અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા મારા નવયુવાન સાથીઓ.
સાથીઓ આજે સવારે મને જમ્મુ-કાશ્મીરના અલગ અલગ ક્ષેત્રોમાં જવાનો અવસર મળ્યો. મને અહીં આવવામાં વાર લાગી, અમે લોકો લગભગ એક કલાક મોડા પહોંચ્યા આથી સૌ પહેલા તો હું આપ સૌની માફી માગુ છું કે અમને આવવામાં મોડુ થઈ ગયું. લેહથી લઈને શ્રીનગર સુધી વિકાસની ઘણી પરિયોજનાઓનું આજે લોકાર્પણ થયું છે. કેટલાક નવા કાર્યોની શરૂઆત થઈ છે. જમ્મુના ખેતરોથી લઈને કાશ્મીરના બગીચાઓ અને લેહ-લદાખની નૈસર્ગિક અને આધ્યાત્મિક તાકાતનો મેં હંમેશાં અનુભવ કર્યો છે. હું જ્યારે પણ અહીં આવું છું ત્યારે મારો આ વિશ્વાસ વધારે મજબૂત થઈ જાય છે કે દેશનું આ એક ક્ષેત્ર વિકાસના માર્ગ પર ઘણું આગળ નીકળી જવાનું સામર્થ્ય ધરાવે છે. અહીંના કર્તૃત્વવાન, કર્મશીલ લોકો તમારા જેવા પ્રતિભાશાળી યુવાનોનાં સાર્થક પ્રયાસોથી આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ અને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છીએ.
સાથીઓ આ વિશ્વવિદ્યાલયને લગભગ 20 વર્ષ થઈ ગયા છે અને ત્યારથી આજ સુધીમાં અનેક વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ અહીંથી અભ્યાસ કરીને આગળ નીકળી ગયા છે અને તેઓ સામાજિક જીવનમાં ક્યાંકને ક્યાંક પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આજે વિશ્વવિદ્યાલયનો છઠ્ઠો પદવીદાન સમારોહ છે. આ પ્રસંગે મને તમારી વચ્ચે આવવાની તક મળી છે. આમંત્રણ માટે વિશ્વવિદ્યાલય પ્રશાસનનો હું આભાર માનું છું. મને આનંદ છે કે આજે અહીં જમ્મુની ઘણી શાળાના બાળકો, કેટલાક વિદ્યાર્થીઓ પણ હાજર છે. આજે અહીં 400થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને પદવી, પ્રમાણપત્ર અને મેડલ એનાયત થયા. આ તમારા એ પરિશ્રમનું પરિણામ છે જે દેશના આ પ્રતિષ્ઠિત સંસ્થાનનો એક ભાગ બની તમે પ્રાપ્ત કર્યું. તમને સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને દિકરીઓને કેમ કે આજે તેમણે મેદાન માર્યું છે.
આજે દેશમાં એવી રમતો જુઓ, શિક્ષણ જુઓ, તમામ જગ્યાએ દિકરીઓ કમાલ કરી રહી છે. હું મારી સામે જ નિહાળી રહ્યો છું કે તમારી આંખમાં ચમક જોવા મળી રહી છે, આત્મવિશ્વાસ છલકાઇ રહ્યો છે. આ ચમક ભવિષ્યના સપનાઓમાં પણ અને પડકારોમાં પણ બંનેને સમજવાનો ભરોસો લઈને બેઠી છે.
સાથીઓ, તમારા હાથમાં આ પદવીનું પ્રમાણપત્ર નથી પરંતુ તે દેશના ખેડૂતોની આકાંક્ષાઓનું પત્ર છે. તમારા હાથમાં જે પ્રમાણપત્ર છે તેમાં દેશનાં ખેડૂતોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ ભરેલી છે. આ એ કરોડો અપેક્ષાઓનો દસ્તાવેજ છે જે દેશના અન્નદાતા, દેશનો ખેડૂત તમારા જેવા મેઘાવી લોકો પાસેથી મોટી આશા રાખીને બેઠો છે.
સમયની સાથે-સાથે ટેકનોલોજી પણ ઝડપથી બદલાઈ રહી છે અને બદલાતી ટેકનોલોજી તમામ વ્યવસ્થાઓમાં ધરમૂળમાંથી પરિવર્તન કરી રહી છે. આ ઝડપ સાથે જો કોઈ સૌથી ઝડપથી દોડી શકે છે તો તે આપણા દેશનો નવયુવાન છે અને તેથી જ આજે તમારી વચ્ચે મને વાત કરવાનો અવસર મળ્યો છે, તેને હું અત્યંત મહત્વપૂર્ણ માનું છું.
