વિવિધ દેશોના માનનીય મંત્રીઓ અને મહાનુભાવો,
ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ,
ઉદ્યોગપતિઓ, આમંત્રિત મહેમાનો,
સહભાગીઓ,
મંચ પર ઉપસ્થિત ગણમાન્ય વ્યક્તિઓ, યુવા મિત્રો, દેવીઓ અને સજ્જનો!
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના નવમાં સંસ્કરણમાં હું તમારુ સ્વાગત કરીને અત્યંત ખુશી અનુભવી રહ્યો છું.
તમે જુઓ છો કે, વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ એક આંતરરાષ્ટ્રીય સમિટ બની ગઈ છે. આ એક એવું આયોજન છે, જેમાં તમામને ઉચિત સ્થાન મળે છે. એમાં વરિષ્ઠ રાજનતાઓની ગરિમામય ઉપસ્થિતિ છે. એમાં સીઇઓ અને કોર્પોરેટ હસ્તીઓની વ્યાપક ઊર્જા છે. એમાં સંસ્થાઓ અને નીતિગત નિર્માતાઓનું ગૌરવ છે તેમજ સાથે-સાથે તેમાં યુવા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ-અપની જીવનશક્તિ છે.
‘વાઇબ્રન્ટ ગુજરાતે’ આપણા ઉદ્યોગસાહસિકોનો આત્મવિશ્વાસ વધારવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. એણે ક્ષમતાનિર્માણની સાથે-સાથે સરકારી એજન્સીઓ દ્વારા સર્વોત્તમ વૈશ્વિક રીતો કે પ્રથાઓ અપનાવવામાં પણ ઘણી મદદ કરી છે.
હું તમારા બધા માટે ઉપયોગી, સાર્થક અને સુખદ શિખર સંમેલનની કામના કરું છું. ગુજરાતમાં આ પતંગોત્સવ અથવા ઉત્તરાયણની સિઝન છે. આ શિખર સંમેલનનાં વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે મને આશા છે કે, તમે ઉત્સવો અને રાજ્યનાં વિવિધ સ્થળોનો આનંદ લેવા માટે થોડો સમય કાઢશો.
હું ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાતના આ સંસ્કરણનાં 15 સાથીદાર દેશોનું સ્વાગત કરું છું અને એમનો આભાર માનું છું.
હું 11 સાથીદાર સંસ્થાઓની સાથે એ તમામ દેશો, સંસ્થાઓ અને સંગઠનોનો પણ આભાર માનું છું, જેણે આ ફોરમમાં પોતપોતાનાં મંચનું આયોજન કર્યું છે. આ પણ અત્યંત સંતોષની વાત છે કે, આઠ ભારતીય રાજ્ય પોતાને ત્યાં ઉપલબ્ધ રોકાણની તકો પર પ્રકાશ ફેંકવા માટે આ ફોરમનો ઉપયોગ કરવા માટે આગળ આવ્યાં છે.
મને આશા છ કે, તમે ‘ગ્લોબલ ટ્રેડ શો’નું અવલોકન કરવા માટે થોડો સમય કાઢશો, જેનું આયોજન ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે અને જેમાં વિવિધ પ્રકારનાં આંતરરાષ્ટ્રીય ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને ટેકનોલોજીઓનું પ્રદર્શન કર્યું છે. ખરેખર ગુજરાત એ વેપાર-વાણિજ્યની સર્વોત્તમ ભાવના અને વાતાવરણનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતમાં ઉપસ્થિત છે. આ આયોજનથી ગુજરાતને છેલ્લા ઘણા દાયકાઓથી હાંસલ લીડ વધારી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આઠ સફળ આયોજનો સાથે વ્યાપક પરિવર્તનો થયા છે.
વિવિધ વિષયો પર અનેક સંમેલન અને ચર્ચા-વિચારણાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુદ્દા ભારતીય સમાજ અને તેના અર્થતંત્રની સાથે-સાથે સંપૂર્ણ વૈશ્વિક સમુદાય માટે ઘણી બધી રીતે મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, હું આવતીકાલે આયોજિત આફ્રિકા દિવસ અને 20 જાન્યુઆરીનાં રોજ આયોજિત આંતરરાષ્ટ્રીય ચેમ્બર્સનાં સંમેલનનો ઉલ્લેખ કરવા માગુ છુ.
મિત્રો,
આજે અહિં ઉપસ્થિત લોકો ખરા અર્થમાં ગરિમામયી ઉપસ્થિતિનું પ્રતિક છે. અમે અનેક રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સન્માનનો અનુભવ કરી છીએ. એનાથી એ જાણકારી મળે છે કે, આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય સહયોગ હવે ફક્ત રાષ્ટ્રીય રાજધાની સુધી જ મર્યાદિત નથી, પણ એનો વિસ્તાર હવે અમારા જુદા-જુદા રાજ્યોની રાજધાનીઓ સુધી થયો છે.
સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોની જેમ ભારતમાં પણ આપણા પડકારો પણ તમામ સ્તરે વધશે.
આપણે વિકાસના લાભ એ ક્ષેત્રો અને એ સમુદાયો સુધી પહોંચાડવાનાં છે, જે આ બાબતે પાછળ રહી ગયા છે.
બીજી રીતે જોઈએ તો આપણે આપણા જીવનનું સ્તર, આપણી સેવાઓની ગુણવત્તા અને આપણી માળખાગત સુવિધાઓની ગુણવત્તા લોકોની વધેલી અપેક્ષાઓને પૂર્ણ કરવાની છે. આપણે આ વાતથી સારી રીતે વાકેફ છીએ કે ભારતમાં આપણી સફળતાઓ વસતિના છઠ્ઠા ભાગને સીધી રીતે અસર કરશે.
મિત્રો,
જે લોકો ભારતની મુલાકાત નિયમિત રીતે લે છે, તેમણે અહિં પરિવર્તનનો પવન જરૂર અનુભવ્યો હશે. આ પરિવર્તન દિશા અને તીવ્રતા બંને દ્રષ્ટિએ થયુ છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન અમારી સરકારે સરકારનું કદ ઘટાડવા અને સુશાસન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મારી સરકારનો મંત્ર છે – રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને સતત પરફોર્મ.
અમે ઘણાં નક્કર પગલાં લીધા છે. અમે એવી વ્યાપક માળખાગત સુધારાની વ્યવસ્થાનો અમલ કર્યો છે, જેનાથી આપણા અર્થતંત્ર અને દેશને નવી મજબૂતી મળી છે.
જે અમે સાબિત કરી દેખાડ્યું છે, અમારી ગણના અત્યારે પણ દુનિયાના સૌથી વધુ ઝડપથી વધતા અર્થતંત્રોમાં થાય છે. વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) જેવી મુખ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની સાથે-સાથે મૂડીઝ જેવી ઘણી જાણીતી એજન્સીઓએ પણ ભારતની આર્થિક સફરમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અમે એ અવરોધો દૂર કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે અમને અમારી સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરતા અટકાવતી હતી.
મિત્રો,
ભારતમાં વેપાર-વાણિજ્યનું વાતાવરણ અત્યારે છે એવું અગાઉ ક્યારેય નહોતું. અમે વેપાર-વાણિજ્યને સરળ કર્યો છે.
છેલ્લાં ચાર વર્ષ દરમિયાન અમે વિશ્વ બેંકનાં ‘વેપાર-વાણિજ્યમાં સરળતા કરવાનાં’ સૂચકાંકમાં 65 સ્થાનોની છલાંગ લગાવી છે.
આ સૂચકાંકમાં ભારત વર્ષ 2014માં 142મું સ્થાન ધરાવતો હતો, જે અત્યારે 77મું સ્થાન ધરાવે છે, પણ હજુ અમે સંતુષ્ટ નથી. મેં મારી ટીમને વધુ મહેનત કરવા જણાવ્યું છે, જેથી ભારત આગામી વર્ષે આ સૂચકાંકમાં ટોચનાં 50 દેશોમાં સ્થાન મેળવી શકે. હું ઇચ્છું છું કે અમારા નીતિનિયમો અને પ્રક્રિયાઓની સરખામણી વિશ્વમાં સર્વોત્તમ ગણાતા નીતિનિયમો અને પ્રક્રિયાઓ સાથે થાય. અમે વેપાર-વાણિજ્યની પ્રક્રિયાને વાજબી પણ બનાવી છે.
વસ્તુ અને સેવા કર (જીએસટી)ને લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય અને એનુ સરળીકરણ કરવાના અન્ય ઉપાયોની સાથે-સાથે કરવેરા સહિત લેવડ-દેવડ (નાણાકીય વ્યવહારો)નો ખર્ચ ઘટ્યો છે અને પ્રક્રિયાઓ પણ વધારે સરળ થઈ છે.
અમે ડિજિટલ પ્રક્રિયાઓ, ઓનલાઇન લેવડ-દેવડ અને સિંગલ પોઇન્ટ પર પરસ્પર સંવાદ મારફતે વેપાર-વાણિજ્ય કરવામાં ઘણી ઝડપ પણ લાવી દીધી છે.
પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ની દ્રષ્ટિએ ભારતની ગણતરી હવે સૌથી વધુ ઉદાર દેશોમાં થાય છે. આપણાં અર્થતંત્રનાં સૌથી વધુ ક્ષેત્રો હવે એફડીઆઈ માટે ખુલી ગયા છે. 90 ટકાથી વધારે મંજૂરીઓ ઑટોમેટિક મળી જાય છે. આ ઉપાયોથી આપણું અર્થતંત્ર હવે વિકાસનાં માર્ગે ઝડપથી અગ્રેસર થયું છે. આપણે 263 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ હાંસલ કર્યું છે. આ છેલ્લાં 18 વર્ષોમાં હાંસલ થયેલા એફડીઆઇનો 45 ટકા હિસ્સો છે.
મિત્રો,
અમે એની સાથે વેપાર-વાણિજ્યની પ્રક્રિયાને પણ સ્માર્ટ બનાવી છે. અમે સરકારની આવક અને ખરીદીમાં આઇટી આધારિત લેવડ-દેવડ પર વિશેષ ભાર મૂક્યો છે. સરકારી લાભોનાં પ્રત્યક્ષ હસ્તાંતરણ સહિત ડિજિટલ ચુકવણીને હવે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી રહી છે. અમારી ગણતરી હવે સ્ટાર્ટ અપ માટે દુનિયાની સૌથી મોટી ઇકોસિસ્ટમમાં થાય છે અને તેમાંથી ઘણી ટેકનોલોજીઓનાં ક્ષેત્રમાં પગ મૂક્યો છે. એટલે હું કોઈ પણ પ્રકારનાં સંકોચ વિના કહી શકું છું કે, અમારી સાથે વેપાર-વાણિજ્ય કરવો એક મોટી તક છે.
આમ થવાનું મુખ્ય કારણ એ પણ છે કે, ભારતની ગણતરી અંકટાડ દ્વારા લિસ્ટેડ ટોચનાં 10 એફડીઆઇ સ્થળોમાં થાય છે. અમારે ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે વાજબી ઉત્પાદનની વિવિધ રીતો લાગુ પડી છે. ભારતમાં જ્ઞાન અને ઊર્જાથી સંપન્ન કુશળ વ્યાવસાયિકો પણ છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો એન્જિનીયરિંગ આધાર તથા શ્રેષ્ઠ સંશોધન અને વિકાસ સુવિધાઓ છે. વધતા કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી), સતત વધી રહેલો મધ્યમ વર્ગ અને તેમની ખરીદ ક્ષમતાથી આપણાં વિશાળ સ્થાનિક બજારનું ઝડપથી વિસ્તરણ થઈ રહ્યું છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન અમે કોર્પોરેટ દ્રષ્ટિએ ઓછો કરવેરો ધરાવતી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યાં છીએ. અમે નવા રોકાણોની સાથે-સાથે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે કરવેરાનાં દરને 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દીધો છે. બૌદ્ધિક સંપદા અધિકારો (આઇપીઆર) સાથે સંબંધિત મુદ્દાઓ માટે અમે ધારાધોરણો (બેન્ચમાર્ક) નીતિઓ વિકસાવી છે. હવે ભારત પણ સૌથી વધુ ઝડપથી ટ્રેડમાર્ક ધરાવતાં દેશોમાં સામેલ છે. દેવાળીયું અને નાદારીપણાની આચારસંહિતાને કારણે વેપારીઓ અને વ્યાવસાયિકોને હવે લાંબી જટિલ અને નાણાકીય લડાઈઓ લડ્યાં વિના જ પોતાનાં વ્યવસાયમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી ગયો છે.
છેવટે વેપાર-વાણિજ્ય શરૂ કરવાથી લઈને તેનુ સંચાલન, ચાલુ રાખવા અને પછી બંધ થાય ત્યાં સુધી અમે નવી સંસ્થાઓ, કાયદાઓ અને પ્રક્રિયાઓ તૈયાર કરવા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. આ તમામ વેપાર-વાણિજ્ય હાથ ધરવાની સાથે અમારી જનતાના સ્વાભાવિક અને સરળ જીવન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. અમે એ પણ સારી રીતે સમજીએ છીએ કે, એક યુવા રાષ્ટ્ર હોવાનાં નાતે રોજગારીનું સર્જન કરવા અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. બંને રોકાણ સાથે સંબંધિત છે. એટલે છેલ્લાં થોડાં વર્ષોમાં ઉત્પાદન અને માળખાગત મૂળભૂત સુવિધાઓ પર અભૂતપૂર્વ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
અમે અમારા યુવાનો માટે રોજગારીનું સર્જન કરવા માટે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આકરી મહેનત કરી છે. અમારી ‘મેક ઇન ઇન્ડિયા’ નામની પહેલ મારફતે રોકાણનાં અન્ય કાર્યક્રમોને જેમ કે ડિજિટલ ઇન્ડિયા અને કૌશલ્ય ભારતમાંથી વ્યાપક સાથસહકાર મળ્યો છે. અમારુ ધ્યાન આપણી ટેકનોલોજીકલ માળખું, નીતિઓ અને રીતો કે પરંપરાઓને સર્વોત્તમ આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ બનાવવા અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉત્પાદન કેન્દ્ર સ્વરૂપે પરિવર્તિત કરવા પણ કટિબદ્ધ છીએ.
સ્વચ્છ ઊર્જા અને હરિત વિકાસ તથા પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરે એવા ઉત્પાદનો બનાવવા – આ સમસ્યા પ્રત્યે પણ અમે કટિબદ્ધ છીએ. અમે આખી દુનિયાને વચન આપ્યું છે કે, અમે આબોહવામાં ફેરફારને અસર કરતાં પરિબળોને ઘટાડવાની દિશામાં કામ કરીશું. વીજળીનાં પુરવઠાની દ્રષ્ટિએ ભારત દુનિયામાં નવીનીકરણ ઊર્જાની દ્રષ્ટિએ અમે પાંચમો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત પવન ઊર્જાનો ચોથો સૌથી મોટો ઉત્પાદક અને સૌર ઊર્જામાં પાંચમો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
અમે માર્ગો, બંદરો, રેલવે, એરપોર્ટ, ટેલિકોમ્યુનિકેશન, ડિજિટલ નેટવર્ક અને ઊર્જા સહિત આગામી પેઢીની મૂળભૂત માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવા માટે આતુર છીએ. અમે અમારા દેશનાં લોકોની આવક વધારવા અને જીવનનું ગુણવત્તાયુક્ત સ્તર સુનિશ્ચિત કરવા માટે પોતાનાં સામાજિક, ઔદ્યોગિક અને કૃષિ સાથે સંબંધિત મૂળભૂત ખાતામાં મોટા પાયે રોકાણ કરી રહ્યાં છીએ. ઉદાહરણ તરીકે, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન વીજળીની ક્ષમતામાં સૌથી વૃદ્ધિ અને ઉત્પાદન થયું છે. પહેલી વાર ભારત વીજળીનો ચોખ્ખો નિકાસકાર બન્યો છે. અમે મોટા પાયે એલઇડી બલ્બનું વિતરણ કર્યું છે. પરિણામે ઊર્જાની મોટા પાયે બચત થઈ છે. અમે અભૂતપૂર્વ ઝડપ સાથે રેલવેની લાઇનો પાથરી છે. માર્ગ નિર્માણમાં અમારી કામગીરીની ઝડપ વધીને બે ગણી થઈ છે. અમે મુખ્ય બંદરોની ક્ષમતામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ જોડાણ હવે 90 ટકા થયું છે. નવી રેલવે લાઇનો પાથરવા, રેલવે લાઇનનું ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન બેગણું થઈ ગયું છે. અમે ઓનલાઇન પ્રક્રિયા મારફતે નિયમિત રીતે મુખ્ય યોજનાઓનાં અમલીકરણને સરળ અને સુગમ કર્યું છે. મૂળભૂત માળખાગત ક્ષેત્ર સાથે સંબંધિત અમારી સરકારી-ખાનગી ભાગીદારી હવે રોકાણને વધારે અનુકૂળ થઈ છે. અમારી સરકારનાં સંપૂર્ણ કાર્યકાળમાં જીડીપીનો વૃદ્ધિદર સરેરાશ 7.3 ટકા રહેવાની ધારણા છે, જે વર્ષ 1991 પછી કોઈ પણ ભારતીય સરકારની સૌથી વધુ આર્થિક વિકાસદર છે. તેની સાથે મોંઘવારીનો દર 4.6 ટકા રહેવાનો અંદાજ છે, જે વર્ષ 1991માં ભારતે ઉદારીકરણની પ્રક્રિયા શરૂ કરી પછી કોઈ પણ ભારતીય સરકારનાં કાર્યકાળ દરમિયાન લઘુતમ રહી છે.
અમારુ માનવું છે કે, વિકાસનાં લાભ લોકો સુધી સરળતાપૂર્વક અને કાર્યદક્ષતા સાથે પહોંચવા જોઈએ.
આ સંબંધમાં હું થોડા ઉદાહરણ તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું. હવે અમારા દેશમાં દરેક પરિવાર એક બેંક એકાઉન્ટ ધરાવે છે. અમે નાનાં ઉદ્યોગસાહસિકોને કોઈ પણ પ્રકારની જામીન કે ગેરેન્ટી વિના લોન આપી રહ્યાં છીએ. હવે અમારા દેશનાં દરેક ગામમાં વીજળીનો પુરવઠો પહોંચી ગયો છે. હવે અમારા દેશમાં લગભગ તમામ ઘરોમાં પણ વીજળી પહોંચી ગઈ છે. અમે મોટી સંખ્યામાં એવા લોકોને રાંધણ ગેસ ઉપલબ્ધ કરાવ્યો છે, જે અત્યાર સુધીનું એનું વહન કરવામાં સક્ષમ નહોતા. અમે શહેરી અન ગ્રામીણ એટલે તમામ ક્ષેત્રોમાં ઉચિત સ્વચ્છતા સુનિશ્ચિત કરી છે. અમે ઘરોમાં શૌચાલયોનો પૂર્ણ વ્યાપ અને તેના ઉચિત ઉપયોગની દિશામાં કામ કરી રહ્યાં છીએ.
દેવીઓ અને સજ્જનો,
ભારતની ગણતરી પણ વર્ષ 2017માં વિશ્વનાં સૌથી વધુ ઝડપથી વિકસતા પર્યટન સ્થળોમાં થઈ છે. વર્ષ 2016ની સરખામણીમાં ભારતનો વૃદ્ધિ દર 14 ટકા હતો, ત્યારે એ જ વર્ષે વૈશ્વિક સ્તરે વૃદ્ધિનો દર સરેરાશ 7 ટકા હતો. છેલ્લા ચાર વર્ષ દરમિયાન પ્રવાસીની ટિકિટોમાં દસ 10 ટકાથી વધારે વૃદ્ધિની દ્રષ્ટિએ ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતુ ઉડ્ડયન બજાર પણ રહ્યુ છે.
