મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! તમે કલ્પના કરી શકો છો કે આજે હું કેટલી આનંદમય અનુભૂતિ કરી રહ્યો છું, જયારે ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૪ની ચૂંટણી માટે મને જવાબદારી સોંપી તો હું સૌથી પહેલા રાયગઢના કિલ્લા ઉપર આવ્યો હતો. છત્રપતિજીની સમાધિ સામે બેસીને આ વીર પરાક્રમી મહાપુરુષ, કે જેમણે સુશાસન અને પ્રશાસન હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો હતો, અને પોતાની યોગ્યતા અને ક્ષમતાના આધારે તે કર્યું હતું અને મુશ્કેલીઓની વચ્ચે કર્યું હતું સંઘર્ષમય જીવન હોવા છતાં કર્યું હતું. કદાચ ઇતિહાસમાં વિશ્વના ઇતિહાસમાં આવું વ્યક્તિત્વ અસંભવ છે કે જેણે સતત સંઘર્ષની વચ્ચે પણ સુશાસનની ઉત્કૃષ્ટ પરંપરાને મજબુત બનાવી હોય. આગળ વધારી હોય. ઈતિહાસકારોની નજરે, રંગકર્મીઓની નજરે જયારે પણ આપણે છત્રપતિ શિવાજી મહારાજને જોઈએ છીએ તો ઘોડો હોય, ઘોડા પર શિવાજી મહારાજ હોય, હાથમાં તલવાર હોય,અને તેના કારણે આપણા મનમાં પણ એક છબી બનેલી છે. છત્રપતિ શિવાજી મહારાજનું વ્યક્તિત્વ બહુઆયામી હતું. જો આપણે ભગવાન રામચંદ્રજીનું મૂલ્યાંકન માત્ર રાવણ વધથી કરીએ, જો આપણે શ્રીકૃષ્ણનું મૂલ્યાંકન માત્ર કંસને પરાજિત કર્યો હતો તે રીતે કરીએ. જો મહાત્મા ગાંધીનું મૂલ્યાંકન માત્ર અંગ્રેજોને કાઢી મુક્યા ત્યાં સુધી કરીએ તો કદાચ આપણે આ મહાપુરુષોનું સંપૂર્ણ રૂપ જોવામાં નિષ્ફળ ગયા છીએ, એ વાત આપણે સ્વીકારવી પડશે. ભગવાન રામચંદ્રજીનો રાવણ વધ એ તેમના જીવનના અનેક પાસાઓમાંનું એક પાસું હતું. પરંતુ બાકી એટલા પાસાઓ હતા કે જે આજે પણ ભારતીય જીવનને પ્રભાવિત કરે છે, પ્રેરિત કરે છે. શ્રીકૃષ્ણના જીવનમાં પણ માત્ર કંસ એ જ એક ઘટના નહોતી. યુદ્ધના મેદાનમાં ગીતાનો સંદેશ, કોઈ કલ્પના કરી શકે છે કે આ દેશની આ કેવી માટી છે જે માટીમાં આવા લોકો જન્મ લે છે કે જે યુદ્ધના મેદાનમાં પણ હજારો વર્ષ પર્યંત પ્રેરણા આપનારા ચિંતનની ધારાને ગીતાના સ્વરૂપમાં પ્રસ્તુત કરે છે. મહાત્મા ગાંધી પણ આઝાદી માટે લડતા રહ્યા, અંગ્રેજોને કાઢવા માટે ઝઝુમતા રહ્યા. પરંતુ સાથે સાથે મહાત્મા ગાંધીએ સમાજમાં દુષણો વિરુદ્ધ જે લડાઈ છેડી, દરેક વ્યક્તિની અંદર ચેતના ભરવાનો પ્રયાસ કર્યો. આત્મસન્માન જગાડવાનો પ્રયાસ કર્યો. આપણે તેને ક્યારેય ઓછું ના આંકી શકીએ. તે જ રીતે છત્રપતિ શિવાજી મહારાજ એટલે ઘોડો, તલવાર, યુદ્ધ, લડાઈ, વિજય ત્યાં સુધી જ સીમિત નથી. તેઓ પરાક્રમી હતા, વીર હતા. પુરુષાર્થી હતા. આપણા સૌની પ્રેરણા છે. પરંતુ સાથે સાથે તમે કલ્પના તો કરો જેમ રામજીએ નાના નાના લોકોની સેના બનાવી વાનર સેના બનાવી અને લડાઈ લડી અને જીતી પણ લીધી. કેટલું મોટું સંગઠનનું કૌશલ્ય હતું. છત્રપતિ શિવાજી મહારાજે પણ નાના નાના ખેડૂતોને સાથે લીધા, તેમને પ્રશિક્ષિત કર્યા અને યુદ્ધ માટે તૈયાર કર્યા. કેટલા મોટા સંગઠન શાસ્ત્રનું કૌશલ્ય શિવાજી મહારાજે પ્રસ્તુત કર્યું.
આજે પણ હિન્દુસ્તાનના એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓ માટે જો જળ વ્યવસ્થાપન શું હોય છે, જળ માટે માળખાગત સુવિધા કઈ હોય છે, પાણી માટે તરસતા વિસ્તારોને પાણી કઈ રીતે પહોંચાડી શકાય છે. જો તેનું ઉત્તમથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો છત્રપતિ શિવાજી મહારાજે પાણી માટે જે સમગ્ર વ્યવસ્થા ઊભી કરી હતી, તે આજે પણ કોઈને પણ પ્રેરણા આપી શકે છે. મુદ્રાનીતિ, છત્રપતિ શિવાજી મહારાજની સામે પ્રસ્તાવ હતો કે મુદ્રાનું નિર્માણ, સિક્કા બનાવવાનું કામ વિદેશી લોકો કરવા તૈયાર હતા. છત્રપતિ શિવાજી મહારાજની દીર્ઘ દ્રષ્ટિ હતી. તેમણે કહ્યું જો મુદ્રા પર કોઈનો અધિકાર થઇ જશે તો શાસનને પરાજિત કરવામાં વાર નથી લાગતી, અને તેમણે પોતે સિક્કા બનાવવા માટે વ્યવસ્થા ઊભી કરી. પરંતુ ક્યારેય વિદેશી વ્યવસ્થાનો સ્વીકાર નથી કર્યો.
આજે સમગ્ર વિશ્વમાં સામુદ્રિક સુરક્ષા એક ઘણો મોટો વિષય બનેલો છે. આખી દુનિયા સામુદ્રિક સુરક્ષાને લઈને સજાગ થઇ રહી છે. દરેકને પોતાના અધિકારની રક્ષા અને પોતાના વ્યાપારી સંબંધોને વિશ્વભરમાં સુરક્ષા મળે તેની ચિંતા લાગેલી હોય છે. પરંતુ આટલા વર્ષો પહેલા આ ધરતી ઉપર એક વીર પુરુષ પેદા થયા હતા. જેમણે નૌકાદળની સ્થાપના કરી હતી. અને સામુદ્રિક સામર્થ્યને જેમણે ઓળખ્યું હતું. અને આપણે સિંધુ દુર્ગ સહિતના જેટલા પણ કિલ્લાઓ જોઈ રહ્યા છીએ તેમાં તે નૌકાદળ માટેની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો છે. એ વાત સાચી છે કે દુનિયામાં જ્યાં પણ પૌરાણિક જીવન વ્યવસ્થાઓ છે તે દેશોમાં પ્રવાસનને આકર્ષિત કરવા માટે આઈકોનિક વસ્તુઓ એક બહુ મોટું આકર્ષણનું કેન્દ્ર બને છે. આજે પણ વિશ્વમાં ભારતના પ્રવાસનની ચર્ચા આવે છે તો તાજમહેલનું નામ સાંભળતા જ તેમને લાગે છે કે મારે જવું જોઈએ. દરેક યુગમાં આ પ્રકારની આઇકોનિક સિમ્બોલિક વસ્તુઓનું જે નિર્માણ થયું છે, સદીઓ સુધી તે દેશની ઓળખ બની ગઈ છે. દુનિયાના અનેક દેશો છે જ્યાં માત્ર પ્રવાસન માટે કિલ્લાઓ, પ્રવાસન માટે તેની અલગથી વ્યવસ્થા છે. ભારત પાસે પણ આપણા રાજા મહારાજાઓના સમયમાં આવા આખા દેશના દરેક ખૂણામાં અનેક કિલ્લાઓ બનેલા છે. તેની પોતાની એક રચના છે. સુરક્ષાનું