મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રીમાન વિદ્યાસાગર રાવ, અહીનાં લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રમાં મંત્રી પરિષદનાં મારા સાથી શ્રીમાન નીતિન ગડકરીજી, અશોક ગજપતિ રાજુજી, રાજ્ય સરકારના મંત્રી શ્રીમાન રવીન્દ્ર ચૌહાણજી, ધારાસભ્ય શ્રીમાન પ્રશાંત ઠાકુરજી અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
આવતીકાલે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીનું પર્વ છે અને એક દિવસ પૂર્વે આજે રાયગઢ જીલ્લામાં આ અવસર, પોતાનામાં જ એક સુખદ સંયોગ છે. આજે બે કાર્યક્રમોનો મને અવસર મળ્યો છે. એક આપણા નીતિન ગડકરીજીનાં નેતૃત્વમાં ભારતનાં વહાણવટા ક્ષેત્રને, બંદર ક્ષેત્રને અને જળમાર્ગને જે રીતે એક નવી ચેતના મળી છે અને તેના જ અંતર્ગત મુંબઈમાં જેએનપીટીનાં ચોથા ટર્મિનલનું આજે લોકાર્પણ થઇ રહ્યું છે.
અનેક વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ વૈશ્વિકરણ, વિશ્વ વ્યાપાર. સાંભળતા તો ઘણા વર્ષોથી આવ્યા છીએ પરંતુ આ વિશ્વ વ્યાપારની સંભાવનાઓનાં સંબંધમાં ઘરે બેઠા ચર્ચા કરતા રહેવાથી દેશને કોઈ લાભ નથી પહોચાડી શકતા. વિશ્વ વ્યાપારનો લાભ ત્યારે થાય છે કે, વિશ્વની સાથે જોડાવા માટે તમારી પાસે વિશ્વ સ્તરની માળખાગત સુવિધા હોય.
સામુદ્રિક વ્યાપાર તેમાં એક ઘણું મોટુ મહત્વ ધરાવે છે અને ભારત એક ભાગ્યશાળી દેશ રહ્યો છે કે, સામુદ્રિક શક્તિને ઓળખનારા સૌથી પહેલા રાજપુરૂષ, રાષ્ટ્રપુરૂષ, છત્રપતિ શિવાજી મહારાજ હતા. અને તેનું જ પરિણામ છે કે આજે મહારાષ્ટ્રમાં આટલા મોટા સમુદ્ર સાથે જોડાયેલા કિલ્લાઓની રચના અને તેની સાથે એક સામુદ્રિક શક્તિનો અહેસાસ. આજે જ્યારે આટલા વર્ષો પછી છત્રપતિ શિવાજી મહારાજનું સ્મરણ કરીએ છીએ અને અને જે આ જેએનપીટીના ચોથા ટર્મિનલનું આપણે લોકાર્પણ કરીએ છીએ તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે આપણા મહાપુરુષ કેટલા દીર્ઘદ્રષ્ટા હતા અને કેટલા લાંબા દ્રષ્ટિકોણ સાથે વિચારતા હતા.
જો વિશ્વ વ્યાપારમાં ભારતે પોતાની જગ્યાએ બનાવવી હોય તો ભારતની પાસે સૌથી વધુ સામુદ્રિક માર્ગની શક્તિઓ અનેક ગણી વધારવાની જરૂર છે. આપણા બંદરો જેટલી વધારે માત્રામાં વિકસિત થાય, આધુનિક હોય, કાર્ય પૂર્ણ કરવાનો સમય લઘુત્તમ હોય અને ઝડપી ગતિએ ચાલનારા જહાજોની સંખ્યા વધે, આપણો લાખો કરોડો નો સામાન વિશ્વનાં બજારોમાં પહોંચે અને ક્યારેક ક્યારેક પહોંચવાની સ્પર્ધા હોય છે. એકવાર ઓર્ડર નક્કી થયા પછી, આર્થિક વ્યવહાર થઇ ગયા બાદ જો ઓછા સમયમાં માલ પહોંચે છે તો ખરીદનારા વેપારીને નફો થાય છે. જો તે મોડો પહોંચે છે તો તેનું નુકસાન થાય છે. પરંતુ તે ત્યારે પહોંચે છે જ્યારે આપણા બંદર ક્ષેત્રોમાં એ પ્રકારની સુવિધા હોય.
સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમે માત્ર બંદરનો જ વિકાસ કરવા માંગીએ છીએ એવું નથી. અમે બંદર આધારિત વિકાસ પર ભાર મૂકી રહ્યા છીએ જેથી કરીને આપણા સમુદ્રી તટના સાડા સાત હજાર કિલોમીટરનો વિશાળ સમુદ્ર આપણી પાસે છે. આપણે સામુદ્રિક ક્ષેત્રમાં એક મહાશક્તિ બનવાની સંભાવનાવાળા છીએ, આપણને ભૌગોલિક રૂપે વ્યવસ્થા મળેલી છે. તે આપણા માટે પડકાર છે કે આપણે આ અવસરનો કઈ રીતે ફાયદો ઉઠાવી શકીએ એમ છીએ અને આપણે આપણી વ્યવસ્થાઓને તે વિકાસની નવી ઉંચાઈઓ પર કઈ રીતે લઇ જઈએ.
ભારત સરકારે આ દિશામાં આગળ વધવાનું બીડું ઝડપ્યું છે. દુનિયા પર્યાવરણ ચર્ચા કરે છે. પર્યાવરણની સમસ્યાનાં સમાધાનમાં એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે વાહનવ્યવહાર અને તે વાહનવ્યવહાર ક્ષેત્રની અંદર જળમાર્ગ.. 100 થી વધુ જળમાર્ગો અમે શોધી કાઢ્યા છે અને આખા દેશમાં અમને લાગે છે કે, સામાનની હેરફેર માટે જો આપણે રેલ કે રસ્તાઓને બદલે જળમાર્ગોનો ઉપયોગ કરીએ, આપણી નદીઓનો, આપણા સમુદ્ર કિનારાઓનો, તો આપણે ખુબ જ ઓછા ખર્ચમાં વસ્તુઓ પ્રાપ્ત કરાવી શકીએ તેમ છીએ અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરીને આપણે એક ગ્લોબલ વોર્મિંગની સાથે જે લડાઈ ચાલી રહી છે, તેમાં પણ પોતાનું સકારાત્મક યોગદાન આપી શકીએ તેમ છીએ. તે વિષયોને લઈને હવે અમે દેશમાં આગળ વધી રહ્યા છીએ.
આજે નવી મુંબઈમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ અને દેશમાં આઝાદી પછી આટલો મોટો ગ્ર્રીન ફિલ્ડ પ્રોજેક્ટ, ઉડ્ડયન ક્ષેત્રનો, તે સૌથી પહેલો બની રહ્યો છે. હવે તમે કલ્પના કરી શકો છો કે 20 વર્ષથી તમે સાંભળ્યું છે, અનેક ચૂંટણીઓમાં આના વાયદા કરવામાં આવ્યા હશે. અનેક ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હશે આ વાયદાઓ પર, અનેક સાંસદ બનીને આવ્યા હશે. અનેક સરકારો બની હશે, પરંતુ એરપોર્ટ ન બન્યું. અને તેનું કારણ શું? આં પાછળ સરકારની કામ કરવાની પદ્ધતિ સૌથી મોટો અવરોધ બને છે.
1997માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, ત્યારે આનું સપનું જોવામાં આવ્યું હતું, તેનો વિચાર કરવામાં આવ્યો અને વાત આગળ વધી અને જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો તો મારે બીજું તો કોઈ કામ છે નહીં, નવરો માણસ છું, તો દિવસ રાત આ જ કરતો રહું છું. તો શોધતા શોધતા મારા ધ્યાનમાં આવ્યું કે માત્ર નવી મુંબઈ એરપોર્ટ જ નહીં, હિન્દુસ્તાનમાં અત્યંત મહત્વપૂર્ણ એવા અનેક પ્રોજેક્ટ્સ, ક્યારેક 30 વર્ષ પહેલા જાહેરાત થઇ, ફાઈલોમાં મંજુરી મળી ગઈ, ક્યારેક 20 વર્ષ પહેલા જાહેરાત થઇ, કયારેક તો નેતાજીએ જઈને પથ્થર પણ ચોંટાડી દીધો, ફોટા પણ પાડી દીધા, ભાષણ પણ કરી દીધા, પરંતુ તે કાગળ અને ફાઈલોની બહાર તે પ્રોજેક્ટ ક્યારેય નીકળ્યો જ નહીં. હવે આ થોડી ચિંતા વધુ ચોંકાવનારી બાબત હતી.