નવયુવાન સાથીઓ ટેકનોલોજી જેવી રીતે કાર્યની પ્રણાલી બદલી રહી છે, રોજગારની નવી-નવી રીતો વિકસીત થઈ રહી છે તેવી જ જરૂરિયાત કૃષિ ક્ષેત્રમાં નવી સંસ્કૃતિ વિકસીત કરવાની જરૂર છે. આપણે આપણી પરંપરાગત રીતોને જેટલી વધારે તકનીકો પર કેન્દ્રીત કરીશું એટલો જ ખેડૂતને વધારે લાભ થશે. અને આ જ દ્રષ્ટિકોણ પર ચાલતાં કેન્દ્ર સરકાર દેશમાં ખેતી સાથે સંકળાયેલા આધુનિક સાધનોને પ્રોત્સાહન આપી રહી છે.
દેશમાં અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડની વહેંચણી થઈ ચૂકી છે. તેમાંથી જમ્મુ-કાશ્મીરમાં પણ 11 લાખથી વધારે ખેડૂતોને આ કાર્ડ અપાઈ ચૂક્યા છે. આ કાર્ડની મદદથી ખેડૂતોને એ ખબર પડી રહી છે કે તેમના ખેતરોની કેવા પ્રકારની ખાસ જરૂરિયાત છે? શું-શું આવશ્યકતા છે?
યુરિયાની 100 ટકા નીમ-કોટિંગનો લાભ પણ ખેડૂતોને થયો છે. તેનાથી આવક તો વધી જ છે તો સામે પ્રતિ હેક્ટર યુરિયાનો વપરાશ પણ ઘટ્યો છે.
સિંચાઈની આધુનિક તકનીક અને પાણીના એક એક ટીંપાનો ઉપયોગ સમજી વિચારીને સૂક્ષ્મ અને ફુવારા પદ્ધતિની ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. દર ટીપે વધુ પાક એ આપણો હેતુ હોવો જોઇએ.
ગયા વર્ષે 24 લાખ હેક્ટર જમીનને સૂક્ષ્મ અને ફુવારા પદ્ધતિની સિંચાઇના ક્ષેત્રમાં આવરી લેવામાં આવી. હજુ બે દિવસ પહેલા જ કેબિનેટમાં સૂક્ષ્મ સિંચાઇ માટે પાંચ હજાર કરોડ રૂપિયાના ભંડોળની જાહેરાત કરી છે જેને મંજૂરી આપી દેવામાં આવી છે. આ તમામ નીતિઓ, તમામ નિર્ણયો ખેડૂતોની આવક બમણી કરવાના અમારા લક્ષ્યાંકો મજબૂત કરે છે. આવા તમામ પ્રયાસોને કારણે બની રહેલી વ્યવસ્થાનો એક મુખ્ય ભાગ તમે તમામ લોકો છો.
અહીંથી અભ્યાસ કરીને ગયા બાદ વૈજ્ઞાનિક અભિગમ, તકનીકિ નવિનીકરણ અને સંશોધન તથા વિકાસના માધ્યમથી કૃષિને નફાકારક વ્યવસાય બનાવવામાં તમે સક્રિય ભૂમિકા નિભાવશો તે દેશની તમારી પાસેથી અપેક્ષા છે. ખેતીથી લઈને પશુપાલન અને તેની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયોને નવી ટેકનોલોજીથી બહેતર બનાવવાની જવાબદારી આપણી યુવાન પેઢીના ખભે છે.
અહીં આવતા પહેલા તમારા પ્રયાસો વિશે સાંભળીને મારી આશા વધી ગઈ છે. તમારી પાસેથી મારી અપેક્ષાઓ પણ જરા વધી ગઈ છે. ખેડૂતોની આવક વધારવા માટે તમે અને તમારા આ વિશ્વવિદ્યાલયે પોતાના ક્ષેત્ર માટે જે મોડેલ વિકસીત કર્યું છે તેના વિશે પણ મને જાણકારી આપવામાં આવી છે. તમે તેને ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ મોડેલ એટલે કે IFS મોડેલનું નામ આપ્યું છે. આ મોડેલમાં અનાજ પણ છે, ફળ-શાકભાજી પણ છે અને ફૂલો પણ છે, પશુધન પણ છે, મત્સ્ય ઉદ્યોગ અને મરઘા પાલન પણ છે, કોમ્પોસ્ટ પણ છે, મશરૂમ, બાયોગેસ અને વૃક્ષ પર મધનો વિચાર પણ છે. તેનાથી દર મહિને આવક તો નક્કી થશે જ પરંતુ તે એક વર્ષમાં લગભગ બમણી રોજગારી પણ પેદા કરી આપશે.
