મારું એ સૌભગ્ય છે કે ફરી એક વખત મને આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો છે. ગત મહિને લુધિયાણા આવ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે સમયના અભાવને લીધે હું ભટિંડા નથી જઈ શક્યો પરંતુ ટૂંકમાં જ ભટિંડા આવીશ અને આજે એ વચન પૂરું કરી રહ્યો છું.
દેશના વિકાસમાં રોડ બને, એરપોર્ટ બને, રેલ ચાલે, એનું જેટલું મહત્વ છે, તેનાથી પણ વધુ સામાન્ય નાગરિકો માટે સામાજિક માળખું (સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર), જેમાં શાળા હોય, હોસ્પિટલ હોય, ગરીબમાં ગરીબની સેવા હોય, ગરીબમાં ગરીબને શિક્ષણ મળે ત્યારે જઈને સમાજ શક્તિશાળી બને છે. અને આજે ભારત સરકાર અને પંજાબ સરકાર સાથે મળીને, ખભાથી ખભો મિલાવીને ગામ, ગરીબ ખેડૂત, ખેડૂત, દૂર-દૂરના વિસ્તારો, તેમના જીવનમાં બદલાવ લાવવા માટે, જ્યાં વિજળી નથી, વિજળી પહોંચે, જ્યાં પાણી નથી ત્યાં પાણી પહોંચે, જ્યાં હોસ્પિટલ નથી ત્યાં હોસ્પિટલ બને, જ્યાં સ્કૂલ નથી, ત્યાં સ્કૂલ બને, તેના પર કામ કરવા પર જોર આપી રહી છે. અને તેના જ અંતર્ગત આજે ભટિંડામાં સવા નવ સો કરોડથી વધુ રૂપિયા, આશરે હજાર કરોડ રૂપિયાના રોકાણથી એઈમ્સનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ એઈમ્સ માત્ર બિમારોની બિમારી દૂર કરશે એવું નથી, પેરા મેડિકલનું શિક્ષણ, નર્સિંગનું શિક્ષણ, ડોક્ટરીનું શિક્ષણ, અહીંના નવ યુવાનોના જીવનમાં, પૂરે પૂરું તેમનું ભવિષ્ય, અને એક પેઢીનું નહીં, આવનારી પેઢીઓનું પણ ભવિષ્ય બદલવાની શક્તિ આ એઈમ્સની યોજનામાં રહી છે.
આ વિસ્તારનું કેટલું મોટું ભલું થશે એ અંગે મારા પૂર્વ વક્તાઓએ તેની વિસ્તાર પૂર્વક ચર્ચા કરી છે. અને જે રીતે બાદલ સાહેબ કહી રહ્યા હતા કે ઉદ્ઘાટનની ચર્ચા આ સરકારનો સ્વભાવ છે. જે કામનો અમે શિલાન્યાસ કરીએ છીએ, તેનું ઉદ્ઘાટન પણ અમારા જ કાર્યકાળમાં કરીએ છીએ, નહિતર પહેલા ચૂંટણી આવતા જ દરેક ગલી-મહોલ્લામાં જઈને પત્થર ઊભા કરીને આવી જતા હતા. લોકોને સમજાવી દેતા હતા કે આ થશે, તે થશે, અને પછી ભૂલી જતા હતા. અમે તો યોજના બનાવીએ છીએ તો પૂછીએ છીએ કે ભાઈ જણાવો કે કઈ તારીખે પૂરી કરશો, અને ત્યારે જઈને દેશમાં ગતિ આવે છે. અને તાજેતરના દિવસોમાં તો મેં જોયું છે, ભારત સરકાર યોજના જે લે છે, તેની તારીખ નક્કી કરે છે અને પછી બનાવનારાઓમાં સ્પર્ધા ઊભી થઈ જાય છે. કેટલાક લોકો સમયની પહેલા પૂરી કરી નાખે છે અને એવા લોકોને હું પુરસ્કાર પણ આપું છું જથી દેશમાં જલદી કામ કરવાની ટેવ પડી જાય.
ભાઈઓ, બહેનો પાકિસ્તાન અહીંથી દૂર નથી. સરહદ પર રહેનારા, સરહદ પારથી થનારા અત્યાચારો સહન કરતા રહે છે. સેનાના જવાન છાતીમાં દમ હોય, હાથમાં હથિયાર હોય, તેમ છતાં પણ પોતાના પરાક્રમ નથી દેખાડી શકતા, તેમણે સહન કરવું પડે છે. ભાઈઓ, બહેનો, આપણી સેનાની તાકાત જુઓ, 250 કિલોમીટર લાંબા પટ પર જ્યારે આપણા બહાદૂર જવાનોએ સર્જિકલ સ્ટ્રાઈક કરી, સરહદ પાર મોટો હડકંપ મચી ગયો, હજુ પણ તેમનો મામલો થાળે નથી પડી રહ્યો. પરંતુ હું પાકિસ્તાનના પાડોશમાં આજે ઊભો છું ત્યારે, સરહદ પર ઊભો છું ત્યારે, હું ફરી એક વખત પાકિસ્તાનની જનતા સાથે વાત કરવા માગું છું. હું પાકિસ્તાનની જનતાને કહેવા માગું છું કે, આ હિન્દુસ્તાન છે, અહીંના સવા સો કરોડ દેશવાસીઓ છે. પેશાવરમાં જ્યારે બાળકોને મારી નખાય છે, સવા સો કરોડ હિન્દુસ્તાનીઓની આંખમાંથી આસું ટપકે છે. આપનું દર્દ દરેક હિન્દુસ્તાનીને પોતાનું દર્દ લાગે છે. પાકિસ્તાનની જનતા નક્કી કરે, તેમના સત્તાધિશો પાસેથી જવાબ માગે, અરે લડવું હોય તો ભષ્ટ્રાચારથી લડો, લડવું હોય તો કાળા નાણાં સામે લડો, લડવું હોય તો નકલી નોટો સામે લડો, અરે લડવું જ હોય તો ગરીબી સામે લડો. આ ભારતની સાથે લડીને પોતાને પણ બરબાદ કરી રહ્યા છો અને નિર્દોષોના મોતના ગૂનેગાર બનતા જાઓ છો, અને તેથી પાકિસ્તાનની જનતા પણ ગરીબીથી મુક્તિ ઈચ્છે છે. કોઈ કારણ નથી, પોતાની રાજનૈતિક મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે આ તણાવનો માહોલ જાળવી રાખવામાં આવે છે. અને હવે પાકિસ્તાને જોઈ લીધું છે કે ભારતીય સેનામાં પણ કેટલી તાકાત છે, આપણા સૈનિકોની તાકાત કેટલી છે, હવે પરિચય કરાવી દીધો છે.
ભાઈઓ, બહેનો ઈન્ડસ વોટર ટ્રીટી- સતલજ, બ્યાસ, રાવી, આ ત્રણ નદીઓનું પાણી, એમાં જે હિન્દુસ્તાનના હક્કનું પાણી છે, આ મારા કિશાન ભાઈઓના હક્કનું પાણી છે. એ પાણી આપના ખેતરોમાં નથી આવી રહ્યું, પાકિસ્તાનના માધ્યમથી સમુદ્ર વહી જાય છે. નથી પાકિસ્તાન તેનો ઉપયોગ કરતું કે નથી હિન્દુસ્તાનના ખેડૂતોના નસીબમાં આવે છે. હું એક નક્કર મક્કમતા સાથે આગળ વધી રહ્યો છું. મેં એક ટાસ્ક ફોર્સ બનાવી છે, એ ઈન્ડસ વોટર ટ્રીટી જે છે, જેમાં હિન્દુસ્તાનના હક્કનું જે પાણી છે, જે પાકિસ્તાનમાં વહી જાય છે, હવે એ ટીપે ટીપું રોકીને હું પંજાબમાં, જમ્મુ-કાશ્મીરના, હિન્દુસ્તાનના ખેડૂતો માટે એ પાણી લાવવા કૃતનિશ્ચિયી છું.
ભાઈઓ, બહેનો, કોઈ કારણ નથી, કે અમે અમારા હક્કનો પણ ઉપયોગ ન કરીએ. અરે મારા ખેડૂતો પાણી વગર તરસ્યા રહે. આપના મને આશિર્વાદ જોઈએ છે, ભાઈઓ, બહેનો, આપના ખેતરોમાં પણ લબોલબ પાણી ભરવાનો ઈરાદો લઈને હું ચાલી રહ્યો છું. પાણીની સમસ્યાનું સમાધાન છે. હળી-મળીને રસ્તો કાઢી શકાય છે. પાકિસ્તાનમાં પાણી જતું રહે અને દિલ્હીમાં સરકારો આવી, જતી રહી, સૂતી રહી, અને મારો ખેડૂત રડતો રહ્યો.
ભાઈઓ. બહેનો અને પંજાબના ખેડૂતોને તો જો પાણી મળી જાય, તો માટીમાંથી સોનું પેદા કરીને દેશની તિજોરી ભરી દે છે, દેશનું પેટ ભરી દે છે. એ ખેડૂતોની ચિંતા કરવી, તેમને હક્ક અપાવવો, એ દિલ્હીમાં બેઠેલી સરકાર પણ બાદલ સાહેબ સાથે ખભેથી ખભો મિલાવીને ચાલનારી સરકાર છે.
ભાઈઓ, બહેનો હું આજે ખેડૂતોને એક વાતનો આગ્રહ કરવા માગું છું. કોઈ એ કહેશે કે મોદીને રાજનીતિ આવડતી નથી, ચૂંટણી સામે છે અને ખેડૂતોને આવી સલાહ આપી રહ્યા છે. મારા કિશાન ભાઈઓ, બહેનો મારે ચૂંટણીના ગણિત સાથે કંઈ લેવા દેવા નથી. મને તો મારા કિશાનનું ભલું થાય, એ જ મારો હિસાબ-કિતાબ છે. આપ મને જણાવો કે મારા કિશાન ભાઈઓ, બહેનો આજથી પહેલા જ્યારે આપણને પૂરું જ્ઞાન નહતું, ખેતરોમાં પાક કાપ્યા બાદ આપણી પાસે જે રચકો બચતો હતો તેને આપણે બાળી નાખતા હતા. ત્યારે આપણને વધુ જ્ઞાન નહતું, આપણને લાગતું હતું કે આને લીધે, આને લીધે ખેતરો બરબાદ થઈ રહ્યા છે, બાળી નાખો. કેટલિક વખત ઊતાવળ રહેતી હતી તેથી બાળી નાખો. પરંતુ હવે વિજ્ઞાને સિધ્ધ કરી દીધું છે કે જે ખેતરોમાં પાક થાય છે, તે કાપ્યા બાદ જે વેસ્ટેજ (કચરો) નિકળે છે, તેને રચકો કહો, કંઈ પણ કહો, તે એ ખેતરોમાં જે ધરતી માતા છે તેઓ તેનો ઊત્તમમાંથી ઉત્તમ ખોરાક જોઈએ છે. જો તેની પર એક વખત મશીન ફેરવી નાખો, ટ્રેકટર ફેરવી નાખે, જમીનમાં દાટી દઈએ, તો આપના જ ખેતરની એ ધરતી માતાનો સારામાં સારો ખોરાક હોય છે.
મારા ખેડૂત ભાઈઓ, બહેનો, જે રીતે ધરતી માતાને તરસ લાગે છે, એ જ રીતે ધરતી માતાને ભૂખ પણ લાગે છે, તેને ખોરાક પણ જોઈએ. આ રચકો જો તેના પેટમાં ફરીથી નાખી દેશો, તો આ ધરતી માતા આપને આશિર્વાદ આપે છે, તેનાથી દસ ગણા આશિર્વાદ આપશે અને આપના ખેતરો ફુલશે-ફાલશે ભાઈઓ, બહેનો. અને તેથી તેને ન બાળો, એ આપની સંપત્તી છે. અબજો-ખરવો રૂપિયાની સંપત્તી ન બાળો. અને હું માત્ર પર્યાવરણના નામ પર વાત કરનારી વ્યક્તિ નથી, હું તો સીધે-સીધો ખેડૂતની ભલાઈની વાત કરનારો છું. અને તેથી પંજાબ હોય, હરિયાણા હોય, પશ્ચિમ ઉત્તર પ્રદેશ હોય, ઉત્તરીય રાજસ્થાન હોય, આપણે આ રચકો ન બાળીએ. અને હવે તો વિજ્ઞાન આગળ વધી રહયું છે, આ વેસ્ટેજમાંથી ઈથોનલ બનવાની સ્પષ્ટ સંભાવનાઓ જોવા મળે છે. ભારત સરકાર તેના પર ખૂબજ ઝડપથી કામ કરી રહી છે. આવનારા દિવસોમાં અમારા ખેડૂતોને તેનો લાભ મળશે, અને લાભ મળશે ત્યારે રચકામાંથી પણ પૈસો આવશે. અને તેથી મારા ભાઈઓ, બહેનો, આજથી સંકલ્પ કરો કે આપણી આ ધરતી માતાના હક્કનો જે ખોરાક છે, તેને નહીં બાળીએ, તેને એ જ જમીનમાં દાટી દઈશું, એ ખાતર બની જશે, માનું પેટ પણ ભરાશે, ઉત્તમ પાક પણ થશે, જે દેશનું પણ પેટ ભરશે અને તેથી આજે આપને આગ્રહ કરવા આવ્યો છું.
ભાઈ, બહેનો આપ જાણો છો કે ભષ્ટ્રાચારે, કાળા નાણાંએ, આ દેશના મધ્યમ પરિવારને લૂંટ્યો છે, તેનું શોષણ કર્યું છે અને ભ્રષ્ટાચાર, કાળા નાણાંએ ગરીબોને તેમના હક્કોથી વંચિત રાખ્યા છે. મારે મધ્યમ વર્ગનું શોષણ બંધ કરાવવું છે, તેમના માટે જે લૂંટ થઈ રહી છે, એ લૂંટ બંધ કરાવવી છે અને મારે ગરીબોના જે હક્ક છે તે હક્ક અપાવવા છે. કંઈ પણ કામ કરો, બાળકોને શાળાએ લઈ જવા છે તો પણ સ્કૂલ વાળો કહે છે, આટલા ચેકથી લઈશું, આટલા કેશથી લઈશું, જમીન ખરીદવી છે, તો કહે કે કેશથી આટલા લઈશું, ચેકથી આટલા લઈશું, હોસ્પિટલમાં ડોક્ટર પાસે જવું હોય તો, આટલા કેશ આપો, આટલો ચેક આપો. આ કાળો કારોબાર દેશને ઊધઈની જેમ કોતરતો જઈ રહ્યો છે. અને તેથી ભાઈઓ, બહેનો 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવ્યો છે, નવી નોટો ધીરે ધીરે આવવાની છે અને દેશની જનતાએ જે તકલીફ વેઠી છે, મુશ્કેલીનો સામનો કર્યો છે, ભાઈઓ, બહેનો કરોડો-કરોડો દેશવાસીઓનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો ઓછા પડી જાય છે. આટલી મુશ્કેલી વેઠ્યા બાદ પણ આ સારા કામની સાથે આપ ઊભા છો, ઈમાનદરીના કામની સાથે ઊભા રહ્યા છો.
ભાઈઓ, બહેનો મુશ્કેલીઓનો માર્ગ પણ છે અને એ રસ્તા માટે હું આપની મદદ માગવા આવ્યો છું. આપ, આપની પાસે જે મોબાઈલ ફોન છે, તે માત્ર મોબાઈલ ફોન નથી. આપના મોબાઈલ ફોનને આપ આપની બેન્ક બનાવી શકો છો, આપના મોબાઈલ ફોનને આપ પોતાનું પાકિટ બનાવી શકો છો, એક પણ રૂપિયાની કેશ નોટ ન હોય તો પણ આજે વિજ્ઞાન એવું છે, ટેક્નોલોજી એવી છે, જો આપના પૈસા બેન્કમાં જમા પડ્યા હોય તો આપ મોબાઈલ ફોનથી બજારમાં ખરીદી કરી શકો છો, મોબાઈલ ફોનથી પેમેન્ટ કરી શકો છો, હાથને, રુપિયાને અડ્યા વગર પણ આપનો સમગ્ર કારોબાર કરી શકો છો.
આપણા દેશમાં જેટલા પરિવાર છે, તેનાથી ચાર ગણા લોકોના હાથમાં ટેલિફોન છે. મોબાઈલ ફોન છે. આજે મોબાઈલ બેન્કિંગ ચાલે છે, ભવિષ્યમાં પણ ભ્રષ્ટાચારીઓને જો ફરીથી ઊભા ન થાવા દેવા હોય, કાળા નાણાં વાળાઓને ઊઠવા ન દેવા હોય, તો હું દેશવાસીઓને આગ્રહ કરૂં છું કે આપ આપના મોબાઈલ ફોનમાં જ બેન્કની બ્રાન્ચ બનાવી દો. મોબાઈલ ફોન પર બેન્કોની એપ હોય છે, તેને ડાઉનલોડ કરો. હું નવયુવકોને કહીશ, યૂનિવર્સિટીઓને કહીશ, રાજનેતાઓને કહીશ કે પોતાના વિસ્તારમાં લોકોને પ્રશિક્ષિત કરો, વેપારીઓને શિક્ષિત કરો. દરેકના મોબાઈલમાં જો એપ આવી ગઈ તો હું જે દુકાનમાં જઈશ તેને કહીશ કે મારી પાસે આ એપ છે, મને 200 રૂપિયાનો સામાન જોઈએ છે, આપ મોબાઈલ ફોનમાં નંબર નાખો, 200 રૂપિયા એક સેકન્ડમાં તેની પાસે ચાલ્યા જશે અને તે જોશે કે હા, મારા 200 રૂપિયા આવી ગયા, આપનું કામ થઈ ગયું.
ભાઈઓ, બહેનો હવે એ જમાનો ગયો, કે ખિસામાં નોટ ભરી-ભરીને જવું પડે, ચોર-લૂંટારાનો પણ કોઈ ભય નહીં. ભાઈઓ-બહેનો નકલી નોટ, નકલી નોટ, તેણે આપણા દેશના નવયુવકોને બરબાદ કર્યા છે. મારા દેશના નવ યુવાનોને બચાવવા માટે નકલી નોટોને પણ ખતમ કરવી, એ સમયની માગ છે. અને તેથી મારા પ્યારા ભાઈઓ, બહેનો હું આપને આગ્રહ કરૂં છું, હું આપને આગ્રહ કરવા આવ્યો છું, કે આપ પૂરું સમર્થન આપીને, આ દેશને મહાન બનાવવાનું જે અભિયાન ચાલી રહ્યું છે, એ અભિયાનમાં ખભેથી ખભો મિલાવીને ચાલો, દરેકની મદદ કરો,અને આપણા પંજાબને આગળ લઈ જાઓ.
એ પંજાબનું સૌભાગ્ય છે કે બાદલ સાહેબ જેવા એક મહાન નેતા પંજાબની ધરતી પર છે. આ દેશ એ વાતનો ગર્વ કરે છે જ્યારે હિન્દુસ્તાનના યંગેસ્ટ ચિફ મિનિસ્ટરની (સૌથી યુવા મુખ્યમંત્રી) ચર્ચા થાય છે તો કહેવાય છે કે ભારતના સૌથી યંગેસ્ટ (યુવા) કોઈ મુખ્યમંત્રી હોય તો એ પ્રકાશ સિંહ બાદલ છે. અને આજે હિન્દુસ્તાનમાં સૌથી વરિષ્ઠ મુખ્યમંત્રી કોણ છે તેની ચર્ચા હોય છે તો એ પણ પ્રકાશ સિંહ બાદલ છે. આટલા લાંબા અરસા સુધી જનતા-જનાર્દનનો એક વ્યકિત પ્રત્યે વિશ્વાસ, એ કેટલી મોટી તપસ્યાનો રસ્તો છે જે અમે બધા અનુભવ કરીએ છીએ.
આવો ભાઈઓ, બહેનો, પંજાબના ભાઈઓ, બહેનો, પંજાબના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દિલ્હી આપની સાથે છે, દિલથી આપની સાથે છે, હળી મળીને ચાલવાનું છે, નવું પંજાબ બનાવવાનું છે, અને એઈમ્સથી એક નવું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે જે સ્વસ્થ પંજાબની દીશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.
હું ફરી એક વખત આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું, બાદલ સાહેબનો આભાર માનું છું.