એટલે એક ‘નવું ભારત’ વિકસી રહ્યું છે, જે આધુનિક અને સ્પર્ધાત્મક હશે તથા એની સાથે એ લોકોની કાળજી રાખનાર અને સહાનુભૂતિશીલ પણ હશે. આ સહાનુભૂતિ ધરાવતા દ્રષ્ટિકોણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ‘આયુષ્માન ભારત’ નામની અમારી આરોગ્ય વીમા યોજના છે. તેનો લગભગ 50 કરોડ લોકોને લાભ મળશે, જે અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત વસતિથી વધારે છે. આયુષ્માન ભારત યોજના સ્વાસ્થ્ય સાથે સંબંધિત મૂળભૂત માળખાગત સુવિધાઓ, ચિકિત્સા ઉપકરણોનું નિર્માણ અને સ્વાસ્થ્ય સેવાઓના ક્ષેત્રમાં વ્યાપક રોકાણની તકો ઉપલબ્ધ કરાવશે.
હું થોડાં ઉદાહરણ પ્રસ્તુત કરવા માગું છું. ભારતમાં 50 શહેર મેટ્રો રેલવે સિસ્ટમનું નિર્માણ કરવા તૈયાર છે. અમારે 50 મિલિયન મકાનોનું નિર્માણ કરવાનું છ. માર્ગ, રેલવે અને જળમાર્ગો સાથે જોડાયેલી જરૂરિયાતો અત્યંત વધારે છે. આપણે ત્વરિત અને સ્વચ્છ રીતે પોતાનાં લક્ષ્યાંકની પ્રાપ્તિ માટે વિશ્વસ્તરીય ટેકનોલોજીઓ ઇચ્છીએ છીએ.
મિત્રો,
એટલે ભારતમાં પુષ્કળ તકો ઉપલબ્ધ છે. આ એકમાત્ર એવો દેશ છે, જ્યાં તમારા માટે લોકશાહી, યુવા વસતિ અને વ્યાપક માંગ ત્રણે એક સાથે ઉપલબ્ધ છે. ભારતમાં અગાઉ રોકાણ કરી ચૂકેલા રોકાણકારોને હું એ વાતની ખાતરી આપવા ઇચ્છું છું કે, આપણી લોકશાહી વ્યવસ્થા, માનવીય મૂલ્ય અને સારી રીતે સ્થાપિત સુદ્રઢ ન્યાયિક વ્યવસ્થા તમારા રોકાણની સુરક્ષા સુનિશ્ચિત કરશે. અમે રોકાણનાં વાતાવરણને વધારે શ્રેષ્ઠ બનાવવા તથા પોતાને મહત્મત પ્રતિસ્પર્ધી બનાવવાની દિશામાં સતત કામ કરી રહ્યાં છીએ.
અત્યાર સુધી ભારતમાં રોકાણ ન કરનારા રોકાણકારોને અહિં હું ઉપલબ્ધ તકો શોધવા આમંત્રણ આપવા ઇચ્છું છું અને પ્રોત્સાહન આપવા ઇચ્છું છું. અત્યારે ભારતમાં રોકાણ કરવાનો સૌથી સારો સમય છે. અમે એક-એક કરીને તમામ રોકાણકારોની મદદ કરવા પ્રતિબદ્ધ ઉપાયો કર્યા છે. સૌથી મોટી વાત એ છે કે, હું તમને ખાતરી આપુ છું કે, હું તમારી સફરમાં તમારો સાથ આપવા માટે હંમેશા ઉપલબ્ધ રહીશ.
ધન્યવાદ! તમારો ખૂબ-ખૂબ આભાર. ખૂબ-ખૂબ ધન્યવાદ.