આખા વર્ષ માટે ખેડૂતની આવક નક્કી કરનારૂ આ મોડેલ એક મહત્વપૂર્ણ મોડેલ છે. સ્વચ્છ ઇંધણ પણ મળ્યું, કૃષિના કચરામાંથી પણ મુક્તિ મળી, ગામડા પણ સ્વચ્છ બન્યા, પરંપરાગત ખેતીથી ખેડૂતોને જે આવક થાય છે તેના કરતાં વધુ આવક તમારું આ મોડેલ નિશ્ચિત કરશે. અહીંની આબોહવાને ધ્યાનમાં રાખીને તમે જે મોડેલ બનાવ્યું છે હું તેની વિશેષ પ્રશંસા કરવા માગું છું. હું ઇચ્છીશ કે આ મોડેલને જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં વધુને વધુ પ્રચારિત, પ્રસારિત કરવામાં આવે.
સાથીઓ, સરકાર ખેડૂતોને માત્ર એક પાક પર જ આધારિત રાખવા માગતી નથી પરંતુ વધારાની કમાણીના જેટલા સાધન છે તેને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહી છે અને તે કાર્ય પર ભાર મૂકી રહી છે. કૃષિના ભવિષ્ય માટે નવા ક્ષેત્રની પ્રગતિ ખેડૂતોની પ્રગતિનો એક અનિવાર્ય હિસ્સો બનવાની છે, મદદરૂપ થનારી છે.
હરિયાળી અને સફેદ ક્રાંતિની સાથે-સાથે આપણે જેટલો ભાર જૈવિક ક્રાંતિ, જળ ક્રાંતિ, વાદળી ક્રાંતિ અને મધુર ક્રાંતિ મૂકીશું તેટલી જ ખેડૂતોની આવક વધશે. આ વખતે અમે જે બજેટ રજૂ કર્યું છે તેમાં સરકારના આ જ વિચારો રહ્યાં છે. ડેરી ઉદ્યોગને વેગ આપવા માટે પહેલા એક અલગ ભંડોળની રચના કરવામાં આવી હતી પરંતુ આ વખતે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન માટે દસ હજાર કરોડના બે નવા ભંડોળ આપવામાં આવ્યા છે. એટલે કે કૃષિ અને પશુપાલન માટે ખેડૂતોને હવે આર્થિક મદદ સરળતાથી મળી જશે. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ પરની સવલત જે અગાઉ માત્ર ખેતી પૂરતી મર્યાદિત હતી તે હવે માછલી અને પશુપાલન માટે પણ ખેડૂતોને સવલત મળશે.
કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે તાજેતરમાં જ એક મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ સાથે સંકળાયેલી 11 યોજનાઓ હરિત ક્રાંતિ કૃષિ વિકાસ યોજનામાં સામેલ કરવામાં આવી છે. તેના માટે 33 હજાર કરોડથી વધુ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને 33 હજાર કરોડ રૂપિયાની રકમ નાની નથી.
સાથીઓ વેસ્ટ (કચરા)માંથી વેલ્થ (સમૃદ્ધિ) તરફ પણ સરકાર ધ્યાન આપી રહી છે. દેશના અલગ-અલગ ભાગોમાં હવે એ પ્રકારનું વલણ જોર પકડી રહ્યું છે જે કૃષિનાં કચરામાંથી પણ નફો રળી શકે તે તરફ કાર્ય કરી રહી છે.
