મંચ પર બેઠેલા સહુ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં આવેલા પૂણેના સહુ ભાઈઓ અને બહેનો.
આપણા દેશમાં ઘણું ઝડપભેર અર્બનાઈઝેશન થઈ રહ્યું છે. તમે ગમે તેટલી વ્યવસ્થા કરો, પરંતુ જે ઝડપે શહેરીકરણ થઈ રહ્યું છે. આપણા માટે અત્યંત આવશ્યક બન્યું છે કે આપણે બે દિશામાં કામ કરીએ. ગામડાઓમાં આપણે એ પ્રકારના કાર્યો વિકસાવીએ, રોજગારની તકોનું સર્જન કરીએ, ક્વોલિટી ઑફ લાઈફ - એમાં ગુણાત્મક પરિવર્તન લાવીએ, જે સવલતો શહેરમાં છે. એ સવલતો ગામડાઓને મળે. જે સંભાવનાઓ શહેરમાં છે, તે સંભાવનાઓ ગામડાઓમાં પણ હોય. જે તકો શહેરમાં મળી રહે છે, તે તકો ગામડાઓમાં પણ ઉપલબ્ધ હોય. આટલું કરીશું, ત્યારે ગામડામાંથી શહેર તરફની જે દોડ છે, તેમાં આપણે કંઈક ઘટાડો લાવી શકીશું. બીજી તરફ, જો આપણે વિભાજિત થઈને વિચારીશું, હમણાં - હમણાં જ ચૂંટણીઓ જીતીને આવ્યા છીએ. પાંચ વર્ષમાં ફરી ચૂંટણી કેવી રીતે જીતીશું એ જ બાબતે જો વિચારીશું, તો આપણે શહેરોની સામે જે પડકારો ઊભા થઈ રહ્યા છે, તે પડકારોનો ક્યારેય ઉકેલ નહીં લાવી શકીએ. અને એટલે જ ટૂંકા સમયમાં રાજનીતિક લાભ થાય કે ન થાય, પચ્ચીસ વર્ષ, ત્રીસ વર્ષ પછી આપણું શહેર કેવું હશે, શહેરને કેટલા પ્રમાણમાં પાણી જોઈશે, કેટલી શાળાઓ જોઈશે, કેટલી હોસ્પિટલો જોઈશે, ટ્રાફિક કેટલો વધશે અને તેની શું વ્યવસ્થા હશે. આટલા દૂરના વિચારો સાથે જો આપણા શહેરને વિકસાવવાનું આયોજન કરીશું, ત્યારે આ જે પૂરઝડપે શહેરીકરણ થઈ રહ્યું છે, તેની સામેના પડકારોનો આપણે ઉકેલ લાવી શકીશું. દિલ્હીમાં જે સરકાર છે, જેને તમે જવાબદારી સોંપી છે, અને એટલે અમે અમારી કાર્યશૈલીમાં તાત્કાલિક લાભને બદલે કાયમી પરિવર્તન પર ભાર મૂક્યો છે. અમે ગામડાઓ માટે યોજના બનાવી છે. રુર્બન મિશન. આ રુર્બન મિશન એવું છે, જેમાં ગામડું ધીમે - ધીમે શહેર બનવા લાગ્યું છે. જોતજોતામાં વસતી વધી રહી છે. આ ગામડા મોટા શહેરોના વીસ પચ્ચીસ કિલોમીટરની ત્રિજ્યામાં છે. અમે સમગ્ર દેશમાં તમામ રાજ્યોને કહ્યું છે કે આવા ગામડા અલગ તારવો અને આ ગામડાઓને રુર્બન યોજના હેઠળ વિકસિત કરવાનો એક વિસ્તૃત કાર્યક્રમ ચાલી રહ્યો છે. રુર્બન મિશનનો સરળ અર્થ છે - આત્મા ગામડાનો હોય અને સવલતો શહેરની હોય. ગામડાનો