મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભવ અને દેશ અને દુનિયાના જુદા જુદા ભાગમાંથી આજે આ પવિત્ર દિવસ પર અહિયાં પધારેલા મારા તમામ વ્હાલા ભક્તજન ભાઈઓ અને બહેનો.
શ્રી ગુરુ રવિદાસજીની જયંતીના અવસર પર હું આપ સૌને અને વિશ્વભરમાં ફેલાયલા તેમના તમામ અનુયાયીઓ સહિત પ્રત્યેક દેશવાસીને ખુબ ખુબ અભિનંદન આપું છું.
મને આજે ઘણી પ્રસન્નતા છે કે ગુરુ રવિદાસની કૃપા તેમના આશિર્વાદથી હું મારું વચન નિભાવવા આપ સૌની વચ્ચે ફરીથી આવ્યો છું. વર્ષ 2016માં આજના જ પવિત્ર દિવસ પર મને અહિયાં માથું નમાવવા અને લંગર છકવાનો અવસર મળ્યો હતો. ત્યારે મેં આ સંપૂર્ણ પ્રાંગણ અને ગુરુના જન્મ સ્થાનના સૌદર્યીકરણ અને તેને વિકસિત કરવાની વાત આપ સૌને કરી હતી. તે પછી જ્યારે યુપીમાં યોગીજીની આગેવાનીમાં સરકાર બની તો મેં તેમને એક વ્યાપક પ્રોજેક્ટ અહેવાલ બનાવવાનો આગ્રહ કર્યો હતો. મને ખુશી છે કે જેની માંગણી તમે દાયકાઓથી કરી રહ્યા હતા, જેની જરૂરિયાત અહિયાં અનુભવાઈ રહી હતી. સરકારો આવતી રહી, વાતો કરતી રહી, પરંતુ તમારી આશા ક્યારેય પૂરી ના થઇ, તેને પૂરી કરવા તરફની દિશામાં આજે એક મંગળ કાર્યનો આરંભ થયો છે. શુભ શરૂઆત થઇ છે.
તમામ ભક્તજન પ્રથમ તબક્કામાં લગભગ 50 કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તૃતીકરણ અને સૌદર્યીકરણની યોજના બનાવવામાં આવી છે. તે અંતર્ગત અહિયાં માટે જે બીએચયુથી માર્ગ પસાર થાય છે તેને શણગારવામાં આવશે. 12 કિલોમીટરનો વધુ એક માર્ગ બનશે. ગુરુ રવિદાસજીની કાંસ્ય પ્રતિમા બનશે. એક માર્ગનું નિર્માણ થશે. કમ્યુનિટી હોલ બનશે અને બીજી જન સુવિધાઓનું નિર્માણ પણ થશે. એટલે કે આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ તમને અને અહિયાં આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક રીતે બધી જ સુવિધાઓ એક જ જગ્યા પર મળી જશે.
સાથીઓ, સંત રવિદાસજીની જન્મ ભૂમિ કરોડો લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ તો છે જ અને અહિયાંના સાંસદ હોવાના સંબંધે, તમારા પ્રતિનિધિના સંબંધે મારું એ સૌભાગ્ય છે કે આ પવિત્ર ધરતીની સેવા કરવાનું મને પણ સૌભાગ્ય મળ્યું છે. ભારતના સામાજિક જીવનને દિશા આપવા અને પ્રેરિત કરવાવાળી આ ધરતી છે. સંત રવિદાસજીના વિચારોનો વિસ્તાર અસીમ છે. તેમણે જે દર્શન આપ્યું છે તે જ સાચું જીવન જીવવાનો રસ્તો અને તે પણ ખુબ સરળ પદ્ધતિએ બતાવે છે. રવિદાસ કહે છે-
‘એસાચાહું રાજ મૈ, જહાં મિલે સબન કો અન્ન,
છોટ-બડો સબ સમાન બસે, રવિદાસ રહે પ્રસન્ન.’
એટલે કે ગુરુજીએ એવા ભારતની કલ્પના કરી હતી કે જ્યાં કોઇપણ પ્રકારના ભેદભાવ વિના સૌની મૂળભૂત જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે.
સાથીઓ, કેન્દ્રની સરકાર વીતેલા સાડા ચાર વર્ષથી આ જ ભાવનાને પૂરી ઈમાનદારી સાથે જમીન પર ઉતારવા માટે ભરપુર પ્રયાસો કરી રહી છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ અને વિકાસની પંચધારા એટલે કે બાળકોનું ભણતર, યુવાનોની કમાણી, વડીલોને દવા, ખેડૂતોને સિંચાઈ અને જન જનની સુનાવણી, તેની ખાતરી કરવામાં અમારી સરકાર સતત પ્રયાસો કરી રહી છે, લાગેલી છે. હમણાં થોડા સમયમાં જ હું બનારસમાં બે કેન્સર દવાખાનાઓ સહિત અનેક સ્વાસ્થ્ય સુવિધાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવા માટે પણ જઈ રહ્યો છું. તે સિવાય વારાણસી અને પૂર્વાંચલનું જીવન સરળ બનાવનારી બીજી અનેક પરિયોજનાઓ પણ આજથી શરુ થઇ રહી છે. આ બધી જ સુવિધાઓનો લાભ સમાજના દરેક વર્ગને એક સમાન રૂપે મળવાનો છે.
ભાઈઓ અને બહેનો, અમારી સરકારનું દરેક પગલું દરેક યોજના પૂજ્ય શ્રી રવિદાસજીની ભાવનાને અનુકૂળ છે. ગરીબ પરિવારોને પાક્કા મકાન, દરેક ઘરનું પોતાનું શૌચાલય, દરેક પરિવારને ઉજ્જવલા અંતર્ગત ગેસના સીલીન્ડર, ગરીબને મફત ઈલાજ, ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને કોઇપણ બાહેંધરી વિના મુદ્રા યોજના અંતર્ગત ધિરાણ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું અને હવે દેશના લગભગ 12 કરોડ ગરીબ ખેડૂત પરિવારોને દર વર્ષે છ હજાર રૂપિયાની સીધી મદદ અને આ તો હજી શરૂઆત છે. એવી અનેક યોજનાઓ છે, જે સમાજના તે વર્ગને ઉપર ઉઠાવવા માટે ચલાવવામાં આવી રહી છે કે જેઓ હંમેશા ઉપેક્ષિત રહ્યા, વંચિત રહ્યા.
ગુરુદેવ કહ્યા કરતા હતા, ના કોઈ જાત, ના કોઈ વર્ગ, ના કોઈ સંપ્રદાય કોઇપણ પ્રકારના ભેદથી ઉપર એક માણસ તરીકે સૌને આ યોજનાઓનો એકસમાન લાભ મળે અને મને સંતોષ છે કે મળી રહ્યો છે. સાથીઓ, પૂજ્ય સંત રવિદાસજી, આ પ્રકારનો સમાજ ઈચ્છતા હતા, જ્યાં જાતિ અને વર્ગના આધાર પર સમાજમાં કોઈ ભેદભાવ ના હોય. તેમણે કહ્યું હતું-
જાતિ જાતિ મેં જાતિ હૈ, જો કેતન કે પાત,
રૈદાસ મનુષ ના જુડ સકે, જબ તક જાતિ ન જાત.
અર્થાત જાતિ કેળના પાંદડા જેવી છે, જ્યાં પાંદડાની અંદર પાંદડા હોય છે. જાતિઓમાં પણ ઘણી બધી જાતિઓ છે. એવામાં જ્યાં સુધી જાતિના નામ પર કોઈની સાથે ભેદભાવ થશે, ત્યાં સુધી તમામ મનુષ્ય એકબીજા સાથે સંપૂર્ણ રીતે નહિ જોડાઈ શકે. સામાજિક સમરસતા સંભવ નહિ થઇ શકે, સામાજિક એકતા શક્ય નહિ બની શકે, સમાજમાં સમતા નહી આવે, સાથીઓ, ગુરુના ચીંધેલા આ રસ્તા પર જો સંપૂર્ણ ઈમાનદારી સાથે આપણે ચાલત તો આજનું ભારત જાતિઓના નામ પર થનારા અત્યાચારોથી મુક્ત થઇ ચૂક્યું હોત, પરંતુ દુર્ભાગ્યથી એવું ના બની શક્યું.
ભાઈઓ અને બહેનો, નવું ભારત આ સ્થિતિને બદલવાનું છે. આપણા નવયુવાન સાથીઓ, જે ડીજીટલ ઇન્ડિયાના સમયમાં ટેકનોલોજીના યુગમાં સામાજિક અને રાજનૈતિક વ્યવસ્થાનો ભાગ બની રહ્યા છે. આપણે બધા આ સ્થિતિને બદલવાના છીએ. આપણે એ લોકોના સ્વાર્થને ઓળખવો પડશે કે જેઓ માત્ર પોતાના દાણા પાણી પોતાના રાજનૈતિક સ્વાર્થ માટે જાત-પાતને ઉકસાવતા રહે છે.
સાથીઓ, એક બીજી બદી તરફ ગુરુએ આપણું ધ્યાન દોર્યું છે, જેના કારણે આપણા દેશને, આપણા સમાજને, ઘણી મોટી હાનિ થઇ છે. આ બદી છે બેઈમાનીની, બીજાના હકને મારીને પોતાનું હિત સાધવાની. ગુરુજીએ કહ્યું હતું-
શ્રમ કઉ ઈસર જાની કેઈ, જઉ પૂજે હી દિન-રૈન.
એટલે કે સાચો શ્રમ જ ઈશ્વરનું રૂપ હોય છે. ઈમાનદારી વડે જે કામ કરવામાં આવે છે, તેની કમાણી વડે જ જીવનમાં સુખ અને શાંતિ મળે છે. ગુરુજીની આ ભાવનાને વીતેલા સાડા ચાર વર્ષમાં આપણા રાજનૈતિક અને સામાજિક સંસ્કારોમાં ઢાળવાનો પ્રયાસ અમારી સરકારે કર્યો છે. નોટબંધી હોય, બેનામી સંપત્તિ વિરુદ્ધ કરવામાં આવી રહેલી કડક કાર્યવાહી હોય કે પછી કાળા નાણાની પ્રવૃત્તિ વિરુદ્ધ કડકાઈથી, તે પ્રવૃત્તિને નાબૂદ કરવાનો પ્રયાસ હોય, જેને વ્યવસ્થાનો એક ભાગ બનાવી લેવામાં આવ્યો છે. ભારતમાં આ બધું ચાલે, એવી માનસિકતા ઘર કરી ગઈ છે.
સાથીઓ, સંત રવિદાસજીના આશીર્વાદ વડે નવા ભારતમાં બેઈમાની માટે, ભ્રષ્ટ આચરણ માટે કોઈ સ્થાન હોય ના શકે. જે ઈમાનદારી વડે પોતાના પરિશ્રમથી આગળ વધવા માંગે છે, તેની માટે સરકાર તમામ સ્તર પર ખભે ખભો મિલાવીને ઉભેલી જોવા મળશે. તાજેતરમાં જ આપ સૌએ જોયું હશે કે જેઓ ઈમાનદારીથી વેરો ભરે છે, ટેક્સ આપે છે, એવા કરોડો મધ્યમ વર્ગના સાથીઓની પાંચ લાખ રૂપિયા સુધીની વેરાપાત્ર આવકમાંથી વેરો દુર કરી દેવામાં આવ્યો છે. એક બાજુ જનતાના પૈસા લુંટવાવાળાઓને સજા આપવામાં આવી રહી છે. બીજી તરફ ઈમાનદારીનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો, આપણે સૌ ભાગ્યશાળી છીએ, જેમને ગુરુઓનું, સંતોનું, ઋષિઓનું, મુનીઓનું, મનીષીઓનું માર્ગદર્શન મળ્યું છે. ગુરુઓનું આ જ્ઞાન આ મહાન પરંપરા આ જ રીતે આપણી પેઢીઓને રસ્તો ચીંધતી રહે, તેની માટે પણ અમારી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. ગયા વર્ષે જ મગહરમાં સંત કબીરજી સાથે જોડાયેલ સ્મારકનો શિલાન્યાસ કરવા માટે હું પોતે ગયો હતો. એ જ રીતે સારનાથમાં ભગવાન બુદ્ધ સાથે જોડાયેલ સંસ્કારોના પવિત્ર સ્થાનોને સંરક્ષિત કરવામાં આવ્યા છે, સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે. એ જ રીતે અમે ગુરુ નાનકદેવજીની 550મી જન્મ જયંતિના સમારોહોને સમગ્ર દુનિયામાં વ્યાપક સ્તર પર ઉજવી રહ્યા છીએ.
ભાઈઓ અને બહેનો, આપણા દેશ માટે, આપણા સમાજ માટે જેમણે પણ પોતાનું યોગદાન આપ્યું છે તેને સંપૂર્ણ શ્રદ્ધા સાથે સન્માન મળે, તેની માટે અમારી સરકાર, ભારત સરકાર અને રાજ્યની ઉત્તર પ્રદેશ સરકાર સંપૂર્ણ રીતે સમર્પિત છે. આપણી આ સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર આપણી શક્તિ છે, આપણી પ્રેરણા છે. તમારું જીવન સરળ બને, તેની માટે ગુરુ રવિદાસજીના ચીંધેલા માર્ગને અમે આગળ વધુ સશક્ત કરવાના છીએ. એક વાર ફરી આપ સૌને પૂજ્ય ગુરુ રવિદાસજીની જન્મ જયંતી, જન્મભૂમિના વિસ્તૃતીકરણના પ્રોજેક્ટ માટે ખુબ ખુબ શુભકામનાઓ આપું છું. આપ સૌનો ખુબ ખુબ આભાર પ્રગટ કરું છું અને પૂજ્ય ગુરુ મહારાજજીના ચરણોમાં નમન કરતા મારી વાણીને વિરામ આપું છું. ખુબ ખુબ આભાર!