આ બજેટમાં સરકારે ગોબર ધન યોજનાની પણ જાહેરાત કરી છે. આ યોજના ગ્રામીણ સ્વચ્છતા વધારવાની સાથે સાથે ગામમાંથી નીકળનારા બાયો વેસ્ટેજ (જૈવિક કચરા) વડે ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં પણ મદદ કરશે. એવું પણ નથી કે માત્ર બાયો પ્રોડક્ટથી જ આવક વધી શકે છે. જે મુખ્ય પાક છે તે મુખ્ય પેદાશ છે અને ક્યારેક તો તેનો ઉપયોગ પણ ખેડૂતોની આવક વધારી શકે છે. કોર વેસ્ટ હોય, નાળિયેરનું વેચાણ હોય, બામ્બુ વેસ્ટ હોય, પાક લણી લીધા બાદ ખેતરમાં જે કચરો રહે છે તેનાથી પણ આવક વધી શકે છે.
આ ઉપરાંત વાંસથી જોડાયેલો જે અગાઉનો કાયદો હતો તેમાં પણ સુધારો લાવીને અમે વાંસની ખેતીનો માર્ગ સરળ બનાવી દીધો છે. તમને નવાઈ લાગશે કે આપણો દેશ લગભગ 15 હજાર કરોડના વાંસની આયાત કરે છે. કોઈ તર્ક જ નથી.
સાથીઓ, મને એ પણ માહિતી આપવામાં આવી છે કે અહીં તમે લોકોએ 12 અલગ-અલગ પાક માટે વિવિધતા વિકસીત કરી છે. રણબીર બાસમતી તો કદાચ દેશભરમાં સૌથી લોકપ્રિય છે. તમારો આ પ્રયાસ પ્રસંસનીય છે. પરંતુ આજે ખેતી સામે જે પડકારો છે તે બીજની ગુણવત્તા કરતાં પણ વધારે છે. આ પડકાર હવામાન સાથે જોડાયેલો છે અને તેની સાથે સાથે હવામાન બદલાઈ રહ્યું છે. આપણો ખેડૂત કૃષિ વૈજ્ઞાનિકની મહેનતથી અને સરકારની નીતિઓની આ અસર છે કે છેલ્લા વર્ષે આપણા ખેડૂતોએ વિક્રમી ઉત્પાદન કર્યું, ઘઉં હોય, ચોખા હોય કે દાળ હોય અગાઉનાં તમામ વિક્રમો તૂટી ગયા છે. તલ અને કપાસમાં પણ ઘણો વધારો થયો છે પરંતુ તમે છેલ્લા કેટલાક વર્ષનાં આંકડા જોશો તો ઉત્પાદનમાં એક અનિશ્ચિતતાની સ્થિતિ જોવા મળશે અને તેનું સૌથી મોટું કારણ આપણી ખેતી વરસાદ પર આધારિત છે તે છે.
આબોહવામાં પરિવર્તનને કારણે જ્યાં એક તરફ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે તો કેટલાક ક્ષેત્રોમાં વરસાદમાં ઘટાડો થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પણ તેની અસર જોવા મળે છે. અનાજની ખેતી હોય, બગીચાનું કાર્ય હોય કે પછી પ્રવાસન, પૂરતી માત્રામાં પાણીની જરૂરિયાત દરેકને છે. જમ્મુ-કાશ્મીરમાં પાણીની જરૂરિયાત આ હિમપ્રવાહ (ગ્લેશિયર) પૂરી કરી આપે છે. પરંતુ જે રીતે તાપમાન વધી રહ્યું છે તેનાથી પર્વતો ઝડપથી ઓગળી રહ્યા છે. તેને પરિણામે કેટલાક હિસ્સામાં પાણીની અછત તો કેટલાક હિસ્સામાં પૂરની સ્થિતિ જોવા મળે છે.
સાથીઓ અહીં આવતા પહેલા હું તમારી યુનિવર્સિટી અંગે વાંચી રહ્યો હતો ત્યારે મને તમારી પાક પરિયોજના વિશે પણ જાણકારી મળી. તેના માધ્યમથી તમે સિજનની પહેલા જ પાક કેટલો મળશે અને આ વર્ષે કેટલી આવક થશે તેનું અનુમાન લગાવી શકો છો પરંતુ હવે તેનાથી પણ આગળ જવાની જરૂર છે. નવી પરિસ્થિતિનો સામનો કરવા માટે નવી રણનીતિની જરૂર છે. આ રણનીતિ પાકના સ્તર પર પણ જોઇએ અને ટેકનોલોજીના સ્તર પર પણ જરૂરી છે. એવા પાકની વિવિધતા પર ધ્યાન આપવું પડશે જે ઓછું પાણી લેતો હોય. ઉપરાંત કૃષિ ઉત્પાદનોનો કેવી રીતે વિશેષ લાભ લઈ શકાય છે તે પણ સતત વિચારણીય પ્રક્રિયા છે.
આવામાં હું તમને સી બકથ્રોન (sea buckthorn)નું ઉદાહરણ આપું છું. તમે બધા સી બકથ્રોન વિશે જાણતા હશો. લદાખ ક્ષેત્રમાં જોવા મળતા આ છોડ -40 થી +40 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. ટૂંકમાં ગમે તેટલો દુકાળ હોય પરંતુ તે પાકતો જ રહે છે. તેમાંથી મળતી ઔષધિના ગુણોનો ઉલ્લેખ આઠમી સદીમાં લખાયેલા તિબેટિયન સાહિત્યમાં પણ મળે છે. દેશ અને વિદેશના ઘણા આધુનિક સંસ્થાનોએ આ છોડને ઘણો મૂલ્યવાન માન્યો છે. બ્લડપ્રેશરની સમસ્યા હોય, તાવ કે ટ્યુમર, પથરી કે અલ્સર કે પછી શરદી, ખાંસી હોય સી બકથ્રોનથી બનેલી ઘણી દવાઓ એ દરેકમાં લાભ આપે છે.
એક અભ્યાસ મુજબ દુનિયામાં ઉપલબ્ધ સી બકથ્રોનમાં સમગ્ર માનવજાતિને વિટામીન સીની જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતા છે. તેણે કૃષિ પેદાશની તસવીર જ બદલી નાખી છે. તેનો પ્રયોગ હવે હર્બલ ચામાં, પ્રોટેક્ટિવ ઓઇલ, પ્રોટેક્ટિવ ક્રીમ અને હેલ્થ ડ્રિન્કમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ઊંચા પહાડો પર તૈનાત સેનાના જવાનો માટે પણ તે ઉપયોગી છે. તેમાંથી ઘણા પ્રકારના સ્વાસ્થ્ય વર્ધક ઉત્પાદનો બનાવવામાં આવે છે.
આજે આ મંચ પરથી આ ઉદાહરણ હું એટલા માટે આપી રહ્યો છું કેમ કે, ભવિષ્યમાં દેશના જે કોઈ પણ પ્રાંતને તમે તમારું કાર્યક્ષેત્ર બનાવશો ત્યાં તમને આવા અનેક ઉત્પાદનો મળશે. ત્યાં તમારા પ્રયાસોથી તમે એક મોડેલ વિકસીત કરી શકશો. કૃષિ વિદ્યાર્થીમાંથી કૃષિ વૈજ્ઞાનિક બનતા, ઉમેરો કરતા કરતાં તમે તમારા બળે કૃષિ ક્રાંતિનું નેતૃત્વ કરી શકશો.
કૃષિમાં એક મહત્વપૂર્ણ વિષય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તે આવનારા સમયમાં ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનારૂ છે. દેશના કેટલાક ભાગોમાં ખેડૂતો તેનો મર્યાદિત સ્તરે ઉપયોગ કરી રહ્યાં છે. જેમ કે દવાઓ અને પેસ્ટ કન્ટ્રોલ માટે ડ્રોન જેવી ટેકનોલોજીનો પ્રયોગ આજે ધીમે-ધીમે શરૂ થઈ ગયો છે.
આ ઉપરાંત સોઇલ મેપિંગ અને સમુદાયિક મૂલ્ય નર્ધારણમાં પણ ટેકનોલોજી કામ કરી રહી છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં બ્લોક ચેઇન ટેકનોલોજીની પણ ઘણી અગત્યની ભૂમિકા રહેશે. આ ટેકનોલોજીથી માલ પહોંચડવા માટેની સાંકળમાં યોગ્ય સમયની દેખરેખ થઈ શકશે. તેમાં ખેતીમાં થનારી લેવડ-દેવડમાં પારદર્શિતા આવશે. સૌથી મોટી વાત તો આડતિયાઓની, વચેટીયાઓની બદમાશી પર લગામ લાગશે અને પેદાશની બરબાદી પણ અટકશે.
