મંચ પર ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભવો અને આ વિશાળ સુંદર મેદાનમાં ઉપસ્થિત મારા તમામ સાથીઓ. હું દેવભૂમિ ઉત્તરાખંડની આ પાવન ધરતી પરથી દુનિયાભરના યોગ પ્રેમીઓને ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું.
મા ગંગાની આ ભૂમિ પર, જ્યાં ચારધામ સ્થિત છે, જ્યાં આદિ શંકરાચાર્ય આવ્યા, જ્યાં સ્વામી વિવેકાનંદ અનેક વાર આવ્યા, ત્યાં આગળ યોગ દિવસ પર આપણા સૌનું આ રીતે અહિં એકત્ર થવું એ કોઈ સૌભાગ્યથી ઓછું નથી.
ઉત્તરાખંડ તો આમ પણ અનેક દાયકાઓથી યોગનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અહીંના આ પર્વતો જ યોગ અને આયુર્વેદ માટે પ્રેરણા આપતા રહે છે.
સામાન્યમાં સામાન્ય નાગરિક પણ જ્યારે આ ધરતી ઉપર આવે છે તો તેને એક અલગ પ્રકારની દિવ્ય અનુભૂતિ થાય છે. આ પાવન ધરામાં અદભુત સ્ફૂર્તિ છે, સ્પંદન છે, સંમોહન છે.
સાથીઓ,
તે આપણા સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે કે આજે જ્યાં-જ્યાં ઉગતા સૂર્યની સાથે જેમ-જેમ સુરજ પોતાની યાત્રા કરશે, સુરજની કિરણો પહોંચી રહ્યાં છે, પ્રકાશ ફેલાઈ થઇ રહ્યો છે, ત્યાં-ત્યાં લોકો યોગ દ્વારા સૂર્યનું સ્વાગત કરી રહ્યા છે.
દેહરાદૂનથી લઇને ડબલિન સુધી, શાંઘાઈથી લઈને શિકાગો સુધી, જકાર્તાથી લઈને જોહાનીસ્બર્ગ સુધી, યોગ જ યોગ, યોગ જ યોગ છે.
હિમાલયના હજારો ફૂટ ઊંચા પર્વતો હોય કે પછી તડકાથી તપતી રણભૂમિ, યોગ દરેક પરિસ્થિતિમાં પ્રત્યેક જીવનને સમૃદ્ધ કરે છે.
જ્યારે તોડનારી તાકાતોનો પ્રભાવ વધી જાય છે તો વિખેરાઈ જવાય છે. વ્યક્તિઓની વચ્ચે, સમાજની વચ્ચે, દેશોની વચ્ચે તિરાડ પડી જાય છે. સમાજમાં દીવાલો ઉભી થઇ જાય છે, પરિવારમાં કલેશ વધી જાય છે અને ત્યાં સુધી કે વ્યક્તિ અંદરથી તૂટી જાય છે અને જીવનમાં તણાવ વધી જાય છે.
આ વેર-વિખેર જીવન વચ્ચે યોગ જોડે છે. જોડવાનું કામ કરે છે.
આજના ભાગદોડ ભર્યા જીવનમાં યોગ મન, શરીર અને બુદ્ધિ તથા આત્માને જોડીને વ્યક્તિના જીવનમાં શાંતિ લાવે છે.
વ્યક્તિને પરિવાર સાથે જોડીને પરિવારમાં ખુશીઓ લાવે છે.
પરિવારોને સમાજ પ્રત્યે સંવેદનશીલ બનાવીને સમાજમાં સદભાવના લાવે છે.
સમાજ રાષ્ટ્રની એકતાનું સૂત્ર બને છે.
અને આ રીતે રાષ્ટ્ર વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ લાવે છે. માનવતા, બંધુતાથી પલ્લવિત અને પોષિત થાય છે.
એટલે કે યોગ વ્યક્તિ પરિવાર સમાજ દેશ વિશ્વ અને સંપૂર્ણ માનવતાને જોડે છે.
જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં યોગ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને આ સંયુક્ત રાષ્ટ્રનો વક્રમ છે કે સૌપ્રથમ એવો પ્રસ્તાવ હતો કે જેને વિશ્વના સૌથી વધુ દેશોએ સહપ્રાયોજિત કર્યો. આ સૌપ્રથમ એવો પ્રસ્તાવ હતો કે જે સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસમાં સૌથી ઓછા સમયમાં સ્વીકૃતિ પામ્યો અને આ યોગ આજે વિશ્વનો દરેક નાગરિક, વિશ્વનો પ્રત્યેક દેશ યોગને પોતાનો માનવા લાગ્યો છે અને હવે ભારતના લોકોને માટે એક ખૂબ જ મોટો સંદેશ છે કે આપણે આ મહાન વિરાસતના વારસદારો છીએ, આપણે આ મહાન પરંપરાની વિરાસતને સાચવી રહ્યાં છીએ.
જો આપણે આપણી વિરાસત પર ગર્વ કરવાનું શરુ કરીએ, જે બહારનું છે તેને છોડી દઈએ અને તે વધુ ટકતું પણ નથી. પરંતુ જે સમયને અનુકુળ છે, જે ભવિષ્યના નિર્માણમાં ઉપયોગી છે તેવી આપણી મહાન વિરાસત માટે જો આપણે ગર્વ કરીશું તો દુનિયા ગર્વ કરવામાં ક્યારેય ખચકાટ નહીં અનુભવે. પરંતુ જો આપણને આપણી શક્તિ, સામર્થ્ય પ્રત્યે ભરોસો નહીં હોય, તો કોઈપણ સ્વીકાર નહીં કરે. જે પરિવારમાં પરિવાર જ બાળકને હંમેશા નકારતા રહેશે અને અપેક્ષા રાખે કે શેરીના લોકો બાળકનું સન્માન કરે તો તે શક્ય નથી. જ્યારે મા, બાપ, પરિવાર, ભાઈ, બહેન બાળકને જેવું પણ હોય સ્વીકાર કરે છે ત્યારે જઈને શેરીના લોકો પણ સ્વીકાર કરવાનું શરુ કરી દેતા હોય છે.
આજે યોગે સિદ્ધ કરી નાખ્યું છે કે જે રીતે હિન્દુસ્તાને ફરી એકવાર યોગના સામર્થ્યની સાથે પોતાની જાત સાથે જોડી દીધી છે, ત્યારે દુનિયા પોતાની મેળે જ જોડાવા લાગી છે.
યોગ આજે દુનિયાના સૌથી શક્તિશાળી એકતાના બળમાંથી એક બની ગયું છે.
હું વિશ્વાસ સાથે કહી શકું છું કે જો આજે સમગ્ર દુનિયામાં યોગ કરનારાઓના આંકડા એકઠા કરવામાં આવે તો એક અદભુત તથ્ય વિશ્વની સામે આવશે.
જુદા-જુદા દેશોમાં, બગીચાઓમાં, ખુલ્લા મેદાનોમાં, રસ્તાઓના કિનારે, કચેરીઓમાં, ઘરોમાં, દવાખાનાઓમાં, શાળાઓમાં, કોલેજોમાં, ઐતિહાસિક વિરાસતોના સાનિધ્યમાં, યોગ માટે એકઠા થતા સામાન્ય લોકો, તમારા જેવા લોકો, વિશ્વ બંધુત્વના ભાવ અને વૈશ્વિક મિત્રતાને વધુ ઊર્જા આપી રહ્યા છે.
મિત્રો, વિશ્વએ યોગને અપનાવ્યો છે અને તેની ઝાંખી દર વર્ષે જે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે તેના પરથી જોઈ શકાય છે.
વાસ્તવમાં, સારા આરોગ્ય અને સુખાકારીની શોધમાં નીકળેલા લોકો માટે યોગ દિવસ એ સૌથી મોટું જન આંદોલન બની ગયું છે.
મિત્રો, ટોક્યોથી ટોરોન્ટો, સ્ટોકહોમથી સાઓ પોલો સુધી યોગ એ લાખો લોકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરનાર શક્તિ બન્યો છે.
યોગ ખૂબ સુંદર છે કારણ કે પ્રાચીન છે અને આધુનિક પણ છે, તે સદા નવપલ્લવિત છે.
તેની અંદર આપણુ ભૂતકાળ અને સૌથી શ્રેષ્ઠ વર્તમાન રહેલું છે તેમજ તે આપણા ભવિષ્ય માટે આશાનું કિરણ છે.
યોગમાં આપણે વ્યક્તિગત સ્તરે અથવા આપણા સમાજમાં જે પણ સમસ્યાઓ અનુભવીએ છીએ તેનો શ્રેષ્ઠ ઉપાય છે.
આપણું વિશ્વ એવું છે કે જે ક્યારેય સુતું નથી. પ્રત્યેક તબક્કે, સમયે વિશ્વના કોઈને કોઈ ખૂણામાં કંઈક થતું રહેતું હોય છે.
તેજ ગતિએ ભાગતા જીવનને લીધે અનેક તણાવ પણ ઉત્પન્ન થાય છે. મને એ વાંચીને ઘણું આશ્ચર્ય થયું કે દર વર્ષે સમગ્ર વિશ્વમાં લગભગ 18 મિલિયન લોકો હૃદયને લગતી બિમારીઓના કારણે મૃત્યુ પામે છે. આશરે 1.6 મિલિયન લોકો ડાયાબિટીસ સામેની તેમની લડાઈમાં હારી જાય છે.
શાંત, રચનાત્મક અને સંતોષી જીવન જીવવાનો માર્ગ યોગ છે. તે આપણને તણાવ અને વ્યર્થ ચિંતાઓને પરાજિત કરવાનો માર્ગ પ્રદર્શિત કરે છે.
અલગ કરવાના બદલે યોગ એ હંમેશા જોડે છે.
દુશ્મનીને વધારવાના બદલે યોગ તેને ઓછી કરે છે.
તકલીફોને વધારવાના બદલે યોગ તેને મટાડે છે.
યોગનો અભ્યાસ એ શાંતિ, સુખ અને ભાઈચારાના યુગનું નિર્માણ કરવામાં સક્ષમ બનાવે છે.
વધુમાં વધુ લોકો યોગનો અભ્યાસ કરે છે તેનો અર્થ એ છે કે વિશ્વને વધુમાં વધુ લોકો શીખવવા માટે જોઈએ છે. છેલ્લા ત્રણ વર્ષની અંદર ઘણા લોકો વ્યક્તિગત રીતે યોગ શીખવી રહ્યા છે, નવી સંસ્થાઓ ખુલી રહી છે અને ટેકનોલોજી પણ યોગ સાથે લોકોને જોડી રહી છે. હું આપ સૌને આગામી સમયમાં આ ગતિને યથાવત રાખવાની વિનંતી કરું છું.
આ યોગ દિવસ યોગ સાથેના આપણા સંબંધને વધુ ઊંડો બનાવવાની તક પૂરી પાડે અને આપણી આસપાસના લોકોને તેનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કરે. આજના દિવસની આ કાયમી અસર બની શકે તેમ છે.
સાથીઓ, યોગે દુનિયાને બીમારીથી તંદુરસ્તીનો ર્સ્સ્તો દેખાડ્યો છે.
એ જ કારણ છે કે દુનિયાભરમાં યોગની આટલી ઝડપી ગતિએ સ્વીકૃતિ મળી રહી છે.
કોવેન્ટ્રી યુનિવર્સિટી અને રેડબાઉન્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં પણ સામે આવ્યું છે કે યોગ માત્ર શરીરને જ આરામ નથી આપતો પરંતુ તે આપણા ડીએનએમાં થનારા તે મોલેક્યુલર રિએકશનને પણ પરિવર્તિત કરી શકે છે કે જે આપણને બીમાર કરે છે અને તણાવને જન્મ આપે છે.
જો આપણે આસન અને પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરીએ છીએ તો આપણે સારા સ્વાસ્થ્યની સાથે-સાથે અનેક રોગોથી બચી શકીએ છીએ. નિયમિત યોગનો સીધો પ્રભાવ કોઇપણ પરિવારના મેડીકલ ખર્ચા પર પડે છે.
રાષ્ટ્ર નિર્માણની દરેક પ્રક્રિયા સાથે, દરેક પ્રવૃત્તિ સાથે જોડાવા માટે આપણે સૌએ સ્વસ્થ રહેવું જરૂરી છે અને નિશ્ચિત રૂપે તેમાં યોગની ઘણી મોટી ભૂમિકા છે.
એટલા માટે આજના દિવસે મારો આગ્રહ છે કે જે લોકો યોગની સાથે જોડાયેલા છે, તેઓ નિયમિતતા લાવે અને જેઓ હજુ પણ યોગ સાથે નથી જોડાઈ શક્યા તેઓ એકવાર જરૂરથી પ્રયાસ કરે.
સાથીઓ, યોગના વધતા પ્રસારે વિશ્વને ભારતની અને ભારતને વિશ્વની વધુ નજીક લાવી દીધું છે. આપણા સૌના નિરંતર પ્રયાસોથી આજે યોગને દુનિયામાં જે સ્થાન મળ્યું છે તે સમયની સાથે વધુ મજબુત થશે.
સ્વસ્થ અને ખુશ માનવતા માટે યોગ વિષેની સમજણને હજુ વધારે વિકસિત બનાવવાની જવાબદારી આપણી છે. આવો, આપણી આ જવાબદારીને સમજીને આપણા પ્રયત્નો તીવ્ર બનાવીએ.
એક વાર ફરી હું આ દેવભૂમિ પરથી દુનિયાભરના યોગ પ્રેમીઓને મારી શુભાકામનાઓ આપું છું.
ઉત્તરાખંડની સરકારને પણ આ મહાન કાર્યના આયોજન માટે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.
ખૂબ-ખૂબ આભાર!