એક વિજ્ઞાન છે. બંધારણ છે. તે સમયે કયા પ્રકારના સંસાધનોનો ઉપયોગ થતો હતો, તેની સારામાં સારી વિશેષતાઓ છે. પરંતુ દુર્ભાગ્યે આપણે તાજ મહેલની બહાર નીકળી જ ના શક્યા. આ દેશના દરેક ખૂણામાં વિશ્વને આકર્ષિત કરવા માટે અનેક પ્રવાસન ધામો છે. જો ભારતનું સાચી રીતે વિશ્વની સામે પ્રસ્તુતિકરણ કરવામાં આવે તો ભારતમાં વિશ્વને ભારતના પ્રવાસન તરફ આકર્ષવા માટેની પૂરી તાકાત છે. આજે વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ આગળ વધનારું કોઈ ક્ષેત્ર હોય તો તે પ્રવાસન છે. ટ્રીલીયન ને ટ્રીલીયન ડોલર્સનો વેપાર પ્રવાસનમાં છે. ભારત વિશ્વની પુરાતન પરંપરાઓથી જીવવાવાળો દેશ વિશ્વને આકર્ષિત કરી શકે છે. છત્રપતિ શિવાજી મહારાજે જે કિલ્લાઓ બનાવ્યા છે જો આપણે તેની સાચી દેખભાળ કરીએ, વિશ્વ સમક્ષ તેની ઓળખાણ કરાવીએ, હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓને પણ કહીએ કે આવો તમારે સાહસિક પ્રવાસન કરવું છે, આ કિલ્લાઓની જરા ચડાઈ કરીને બતાવો, ઘોડા ઉપર જવું છે કિલ્લાઓ ઉપર, જાવ ઘોડા ઉપર જવાની વ્યવસ્થા અમે કરી દઈશું. હું ભારત સરકારના એએસઆઈ વિભાગને કહીશ કે શા માટે આપણે છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાઓથી જ શરૂઆત ના કરીએ અને દેશભરમાં એક કિલ્લાઓના પ્રવાસનનો માહોલ ઊભો કરીએ. તેની દેખરેખ લોકોને આકર્ષિત કરે એવી બનાવીએ. ભાઈઓ બહેનો આજે મારી માટે અત્યંત આનંદની ક્ષણ એટલા માટે છે, અને મહારાષ્ટ્ર સરકારનો, મહારાષ્ટ્રની જનતાનો આભારી છું કે મને આજે જે શિવ સ્મારક બનવાનું છે, તેમાં જળ પૂજનનું, ભૂમિ પૂજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આવો અવસર જીવનમાં ધન્યતાની અનુભૂતિ કરાવે છે. અને મને વિશ્વાસ છે કે જે સંકલ્પના મહારાષ્ટ્રે કરી છે, ફડનવીસ સરકારે કરી છે તે સંકલ્પના પરિપૂર્ણ થઈને જ રહેશે. અને આખો દેશ જયારે નિર્માણ કાર્ય પૂરું થશે, ત્યારે ગર્વની અનુભૂતિ કરશે અને વિશ્વમાં છાતી પહોળી કરીને ઊભો હશે કે દુનિયાની સૌથી ઊંચી આઇકોનિક ઈમારત અમારી પાસે છે. અને તે મહાપુરુષની છે જેણે જનસામાન્યના સુખ માટે પોતાનું આખું જીવન હોમી દીધું હતું. એવા છત્રપતિ શિવાજી મહારાજને આજે નમન કરવાનો મને અવસર મળ્યો છે.