આત્મા મરવો ન જોઈએ. એ સુરક્ષિત રહેવો જોઈએ, વિકસવો જોઈએ, પરંતુ ગામડાના લોકોને 18મી સદીમાં જીવવા માટે મજબૂર ન કરી શકાય. અને એટલે જ અમે બીજી તરફ શહેરોમાં મોટું પરિવર્તન લાવવાનું કામ હાથ ધર્યું છે અને પરિવર્તનની સૌપ્રથમ જરૂરિયાત હોય છે - ઈન્ફ્રાસ્ટ્રક્ચર. આપણા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે મોટા ભાગે ઉદાસિનતા સેવાઈ છે. અત્યારે આટલાથી ચાલી જશે, તો હમણાં આટલો જ રસ્તો બનાવો. અને પછી જ્યારે રસ્તો પહોળો કરવાનો હોય, ત્યારે લોકોએ ત્યાં અતિક્રમણ કરી દીધું હોય છે. અને પછી કોર્ટ કચેરીનો મામલો ચાલે છે અને પચ્ચીસ ત્રીસ વર્ષ સુધી કોઈ મેળ પડતો નથી. આપણે આવું કરતા આવ્યા છીએ. પાણીનો નળ નાંખીશું, જ્યાં સુધી પાણીના નળ નાંખવાનું કામ પૂરું થઈ જશે - પાઈપલાઈન નાંખવાનું કામ, ત્યાં સુધીમાં વસતી એટલી બધી વધી ગઈ હશે કે પાઈપલાઈનની સાઈઝ નાની પડશે. પછી પ્રશ્ન ઊભો થશે કે મોટી પાઈપલાઈન કેવી રીતે નાંખીશું. એટલે કે આપણે વિકાસના એવા મોડેલને લઈને આગળ વધ્યા છીએ, જેના કારણે આપણે તાત્કાલિક લાભનો તો અનુભવ કરી છીએ, પરંતુ એવી વ્યવસ્થાઓ ઊભી નથી કરતા, જેનાથી આગામી દિવસોમાં જે બોજ પડવાનો છે, તેનો ઉકેલ પણ આપણને મળી રહે.
અમારો પ્રયત્ન છે કે આજે સમગ્ર દેશમાં એક સાથે પચાસથી વધુ શહેરોમાં મેટ્રોની દિશામાં આગળ વધવાનો પ્રયાસ છે. તમે કલ્પના કરી શકો છો કે કેટલા મોટો આર્થિક બોજો ઉઠાવવાનો અમે નિર્ણય કર્યો છે. પરંતુ જો અમે ટુકડાઓમાં આ કાર્ય કરીને વાતોને ટાળી દઈએ તો એક તો પ્રોજેક્ટ મોંઘા થઈ જાય છે, એ શહેરની સમસ્યાઓ વધતી જાય અને નાણાં ખર્ચ કરવા છતાં પણ એ સવલત જરૂરિયાતોને પહોંચી વળે એટલી નથી હોતી. અને એટલે અમારો બીજો પ્રયાસ છે કે જે પણ કામ હાથ પર લઈએ, તેને નિર્ધારિત સમય મર્યાદામાં પૂરું કરીએ. બની શકે તો પચ્ચીસ ત્રીસ વર્ષ પછીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનો પ્રયાસ કરીએ. આજે કદાચ એ આર્થિક રીતે પરવડે તેમ હોય કે ન હોય, પરંતુ એકવાર જ્યારે કામ હાથ પર લઈ લઈએ છીએ, ત્યારે બે ચાર વર્ષમાં આપણને તે આર્થિક રીતે પરવડે તેમ હોવાનું અનુભવ પણ થવા માંડે છે. અમે જીવનની ગુણવત્તા - ક્વોલિટી ઑફ લાઈમાં પરિવર્તન લાવવા માગીએ છીએ.