તો મેં એક પ્રગતિ નામનો કાર્યક્રમ ચલાવ્યો. ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશનાં તમામ મુખ્ય સચિવોની સાથે અને ભારત સરકારનાં તમામ સચિવોની સાથે આ પ્રોજેક્ટને લઈને હું બેસું છું. અને જાતે પણ તેના નિયંત્રણની સમીક્ષા કરું છું. હવે તેમાં, જેમ કે દેવેન્દ્રજી વર્ણન કરી રહ્યા હતા, આ પ્રોજેક્ટ મારી સામે છે, કઈ જ નહોતું થયું, જી, કાગળ પર હતો, કાલે આવશે, કાલે કોઈ એક તો એવું નિવેદન આપશે કે આ તો અમારા સમયમાં થયું હતું, આવા લોકોની ખોટ નથી અને એટલા માટે તે પ્રગતિ અંતર્ગત બધા જ વિભાગોને બેસાડીને સમસ્યાઓનું સમાધાન કરીએ છીએ. જો યોજના બની હતી તો તે સમયે ભૂલ કેમ કરી? જો તે સમયે ભૂલ નહોતી કરી તો આજે લાગુ કેમ નથી કર્યો? સ્પષ્ટ સવાલો દ્વારા બાબતોને આગળ વધારો. તમને જાણીને ખુશી થશે કે આ પ્રગતિના નિયંત્રણ દ્વારા 20-20, 30-30 વર્ષ જુના લટકતા, અને જૂની સરકારોનો સ્વભાવ હતો – લટકાવવું, અટકાવવું અને ભટકાવવું. આ જ થતું રહ્યું. તમને નવાઈ લાગશે, લગભગ લગભગ 10 લાખ કરોડનાં પ્રોજેક્ટ્સ જે આમ જ લટકેલા, અટકેલા અને ભટકેલા પડ્યા હતા, તેમને અમે કાર્યાન્વિત કર્યા, પૈસાની વ્યવસ્થા કરી અને આજે ઝડપી ગતિએ તે કામ આગળ ચાલી રહ્યું છે અને તેમાં જ નવી મુંબઈના એરપોર્ટનું કામ છે.
ઉડ્ડયન ક્ષેત્ર આપણું ઝડપથી આગળ વધી રહ્યું છે. આપણા ગજપતિ રાજુજી હમણાં તમને વિસ્તૃત રીતે જણાવી રહ્યા હતા. આજથી 20-25 વર્ષ પહેલા સમગ્ર હિન્દુસ્તાનના એરપોર્ટ પર જેટલો ટ્રાફિક હતો, મુસાફરો આવતા જતા હતા, આજે તેના કરતા પણ વધુ એકલા મુંબઈ એરપોર્ટ પર ટ્રાફિક છે. તમે વિચારો, સમગ્ર દેશમાં જે હતો એટલો આજે એકલા મુંબઈમાં છે. આજે સમય એવો બદલાઈ ગયો છે કે જેમ તમે આજે લોકોને બસની લાઈનમાં લાગેલા લોકોને જુઓ છો, જો એરપોર્ટ પર જોશો, લાંબી લાઈનોમાં લોકો ઉભા છે વિમાનમાં ઉભા રહેવા માટે અને આ દિવસભર હિન્દુસ્તાનનાં અનેક નવા એરપોર્ટ પર તમને જોવા મળશે.
જે ઝડપથી ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ થઇ રહ્યો છે, તેની જરૂરિયાત અનુસાર આપણે ઉડ્ડયન ક્ષેત્રનાં માળખાગત બાંધકામમાં ઘણા પાછળ ચાલી રહ્યા છીએ. અમારો પ્રયત્ન છે કે કે ઝડપ વધારીએ, તેને પૂરું કરવાનો પ્રયાસ કરીએ. અમે, હવે આ તમે આજથી અનેક વર્ષો પહેલા, 80ના દશકમાં, 21મી સદી આવી રહી છે, 21મી સદી આવી રહી છે, દર રોજ આવતું હતું છાપામાં. દર રોજ પ્રધાનમંત્રીજીના મોંઢેથી 21મી સદીની ચર્ચા થતી હતી. પરંતુ 21મી સદી શબ્દથી આગળ ક્યારેય ગાડી વધી જ નહીં.
જો 21મી સદીનું ઉડ્ડયન ક્ષેત્ર કેવું હશે, તેની માટે કોઈએ આજથી 20-25 વર્ષ પહેલા વિચાર્યું હોત, તો કદાચ અમારે આજે જેટલી દોડ લગાવવી પડી રહી છે, તેટલી કદાચ ના લગાવવી પડતી હોત. આ દેશમાં આઝાદી પછી કોઈપણ સરકારે આટલા મહત્વપૂર્ણ ક્ષેત્ર- આવનારા સમયમાં તેનું મહત્વ વધવાનું છે, તેમાં કોઈ સંશય હોવાનું કારણ હતું જ નહીં – તેમ છતાં આપણા દેશમાં ક્યારેય ઉડ્ડયન નીતિ બનાવવામાં આવી નહોતી. અમે આવીને ઉડ્ડયન નીતિ બનાવી, અને ઉડ્ડયનને જો અમે આ ભૂલ કરીશું, કારણ કે એક સમય હતો જ્યારે મહારાજાનાં ફોટા રાખવામાં આવતા હતા તેના પર, આજે તે સામાન્ય માનવીનું છે. જ્યારે અટલજીની સરકાર હતી તો આપણા એક ઉડ્ડયન મંત્રી હતા. હું તો રાજનીતિમાં સંગઠનમાં ઘણું કરીને એક ખૂણામાં કામ કરતો હતો. મેં તેમને કહ્યું કે આજે પણ વિમાન પર આ મહારાજાનું ચિત્ર કેમ લગાડી રાખ્યું છે, તે સમયે મહારાજા લોકોની સાથે બેસતા હતા. મેં કહ્યું હવે તો તમારે લક્ષ્મણનાં કાર્ટુનમાં જે કોમન મેન હોય છે ને, તેમનો ફોટો લગાવવો જોઈએ, તે વિમાનમાં બેસે છે અને પછીથી અટલજીની સરકારના સમયમાં તે પણ શરૂ થઇ ગયું.
અમે કહ્યું કે મારા દેશમાં જે હવાઈ ચપ્પલ પહેરે છે તે પણ હવાઈ જહાજમાં ઉડવો કેમ ન જોઈએ. અમે ઉડાન યોજના લાવ્યા. દેશમાં 100થી વધુ નવા એરપોર્ટ બનાવવા અથવા જુના પડેલા છે તો તેમને વ્યવસ્થિત કરવા અને તેમને કાર્યરત કરવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.
નાની નાની જગ્યાઓ પર વિમાન ઉડે, નાના ઉડે – 20 લોકોને લઇ જનારા, 30 લોકોને લઇ જનારા; પરંતુ આજે લોકોને ગતિ જોઈએ છે અને અમે એક યોજના એવી બનાવી, ખાસ કરીને ઉત્તર પૂર્વના લોકો માટે કે જેમાં અઢી હજાર રૂપિયાની ટીકીટ અને ઉત્તર પૂર્વમાં જે મુશ્કેલીથી ભરેલો વિસ્તાર છે, જ્યાં જોડાણ ખુબ જ જરૂરી છે, તેની પર પણ અમે ભાર મૂકી રહ્યા છીએ.
તમને જાણીને ખુશી થશે ભાઈઓ બહેનો, આપણા દેશમાં આટલા વર્ષોથી જે વિમાન ખરીદવામાં આવ્યા, ચલાવવામાં આવ્યા, આજે આપણા દેશમાં લગભગ લગભગ 450 વિમાનો કાર્યરત છે, દેશમાં સેવારત છે, સાડા ચારસો, સરકારી હોય, ખાનગી હોય – બધા મળીને. આઝાદીથી અત્યાર સુધીમાં આપણે ફક્ત 450 સુધી જ પહોંચ્યા છીએ. તમને જાણીને ખુશી થશે કે આ એક વર્ષમાં આ દેશના ઉડ્ડયન ક્ષેત્રથી લોકો દ્વારા 900 નવા વિમાનો ખરીદવાના ઓર્ડર નોંધાઈ ચુક્યા છે, તમે કલ્પના કરી શકો છો કે કેટલી ઝડપથી ઉડ્ડયન ક્ષેત્ર આગળ વધી રહ્યું છે.
અને ઉડ્ડયન ક્ષેત્ર રોજગારની પણ અનેક નવી સંભાવનાઓ લઈને આવે છે અને હમણાં જ્યારે દેવેન્દ્રજી કહી રહ્યા હતા કે આની સાથે માળખાગત બાંધકામ બનશે – જળથી, જમીનથી, આકાશથી, આના કારણે આર્થિક પ્રવૃત્તિ કેટલી સંચાલિત થાય છે. દુનિયાનો એક અભ્યાસ છે કે ઉદ્દયન ક્ષેત્રનાં બાંધકામમાં જ્યારે 100 રૂપિયા લગાવવામાં આવે છે તો સમય જતા તેમાંથી સવા ત્રણસો રૂપિયા નીકળે છે. એટલી તાકાત છે, રોજગાર બનવાની સંભાવનાઓ ઘણી છે. ભારતના પ્રવાસનને પણ પ્રોત્સાહન મળે છે.