ભાઈઓ બહેનો આપણા દેશમાં જાતજાતની રાજનીતિઓ થઇ છે. વિવિધતાઓથી ભરેલા અનેક રસ્તાઓ અપનાવવામાં આવ્યા છે. પરંતુ હવે ૭૦ વર્ષના અનુભવ પછી આપણે એ વાતનો સ્વીકાર કરવો પડશે કે દેશ આઝાદ થયા પછી આપણે એકમાત્ર વિકાસનો જ માર્ગ અપનાવ્યો હોત તો સારું થાત, તો આજે ભારતમાં જે સમસ્યાઓ મૂળ નાખી ચુકી છે તે સમસ્યાઓ ક્યારેય પોતાના મૂળ ના નાખી શકી હોત. વિકાસ એ જ એક માત્ર આ સમસ્યાઓનું સમાધાન છે. દેશના નવયુવાનોને રોજગાર આપવાની સંભાવના વિકાસમાં છે. દેશના ગરીબોને હક અપાવવાની તાકાત વિકાસમાં છે. મધ્યમવર્ગીય લોકોને પોતાના અરમાન પુરા કરવા માટે ઊંચી દોડ માટે આગળ વધવું છે તો વિકાસ એ જ તેમણે અવસર આપી શકે તેમ છે. સમ્માનથી જીવવા માટે વિકાસ એ જ એક માર્ગ હોય છે. અને એટલા માટે ભાઈઓ બહેનો જ્યારથી તમે અમને જવાબદારી સોંપી છે અમે વિકાસને જ કેન્દ્ર બિંદુમાં રાખ્યો છે. અને જયારે અમે વિકાસને જ કેન્દ્ર બિંદુમાં રાખ્યો છે ત્યારે અમારા મનમાં સ્પષ્ટ છે કે વિકાસ એવો હોય જે સંતુલિત હોય. વિકાસ એવો હોય જે ગરીબોને પોતાની જીંદગીમાં બદલાવ લાવવાનો અવસર આપતો હોય, પોતાની આશા અને અરમાન પુરા કરવાની તાકાત આપતો હોય, સશક્તિકરણ આપતો હોય. અને એટલા માટે અમારી બધી યોજનાઓના કેન્દ્ર બિંદુમાં ગરીબોનું કલ્યાણ છે. જયારે અમારી સરકાર બની તો અમારી સામે એક રીપોર્ટ આવ્યો. નાના નાના કારખાનાઓમાં જે લોકો છૂટા થતા હતા,સરકારી કામોમાં જેમને પેન્શન મળતું હતું, હું આશ્ચર્યચકિત થઇ ગયો. કેટલાક લોકોને ૭ રૂપિયા પેન્શન મળતું હતું. કેટલાક લોકોને ૫૧ રૂપિયા પેન્શન મળતું હતું, કેટલાક લોકોને ૮૦ રૂપિયા પેન્શન મળતું હતું, સો દોઢસોની આસપાસ કોઈ ન હતું. હવે પેન્શન લેવાવાળો પણ સાત રૂપિયા લેવા માટે ઓટો રિક્ષા કરીને ૮૦ વર્ષની વ્યક્તિ પોસ્ટ ઓફીસ શા માટે જશે. અમે આવતા જ નિર્ણય કર્યો કે જે નિવૃત્ત લોકો છે જેમને આટલું ઓછું પેન્શન મળે છે, સરકારી ખજાના ઉપર બોજ તો પડશે પણ તેમને ઓછામાં ઓછું ૧૦૦૦ રૂપિયા પેન્શન મળે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. અને ભાઈઓ બહેનો ૩૫ લાખથી વધુ લોકો એ નાનો આંકડો નથી, સેંકડો કરોડોનો બોજ સરકારના ખજાના પર લાગ્યો અને તેમ છતાં પણ અમારી સરકારે આ બુઝુર્ગોને સારી જિંદગી જીવવા માટે એક મહત્વનું પગલું ઉપાડ્યું છે. દવાઓ મોંઘી થઇ રહી છે. અમે ચોક્કસપણે જેનરિક દવાઓ ઉપર ધ્યાન આપ્યું. જન ઔષધાલય ખોલવાનું આખા દેશની અંદર એ બીડું ઉઠાવ્યું જેથી કરીને ગરીબોને સસ્તામાં દવાઓ મળે. અને સાચી મળે સારી મળે સમય પર મળે જેથી ગરીબનું કોઈ દવાના નામ પર શોષણ ન કરે. ગરીબ માતા લાકડાનો ચૂલો સળગાવીને ખાવાનું બનાવતી હતી. તે ગરીબ માતાના શરીરમાં એક દિવસમાં ચારસો સિગરેટનો ધૂમાડો જતો હતો. તે ગરીબ માતા બીમાર નહીં થાય તો શું થશે, તે ગરીબ માતાના બાળકો બીમાર નહીં થાય તો શું થશે. સરકારે નિર્ણય કર્યો કે ગરીબીની રેખા નીચે જીવતા ઝૂંપડીઓમાં જિંદગી પસાર કરવાવાળા આ ગરીબ પરિવારોને આ લાકડાના ચૂલાઓથી મુક્ત કરાવવા છે. અને અમે બીડું ઉપાડ્યું કરોડો કરોડો ગરીબ પરિવારોને ગેસ સિલિન્ડરના જોડાણ આપવાનું બીડું ઉઠાવ્યું છે. કરોડોની સંખ્યામાં લોકોને મળી ચૂક્યા છે. અને આવનારા ત્રણ વર્ષોમાં ગરીબીની રેખા નીચે જીવતા પાંચ કરોડ પરિવારો સુધી પહોંચાડવાનું કામ અમે ઉપાડ્યું છે. આ દેશમાં આઝાદીને ૭૦ વર્ષ થઇ ગયા. ૧૮ હજાર ગામ એવા હતા કે જેઓ ૧૮મી સદીમાં જીવવા માટે મજબુર હતા. વીજળીનો થાંભલો પણ નહોતો લાગેલો. ના તાર પહોંચ્યા હતા અને ના તો વીજળી જોઈ હતી. શું ઈતિહાસ ૭૦ વર્ષ જેમણે બરબાદ કર્યા તેમને માફ કરશે કે શું? કે તેમણે આઝાદ હિન્દુસ્તાનમાં ૭૦ વર્ષ સુધી આ ગામના લોકોને ૧૮મી શતાબ્દીમાં જીવવા માટે મજબુર કરી દીધા હતા. તેમણે અજવાળું નહોતું જોયું. અંધારી જીંદગીમાં ગુજરાન ચલાવતા હતા. અમે એક હજાર દિવસમાં ૧૮ હજાર ગામોમાં વીજળી પહોચાડવાનું બીડું ઉપાડ્યું છે. અડધાથી વધારે ગામોમાં કામ પુરું થઈ ગયું છે અને બાકીના ગામડાઓનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને આવનારા ૧૦૦૦ દિવસોમાં આ કામને પરિપૂર્ણ કરી દેવાનું છે.
ભાઈઓ બહેનો કોણ કહે છે કે દેશ બદલાઈ નથી શકતો, હું વિશ્વાસથી કહું છું કે સવાસો કરોડ દેશવાસીઓની તાકાતના ભરોસે કહું છું કે દેશ બદલાઈ શકે છે મિત્રો અને લખીને રાખજો દેશ બદલાશે પણ, અને દેશ આગળ પણ વધશે. દેશ દુનિયાની સામે માથું ઊંચું કરીને ઊભો થઇ જશે. આ ત્રણ વર્ષના અનુભવના આધારે કહી રહ્યો છું. તમે કલ્પના કરી શકો છો આજે આ મંચ પર જે પ્રકલ્પોને લઈને શુભારંભ થયો છે, તે પ્રકલ્પોને જો રૂપિયા પૈસામાં જોડીએ તો કેટલું મોટું થઇ રહ્યું છે. આ જ એક મંચ પર આ જેટલા જેટલા બટન મારી પાસે દબાવડાવી રહ્યા હતા અને એક લાખ છ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ છે એક લાખ છ હજાર કરોડ. એકમાત્ર મુંબઈમાં જ એક જ કાર્યક્રમમાં એક લાખ છ હજાર કરોડ રૂપિયાથી વધુ વિકાસના કામોનો શુભારંભ થતો હોય, આ કદાચ મુંબઈના ઇતિહાસની એક બહુ મોટી ઘટના હશે. અને તે આપણે કરીને બતાવી રહ્યા છીએ.
ભાઈઓ બહેનો હું આજે જયારે મુંબઈની ધરતી ઉપર આવ્યો છું તો હું સમગ્ર મહારાષ્ટ્રની જનતાને માથું નમાવીને અભિનંદન કરવા માગું છું, પ્રણામ કરવા માગું છું. આપણા દેશમાં સારું કહો કે ખરાબ કહો પણ એક આદત બની ગઈ છે કે તમે કઈક સારું કરી રહ્યા છો તેની સાબિતી શું જો ચૂંટણી જીતી જાવ છો તો સાબિતી છે કે તમે સારું કરી રહ્યા છો. જો તમે હારી જાવ છો તો માનવામાં આવે છે કે તમારો નિર્ણય ખોટો હતો. જયારે અમે ભ્રષ્ટાચાર અને કાળા નાણાની વિરુદ્ધ જે દિવસથી સરકાર બની છે, લડાઈ શરુ કરી છે. એક પછી એક પગલા ભરવામાં આવી રહ્યા છે. પરંતુ આઠ નવેમ્બરની રાતે આઠ વાગ્યે અમે બહુ મોટું આક્રમણ કરી દીધું. નકલી નોટો, કાળા નાણા ભ્રષ્ટાચાર તેની વિરુદ્ધ એક નિર્ણાયક લડાઈનું બ્યૂગલ વગાડી દીધું. અને ભાઈઓ બહેનો સવાસો કરોડ દેશવાસીઓએ એટલું દુઃખ સહન કર્યું, એટલી તકલીફો ઉઠાવી પણ એક પળ માટે પણ મારો સાથ ના છોડ્યો. તેમને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમને ડરાવવાનો પણ પ્રયાસ થયો, અફવાઓના બજારને ગરમ કરવામાં આવ્યું. પણ જેમને આપણે અભણ કહીએ છીએ, અશિક્ષિત કહીએ છીએ, તેમની કોમન સેન્સે આ વાતોમાં ભડકાવવામાં આવ્યા વિના દેશની ભલાઈના નિર્ણયમાં સાથ આપ્યો. અને જયારે પાછળની ચૂંટણીમાં મહારાષ્ટ્રના લોકોએ આ નિર્ણય પર મહોર મારી દીધી. તો આખા હિન્દુસ્તાનમાં સંદેશ ગયો કે સત્ય કોની સાથે છે. અને દેશ કઈ દિશામાં જવા માગે છે.
ભાઈઓ બહેનો મેં ગોવામાં કહ્યું હતું કે આ લડાઈ સામાન્ય નથી. ૭૦ - ૭૦ વર્ષ સુધી જેમણે મલાઈ ખાધી છે. આવા તગડા તગડા લોકો તેમાં સફળ ના થઇ શકે તેની માટે બધું કરશે. બધી જ તરકીબો અપનાવશે. પૂરી તાકાત લગાવી દેશે. અને કોઈએ પણ તાકાત લગાવવામાં કોઈ કસર નથી છોડી. જેનાથી જે થયું તે બધું કરવાની કોશિશ કરી છે. પરંતુ સવા સો કરોડ દેશવાસીઓના સંકલ્પની સામે આ ૭૦ વર્ષથી મલાઈ ખાવાવાળા લોકો ક્યારેય નહીં ટકી શકે, જીતી નહીં શકે. અને દેશ ક્યારેય હારી નહીં શકે દોસ્તો. સવા સો કરોડનો દેશ ક્યારેય પરાજિત નથી થઇ શકતો. આવા મુઠ્ઠીભર લોકોથી દેશ ક્યારેય નમી નથી શકવાનો. કેટલાક લોકોને લાગતું હતું કે બેંકવાળાઓને પટાવી લો બધું કાળું સફેદ થઇ જશે. અરે કાળા સફેદના ખેલવાળાઓ તમે તો મર્યા પણ એ બેંકવાળાઓને પણ મરાવી દીધા. કેવી કેવી રીતે લોકો જાળમાં ફસાઈ રહ્યા છે. એક પછી એક પડ ખુલી રહ્યા છે. તેમને લાગતું હતું કે બેંકમાં જતા રહીશું એટલે થઇ ગયું કામ, અરે બેંકમાં આવ્યા પછી જ તો કામ શરુ થયું છે. મારા દેશવાસીઓ હું દેશવાસીઓને કહેવા માગું છું, મેં કહ્યું હતું. પચાસ દિવસ સુધી તકલીફ થયા કરશે અને દેશવાસીઓએ દેશના ભવિષ્ય માટે આ તકલીફોને ઉઠાવી છે. આગળ પણ જેટલા દિવસ બાકી છે જે પણ તકલીફો આવશે, દેશ ઉઠાવવા માટે તૈયાર છે. આ મારો પૂરો વિશ્વાસ છે. અને ભાઈઓ બહેનો પચાસ દિવસ બાદ ઈમાનદાર લોકોની તકલીફ ઘટવાની શરુ થશે. પચાસ દિવસ પછી ઈમાનદાર લોકોની તકલીફ ઘટવાની શરુ થશે અને બેઈમાન લોકોની તકલીફ વધવાની શરુ થશે. હજુ પણ હું બેઈમાની કરવાવાળા લોકોને કહેવા માગું છું કે સંભાળી લો, પાછા વળી જાઓ, દેશના કાનુનનો સ્વીકાર કરો, નિયમોને માનો અને બધા નાગરિકની જેમ તમે પણ સુખ ચેનથી જીંદગી જીવવા માટે આવો. હું તમને આમંત્રણ આપું છું. આ સરકાર તમને બરબાદ કરવા ઉપર નથી માગતી. આ સરકાર તમને ફાંસી પર લટકાવવા માટે બેઠી નથી. પરંતુ ગરીબોના જે હકનું છે તે તો તમારે ચુકવવું જ પડશે. તમને છોડવામાં નહીં આવે. જો કોઈ માને છે કે પહેલાની જેમ કોઈક રસ્તો શોધીને નીકળી જશે તો તમે ખોટું વિચાર્યું છે. તમને ખબર હોવી જોઈએ કે સરકાર બદલાઈ ગઈ છે. તમને ખબર હોવી જોઈએ કે ૩૦ વર્ષ પછી હિંદુસ્તાનની જનતાએ પૂર્ણ બહુમતીથી સરકાર બનાવી છે. તમને ખબર હોવી જોઈએ કે હિન્દુસ્તાનની જનતાએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાને ખતમ કરવા માટે સરકાર બનાવી છે અને તે કામ આ સરકાર કરીને જ રહેશે. અને એટલા માટે જ ભાઈઓ બહેનો હવે જે સમય આવી રહ્યો છે તે બેઈમાનોની બરબાદીનો સમય શરુ થઇ રહ્યો છે. દેશની ભલાઈ માટે આ સ્વચ્છતા અભિયાન છે. દેશની ભલાઈ માટે સાફ સુથરું સાર્વજનિક જીવન હોય, સાફ સુથરો વહીવટ હોય, વિશ્વાસનું વાતાવરણ હોય, દેશના દરેક નિર્ણયોની કિંમત હોવી જોઈએ. તેનું સમ્માન હોવું જોઈએ. ભાઈઓ બહેનો આ પ્રકરના પાપ કરવાની આદત મુઠ્ઠીભર લોકોમાં છે. પરંતુ તેના કારણે દેશના કોટી કોટી લોકોને સહન કરવું પડે છે. ભાઈઓ બહેનો જો તેમને મોદીનો ડર ના લાગતો હોય, બેઈમાન લોકોને તો ના લાગે, સરકારનો ડર ના લાગતો હોય તો ના લાગે, પરંતુ બેઈમાન લોકો આ સવા સો કરોડ દેશવાસીઓના મિજાજને ઓછો ના આંકશો. તેનાથી તો તમારે ડરવું જ પડશે. સવા સો કરોડ દેશવાસીઓનો મિજાજ બદલાયો છે. તેઓ અન્યાય સહન કરવા તૈયાર નથી. બેઈમાની સહન કરવા તૈયાર નથી, ભ્રષ્ટાચાર સ્વીકાર કરવા તૈયાર નથી, કાળા નાણા વિરુદ્ધ લડાઈ લડવા તેઓ સેનાપતિ બનીને નીકળ્યા છે. અને એટલા માટે ભાઈઓ બહેનો લડાઈ જીતવા માટે તમે લોકોએ જે મારો સાથ અને સહયોગ આપ્યો છે, હું આજે આ મુંબઈની ધરતી ઉપરથી મહારાષ્ટ્રની ધરતી ઉપરથી છત્રપતિ શિવાજી મહારાજના શિવ સ્મારક પર તેનો શુભારંભ થઇ રહ્યો છે તે ક્ષણે દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માગું છું કે આ લડાઈ ત્યાં સુધી નહિ રોકાય જ્યાં સુધી આપણે લડાઈ જીતી ના જઈએ.
હું ફરી એકવાર મહારાષ્ટ્ર સરકારનો આ વિકાસના કાર્યોમાં સહભાગિતા માટે ફડનવિસજીના નેતૃત્વમાં એક દીર્ઘ દ્રષ્ટા સરકાર મહારાષ્ટ્રને મળી છે, વિકાસને સમર્પિત સરકાર મળી છે. ભલે ખેડૂતો માટે પાણીના વ્યવસ્થાપનની ચર્ચા હોય, કે શહેરોમાં બાંધકામની વાત હોય, ભલે નવયુવાનો માટે કૌશલ્ય વિકાસની વાત હોય કે શિક્ષાનું ક્ષેત્ર હોય, દરેક પ્રકારે મહારાષ્ટ્ર નવી ઊંચાઈઓને પાર કરવા માટે તાકાત સાથે આગળ વધી રહ્યો છે. હું ફડનવિસજીને તેમની આખી ટીમને હૃદયપૂર્વક ખુબ ખુબ અભિનંદન આપું છું. મારી સાથે બોલશો છત્રપતિ શિવાજી મહારાજ કી.. છત્રપતિ શિવાજી મહારાજ કી.. છત્રપતિ શિવાજી મહારાજ કી.. છત્રપતિ શિવાજી મહારાજ કી.. છત્રપતિ શિવાજી મહારાજ કી..ખુબ ખુબ આભાર!