આજે સમગ્ર દેશમાં અઢી લાખ પંચાયત છે, તેને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડવાનું એક ઘણું મોટું કામ ચાલી રહ્યું છે. આ ડિજિટલ ઈન્ડિયા માત્ર શહેરો માટે નથી. સંપૂર્ણ હિન્દુસ્તાનને આપણે જ્યાં સુધી આધુનિક વ્યવસ્થા અને વિજ્ઞાન સાથે નહીં જોઈએ, ત્યાં સુધી દેશને આગળ નહીં વધારી શકીએ. એક જમાનો હતો, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ચર્ચા થતી હતી, ત્યારે રસ્તા, રેલવે, વધુને વધુ એરપોર્ટ માટેની વાતો થતી હતી. હવે સમય બદલાઈ ગયો છે. લોકોને હાઈવે પણ જોઈએ છે અને આઈવે પણ જોઈએ છે. હાઈવેઝ ઈન્ફર્મેશન બેઝ હાઈવે પણ જોઈએ છે, આઈવે પણ જોઈએ છે. જો આઈવેઝ જોઈએ તો ઓપ્ટિકલ ફાઈબર આપણે સમગ્ર દેશમાં નાખવા પડશે. પહેલા પાણીના નળ નાંખવામાં આવી રહ્યા હતા. પાણીની પાઈપલાઈન નંખાય તો લોકો ખુશ થઈ જતા. હવે લોકો કહે છે કે સાહેબ અમારે ત્યાં ગેસની પાઈપલાઈન પણ જોઈએ છે. સમય બદલાઈ ગયો છે, તો બદલાયેલા સમયમાં આપણે વિકાસની સમજણને પણ આધુનિક કરવી પડશે. અને ત્યારે સામાન્ય માણસને આવનારા દિવસોમાં જે જરૂરિયાતો પડવાની છે, તેને આપણે પરિપૂર્ણ કરી શકીશું. હાલમાં સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વ્યાપને રેલવે અને રસ્તાઓથી પણ વધારીને વોટર ગ્રિડ, ડિજિટલ નેટવર્ક, ગેસ ગ્રીડ, સ્પેસ સાથે સીધા સંપર્ક સુધી વિસ્તારી છે. જો આપણો ખેડૂત વીમો ઉતરાવે છે, તો તેનો પાક કેટલો હતો તેના પાકને કેટલું નુકસાન થયું. એ બધું સ્પેસ ટેકનોલોજીથી ખબર પડવી જોઈએ અને ખેડૂતને તેના હક્કના નાણાં મળવા જોઈએ. આ પ્રકારનું નેટવર્ક સ્થાપવું એ સમયની માગ છે. અને એ રીતે, ભારત આધુનિક ભારત બનશે. ભારત વ્યવસ્થાઓ અને સવલતોથી સભર હોય, એવું સ્વપ્ન સેવીને અમે આગળ વધી રહ્યા છીએ.
પૂણેમાં મેટ્રોનો આ પ્રોજેક્ટ સ્થપાય ત્યારે અહીંના લોકોની નારાજગી ઘણી સ્વાભાવિક છે. જો આ જ કામ ઘણા સમય પહેલા કરાયું હોત, તો ખર્ચ ઓછો થયો હોત. આટલાં વર્ષો જે પરેશાની ભોગવવી પડી, તે ન ભોગવવી પડી હોત. કેટલાયે લોકોએ તકલીફ પડતી હોવાથી ગાડીઓ ખરીદી, એમણે ગાડીઓ ન ખરીદવી પડી હોત. એ લોકો સમજી જાત કે મેટ્રો આવી ગઈ છે, તો ગાડી ખરીદવાનો ખર્ચ શું કામ કરું. પાર્કિંગ માટે જગ્યા નથી. પરંતુ જાગ્યા ત્યારથી સવાર. અને પૂણેના મારા ભાઈઓ-બહેનો, અગાઉની સરકાર ઘણાં સારા - સારા કામો મારા માટે બાકી રાખીને ગઈ છે. અને એટલે આ સારા કામો કરવાનો મને અવસર મળી રહ્યો છે. મને આજે પૂણેમાં આ કામ માટે તમારા લોકોની વચ્ચે આવવાનું સૌભાગ્ય સાંપડ્યું. મને ખબર નથી કે આ જગતાપજી કેટલા ખુશ છે. કારણ કે રાજકીય કારણોથી પણ ક્યારેક ખુશી હોય તો પણ જાહેર કરવાનું થોડું મુશ્કેલ બની જાય છે. હમણાં વેંકૈયાજી કહેતા હતા કે પૂણેને 28 કરોડને બદલે 160 કરોડ મળી ગયા. હવે ચૂંટણી આવવાની હોય, મ્યુનિસિપાલિટીની પાસે 160 કરોડ આવી જાય તો એ લોકો કેટલું બધું કામ કરી શકે. પરંતુ આ બધું થયું એટલા માટે કે આઠમી નવેમ્બરના રોજ રાત્રે આઠ વાગ્યે મેં જે જાહેરાત કરી, તેના કારણે થયું છે. અને આ માત્ર પૂણેમાં નહીં હિન્દુસ્તાનની દરેક સરકારો પાસે એકલા અર્બન એકમોમાં 200થી 300 ટકા આવક વધી છે. કારણ કે બધાને લાગ્યું કે મોદી લઈ જશે એનાથી સારું છે કે અહીં નાંખી દો. આ પણ સારું થયું, નહીં તો અર્બન એકમોમાં ટેક્સ 50 ટકા, 60 ટકા, 70 ટકાથી આગળ વધી નહોતો શક્યો. અને આપવાવાળા કોણ હતા. સામાન્ય લોકો તો આપી દેતા હતા અને નહીં આપવાવાળા કોણ હતા. જે ક્યારેક ક્યારેક આપણી આજુબાજુમાં જોવા મળતા હતા એ લોકો પણ ન હતા. હવે કારણ કે જેની પહોંચ વધારે હોય છે,એવા લોકોને કાયદા-નિયમ તોડવાની આદત પડી જાય છે. પરંતુ એ બધાને લાઈનમાં લગાડી દીધા છે. દેશમાં સહુ કોઈ સમાન હોય છે. દરેકે કાયદાનું પાલન કરવું જોઈએ. દરેકે નિયમોનું પાલન કરવું જોઈએ. અને હું જણાવું દેશવાસીઓ, આપણા દેશમાં સરકારો કેવી રીતે ચાલી છે... આ હું કોઈની બુરાઈ કરવા માટે નથી કહી રહ્યો. દિલમાં દર્દ થાય છે, પીડા થાય છે. શું કરી નાંખ્યું છે આપણા દેશનું. તમે હેરાન થશો કે ભારતની સંસદે વર્ષ 1988માં બેનામી સંપત્તિનો કાયદો પસાર કર્યો. સંસદમાં પક્ષ વિપક્ષ વચ્ચે ચર્ચા થઈ. કાયદો પસાર થયો, અખબારોની હેડલાઈન છપાઈ ગઈ. જેમનો જય જયકાર થવાનો હતો, તેમનો જય જયકાર થઈ ગયો, હારતોળા પહેરી લીધા કે બહુ ઈમાનદારીનું કામ કરી નાંખ્યું. પરંતુ સંસદમાંથી એ કાગળ નીકળીને ફાઈલોના ઢગલામાં ખોવાઈ ગયો. મારા આવ્યા પછી બહાર નીકળ્યો. તેનું નોટિફિકેશન નહતું થયું. કાયદો અમલી નહતો બનાવવામાં આવ્યો. જો 1988માં એ સમયે જે લોકો સંસદમાં બેઠા હતા, એ લોકોએ આટલો મોટો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, તેનો જો એ સરકારે અમલ કર્યો હોત, એ કાયદો લાગુ કર્યો હોત, તો આજે બેનામી સંપત્તિના નામે દેશમાં જે પાપનો ભરાવો થયો છે, તે થયો હોત ખરો ? દેશ બચી ગયો હોત કે ન બચી ગયો હોત? એવા એવા પાપ કરીને ગયા છે. હવે તમે મને કહો હું પણ આવું જ ચાલવા દઉં કે બધું સરખું કરું ? જરા જોરથી કહો - સરખું કરું ? તો હમણાં જેમ દેવેન્દ્રજીએ તમારી પાસે લાઈટ કરાવી હતી, એ રીતે ફરી લાઈટ કરીને બતાવો. સરખું કરવું જોઈએ કે ન કરવું જોઈએ ? દેશને બરબાદ કરવાની જે વાતો ચાલી રહી છે, તેને અટકાવવી જોઈએ કે ન અટકાવવી જોઈએ ? અને એટલા માટે ભાઈઓ બહેનો, જો સમયસર દેશમાં બીમારીઓનો ઉપચાર કરવામાં આવ્યો હોત તો આજે મારે આવા કઠોર પગલાં ન ભરવા પડ્યા હોત. આજથી ચાળીસ વર્ષ પહેલા જે કામ કરવાના હતા, એ કામ કરાયા હોત તો આજે મારા દેશના સવા સો કરોડ ઈમાનદાર લોકોએ લાઈનોમાં ન ઊભા રહેવું પડ્યું હોત. દેશવાસીઓને લાઈનોમાં ઊભા રહીને જે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, એની જેટલી પીડા દેશવાસીઓને છે, એટલી જ પીડા મને પણ છે. પરંતુ આ નિર્ણય દેશ માટે કરવો પડ્યો છે. જે લોકોએ નિર્ણય ન કર્યો તે લોકોએ દેશને મોટું નુકસાન કર્યું છે. મેં દેશને બચાવવાનું તમને વચન આપ્યું હતું. અને એટલે હું તમારા આશીર્વાદ સાથે આજે આ કઠોર પગલાં ભરી રહ્યો છું.
ભાઈઓ બહેનો, હું પૂણે પાસેથી વધુ અપેક્ષા રાખું છું. આ દેશની ઔદ્યોગિક ધરોહર ધરાવતી નગરી છે. આ શિક્ષાનું પણ ધામ છે. અનેક વર્ષો પહેલાં જેમ કાશીમાં વિદ્વાન હતા, તો પૂણે પણ વિદ્વત્તા માટે પ્રસિદ્ધ હતું. આઈટી પ્રોફેશન પૂણેના જીવન સાથે જોડાયેલો છે. શું આ પૂણે નગરી ઓનલાઈન પેમેન્ટની દિશામાં વધુ ઝડપથી આગળ વધી શકે કે ન વધી શકે ? શું આપણો મોબાઈલ ફોન, મોબાઈલ ફોન બેન્ક બની શકે કે ન બની શકે ? આ બેન્ક આપણી હથેળીમાં હોઈ શકે કે ન હોઈ શકે ? જ્યારે ઈચ્છીએ ત્યારે પોતાનો કારોબાર ચલાવી શકાય કે ન ચલાવી શકાય ? શું બેન્કોની લાઈનમાં ઊભા રહેવાની જરૂર છે ? શું એટીએમની બહાર ઊભા રહેવાની જરૂર છે ? બધી વ્યવસ્થા ઉપલબ્ધ છે કે નહીં ? શું પૂણેવાસીઓ મારી મદદ કરી શકે કે ન કરી શકે ? કરશો ? પાક્કું કરશો ? આપણે નક્કી કરીએ કે આપણે ઈ-વૉલેટ દ્વારા કે ડેબિટ કાર્ડ દ્વારા હવે તો આધાર સર્વિસીઝ પણ એનેબલ છે. માત્ર તમારો આધાર નંબર હોય, એકાઉન્ટ નંબર હોય, માત્ર અંગુઠો લગાવો તો તમારું પેમેન્ટ થઈ જાય છે. એટલી વ્યવસ્થા થઈ ગઈ છે. અને એ વાત માનીને ચાલો. અહીં શરદ રાવ બેઠા છે, ખેડૂતોના નેતા છે. મને જણાવો કે શેરડીનું ઉત્પાદન વધુ થઈ જાય તો શેરડીની કિંમત ઘટી જાય છે કે નથી ઘટી જતી ? જણાવો ને, ડુંગળીનું ઉત્પાદન વધુ થઈ જાય, તો ડુંગળીના ભાવ ઘટે છે કે નથી ઘટતા ? બટાકાનું ઉત્પાદન વધુ થઈ ગયું હોય, તો ભાવ ગગડે છે કે નથી ગગડતા ? એ જ રીતે, ચલણી નોટો વધુ છપાઈ જાય તો નોટના ભાવ પણ ઘટી જાય છે. આ જેટલી વધુ નોટો છપાઈ, એટલી નોટની કિંમત ઘટી ગઈ. તમે આઠમી નવેમ્બર પહેલા સો રૂપિયાને કોઈ પૂછતું પણ નહતું. તેની તરફ કોઈ જોતું હતું ? ઘરમાં કોઈ બાળક હજાર પાંચ સોની નોટ બતાવે તો હજારની તરફ જતું હતું, સોની નોટ તરફ નહતું જતું. કોઈ કિંમત જ રહી ન હતી. આઠમી તારીખ પછી સો રૂપિયાની શાન વધી ગઈ કે ન વધી ? નાના ચલણની તાકાત વધી ગઈ કે ન વધી ? દેશવાસીઓ, આઠમી નવેમ્બર પછી હિન્દુસ્તાનમાં પણ મોટાઓની નહીં, નાનાઓની તાકાત વધી ગઈ છે, દોસ્તો. નાનાઓની તાકાત વધી ગઈ છે. અને મારી આ લડત નાનાઓની તાકાત વધારવા માટે છે. ગરીબોને સામર્થ્ય અપાવવા માટે છે.
પરંતુ તમે જોયું હશે. કેટલાક લોકોને લાગ્યું કે બધી સરકારો આવી જ હોય છે. અગાઉ હતી, તેવી જ આ પણ હશે. ઠીક છે, મોદી બે-ચાર દિવસ બોલશે, પછી શું થશે. પછી તો આપણે છીએ જ ને. વર્ષોથી કરતા આવ્યા છીએ, એમ કરીશું. આ જ મિજાજથી એમને લાગ્યું કે બેન્કમાં નાંખી દો બધા કાળા નાણાં સફેદ થઈ જશે. નોટો તો કાળી કે સફેદ ન થઈ, પરંતુ તેમના ચહેરા કાળા જરૂર થઈ ગયા. મોઢા કાળા થઈ ગયા. કેટલાક બેન્કવાળાઓને પટાવીને અને ભાગીદારી કરીને રમતો રમવા ગયા, હવે ક્યાંયે મોં બતાવવા જેવા ન રહ્યા. આજે ટેકનોલોજી એટલી શ્રેષ્ઠ છે કે એ ઘેરથી નીકળે, ત્યાંથી એને ટ્રેક કરવો સહેલો થવાનો છે. મહિના, બે મહિના, ત્રણ મહિના પછી પણ આ બધાનો પીછો કરાશે. બતાવો ભાઈ, પહેલા તો ન હતા, હવે ક્યાંથી આવ્યા. જણાવવું પડશે. જેમણે વિચાર્યું છે કે હવે બેન્કમાં ગયા, હવે કાળા નાણાં સફેદ થઈ ગયા, તેમને હું કહું છું કે જાતને સંભાળી લેજો. હજુ પણ તક છે, કાયદાનું પાલન કરો. ગરીબોના હક્કનું જે છે, તે એમને પાછું આપી દો. હવે છટકવાની કોઈ સંભાવના રહી નથી. અને એટલા માટે આ પૂણેની ધરતી પરથી હું દરેકને કહેવા માંગું છું. હજુ પણ સમય છે. આજે પણ નિયમો એવા છે, જેનાથી તમારી મદદ થઈ શકે છે. સાચા માર્ગે આવી જાવ, તો જિંદગીભર આરામથી સૂઈ શકશો, ચિંતાનો વિષય નહીં રહે. અને જો તમે હજુ પણ સાચા માર્ગે નહીં આવો, તો ઓછામાં ઓછું હું તો ઊંઘવાનો નથી જ. ભાઈઓ બહેનો, આ ભ્રષ્ટાચાર, કાળું નાણું, નકલી નોટો, આ આતંકવાદ, આ નકસલવાદ, એ બધા સામેની લડત, માત્ર કહેવા માટે નથી કહી રહ્યો. દોસ્તો, મોટું જિગર લઈને લડત છેડી છે. અને સવા સો કરોડ દેશવાસીઓનો મિજાજ જોઈને હું વિશ્વાસપૂર્વક કહું છું. આ મુઠ્ઠીભર લોકો, જે દેશને બાનમાં રાખીને પોતાની જેમ મરજી ફાવે તેમ કરતા હતા. એ સમય હવે ગયો. હવે દેશમાં વાત થશે તો સવા સો કરોડ દેશવાસીઓની વાત થશે. દેશમાં અવાજ ઉઠશે, જો દેશમાં અવાજ ઉઠશે, તો દેશના સવા સો કરોડ દેશવાસીઓનો ઉઠશે. એ અવાજને મુઠ્ઠીભર લોકો હવે દબાવી નહીં શકે. આ વાત લઈને હું નીકળ્યો છું, દોસ્તો. અને એટલા માટે જ હું દેશવાસીઓનો આભાર માનું છું. અને હું જણાવું, મેં પહેલા દિવસે કહ્યું હતું. પચાસ દિવસ સુધી તકલીફ થવાની છે. અને મેં તો એમ પણ કહ્યું હતું કે તકલીફ વધવાની છે. પરંતુ પચાસ દિવસ પછી પ્રામાણિક લોકોની તકલીફ ઓછી થવાની શરૂ થઈ જશે અને અપ્રામાણિક લોકોની તકલીફો વધવાની શરૂ થઈ જશે. તમે જોશો, તમને ખબર પડશે, એમ તો અત્યારે પણ જોઈ રહ્યા છો. મોટા મોટા બાબૂઓ જેલમાં જઈ રહ્યા છે. મોટા મોટા લોકો જેલમાં જઈ રહ્યા છે. બેન્કોના અનેક લોકોએ ઘેર બેસવું પડ્યું છે. એમની નોકરી છૂટી ગઈ છે અને કેટલાક તો જેલમાં પણ ગયા છે. ભાઈઓ બહેનો, ખૂબ સમજી-વિચારીને દેશવાસીઓ પર પૂરો વિશ્વાસ મૂકીને પગલાં ભર્યાં છે, દેશ સફળ થઈને જ રહેશે, એ મારો વિશ્વાસ છે. મેટ્રોનું કામ ઝડપભેર આગળ વધે અને જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણીઓ ચાલી રહી હતી, ત્યારે મેં મહારાષ્ટ્રને કહ્યું હતું કે જુઓ, 15 વર્ષથી આ મહારાષ્ટ્રની ગાડી ખાડામાં ફસાઈ છે. જો તેને નિકાળવી હોય તો ડબલ એન્જિનની જરૂર પડશે. એક દિલ્હીનું એન્જિન એક મહારાષ્ટ્ર સરકારનું એન્જિન. અને તમે અમારા પર ભરોસો મૂક્યો. ડબલ એન્જિન લાગી ગયા છે. મેટ્રો આવી કે ન આવી ? તો આ ડબલ એન્જિનની તાકાત છે. તો તમે ડબલ એન્જિનને તક આપી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ !