાય છે, કારણ કે ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે.

પહેલા એવો સમય હતો કે જ્યારે ઉત્પાદન ખૂબ ઓછુ થતું હતું. આપણે બહારથી ઘઉં લાવીને પેટ ભરતા હતા. જેવી શ્વેત ક્રાંતિ થઈ તેવી રીતે જ કૃષિ ક્રાંતિ થઈ. દેશમાં અન્નના ભંડાર ભરાઈ ગયા. પરંતુ હવે આપણી પાસે કેટલીક ચીજો જરૂરિયાત કરતાં વધારે છે. આવી સ્થિતિના ઉપાય તરીકે તેનું પ્રોસેસિંગ કરવામાં આવે છે, મૂલ્ય વૃદ્ધિ કરવામાં છે. આપણે જો એ ડેરી ઉદ્યોગને આગળ ન ધપાવી હોત, દૂધની નવી પ્રોસેસિંગ, નવા-નવા ઉત્પાદનો ન બનાવ્યા હોત તો ખેડૂતોએ કદાચ દૂધ ઉત્પાદન કરવાનું કામ છોડી દીધુ હોત, પશુપાલન કરવાનું કામ છોડી દીધુ હોત, કારણ કે તેની ટકી રહેવાની કોઈ સંભાવના જ નહોતી. આજે આ વ્યવસ્થાને કારણે ખેડૂતો દૂધ ઉત્પાદન સાથે ઉત્સાહપૂર્વક જોડાયેલા રહે છે.

સમાન પ્રકારે આપણાં માટે ખેત પેદાશ અને તેમાં પણ મૂલ્ય વૃદ્ધિ કરાય તે આપણાં માટે ખૂબ જ જરૂરી છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે આણંદમાં એક દિવસે કૃષિ મહોત્સવ ચાલતો હતો અને હું ત્યાં આવ્યો હતો. ત્યાં મને મારા એક જૂના સાથીદાર મળી ગયા. હું પણ ખૂબ જ પરેશાન હતો કે તે કોટ, પેન્ટ અને ટાઈ પહેરીને ઉભા હતા. મેં પૂછ્યું શું વાત છે ભાઈ, તમે તો ખૂબ બદલાઈ ગયા. આજ કાલ શું કરો છો. તેમણે મને કહ્યું કે આપણે ત્યાં સરદ હોય છે. સરદ એટલે કે પાંદડા. પહેલા પાંદડા નીચે પડી રહેતા હતા, પરંતુ એના પોષણ મૂલ્યની કોઈને ખબર નહોતી. કોઈ એ પ્રકારના કામમાં લાગ્યું નહોતુ. આપણા દરેક એગ્રો ઉત્પાદનમાં એ તાકત છે કે જ્યારે મોટા પ્રમાણમાં ટામેટાં પેદા થાય છે ત્યારે તેનું બજાર ગગડી જાય છે. ટામેટા બે-ત્રણ દિવસમાં બગડી જાય છે, પરંતુ જો ટામેટામાં મૂલ્ય વૃદ્ધિ કરીને, પ્રોસેસિંગ કરીને કેચઅપ બનાવવામાં આવે અને તેને સારી બોટલમાં પેક કરવામાં આવે તો મહિનાઓ સુધી ખરાબ થતો નથી અને દુનિયાના બજારમાં વેચાય છે. આપણાં ખેડૂતોને નુકશાન થતું નથી અને એટલા માટે જે રીતે દૂધનુ પ્રોસેસીંગ કરવામાં આવે છે અને એ દ્વાર આપણાં ખેડૂતોને એક મોટી તાકાત પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં આપણે કૃષિ પેદાશોનું પણ પ્રોસેસિંગ, મૂલ્ય વૃદ્ધિ કરીને તેને તાકાત આપીશું. એટલા માટે જ ભારત સરકારે પ્રધાન મંત્રી કૃષિ સંપદા યોજના હેઠળ ભારતમાં તમામ ખેત પેદાશોને વધુ બળ મળે તે માટે આપણે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.

મેં ક્યારેક આપણાં આ ડેરીવાળાઓને કહ્યું હતું. તેમણે અમરેલી અને બનાસ ડેરીને આ કામમાં આગળ વધારી. કદાચ અન્ય કોઈએ કર્યું હશે, પરંતુ મને જાણકારી નથી. તેમને મેં કહ્યું હતું કે જે રીતે આપણે શ્વેત ક્રાંતિ કરી છે તે રીતે સ્વીટ રિવોલ્યુશન પણ કરવું જોઈએ. આપણા જે ખેડૂત ભાઈઓ આ દૂધ મંડળી સાથે જોડાયેલા છે તેમને મધમાખી ઉછેરની પણ તાલિમ આપવી જોઈએ અને તે મધનું ઉત્પાદન કરે. જ્યારે આપણે દૂધ લેવા જઈએ ત્યારે મધ પણ લઈને આવીએ અને તે રીતે આ પ્લાન્ટમાં તેનું પેકેજીંગ કરીએ છીએ તે જ રીતે તેનું પણ પેકેજીંગ કરવામાં આવે. અમરેલી જિલ્લો અને બનાસ ડેરી – બંને ડેરીઓ આજે દૂધના ઉત્પાદનની દિશામાં ખૂબ મોટું યોગદાન આપી રહી છે. ભારતમાં અગાઉ જેટલું મધ પેદા થતું હતું તેનાથી અનેકગણું મધ પેદા થવાની શરૂઆત થઈ ગઈ છે અને તે વિદેશમાં પણ જવા લાગ્યું છે. જો તે વેચાશે નહીં અને ઘરમાં ખાવામાં આવશે તો બાળકો માટે પણ પોષણકારી બની રહેશે. એમાં વધારાની મહેનત કરવાની હોતી નથી. ખેતર ગમે તેટલું નાનું હોય તો પણ જો તેના પર સોલાર પેનલ લગાવવામાં આવે તો વધારે મૂલ્ય પ્રાપ્ત થશે. તેની અંદર મધમાખી ઉછેર માટે કેટલીક ચીજો લગાવવામાં આવે તો તેનાથી પણ વધારે કમાણી થશે. એના માટે આપણે 2022, આઝાદીના 75 વર્ષ પૂરાં થાય ત્યાં સુધીમાં ભારતના ખેડૂતની આવક બમણી કરવા માટે આવા અનેક નવા નવા પ્રોજેક્ટ સાથે તેમને જોડીશું.

હું આશા રાખું છું કે આપણે સૌ તેની સાથે જોડાઈએ. એક વિચાર મેં પહેલાં પણ મૂક્યો હતો તે હું કરી શક્યો નથી, પરંતુ આપણે તે કરી શકીએ. જે રીતે અહિં ટેક હોમ રેશન બાબતે સારૂ કામ થયું છે. બાળકોના પોષણ માટે બાળ અમૂલની રચના કરીને આ વિષયમાં પણ સારૂં કામ થયું છે. આપણે મધ્યાહ્ન ભોજનની દિશામાં પણ મોટું કામ કરી શકીએ તેમ છીએ. જે ગામડાંઓમાં આપણે દૂધ લેવા જઈએ છીએ તેમની વચ્ચે આપણે એક મોટો કુકીંગ પ્લાન્ટ લગાવીએ અને આપણી ગાડી જ્યારે સવારમાં દૂધ લેવા જાય ત્યારે ત્યાં જે શાળા હોય તે શાળાના બાળકો માટે ઉત્તમ ટિફિનની અંદર મધ્યાહ્ન ભોજન લઈને જઈ શકાય. શાળાના બાળકો માટે ત્યાં ટિફિન મૂકી દેવામાં આવે. ટિફિન પણ એવું ઉત્તમ પ્રકારનું હોય કે ગરમા ગરમ ખાવાનું મળે. બીજા દિવસે જ્યારે દૂધ લેવા માટે ફરીથી જઈએ ત્યારે તે ખાલી ટિફિન પાછું આવે. કોઈ વધારાનો હેરફેરનો ખર્ચ થશે નહીં અને આરામથી આપણે ત્યાં જ્યાં-જ્યાં દૂધ મંડળી હશે ત્યાં શાળાઓમાં સરકાર પૈસા આપતી હોય છે, આપણે તો તેનું સંચાલન જ કરવાનું રહે છે.

હું તમને વિશ્વાસ અપાવું છું કે જે રીતે ઈસ્કોનના માધ્યમથી મધ્યાહ્ન ભોજન યોજનાને તાકાત મળી છે તે રીતે આપણી તમામ ડેરીઓ ખૂબ જ ઉત્તમ પદ્ધતિથી આપણાં આ બાળકો માટે આવી વ્યવસ્થા કરીને ભોજન પહોંચાડી શકે તેમ છે. એક જ વ્યવસ્થાનો બહુવિધ ઉપયોગ થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે જો યોજનાઓ બનાવીશું તો હું વિશ્વાસ સાથે કહી શકું કે આપણે માત્ર મર્યાદિત ક્ષેત્રોમાં જ નહીં, જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રભાવ પેદા કરવાનું કામ કરી શકીએ તેમ છીએ.

મને યાદ છે કે ધર્મજના આપણાં લોકો, સમગ્ર દેશમાં મેં જોયું છે કે ગોચરની જે જમીન હોય છે તેના માટે હંમેશા ઝઘડા થતા હોય છે. કોઈએ દબાણ કરી દીધું હોય, અમૂકે કર્યું, બીજાએ કર્યું તેવો વિવાદ થશે. પરંતુ આપણાં ધર્મજના ભાઈઓએ સહકારી મંડળી બનાવીને આ ગોચરનો વિકાસ કર્યો. એ લોકો રોજ-રોજ લીલા ઘાસની હોમ ડિલીવરી કરતા હતા. એ સમયે. આજે તો મને ખબર નથી, હું અગાઉ આવતો હતો ત્યારે એ લોકો લીલા ઘાસની હોમ ડીલીવરી આપતા હતા. જો બે પશુ હોય તો તમને આટલા કીલો જોઈએ તેવી ગણતરી કરીને ઘાસ પહોંચાડતા હતા. તેમાંથી જે કમાણી થતી તેનો ઉપયોગ ગોચરની જમીનના વિકાસનું આધુનિક કામ તેમણે કર્યું હતું.

મારો કહેવાનો અર્થ એ છે કે અહિં વિચારમાં સહકારિતાના સંસ્કાર પડેલા છે. આપણે આ સહકારિતાને વ્યાપક રૂપ કેવી રીતે આપી શકીએ, આપણે કેવી રીતે, કઈ ચીજોની સાથે તેને જોડીએ અને આગળ વધવાની દિશામાં સાથે મળીને કેવી રીતે કામ કરીએ તે નક્કી કરવાનું છે.

હું વધુ એક વાર આજે અમૂલ પરિવારનો અને આ ચરોતરની ધરતીના પ્રગતિશીલ કિસાન પુત્રોને, આ ધરતીને મહા તેજસ્વી પુરૂષ વલ્લભભાઈ પટેલનું સ્મરણ કરતાં તેમણે જે ઉત્તમ પરંપરાઓ બનાવી છે તે પરંપરા સાથે જોડાયેલા સહકારી ક્ષેત્રને સમર્પિત તમામ લોકોનું આદરપૂર્વક સ્મરણ કરતાં આજે આ ખૂબ મોટી યોજનાને અનેક વિધ યોજનાઓને, ગુજરાતની ધરતીને, દેશની ધરતીને સમર્પિત કરતાં અત્યંત ગર્વની લાગણી સાથે સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભારત સરકાર તરફથી એ બાબતે ખાતરી આપું છું કે આ તમામ પ્રોજેક્ટસને આગળ વધારવા માટે દિલ્હીની સરકાર ક્યારેય પાછી નહીં પડે. ખભેથી ખભો મિલાવીને ભારત સરકાર તેની પ્રગતિ માટે ભાગીદાર બનશે. આવી એક અભ્યર્થના સાથે આપ સૌને ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવું છું. બધાં પૂરી તાકાતથી બોલો..

ભારત માતા કી જય

શું ભાઈ શું થઈ ગયું. આ મારૂં ચરોતર છે, તેનો અવાજ આવો ન હોય

ભારત માતા કી જય..

એ બાત હુઈ, શાબાશ….ધન્યવાદ….

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi