મંચ પર બિરાજમાન રાજ્યપાલ દ્રૌપદીજી, મુખ્યમંત્રીજી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રી અને ઝારખંડના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
આપ સૌને સમગ્ર દેશ અને અને દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ.
આજે આ પ્રભાત તારા મેદાન પરથી સૌ દેશવાસીઓને સુપ્રભાત અને આજે આ પ્રભાત તારા મેદાન વિશ્વના નકશા પર જરૂર ચમકી રહ્યું છે. આ ગૌરવ આજે ઝારખંડને મળ્યું છે.
આજે દેશ અને દુનિયાના અનેક ભાગમાં લાખો લોકો યોગ દિવસ ઉજવવા માટે જુદી-જુદી જગ્યાઓ પર એકઠા થયા છે, હું તે સૌનો આભાર માનું છું.
વિશ્વભરમાં યોગના પ્રસારમાં મીડિયાના આપણા સાથી, સોશિયલ મીડિયા સાથે જોડાયેલ લોકો જે રીતની મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે તે પણ ઘણી મહત્વપૂર્ણ બાબત છે, હું તેમનો પણ આભાર વ્યક્ત કરવા માગું છું.
સાથીઓ, ઝારખંડમાં યોગ દિવસ માટે આવવું એ પોતાનામાં જ ખૂબ સુખદ અનુભવ છે. તમે લોકો વહેલી સવારે જ પોતાના ઘરોમાંથી નીકળીને દૂર-દૂરથી અહીં આવ્યા છો, હું આપ સૌનો આભારી છું. ઘણા બધા લોકોના મનમાં આજે એ સવાલ છે કે હું પાંચમો યોગ દિવસ ઉજવવા માટે આજે તમારી સાથે યોગ કરવા માટે રાંચીમાં જ કેમ આવ્યો છું.
ભાઈઓ અને બહેનો, રાંચી સાથે મારો લગાવ તો છે જ પરંતુ આજે મારા માટે રાંચી આવવાના ત્રણ બીજા મોટા કારણો પણ છે. પહેલું – જેમ કે ઝારખંડના નામમાં જ આ વન પ્રદેશ છે, પ્રકૃતિની ખૂબ નજીક છે અને યોગ અને પ્રકૃતિનો તાલમેલ મનુષ્યને એક જુદો જ અનુભવ કરાવે છે. બીજું મોટું કારણ અહીં આવવાનું એ હતું કે રાંચી અને સ્વાસ્થ્યનો સંબંધ હવે ઈતિહાસમાં નોંધાયેલો છે. ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે અહીં રાંચીથી જ અમે આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આજે દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ખૂબ ઓછા સમયમાં ગરીબો માટે ઘણું મોટું બળ બની છે. ભારતીયોને આયુષ્માન બનાવવામાં યોગનું જે મહત્વ છે તેને પણ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, સમજીએ છીએ, એટલા માટે પણ આજે રાંચી આવવાનું મારા માટે વિશેષ છે.
ભાઈઓ અને બહેનો, હવે યોગના અભિયાનને મારે અને આપણે સૌએ સાથે મળીને એક જુદા જ સ્તર પર લઇ જવાનું છે અને આ જ રાંચી આવવાનું મારું ત્રીજું અને સૌથી મોટું કારણ પણ છે.
સાથીઓ, યોગ આપણા દેશમાં હંમેશાથી રહ્યો છે, આપણી સંસ્કૃતિનો અભિન્ન અંગ રહ્યો છે. અહીં ઝારખંડમાં પણ જે ‘છઉ નૃત્ય’ થાય છે, તેમાં આસનો અને મુદ્રાઓને વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ એ પણ સત્ય છે કે આધુનિક યોગની જે યાત્રા છે તે દેશના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં હજુ તે રીતે પહોંચી નથી જે રીતે પહોંચવી જોઈતી હતી. હવે મારે અને આપણે સૌએ સાથે મળીને આધુનિક યોગની યાત્રા શહેરોમાંથી ગામડાઓ તરફ, જંગલો તરફ, દૂર-સુદૂર છેલ્લા માનવી સુધી લઇ જવાની છે. ગરીબ અને આદિવાસીના ઘર સુધી યોગને પહોંચાડવાનો છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો પણ અભિન્ન હિસ્સો બનાવવો છે કારણ કે ગરીબ જ છે કે જે બીમારીના કારણે સૌથી વધુ કષ્ટ ભોગવે છે. આ બીમારી છે જે ગરીબને વધુ ગરીબ બનાવે છે. એટલા માટે એવા સમયમાં જ્યારે દેશમાં ગરીબી ઘટવાની ગતિ વધી છે, યોગ તે લોકો માટે પણ એક મોટું માધ્યમ છે જે ગરીબીમાંથી બહાર નીકળી રહ્યા છે. તેમના જીવનમાં યોગની સ્થાપનાનો અર્થ છે તેમને બીમારી અને ગરીબીના ચુંગાલમાંથી બચાવવા.
સાથીઓ, માત્ર સુવિધાઓથી જીવન સરળ બનાવવું પુરતું નથી. દવાઓ અને સર્જરીનું જ સમાધાન પર્યાપ્ત નથી. આજના બદલાતા સમયમાં બીમારીથી બચાવની સાથે-સાથે આરોગ્ય પર પણ આપનું વધુ ધ્યાન હોવું જરૂરી છે. આ જ શક્તિ આપણને યોગથી મળે છે. આ જ ભાવના યોગની છે, પુરાતન ભારતીય દર્શનની પણ છે. યોગ માત્ર ત્યારે જ નથી થતો જ્યારે આપણે અડધો કલાક જમીન કે ટેબલ પર કે ચટ્ટાઈ પર હોઈએ છીએ; યોગ અનુશાસન છે, સમર્પણ છે અને તેનું પાલન સમગ્ર જીવનભર કરવાનું હોય છે. યોગ વય, રંગ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીરી, ગરીબી, પ્રાંત, સરહદના અને સીમાના ભેદ, આ બધાથી પર છે. યોગ સૌનો છે અને સૌ યોગના છે.
સાથીઓ, વીતેલા પાંચ વર્ષમાં યોગને આરોગ્ય અને સુખાકારીની સાથે જોડીને અમારી સરકારે આને પ્રિવેન્ટિવ હેલ્થ કેરનો મજબૂત સ્તંભ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આજે અમે એવું કહી શકીએ છીએ કે ભારતમાં યોગ પ્રત્યે જાગૃતિ દરેક ખૂણામાં, દરેક વર્ગ સુધી પહોંચી છે. દિવાનખંડથી લઈને બોર્ડ રૂમ સુધી, શહેરોમાં બગીચાઓથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સુધી, ગલી નાકાથી લઈને આરોગ્ય કેન્દ્રો સુધી, આજે ચારેય તરફ યોગને અનુભવી શકાય તેમ છે.
ભાઈઓ અને બહેનો, ત્યારે મને વધુ સંતોષ મળે છે જ્યારે હું જોઉં છું કે યુવા પેઢી આપણી આ પુરાતન પદ્ધતિને આધુનિકતા સાથે જોડી રહી છે પ્રચારિત અને પ્રસારિત કરી રહી છે. યુવાનોના નવીનીકરણયુક્ત અને રચનાત્મક વિચારો વડે યોગ પહેલા કરતા ક્યાંય વધુ લોકપ્રિય થઇ ગયો છે, જીવંત થઇ ગયો છે.
સાથીઓ, આજના આ અવસર પર યોગના પ્રચાર અને વિકાસ માટે પ્રધાનમંત્રી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી, આપણા મંત્રીશ્રીએ તેની જાહેરાત કરી. એક જ્યુરીએ આનો નિર્ણય લીધો છે અને સમગ્ર દુનિયામાં મહેનત કરીને આ લોકોને શોધી કાઢયા છે.
જે સાથીઓને આ પુરસ્કાર મળ્યો છે, તેમની તપસ્યા અને યોગ પ્રત્યે તેમના સમપર્ણની હું સરાહના કરું છું.
સાથીઓ, આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય છે ‘હૃદયની કાળજી માટે યોગ’. હૃદયની કાળજી એ આજે સમગ્ર વિશ્વની માટે એક પડકાર બની ચૂકી છે. ભારતમાં તો વીતેલા બે અઢી દાયકાઓમાં હૃદયથી જોડાયેલી બીમારીઓમાં અનેક ગણો વધારો થયો છે. દુઃખદ વાત એ છે કે ખૂબ જ ઓછી ઉંમરના યુવાઓમાં પણ હૃદયની સમસ્યા હવે વધી રહી છે. એવામાં હૃદય કાળજી અંગે જાગૃતિની સાથે-સાથે યોગને પણ રોગથી બચવા કે સારવારનો એક ભાગ બનાવવો જરૂરી છે.
હું અહીંના સ્થાનિક યોગ આશ્રમોને પણ આગ્રહ કરીશ કે યોગના પ્રસારમાં તેઓ હજુ વધારે આગળ વધે. પછી તે દેવઘરનો રીખ્યા પીઠયોગ આશ્રમ હોય, રાંચીનો યોગદા સત્સંગ સખા મઠ કે પછી અન્ય સંસ્થાઓ; તે પણ આ વર્ષે હૃદયની કાળજી માટે જાગૃતિનો વિષય બનાવીને આયોજન કરે.
અને સાથીઓ, જ્યારે ઉત્તમ સ્વાસ્થ્ય હોય છે તો જીવનમાં નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરવાનો એક જુસ્સો પણ હોય છે. થાકેલા શરીરથી, તૂટેલા મનથી, ન તો સપનાઓ સજાવી શકાય છે ન અરમાનોને સાકાર કરી શકાય છે. જ્યારે આપણે ઉત્તમ સ્વાસ્થ્યની વાત કરીએ છીએ, કેટલીક વાતો પાણી, પોષણ, પર્યાવરણ, પરિશ્રમ – આ ચાર વસ્તુઓ- પીવા માટે શુદ્ધ પાણી મળે, જરૂરિયાત અનુસાર પોષણ પ્રાપ્ત થાય, પર્યાવરણની સ્વચ્છતા – વાયુ પર્યાવરણ હોય કે પાણીનું કોઇ પણને માટે પરિશ્રમને જીવનનો હિસ્સો બનાવવો, તો ઉત્તમ સ્વાસ્થ્ય માટે આ ચાર ‘પ’ પરિણામ આપે છે.
ભાઈઓ અને બહેનો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત પછી અમે અનેક અસરકારક પગલાઓ ભર્યા છે, જેનો લાભ પણ જોવા મળી રહ્યો છે. ભવિષ્યને જોતા આપણે યોગને દરેક વ્યક્તિના જીવનનો હિસ્સો બનાવવા માટે સતત કામ કરવાનું છે. તેના માટે યોગ સાથે જોડાયેલ સાધકો, શિક્ષકો અને સંગઠનોની ભૂમિકા વધવાની છે. યોગને કરોડો લોકોના જીવનનો હિસ્સો બનાવવા માટે માનવબળ તૈયાર કરવું પણ, માનવ સંસાધન વિકાસ પણ ખૂબ જરૂરી છે. એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે યોગ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને વિકસિત કરીએ અને એટલા માટે અમારી સરકાર આ જ વિચારધારાની સાથે આગળ વધી રહી છે.
સાથીઓ, આજે આપણા યોગને દુનિયા અપનાવી રહી છે તો આપણે યોગ સાથે જોડાયેલ સંશોધન પર પણ ભાર મૂકવો પડશે. જેમ આપણા ફોનનું સોફ્ટવેર સતત અપડેટ થતું રહે છે, તેમ જ આપણે યોગના વિષયમાં જાણકારી દુનિયાને આપતા રહેવાની છે. તેના માટે જરૂરી છે કે આપણે યોગને કોઈ મર્યાદામાં બાંધીને ન રાખીએ. યોગને મેડિકલ, ફિઝીયોથેરાપી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ; તેની સાથે પણ જોડવું પડશે. એટલું જ નહીં, આપણે યોગ સાથે જોડાયેલ ખાનગી ઉદ્યોગને પણ પ્રોત્સાહિત કરવા પડશે, ત્યારે જ આપણે યોગનો વિસ્તાર કરી શકીશું.
અમારી સરકાર આ જરૂરિયાતોને સમજતા અનેક ક્ષેત્રોમાં કામ કરી રહી છે.
હું તમને સારા સ્વાસ્થ્યની કામના સાથે એક વાર ફરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું અને હું આશા કરીશ કે આપ સૌ અહીં જેટલા પ્રયોગ આપણે યોગના કરવાના છીએ, વધુ ન કરીએ, એટલા જ કરીએ, પરંતુ સતત તેનો સમયગાળો વધારતા જઈએ; તમે જોજો અદ્ભુત લાભ તમારા જીવનમાં થશે.
હું ફરી એકવાર આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શાંતિ, સદભાવ અને સમન્વયવાળી જિંદગીની માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
આવો હવે આપણે યોગાભ્યાસ શરુ કરીએ છીએ.
હું ઝારખંડ સરકારને પણ અભિનંદન આપું છું કે ખૂબ જ ઓછા સમયમાં આટલું મોટું તેમણે આયોજન કર્યું. પહેલાથી તેમને કઈ ખબર નહોતી; બે અઠવાડિયા પહેલા જ, નવી સરકાર બન્યા પછી રાંચીમાં આટલો મોટો કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો. પરંતુ આટલા ઓછા સમયમાં ઝારખંડવાસીઓએ જે કમાલ કરી બતાવી છે, હું તમને, સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આભાર!