ભારત આટલી વિવિધતાઓથી ભરેલો દેશ છે, જો યોગ્ય જોડાણ મળી જાય તો દુનિયાના લોકો એક જીલ્લામાં જો એક મહિનો પણ કાઢી નાખે તો પણ કદાચ બધું જોઇને નહી જઈ શકે, એટલી વિવિધતાઓથી ભરેલો આપણો દેશ છે. આ ઉડ્ડયન ક્ષેત્ર, તેની તાકાત દેશના પ્રવાસનને પણ ઘણું મોટું બળ પૂરું પાડશે અને પ્રવાસન એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ઓછામાં ઓછા મૂડી રોકાણ વડે વધુમાં વધુ રોજી-રોટી કમાઈ શકાય તેમ છે. હવે પ્રવાસનમાં દરેક વ્યક્તિ કમાશે – ટેક્સીવાળો કમાશે, ઓટો રીક્ષાવાળો કમાશે, ગેસ્ટ હાઉસવાળો કમાશે, ફળ- ફૂલ વેચનારો કમાશે, મંદિરની બહાર બેઠેલો પૂજા પાઠ કરનારો પણ કમાશે, દરેક વ્યક્તિ કમાય છે.
આ જે ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પાછળ અમારો જે પ્રયત્ન છે તે પ્રવાસનની સાથે પણ સીધે સીધો જોડાયેલો છે. મને વિશ્વાસ છે કે આજનું આ નવી મુંબઈ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ અને હું હંમેશા કાર્યક્રમમાં પૂછતો રહેતો હોઉં છું, ભાઈ પૂરું ક્યારે થશે. કારણ કે તે જુના જમાનાનો અનુભવ કેવો છે, તમને લોકોને ખબર જ છે. તો અમે દેશને એ સંસ્કૃતિમાંથી બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી રહી છે. પરંતુ કરીશું – તમે કામ આપ્યું છે તો અમે તેને પૂરું કરીને જ રહીશું.
અને હું જોઈ રહ્યો છું કે જે પ્રોજેક્ટ આ દિવસોમાં જોઈ રહ્યો છું મુંબઈ અને મહારાષ્ટ્રમાં – હું મોટો મોટો અંદાજ કરૂ કે 2022 અને 2022 પછી તુરંતનો કાળખંડ કેવો હશે. થોડી કલ્પના કરો તમે – શું થશે? કદાચ આની પહેલા 20 વર્ષ, 25 વર્ષમાં પણ તમે વિચારી નહીં શક્યા હોવ. જો 2022, 23, 24, 25, આ કાળખંડને જોઈએ તો તમે જોઇ શકશો કે, અહિયાં જ તમારી આંખોની સામે નવી મુંબઈનાં એરપોર્ટ પરથી વિમાનો ઉડવા લાગ્યા હશે.
આ જ કાળખંડમાં જ્યારે સમુદ્રની પેલે પાર 22 કિલોમીટર લાંબા ટ્રાન્સ હાર્બર લીંક રોડ પર તમારી ગાડીઓ પુર જોશમાં દોડતી હશે. આ જ કાળખંડમાં મુંબઈ ડબલ લાઈન સબર્બન કોરીડોરનું કામ પૂરીઝડપી ગતિએ પૂરું થઇ ગયું હશે. તે જ રીતે, તે જ સમયે તમારે ત્યાં સમુદ્ર સાથે જોડાયેલા જેટલા પણ પ્રોજેક્ટ્સ છે – પાણી સાથે જોડાયેલા છે, જમીન સાથે જોડાયેલા છે, રેલ્વે સાથે જોડાયેલા છે, એક સાથે 22ની આસપાસના સમયમાં તમને જોવા મળવા લાગશે અને બીજી તરફ છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય શિલ્પ પણ તૈયાર થઇ ગયું હશે. તમે કલ્પના કરી શકો છો કે કઈ રીતે આ બદલાઈ જશે.
તો હું આ બધી જ પહેલો માટે શ્રીમાન દેવેન્દ્રજીને, કેન્દ્રમાં મારી ટીમના સાથી ગજપતિ રાજુજી, નીતિન ગડકરીજી, આ સૌને અભિનંદન આપતા, આપ સૌને ખુબ જલ્દીથી આ હવાઈ મુસાફરીનો અવસર અહીંથી જ મળી જાય, તેના માટે ખુબ ખુબ શુભકામનાઓ આપું છું.
આભાર!