સૌથી પહેલાં હું પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને આદર પૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. તેમણે દેશની સેવા કરતાં-કરતાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરી દીધા છે, દુઃખની આ ઘડીમાં મારી અને દરેક ભારતીયની સંવદનાઓ તેમના પરિવારની સાથે છે.
આ હુમલાને કારણે દેશમાં જેટલો આક્રોષ છે, લોકોનું લોહી ઉકળી રહ્યું છે. હું એ બાબત સારી રીત સમજી શકુ છું કે આ સમયે દેશની શું અપેક્ષાઓ છે. કંઈક કરી છૂટવાની ભાવના થાય તે પણ સ્વાભાવિક છે. આપણા સુરક્ષાદળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેવામાં આવી છે. આપણા સૈનિકોના શોર્ય પર અને તેમની બહાદુરી પર આપણને પૂરો વિશ્વાસ છે. મને પૂરો વિશ્વાસ છે કે, દેશભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી આપણી એજન્સીઓ સુધી પહોંચાડશે અને તેથી આતંકવાદને કચડી નાંખવા માટેની આપણી લડાઈ વધુ તેજ બનીને આગળ વધશે.
હું આતંકવાદી સંગઠનોને અને તેમના નેતાઓને કહેવા માગું છું કે તેઓ ખૂબ મોટી ભૂલ કરી ચૂક્યા છે અને તેની તેમણે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે.
હું દેશને વિશ્વાસ આપાવવા માગું છું કે આ હુમલાની પાછળ જે તાકાતો છે, આ હુમલા પાછળ જે ગૂનેગારો છે તેમના કારનામાની સજા તેમને અવશ્ય મળશે. જે લોકો અમારી ટીકા કરે છે તેમની ભાવનાઓનો પણ હું આદર કરૂં છું. તેમની ભાવનાઓને પણ હું સમજી શકું છું અને ટીકા કરવાનો તેમને પૂરો અધિકાર છે.
પરંતુ મારા તમામ સાથીઓને અનુરોધ કરું છું કે આ સમય ખૂબ જ સંવેદનશીલ છે, આ ઘડીઓ ખૂબ જ ભાવુક છે. પક્ષમાં કે વિપક્ષમાં આપણે સૌ રાજનૈતિક આક્ષેપોથી દૂર રહીએ. દેશ સંગઠીત થઈને આ હુમલાનો મુકાબલો કરી રહ્યો છે. દેશ સંગઠીત છે અને એક જ સૂરમાં વાત કરે છે, જે સમગ્ર વિશ્વને સંભળાવી જોઈએ, કારણ કે લડાઈ આપણે જીતવા માટે લડી રહ્યા છીએ.
સમગ્ર વિશ્વથી અલગ પડી ગયેલો આપણો પડોશી દેશ એવું સમજતો હશે કે તે જે પ્રકારના કૃત્યો કરી રહ્યો છે અને જે પ્રકારના કાવતરા રચી રહ્યો છે તેનાથી ભારતમાં અસ્થિરતા ઉભી કરવામાં તે સફળ થશે, તેવું તે માનતો હોય તો તેનું સપનું હંમેશ-હંમેશને માટે તે છોડી દે. તે ક્યારેય આવું કરી શકશે નહીં અને અગાઉ ક્યારેય આવું કરી શક્યો નથી.
હાલમાં ખૂબ જ નબળી આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહેલા આપણા પડોશી દેશને એવું લાગી રહ્યું છે કે આવી તબાહી મચાવીને તે ભારતને બેહાલ કરી શકે છે. તો, તેના ઈરાદાઓ ક્યારેય પૂરા થવાના નથી. સમયે સિદ્ધ કરી બતાવ્યું છે કે જે રસ્તા પર તે ચાલી રહ્યા છે તે વિનાશ જોઈ રહ્યાં છે અને આપણે જે રસ્તો પસંદ કર્યો છે ત્યાં આપણે પ્રગતિ કરતાં-કરતાં આગળ વધી રહ્યા છીએ.
130 કરોડ ભારતવાસીઓ આવા તમામ કાવતરા અને આવા દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપશે. ઘણાં મોટા દેશોએ પણ ખૂબ જ આકરા શબ્દોમાં આતંકી હુમલાની નિંદા કરી છે અને ભારતની સાથે ઊભા રહીને ભારતે સમર્થન આપવાની ભાવના વ્યક્ત કરી છે.
હું એ તમામ દેશોનો આભારી છું અને તમામ દેશને અનુરોધ કરૂં છું કે આતંકવાદની વિરૂદ્ધ તમામ માનવતાવાદી શક્તિઓએ એકત્ર થઈને લડવું પડશે. માનવતાવાદી શક્તિઓએ સંગઠીત થઈને આતંકવાદને પરાજીત કરવો પડશે. આતંક સામે લડવા માટે જો તમામ દેશો એકમત બને અને એક જ સૂરમાં વાત કરી, એક જ દિશામાં ચાલશે તો આતંકવાદ થોડીક પળોથી વધારે ટકી શકશે નહીં.
સાથીઓ, પુલવામાં હુમલા પછી મનની સ્થિતિ અને માહોલ દુઃખની સાથે-સાથે આક્રોશથી ભરાયેલો છે. આવા હુમલાઓ સામે દેશ ઝઝૂમીને મુકાબલો કરશે. આ દેશ અટકવાનો નથી. આપણા વીર શહીદોએ પોતાના પ્રાણની આહૂતિ આપી છે અને દેશ માટે મર-મિટનાર દરેક શહીદો બે સપનાંઓ માટે પોતાનું જીવન ખપાવી દેતા હોય છે. એમાં પહેલું દેશની સુરક્ષા અને બીજું છે દેશની સમૃદ્ધિ. હું આ તમામ વીર શહીદોને, તેમના આત્માને નમન કરતાં અને તેમના આશીર્વાદ લેતા-લેતા ફરી એક વખત વિશ્વાસ આપવા માગું છું કે જે બે સપનાં માટે તેમણે તેમના જીવની આહુતિ આપી છે તે સપનાંને પૂરા કરવા માટે આપણે જીવનની દરેક પળ ખપાવી દઈશું. અમારા આ વીર શહીદોના આત્માને નમન કરતાં-કરતાં આ પરિયોજનાને વાસ્તવિક બનાવનારા દરેક એન્જિનીયર અને દરેક કામદારનો હું આભાર વ્યક્ત કરૂં છું.
ચેન્નાઈમાં બનેલી આ ટ્રેન દિલ્હીથી કાશીની વચ્ચે પ્રથમ સફર ખેડવાની છે, આ જ એક ભારત – શ્રેષ્ઠ ભારતની સાચી તાકાત છે, વંદે ભારત એક્સપ્રેસની તાકાત છે.
સાથીઓ, વિતેલા સાડા ચાર વર્ષમાં અમે ભારતીય રેલવેની સ્થિતિને ખૂબ જ પ્રમાણિકતા સાથે અને ખૂબ જ પરિશ્રમ કરીને બદલવાનો પ્રયાસ કર્યો છે. વંદે ભારત એક્સપ્રેસ એવા કાર્યોની જ એક ઝલક છે. વિતેલા વર્ષોમાં રેલવેનો એવા ક્ષેત્રોમાં સમાવેશ કરાયો છે, કે જેમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદનમાં ખૂબ જ પ્રગતિ સધાઈ છે. સાથે-સાથે રેલવે કોચ ફેકટરીઓનું આધુનિકીકરણ, ડિઝલ એન્જીનોને ઈલેક્ટ્રીક એન્જીનોમાં બદલવાનું કામ અને તેના માટે નવા કારખાના નાંખવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
તમને યાદ હશે કે અગાઉ રેલવે ટિકિટમાં ઓનલાઈન રિઝર્વેશનની કેવી હાલત હતી. તે સમયે એક મિનિટમાં 2000 થી વધુ ટિકિટો બુક થઈ શકતી નહોતી અને આજે મને ખૂબ જ સંતોષ છે કે રેલવેની વેબસાઈટ ખૂબ જ યુઝર ફ્રેન્ડલી બની છે અને એક મિનિટમાં 20,000થી વધુ ટિકિટો બુક કરી શકાય છે. અગાઉ એવી હાલત હતી કે એક રેલવે પ્રોજેક્ટને સ્વિકૃતિ મળ્યા પછી કામ શરૂ થવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગી જતા હતા. હવે દેશમાં રેલવે પ્રોજેક્ટ ત્રણ અથવા ચાર અથવા તો વધુમાં વધુ 6 મહિનામાં સ્વિકૃત બની જાય છે. આવા જ પ્રયાસોને કારણે રેલવેના કામોમાં નવી ગતિ આવી છે. સમગ્ર દેશમાં બ્રોડગેજની લાઈનોમાં માનવ રહિત ક્રોસિંગ દૂર કરવાનું એક અભિયાન ચલાવીને આવા ક્રોસિંગ દૂર કરાયા છે.
જ્યારે અમે સરકારમાં આવ્યા હતા ત્યારે 300થી વધારે માનવ રહિત રેલવે ક્રોસિંગ હોવાના કારણે વારંવાર અકસ્માત થતા રહેતા હતા. હવે આવા અકસ્માતો ઓછા થયા છે.
દેશમાં રેલવેના પાટા નાંખવાનું કામ હોય કે પછી વિજળીકરણની કામગીરી હોય. અગાઉ કરતાં બે ગણી વધારે ગતિથી કામ થઈ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ કે વિજળીથી ચાલનારી ટ્રેનોના કારણે પ્રદુષણ પણ ઓછુ થાય છે અને ડિઝલના ખર્ચમાં પણ બચત થાય છે તથા ટ્રેનોની ગતિ વધી જાય છે.
એ બાબત જગ જાહેર છે કે રેલવેને આધુનિક બનાવવાના આવા પ્રયાસોને કારણે રોજગારીની નવી તકો પણ ઉભી થઈ છે. મને કહેવામાં આવ્યું છે કે 2014થી માંડીને અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ કર્મચારીઓની રેલવેમાં નિમણુંક કરવામાં આવી છે. હાલમાં જે ભરતી અભિયાન ચાલી રહ્યું છે તે પછી આ સંખ્યા સવા બે લાખ સુધી પહોંચવાની આશા છે.
સાથીઓ, હું એવો દાવો નથી કરતો કે આટલા ઓછા સમયમાં અમારા લોકોની તમામ કોશિષ કરવા છતાં ભારતીય રેલવેમાં અમે બધું જ બદલી નાંખ્યું છે એવું નથી. આવા દાવા અમે કર્યા નથી કે કરીશું નહીં. હજુ પણ ઘણું બધુ કરવાનું બાકી છે. હું એટલું જરૂર કહીશ કે ભારતીય રેલવેને આધુનિક રેલવે સેવા બનાવવાની દિશામાં અમે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. અને હું તમને વિશ્વાસ આપવા માંગુ છું કે વિકાસની આ યાત્રાને અમે ગતિ આપીશું, તાકાત આપીશું. જળ હોય કે ભૂમિ હોય, ભારતની પૂર્વ દિશા હોય કે પશ્ચિમ દિશા હોય કે પછી ઉત્તર દિશા હોય કે દક્ષિણ દિશા હોય. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને સાથે લઈને અમે વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિકાસના માધ્યમથી દેશના માટે મરી મિટનારા લોકોને અમે નમન કરતાં રહીશું અને સુરક્ષાના ક્ષેત્રોમાં પણ પૂરી તાકાતથી ગૂનેગારોને સજા આપીને દેશ માટે જીવન ન્યોછાવર કરનાર લોકોનું જે લોહી વહ્યું છે તે લોહીના એક ટીંપાની કિંમત વસૂલ કરીને જ રહીશું.
આવા વિશ્વાસની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આ શહીદોના માનમાં મારી સાથે બોલો,
વંદે માતરમ, વંદે માતરમ,
વંદે માતરમ, વંદે માતરમ,
વંદે માતરમ, વંદે માતરમ.