ભારત માતા કી જય,
ભારત માતા કી જય.
કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તરપ્રદેશના ઊર્જાવાન અને કર્મયોગી મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, પ્રયાગરાજની ધરતીના લોકપ્રિય નેતા, ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રની કેબિનેટમાં મારા સહયોગી સાધ્વી નિરંજન જ્યોતિજી, શ્રીમતી અનુપ્રિયા પટેલજી, ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી ડો. મહેન્દ્ર સિંહ મોતીજી, શ્રી સિધ્ધાર્થનાથ સિંહજી, નંદગોપાલ ગુપ્તા નંદીજી, શ્રીમતી સ્વાતિ સિંહજી, શ્રીમતી ગુલાબો દેવીજી, શ્રીમતી નિલિમા કટિયારજી, સંસદમાં મારા સહયોગી બહેન રીટા બહુગુણાજી, શ્રીમતી હેમા માલિનીજી, શ્રીમતી કેશરી દેવી પટેલજી, ડો. સંઘ મિત્રા મૌર્યજી, શ્રીમતી ગીતા શાક્યજી, શ્રીમતી કાંતા કર્દમજી, શ્રીમતી સીમા દ્વિવેદીજી, ડો. રમેશ ચંદ બિન્દજી, પ્રયાગરાજના મેયર શ્રીમતી અભિલાષા ગુપ્તાજી. જીલ્લા પંચાયતના અધ્યક્ષ ડો. વી. કે સિંહજી, તમામ ધારાસભ્યો અને લોક-પ્રતિનિધિ સમુદાય તથા અહીંયા ઉપસ્થિત ઉત્તરપ્રદેશના સામર્થ્યને વધારનારી અને અહીંના સામર્થ્યની પ્રતિક મારી માતાઓ અને બહેનો. આપ સૌને મારા પ્રણામ. મા ગંગા, યમુના, સરસ્વતીના પવિત્ર સ્થળ પર વસેલા પ્રયાગરાજની ધરતીને હું મસ્તક નમાવીને પ્રણામ કરૂં છું. આ એ ધરા છે કે જ્યાં ધર્મ, જ્ઞાન અને ન્યાયની ત્રિવેણી વહે છે. તીર્થોના તીર્થ પ્રયાગરાજમાં આવીને એક અલગ જ પવિત્રતા અને ઊર્જાનો અનુભવ થાય છે. ગયા વર્ષે અમે કુંભ મેળા વખતે આ પવિત્ર ધરતી પર આવ્યા હતા અને ત્યારે સંગમમાં ડૂબકી લગાવીને અનોખા આનંદનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. તીર્થરાજ પ્રયાગની આ પાવન ભૂમિને હું હાથ જોડીને પ્રણામ કરૂં છું. આજે હિંદી સાહિત્ય જગતના સર્વમાન્ય આચાર્ય મહાવીર પ્રસાદ દ્વિવેદીજીની પુણ્ય તિથી પણ છે. પ્રયાગરાજથી સાહિત્યની જે સરસ્વતી વહી, તેના દ્વિવેદીજી લાંબા સમય સુધી સંપાદક પણ રહ્યા હતા. હું તેમને મારી શ્રધ્ધાંજલિ અર્પણ કરૂં છું.
માતાઓ અને બહેનો,
પ્રયાગરાજ હજારો વર્ષોથી આપણી માતૃશક્તિના પ્રતિક સમાન, મા ગંગા- યમુના- સરસ્વતીના સંગમની ધરતી છે. આજે આ તીર્થ નગરી નારી શક્તિના આ અદ્દભૂત સંગમની પણ સાક્ષી બની છે. અમારૂ સૌનું એ સૌભાગ્ય છે કે તમે સૌ અમને પોતાનો સ્નેહ આપવા, તમારા આશીર્વાદ આપવા માટે અહીં આવ્યા છો. માતાઓ અને બહેનો, હું અહીંયા મંચ પર આવ્યો તે પહેલાં બેંકીંગ સખીઓ મારફતે, સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી બહેનો અને કન્યા સુમંગલા યોજનાની લાભાર્થી દીકરીઓ સાથે વાત કરી હતી. તેમણે એવા એવા ભાવ તથા આત્મવિશ્વાસ ભરેલી વાતો કરી હતી! માતાઓ અને બહેનો, આપણાં ત્યાં એક કહેવત છે કે "પ્રત્યક્ષે કિમ્ પ્રમાણમ્."
આનો અર્થ એવો થાય છે કે જે પ્રત્યક્ષ છે, જે સામે છે તેને સાબિત કરવા માટે કોઈ પૂરાવાની જરૂર પડતી નથી. ઉત્તરપ્રદેશના વિકાસ માટે, મહિલાઓના સશક્તીકરણ માટે જે કામ થયું છે તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. હમણાં મને અહીંયા મુખ્ય મંત્રી કન્યા સુમંગલા યોજનાની 1 લાખથી વધુ લાભાર્થી દીકરીઓના ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ યોજના ગામડાંના ગરીબો માટે, દીકરીઓ માટે વિશ્વાસનું એક ખૂબ મોટું માધ્યમ બની રહી છે. ઉત્તરપ્રદેશે બેંક સખી નું પણ અભિયાન શરૂ કર્યું છે. આ યોજના મહિલાઓને રોજગારીની તકોની સાથે સાથે તેમના જીવનમાં પણ પરિવર્તન લાવી રહી છે. સરકારની અલગ અલગ યોજનાઓના જે પૈસા સીધા ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (ડીબીટી) ના માધ્યમથી ખાતામાં જમા થાય છે તે પૈસા ઉપાડવા માટે હવે બેંકમાં જવું પડતું નથી. બેંક સખીની મદદથી આ પૈસા ગામમાં દરેક ઘરે મળી જાય છે. આનો અર્થ એ છે કે બેંક સખી બેંકને ગામ સુધી લઈ આવી છે અને જે લોકો એવું વિચારતા હોય કે આ એક નાનું કામ છે તો હું તેમને પણ જણાવવા માંગુ છું કે બેંક સખીઓનું કામ કેટલું મોટું છે.
ઉત્તરપ્રદેશ સરકારે આ બેંક સખી ઉપર આશરે રૂ.75 હજાર કરોડની લેવડ- દેવડની જવાબદારી સોંપી છે. રૂ.75 હજાર કરોડનો વહિવટ ગામમાં રહેનારી મારી બહેનો અને દીકરીઓ કરી રહી છે. જેટલી લેવડ-દેવડ ગામડાંમાં થશે તેટલી તેમને આવક પણ થશે. તેમાંથી મોટાભાગની બેંક સખીઓ એવી બહેનો છે કે જેમનાં થોડા વર્ષ પહેલાં બેંકના ખાતા પણ ન હતા, પરંતુ આજે આ મહિલાઓના હાથમાં બેંકીંગની, ડીજીટલ બેંકીંગની તાકાત આવી ગઈ છે. એટલા માટે દેશ જોઈ રહ્યો છે કે ઉત્તરપ્રદેશમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે અને એટલે જ તો હું કહું છું કે "પ્રત્યક્ષે કિમ્ પ્રમાણમ્."
માતાઓ અને બહેનો,
ઉત્તરપ્રદેશે ટેક હોમ રાશન, બાળકોને પોષણ પૂરૂ પાડવા માટે ખોરાક તૈયાર કરવાની જવાબદારી જે મહિલાઓને સોંપવામાં આવી છે તે પોષણ ધરાવતું રાશન અને આહાર હવે સ્વ સહાય જૂથો સાથે મળીને મહિલાઓ જાતે બનાવશે. આ પણ ખૂબ મોટું કામ છે. વર્ષે હજારો કરોડ રૂપિયાનું કામ છે. જે 202 પૌષ્ટિક ઉત્પાદન એકમોનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેના કારણે સ્વ સહાય જૂથોની મહિલાઓને આવક પણ થશે અને ગામના ખેડૂતોને પણ મોટો લાભ થશે. ગામની મહિલાઓ પોતાની ફેક્ટરીમાં પૌષ્ટિક આહાર બનાવવા માટે ગામમાંથી અનાજ ખરીદશે. આ સશક્તીકરણનો એવો પ્રયાસ છે કે જેનાથી ઉત્તરપ્રદેશની મહિલાઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. સરકાર અલગ અલગ ક્ષેત્રોમાં સ્વ સહાય જૂથોને જે સહાય કરી રહી છે તેના પ્રથમ હપ્તા તરીકે આજે મને રૂ.1000 કરોડ ટ્રાન્સફર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઉત્તરપ્રદેશના વિકાસની ધારા હવે કોઈ પણ રોકી શકવાનું નથી. ઉત્તરપ્રદેશની મહિલાઓએ, માતાઓ, બહેનો અને દીકરીઓ હવે અગાઉની સરકારોના સમયમાં જે સ્થિતિ હતી તે હવે પાછી આવવા દેશે નહીં. ડબલ એન્જીનની સરકારે ઉત્તરપ્રદેશની મહિલાઓને જે સુરક્ષા પૂરી પાડી છે, જે સન્માન આપ્યું છે તેમની ગરિમામાં વધારો કર્યો છે, તે અભૂતપૂર્વ છે.
ભાઈઓ અને બહેનો,
માતાઓ, બહેનો, દીકરીઓનું જીવન પેઢીઓને અસર કરનારૂં, પેઢીઓનું નિર્માણ કરનારૂં જીવન હોય છે. એક દીકરીનું સામર્થ્ય, તેનું શિક્ષણ, તેનું કૌશલ્ય માત્ર પરિવાર જ નહીં, સમાજની અને રાષ્ટ્રની દિશા નક્કી કરે છે. એટલા માટે વર્ષ 2014માં જ્યારે અમે ભારત માતાના મોટાં સપનાં, મોટી આકાંક્ષાઓ, સાકાર કરવાનું બીડુ ઉઠાવ્યું ત્યારે સૌથી પહેલાં દેશની દીકરીઓમાં વિશ્વાસની નવી ઊર્જા આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. એટલા માટે અમે દીકરીના જન્મથી માંડીને જીવન સુધીના ચક્રમાં, દરેક અવસ્થામાં મહિલાઓને સશક્ત બનાવવા માટે યોજનાઓ બનાવી છે, અભિયાન ચલાવ્યા છે.
સાથીઓ,
દીકરીઓ કૂખમાં જ ના મરી જાય, તે જન્મ લઈ શકે તે માટે અમે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનના માધ્યમથી સમાજમાં ચેતના જગાવવાનો પ્રયાસ કર્યો છે. આજે એનું પરિણામ એ આવ્યું છે કે અનેક રાજ્યોમાં દીકરીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. પ્રસૂતિ પછી પણ કોઈપણ જાતની ચિંતા કર્યા વગર પોતાના બાળકની પ્રારંભિક દેખરેખ રાખતી માતા પોતાનું કામ ચાલુ રાખી શકે તે માટે અમે મહિલાઓની રજાઓ 6 મહિનાની કરી છે.
સાથીઓ,
ગર્ભાવસ્થા દરમ્યાન ગરીબ પરિવારોમાં માતાનું સ્વાસ્થ્ય ચિંતાનું એક ખૂબ મોટું કારણ બની રહે છે અને એટલા માટે અમે ગર્ભવતી મહિલાઓનું રસીકરણ, હોસ્પિટલમાં ડિલીવરી અને ગર્ભાવસ્થા દરમ્યાન પોષક આહાર ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ ગર્ભાવસ્થા દરમ્યાન રૂ.5,000 મહિલાઓના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે કે જેથી તેમની ખાણી-પીણીનું યોગ્ય ધ્યાન રાખી શકાય. અત્યાર સુધી બે કરોડથી વધુ મહિલાઓને આશરે રૂ.10 હજાર કરોડ આપવામાં આવ્યા છે.
સાથીઓ,
દીકરીઓ સારી રીતે ભણતર મેળવી શકે, તેમણે અધવચ્ચે શાળા છોડવી ના પડે તે માટે અમે સતત કામ કરી રહયા છીએ. સ્કૂલોમાં દીકરીઓ માટે અલગ ટોયલેટ બનાવવાનાં હોય કે પછી ગરીબમાં ગરીબ દીકરીઓને સેનેટરી પેડ્ઝ સુલભ કરવાના હોય, અમારી સરકાર આવા કોઈ પણ કામમાં પાછળ રહેતી નથી. સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ લગભગ અઢી કરોડ દીકરીઓના ખાતા ખોલવામાં આવ્યા છે. તે મોટી થશે ત્યારે આ પૈસા તેમના કામમાં આવશે. આ હેતુથી તેના પર વ્યાજનો દર પણ ઉંચો રાખવામાં આવ્યો છે. શાળા અને કોલેજ પછી કારકિર્દિથી માંડીને ગૃહસ્થી સુધીના દરેક કદમે મહિલાઓની સુવિધા અને સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ કરોડો શૌચાલય બનવાથી, ઉજ્જવલા યોજના હેઠળ ગરીબમાં ગરીબ બહેનોને ગેસના જોડાણની સુવિધા મળવાથી, ઘરમાં જ નળથી જળ આવવાથી બહેનોના જીવનમાં સુવિધા પણ આવી છે અને તેમની ગરિમામાં વધારો પણ થયો છે.
સાથીઓ,
આયુષ્માન ભારત યોજના હેઠળ સૌથી વધુ લાભ જો કોઈને થયો હોય તો તે અમારી બહેનોને થયો છે. હોસ્પિટલમાં ડિલીવરી હોય કે પછી અન્ય ઈલાજ માટે, પૈસાના અભાવે અગાઉ બહેનોના જીવનમાં સંકટ ઉભુ થતું હતું. હવે પાંચ લાખ રૂપિયા સુધી મફત ઈલાજની સુવિધા મળવાથી તેમની આ ચિંતા દૂર થઈ છે. માતાઓ અને બહેનો, ભારતીય સમાજમાં હંમેશા માતાઓ અને બહેનોને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે, પણ આજે એક સાચી વાત તરફ હું તમારૂં અને સમગ્ર દેશનું ધ્યાન દોરવા માંગુ છું. આપણે ત્યાં પરંપરાગત રીતે સદીઓથી, દાયકાઓથી એવી વ્યવસ્થા ચાલી આવી રહી છે કે જેમાં ઘર અને ઘરની દરેક સંપત્તિ પર માત્ર પુરૂષોનો જ અધિકાર સમજવામાં આવતો હતો. ઘર હોય તો કોના નામે? પુરૂષોના નામે. ખેતર હોય તો કોના નામે? પુરૂષોના નામે. નોકરી, દુકાન પર કોનો હક્ક? પુરૂષોનો. આજે અમારી સરકારની યોજનાઓ આ અસમાનતાને દૂર કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના તેનું સૌથી મોટું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઘર આપવામાં આવી રહ્યા છે તે અગ્રતાના ધોરણે મહિલાઓના નામે કરવામાં આવ્યા છે. જો હું ઉત્તરપ્રદેશની જ વાત કરૂં તો ઉત્તરપ્રદેશમાં 30 લાખથી વધુ ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યા છે અને તેમાંથી આશરે 25 લાખ ઘરની નોંધણીમાં મહિલાઓના નામે થઈ છે. તમે અંદાજ લગાવી શકો છો કે પ્રથમ વખત 25 લાખ મહિલાઓના નામે તેમનું ઘર બન્યું છે. જે ઘરમાં પેઢીઓથી કોઈ મહિલાના નામે કોઈ સંપત્તિ ન હતી, ત્યાં આજે પૂરેપૂરૂ ઘર કોઈ મહિલાના નામે છે.. આ જ તો છે મહિલાઓનું સશક્તીકરણ, સાચું સશક્તીકરણ. આને જ તો વિકાસ કહેવામાં આવે છે.
માતાઓ અને બહેનો,
આજે હું તમને વધુ એક યોજના અંગે જણાવવા માંગુ છું. આ યોજના છે- કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના. સ્વામિત્વ યોજના હેઠળ સમગ્ર દેશમાં ગામડાંના ઘરોની, જમીનોની, ડ્રોન મારફતે તસવીરો લઈને ઘરના માલિકોને તેમની મિલકતના કાગળો આપવામાં આવી રહ્યા છે. ઘરની માલિકી આપવામાં આવી રહી છે. ઘરની માલિકી આપવામાં ઘરની મહિલાઓને અગ્રતા આપવામાં આવી રહી છે. હવે પછીના થોડાં વર્ષોમાં ઉત્તરપ્રદેશના ગામડાંમાં યોગીજીની સરકાર દરેક ઘરનું મેપીંગ કરાવીને આવી જ રીતે ઘરની માલિકી આપવાનું કામ પૂરૂ કરી દેશો. ત્યાર પછી જે ઘર બનાવવામાં આવ્યા છે તેના કાગળ પણ ઘરની મહિલાઓના નામે થશે, ઘરની માતાઓના નામે થશે.
સાથીઓ,
રોજગારી માટે, પરિવારની આવકમાં વધારો કરવા માટે દેશમાં જે યોજનાઓ ચાલી રહી છે તેમાં પણ મહિલાઓને સમાન અધિકાર વડે ભાગીદારી આપવામાં આવી છે. મુદ્રા યોજના આજે ગામેગામ, ગરીબ પરિવારોને, નવી મહેનતુ મહિલાઓને પ્રોત્સાહિત કરી રહી છે. આ યોજના હેઠળ આપવામાં આવેલા કુલ ધિરાણમાંથી આશરે 70 ટકા ધિરાણ મહિલાઓને આપવામાં આવ્યું છે. દીનદયાળ અંત્યોદય યોજના મારફતે પણ સમગ્ર દેશમાં મહિલાઓના સ્વ સહાય જૂથોને અને ગ્રામીણ સંગઠનોને જોડવામાં આવી રહ્યા છે. મહિલા સ્વ સહાય જૂથની બહેનોને હું આત્મનિર્ભર ભારત અભિયાનની ચેમ્પિયન માનું છું. આ સ્વ સહાય સમૂહ વાસ્તવમાં રાષ્ટ્ર સહાયતા સમૂહ છે. એટલા માટે રાષ્ટ્રિય આજીવિકા મિશન હેઠળ વર્ષ 2014 પહેલાનાં પાંચ વર્ષમાં જેટલી મદદ આપવામાં આવી હતી તેની તુલનામાં આશરે 13 ગણો વધારો વિતેલા સાત વર્ષમાં કરવામાં આવ્યો છે. દરેક સ્વ સહાય જૂથને અગાઉ 10 લાખ રૂપિયા સુધીનુ ધિરાણ ગેરંટી વગર આપવામાં આવતું હતું, હવે તેની મર્યાદા બમણી કરીને રૂપિયા 20 લાખ કરવામાં આવી છે.
માતાઓ અને બહેનો,
શહેર હોય કે ગામ, મહિલાઓ માટે અમારી સરકાર નાની નાની તકલીફો ધ્યાનમાં રાખીને નિર્ણયો કરી રહી છે. કોરોનાના આ સમયમાં તમારા ઘરનો ચૂલો ચાલુ રહે તે માટે મફત રાશન આપવાની વ્યવસ્થા અમારી સરકારે કરી છે. મહિલાઓ રાતપાળીમાં પણ કામ કરી શકે તે માટે નિયમો સરળ બનાવવાનું કામ અમારી સરકારે કર્યું છે. ખાણોમાં મહિલાઓએ કામ કરવા બાબતે જે પ્રતિબંધો હતા તે અમારી સરકારે ઉઠાવી લીધા છે. સમગ્ર દેશની સૈનિક સ્કૂલોના દરવાજા છોકરીઓ માટે ખૂલ્લા મૂકવાનું કામ પણ અમારી જ સરકારે કર્યું છે. બળાત્કાર જેવા ગંભીર અપરાધોમાં ઝડપથી સુનાવણી થાય તે માટે અમારી સરકારે સમગ્ર દેશમાં આશરે 700 ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપી ચૂકી છે. મુસ્લિમ મહિલાઓને અત્યાચારથી બચાવવા માટે ત્રણ તલ્લાક વિરૂધ્ધ કાયદો અમારી સરકારે જ બનાવ્યો છે.
સાથીઓ,
કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કે કોઈ પક્ષપાત વગર ડબલ એન્જીનની સરકાર દીકરીઓના ભવિષ્યને સશક્ત બનાવવા માટે સતત કામ કરી રહી છે. હજુ થોડાંક દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. અગાઉ દીકરાઓ માટે લગ્નની ઉંમર કાયદેસર 21 વર્ષની હતી, પણ દીકરીઓ માટે આ ઉંમર માત્ર 18 વર્ષની જ હતી. દીકરીઓ પણ ઈચ્છે છે કે તેમને પણ ભણવા માટે, આગળ વધવા માટે સમય મળે, સમાન અવસર મળે. એટલા માટે દીકરીઓ માટે પણ લગ્નની ઉંમર 21 વર્ષ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશ આ નિર્ણય દીકરીઓ માટે કરી રહ્યો છે, પણ તેનાથી કોને તકલીફ થઈ રહી છે તે બધુ દેશ જોઈ રહયો છે.
ભાઈઓ અને બહેનો,
પાંચ વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશની સડકો ઉપર માફિયા રાજ હતું. ઉત્તરપ્રદેશની સત્તામાં ગુંડાઓની ધાક વાગતી હતી. તેનો સૌથી વધુ ભોગ કોણ બનતું હતું? મારા ઉત્તરપ્રદેશની બહેનો- દીકરીઓ માટે સડક પર નિકળવાનું મુશ્કેલ બની જતું હતું. સ્કૂલ અને કોલેજમાં જવાની મુશ્કેલી પડતી હતી. તે કશું જ કહી શકતી ન હતી, બોલી શકતી ન હતી, કારણ કે જો તે થાણામાં ફરિયાદ કરવા જાય તો અપરાધી અને બળાત્કારી માટે ભલામણ કરતો કોઈનો ફોન આવી જતો હતો. યોગીજીએ આ ગુંડાઓને તેમની સાચી જગાએ પહોંચાડ્યા છે. આજે ઉત્તરપ્રદેશમાં સુરક્ષા પણ છે, ઉત્તરપ્રદેશમાં અધિકાર પણ છે. આજે ઉત્તરપ્રદેશમાં સંભાવનાઓ પણ છે અને આજે ઉત્તરપ્રદેશમાં વેપાર પણ છે. મને પૂરો વિશ્વાસ છે કે જ્યાં અમારી માતાઓ અને બહેનોના આશીર્વાદ છે ત્યાં નવા ઉત્તરપ્રદેશને કોઈ અંધારામાં ધકેલી શકશે નહીં.
ભાઈઓ અને બહેનો,
આવો, પ્રયાગરાજની પાવન ભૂમિ પરથી આપણે એ સંકલ્પ લઈએ કે આપણું ઉત્તરપ્રદેશ આગળ ધપે. આપણું ઉત્તરપ્રદેશ નવી ઉંચાઈઓને હાંસલ કરે. તમારા આશીર્વાદ માટે, તમારા સમર્થન માટે અને ઉત્તરપ્રદેશને આગળ ધપાવવા માટેની તમારી ભાગીદારી માટે આપ સૌ માતાઓ અને બહેનોને ફરી હું એક વખત આદરપૂર્વક નમન કરૂં છું. હૃદયપૂર્વક તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મારી સાથે બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ!