ઇન્ડોનેશિયામાં ભારતને જીવનારા તમામ બંધુઓને મારા નમસ્કાર
સલામત સોરે, તમાન – તમાન (ગુડ ઇવનીંગ મિત્રો)
આપા કાબાર (તમે કેમ છો?)
સાયા સનાંગ સકાલી બર – અદા દી સિની (મને અહીં આવીને અત્યંત આનંદ થઈ રહ્યો છે)
હું ઇન્ડોનેશિયાના નાગરિકો, તમારા તમામનો અને ખાસ કરીને રાષ્ટ્રપતિ વિડોડોનો આભાર માનું છું જેમણે રમઝાનના આ પવિત્ર મહિનામાં મારું સ્વાગત કર્યું છે. આજે સવારે ઇન્ડોનેશિયાની વિવિધતાની ઝલક જોવા મળી. વિભિન્ન પોશાકમાં નાગરિકો અને બાળકોએ મારૂ સ્વાગત કર્યું. તેમણે મારા હૃદયની સ્પર્શી લીધું.
સાથીઓ,
થોડા મહિના અગાઉ અમે તમામ આસિયાન નેતાઓ સાથે ભારતનો ગણતંત્ર દિવસ ઉજવ્યો. આસિયાનમાં ઇન્ડોનેશિયા સૌથી મોટી વસતિ ધરાવતો મહત્વનો સભ્ય છે. હું રાષ્ટ્રપતિ વિડોડોનો આભારી છું કે તેમણે ત્યારે તેમના આતિથ્યની તક આપી હતી. આ માત્ર એક સંયોગ જ નથી કે વર્ષ 1950માં ભારતના પ્રથમ ગણતંત્ર દિવસે પણ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન રહ્યાં હતા.
સાથીઓ,
છેલ્લા ચાર વર્ષમાં સવા સો કરોડ ભારતીયોના પ્રતિનિધિ તરીકે હું જ્યાં-જ્યાં પણ ગયો ત્યાં મારો પ્રયાસ રહ્યો છે કે તમારા જેવા એ લાખો ભાઈઓ અને બહેનોને મળું જેમનું મૂળ ભારતીય ભૂમિ છે. આ ગાળામાં મારી જેટલી પણ વાતચીત થઈ તેમાં એક બાબત સમાન રહી છે. એ બાબત છે માતા ભારતી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સન્માન. અહીં ઇન્ડોનેશિયામાં પણ એ જ ભાવના હું તમારા સૌમાં જોઈ રહ્યો છું. ઇન્ડોનેશિયા પ્રત્યે તમારી જેટલી ભક્તિ છે એટલી જ પ્રબળ ભાવના પોતાના મૂળ સાથે સંકલાયેલા રહેવાની છે. તમારામાંથી મોટા ભાગના ઇન્ડોનેશિયાના નાગરિક છે પરંતુ હૃદયના એક ખૂણામાં ક્યાંક ભારત પણ વસેલું છે.
સાથીઓ,
આપણો નાતો સંસ્કૃત અને સંસ્કૃતિનો છે અને તમે સૌ જે અત્યારે ઇન્ડોનેશિયામાં વસ્યા છો, અહિં રચ્યા-પચ્યા છો તે આપણા આ મજબૂત સંબંધોની કડી છે. તમારામાંથી અહીં કેટલાક ચાર પાંચ પેઢીઓથી છે તો એવા પણ કેટલાક લોકો છે જે ત્રણ ચાર દાયકાઓથી અહીં આવ્યા છે. આજે તમારામાંથી કોઈ કાપડના વ્યવસાયમાં છે તો કોઈ સ્પોર્ટસના સામાનનો વેપાર કરી રહ્યા છે. કોઇ એન્જિનિયર છે તો કોઈ કન્સલ્ટન્ટ, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો કોઈ બેંકર છે તો કોઈ આધ્યાત્મિક ગુરુ છે. ભારત સાથે જ સંબંધ ધરાવનારા શ્રી ગુરુનાથસિંહજીએ 1962માં જકાર્તા એશિયન ગેમ્સમાં ઇન્ડોનેશિયા માટે મેડલ જીત્યો હતો. મને અત્યંત આનંદ પણ છે કે પોતાના તપથી. કઠીન પરિશ્રમથી તમે બધાએ અહીંના વાતાવરણ સાથે અનુકૂળતા જ સાધી નથી પરંતુ આજે તમે ઇન્ડોનેશિયાના વિકાસમાં પણ મોટું યોગદાન આપી રહ્યા છો.
સાથીઓ,
એક સમય એવો પણ હતો જ્યારે તમારા પૂર્વજોને અલગ-અલગ પરિસ્થિતિઓને કારણે ભારત છોડવું પડ્યું હતું. આજે એક સમય એવો પણ છે જ્યારે ભારતની મજબૂત ઓળખ બની ગઈ છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતે દુનિયાની અર્થવ્યવસ્થાને આગળ ધપાવવાનું કામ કર્યું છે.
• આજે ભારત દુનિયાના સૌથી ખુલ્લા અર્થતંત્ર પૈકીનું એક છે. ભારતમાં વિક્રમી સંખ્યામાં વિદેશી રોકાણ થઈ રહ્યું છે.
• ભારતનું વિદેશી હુંડિયામણ લગભગ 300 અબજ ડોલરમાંથી વધીને 400 અબજ ડોલર થઈ ગયું છે.
• ગ્રીનફિલ્ડ વિદેશી રોકાણને આકર્ષિત કરવામાં ભારત દુનિયાનો મોખરાના દેશ બની ગયો છે.
• એફડીઆઈ કોન્ફિડન્સ ઇન્ડેક્ષમાં ભારત મોખરાની બે ઉભરતી બજારો પૈકીનો એક દેશ છે.
• વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મક ઇન્ડેક્ષમાં ભારતનો ક્રમાંક 71થી સુધરીને 40 થઈ ગયો છે.
• વેપાર કરવામાં સરળતા (ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ)ના ક્રમાંકમાં ભારત 142માંથી હવે 100મા ક્રમે આવી ગયું છે.
• લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્ષમાં 19 ક્રમાંકનો સુધારો જોવા મળ્યો છે.
• ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારતના ક્રમાંકમાં 21 ક્રમનો ઉછાળો જોવા મળ્યો છે.
• અંકટાડના અહેવાલમાં ભારતને ભવિષ્યની મજબૂત અર્થવ્યવસ્થામાં મોખરાના ત્રણ દેશમાં સ્થાન મળ્યું છે.
• છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર મૂડીઝે ભારતના ક્રેડિટ રેટિંગમાં સુધારો કર્યો છે.
ભાઈઓ અને બહેનો,
ભારત એક તરફ વિશ્વમાં સૌથી મોટુ લોકતંત્ર છે તો ઇન્ડોનેશિયામાં પણ લોકશાહીના મૂળિયા ઘણા મજબૂત છે. આ જ કારણ છે કે જે રીતે સવા સો કરોડ ભારતવાસીઓએ મારા જેવા સામાન્ય નાગરિકને પ્રધાનમત્રી બનવાની તક આપી એવી જ રીતે ઇન્ડોનેશિયાની પ્રજાએ પણ વિડોડોજીને પોતાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યા. સાથીઓ, ભારત અને ઇન્ડોનેશિયા સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા અને સદભાવનું પ્રતિક છે. અહીં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે, સેંકડો સમૂદાય રહે છે તો ભારતમાં પણ કોસે-કોસે પાણી અને બાર ગાઉએ વાણી બદલાય છે તેવી કહેવત જાણીતી છે. મેં ક્યાંક વાંચ્યું છે કે ઇન્ડોનેશિયાના બોર્નિયો ટાપુમાં 1700 વર્ષ અગાઉના અવશેષો છે. જે ભારત સાથેના સંબંધોનો પુરાવો છે. હજી ત્રણ ચાર દિવસ પહેલાં જ હું ઓડિશાના કટકમાં હતો. ત્યાં જે મેદાનમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેનું નામ હતું બાલીજાત્રા. બાલીજાત્રાનો શું અર્થ છે? ઇન્ડોનેશિયાના બાલીનો પ્રવાસ. સેંકડો વર્ષ અગાઉ ઇન્ડોનેશિયાના મહાન નાવિક કટકથી નીકળીને જાવા-સુમાત્રા અને બોર્નિયો સુધી આવતા હતા. આજે પણ દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓડિશામાં બાલીજાત્રાનો ઉત્સવ શાનથી, ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. ઇન્ડોનેશિયાનો ગુજરાત સાથે પણ પુરાણો નાતો છે.
જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો એક વાર મને કોઈએ કહ્યું કે 12મી સદીની આસપાસ કચ્છમાં રહેનારા જે મુસલમાનો નીકળ્યા તેમાંના ઘણા બધા અહીં ઇન્ડોનેશિયામાં આવીને વસ્યા હતા. તેમની સાથે સાથે ગુજરાતી ભાષા અને ગુજરાતી ખાણી પીણી પણ ઇન્ડોનેશિયા આવી પહોંચી હતી. મને કહેવામાં આવ્યું છે કે બુબુર ગુજરાત, ગુજરાતી ખિચડી ઇન્ડોનેશિયામાં પણ ઘણા મુસ્લિમ પરિવારોમાં બનાવવામાં આવે છે. આજે પણ એવા ઘણા શબ્દોનો પ્રયોગ થાય છે જે ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધોની પ્રાચીનતા અને ઘનિષ્ઠતા પર પ્રકાશ પાડે છે. જેમ કે ભાઈ માટે સહોદર, નિધન માટે માટી, રંગો માટે વર્ણ, ગ્રૂપ માટે સમૂહ અથવા સમુઅ, ઉપવાસ માટે પુવાસ, બહાસા અને ભાષા, રૂપિયાહ અને રૂપિયા. આવા શબ્દોને એકત્રિત કરીએ તો આખી નવી ડિક્શનરી બની જશે. આ સમાનતાઓ સ્વાભાવિક છે. ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે માત્ર 90 નોટિકલ માઇલનું અંતર છે. એટલે કે અમે 90 નોટિકલ માઇલ દૂર નથી પરંતુ 90 નોટિકલ માઇલ નજીક છીએ. પડોશી છીએ.
સાથીઓ,
મને કહેવામાં આવ્યુ્ં છે કે ભારત અને ઇન્ડોનેશિયાના ઉંડા સાંસ્કૃતિક સંબંધોને અહીં ઘણી અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. અહીં ઇન્ડોનેશિયા તમિલ સંગમના સાંસ્કૃતિક આયોજનને પણ અલગ ઓળખ મળી છે. ગયા વર્ષે જકાર્તા તથા અન્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત સફળ કાર્યક્રમ અંગે પણ મને જાણકારી આપવામાં આવી છે. મને એ પણ જાણકારી મળી છે કે બાલીના લોકપ્રિય ભારતીય પરંપરાગત ઓષધિના કેન્દ્રો, પંચકર્મ આયુર્વેદ કેન્દ્રોની લોકપ્રિયતા સતત વધી રહી છે. તાજેતરના વર્ષોમાં હોલિસ્ટિક હેલ્થ કેર પ્રત્યે દુનિયાભરમાં આકર્ષણ વધ્યું છે. તમારા માટે પણ પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓના રાજદૂત બનવાનો આ સોનેરી અવસર છે.v
સાથીઓ,
આમ તો એ પણ એક સંયોગ છે કે થોડા દિવસ અગાઉ મને નેપાળના જનકપુરમાં માતા જાનકીના આશીર્વાદ લેવાની તક મળી હતી. અને હવે હું અહીં ઇન્ડોનેશિયામાં છું જ્યાં રામકથાને એક નવી ભૂમિ અને નવા પરિવેશ મળ્યા. આ પોતાનામાં ઇન્ડોનેશિયાની એક વિશેષતા છે અહીં રામાયણ કથા કરનારા કલાકાર મુસ્લિમ છે. આજે થોડા સમય અગાઉ રાષ્ટ્રપતિ વિડોડો અને મેં પતંગોનું પ્રદર્શન નિહાળ્યું. એ જોઇને આનંદ થયો કે રામાયણ અને મહાભારત જેવી કથાઓ અને પરંપરાઓને ઇન્ડોનેશિયાના સામાન્ય જનજીવનમાં આજે પણ વિશેષ સ્થાન મળેલું છે. આસ્થા અને સંસ્કૃતિ કેવી રીતે સાથે સાથે પલ્લવિત અને પોષિત થાય છે તેનું આ એક ઘણું મોટું ઉદાહરણ છે.
સાથીઓ,
ગઈ સદીમાં જ્યારે આપણે બે દેશો સ્વતંત્ર થયા ત્યારથી આપણે વૈશ્વિક અને પ્રાંતિય સ્તરે એકબીજા સાથે સહકાર કરી રહ્યા છીએ. છેલ્લા ચાર વર્ષમાં આપણા સંબંધો વધારે મજબૂત બન્યા છે. આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધો નવી ઊંચાઈ પર છે. રાજકારણી હો, વ્યુહરચનાકાર હો કે પછી આર્થિક સહયોગ, ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને પડકારોનો સામનો કરી રહ્યા છે. અવસરોનો ઉપયોગ કરી રહ્યા છે. આજે ભારત અને ઇન્ડોનેશિયાની વ્યૂહાત્મક ભાગીદારીને એક નવા સ્તરે લઈ જવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિ વિડોડો અને મેં સાથે મળીને આજે એક ડગલું આગળ ભર્યું છે અને તેને વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપી દીધો. આપણા લશ્કર વચ્ચે સામૂહિક ટ્રેનિંગ ચાલી રહી છે. સુરક્ષા સંબંધિત મુદ્દા પર પણ આપણી વચ્ચે તાલમેલ રહ્યો છે. આજે ઇન્ડોનેશિયા એશિયન દેશોમાં ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે. આજે આપણો વેપાર 18 અબજ ડોલરથી પણ વધારે પહોંચી ગયો છે.
સાથીઓ,
ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે મજબૂત સંબંધોનો વધુ એક આધાર છે આપણા લોકો. એટલે કે તમે તમામ. આપણે ત્યાં એક મોટી જનસંખ્યા એવી છે જે 35 વર્ષથી ઓછી વયની છે. તેમની ઊર્જાને યોગ્ય દિશા અને પ્રોત્સાહન આપવાના પ્રયાસો છેલ્લા ચાર વર્ષથી ભારતમાં અમારી સરકારે કર્યા છે. આથી જ મારી સરકારની કામ કરવાની ગતિ ઝડપી છે અને તેનો વ્યાપ વિશાળ છે. દેશના લોકોની આશાઓ અને અપેક્ષાઓને અનુરૂપ અમે સુસંચાલન પર ભાર મૂક્યો છે. લઘુત્તમ સરકાર અને મહત્તમ સંચાલન પર જોર આપ્યું છે. અમે નાગરિક પહેલા એવા મંત્રને લઈને આગળ ધપી રહ્યા છીએ. સરકાર જમીન સ્તરે જઈને મોચા પ્રશાસનિક, આર્થિક અને કાનૂની પગલા ભરી રહી છે. અમારી સરકાર માટે ભ્રષ્ટાચાર મુક્ત, નાગરિક કેન્દ્રિત અને વિકાસકારી પ્રણાલી સૌથી મોટી પ્રાથમિકતા છે. પાસપોર્ટ માટે હવે ભારતમાં મહિનાઓ કે સપ્તાહો સુધી રાહ જોવી પડતી નથી પણ બે કે ત્રણ દિવસમાં પાસપોર્ટ લોકોના ઘરે પહોંચી જાય છે. ઇન્ડોનેશિયા સહિત 163 દેશના લોકોને ઇ વિઝાની સવલત આપવામાં આવી છે. ઇ વિઝા પર ભારત આવનારા પ્રવાસીઓની સંખ્યામાં લગભગ લગભગ 150 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ભારતમાં 1400થી વધુ જૂના કાનૂન નાબૂદ કરી દેવામાં આવ્યા છે. વસ્તુ અને સેવા કરે (જીએસટી) ભારતને એક વધુ સારી કર પ્રણાલી, વધુ સારી રેવન્યુ પ્રણાલી આપી છે.
