મોરેશિયસના પ્રધાનમંત્રી આદરણીય મહાનુભાવ, પ્રવિંદ જગન્નાથજી, તેમના પત્ની શ્રીમતી કવિતા જગન્નાથજી, યુપીના રાજ્યપાલ શ્રીમાન રામ નાયકજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી સુષ્મા સ્વરાજજી, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, મંત્રી પરિષદના મારા સહયોગી અને દુનિયાભરમાંથી પધારેલા અને કાશીમાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
સૌથી પહેલા આપ સૌને ખુબ ખુબ અભિનંદન, ખુબ ખુબ સ્વાગત છે. આપ સૌ અહિયાં તમારા પોતાના પૂર્વજોની માટીની સુગંધથી ખેંચાઈને આવ્યા છો. આવતીકાલે જેમને પ્રવાસી ભારતીય સન્માન મળવાનું છે. તેમને હું મારા તરફથી અગ્રીમ શુભકામનાઓ આપું છું. આજનો દિવસ મારા માટે પણ ખાસ છે. જેમ કે સુષ્માજી કહી રહ્યા હતા, હું તમારી સામે પ્રધાનમંત્રીની સાથે સાથે કાશીના સાંસદ હોવાના નાતે એક યજમાનના રૂપમાં ઉપસ્થિત થયો છું. બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદ આપ સૌની ઉપર બનેલા રહે એવી જ મારી પ્રાર્થના છે.
સાથીઓ, આજે તમારી સાથે મારી વાત શરુ કરતા પહેલા હું ડોક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના નિધન પર મારો શોક વ્યક્ત કરવા માંગું છું. તુમકુરના શ્રી સિદ્ધ ગંગા મઠમાં મને અનેકવાર તેમના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો હતો. અને જ્યારે પણ હું તેમને મળતો હતો તો તેઓ એક દીકરાની જેમ મને એટલો સ્નેહ કરતા હતા, એટલા આશીર્વાદ આપતા હતા. એવા મહાન સંત મહાઋષિનું ગમન આપણા સૌની માટે ખુબ દુઃખદ છે, માનવ કલ્યાણ માટે તેમના યોગદાનને દેશ હંમેશા યાદ રાખશે. હું આદરપૂર્વક તેમને નમન કરું છું. તેમને શ્રદ્ધાંજલિ આપું છું.
ભાઈઓ અને બહેનો, દુનિયાભરમાં વસેલા આપ સૌ ભારતીયો સાથે સંવાદ કરવાનું આ અભિયાન આપણા સૌના પ્રિય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ શરુ ર્ક્યું હતું. અટલજીના ગયા પછી આ પ્રથમ પ્રવાસી ભારતીય સંમેલન છે. આ પ્રસંગે હું અટલજીને શ્રદ્ધાસુમન અર્પિત કરું છું, તેમની આ વિરાટ વિચારધારા માટે નમન કરું છું.
સાથીઓ, આપ સૌ કાશીમાં છો અને એટલા માટે હું કાશી અને આપ સૌમાં એક સમાનતા પણ જોઈ રહ્યો છું. બનારસ નગરી ચીરકાળથી જ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને જ્ઞાનની પરંપરા વડે દુનિયામાં દેશનો પરિચય કરાવતી રહી છે. તમે પણ તમારા દિલોમાં ભારત અને ભારતીયતાનું જતન કરીને આ ધરતીની ઉર્જા તેના વડે દુનિયાને પરિચિત કરાવી રહ્યા છો. સાથીઓ, હું તમને ભારતના બ્રાંડ એમ્બેસેડર માનવાની સાથે સાથે ભારતના સામર્થ્ય અને ભારતની ક્ષમતાઓ, દેશની વિશેષતાના પ્રતિનિધિ પણ અને પ્રતિક પણ માનું છું. એટલા માટે તમે હમણાં જે પણ દેશમાં રહી રહ્યા છો, ત્યાના સમાજને પણ તમે પોતાનાપણું આપ્યું છે. ત્યાંની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાને સમૃદ્ધ કરી છે. તમે‘વસુધૈવ કુટુંબકમ’ આ ભારતીય દર્શનનો આપણા પારિવારિક મુલ્યોનો વિસ્તાર કર્યો છે. આપ સૌ જે દેશમાં વસેલા છો ત્યાંના સમાજના લગભગ દરેક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકામાં જોવા મળો છો, મોરેશિયસને શ્રી પ્રવીણ જગન્નાથજી સંપૂર્ણ સમર્પણ સાથે આગળ વધારી રહ્યા છે. તે સિવાય પોર્ટુગલ, ત્રિનાડ, ટોબેગો અને આયર્લેન્ડ જેવા અનેક દેશોને આવા સક્ષમ લોકોનું નેતૃત્વ મળ્યું છે. જેમના મૂળ ભારતમાં રહેલા છે.
સાથીઓ, આપ સૌના સહયોગ વડે વીતેલા સાડા ચાર વર્ષોમાં ભારતે દુનિયામાં પોતાનું સ્વાભાવિક સ્થાન પ્રાપ્ત કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. પહેલા લોકો કહેતા હતા કે ભારત બદલાઈ નહી શકે. અમે આ વિચારધારાને જ બદલી નાખી છે. અમે બદલાવ કરીને દેખાડ્યો છે.
સાથીઓ, દુનિયા આજે આપણી વાતને, આપણા સૂચનોને પૂરે પૂરી ગંભીરતા સાથે સાંભળી પણ રહી છે અને સમજી પણ રહી છે. પર્યાવરણની સુરક્ષા અને વિશ્વની પ્રગતિમાં ભારતના યોગદાનને દુનિયા સ્વીકારી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના સૌથી મોટા પર્યાવરણ પુરસ્કાર ચેમ્પિયન્સ ઓફ ધ અર્થની સાથે સાથે સીઓલ પીસ પ્રાઈઝનું મળવું એ આનું જ પરિણામ છે.
સાથીઓ, આજે ભારત અનેક બાબતોમાં દુનિયાની આગેવાની કરવાની સ્થિતિમાં છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ એટલે કે આઈએસએ એવું જ એક મંચ છે. તેના માધ્યમથી આપણે દુનિયાને વન વર્લ્ડ, વન સન, વન ગ્રીડ તે બાજુ લઇ જવા માંગીએ છીએ. આ અમારા તે લક્ષ્યનો પણ ભાગ છે જે અંતર્ગત આપણે ભારતની સમસ્યાઓ માટે એવા સમાધાનો તૈયાર કરી રહ્યા છીએ જેનાથી બીજા દેશોની તકલીફો પણ દૂર થઇ શકે. સ્થાનિક ઉપાય વૈશ્વિક અમલીકરણના દ્રષ્ટિકોણ સાથે અમે કામ કરી રહ્યા છીએ. સુધારો, પ્રદર્શન અને પરિવર્તન અને સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્ર પર ચાલીને દેશે વીતેલા સાડા ચાર વર્ષોમાં શું મેળવ્યું તેની એક ઝાંખી હું તમારી સામે રજૂ કરવા માંગું છું.
આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતી આર્થિક તાકાત છે. તો ખેલકૂદમાં પણ આપણે મોટી શક્તિ બનવાની દિશામાં નીકળી પડ્યા છીએ. આજે માળખાગત બાંધકામના મોટા અને આધુનિક સંસાધન બની રહ્યા છે તો અવકાશ ક્ષેત્રમાં પણ રેકોર્ડ બનાવી રહ્યા છીએ.
આજે આપણે દુનિયાનું સૌથી મોટું સ્ટાર્ટ-અપ ઇકો સીસ્ટમ છીએ તો દુનિયાની સૌથી મોટી આરોગ્ય કાળજી યોજના આયુષ્માન ભારત પણ ચલાવી રહ્યા છીએ. આજે આપણો યુવાન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રેકોર્ડ સ્તર પર મોબાઈલ ફોન, કાર, બસ, ટ્રક, ટ્રેન બનાવી રહ્યો છે તો ત્યાં જ બીજી બાજુ ખેતરોમાં રેકોર્ડ અનાજ ઉત્પન્ન થઇ રહ્યું છે. તમને એક હું ઉદાહરણ આપું છું.
સાથીઓ, તમારામાંથી અનેક લોકોએ આપણા દેશના એક પૂર્વ પ્રધાનમંત્રીની ભ્રષ્ટાચારને લઇને એક વાત જરૂરથી સાંભળી હશે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીમાંથી જે પૈસા મોકલે છે તેના માત્ર 15 ટકા જ લોકો સુધી પહોંચી શકે છે. જો દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે છે તો 15 પૈસા ગામડામાં પહોંચે છે, 85 પૈસા છૂમંતર થઇ જાય છે. આ એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ આપણા દેશમાં કહ્યું હતું. આટલા વર્ષો સુધી દેશમાં જે પાર્ટીએ શાસન કર્યું, તેણે દેશને જે વ્યવસ્થા આપી હતી તે સચ્ચાઈને પ્રધાનમંત્રી હોવા છતાં તેમણે સ્વીકાર કર્યો હતો. પરંતુ અફસોસ એ રહ્યો કે પછીના પોતાના 10-15 વર્ષના શાસનમાં પણ આ લૂંટને, આ લીકેજને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નહી. બીમારી તો ખબર પડી, બીમારીને સ્વીકાર પણ કરી પરંતુ ઈલાજ કરવાની દિશામાં ના તો કઈ વિચાર્યું કે ના તો કઈ કર્યું. દેશનો મધ્યમ વર્ગ ઈમાનદારી સાથે ટેક્સ આપતો રહ્યો છે અને 85 ટકાની આ લૂંટ પણ ચાલતી રહી છે.
સાથીઓ, હવે હું તમને આજની સચ્ચાઈ પણ જણાવવા માંગું છું. અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ 85 ટકાની લૂંટને શત પ્રતિશત ખતમ કરી નાખી છે. વીતેલા સાડા ચાર વર્ષોમાં લગભગ લગભગ 5 લાખ 80 હજાર કરોડ રૂપિયા.. એટલે કે લગભગ લગભગ 80 બિલીયન ડોલર અમારી સરકારે જુદી જુદી યોજનાઓ અંતર્ગત સીધા લોકોને આપ્યા, તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કોઈને ઘરની માટે, કોઈને અભ્યાસ માટે, કોઈને શિષ્યવૃત્તિ માટે, કોઈને ગેસ સીલીન્ડર માટે, કોઈને અનાજ માટે આ રકમ આપવામાં આવી છે. હવે તમે અંદાજો લગાવો જો દેશ પોતાના જૂના રીતભાતોથી જ ચાલતો રહેતો હોત તો આજે પણ આ 5 લાખ 80 હજાર કરોડ રૂપિયામાં લગભગ લગભગ સાડા ચાર લાખથી પણ વધુ હજાર કરોડ.. સાડા ચાર લાખ હજાર કરોડથી વધુ… આ રકમ છૂમંતર થઇ જાત, લીક થઇ જાત, જો આપણે વ્યવસ્થામાં બદલાવ ન લાવત તો આ રકમ એ જ રીતે લૂંટી લેવામાં આવત જે રીતે પ્રધાનમંત્રીએ સ્વિકાર કર્યું હતું કે લૂંટી લેવામાં આવતી હતી.
સાથીઓ, આ સુધારો પહેલા પણ થઇ શકે તેમ હતો પરંતુ નીતિ નહોતી, ઈચ્છાશક્તિ નહોતી અને નીતિની અપેક્ષા કરવી જરા અઘરી લાગતી હતી. અમારી સરકાર હવે તે રસ્તા ઉપર ચાલી રહી છે કે સરકાર દ્વારા અપાનારી દરેક મદદ સીધા લાભ હસ્તાંતરણ યોજના અંતર્ગત સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવે. હું તમને એક બીજો આંકડો આપું છું. પાછલા સાડા ચાર વર્ષમાં અમારી સરકારે લગભગ લગભગ 7 કરોડ એવા નકલી લોકોને ઓળખીને તેમને વ્યવસ્થામાંથી હટાવ્યા છે. આ 7 કરોડ લોકો એવા હતા કે જેઓ ક્યારેય જન્મ્યા જ નહોતા, જેઓ હકીકતમાં હતા જ નહી, પરંતુ આ 7 કરોડ લોકો સરકારી સુવિધાઓનો લાભ લઇ રહ્યા હતા. કાગળ ઉપર તેઓ હતા, કાગળ ઉપર જન્મ્યા પણ ખરા, મોટા પણ થયા અને ફાયદો પણ ઉઠાવતા રહ્યા. તમે વિચારો આખા બ્રિટનમાં જેટલા લોકો છે, સંપૂર્ણ ફ્રાંસમાં જેટલા લોકો છે, આખા ઇટલીમાં જેટલા લોકો છે એવા અનેક દેશોની જનસંખ્યા કરતા વધારે આપણે ત્યાં એવા લોકો હતા કે જેઓ માત્ર કાગળોમાં જ જીવી રહ્યા હતા અને કાગળોમાં જ સરકારી સુવિધાઓનો લાભ જતો રહેતો હતો. આ 7 કરોડ નકલી લોકોને દૂર કરવાનું કામ અમારી સરકારે કર્યું છે. આ તે બદલાવની એક ઝાંખી છે જે પાછલા સાડા ચાર વર્ષોમાં દેશમાં આવવાનું શરુ થયું છે.
સાથીઓ, આ દેશમાં થઇ રહેલા મોટા પાયા ઉપરના પરિવર્તનની, ન્યુ ઇન્ડિયાના નવા આત્મવિશ્વાસની એક ઝાંખી માત્ર છે. ભારતના ગૌરવશાળી અતીતને ફરીથી સ્થાપિત કરવા માટે 130 કરોડ ભારતવાસીઓના સંકલ્પનું આ પરિણામ છે. અને હું આજે ખૂબ ગર્વ સાથે કહેવા માંગું છું કે આ સંકલ્પમાં તમે પણ સામેલ છો.
સાથીઓ, સરકારનો પુરેપુરો પ્રયાસ છે કે આપ સૌ જ્યાં પણ રહો, સુખી રહો અને સુરક્ષિત રહો. વિતેલા સાડા ચાર વર્ષો દરમિયાન સંકટમાં ફસાયેલા 2 લાખથી વધુ ભારતીયોને સરકારના પ્રયાસો વડે દુનિયાના જુદા જુદા દેશોમાં મદદ પહોંચાડવામાં આવી છે. તમારી સામાજિક સુરક્ષાની સાથે સાથે પાસપોર્ટ, વિઝા, પીઆઈઓ અને ઓસીઆઈ કાર્ડને લઇને પણ તમામ પ્રક્રિયાઓને સરળ કરાવવાની કોશિષ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
પ્રવાસી ભારતીયો માટે કેટલાક મહિના પહેલા જ એક નવું પગલું ભરવામાં આવ્યું છે. દુનિયાભરમાં આપણા દૂતાવાસો અને કાઉન્સેલેટસને પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેનાથી આપ સૌની માટે પાસપોર્ટ સેવા સાથે જોડાયેલ એક કેન્દ્રીય તંત્ર તૈયાર થઇ જશે. પરંતુ હવે તો એક પગલું આગળ વધારીને ચીપ આધારિત ઈ-પાસપોર્ટ જાહેર કરવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે.
સાથીઓ, પાસપોર્ટની સાથે સાથે વિઝા સાથે જોડાયેલ નિયમોને પણ સરળ બનાવવામાં આવી રહ્યા છે. ઈ-વિઝાની સુવિધા મળવાથી તમારા સમયની બચત પણ થઇ રહી છે અને પરેશાનીઓ પણ ઓછી થઇ છે. હજુ પણ કોઈ સમસ્યા તેમાં છે તો તેમાં સુધારા માટે પણ પગલા ભરવામાં આવી રહ્યા છે. તમારામાંથી અનેક એ વાતથી પણ પરિચિત હશો કે અમારી સરકારે પીઆઈઓ કાર્ડને ઓસીઆઈ કાર્ડમાં બદલવાની પ્રક્રિયાને પણ સરળ બનાવી છે. સાથીઓ, તમે તમારી માટીથી ભલે દૂર હોવ, પરંતુ ન્યુ ઇન્ડિયાના નિર્માણમાં તમારી સક્રિય ભાગીદારીમાં હજુ વધારે વૃદ્ધિ થાય તેની માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ભારતમાં જે પરિવર્તનો આવી રહ્યા છે, જે નવા અવસરો બની રહ્યા છે, તેમાં તમારું યોગદાન ખુબ વધારે મહત્વપૂર્ણ છે. બદલાતા આ ભારતમાં તમે સંશોધન અને વિકાસ અને નવાચારમાં મોટી ભૂમિકા ભજવી શકો છો. સરકાર એ પણ પ્રયાસ કરી રહી છે કે ભારતના સ્ટાર્ટ-અપ અને એનઆરઆઈ મેન્ટર્સને એક સાથે એક મંચ પર લાવવામાં આવે. ડીફેન્સ ઉત્પાદન પણ તમારી માટે એક મુખ્ય ક્ષેત્ર બની શકે છે.
ભાઈઓ અને બહેનો મા ભારતીની સુરક્ષા અર્થવ્યવસ્થાની સાથે સાથે પોતાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત સાથે પણ તમારો લગાવ વધુ મજબૂત થાય તેના માટે પ્રવાસી તીર્થ દર્શન યોજનાની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. હું આ મંચ પર પહેલા પણ કહી ચુક્યો છું અને આજે ફરી પુનરોચ્ચાર કરવા માંગું છું કે તમે જે પણ દેશમાં રહેતા હોવ ત્યાંથી પોતાની આસપાસના ઓછામાં ઓછા પાંચ પરિવાર અને તે પણ બિન-ભારતીય પાંચ પરિવારોને ભારત આવવા માટે પ્રેરિત કરો. તમારો આ પ્રયાસ દેશમાં પ્રવાસનને વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. એ જ રીતે તમે આ વર્ષે ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર પોતાના જ દેશમાં રહીને પણ કઈ રીતે તેમની વાતોને, ભારતની વાતોને અન્ય લોકો સુધી પહોંચાડશો. તેના પર પણ વિચાર કરો. છેલ્લા કેટલાક દિવસોમાં સુષ્માજીના નેતૃત્વમાં દુનિયાના અનેક દેશોમાં એક સારો પ્રયોગ થયો છે. ત્યાંની આપણા બધા જ દુતાવાસોએ ગાંધી 150 જયંતી પર તે દેશના કલાકારોને ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ ગાંધીજીનું પ્રિય ભજન તેમને ગાવા માટે વિનંતી કરી. યુટ્યુબ પર તેનો આખો વિડીયો ઉપલબ્ધ છે. તમે પણ આશ્ચર્યચકિત રહી જશો કે વિદશના નાગરિકો, વિદેશના કલાકાર કેટલા ભક્તિભાવથી ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ ગાઈ રહ્યા છે. એક પ્રકારે ગાંધી ગ્લોબલ છે, એ અનુભૂતિ આપણે સૌ આને સાંભળીને કરી શકીએ છીએ. અને એટલા માટે કેટલાક વિશેષ કાર્યક્રમો જો તમે કરવા માંગો તો ભારતીય દુતાવાસ એમ્બેસી દ્વારા પણ તમારી શક્ય તમામ મદદ કરવામાં આવશે. આ વર્ષે આપણે સૌ ગુરુ નાનકદેવજીની 550મી જયંતી પણ ઉજવી રહ્યા છીએ. ગુરુવાણીને આપણે કઈ રીતે બીજા દેશોના લોકો સુધી પહોચાડી શકીએ, તેમને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી કઈ રીતે પરિચિત કરાવી શકીએ તે વિષયમાં પણ હું ઈચ્છીશ કે તમે જે પણ દેશમાં હોવ, કઈ ને કઈ યોજનાઓ બનતી રહેવી જોઈએ, કઈ ને કઈ પ્રયાસ થતો રહેવો જોઈએ. સાથીઓ, આ વાતો માત્ર સૂચનના રૂપમાં તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. મને ખબર છે કે તમારામાંથી ઘણાં બધા લોકો પહેલેથી જ આવું કરતા રહ્યા છો, પરંતુ તમારી સાથે એવો સ્નેહ છે કે હું મારી જાતને રોકી નથી શકતો.
હું ખાસ કરીને આજે ઉત્તર પ્રદેશ સરકારને પણ અભિનંદન આપવા માંગું છું, સામાન્ય રીતે કોઈ રાજ્યમાં પ્રવાસી ભારતીય દિવસનો આટલો મોટો કાર્યક્રમ કરવાનો હોય, દુનિયાના આટલા મહેમાનો આવવાના હોય, તો તે રાજ્યને ઘણી મહેનત કરવી પડે છે, ઘણી બધી યોજનાઓ કરવી પડે છે. લગભગ લગભગ એક વર્ષ તેમાં લાગી જાય છે. અને એક કાર્યક્રમ કર્યા પછી એક વર્ષ થાક ઉતારવામાં જતું રહે છે. હું ઉત્તર પ્રદેશને એટલા માટે અભિનંદન આપવા માંગું છું કે કુંભ જેટલો આટલો મોટો કાર્યક્રમ ચાલી રહ્યો હોય, આટલી મોટી વ્યવસ્થા લાગેલી હોય, કુંભ મેળાની તૈયારીમાં 2-૩ વર્ષ સતત કામ કરવું પડે છે. અને મને સંકોચ થઇ રહ્યો હતો કે કુંભના મેળાની જવાબદારી ઉત્તર પ્રદેશની પાસે છે, બધા જ સરકારી મશીનો તેમાં વ્યસ્ત છે. 10 કરોડ લોકો ત્યાં આવવાની સંભાવના છે. એવામાં કાશીમાં આ કાર્યક્રમ કરીએ કે ના કરીએ. મારા મનમાં આ થોડો ખચકાટ હતો પરંતુ હું યોગીજીને, તેમની આખી ટીમને, ઉત્તર પ્રદેશના વહીવટી તંત્ર અન શાસનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે ઉત્તર પ્રદેશની સરકાર, ઉત્તર પ્રદેશની અમલદારશાહી, ઉત્તર પ્રદેશના મુલાઝીમ પણ દુનિયામાં કોઈ કરતા ઉતરતા નથી. અને એટલા માટે હું તેમને વિશેષ અભિનંદન આપું છું. હું કાશીવાસીઓને માથું નમાવીને પ્રણામ કરવા માંગું છું કારણ કે મેં પ્રવાસી ભારતીય દિવસને ગુજરાતમાં પણ આયોજિત કરેલો છે. અને કદાચ ગુજરાતના મુખ્યમંત્રી કહો કે આજે પ્રધાનમંત્રીના પદ ઉપર જુઓ, કદાચ હિન્દુસ્તાનમાં એક એવો માણસ છું કે જે લગભગ લગભગ બધા જ પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યો છે. જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે પણ આવતો હતો, પ્રધાનમંત્રી બન્યા પછી તો જવાબદારી બને છે. એકવાર માત્ર હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થયો હતો. ગુજરાતમાં પણ હું યજમાન હતો, પરંતુ કાશીએ જે રીતે આ કાર્યક્રમને સરકારી કાર્યક્રમ નથી બનવા દીધો, જનતા જનાર્દનનો કાર્યક્રમ બની ગયો છે, દરેક કાશીવાસીએ તેને પોતાનો કાર્યક્રમ બનાવી દીધો છે. લગભગ લગભગ ચારસો લોકો પરિવારોમાં રોકાયા છે અને અને અહિયાંની ટેન્ટ સીટીનું દ્રશ્ય જ એવું છે કે મને જણાવવામાં આવ્યું છે કે કેટલાય લોકો કે જેઓ હોટેલોમાં રોકાયા હતા તેઓ હોટેલ છોડીને ટેન્ટ સીટીની મજા માણવા જતા રહ્યા છે. એક નવો અનુભવ કરવા માટે જતા રહ્યા છે. હું સમજુ છું કે ગયા બે મહિનાથી હું સતત જોઈ રહ્યો હતો. કાશીવાસીઓએ કાશીને એક રીતે વૈશ્વિક કેન્દ્ર બનાવી દીધું હોય એવો માહોલ બની ગયો હતો. અહિયાં આવેલો દરેક મહેમાન કાશીવાસીને લાગી રહ્યું છે કે જાણે તે તેના પોતાના પરિવારનો જ મહેમાન હોય. એવું વાતાવરણ પ્રવાસી ભારતીય સંમેલનોમાં આની પહેલા હું ક્યારેય નથી જોઈ શક્યો, જે કાશીવાસીઓએ બતાવ્યું છે. અને એટલા માટે હું કાશીવાસીઓને વિશેષ રૂપે પ્રણામ કરું છું. હું સ્થાનિક વહીવટીતંત્રને પણ, અહિયાંના અધિકારીઓને પણ હૃદયથી ખુબ ખુબ અભિનંદન આપું છું કે તેમણે પોતાના જોરે આટલી મોટી અર્થવ્યવસ્થાને ચલાવી, વધારી અને આગળ વધારી. અને આ બધાની પાછળ સુષ્માજીનું નેતૃત્વ અને તેમની આખી ટીમ તેઓ તો અભિનંદનના હકદાર છે જ છે. કાશીનું ગૌરવ વધ્યું તો અહિયાંના સાંસદ હોવાના નાતે મારી ખુશી જરા ચાર ગણી વધારે વધી જાય છે.
મહેનત તમે લોકોએ કરી, યોજના તમે લોકોએ બનાવી, પરસેવો તમે લોકોએ પાડ્યો, દિવસરાત સુતા વિના, થાક્યા વિના તમે લોકો ચાલતા રહ્યા, પરંતુ લોકો પીઠ મારી થપથપાવી રહ્યા છે. આ તમારો પ્રેમ છે, તમારી મહેનત છે, જેના કારણે આ શક્ય બની શક્યું છે અને એટલા માટે કાશીના સાંસદ હોવાના નાતે મારી આ કર્મભૂમિના નાતે હું આજે એક વિશેષ સંતોષની લાગણીનો અનુભવ કરી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે મારી કાશી તમારા માધ્યમથી ફરી એકવાર દુનિયાના દરેક વ્યક્તિના દિલમાં જગ્યા બનાવશે અને દરેકને કાશી આવવાનું મન થાય. હું અંતમાં ફરી એકવાર આપ સૌનો કાશીમાં પધારવા માટે હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર પ્રગટ કરું છું. ભારતમાં તમારો આ પ્રવાસ સુખદ રહે, એ જ કામના સાથે ખુબ ખુબ આભાર માનું છું, હું વ્યક્તિગત રૂપે પ્રધાનમંત્રીના રૂપમાં નહી, સાંસદના રૂપમાં નહી, વ્યક્તિગત મારા આનંદ માટે પાછલા એક બે વર્ષોથી કાર્યક્રમો કરી રહ્યો છું. ભારતમાં માર્ચ મહિનો એક રીતે પરીક્ષાનો મહિનો હોય છે અને 10મા 12માંની પરીક્ષા એટલે કે પરિવારમાં આખું વર્ષ એક તણાવનું વાતાવરણ હોય છે. દરેકને લાગે છે કે બાળકને 10મામાં વધુ માર્ક્સ મળે, 12મામાં વધુ માર્ક્સ મળે, એક તણાવનો માહોલ ઉભો થાય છે. તો હું હંમેશા પ્રયત્ન કરી રહ્યો છું કે પરીક્ષા પહેલા બધા જ બાળકો સાથે, તેમના માતાપિતા સાથે, તેમના વાલી સાથે, તેમના શુભેચ્છકો સાથે, તેમના શિક્ષકો સાથે હું સંવાદ કરું અને પરીક્ષાને મોટું સંકટ ના માને લોકો તેની માટે જે પણ વાતો સમજાવી શકું હું સમજાવું. મને ખુશી છે કે આ 29મી જાન્યુઆરીના રોજ હું દેશભરના અને આ વખતે તો વિદેશના લોકો પણ જોડાઈ રહ્યા છે. તેમના બાળકો પણ, તેમના કુટુંબના લોકો પણ નરેન્દ્ર મોદી એપના માધ્યમથી, વિડીયોના માધ્યમથી જોડાવાના છે. કરોડો કરોડો પરિવારોની સાથે એક્ઝામ વોરીયર્સના સંબંધમાં હું સંવાદ કરવાનો છું. બાળકો સાથે વાતચીત કરવાનો છું અને પરીક્ષાનો તણાવ બાળકોને ના રહે તેની માટે જે પણ રીત ભાતો જણાવી શકું, હું કહેવાનો છું, 29 જાન્યુઆરી, 11 વાગ્યે, મને વિશ્વાસ છે કે તમે પણ તમારા પરિવારના લોકોને સુચના આપશો કે ત્યાં તમારા પરિવારના લોકો પણ જો આ એક્ઝામના આ સમયગાળામાંથી પસાર થઇ રહ્યા હોય તો તેઓ પણ તેનો ફાયદો ઉઠાવી શકે છે.
હું એકવાર ફરી આ ભવ્ય યોજના માટે અને અમારા મિત્ર પ્રવિંદ જગન્નાથજીનું પરિવાર સાથે અહિયાં આવવું, સમય આપવો, આ કાર્યક્રમની શોભા વધારવી, હું તેની માટે તેમનો હૃદયપૂર્વક ખુબ આભાર વ્યક્ત કરું છું. તેમના પિતાજીએ મોરેશિયસને બનાવવામાં ખુબ મોટી ભૂમિકા ભજવી છે. એક રીતે આધુનિક મોરેશિયસના તેઓ નિર્માતા છે. તેમનો પણ તેટલો જ પ્રેમ અમારા બધા ઉપર બનેલો છે. છેલ્લા કેટલાક સમયમાં તેમના પિતાજી વિશેષ રૂપે પરિવાર સાથે કાશીની યાત્રા માટે આવ્યા હતા, આજે પ્રવિંદજીનું આવવાનું થઇ ગયું, પરિવારની સાથે કવિતાજીને લઇને આવી ગયા છે. હું માનું છું કે તેમનો ભારત પ્રત્યે જે અપાર સ્નેહ છે. તે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. તેમણે સમય આપ્યો, શોભા વધારી, તેમનો પણ આભાર પ્રગટ કરું છું. હું ફરી એકવાર આપ સૌને અનેક અનેક શુભકામનાઓની સાથે તમારો ખુબ ખુબ આભાર!