સાથીઓ, આપણે બધાને એ પણ સારી રીતે ખબર છે કે ખેડૂતોનો ખર્ચ વધવાનું મોટું કારણ ખરાબ ગુણવત્તા ધરાવતા બીજ, ખાતર અને દવાઓ પણ હોય છે. બ્લોક ચેઇન ટેકનોલોજી દ્વારા આ સમસ્યા પણ અંકુશ લાવી શકાય છે. આ ટેકનોલોજીના માધ્યમથી ઉત્પાદનની પ્રક્રિયાથી માંડીને ખેડૂતો સુધી પહોંચવા સુધી, કોઈ પણ તબક્કે ઉત્પાદનનું પરિક્ષણ સરળતાથી થઈ શકે છે.
એક પૂર્ણ નેટવર્ક હશે જેમાં ખેડૂત પ્રક્રિયા એકમ, વિતરક, નિયમન સત્તાવાળા અને ઉપભોક્તાની એક સાંકળ હશે. આ તમામની વચ્ચે નિયમો અને શરતો પર બનેલા કરાર પર આ તકનીક વિકસીત થઈ શકે છે. આ સમગ્ર સાંકળ સાથે સંકળાયેલી વ્યક્તિ તેના પર નજર રાખી શકે છે તેના કારણે તેમાં ભ્રષ્ટાચારની કોઈ શક્યતા રહેતી નથી.
આ ઉપરાંત પરિસ્થિતિ મુજબ પાકના બદલાતા ભાવોને કારણે ખેડૂતોને થતા નુકસાનથી પણ આ તકનીક લાભ અપાવી શકે છે. આ સાંકળ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ એકબીજા મારફતે સાચા સમયની જાણકારી પ્રાપ્ત કરી શકે છે અને અંદરો અંદરની શરતોને આધારે દરેક સ્તરે ભાવ પણ નક્કી કરી શકાય છે.
સાથીઓ સરકાર પહેલેથી જ ઇ-નામ જેવી યોજના મારફતે દેશભરના બજારોને એક મંચ પર લાવી છે. આ ઉપરાંત 22 હજાર ગ્રામ મંડળીઓને જથ્થાબંધ મંડળી અને વૈશ્વિક બજારો સાથે પણ જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકાર ખેડૂત ઉત્પાદક સંસ્થા (FPO)ને પણ સાથ આપી રહી છે અને પ્રોત્સાહિત કરી રહી છે. ખેડૂત પોતાના ક્ષેત્રમાં, પોતાના સ્તરે નાના-નાના સંગઠન બનાવીને ગ્રામીણ હાટ અને મોટી મંડળીઓ સાથે સરળતાથી સંકળાઇ શકે છે.
હવે બ્લોક ચેઇન જેવી તકનીક અમારા આ પ્રયાસોને વધારે લાભકારક બનાવશે. સાથીઓ તમારે લોકોએ એવા મોડેલ વિકસીત કરવા અંગે પણ વિચારવું પડશે જે સ્થાનિક જરૂરિયાતોની સાથે-સાથે ભવિષ્યની ટેકનોલોજી સાથે પણ સંલગ્ન હોય.
કૃષિ ક્ષેત્રમાં નવા સ્ટાર્ટ અપ કેવી રીતે આવે, નવા સંશોધન કેવી રીતે થાય, તેના પર પણ આપણું ધ્યાન કેન્દ્રીત હોવું જોઇએ. સ્થાનિક ખેડૂતોને પણ ટેકનોલોજી સાથે જોડવા માટે તમારા સતત પ્રયાસ હોવા જોઇએ. અને મને કહેવામાં આવ્યું છે કે તમે બધાએ અભ્યાસ દરમિયાન ગ્રામીણ સ્તરે જઈને લોકોને જૈવિક ખેતી સાથે સાંકળવા માટે ઘણા કાર્યો કર્યા છે. જૈવિક ખેતીને અનુકૂળ પાકની વિવિધતા અંગે પણ તમારા દ્વારા સંશોધન થઈ રહ્યું છે. દરેક સ્તરે આ પ્રકારના અલગ-અલગ પ્રયાસ પણ ખેડૂતોનું જીવન સુખી બનાવવાનું કાર્ય કરશે.
સાથીઓ, જમ્મુ-કાશ્મીરના ખેડૂતો અને બાગાયતી ખેતી માટે છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે પણ ઘણી યોજનાઓને મંજૂરી આપી છે. કૃષિના ક્ષેત્ર સાથે સંકળાયેલી યોજનાઓ માટે 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી 150 કરોડ રૂપિયાનું તો વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે. લેહ અને કારગિલમાં કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેનું કામ પણ થઈ રહ્યું છે. આ ઉપરાંત સૌર ડ્રાયર સેટઅપ માટે 20 કરોડ રૂપિયાની સબસિડીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
મને આશા છે કે બીયારણથી લઈને બજાર સુધી કરવામાં આવી રહેલા સરકારના પ્રયાસો અહીંના ખેડૂતોને વધારે સક્ષમ બનાવશે.
સાથીઓ, 2022નું વર્ષ દેશની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીનું વર્ષ છે. મને ખાતરી છે કે ત્યાં સુધીમાં તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ પોતાને એક સારા વૈજ્ઞાનિક બનાવવામાં સફળ થઈ ગયા હશે. મારો આગ્રહ છે કે 2022ના વર્ષને ધ્યાનમાં રાખીને તમારા વિશ્વવિદ્યાલય અને અહીંના વિદ્યાર્થી પોતાના માટે કોઈને કોઈ લક્ષ્યાંક ચોક્કસ નક્કી કરશે. જેમકે વિશ્વવિદ્યાલયના સ્તરે એમ વિચારી શકાય છે કે આપણે આપણા વિશ્વવિદ્યાલયને દેશના નહીં પરંતુ વિશ્વના 200 મુખ્ય વિશ્વવિદ્યાલયોની યાદીમાં કેવી રીતે પહોંચાડી શકીએ.
એવી જ રીતે અહીંના વિદ્યાર્થી પ્રતિ હેક્ટર કૃષિ ઉત્પાદન વધારવા, વધુને વધુ ખેડૂતો સુધી આધુનિક તકનીક લઈ જવા અંગે કોઈને કોઈ સંકલ્પ કરી શકે છે. સાથીઓ જ્યારે આપણે ખેતીને ટેકનોલોજી અગ્રેસર અને ઉદ્યોગક્ષમ બનાવવાની વાતો કરીએ છીએ ત્યારે ગુણવત્તાસભર માનવ સંસાધન તૈયાર કરવું પોતાનામાં એક મોટો પડકાર હોય છે.
તમારી યુનિવર્સિટી સહિત દેશમાં જેટલા પણ સંસ્થાનો છે તે તમામની જવાબદારી વધી જાય છે. અને એવામાં પાંચ ‘ટી’ ટ્રેનિંગ, ટેલેન્ટ, ટેકનોલોજી, ટાઇમલી એક્શન (સમયસર કાર્ય) અને ટ્રબલ ફ્રી એપ્રોચ (સમસ્યા મુક્ત અભિગમ)નું મહત્વ મારી દ્રષ્ટિએ ઘણું વધારે છે. આ પાંચ ટી દેશની કૃષિ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે અત્યંત જરૂરી છે. મને આશા છે કે તમારો સંકલ્પ નિશ્ચિત કરતી વખતે તેનું પણ ધ્યાન રાખશો.
સાથીઓ, આજે તમે અહીં એક બંધ વર્ગખંડના વાતાવરણમાંથી બહાર નીકળી રહ્યા છો, મારી તમને શુભેચ્છા છે. પરંતુ આ ચાર દીવાલોવાળા વર્ગખંડ તમે છોડી રહ્યા છો ત્યારે એક મોટો ખુલ્લો વર્ગખંડ બહાર તમારી રાહ જોઈ રહ્યો છે. તમારી શીખવાની પ્રક્રિયાનો એક તબક્કો અહીં પૂર્ણ થયો છે પરંતુ જીવનનું ખરૂ ગંભીર શિક્ષણ હવે શરૂ થઈ રહ્યું છે. આથી જ તમારા વિદ્યાર્થીકાળનાં માનસને હંમેશાં જીવિત રાખવું પડશે. અંદરના વિદ્યાર્થીને ક્યારેય મરવા દેશો નહીં, તો જ તમે નવા-નવા વિચારોથી દેશના ખેડૂતો માટે નવા અને બહેતર મોડેલ વિકસીત કરી શકશો.
તમે સંકલ્પ લો કે તમારા સપનાઓ તમારા માતા-પિતાના સપનાઓ પૂરા કરશો. રાષ્ટ્ર નિર્માણમાં તમારૂ સક્રિય યોગદાન આપો. આ જ શુભેચ્છા સાથે મારી વાત પૂર્ણ કરૂ છું અને તમામ સફળ વિદ્યાર્થીઓને ખૂબ-ખૂબ શુભકામના પાઠવું છું, ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના પરિવારજનોને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
ખૂબ-ખૂબ આભાર.