બાંગ્લાદેશના પ્રધાનમંત્રી આદરણીય શેખ હસીના,
ભારત અને બાંગ્લાદેશના વિદેશ મંત્રી,
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જીજી,
ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી બિપ્લવ કુમાર દેવજી,
થોડા દિવસો અગાઉ કાઠમંડુમાં બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન શેખ હસીનાજી સાથે મારી મુલાકાત થઇ હતી. તેના પહેલા પણ અમે મે મહિનામાં શાંતિનિકેતનમાં અને એપ્રિલમાં કોમનવેલ્થ સમિટ સમયે લંડનમાં મળ્યા હતા.
અને મને પ્રસન્નતા છે કે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમને એક વાર ફરી આપને મળવાનો અવસર મળ્યો છે.
મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે પાડોશી દેશોના નેતાઓની સાથે પાડોશીઓ જેવા જ સંબંધો હોવા જોઈએ. જ્યારે મન થયું તો વાત થવી જોઈએ, જ્યારે ઇચ્છીએ ત્યારે મુલાકાત થવી જોઈએ. આ બધા વિષયો પર આપણે પ્રોટોકોલના બંધનમાં ન રહેવું જોઈએ.
અને આ નિકટતા પ્રધાનમંત્રી શેખ હસીનાજીની સાથેના મારા સંપર્કમાં સ્પષ્ટપણે જોવા મળે છે. અનેક મુલાકાતો ઉપરાંત આ અમારી ચોથી વીડિયો કોન્ફરન્સ છે અને નજીકના ભવિષ્યમાં એક બીજી પણ વીડિયો કોન્ફરન્સ થવાની છે.
આ વીડિયો કોન્ફરન્સની સૌથી મોટી વાત છે કે આપણા બંને દેશોના સહયોગના પ્રોજેક્ટ્સનો શુભારંભ કે ઉદઘાટન કોઈ વીઆઈપી મુલાકાતને આધીન નથી.
મહાનુભવ, જારે પણ આપણે જોડાણની વાત કરીએ છીએ તો મને હંમેશા તમારા 1965 પહેલાના જોડાણને બહાલ કરવાના વિઝનનો વિચાર આવે છે.
અને મારા માટે ઘણી પ્રસન્નતાનો વિષય છે કે આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત આ દિશામાં પગલાઓ ભરી રહ્યા છીએ.
આજે આપણે આપણું ઊર્જા જોડાણ વધાર્યું છે અને રેલવેના જોડાણને વધુ મજબુત કરવા માટે બે પ્રોજેક્ટ શરુ કર્યા છે.
2015માં જ્યારે બાંગ્લાદેશ આવ્યો હતો ત્યારે અમે બાંગ્લાદેશને 500 મેગાવોટ વધારાની વીજળી પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો અને તેના માટે પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશની ટ્રાન્સમિશન લાઈનને ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ કામને પૂર્ણ કરવામાં સહયોગ માટે હું મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જીને અભિનંદન પાઠવુ છું.
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી હવે 1.16 ગીગાવૉટ વીજળી ભારતમાંથી બાંગ્લાદેશને પૂરી પાડવામાં આવી રહી છે. હું સમજુ છું કે મેગાવૉટથી ગીગાવૉટની આ હરણફાળ આપણા સંબંધોના સોનેરી અધ્યાયનું પ્રતીક છે.
રેલવેના ક્ષેત્રમાં પણ આપણું જોડાણ સતત વધી રહ્યું છે. તેમાં બાંગ્લાદેશનું આંતરિક જોડાણ અને ભારત સાથેની કનેક્ટિવિટી આપણા સહયોગના મુખ્ય પાસાઓ છે.
અખૌડા-અગરતલાનું રેલવે જોડાણનું કામ પૂરું થવાથી આપણા સરહદ પારના જોડાણની વધુ એક કડીનો ઉમેરો થઇ જશે. આ પ્રોજેક્ટમાં સહયોગ માટે હું મુખ્યમંત્રી શ્રી વિપ્લવ કુમાર દેવને અભિનંદન પાઠવું છું.
પ્રધાનમંત્રી શેખ હસીનાજીએ બાંગ્લાદેશના વિકાસ માટે મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કર્યા છે – 2021 સુધીમાં મધ્યમ આવક ધરાવતો દેશ અને 2041 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના તેમના વિઝનને સાકાર કરવા માટે સહયોગ કરવો એ અમારા માટે ગર્વની બાબત છે.
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેમ-જેમ આપણે આપણા સંબંધો વધારીશું અને લોકોની વચ્ચે સંબંધો મજબુત બનાવીશું તેમ આપણે વિકાસ અને સમૃદ્ધિના નવા આકાશને પણ આંબીશું.
આ કામમાં સહયોગ આપવા બદલ અને આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ હું પ્રધાનમંત્રી શેખ હસીનાજીનો, અને પશ્ચિમ બંગાળ તથા ત્રિપુરાના મુખ્યમંત્રીઓનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું.
આભાર!