દેશની સંપત્તિ અને સન્માનનું રક્ષણ,
સુરક્ષામાં જોડાયેલા CISFના તમામ સાથીઓ,
અહીં ઉપસ્થિત તમામ વીર પરિવારજનો,
દેવીઓ અને સજ્જનો !!!
સુવર્ણ જયંતીના આ મહત્વપૂર્ણ મુકામ પર પહોંચવા બદલ આપ સર્વેને ખૂબ-ખૂબ અભિનંદન!!
એક સંગઠનના સ્વરૂપમાં તમે જે 50 વર્ષ પૂર્ણ કર્યા છે, તે સ્વયં પોતાની રીતે એક ખૂબ જ પ્રશંસનીય ઉપલબ્ધી છે અને આ કાર્યને આ સ્થાન સુધી પહોચાડવામાં, આજે જે CISFની વ્યવસ્થામાં સામેલ છે, તેમનું તો યોગદાન છે જ, પરંતુ 50 વર્ષના સમયગાળામાં જે-જે મહાનુભાવોએ પોતાની જવાબદારી અદા કરી છે, તેનું નેતૃત્વ કર્યુ છે. એક સંસ્થાને સાતત્યપૂર્ણ રીતે નવી ઊંચાઇઓ પર લઇ જવા માટે જે કામ કર્યુ છે, તેની સાથે જોડાયેલા માનવ સંસાધન વિકાસે તેના માટે ભરપૂર પ્રયત્નો કર્યા છે અને તેના પરિણામે આજે આપણે 50 વર્ષ મનાવી રહ્યાં છે, આ સુવર્ણ જયંતી મનાવી રહ્યાં છે ત્યારે તે પણ અભિનંદનના હકદાર છે જેમણે પચાસ વર્ષ સુધી ક્યારેકને ક્યારેક આ સંસ્થાને આગળ વધારવા માટે પોતાનું યોગદાન આપ્યું છે, તેમાંથી કેટલાક મહાનુભાવો અહીં ઉપસ્થિત છે. હું તેમના પર ગર્વ અનુભવું છે, હું તેમને અભિનંદન પાઠવું છું. દેશના આવા મહત્વપૂર્ણ એકમને આટલી ઊંચાઇઓ સુધી લઇ જવા બદલ તે વાસ્તવિક રીતે અનેક અનેક અભિનંદનના હકદાર છે.
પરંતુ ભાઇઓ અને બહેનો, તમારી આ ઉપલબ્ધી એટલા માટે વધુ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે જ્યારે પડોશી દેશ સાથે ખૂબ જ દુશ્મનાવટ હોય, યુદ્ધ લડવાની તેમની ક્ષમતા ન હોય અને ભારતની અંદર જ અલગ-અલગ પ્રકારના ષડયંત્રો રચવા માટે તેમને ત્યાંથી આશરો મળી રહ્યો હોય, તેને તાકાત મળી રહી હોય, આતંકનો ચહેરો, વિકૃત ચહેરો અલગ-અલગ સ્વરૂપ ધારણ કરીને પ્રકટ થઇ રહ્યો હોય, ત્યારે આવા પ્રકારના મુશ્કેલ પડકારોની વચ્ચે, દેશનું રક્ષણ, દેશના સંસાધનોનું રક્ષણ અને સુરક્ષા તે સ્વયં પોતાની રીતે પણ એક મોટો પડકાર હોય છે.
થોડા સમય પહેલા જ્યારે અહીં પરેડ ચાલી રહી હતી ત્યારે તે ઊર્જા, તે સંકલ્પનો અનુભવ કરી શકતો હતો, જે વૈભવશાળી ભારતના નિર્માણ માટે અત્યંત આવશ્યક છે. આ શાનદાર પ્રદર્શન માટે હું પરેડ કમાન્ડર તથા પરેડમાં સામેલ થયેલા તમામ જવાનો અને અધિકારીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. આજે અહીં તેમના સાથીઓને ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ મેડલ પણ આપવામાં આવ્યાં છે. તેના માટે પણ તમને અભિનંદન. આ સિવાય ગણતંત્ર દિવસ પર જાહેર થયેલા પોલીસ પદક અને જીવન રક્ષક પદક વિજેતાઓને પણ હું અભિનંદન પાઠવું છું.
