ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન ઓ પી કોહલીજી, મુખ્યમંત્રી શ્રી રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, મંત્રી પરિષદના તેમના સહયોગી શ્રીમાન ભુપેન્દ્રજી ચુડાસમા, શ્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જર્નલ ડૉ. જે. એમ. વ્યાસ, પદવીદાનમાં ઉપસ્થિત તમામ મહાનુભવો, પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ, તેમના અભિભાવક અને આજે પ્રધાનમંત્રીનાં વિશેષ અતિથિ એવા જે શાળાના બાળકો જેઓ આવ્યા છે તેઓ મારા ખાસ મહેમાનો છે. ભાઈઓ અને બહેનો આપ સૌનું ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં હું પણ હૃદયપૂર્વક ખૂબ-ખૂબ સ્વાગત કરું છું. અને આ સ્વાગત હું એટલા માટે કરી રહ્યો છું કે કોઈ ભૂલ ન કરી બેસે કે હું અહિં અતિથિ છું. સૌથી પહેલા હું તે વિદ્યાર્થીઓને હૃદયથી અભિનંદન પાઠવું છું, જેમને આજે પદવી મળી રહી છે અને જેઓ પોતાના જીવનમાં આગળ ખૂબ મહત્ત્વપૂર્ણ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. હું તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓના માતા-પિતા અને તેમના પરિવારના અન્ય સદસ્યોને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમનો ઉછેર, તેમના પ્રયત્નો અને તેમના પરિશ્રમ વડે જ આજે તેમની લાડકી દીકરી અને લાડકો દીકરો સફળતાના આ શિખર પર પહોંચી શક્યા છે.
હું ખાસ કરીને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહેવા બદલ આનંદની લાગણી અનુભવ કરી રહ્યો છું. આ યુનિવર્સિટી અને અહિં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાયોનિયર્સ છે. આ એવી યુનિવર્સિટી નથી કે જે એવા અભ્યાસો કરાવે છે જેમની દુનિયામાં ખૂબ ચર્ચા છે. તેના બદલે ધ્યાન આપવા માટેનું કેન્દ્ર બિંદુ નિશ્ચિત છે. ગાંધીનગર સુધીનો તમારો માર્ગ સરળ નહીં રહ્યો હોય. જ્યારે તમે અહિં આવવાનું આયોજન કર્યું હશે ત્યારે મને ખાતરી છે કે લોકોએ તમને પૂછ્યું હશે કે શું તમને ખાતરી છે કે તમે આ જ કરવા માંગો છો? શું તમે અપરાધોને લગતા ઘણા બધા ટીવી શો જુઓ છો? કે પછી તમે અગાથા ક્રિસ્ટી અથવા ફેલ્યુંડાના ઘણાં બધા પુસ્તકો વાંચો છો? આમ છતાં, તમે લાગેલા રહ્યા અને એક એવો પ્રવાહ પસંદ કર્યો કે જેને પરંપરાગત રીતે બિનપરંપરાગત માનવામાં આવે છે પરંતુ આજના સમયમાં જેની તાતી જરૂરિયાત છે. આ જ દર્શાવે છે કે તમે માત્ર પોતાનામાં જ વિશ્વાસ નથી ધરાવતા પરંતુ તમારી અંદર તમારા સપનાઓને પુરા કરવા માટે દ્રઢનિશ્ચયની કુદરતી ભેટ પણ છે. આ ભેટ આગામી સમયમાં હંમેશા તમને મદદરૂપ થશે. મિત્રો, એ ગર્વની વાત છે કે ખૂબ ટૂંકા સમયમાં જીએફએસયુએ શૈક્ષણિક તજજ્ઞતા પ્રાપ્ત કરી લીધી છે, નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલે આ યુનિવર્સિટીને A ગ્રેડથી સન્માનિત કરી છે. મને ખુશી છે કે જીએફએસયુ એ ભારતની અંદર આવેલી એવી કેટલીક યુનિવર્સિટીઓમાંની એક છે કે જેણે પોતાની સ્થાપના થયા પછીના ખૂબ ટૂંકા સમયમાં જ આ સિદ્ધિ હાંસલ કરી હોય. 35 કોર્સ અને 2200થી વધુ વિદ્યાર્થીઓ સાથે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ ફોરેન્સિક સાયન્સના વિવિધ ક્ષેત્રોની અંદર શિક્ષણ અને સંશોધનમાં સંકળાયેલ છે. હું જીએફએસયુના નેતૃત્વ, વ્યવસ્થાપન અને વિદ્યાશાખાને તેમની ઊર્જા અને પ્રતિબદ્ધતા માટે અભિનંદન પાઠવુ છું કે જેમણે આ યુનિવર્સિટીને ગુજરાત અને ભારતનું ગૌરવ બનાવી છે.
સાથીઓ, પોલીસ, ફોરેન્સિક સાયન્સ અને ન્યાયતંત્ર એ ત્રણેય ગુનાહિત ન્યાય પ્રક્રિયા વ્યવસ્થાના અભિન્ન અંગ હોય છે. કોઈપણ દેશમાં આ ત્રણેય અંગો જેટલા વધુ મજબૂત હશે, તેટલા જ ત્યાંના નાગરિકો સુરક્ષિત હશે અને અપરાધી ગતિવિધિઓ નિયંત્રણમાં રહેશે. એ જ વિચારધારા સાથે વીતેલા વર્ષોમાં ગુજરાતમાં એક સંપૂર્ણ પહોંચની સાથે આ ત્રણેય સ્તંભોને વિસ્તૃત કરવાનું કાર્ય શરુ કરવામાં આવ્યું. રક્ષા શક્તિ યુનિવર્સિટી, નેશનલ લો યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે એક રીતે કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલું સંપૂર્ણ આખું પેકેજ. તેનું જ પરિણામ છે કે આજે રક્ષા શક્તિ યુનિવર્સિટીથી લાયકાત પ્રાપ્ત કરેલા, તાલીમ પામેલા વિદ્યાર્થીઓ નીકળી રહ્યા છે કે જેઓ વિવિધ સુરક્ષા દળોમાં જઈને આંતરિક સુરક્ષાને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. નેશનલ લો યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી નીકળેલા યુવાનો તેમની કુશળતા, તપાસ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ સશક્ત કરી રહ્યાં છે.
સાથીઓ આજના બદલાતા સમયમાં અપરાધી પોતાના ગુનાઓને છુપાવવા માટે, બચવા માટે જે પ્રકારના રસ્તાઓ અપનાવી રહ્યો છે, તે પરિસ્થિતિમાં તે પણ એટલું જ મહતવપૂર્ણ છે કે દરેક વ્યક્તિને એ પ્રતીતિ થાય કે જો તે કંઈક ખોટું કરશે તો ક્યારેક ને ક્યારેક તો પકડાઈ જ જશે, સજા ભોગવવી પડશે. પકડાઈ જવાની બીકની આ ભાવના અને અદાલતમાં તેનો ગુનો સાબિત થવાનો ડર અપરાધને નિયંત્રણમાં રાખવામાં ઘણો મદદગાર સાબિત થતો હોય છે અને ત્યાં આગળ જ ફોરેન્સિક સાયન્સની ભૂમિકા સૌથી વધારે મહત્વપૂર્ણ બની જતી હોય છે. સજાની ખાતરી આપણા ન્યાયિક તંત્રની વિશ્વસનીયતાને વધારે તાકાત આપતી હોય છે. હું જીએફએસયુની આ વાત માટે વિશેષ સરાહના કરું છું કે તે વૈજ્ઞાનિક પદ્ધતિએ ગુનાહિત તપાસ અને ન્યાયિક પ્રક્રિયા પદ્ધતિને મજબૂત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર માનવ સંસાધનનો એક મોટો સેતુ તૈયાર કરી રહી છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કાયદા અમલીકરણ સંસ્થાઓ તમારી યુનિવર્સિટી પાસેથી મદદ માંગવા માટે આગળ આવી રહી છે. અનેક દેશોને મદદ કરીને તેમના લોકોને તાલીમ અને માર્ગદર્શન આપીને તમારી યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતી પ્રાપ્ત કરી રહી છે.
મને જણાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ છ હજારથી વધુ અધિકારીઓને તાલીમ આપી છે. તેમાં 20થી વધુ દેશોના 700થી વધુ પોલીસ અધિકારીઓ પણ અહિં તાલીમ મેળવી ચૂક્યા છે અને પોત-પોતાના દેશમાં પાછા જઈને આ અધિકારીઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ પોતાના દેશ અને સમાજને સુરક્ષિત રાખવા માટે આજે કરી રહ્યા છે. આપ સૌને માટે પ્રત્યેક ગુજરાતવાસી માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે તેમની ભૂમિ પર ચાલી રહેલી એક યુનિવર્સિટી પોતાની તાલીમ અને શિક્ષણના જોર પર વૈશ્વિક સુરક્ષામાં આટલી નિર્ણાયક ભૂમિકા અદા કરી રહી છે.
સાથીઓ, આજના આ સમયમાં એ પણ ખૂબ જ જરૂરી છે કે દરેક નવી વ્યવસ્થા પોતાને આધુનિક ટેકનોલોજી અનુસાર ઢાળી લેતી હોય છે. નિશ્ચિતપણે તેમાં ડિજિટલ ટેકનોલોજી તેનું મહત્વપૂર્ણ યોગદાન છે. ડિજિટલ ટેકનોલોજીએ તો ફોરેન્સિક સાયન્સને નવી તાકાત આપી છે. પહેલા તો બધી જ પરીક્ષણ, તપાસ જાતે જ કરવી પડતી હતી. આજે ડિજિટલ ટેકનોલોજીએ આ કાર્યોને વધુ સરળ બનાવી દીધુ છે અને ટૂંકુ પણ કરી દીધુ છે અને હું સમજુ છું કે આ ક્ષેત્રમાં નવા-નવા સોફ્ટવેર વિકસિત કરવા માટેના અને ડિજિટલ ટુલ્સનો ઉપયોગ વધારવા માટેની સંભાવના હજુ પણ છે અને આ દિશામાં પણ વધુ વિસ્તારપૂર્વક વિચારાવું જોઈએ. સાથીઓ એક બાજુ ઈન્ટરનેટે આપણા સૌના જીવનને સરળ બનાવવાનું કામ કર્યું છે તો બીજી તરફ એક નવા પ્રકારના અપરાધ સાયબર ક્રાઈમને પણ જન્મ મળ્યો છે. આ સાયબર ક્રાઈમ દેશના નાગરિકોની અંગતતાને માટે તો પડકાર છે જ. આપણા નાણાકીય સંસ્થાનો હોય, પાવર સ્ટેશનો હોય, દવાખાનાઓ હોય એવા તમામ મહત્વપૂર્ણ અંગોને પણ તે પ્રભાવિત કરે છે. તે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ, માત્ર હિન્દુસ્તાન માટે જ નહીં, પરંતુ દુનિયાના દરેક દેશની માટે એક ખૂબ મોટો પડકાર છે. આજે આ અવસર પર હું તમામ સાયબર અને ડિજિટલ તજજ્ઞોને આગ્રહ કરું છું કે તેઓ ડિજિટલ ઇન્ડિયા મિશનના સહભાગી બનીને દેશ અને સમાજને સુરક્ષિત કરવા, તેને સશક્ત બનાવવામાં મદદ કરે. સરકાર દ્વારા સાયબર ક્રાઈમને રોકવા માટે આવા અપરાધીઓમાં ભય ઉત્પન્ન કરવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. સાયબર ફોરેન્સિક લેબને પણ મજબૂત કરવામાં આવી છે, પરંતુ તેની સાથે-સાથે તમારા જેવા અનુભવ નિષ્ણાતોની પણ દેશને ખૂબ-ખૂબ જરૂરિયાત છે, જે ઓછા સમયમાં આવા અપરાધીઓ સુધી પહોંચવામાં તપાસ સસ્થાઓને મદદ કરી શકે છે. સાથીઓ, બદલાતા સમયની સાથે માત્ર ગુનાઓ જ નહીં પરંતુ જુદા-જુદા ક્ષેત્રોમાં પણ ફોરેન્સિક સાયન્સનું મહત્વ વધી રહ્યું છે. જેમ કે વીમા ક્ષેત્ર હોય, વીમા કંપનીઓની પાસે પોતાના દાવા સેટલમેન્ટ કરવા માટે જુદા-જુદા પ્રકારના લોકો આવતા હોય છે. તેમની માટે સૌથી મોટો પડકાર હોય છે કે જે દાવો કરી રહ્યો છે તે પ્રમાણભૂત છે કે નહીં. ફોરેન્સિક સાયન્સની જાણકારી આમાં તેમની મદદ કરી શકે છે. એ જ રીતે જો આરોગ્ય ક્ષેત્રમાં કામ કરનારાઓને ફોરેન્સિક સાયન્સનું જ્ઞાન હશે તો તેઓ પણ ફોરેન્સિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરશે. જે રીતે કોઈ બનાવ બન્યા પછી કે અપરાધ પછી જ્યારે જખ્મી વ્યક્તિ દવાખાને પહોંચે છે તો તેની સાથે ઘણા બધા ફોરેન્સિક પ્રમાણો લઈને આવવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રમાં કામ કરવાવાળાઓને, નર્સોને ફોરેન્સિક સાયન્સની જો વધુ સમજણ હોય તો તે પ્રમાણો બચાવવામાં પણ ઘણી મદદ કરી શકે છે. ફોરેન્સિક સાયન્સના દરેક વિદ્યાર્થી માટે માનવ બુદ્ધિમત્તાને ઝીણવટભરી રીતે વિકસિત કરવી એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. બની શકે છે કે તમારામાંથી કેટલાકે અહિં ગુજરાત અને રાજસ્થાનમાં ખાસ કરીને પગી સમુદાય વિષે સાંભળ્યું હશે. કચ્છ અને સરહદો પરના વિસ્તારોમાં પગી સમુદાયના લોકો સદીઓથી પોતાની માનવ બુદ્ધિમત્તા માટે ખૂબ જાણીતા રહ્યા છે. જે રીતે ઊંટના પગલાની છાપ જોઈને કહી દેવામાં આવે છે કે ઊંટ એકલું હતું કે તેની ઉપર કોઈ બેઠેલ સવારની સાથે હતું કે પછી સામાન-લગેજની સાથે હતું અને મેં તો ક્યાંક વાંચ્યું હતું કે જે પગી સમુદાય હોય છે તે બાળપણથી પાંચેય ઇન્દ્રિયોને વિકસિત કરવા માટે પરંપરાગત તાલીમ તેમના કુનબામાં રહેતી હતી અને એટલા માટે ગંભીર અપરાધોને ઉકેલવા માટે કેટલાક વિસ્તારોમાં આજે પણ પોલીસ આ પ્રકારના પગી સમુદાયના લોકોને બોલાવીને તેમની પાસેથી મદદ પણ મેળવે છે. અને હું યુનિવર્સિટી અને વહીવટીતંત્રને કહેવા માંગું છું કે ક્યારેક ને ક્યારેક તો દુનિયામાં આ બધી વસ્તુઓનો ઉપયોગ થયો જ છે, માનવ બુદ્ધિમત્તા દ્વારા તેનો ઉપયોગ થયો છે. શું ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અનેક વિષયો પર કામ કરી રહી છે. પરંપરાગત રીતે આપણા દેશમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને જુના જમાનાની જે પ્રણાલી હતી, પહેલા જ્યારે ડિજિટલ ટેકનોલોજી નહોતી તો લોકો આંગળીની છાપ મેળવીને પુરાવાઓ ભેગા કરીને પોતાના મત આપતા હતા. હાથના લખાણના નિષ્ણાંતો રહેતા હતા તેઓ મત આપતા હતા, સાયકોએનાલિસ્ટ રહેતા હતા તેઓ સાયકો પ્રોફાઈલ બનાવીને આપી દેતા હતા. પારંપરિક રીતે આ બધી વસ્તુઓ હતી. આ જે પારંપરિક ચીજ વસ્તુઓ જે ભારતમાં હતી તેને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા જો એકઠી કરવામાં આવે અને તે પારંપરિક જ્ઞાનને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેને નવા પરિમાણ પર કઈ રીતે લઇ જવામાં આવી શકે તેમ છે, હું સમજુ છું તે માત્ર હિન્દુસ્તાનમાં જ નહીં પરંતુ દુનિયામાં દરેક દેશની પાસે આવી કોઈ ને કોઈ વિદ્યા છે. તે વિદ્યાનો ઉપયોગ જો કરવામાં આવશે તો આપણે આ વસ્તુઓને ઘણી આગળ વધારી શકીએ તેમ છીએ. ઉદાહરણ તરીકે જે સાયકો પ્રોફાઈલ તૈયાર કરવામાં આવે છે, સાયકો એનાલિસીસ કરે છે. કોઈ સમયમાં તે મળીને વાતચીત કરીને તેના પરિવારના લોકોને પૂછી-પૂછીને નક્કી કરતા હતા. આજે ટેકનોલોજીના માધ્યમથી થઇ જાય છે. જે રીતે પારંપરિક જ્ઞાન સાથે ટેકનોલોજી દ્વારા ચોકસાઈ આવી છે, સંપૂર્ણતા આવી છે, હું સમજુ છું કે આપણા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સંશોધનનું એક ક્ષેત્ર એ પણ હોવું જોઈએ કે પરંપરાગત જ્ઞાન, માનવ બુદ્ધિમત્તા અને આધુનિક ટેકનોલોજી આ બંનેને મેળવીને આપણે આ ક્ષેત્રમાં કેવી રીતે કામ કરી શકીએ છીએ તે દિશામાં પણ આપણી યુનિવર્સિટીએ કામ કરવું જોઈએ.
મિત્રો, ગુનેગારો અને ગુના કરવાની પદ્ધતિઓ સતત બદલાઈ રહી છે. ત્વરિત ઝડપે બદલાઈ રહેલા ગુનાહિત વાતાવરણને પહોંચી વળવા માટે તમારે પણ નવી પદ્ધતિઓ વિકસિત કરવી પડશે અને એ બાબતની ખાતરી આપવી પડશે કે ગુનેગારોને બક્ષવામાં ન આવે. ફોરેન્સિક તપાસમાં ડીએનએ પ્રોફાઈલિંગે નવા આયામોની રચના કરી છે. આ ટેકનોલોજીની મદદથી આ પ્રકારના ઘણા કેસોને ઉકેલવામાં આવ્યા છે કે જે નહિં તો એ વણઉકેલ્યા જ રહી જવાના હતા. હું ફોરેન્સિક નિષ્ણાતોને ડીએનએ પ્રોફાઈલીંગનો શક્ય તેટલો વધુમાં વધુ ઉપયોગ કરીને ન્યાયિક વ્યવસ્થાને મદદ કરવાનું આહ્વાન કરું છું જેથી કરીને ગુનેગારને તાત્કાલિક સજા મળે અને પીડિતને ન્યાય મળે. ફોરેન્સિક તપાસમાં ડીએનએ ટેકનોલોજીના મહત્વને જોતા અમારી સરકારે ડીએનએ ટેકનોલોજી (ઉપયોગ અને અમલીકરણ) નિયંત્રણ બિલ 2018ને મંજૂરી આપી દીધી છે. આ બીલના માધ્યમ દ્વારા અમે એ બાબતની ખાતરી કરીશું કે તમામ ડીએનએ ટેસ્ટ વિશ્વસનીય હોય અને માહિતી સુરક્ષિત રહે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડીએનએ એનાલિસીસ લેબને મજબૂત કરવાનું પણ નક્કી કર્યું છે. નિર્ભયા યોજના હેઠળ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ચંડીગઢ ખાતે એક સ્ટેટ ઑફ ધ આર્ટ લેબની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આપણે ઘૃણાજનક ગુનાઓને તાત્કાલિક અને ચોકસાઈપૂર્વક અટકાવવામાં સક્ષમ બની શકીશું જેમાં મહિલાઓ પર કરવામાં આવતા ગુનાઓનો સમાવેશ થાય છે.
હવે જેમ કે છેલ્લા કેટલાક દિવસોમાં છાપાઓમાં વાંચ્યું હશે મધ્યપ્રદેશના મંદસૌરમાં એક અદાલતે માત્ર બે મહિનાની સુનવણીની અંદર-અંદર સગીર બાળા પર બળાત્કાર કરનારા બે બળાત્કારીઓને, રાક્ષસોને ફાંસીની સજા સંભળાવી દીધી, માત્ર બે મહિનાની અંદર, તેના પહેલા મધ્યપ્રદેશના કટનીમાં એક અદાલતે માત્ર પાંચ દિવસમાં સુનાવણી આપી આ રાક્ષસોને ફાંસીની સજા આપી દીધી. રાજસ્થાનમાં પણ અદાલતોએ આવી જ તાત્કાલિક કાર્યવાહી કરી છે. બળાત્કાર જેવા જઘન્ય અપરાધોમાં આપણી અદાલતો ઝડપી ગતિએ નિર્ણયો લઇ શકે તેમાં ફોરેન્સિક સાયન્સ અને તમારા જેવા નિષ્ણાતો ઘણી મોટી સેવા કરી શકે છે. ઘણો મોટો પ્રભાવ ઉત્પન્ન કરી શકે છે. સરકારે કાયદાને કડક બનાવ્યો છે, પોલીસે તપાસ કરી પરંતુ ફોરેન્સિક સાયન્સે અદાલતોને જલ્દી નિર્ણય લેવા માટે એક મજબૂત વૈજ્ઞાનિક આધાર પદ્ધતિ આપી. ન્યાયિક પ્રક્રિયાઓમાં આ પ્રકારની ગતિ અને અપરાધીઓને બચવા માટેનો કોઈ મોકો ન આપે અને હું માનું છું કે તમારી યોગ્યતા મોટામાં મોટા ગંભીર અપરાધોને પણ નિયંત્રિત કરવામાં સમાજની ઘણી મોટી સેવા કરે છે.
સાથીઓ ફોરેન્સિક સાયન્સને દેશના દરેક રાજ્યમાં વધુમાં વધુ મજબૂત કરવામાં આવે તેના વિસ્તરણ કરવા પર સરકાર સતત કાર્ય કરી રહી છે. આ કડીમાં દેશના પોલીસ દળની આધુનિકીકરણની યોજના હેઠળ સરકારે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને અપગ્રેડ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અને ક્ષેત્રીય સ્તર પર ઉત્કૃષ્ઠતા કેન્દ્ર અને નવા સંસ્થાનોની સ્થાપના માટેનું કામ શરુ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પર 300 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે જેમાંથી 60 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે અને મને ખુશી છે કે ગુજરાત સરકાર પણ આ પ્રોજેક્ટને માટે પોતાના તરફથી લગભગ 50 કરોડ રૂપિયા જાહેર કરી ચૂકી છે. આ રકમનો ઉપયોગ ફોરેન્સિક સાયન્સની ટેકનોલોજીના આધુનિકરણ અને તેને વિસ્તૃતિકરણ માટે કરવામાં આવશે.
મિત્રો, તમે અભ્યાસ માટે ખૂબ સુયોગ્ય વિષય પસંદ કર્યો છે. ફોરેન્સિક સાયન્સના ક્લાસરૂમમાંથી ભણેલા કેટલાક પાઠ તમને જિંદગીના ક્લાસરૂમમાં પણ મદદગાર બનશે ભલે તે જુદા સંદર્ભમાં હોય. તેમણે તમને વ્યક્તિગતતાનો કાયદો શીખવ્યો છે તેને જીવનમાં પણ ક્યારેય ન ભૂલતા. સ્વામી વિવેકાનંદ હંમેશા કહેતા હતા કે દરેક આત્માની અંદર દિવ્ય શક્તિ રહેલી છે. તેનો અર્થ છે કે આપણામાંના દરેક વ્યક્તિની આપણી અંદર અદભુત શક્તિ રહેલી છે જેને માત્ર બહાર કાઢવાની રાહ જોવાઈ રહી છે. આ શક્તિને બહાર કાઢવા માટેનું પહેલું પગથિયું છે કે વિશ્વાસ કરવો. પોતાનામાં વિશ્વાસ કરો. તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ કરો. તમારી સમર્થતામાં વિશ્વાસ કરો. લોકાર્ડે તમને શીખવ્યું કે ગુનો કરનાર ગુનેગાર ગુનાના દ્રશ્યમાં કોઈક વસ્તુ અવશ્ય લાવશે અને તેમાંથી કંઈક નિશાની જરૂરથી છોડીને જશે જ. મને ખાતરી છે કે તમે હંમેશા ગુનાઓ ઉકેલતા રહેશો. પરંતુ યાદ રાખજો કે તમારામાંના પ્રત્યેક વિદ્યાર્થી આપણા સમાજમાં મોટું મૂલ્ય ધરાવે છે અને જ્યારે મૂલ્યવૃદ્ધિ કરવામાં આવે ત્યારે બીજાઓમાંથી સદગુણ લેવાનું પણ ક્યારેય ભૂલતા નહીં. નવા વિચારો, દ્રષ્ટિકોણો અને મંતવ્યો માટે તમારા મગજને હંમેશા ખુલ્લું રાખજો. તમારા વિચારોથી વિશ્વને પોષિત કરજો અને અન્ય પાસે જે શ્રેષ્ઠ છે તેને લેવાનું ચૂકશો નહીં. આ જ વિવિધતા તમને સમૃદ્ધ વ્યક્તિ બનાવશે અને જ્યારે હું પ્રગતિકારક પરિવર્તનના કાયદાની વાત કરું છું ત્યારે તમારું મન સ્વાભાવિકપણે જ તમે પહેલા જે ભણ્યા છો તે તરફ જશે અને આવનારા સમય વિષે પણ વિચારજો. આપણે એક એવા વિશ્વમાં રહીએ છીએ કે જે દરેક સંદર્ભમાં ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. તીવ્ર ગતિએ નવીનીકરણ એ આપણા સમયનો મહત્વની આધારશિલા છે. નવા વિચારને જૂનો બનતા વધારે વાર નથી લગતી. લોકો અને યુવાનો ખાસ કરીને થોડા સમયમાં આઉટ ઑફ ધ બોક્સ ઉકેલો લઈને આવે છે. એ જ રીતે તમે પણ સમગ્ર વિશ્વમાં બદલાઈ રહેલા પ્રવાહોની વચ્ચે તેના કેન્દ્રબિંદુમાં હોવા જોઈએ. તમારા શિક્ષણ અને બુદ્ધિએ તમને પરિઘની બહાર વિચારવાની તાલીમ આપી છે. એ બાબતની ખાતરી કરજો કે તમે આ કૌશલ્યોને ઉપયોગ માત્ર બદલાતા વિશ્વ સાથે તાલ મેળવવા જ નહીં કરો પરંતુ કેટલાક પ્રગતિકારક પરિવર્તનો કે જે આપણા વિશ્વ ને વધુ સારું બનાવવામાં મદદ કરે તેના માટે પણ ઉપયોગ કરશો. આવનારી પેઢી તેના માટે તમારો આભાર વ્યક્ત કરશે. મિત્રો કોઈપણ યોજના કે પહેલ યુવાનોની ભાગીદારી વિના સફળ નથી થઇ શકતી. મને વિશ્વાસ છે કે તમે જે જ્ઞાન અહિં પ્રાપ્ત કર્યું છે તે દેશની સેવા અસરકારક રીતે કરવા માટે અને વ્યાવસયીક સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. હું આશા રાખું છું કે તમે તમારી માતૃસંસ્થાને સર્વોચ્ચ આદરભાવ સાથે સંભાળીને રાખશો. તમામ પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને હું ઉજ્જવળ અને ગતિમાન ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું.
અને ખાસ કરીને આજે હું જોઈ રહ્યો હતો કે ખૂબ મુશ્કેલીથી કોઈ છોકરો દેખાતો હતો, બધા જ પુરસ્કારો દીકરીઓ લઇ રહી હતી. જુઓ આ બદલાતા સમયની ચમક છે. હું વિશેષ કરીને તે દીકરીઓને અને તેમના મા-પિતાને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આ દીકરીઓને વિશેષ રૂપે રક્ષાબંધનની શુભકામનાઓ આપું છું. ખૂબ-ખૂબ ધન્યવાદ.