સાથીઓ,
અમે દેશના નાગરિકો માટે સરળ જીવન (ઇઝ ઑફ લિવિંગ) અને દેશ માટે આધુનિક માળખુંના વિરલ સમન્વય પર કામ કરી રહ્યા છીએ. અમે ભારતમાં એક એવી સિસ્ટમનું નિર્માણ કરી રહ્યા છીએ જે માત્ર પારદર્શક જ નથી પરંતુ લાગણીશીલ પણ છે.
• રેલવે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાની ઝડપ બમણી થઈ ગઈ છે.
• રેલવે લાઇનનું વિજળીકરણ લગભગ ત્રણ ગણી ઝડપથી થઈ રહ્યું છે.
• ગામડામાં રસ્તાઓ અને નેશનલ હાઇવે મારી સરકાર બમણી ઝડપથી કરી રહી છે.
• અગાઉ જે ઝડપથી પાવર ટ્રાન્સમિશન લાઇન લગાવવામાં આવી રહી હતી જે એ જ કાર્ય તેના કરતાં બમણી ઝડપથી થઈ રહ્યું છે.
• અગાઉ માત્ર 59 ગ્રામ પંચાયતની સરખામણીએ અમે એક લાખ દસ હજારથી વધુ ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઈબરથી જોડી દીધી છે.
• અગાઉ માત્ર 28 સરકારી યોજનાઓની સરખામણીએ હવે 400થી વધુ યોજનાઓના પૈસા લોકોને સીધા બેંક ખાતામાંથી મળી રહ્યા છે.
• એટલે સુધી કે જે એલઇડી બલ્બ અગાઉ લોકોને 350 રૂપિયામાં મળતા હતા તે પણ હવે 40-50 રૂપિયામાં મળે છે.
• પહેલા જ્યાં ભારતમાં માત્ર બે મોબાઇલ ઉત્પાદન કંપનીઓ હતી ત્યારે હવે તેની સંખ્યા વધીને 120 થઈ ગઈ છે. ભારતમાં બની રહેલા મોબાઇલને આયાત કરવાનો ખર્ચ પણ હવે ઘટીને અડધો થઈ ગયો છે.
ભારતમાં આજે મોટી સંખ્યામાં નવી એન્જિનિયરિંગ કોલેજો ખૂલી રહી છે, મેનેજમેન્ટ કોલેજ અને મેડિકલ કોલેજ ખૂલી રહી છે. માત્ર છેલ્લા અઢી વર્ષમાં ભારતમાં નવ હજારથી વધારે સ્ટાર્ટ અપ નોંધાયા છે. દુનિયાની બીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ પ્રણાલી ભારતમાં બની છે. આજે દુનિયાભરમાં ભારતના પાસપોર્ટની તાકાત વધી છે. દુનિયાના શક્તિશાળી શાસનતંત્રનો ભારત હિસ્સો બન્યું છે. ભારત સૌર ઊર્જા પ્રણાલીને માનવ કલ્યાણના હિતમાં વધુને વધુ ઉપયોગ કરવા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની આગેવાની કરનારા દેશ પૈકીનો એક છે. અમારી સરકાર ભારતને 21મી સદીની જરૂરિયાતો, આશાઓ, અપેક્ષાઓને અનુરૂપ તૈયાર કરવાનું કામ કરી રહી છે. આજે ભારત ન્યૂ ઇન્ડિયાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. આપણે ભારત સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરતું હશે ત્યારે 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયા બનાવવાનું છે.
સાથીઓ,
અહીં ઇન્ડોનેશિયામાં સુખ-દુઃખમાં એકબીજાને સાથ આપવાની પરંપરા વસુધૈવ કુટુમ્બકમના મંત્ર પર તમે અડગ છો. મને કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં બાલીમાં જે જ્વાળામુખીની દુર્ઘટના ઘટી તેમાં ફસાયેલા હજારો ભારતીય પ્રવાસીઓને બાલી અને સૂરાબાયાના લોકોએ માત્ર બચાવ્યા જ ન હતા પરંતુ તેમને સ્વદેશ મોકલવાની વ્યવસ્થા પણ કરી હતી. આ માનવીય વ્યવહાર માટે હું તમારી હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. અને તમને ધન્યવાદ આપું છું. માનવીય મૂલ્યોનું આ જ સંરક્ષણ ભારતીય વારસાનું અભિન્ન અંગ રહ્યું છે. અમે તેને ભારતમાં પણ એટલા જ ગૌરવ સાથે જીવી રહ્યા છીએ. પછી તે નેપાળમાં ભૂકંપ હોય કે શ્રીલંકામાં પૂરની આફત, ભારતની ઓળખ સંકટના સમયે સૌથી પહેલા હાજર થઈ જનારા દેશ તરીકેની છે. સંકટમાં ફસાયેલા 90,000 ભારતીયોને એનડીએ સરકાર દરમિયાન સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે.
સાથીઓ,
ભારત અને ઇન્ડોનેશિયાના નામ જ માત્ર મળતા આવતા નથી. આ તાલમેળ માત્ર પ્રાસ નથી, તાલ એટલે કે રિધમનો પણ છે. આ તાલમેળ અમારી સંસ્કૃતિનો છે, અમારી પરંપરાઓનો છે. અમારી આસ્થાનો છે, વ્યવસ્થાનો છે. લોક સંપર્કનો છે, લોકશાહીનો છે.
ભાઈઓ અને બહેનો,
ભારત અને ઇન્ડોનેશિયા સાંસ્કૃતિક બંધનથી બંધાયેલા છે. આપણા સંબંધો ઘણા પુરાણા છે. પરંતુ આજે આપણા સૌની સામે પણ સવાલ એ છે કે શું આ પુરાતનનો જ વિષય રહેશે? આપણી આવનારી પેઢી, ભવિષ્યમાં આપણા લોક સંપર્ક કેવી રીતે આગળ વધે, કેવી રીતે મજબૂત બને, જીવંત રહે, તેની ઉપર પણ આપણે સાથે મળીને કાર્ય કરવું પડશે. તમારામાંથી ઘણા લોકો એવા હશે જેઓ ક્યારેય ભારત નહીં આવ્યા હોય. એવા પણ ઘણા લોકો હશે જેમને ઘણા વર્ષોથી સ્વદેશ જવાનું થયું નહીં હોય. મારો તમને આગ્રહ છે કે એક વાર તમારા મિત્રો સાથે ભારત ચોક્કસ આવો. ભારતમાં કેવી રીતે પરિવર્તન થઈ રહ્યું છે તેનો તમે અનુભવ કરી શકશો. હું તમને કહેવા માગું છું કે ઇન્ડોનેશિયાના નાગરિકોને 30 દિવસ માટે ભારત પ્રવાસ કરવા માટે વિનામૂલ્યે વિઝાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આગામી કેટલાક મહિનાઓમાં એક મોટો અવસર તમારી રાહ જોઈ રહ્યો છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશના પ્રયાગમાં કૂંભમેળાનું આયોજન થનારું છે. આસ્થાનો આ મેળો માટે તમારા માટે નવો અનુભવ રહેશે. અહીં તમે તમારા ભારતની સમૃદ્ધ આધ્યાત્મિકતાના દર્શન તો થશે જ પણ સાથે સાથે ન્યૂ ઇન્ડિયાની ઝલક પણ મળશે. તમને હું ન્યૂ ઇન્ડિયા બની રહેલા નવા અવસરો સાથે સંકળાવાનું આમંત્રણ આપું છું. તમે આવો અને બદલાયેલા માહોલનો લાભ ઉઠાવો. અને તેને વધુ બદલાવવામાં તમારું યોગદાન પણ આપો.
તમે મને અહીં આટલું સન્માન આપ્યું, માન આપ્યું તેના માટે ફરી એક વાર તમારો અને ઇન્ડોનેશિયાની સરકારનો, અહીંની પ્રશાસનનો હું ખૂબ-ખૂબ આભાર માનું છું.
તેરીમા કાસિહ કાલિયાન તલહ બર-અદા દી સિની (અહીં આવવા માટે આપ સૌનો ખૂબ-ખૂબ આભાર)
સલામત રમાદાન.