સાથીઓ, CISF સાથે જોડાયેલા તમે તમામ લોકોએ રાષ્ટ્રની સંપતિને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ જવાબદારી અદા કરી છે. નવા ભારતની નવી અને આધુનિક વ્યવસ્થાઓને સુરક્ષિત રાખવા માટે, દેશની આશાઓ અને આકાંક્ષાઓને સશક્ત કરવા માટે તમે સતત આગળ વધી રહ્યાં છો.
આપણે જાણીએ છીએ કે તેવી ઘણી બધી સુરક્ષા વ્યવસ્થાઓ છે, જેની રચના, વ્યવસ્થાતંત્ર, માળખું અંગ્રેજોના જમાનાથી આપણને વારસામાં પ્રાપ્ત થયું છે. સમયાનુસાર તેમાં પરિવર્તન પણ થયું છે. પરંતુ તેવી બહુ ઓછી સંસ્થાઓ છે જેમણે પોતાની જરૂરિયાત અનુસાર સ્વતંત્રતા બાદ જન્મ લીધો છે. તેમણે એક પ્રકારે સ્વતંત્ર ભારતમાં જન્મ લીધો છે. સ્વતંત્ર ભારતનો વિચાર તેમનો જન્મદાતા છે. સ્વતંત્ર ભારતના સપનાંઓને સાકાર કરવા માટે તેમનો જન્મ થયો છે અને તેમાં CISF એક ખૂબ જ મહત્વપૂર્ણ એકમ છે અને આથી તેમનો જન્મ, સાર-સંભાળ, તેનો વિકાસ, તેનો વિસ્તાર, આ તમામ બાબતો ધીરે-ધીરે એક પ્રકારે પ્રગતિશીલ આવિષ્કારના સ્વરૂપમાં જે જે લોકોએ તેનું નેતૃત્વ કર્યુ છે. તેમણે આ સંસ્થાને આગળ વધારી છે અને આ રીતે સુવર્ણ જયંતી વર્ષમાં તે સૌથી મોટા ગૌરવની વાત છે.
આવી સંસ્થા, શાસનમાં બેઠેલા લોકો મંત્રીમંડળમાં બેસીને એક ફાઇલને મંજૂરી આપી દે, તેવું નથી હોતું, પચાસ વર્ષ સુધી સતત હજારો લોકોએ આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને તેને વિકસિત કરી છે ત્યારે જઇને આવી સંસ્થાનું નિર્માણ થાય છે અને દેશ માટે તે વિશ્વાસનો એક ખૂબ જ મોટો સ્રોત બની જાય છે અને તેના માટે હું તમને જેટલા અભિનંદન આપું તેટલા ઓછા છે. રાજેશ રંજનજી જણાવી રહ્યાં હતા કે અમારા માટે તે બાબત સુખદ અને આશ્ચર્યની વાત છે કે પ્રધાનમંત્રી અમારા કાર્યક્રમમાં આવ્યાં, મારું મન કહે છે કદાચ હું આ કાર્યક્રમમાં ન આવ્યો હોત તો મે ઘણું બધુ ગુમાવી દીધું હોય.
પચાસ વર્ષની તપસ્યા ઓછી નથી હોતી. બહુ મોટી તપસ્યા હોય છે અને એકાદ ઘટના એટલે 365 દિવસ આંખો ખુલ્લી રાખીને, મગજને જાગ્રત રાખીને, હાથ, પગ, શરીરને આઠ-આઠ, નવ-નવ કલાકો સુધી બરાબર તૈયાર રાખીને સેંકડો દુર્ઘટનાઓથી, ભયાનક ઘટનાઓથી દેશનું રક્ષણ કર્યુ હોય અને તેવામાં એકાદ એવી ઘટના બની જાય, તો તમામ તપસ્યા પાણીમાં ભળી જાય છે. આવા સખત દબાણ હેઠળ તમારે લોકોએ કામ કરવું પડે છે અને આ કોઇ સામાન્ય કામ નથી અને હું તે વાતને ખૂબ જ સારી રીતે સમજુ છું કારણ કે પ્રધાનમંત્રી તરીકે અમને પણ સુરક્ષા કવચ મળે છે પરંતુ કોઇ વ્યક્તિને સુરક્ષા કવચ આપવું એટલું અઘરું કામ નથી, માફ કરશો એક વ્યક્તિનું રક્ષણ કરવું અને તેના માટે વ્યવસ્થા કરવી મુશ્કેલ કામ નથી હોતું, પરંતુ એક સંસ્થાનું રક્ષણ કરવું જ્યાં ત્રીસ લાખ લોકોની અવર જવર રહેતી હોય, જ્યાં આઠ લાખ લોકો આવન-જાવન કરતાં હોય, જ્યાં દરેક ચહેરો નવો હોય, દરેક વ્યક્તિનો વ્યવહાર અલગ હોય, તેની સામે આ પ્રતિષ્ઠાનનું રક્ષણ કરવું કદાચ ગમે તેટલા મોટા વીઆઇપીના રક્ષણથી લાખો ગણું વધારે મુશ્કેલ કામ છે, જે તમે લોકો કરી રહ્યાં છો અને તમે આ સંસ્થાઓની દિવાલોના રક્ષણની જવાબદારી સંભાળો છો.
એવું નથી કે તમે લોકો માત્ર તેના દરવાજા પર ઉભા રહો છો, એવું નથી કે તમે લોકો માત્ર ભારતની વિકાસ યાત્રાની સુરક્ષા કરી રહ્યાં છો, તમે ભારતની વિકાસ યાત્રાને એક નવો વિશ્વાસ પ્રદાન કરો છો અને મારો તો અનુભવ રહ્યો છે કે જો તમારા લોકોની સેવામાં રહેલો સૌથી મોટો પડકાર હોય, સૌથી મોટી મુસિબતની બાબત જો કોઇ હોય તો તે મારા જેવા લોકો છે, મારી શ્રેણીના લોકો છે, જે પોતાને ખૂબ જ મોટા શહેનશાહ માને છે. મોટા વીઆઇપી માને છે. હવાઇમથક પર જો તમારો જવાન તેમને અટકાવીને પૂછી લે તો તેમના મગજનો પારો ચઢી જાય છે, ગુસ્સે થઇ જાય છે, તમને અપમાનિત કરી દે છે અને એટલે સુધી કહી દે છે કે હું જોઇ લઇ, તમે હાથ પગ જોડીને સમજાવો છો કે આ મારી ફરજ છે પરંતુ તેમને ખબર નથી હોતી, આ વીઆઇપી સંસ્કૃતિ હોય છે.
હું તમને એક ઘટના સંભળાવું. હું પાર્ટીમાં કામ કરતો હતો ત્યારે આખા દેશનું ભ્રમણ કરતો હતો અને આ પ્રકારનો સતત પ્રવાસ ચાલુ રહેતો હતો. એક વખત અમારા વરિષ્ઠ નેતા પણ અમારી સાથે સાથે હતા. આપણા દેશમાં કેટલાક હવાઇમથક એવા હોય છે જ્યાં સુરક્ષાના કારણોસર બે વખત તપાસ કરવામાં આવે છે, જેમ કે શ્રીનગર છે, કોઇ જમાનામાં ગુવાહાટી પણ હતું, આજકાલ છે કે નહીં તેની મને ખબર નથી. મારી સાથે જે અમારા વરિષ્ઠ નેતા હતા તે મોટા ગજાના હતા અને લોકપ્રિય ચહેરો હતા પરંતુ હવાઇમથક પર જે જવાન ઊભો હતો તે તેમને ઓળખી ન શક્યો અને તેમને અટકાવ્યાં અને રોકીને જેવી તેમની ડ્રિલ હોય છે તે ડ્રિલ અનુસાર તપાસ કરવા લાગ્યાં, જેમ-જેમ તે જવાન તપાસ કરી રહ્યો હતો કે તેમનો મગજનો પારો ગરમ થઇ રહ્યો હતો. અંદર સિટ પર બેસ્યાં પછી પણ તેમનો ગુસ્સો શાંત ન થયો, તે મારી સાથે પણ વાત કરી રહ્યાં નહોતા. મે જોયું કે તેમની શું માનસિકતા છે. જ્યારે અમારે ત્યારપછી જે જગ્યા પર જવાનું હતું તો મે તેમને કહ્યું તમે આગળ ન ચાલશો, મારી પાછળ ચાલો, પહેલા હું ચેક-ઇન કરાવું છું અને મે શું કર્યુ કે હું ત્યાં ગયો અને તમારો જવાન જ્યાં ઉભો હતો તેની આગળ જઇને હું મારા હાથ ઉપર કરીને ઉભો થઇ ગયો અને મે તે જવાનને કહ્યું ચલો ભાઇ જલ્દી આરતી ઉતારો. તો તેણે કહ્યું કે હું તમને ઓળખું છું પરંતુ મે તેને કહ્યું કે મને ઓળખો છો તો શું થયું, જ્યાં સુધી આરતી નહીં ઉતારો, હું અહીંથી નહીં જઉ. તમે લોકો મેટલ ડિટેક્ટર એવી રીતે ફેરવો છો, મે તેમને કહ્યું, તમે મનમાં એવું શા માટે વિચારો છો કે, તમારું ચેકિંગ થઇ રહ્યું છે. તમે મનમાં એવું વિચારો કે, કોઇ તમારી આરતી ઉતારી રહ્યાં છે, તેનો ગર્વ કરો. આ સુરક્ષા જવાનોને સહકાર આપો.
ક્યારેક-ક્યારેક, આ વીઆઇપી કલ્ચર સુરક્ષા માટે સૌથી મોટું સંકટ પેદા કરી દે છે અને આથી હું આ સ્થાન પરથી તે કહેવાની હિંમત કરું છું કારણ કે હું પોતે શિસ્તનું પાલન કરનારો માણસ રહ્યો છું પરંતુ મારી શિસ્ત ક્યારેય મારી વચ્ચે નથી આવતી અને આ આપણા તમામ નાગરિકોનું કર્તવ્ય હોય છે. આજે તમે દોઢ લાખ લોકો છો પરંતુ જો તમે 15 લાખ પણ થઇ જાઓ તો પણ જ્યાં સુધી નાગરિક શિસ્તમાં નહી રહે તો, નાગરિક સહકાર નથી આપતો તેવા સમયે કામ કરવું વધુ મુશ્કેલ બની જાય છે આથી આ સુવર્ણ જયંતી વર્ષમાં આપણે નાગરિકોને કેવી રીતે પ્રશિક્ષિત કરી શકાય, નાગરિકોને આટલી મોટી વ્યવસ્થા વિશે કેવી રીતે સમજાવવામાં આવે, હું સમજુ છું કે આ એક ખૂબ જ મોટી જરૂરિયાત છે અને આ માટે હું જ્યારે પરેડનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે મારા મનમાં કેટલાક વિચાર ચાલી રહ્યાં હતા કે આજે હું તમારી સાથે શું વાત કરીશ, તો મારા મનમાં વિચાર આવ્યો કે હવાઇમથક પર, મેટ્રો સ્ટેશન પર આપણે એક ડિજિટલ સંગ્રહાલય બનાવીએ, સ્ક્રીન પર સતત ચાલતું રહે કે CISFનો જન્મ કેવી રીતે થયો, તેનો વિકાસ અને વિસ્તાર કેવી રીતે થયો, તે કેવા પ્રકારની સેવા કરી રહ્યું છે, નાગરિકો પાસેથી તેમની શું અપેક્ષાઓ છે, મેટ્રોમાં મુસાફરી કરનારા ત્રીસ લાખ લોકો ક્યારેકને ક્યારેક તો તે જોશે. હવાઇમથક પર આવનારા 7-8 લાખ લોકો ક્યારેકને ક્યારેક તો તેને જોશે. તેમને ખ્યાલ આવશે કે આ 24 કલાક કામ કરનારા લોકો છે, તેમનું થોડુંક સન્માન કરો, તેમને ગૌરવ આપો, તેમનો આદર કરો, તેમને પ્રશિક્ષિત કરવા ખૂબ જ જરૂરી છે, નાગરિક જેટલો વધારે પ્રશિક્ષિત હશે તેટલી જ સુરક્ષાદળોની શક્તિમાં વધારો થશે અને આ કામગીરીને પ્રોત્સાહન આપવાના પ્રયાસને મારા તરફથી તમને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે.
CISFમાં અન્ય કેન્દ્રીય દળોની સરખામણીમાં દીકરીઓની સંખ્યા સૌથી વધારે છે આ બાબત દેશની તાકાતને ચોક્કસ સ્વરૂપે એક નવી દિશા પુરી પાડી રહી છે અને હું આથી આ ક્ષેત્રમાં આવવા બદલ આ દીકરીઓને અભિનંદન પાઠવું છું, તે માતા-પિતાને પણ અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને તે માતાઓને પણ અભિનંદન પાઠવું છું કે, જેમણે તેમની પુત્રીને ગણવેશ પહેરાવીને દેશની વિકાસ યાત્રાને સુરક્ષિત કરવાની જવાબદારી ઉઠાવી છે. આ દીકરીઓ લાખ-લાખ અભિનંદનની હકદાર છે.
સાથીઓ, સુરક્ષા અને સેવાના જે ભાવ સાથે તમે આગળ વધી રહ્યાં છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા ભારત માટે જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે, પોર્ટ બની રહ્યાં છે, હવાઇમથક બની રહ્યાં છે, મેટ્રોનો વિસ્તાર થઇ રહ્યો છે, જે મોટા-મોટા ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવી રહ્યાં છે, તેમની સુરક્ષાની જવાબદારી તમારા બધા પર છે. દોઢ લાખથી વધારે કર્મચારીઓની આ મજબૂત શક્તિ આજે દેશવાસીઓને, ભારતમાં આવનારા વિશ્વભરના નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પુરું પાડવામાં કાર્યરત છે.
સાથીઓ, હવાઇમથક અને મેટ્રોમાં સંપૂર્ણ સુરક્ષાનો અનુભવ દરેક વ્યક્તિ કરે છે. આ બધી બાબતો શક્ય બની રહી છે તો તે તમારા સમર્પણથી, તમારી સતર્કતાથી, તમારી ઉપર જનતાના વિશ્વાસથી. વર્તમાન સમયમાં હવાઇમથક હોય કે પછી મેટ્રો સેવા તેનો ખૂબ જ વધારે વિસ્તાર થઇ રહ્યો છે. બન્ને ક્ષેત્રોમાં આપણે વિશ્વમાં આ પ્રકારની સેવા પુરી પાડનારા સૌથી મોટા દેશ બનવાની દિશા તરફ આગળ વધી રહ્યાં છીએ.
સાથીઓ, મને પણ અનેક વખત મેટ્રોમાં મુસાફરી કરવાની તક પ્રાપ્ત થઇ છે. ત્યારે હું જોઉ છું કે તમે બધા કેટલી મહેનત કરો છો. કેવી રીતે કલાકો સુધી નિરંતર તમારે દરેક વ્યક્તિ પર, દરેક સામાન પર નજર રાખવી પડતી હોય છે. સામાન્ય વ્યક્તિ જે આ રીતે મેટ્રો અથવા વિમાનમાં મુસાફરી કરે છે, તેમને તમારી આ મહેનત જોવા મળે છે. પરંતુ તે પણ હકીકત છે કે કેટલાક લોકો વિચારે છે કે તમારી કામગીરી બસ આટલા પૂરતી મર્યાદિત છે. કોઇ આવ્યું, તેને જોયો અને છોડી દીધો બસ એટલું જ.
સાથીઓ, દેશને એ જાણકારી મળવી પણ જરૂરી છે કે CISFનો દરેક સુરક્ષા કર્મચારી, માત્ર ચેકિંગના કામ સાથે જોડાયેલો નથી પરંતુ સુરક્ષાના દરેક પાસાં અને માનવીય સંવેદનાઓના દરેક પક્ષમાં તે ભાગીદાર છે.
સાથીઓ, આકસ્મિક પરિસ્થિતિમાં તમારું યોગદાન હંમેશા માટે પ્રસંશનીય રહ્યું છે. ગત વર્ષે કેરળમાં આવેલા ભીષણ પૂરમાં તમારામાંથી અનેક સાથીઓએ રાહતના કામમાં, બચાવ કામગીરીમાં, દિવસ રાત એક કરીને હજારો લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જ્યારે માનવતા પર સંકટ આવ્યું ત્યારે CISF દ્વારા પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવવામાં આવી છે. નેપાળ અને હૈતીમાં ભૂકંપ પછી તમે આપેલા યોગદાનની પ્રશંસા આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ થઇ છે. એટલું નહીં, મને જાણકારી આપવામાં આવી છે કે મુસાફરી દરમિયાન પરિવારથી અલગ પડી ગયેલા લોકોનો, બાળકોનો પોતાના પરિવાર સાથે ફરી મેળાપ કરાવવામાં અથવા તો પછી તેમને યોગ્ય સ્થાન સુધી પહોંચાડવાનું કામ પણ તમે બધા સંપૂર્ણ સંવેદનાની સાથે કરી રહ્યાં છો. આ જ રીતે બેટીઓને સુરક્ષિત વાતાવરણ પુરું પાડવામાં પણ તમારા પ્રયાસો ખૂબ જ પ્રશંસનીય છે. આ બધા જ કારણોસર તમને દેશનો આટલો વિશ્વાસ પ્રાપ્ત થયો છે.
સાથીઓ, આજના આ અવસરે જ્યારે આપણે આ મહત્વપૂર્ણ ચરણ પર પહોંચી ગયા છે ત્યારે આપણે પોતાના તે સહયોગીઓને પણ યાદ કરવા જોઇએ જેમણે પોતાની ડ્યુટી માટે, દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, દેશની સુરક્ષા માટે શહીદ થઇ ગયા છે. આતંક અને હિંસાને પ્રોત્સાહન આપનારી તાકાતોથી, આપણા દેશને, આપણી અમુલ્ય ધરોહરોને, આપણી સંપતિને બચાવવા માટે સર્વોચ્ચ ત્યાગ આપ્યો છે, બલિદાન આપ્યું છે, CISF હોય કે CRPF સહિત અન્ય સશસ્ત્ર દળો હોય, તમારાં સમર્પણ, તમારાં બલિદાનથી જ આજે નવા ભારતનું સપનું આપણે જોઇ શકીએ છીએ. અત્યાર સુધી કેન્દ્રીય પોલીસ દળના 4 હજારથી વધારે શહીદો સહિત, પોલીસના 35 હજારથી વધારે સાથીઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. હું આ તમામ શહીદોને શ્રદ્ધા સુમન અર્પિત કરું છું.
પરંતુ હું આ સુરક્ષા દળો સાથે જોડાયેલા તમામ લોકોને કહેવા માગું છું કે મનમાં હું ભાવનાત્મક રીતે અનુભવું છું કે ખાખી વર્દીમાં આ જે લોકો છે તેમની મહેનતને દેશમાં જેટલું માન સન્માન મળવું જોઇએ તે મળ્યું નથી. જેટલી તેમને સ્વીકૃતિ મળવી જોઇએ, સામાન્ય માનવી દ્વારા તે સ્વીકૃતિ મળી નથી અને આથી સ્વતંત્રતા પછી પ્રથમ વખત લાલ કિલ્લા પર એક એવા પ્રધાનમંત્રી જેમણે 35 હજારથી વધારે પોલીસ કર્મચારીઓની શહીદીની વકીલાત કરી હતી. આમ કરવાનું મને એટલા માટે મન થયું કારણ કે સામાન્ય લોકોને આ બાબતોની ખબર નથી હોતી, તેના મનમાં તો કોન્સ્ટેબલે તેની સાથે કેવો વ્યવહાર કર્યો અને તે જ આધાર પર સંપૂર્ણ વ્યવસ્થાનું મૂલ્યાંકન કરે છે.
આપણે તેમનું જેટલું ગૌરવ વધારીશું, આપણા સુરક્ષા દળોનું સન્માન જેટલું વધારીશું, તેમની પ્રતિષ્ઠામાં જેટલો વધારો કરીશું તે દેશ માટે ખૂબ જ જરૂરી છે અને તેના ભાગરૂપે જ આ પોલીસ સ્મારક બનાવવામાં આવ્યું છે અને હું ઇચ્છુ છું કે દરેક સ્કૂલના બાળકોએ ક્યારેકને ક્યારેક ત્યાં જવું જોઇએ, તે જૂએ તો ખરા કે આપણા માટે પ્રાણ આપનારા લોકો કોણ હતા, જરા ખ્યાલ તો આવે અને આ દેશમાં આપણે નિરંતર પ્રયાસ કરવાનો છે, આટલો જ મોટો ત્યાગ આટલી જ મોટી તપસ્યા રાજસુરક્ષા સાથે જોડાયેલા તમારા તમામ લોકોનો પરિવાર કરે છે, તેમના શબ્દો દ્વારા આ બાબત વ્યક્ત કરવી મુશ્કેલ છે અને મને ખુશી છે કે જ્યારે હું અહીં ખુલ્લી જીપમાં પસાર થઇ રહ્યો હતો ત્યારે મને ત્રણ પેઢીના દર્શન કરવાની તક પ્રાપ્ત થઇ. અહીં તમારા પરિવારની ત્રણ-ત્રણ પેઢીઓ હાજર છે. વયોવૃદ્ધ, તપોવૃદ્ધ લોકો પણ છે. આજે આ પ્રસંગે અહીં હાજર છે, કેટલાક જૂના સેવા નિવૃત લોકો પણ છે, આજે તેમના પણ દર્શન કરવાની મને તક પ્રાપ્ત થઇ છે. હું આ તમામ પરિવારજનોને આદરપૂર્વક નમન કરું છું કારણ કે આ પરિવારોના ત્યાગ – બલિદાન, ફરજમાં જોડાયેલા લોકોને કામ કરવાની શક્તિ પુરી પાડે છે.
સાથીઓ, ગરમી હોય કે ઠંડી હોય, વરસાદ હોય, તમે પોતાના મોરચા પર સહેજ પણ વિચલિત થયા વગર ઉભા રહો છો. દેશ માટે હોળી, દિવાળી અને ઇદ હોય છે, તમામ તહેવારો હોય છે, પરંતુ તમારા બધા માટે પોતાની ફરજ જ એક તહેવાર બની જાય છે. આપણા સુરક્ષા કર્મચારીઓનો પરિવાર પણ બાકી બધાની જેમ હોય છે. તેમના પણ કેટલાક સપનાઓ છે, આકાંક્ષાઓ છે. તેમની પણ શંકાઓ, આશંકાઓ હોય છે. પરંતુ રાષ્ટ્ર રક્ષાનો ભાવ જ્યારે તેમના મનમાં આવી જાય છે ત્યારે તે દરેક મુશ્કેલીઓ ઉપર જીત પ્રાપ્ત કરી લે છે. જ્યારે કોઇ નિર્દોષ બાળક દ્વારા ત્રિરંગામાં લપેટેલા પોતાના પિતાને સલામી આપવાની તસવીર સામે આવે છે, જ્યારે કોઇ વીર પુત્રી પોતાના જીવન સાથીના વિદાયના દુઃખને, આંસુઓ પીને…… (મૂળ ઓડિયોમાં વિક્ષેપ….)
…..આવા અલગ-અલગ એકમો માટે તારીખ નક્કી કરવામાં આવે, અને તે સ્થળે ખૂબ જ સારી રીતે આખા દિવસની ડ્રિલના કાર્યક્રમનું આયોજન થાય. તેનો એક બ્લ્યુ બૂક જેવો પ્રોટ્રોકોલ તૈયાર થાય, જેથી સ્વાભાવિક રીતે અમે લોકો તેના માટે તૈયારીઓ કરી શકીએ. આવી અનેક વાતો છે, જેની પર આપણે આગળ વધી શકીએ છીએ. એક બીજુ કામ કરવું જોઇએ, હું ઇચ્છુ છું કે CISFની અંદર જ એક અલગ પ્રકારના ટાસ્કફોર્સની રચના કરવામાં આવે. દુનિયામાં આતંકવાદીઓ કેવા-કેવા પ્રકારની નવી શોધ કરી રહ્યાં છે, કેવા નવા પ્રકારોથી સંચાલન કરી રહ્યાં છે, કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે, તેનો વાસ્તવિક સમયમાં અભ્યાસ થવો જોઇએ, નિરીક્ષણ થવું જોઇએ. ગેસની પાઇપ લાઇનનો ઉપયોગ કરીને આતંકવાદીઓ કેટલી ભયંકર ઘટના નિપજાવી શકે છે, દુનિયામાં બની રહ્યું છે. આતંકવાદીઓ તરફથી વિશ્વમાં જે પ્રયોગ થઇ રહ્યાં છે તેનું આપણે અધ્યયન કરીને આપણી વ્યવસ્થાઓને સતત આપણે વાસ્તવિક સમયમાં વિકસિત કરવી પડશે. અને જો આવી એક વિશિષ્ટ ટાસ્ક ફોર્સ હશે જે આવી બાબતોનો અભ્યાસ કરશે, અને વૈશ્વિક સ્તરે તે કરવી પડશે. હવે આતંકવાદની કોઇ સીમા નથી. આતંકવાદ હજાર કિલોમીટર દૂર છે, બે હજાર કિલોમીટર દૂર છે તેનો કોઇ મતલબ નથી, તે દુનિયાના કોઇપણ ખુણા પર ક્યારેય પણ જઇને હુમલો કરે છે અને માનવતા સમક્ષ આ એક મોટો પડકાર છે અને આથી તમે જે કામ કરી રહ્યાં છો ત્યાં પડકારો વધારે છે.
હું ઇચ્છુ છું કે આવી વ્યવસ્થાઓમાં પણ સરકારોએ પણ આવશ્યક જે પણ કામ હોય તે કરવા પડશે, તમારી જે પણ જરૂરિયાતો હશે, અપેક્ષાઓ હશે, તેને પૂર્ણ કરવામાં મારા તરફથી ક્યારેય કોઇ કમી નહીં રહે. આ વિશ્વાસની સાથે ફરી એક વખત આ સુવર્ણ જયંતી વર્ષ પર, આ 50 વર્ષ પુરા કરવા પર, આ સંસ્થાને આ ઉંચાઇ પર લઇ જવા બદલ તમે સંસ્થા માટે જે કામ કર્યુ છે, પ્રતિષ્ઠાન માટે કામ કર્યુ છે, તેના માટે આપ અભિનંદનના હકદાર તો છો જ, પરંતુ સાથે-સાથે દેશમાં સુરક્ષાનો જે નવો વિશ્વાસ પેદા કર્યો છે, જે ફરજ તમે બધાએ અદા કરી છે તેના માટે આજે આ સુવર્ણ જયંતી પર્વ પર હું તમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને મને વિશ્વાસ છે કે આપણે બધા મળીને દેશના સપનાઓ સાકાર કરવામાં ક્યારેય કોઇ કમી નહીં રાખીએ, આ એક ભાવની સાથે મારા તમામ જવાનોને મારા અભિનંદન, તેમના પરિવારજનોને મારા અભિનંદન અને સંસ્થાને અત્યાર સુધી આગળ લાવવામાં યોગદાન આપનારા તમામ મહાનુભાવોને ખૂબ-ખૂબ અભિનંદન આપતાંની સાથે હું મારા વ્યક્તવ્યને વિરામ આપું છું.
મારી સાથે સંપૂર્ણ તાકાતથી ગણવેશ હોય કે ન હોય, તમામ લોકો જોરથી બોલશે-
ભારત માતાની જય.
ભારત માતાની જય.
ભારત માતાની જય.
ખૂબ-ખૂબ આભાર.